Opinion Magazine
Number of visits: 10,222,499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ કાવ્યો

નવ્યાદર્શ|Poetry|13 March 2018

– ૧ –

પરિચિત દુનિયા

 
તારા શહેરમાં આવીને હું શું કરું ?
તારા શહેરની ગલીઓ, રસ્તાઓ
બધું અજાણ્યું છે મારા માટે,
અને તું !
તારા હોવાથી કંઈ શહેરની ગલીઓ,
રસ્તાઓ પરિચિત નહીં બની જાય.
તું જે રસ્તા પરથી લઈ જાય છે મને
ત્યારે હું તને જોઉં કે રસ્તાઓને ?
તું જે ગલીઓ, બાગમાં મને લઈ જાય છે
હું તને અનુભવું કે બાગ-ગલીઓને ?
તું એટલી પ્રતીક્ષા ન કર મારી,
ન કોઈ જીદ્દ કર,
હું બહુ દૂર છું, મને તું સ્વપ્નાંઓ ન બતાવ મને
કારણ કે,
હું જ્યાં રહું છું, એ પરિચિત દુનિયામાં
મારા કોઈ સપનાઓ મારા નથી.

•••

– ૨ –

મુગ્ધા

 
તે મને એક દિવસ કહ્યું હતું કે,
‘હું મુગ્ધા છું’
મને ખબર નથી કે હું શું છું.
પણ જ્યારથી તને સમજવા લાગી છું
ત્યારથી તારાથી બહુ દૂર થતી જાઉં છું.
તારાથી દૂર હોવું મને બહુ પાસે લાગે છે
અને દૂર રહીને હું તારી કાળજી પણ લઈ શકું.
તારું સામે હોવું
તને ક્યાંથી ખબર હોય
કે એ હોવું મારું સર્વસ્વ હોય છે
તું મારું પ્રતિબિંબ છે,
મારા ભાવોની અભિવ્યક્તિ છે,
મારા ચેહરાના બદલાતા ભાવો છે
અને તારી સામે હોવું એટલે આંસુના બંધને રોકી રાખવું.
તારું મળવું, સામે હોવું
મારા હોવાની અનુભૂતિ છે
અને તારાથી દૂર જવું
જુદાઈની એ એક પળ વસમી હોય છે …
આજે હું તારા માટે પરાઈ છું
મેં ક્યારે ય વિચાર્યું નોહ્તું કે
તારા શ્વાસોમાં હું હોઈશ
અને મારી આંખોમાં આંસુ નામે તું હોઈશ.
હું શું કહું તને ?
‘અલવિદા’ ?
જે તારાથી દૂર જતા પણ કહી શકતી નથી
કદાચ કહી પણ નહીં શકું
અને કહ્યા વગર જ એક દિવસ બહુ દૂર ચાલી જઈશ તારાથી.

•••

– ૩ –

સાધારણ છોકરી 

 
હું સાવ સાધારણ છોકરી છું
આકાશ નીચે અને જમીન પર રહું છું.
મારી પાસે મારાં નાનાં નાનાં સ્વપ્નાંઓ છે
બસ એ કહે છે કે
મારી મોટી આંખોથી હું
નાનાં સ્વપ્નાંઓ પણ મોટી રીતે જોઉં છું.
પણ હું છું કરું,
હું તો જેવી છું તેવી જ છું.
જ્યારે કોયલ આંગણાના ઝાડ પર બેસી બોલે છે
ત્યારે હું પણ બોલી ઊઠું છું
અને કોયલની ચાડી કરું છું. 
ખેતરમાં જો કોઈ મજૂર ન આવે
તો હું ખુદ મજૂર બની કામ કરવા લાગુ છું,
પપ્પાને શું હોય ?
પણ જ્યારે તેને ઊંઘ ન આવે ત્યારે
માથું દબાવી સુવડાવી દઉં છું,
મમ્મી તો વઢ વઢ કરી આખા ગામને સંભળાવે
તો ય મોડી ઊઠીને પણ ઘરનું બધું જ કામ કરી લઉં
હું તો બસ સાવ સાધારણ છોકરી છું.
પણ મને સ્વપ્નાંઓ બહુ મોટાં આવે
ઘરનો ઉંબરો ઓળંગવાના અને આકાશમાં ઉડવાના,
પણ હું શું કરું ?
મને બાંધી લે છે, મમ્મી ને પપ્પાની આંખો,
અને કપાઈ જાય છે મારી નાજુક, નમણી પાંખો …
કારણ કે, હું સાવ સાધારણ છોકરી છું ને !  

Email : navyadarsh67@outlook.com

Loading

દાંડીકૂચઃ જાણીતી હકીકતોથી આગળની વાત

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 March 2018

ગાંધીજીએ 61 વર્ષે જે ટુકડીની આગેવાની લીધી હતી એમાં 20 વર્ષ સુધીના 14 અને 21 વર્ષથી 35 વર્ષ સુધીના 53 સાથી હતા

અત્યંત જાણીતી હસ્તીઓ અને ઘટનાઓની એક નિયતી હોય છે— ભારતમાં તો ખાસઃ તેમના વિશે બધાએ સાંભળ્યું હોય, તેમને પૂજવામાં કે ઊજવવામાં આવતાં હોય, પણ પ્રાથમિક માહિતીથી આગળ મોટા ભાગના લોકોને જવાની જરૂર લાગતી ન હોય. કારણ કે, મોટા ભાગના લોકોના જીવનમાં એ વ્યક્તિ કે ઘટના ઇતિહાસના પેપરની ટૂંકનોંધ કે ખાલી જગ્યાથી વિશેષ મહત્ત્વ ધરાવતી ન હોય. મીઠાના વેરાના વિરોધમાં અને એ નિમિત્તે અંગ્રેજ સરકારને હચમચાવવા માટે ગાંધીજીએ કરેલી દાંડીકૂચ એવી જ એક ઘટના છે.


1930ની 12મી માર્ચની સવારે 6:20 કલાકે ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા, ત્યારે તેમણે ચોઘડિયું કે મુહૂર્ત જોવડાવ્યું ન હતું. પાકા ધાર્મિક-આસ્તિક ગાંધીજી ઇશ્વરની માન્યતા સાથે વળગેલી અંધશ્રદ્ધાથી સદંતર દૂર હતા. 78 અહિંસક સૈનિકો અને 79મા ગાંધીજી — આ બધામાં ગાંધીજીની ઉંમર સૌથી વધારે, 61 વર્ષ હતી. (ગાંધી શતાબ્દી નિમિત્તે દાંડીકૂચ વિશે પુસ્તક લખનાર કલ્યાણજી મહેતા અને ઇશ્વરલાલ દેસાઈએ કૂચ કરનાર સાથીઓનો કુલ આંકડો 80 આપ્યો છે અને તેમની યાદી પણ આપી છે. પરંતુ આધારભૂત ગાંધીસાહિત્યમાં તે આંકડો 78નો છે.) સૈનિકોમાં ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધી (38 વર્ષ) અને પૌત્ર કાંતિ (હરિલાલના પુત્ર, 20 વર્ષ) સામેલ હતા. આખી ટુકડીમાં ત્યાર પછી પણ જાણીતાં બન્યાં હોય એવાં નામ ત્રણ જ ગણી શકાયઃ પંડિત નારાયણ ખરે (42 વર્ષ, દાંડીકૂચના ચિત્રમાં હાથમાં તાનપૂરા સાથે દેખાતા), વાલજી ગોવિંદજી દેસાઈ (ગાંધીવાદી) અને સૌથી વધારે જાણીતા બનેલા ગાંધીજીના મંત્રી, ડૉ. સુશીલા નાયરના ભાઈ, ‘ધ લાસ્ટ ફેઝ’ના દળદાર ચાર ગ્રંથોના લેખક પ્યારેલાલ (30 વર્ષ).


ગાંધીજીમાં આત્મવિશ્વાસની જરા ય કમી ન હતી. એટલે જ, તે પોતપોતાની રીતે સમર્થ એવા નેતાઓને (પોતાનું સ્થાન જોખમાઈ શકે એવી ચિંતા વિના) સાથે રાખી શક્યા. દાંડીકૂચમાં તેમણે 61 વર્ષે અને ચાલતા જવામાં — એટલે કે શારીરિક કસોટીમાં— જે ટુકડીની આગેવાની લીધી હતી એ ટુકડીમાં 20 વર્ષ સુધીના 14 અને 21 વર્ષથી 35 વર્ષ સુધીના 53 સાથી હતા. સૌથી મોટા રામજીભાઈ વણકર 45 વર્ષના એટલે કે ગાંધીજીથી ખાસ્સા 16 વર્ષ નાના હતા.

કૂચ ગુજરાતનાં બે મથક વચ્ચે હતી, ભાગ લેનારા મોટા ભાગે મુંબઈ પ્રાંતના (વર્તમાન ગુજરાત-મહારાષ્ટ્રના), પણ તેનું સ્વરૂપ રાષ્ટ્રીય રહે તે માટે સંયુક્ત પ્રાંત (ઉત્તર પ્રદેશ), બિહાર, ઉત્કલ (ઓરિસ્સા), બંગાળ, પંજાબ, રાજપૂતાના (રાજસ્થાન), સિંધ, કેરળ, (પછીનું) આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા પ્રાંતોનું પણ પ્રતિનિધિત્વ કૂચમાં હતું. હિંદુઓ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, દલિત અને નેપાળી યાત્રી તેમાં સામેલ હતા. એક ભાઈ નામે હરિદાસ મજુમદાર વિસ્કોન્સિન(અમેરિકા)માં એમ.એ, પીએચ.ડી. થઈને તાજા જ આવ્યા હતા ને તે કૂચમાં જોડાયા.
સ્ત્રીઓને ઘરનાં બંધનોમાંથી બહાર કાઢનાર ગાંધીજીએ દાંડીકૂચમાં બહેનોને કેમ સામેલ ન કરી, તેનો જવાબ કૂચ પહેલાંની છેલ્લી જાહેર સભામાં આપ્યો. તેમણે કહ્યું કે બહેનો માટે હજી વાર છે. આ વખતે મારે આપણા જુવાનો અને આધેડોને માથાં ફોડાવતાં અને છાતીમાં ગોળીઓ ઝીલતાં શીખવવું છે. બ્રિટિશ સરકારને હું શેતાની સરકાર કહું છું. છતાં તેનામાં બહેનો ઉપર લાઠી અને ગોળી નહીં ચલાવવાની સભ્યતા રહેલી છે એમ હું માનું છું. એટલે બહેનોને દાખલ કરીને મારે તેમની ઓથે ભાઈઓને બચાવી લેવા નથી …


દાંડીકૂચ પહેલાં ગાંધીજીની ધરપકડ થશે એવી જોરદાર હવા હતી. સરકારે કૉન્સ્ટેબલની ઉપરના દરેકને સૉલ્ટ ઑફિસરનો હોદ્દો આપ્યો હતો. એ લોકો ગેરકાયદે મીઠાનું ઉત્પાદન અટકાવી શકે અને એવું કરનારની ધરપકડ કરી શકે. પરંતુ વાઇસરૉય ઇર્વિનને જાસૂસી ખાતા તરફથી એવા ખબર મળ્યા હતા કે ગાંધી આટલું લાંબું અંતર ચાલશે તો વચ્ચે જ ઢળી પડશે. એટલે તેમણે બ્રિટનના ગૃહમંત્રીને વધામણી ખાધી હતી કે ગાંધીની તબિયત સારી નથી. એ રોજ કૂચ કરશે તો રસ્તામાં જ મૃત્યુ પામશે ‘અૅન્ડ ઇટ વુડ બી એ વૅરી હૅપી સૉલ્યુશન’ (અને એવું થશે તો નિરાંત થશે.


પણ વાઇસરૉયની આશાઓ ફળી નહીં. ગાંધીજીની ધરપકડ કરવાની થાય તો તરત કરી શકાય એ માટે, સરકારે 28 વર્ષની લાંબી નોકરી ધરાવતા દેશી ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજી દેસાઈને કૂચની સાથે રાખ્યા હતા. પરંતુ એ નોબત આખી કૂચ દરમિયાન આવી નહીં. કૂચ ખેડા જિલ્લામાં પ્રવેશી ત્યારે ખેડાના અંગ્રેજ કલેક્ટરે સાથે રહેલા ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજીને કહ્યું કે કૂચ પર મનાઈહુકમ આપો. ત્યારે દુર્લભજીએ તેમને જ્ઞાન આપ્યું કે અમદાવાદમાં કોનું રાજ છે? અંગ્રેજનું. ત્યાં કલેક્ટર પણ હતા અને બધાના ઉપરી જેવા કમિશનર પણ. એ કોઈએ ધરપકડ ન કરાવી, તો તમે શા માટે માટે જોખમ વહોરો છો?


આમ, ધરપકડની વાત ટળી. દાંડી પહોંચીને કાયદાનો ભંગ કર્યા પછી કરાડી મુકામેથી ગાંધીજીની અડધી રાતે ધરપકડ થઈ ત્યારે તેના વિરોધમાં દુર્લભજી દેસાઈએ રાજીનામું આપી દીધું. કલ્યાણજી મહેતા – ઇશ્વરલાલ દેસાઈએ તેમના પુસ્તક ‘દાંડીકૂચ’માં આ પ્રસંગ નોંધીને લખ્યું છે કે દુર્લભજી દેસાઈ આગળ જતાં ગુજરાતમાં પ્રધાન બનેલા (‘નવજીવન’ના ટ્રસ્ટી) ઠાકોરભાઈ દેસાઈના કાકા થાય.


ધરપકડની શક્યતાઓ વચ્ચે કૂચના પાંચમા દિવસે ગાંધીજીએ આણંદમાં કહ્યું, ‘આ નીકળેલો કાફલો નાટકી નથી. થોડા દિવસનો એ ચટકો નથી. એ મરીને પણ પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી આપશે …’ એ વિધાન દાંડીકૂચના અંતે થયેલા રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહમાં લોકોએ સાચું પાડી બતાવ્યું. ધરાસણામાં મીઠાની ફૅક્ટરી પર કરેલી કૂચમાં સત્યાગ્રહીઓએ જે શિસ્તબદ્ધ ઢબે પોલીસનો માર વેઠ્યો, તે ‘ગાંધી’ ફિલ્મનું જ નહીં, ગુજરાતના-ભારતના ઈતિહાસનું અવિસ્મરણીય દૃશ્ય છે.


25 દિવસમાં આશરે 329 કિલોમીટરનું અંતર કાપીને પાંચમી અૅપ્રિલના રોજ ગાંધીજી સાથીદારો સાથે દાંડી પહોંચ્યા. (ક્યાંક 241 માઇલ એટલે કે 385 કિલોમીટર અંતર મળે છે. છતાં 329 કિલોમીટરના હિસાબે પણ રોજની 13 કિલોમીટરની સરેરાશ થઈ — 61વર્ષની વયે.) પાંચસોથી પણ ઓછા માણસની વસ્તી ધરાવતા દાંડીમાં ખાદીધારી સિરાજુદ્દીન શેઠે ગાંધીજીને આવકાર્યા અને પોતાના બંગલામાં ઉતાર્યા (જ્યાં હવે રાષ્ટ્રીય સ્મારક છે). છઠ્ઠી અેપ્રિલે દાંડીકૂચની સમાપ્તિ પછી ગાંધીજી એ જ વિસ્તારમાં રહ્યા, પણ સાથીદારોને પોતપોતાના ઠેકાણે જવાની રજા આપી. કારણ કે પ્રાંતોમાં પણ લડત ફેલાઈ ચૂકી હતી.


એકાદ મહિને, 5 મેની રાત્રે દોઢ વાગ્યે કરાડીથી ગાંધીજીની ધરપકડ થઈ. ત્યાં સુધીમાં ગાંધીજી આસપાસનાં ગામડાંમાં જતા હતા. તેમાં 9 અૅપ્રિલના રોજ ભીમરાડની મુલાકાત દરમિયાન જમીન પરથી મીઠું ઉપાડતા ગાંધીજીનો ફોટો (ખોટી રીતે, દાંડીકિનારાની તસવીર તરીકે) અત્યંત પ્રસિદ્ધ બન્યો.


જેલો ઉભરાઈ ગયા પછી અંગ્રેજ સરકારને ગાંધીજી સાથે, પહેલી વાર તેમને બરાબરીના દરજ્જે સ્વીકારીને, સમાધાન કરવાની ફરજ પડી. મુલાકાત વખતે વાઇસરૉય ઇર્વિને સમાધાનના માનમાં ચાનો વિવેક કર્યો. ત્યારે ગાંધીજીનું પીણું હતું લીંબુપાણી અને અંદર ચપટી મીઠું.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપતાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 11 માર્ચ 2018

Loading

સાર્વજનિક બ્રેસ્ટફીડિંગ અને સ્તનનું સેક્સ્યુલાઇઝેશન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2018

હોલિવૂડમાં જુલિયા રોબર્ટ્સ અને બોલિવૂડમાં દીપિકા પાદુકોણે સવાલ પૂછ્યો હતો: આ સિર્ફ સ્તન જ છે, અને હજારોની સંખ્યામાં છે.


મહિલા માટેની મલયાલમ પત્રિકા ‘ગૃહલક્ષ્મી’ના કવર ઉપર ગીલું જોસેફ નામની એક મૉડલ બાળકને સ્તનપાન કરાવતી હોય તેવી તસવીર છપાઈ છે, તેને લઈને વિવાદ થયો છે. અાંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે પત્રિકાના સંપાદક મંડળે સાર્વજનિક રીતે બાળકને દૂધ પીવડાવું તેમાં કંઈ ખોટું નથી તેવા સંદેશા સાથે આ તસવીર છાપી હતી. તસવીરમાં લખવામાં આવ્યું છે, ‘કેરળની માતાઓ કહી રહી છે, મહેરબાની કરીને આંખો પહોળી કરીને જોશો નહીં, અમારે બ્રેસ્ટફીડિંગ કરાવાનું છે.’


એ પછી કોલ્લમની જિલ્લા કોર્ટમાં સ્ત્રી અશિષ્ટ રુપણ નિષેધ અધિનિયમ, 1986 હેઠળ એક મુકદ્દમો પણ દર્જ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ તસવીર લક્ષણથી જ કામોત્તેજક છે અને સ્ત્રીત્વની ઈજ્જતને ઉતારે છે.’ તસવીરનો વિરોધ કરતા લોકોને વાંધો એ બાબતે પણ છે કે, મૉડલ જોસેફે ઈસાઈ હોવા છતાં સિંદૂર લગાવ્યું છે. પત્રિકાના સંપાદક મોંસી જોસેફે કહ્યું છે કે, અમે સાર્વજનિક જગ્યાઓ પર સ્તનપાન કરાવવાની માતાઓની જરૂરિયાત પ્રત્યે લોકોને જાગૃત કરવા માગતાં હતાં.


એક તરફ સ્તનપાન માતૃત્વનો અહમ હિસ્સો છે, તો બીજી તરફ એને ‘ખરાબ નજર’થી જોવાવાળા પણ કમ નથી. થોડા સમય પહેલાં અાંતરરાષ્ટ્રીય ‘ટાઇમ’ પત્રિકાએ પણ આવી જ તસવીર પ્રગટ કરી હતી, જેની બહુ ટીકા થઇ હતી. હમણાં બ્રાઝિલની નેશનલ એસેમ્બલીમાં એક મહિલાએ એના આઠ મહિનાના બાળકને સ્તનપાન કરાવાતી હાલતમાં ચર્ચામાં ભાગ લીધો હતો. જાગૃતિના આવા જ ઉદ્દેશ્ય સાથે કોલંબિયાના એક મૉલમાં બ્રેસ્ટફીડિંગ કરતી મહિલાનું એક પૂતળું મૂકવામાં આવ્યું છે જેથી સ્ત્રીઓ જાહેરમાં દૂધ પીવડાવતાં શરમાય નહીં.


અમેરિકામાં 47 રાજ્યોમાં જાહેરમાં સ્તન ખુલ્લા રાખીને કે ઢાંકીને મહિલાઓ સ્તનપાન કરાવી શકે તેવો કાયદો છે. ભારતમાં કોઈ સામયિકે સ્તનપાનની આવી તસવીર પહેલીવાર છાપી છે. આપણે ત્યાં સાડી પહેરેલી કેટલી ય મહિલાઓ સહજ રીતે સાર્વજનિક રીતે સ્તનપાન કરાવતી હોય છે. ગામડાઓમાં તો આવાં દૃશ્યો બહુ જ સામાન્ય છે. બ્લાઉઝ અને સાડીના છેડાની મદદથી આ સ્ત્રીઓ એમનું એકાંત ઊભું કરી લેતી હોય છે, પણ જેમણે સાડી ન પહેરી હોય તેમને ઘણી દિક્કત આવે છે.


મલયાલમ પત્રિકાએ સમાજને સંદેશને નામે સનસની ઊભી કરવા આવી તસવીર છાપી એવો આરોપ થવો બહુ સ્વાભાવિક છે કારણ કે, તસવીરમાં સાચે કોઈ માતા નથી, પણ એક અવિવાહિત મૉડલ છે. રાજ કપૂરે 1985માં ‘રામ તેરી ગંગા મૈલી’માં મંદાકિનીને પણ આવી જ રીતે સ્તનપાન કરાવાતી પેશ કરી હતી, ત્યારે ન તો કોઈ વિરોધ થયો હતો કે ન તો કોઈ કેસ. 1981માં કેન્દ્રના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડી હતી, તેમાં પણ મૉડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને એ સરાહનીય કદમ ગણાવાયું હતું.

ભારતમાં સ્તનપાનને લઈને આ વિરોધાભાસ શા માટે? જે બાબત અત્યાર સુધી પ્રાકૃતિક હતી, તે હવે શરમજનક કેમ લાગવા લાગી? ગામડાંઓમાં જે ક્રિયા તરફ કોઈનું ધ્યાન પણ નથી જતું, એ જ કામ શહેરોમાં ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો છે? પૌરાણિક ભારતમાં સ્તનને ઢાંકવાની પ્રથા જ નહોતી. આજે પણ આદિવાસી સ્ત્રીઓ સ્તન પ્રત્યે એટલી સજાગ નથી હોતી, જેટલી આધુનિક નારી શર્મસાર હોય છે.

કેમ? જે કેરળની પત્રિકાએ આ ચર્ચા છેડી છે, તે કેરળમાં છેક 18મી અને 19મી સદી સુધી સ્તનને ઢાંકવા વર્જિત ગણાતું હતું, અને માત્ર નામ્બુદ્રી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને નાયર સમાજની મહિલાઓ જ સ્તનને કવર કરતી હતી. સહજતા અને શર્મનો આ વિરોધાભાસ કેમ?


આનું એક સીધું કારણ છે, સ્તનનું સેક્સ્યુલાઇઝેશન. ભારતમાં નગ્નતા અને શર્મનો સંબંધ બહુ નવો છે. પૌરાણિક ભારતના જેટલા સંદર્ભો છે, તેમાં ભારતીય સમાજની નગ્નતા પ્રત્યેની સહજતા દેખાય છે. અાધ્યાત્મિક ભારતમાં શર્મનો સંબંધ નગ્નતા સાથે નહીં, ખરાબ કર્મ સાથે હતો, એની ગવાહી નાલંદા અને તક્ષશિલાના પ્રવાસે આવતા પરદેશીઓએ પણ પૂરી છે. સ્ત્રીએ શરીરને સંપૂર્ણપણે ઢાંકવું જોઈએ એ ખયાલ જ વિદેશી છે.

અબ્રાહમિક ધર્મોના સંપર્કમાં આવ્યા પછી જ ભારતીયો એમની નગ્નતા પ્રત્યે સજાગ થયા, અને શર્મ મહેસૂસ કરવા લાગ્યા. સ્તન બાળકને દૂધપાન કરાવવા ઉપરાંત નરની વાસનાનું કેન્દ્ર છે એ સજાગતા પણ પાછળથી આવી. એવું નથી કે એ વૃતિ નવી પેદા થઇ. માત્ર એટલું જ કે, આપણે એનાથી બહુ સચેત ન હતા.


સ્તનની પ્રાથમિક ઉપયોગિતા નવજાતને દૂધપાન માટેની જ છે, અને એટલે જ પ્રકૃતિએ, પુરુષને પણ સ્તન હોવા છતાં, સ્ત્રીના સ્તનમાં જ દૂધ પણ મૂક્યું છે. એનો સેકન્ડરી મકસદ સેક્સુઅલ આકર્ષણનો છે. માદા સ્તન તંદુરસ્તી અને ગર્ભધારણ(ચાઇલ્ડ્બેરિંગ)ની ક્ષમતાનું પ્રતીક છે.

સ્તન ઉપરથી નર નક્કી કરે છે કે, માદા તંદુરસ્ત રીતે બાળકને જીરવી શકશે કે નહીં. ચાઇલ્ડ્બેરિંગ હિપ્સની પાછળ પણ આ જ વૃતિ છે. જેટલાં મોટાં સ્તન અને હિપ્સ, એટલી તંદુરસ્તીની સાબિતી, અને એટલે એ આકર્ષણનું કેન્દ્ર. માણસ જ નહીં, તમામ પ્રાણીઓમાં સેક્સુઅલ સિલેક્શન આ પ્રમાણે જ થાય છે. તમામ નર આ જ રીતે સમાગમ માટે માદાની પસંદગી કરે છે. ચાર્લ્સ ડાર્વિને સૌથી પહેલાં આ સેક્સુઅલ સિલેક્શનની થિયરી વિકસાવી હતી.


સ્તનના આ પ્રાઇમરી (દૂધપાન) અને સેકન્ડરી (આકર્ષણ) હેતુ વચ્ચેના અસંતુલનમાંથી આધુનિક સમયમાં એનું સેક્સ્યુલાઇઝેશન થયું છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા દ્વારા પ્રકાશિત એક પુસ્તક Inventing Baby Foodમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દ્વિતીય મહાયુદ્ધમાં અમેરિકન સરકારે સૈનિકોને લડવાનો જુસ્સો આવે તે માટે સૈન્યની ટુકડીઓમાં મોટી છાતીઓ અને હિપ્સવાળી પીન-અપ ગર્લ્સનાં કેલેન્ડર પ્રમોટ કર્યાં હતાં, તેના પગલે જે સોફ્ટ-પોર્ન આવ્યું અને હોલિવૂડનું મેરિલીન મુનરોકરણ થયું તેમાંથી સ્તનના સેક્સ્યુલાઇઝેશનમાં ગતિ આવી. અહીંથી સ્તન બાળકના પોષણ તરીકે ઓછાં, અને પુરુષોના આનંદના સોર્સ તરીકે વધુ જોવાવા લાગ્યાં.


સ્તનને મજબૂત રાખે તેવા બ્લાઉઝ અને બ્રાની લોકપ્રિયતા પણ અહીંથી જ આવી હતી. સ્તન જ્યારે પુરુષોની નજરોના ઓબ્જેક્ટ બનવા લાગ્યાં ત્યારે તેમાં શર્મનો પ્રવેશ થયો અને અમેરિકામાં પણ સાર્વજનિક સ્થળોએ સ્તનપાન ઘટવા લાગ્યું. અમેરિકન સંસ્કૃિતમાં સ્તન સેક્સનો એટલો જબરદસ્ત પર્યાય બની ગયાં હતાં કે, 60ના દશકમાં અમેરિકામાં નારીવાદીનું એક કાઉન્ટર-રિએક્શન આવ્યું,

જેમાં 1968ની મિસ અમેરિકન પ્રતિયોગિતામાં 400 સ્ત્રીઓએ પુરુષની ગુલામીના પ્રતીક સમી બ્રા સળગાવી હતી. 1999માં ‘નોટિંગ હિલ’ ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સે આવા જ ભાવ સાથે કહ્યું હતું, ‘આ સિર્ફ સ્તન જ છે. દુનિયામાં દરેક બીજી વ્યક્તિ પાસે એ છે … એ દૂધ માટે છે, તમારી મા પાસે પણ છે, હજારોની સંખ્યામાં જોયા હશે, આટલી ઝંઝટ શું કામ?’ 2014માં દીપિકા પાદુકોણનો ચોક્કસ એન્ગલથી ફોટો પાડવામાં આવ્યો ત્યારે તેણે એ સમાચારપત્રને લખ્યું હતું, ‘હું સ્ત્રી છું, મને સ્તન પણ છે અને ક્લીવિજ પણ. કોઈ પ્રોબ્લેમ છે?’ આવો જ સવાલ મંદાકિનીએ ટ્રેનમાં સ્તનપાન કરાવતી વખતે એને તાકી રહેલા ‘મણિલાલ’ને પૂછ્યો હતો. ગૃહલક્ષ્મીની ગીલું જોસેફ પણ સ્તનના સેક્સ્યુલાઇઝેશન સામે એવો જ સવાલ ઉઠાવી રહી છે: આપણે પાછા સહજ બની શકીશું?

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપતાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 11 માર્ચ 2018

Loading

...102030...3,3263,3273,3283,329...3,3403,3503,360...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved