Opinion Magazine
Number of visits: 9843234
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂલ્ય સમયનું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|31 May 2025

રચના અને નેહા સમવયસ્ક હતી અને સાથે અભ્યાસ કરતી હતી. નેહાનો સ્વભાવ સરળ અને જતુ કરવાની ભાવના વાળો હતો. જ્યારે રચનાનો સ્વભાવ અકડું અને અભિમાન વાળો હતો. રચનાના પપ્પા શહેરના નામાંકિત વકીલોમાંના એક હતા. ધિકતી પ્રેક્ટિસ અને અઢળક આવક હતી. સંતાનમાં રચના એક જ હતી આથી વધુ પડતા લાડપ્યારથી ગર્વિષ્ઠ અને અમીરીમાં રાચતી થઈ ગઈ હતી. તે માનતી કે પૈસા જ સર્વસ્વ છે. ઘણી વખત તેના પપ્પા તેને કહેતા, “બેટા, પૈસા નહીં પણ સમય બળવાન છે. સમયને માન આપતા શીખ. કોઈનો સમય ક્યારે ય એક સરખો હોતો નથી. આજે આપણો સમય બળવાન છે તો કાલે તે નબળો પણ પડી શકે છે.” પણ, રચના કહેતી, “ના પપ્પા, મારો સમય હંમેશાં એવો જ રહેવાનો છે. મારે કોઈની જરૂર નહીં પડે, બીજાને મારી જરૂર પડશે.”

નેહાના પપ્પા એક પેઢીમાં કામ કરતા હતા. સામાન્ય આવક હતી. કુટુંબમાં ત્રણ બાળકો અને પત્ની સાથે પાંચ જણાનો નિર્વાહ કરવાનો હતો એટલે આર્થિક સંકડામણ રહેતી હતી. નેહા સમજુ હતી અને અભ્યાસમાં સારી હોવાથી, સરળ સ્વભાવની હોવાથી જરૂરી મદદ મળી રહેતી. રચનાને નેહા સાથે મિત્રતા હતી, પણ તે પોતાની મોટાઈ બતાવવા માટે હતી. નેહાની આગળ પોતે પૈસાદાર હોવાનું પ્રદર્શન કર્યા કરતી. નેહાને તે ગરીબ છે એવો અહેસાસ કરાવતી રહેતી. રચના, બીજી સખીઓ વચ્ચે પણ નેહાને ઉતારી પાડતી, અપમાનિત કરતી. નેહા બધું જ સમજતી હતી, પણ તેને પોતાની આર્થિક પરિસ્થિતિ અને સમય અને સંજોગોનો ખ્યાલ હતો. ઘણી વખત બીજી સખીઓ પણ નેહા સાથેના આવા વ્યવહાર માટે રચનાને ટોકતી, તો રચના કહેતી તેને આજે પણ મારી જરૂર પડે છે અને પછી પણ પડશે. મને એ શું ખપ લાગવાની છે? મારે તેની જરૂર ક્યારે ય નહીં પડે. નેહાને પણ રચનાની આવી વાતોની ખબર હતી, પણ એ પોતાના સ્વભાવને લઈને ગમ ખાઈ જતી, કોઈ પ્રતિભાવ આપતી નહોતી.

સમયનું ચક્ર ફરતું રહ્યું. નેહાનો દીકરો અતુલ એક ખ્યાતનામ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર થઈ ગયો હતો. તેની મુલાકાત માટે પંદર પંદર દિવસ રાહ જોવી પડતી. અદ્યતન હોસ્પિટલ હતી. તેનો એક નિયમ હતો, ગરીબ હોય કે પૈસાદાર દરેકને મુલાકાત નિયમ પ્રમાણે જ આપવામાં આવતી અને તે જ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હતી. લાગવગને કોઈ સ્થાન નહોતું. તે માનતો કે ગરીબ હોય કે પૈસાદાર રોગ માટે બધા સરખા હોય છે અને તેની કુશળતા જોતા બધાં જ તેના આ વિચારને/નિયમને માન આપતા.

વિધિને કરવું ને રચનાના દીકરાને એક્સસિડેન્ટ થયો. માથાના ભાગે સખત ઇજાઓ થઈ અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ હતું, ડૉક્ટરોનો મત હતો કે આ ઓપરેશન ડૉક્ટર અતુલ સિવાય કોઈ નહીં કરી શકે. ડૉક્ટર અતુલની આવા કોમ્પ્લિકેટેડ ઓપરેશનમાં માસ્ટરી હતી અને ઘણા અસંભવ હોય તેવા કેસમાં સફળતા મેળવી હતી. પણ, તેની મુલાકાત તો પંદર દિવસ પછી મળે અને એટલો સમય દર્દી પાસે નહોતો, તો શું કરવું?

રચનાએ કહ્યું, ડોકટર અતુલને ફોન કરીને તપાસ તો કરીએ, એ, શું કહે છે. ફોન કરતા જવાબ મળ્યો “સાહેબની મુલાકાત પંદર દિવસ પહેલાં શક્ય નથી, બહુ લાબું વેઇટિંગ લિસ્ટ છે.” 

“સાહેબને કહો કે મારા દર્દી પાસે એટલો સમય નથી. તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે જે ફક્ત ડોકટર અતુલ સાહેબ જ કરી શકો એમ છે. સાહેબને કહીને કંઇક રસ્તો કાઢો.”

 “ના, એ શક્ય નથી, સાહેબનો નિયમ છે એટલે અમે કંઈ મદદ નહીં કરી શકીએ.” 

“તો અમે સાહેબને રૂબરૂ મળી શકીએ?” 

“જેવી તમારી ઈચ્છા પણ સાહેબે આજ સુધી પોતાના નિયમમાં બાંધછોડ કરી નથી.”

રચનાને તપાસ કરતાં ખબર પડી કે સ્કૂલ, કોલેજના દિવસોમાં સદા ય જેને ઉતારી પાડતી, બે-ઈજ્જત કરતી અને ગરીબાઈની ઠેકડી ઉડાડતી એ નેહાનો પુત્ર જ ડૉક્ટર અતુલ છે. તેને બીક લાગી. હું નેહાને મળવા જાઉં અને તે તેના દીકરાને ઓપરેશન કરવાની ના પાડી, મેં કરેલી બે-ઈજ્જતીનો બદલો લે તો. પણ, તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત છે, જો ઓપરેશન સમયસર નહીં કરવામાં આવે તો દીકરાને બચાવો મુશ્કેલ છે. જે થાય તે હું નેહાને મળવા જઈશ, પગમાં પડી મારા કૃત્યોની માફી માગી લઈશ. નેહા મોટા દિલની છે મને જરૂર મદદ કરશે.

આલીશાન બંગલાની ડોરબેલ વાગી, માણસે બારણું ખોલ્યું, “કોનું કામ છે? ડૉક્ટર સાહેબ ઘરે કોઈને મળતા નથી.”

 “મારે નેહા મેડમનું કામ છે.”

“બેસો, હું મેડમને વાત કરું છું.” રચના મોંઘા ઇટાલિયન સોફા ઉપર બેઠી. માણસે મોંઘી ટ્રેમાં પાણી આપ્યું.

“અરે! રચના તું? આપણી ઘણા લાંબા સમય પછી મુલાકાત થઈ.”

“તું મને ઓળખી ગઈ?” 

“તને તો હું કેમ ભૂલું. એ દિવસોને કેમ ભૂલું કે એક પણ મોકો મને બે-ઇજ્જત કરવાનો તું છોડતી નહોતી.” 

“એમ બોલમાં મને આજે મારા એ ભૂતકાળનાં કૃત્યનો અફસોસ અને પસ્તાવો થાય છે.”

“રચના એ દિવસોમાં તારાં વર્તનને કારણે મેં ખૂબ માનસિક ત્રાસ ભોગવ્યો છે. છતાં આજે હું જે કંઈ છું, એ તારાં વર્તનના પરિણામે છું. તારી એ અવહેલનાએ જીવનમાં કંઈક કરી બતાડવાનું જોશ અને જોમ આપ્યું. હું તો કંઈ ન કરી શકી, પણ મારા દીકરાને એક ઉચ્ચ અને ખ્યાતનામ વ્યક્તિ બનાવી શકી. આજે મારા અતુલનું ડૉક્ટર જગતમાં નામ અને સ્થાન છે.”

“હા, પણ તું શું કામ આવી છો? આપણે ખોટી વાતે ચડી ગયાં.” રચના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

“તું રડમાં. શું વાત છે એ કહે.” રચનાએ બધી વાત કરી. “મારા કૃત્યની સજા મારા દીકરાએ ન ભોગવવી પડે. મને માફ કરી દે.”

“અરે! રચના એ સ્કૂલ, કોલેજના દિવસો હતા. ભૂલી જા એ બધું. મેં તને ત્યારે પણ જવાબદાર નહોતી ગણી. કારણ કે એમાં તારો કોઈ વાંક નહોતો મારી પરિસ્થિતિ જ એવી હતી.” 

“નેહા તું કેટલી ઉદાર દિલની છો. કાશ! હું, પણ તે સમયે પૈસાના અભિમાનમાં ન આવી હોત તો. મારા પપ્પાએ પણ સમજાવી હતી. બેટા, સમયને માન આપતા શીખ. સૌનો સમય એક સરખો નથી રહેતો. આજે મને સમજાય છે. મારા પપ્પા કેટલા સાચા હતા.”

નેહાએ અતુલને ફોન કર્યો, બેટા, તારું કામ છે, તું જરા ઘરે આવી જા. નેહાએ અતુલને રચનાની વાત કરી. “મમ્મી, તું તો મારા નિયમને જાણે છે.”

“હા, બેટા, તારા એ નિયમ ઉપર મને ગર્વ છે. પણ, બેટા, તારી આ માતાનું રચના માસી ઉપરનું ઋણ ચૂકવવા, મારી ખાતર નિયમમાં તારે બાંધછોડ કરવી પડશે.”

“ભલે મમ્મી, જેવી તમારી આજ્ઞા.”

રચનાએ કહ્યું, “બેટા, અતુલ, તારી મમ્મી, નેહા બહુ જ ઉમદા વ્યક્તિ છે. અને તેનો દીકરો પણ ઉમદા જ હોય. આજે મને સમયનું મૂલ્ય સમજાયું, સમયને માન આપશો તો સમય તમને માન આપશે.”

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

લગ્ન કે લિવ-ઇન રિલેશનશીપ, શું સારું? 

સોનલ પરીખ|Opinion - Opinion|31 May 2025

‘આપણી વચ્ચે નથી બીજું કઈં, એક નાતો છે અને નિર્ભેળ છે’ – આધુનિક મૂલ્યો અને જીવનશૈલીએ જટિલ બનાવેલા સંબંધો, લગ્નસંસ્થા પર ઊઠતાં પ્રશ્નો અને લિવ–ઇન રિલેશનશીપની વ્યાવહારિક મુશ્કેલીઓ વચ્ચે હાલકડોલક સ્ત્રીપુરુષ સંબંધો નિર્ભેળ નાતાની પાદર્શકતા ક્યાં શોધશે?  

સોનલ પરીખ

મુસ્લિમ મા શીરીન મોહમ્મદઅલી, ફિલ્મસર્જક મહેશ ભટ્ટના હૃદયનો એક આળો ખૂણો છે. મહેશ ભટ્ટના પિતા અને વીતેલા યુગના નિર્માતા-નિર્દેશક નાનાભાઇ ભટ્ટ નાગર બ્રાહ્મણ હતા, મુસ્લિમ પ્રેમિકા સાથે પરણી ન શક્યા અને હિન્દુ યુવતી હેમલતા સાથે પરણવું પડ્યું. શીરીન સાથેનો પ્રેમ અતૂટ હતો, પણ 1930-40ના એ જમાનામાં સંબંધ ટકાવવામાં બંનેને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી હશે? લગ્નનું સન્માન ન પામેલી, સામાજિક ઉપેક્ષા અને અપમાનોનો ભોગ બનેલી મા પ્રત્યે મહેશ ભટ્ટને એક અજબ લગાવ હતો. આ આખી વાત એમણે 1998ની ફિલ્મ ‘ઝખ્મ’માં મૂકી છે. મધર્સ ડે નિમિત્તે એ મા-દીકરાના સંઘર્ષ પ્રત્યે આદર વ્યક્ત કરું છું.

આજે આપણે આવા સંબંધોને લિવ-ઈન રિલેશનશીપ તરીકે ઓળખીએ છીએ. સમાજમાં આવા સંબંધોનું પ્રમાણ વધ્યું છે અને કાયદો પણ તેને કૂણી નજરે જોવા લાગ્યો છે ત્યારે વિચાર આવે કે લગ્ન સારાં કે લિવ-ઈન રિલેશનશીપ? ઓશો વર્ણવે છે તેમ ભયથી ફફડતાં બે બાળક એકબીજાને વળગીને બેઠાં હોય એમ જીવતાં પતિપત્નીની સંખ્યા ધારીએ છીએ તેના કરતાં ઘણી વધારે છે. સાથે રહેવાનું ફાવતું ન હોય ને પ્રેમ જેવું કશું બચ્યું ન હોય તેમ છતાં આવાં લગ્નો ટકી જાય છે, કારણ એકલતા, ટીકા, નિષ્ફળતાઓ ભય અને બાળકોની ચિંતા. લિવ-ઈન રિલેશનશીપ પર આવા બોજ કે બંધન હોતાં નથી. વ્યક્તિગત અધિકાર રક્ષાય છે. સ્વપ્નો જોવાની, પૂરાં કરવાની મોકળાશ હોય છે. સાથે રહેવું ગમે છે એ જ સાથે રહેવાનું કારણ હોય છે. પણ એ ચિત્ર પણ દૂરથી લાગે છે તેટલું સુંદર હોતું નથી. વળી ભારતમાં લગ્નને જન્મજન્માંતરનો સંબંધ માનવામાં આવે છે અને લિવ-ઇનને અપરાધ ન ગણવા છતાં કાનૂની સમર્થન ઓછું છે. સામાજિક સમર્થન તો બિલકુલ નથી. 

કેરળની એક કન્યાના પિતાએ દીકરી ગુમ થઈ છે એવી એફ.આઇ.આર. લખવી. છોકરી મળી, ખબર પડી કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં છે. છોકરી પુખ્ત હતી, પણ છોકરો પુખ્ત ન હતો એટલે લગ્ન કાયદેસર અમાન્ય ઠર્યાં. છોકરો સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યાં બે જજની બેન્ચે ચુકાદો આપ્યો કે ‘છોકરી પુખ્ત છે, બંને લગ્નમાં ભલે બંધાઈ ન શકે, પણ લગ્નબહાર પોતાની મરજીથી સાથે રહી શકે છે. 2005ના પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અન્વયે આ કન્યા, પિતાની લાગણી કે અહમથી દોરવાયા વિના પોતાને પુખ્ત નાગરિક તરીકે કાયદાએ આપેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી નિર્ણય લઇ શકે છે.’ 

2015ના જુલાઈમાં સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશીપને ‘એન એક્સેપ્ટેબલ કસ્ટમ ઇન ઇંડિયન સોસાયટી’ જાહેર કરી. ભારતની સંસ્કૃતિ અને પરંપરાને આ માફક આવે તેવી વસ્તુ નથી એટલે કાયદાએ ગમે તે કહ્યું, સમાજે પરવા કરી નહીં. 29 વર્ષની એક સુંદર બુદ્ધિમાન ને સારું કમાતી યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવાનું શરૂ તો કર્યું. લિવ-ઇન ‘સ્ટેટ્સ’ છુપાવ્યું નહીં, પરિણામે ત્રણ વર્ષમાં વીસ જેટલાં ઘર બદલવા પડ્યાં. ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડીને વ્યક્તિગત રીતે પણ લિવ-ઇન રિલેશનશીપ ખાસ કોઈના ગળે ઊતરતી નથી. લગ્નમાં હજાર સમસ્યાઓ હશે, પણ તેમાં જે રીતે વ્યક્તિઓ, સંતાનો, પરિવાર અને સમાજ સચવાય છે તે રીતે લિવ-ઇનમાં સચવાતાં નથી.

બીજી તરફ લિવ-ઇનમાં જે સ્વતંત્રતા, સમાનતા અને સ્પેસ મળે તે લગ્નમાં સ્વપ્ને પણ કલ્પી ન શકાય. લિવ-ઇનની બાબતમાં પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો હવાલો અપાતો હોય છે. આ કાયદો લગ્ન અને ‘લગ્ન જેવા’ બંને સંબંધમાં લાગુ પડે છે. એ મુજબ સ્ત્રીને લગ્નમાં કે લિવ-ઇનમાં મેઈન્ટેનન્સનો હક અને લિવ-ઇનથી જન્મેલાં બાળકોને વારસાહક મળે છે.  

અજંપા અને અપેક્ષાઓના આ યુગમાં લગ્નજીવનનાં બંધનો ને જવાબદારીથી અને એકબીજાના સતત સહવાસથી ત્રાસી-કંટાળી ગયેલાં હોય એવાં યુગલોની સંખ્યા વધતી જાય છે. બેવફાઇ કે નવીનતાની શોધ કે શારીરિક આકર્ષણ કે હલકી રુચિ વગેરે કારણો હોય જ એવું પણ જરૂરી નથી. એવાં અનેક યુગલો આપણી આસપપસ મળે જે નક્કર ફરિયાદ ન હોવાથી છૂટાં ન પડ્યાં હોય, પણ એમને સાથે રહેવામાં બિલકુલ મજા ન આવતી હોય. ભારતીય માનસ ઊંડું ઊતરતું નથી, ગંભીરતાથી વિચારતું નથી. મજા ન આવવાની જવાબદારી અન્ય પર ઢોળવાનું એને વધારે ફાવે છે, કેમ કે એમ કરવાથી જવાબદારી પોતાની ન રહે – સામા પક્ષની થઈ જાય અને જવાબદારી પોતાની ન હોય એટલે પોતે કઈં મહેનત કરવાની ન રહે. 

વળી આપણે ભારતીયો પ્રારબ્ધવાદી. કર્મનો સિદ્ધાંત હાથવગો. સલાહો આપનારા પુષ્કળ. સમાજનો ડર ઘણો મોટો. લોકો શું કહેશે એ વિચાર પર જિંદગીઓ ખર્ચવાની ટેવ. કાઉન્સેલરને મળી શકાય એવો વિચાર કદી આવે નહીં. એટલે સંબંધો સુધરવાની શક્યતા નહીંવત. બીજી બાજુ પરસ્પર હિતો સંકળાયેલાં હોય, સંતાનો થયાં હોય, છૂટા થવાની ન સગવડ હોય, ન હિંમત. લગ્ન તોડવાં એ પણ એક મોટી જવાબદારી છે. એટલે સહજીવનનું ગાડું ખેંચાયા કરે. સંબંધો સુધરે નહીં ને અલગ પણ ન થવાય.

એટલે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે પુખ્ત વ્યક્તિઓને લગ્ન વગર સાથે રહેવાનો અધિકાર છે ત્યારે અનેકને થયું કે સારું જ છે, સાથે રહો પણ બંધાઓ નહીં ને ફાવે ત્યારે સામાન સાથે ચાલતી પકડો. નિષ્ણાતો માને છે કે લિવ-ઇન રિલેશનશિપને લઈને સમાજ બે જૂથોમાં વહેંચાયેલો છે જ્યાં બંને પક્ષોના પોત-પોતાના મંતવ્યો અને દલીલો છે. પરંતુ સમાજનું જ એક સત્ય એ પણ છે કે આવા સંબંધોમાં રહેતા યુવાનો હજુ પણ તેમના વિશે ખુલીને વાત કરતા નથી. તેઓ હજુ પણ ખચકાટ અનુભવે છે. ભારત પરંપરાઓનો દેશ છે છતાં. યુવાનોમાં લિવ-ઇનનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે એ સ્વીકારવું પડે. એકબે વર્ષમાં તૂટી ગયેલા અને દાયકાઓ સુધી ટકી ગયેલા સંબંધો એમાં જોવા મળે. 

દરેક સંબંધની જેમ લગ્ન અને લિવ-ઇન બંનેના ફાયદા અને ગેરફાયદા, પ્રોઝ અને કોન્સ છે. લિવ-ઇનમાં સ્ત્રીપુરુષ એકબીજાને વધારે સારી રીતે જાણી શકે છે કેમ કે એમને ખલેલ પાડવા પરિવાર, વડીલો, સામાજિક અપેક્ષાઓ વગેરે હોતાં નથી. સંબંધ ટકવા પાછળ પ્રેમ અને પ્રતિબદ્ધતા હોય છે. ઉપરાંત આજના સ્પર્ધા, મહત્ત્વાકાંક્ષા અને કારકિર્દીના જમાનામાં અધિકાર નહીં, જવાબદારી પણ નહીં અને ન ફાવે ત્યારે છૂટા પડી જવાનું સરળ એવી લિવ-ઇનની વ્યવસ્થા વધારે અનુકૂળ છે. પણ લિવ-ઇનમાં સ્થિરતા નથી. લગ્ન જેવી સુખદુ:ખમાં સાથ આપવાની પ્રતિજ્ઞા નથી. પતિપત્ની લગ્ન બચાવવા બનતું બધું કરી છૂટે છે જ્યારે લિવ-ઇનમાં નાના મતભેદો પણ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. ત્યાર પછી સ્ત્રીને વ્યવસ્થિત સાથી મળવાની તક બહુ ઓછી થઈ જાય છે. લગ્નમાં એક ગહનતા છે, જે લિવ-ઇનમાં ભાગ્યે જ જોવા મળે છે. 

લિવ-ઇન કદાચ આધુનિક યુવાનોનો ‘શોર્ટ-કટ’ હોય એમ માનીને 24-25 વર્ષના બેચાર યુવકયુવતીઓ જઈ રહ્યા હતા એમને ઊભા રાખીને પૂછ્યું, ‘યંગ ફ્રેન્ડ્ઝ, તમે લગ્નમાં માનો છો કે લિવ-ઇનમાં?’ ખડખડ હાસ્ય પછી તેઓ કહે, ‘તમે લોકો આટલા ગંભીર થઈને લગ્ન કે લિવ-ઇન એવું વિચારવા બેસી જાઓ છો તે કરતા બંનેના પ્લસ પોઈન્ટ જેમાં હોય એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાનું વિચારતા હો તો? અમે તો એમાં માનીએ.’ અને ઝરણાંની જેમ કલકલ કરતા પોતાને રસ્તે ચાલ્યાં ગયાં. 

વિચાર ખોતો નથી – શું કહો છો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 મે  2025

Loading

સિંદૂર વિતરણમાં સીઝફાયર ! 

રમેશ સવાણી|Opinion - Opinion|31 May 2025

‘ઓપરેશન સિંદૂર’માં અચાનક સીઝફાયર થતાં લોકો ચોંકી ગયા હતા. હજુ પહેલગામમાં આતંકીઓ પકડાયા ન હતા, ત્યાં સીઝફાયરના નિર્ણયથી મોદીજીની ઈમેજ ધૂળમાં મળી ગઈ હતી. ડેમેજ કંટ્રોલ માટે ‘ઓપરેશન સિંદૂર’ને આગળ કરી ઠેરઠેર અતિ ખર્ચાળ રેલીઓ શરૂ કરી. સિંદૂર વિતરણની જાહેરાતો કરી. 28 મે 2025ના રોજ સિંદૂર વિતરણનો આખો કાર્યક્રમ છાપ્યો. ‘ન્યૂઝ 24 ડિઝિટલે’ પણ સિંદૂર વિતરણની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ કહ્યું કે સરકાર લગ્ન પ્રસંગે સિંદૂર ભેટ આપશે ! સત્તા ટકાવી રાખવા બદમાશો કોઈ પણ હદે જાય છે ! 9 જૂન 2025થી દેશ આખામાં ભા.જ.પ.ના નેતાઓ / કાર્યકરો સિંદૂર લઈને ઘેર ઘેર જવાની ઝૂંબેશ શરૂ કરવાના હતા અને એક મહિના સુધી આ ઝૂંબેશ ચાલવાની હતી.

સોશિયલ મીડિયામાં સિંદૂર વિતરણ સામે જબરજસ્ત વિરોધ થયો. લોકોએ વડા પ્રધાનનાં પત્ની જશોદાબહેનને યાદ કરીને મજાક શરૂ કરી. કોઈએ કહ્યું કે ભા.જ.પ.ના કાર્યકરો સિંદૂર આપવા ઘેર આવે તો રિટર્ન ગિફ્ટમાં બંગડીઓ ભેટમાં આપજો ! કાઁગ્રેસ / આમ આદમી પાસ / મમતા બેનરજીએ ઊહાપોહ કર્યો. લોકોએ સવાલો પૂછવાનું શરૂ કર્યું કે નોટબંધી દરમિયાન પોતાના પૈસા કાઢવા જતા 200 લોકો શહીદ થઈ ગયા હતા, એમની વિધવાઓના સેંથાનું શું? કોવિડ દરમિયાન, 24 કલાક સુધી સ્મશાનમાં મૃતદેહો સળગાવવામાં આવતા હતા, ગંગા ઘાટ મૃતદેહોથી ભરેલા હતા, 40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા ! તે વિધવાઓના સેંથાનું શું? ત્રણ કાળા કૃષિ કાયદાઓ સામેના આંદોલનમાં શહીદ થયેલા 700 ખેડૂતોની પત્નીઓના સેંથાનું શું? દરરોજ ઘણા ખેડૂતો અને મજૂરો આત્મહત્યા કરી રહ્યા છે, તેમની પત્નીઓના સેંથાનું શું? આર્થિક સંકટ અને બેરોજગારીથી પરેશાન, દેશમાં દર વર્ષે 12,000 લોકો આત્મહત્યા કરે છે, તેમની પત્નીઓના સેંથાનું શું? આ મોંઘવારીમાં, જે મહિલાઓ પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકીને બે ટંકના રોટલાનો મેળ કરી રહી છે, શું તેમના ઘરે પણ સિંદૂર લઈ જાત? કદાચ આવા પ્રશ્નોનો જવાબ મોદીજી પાસે ન હતો એટલે જ સિંદૂર વિતરણમાં સીઝફાયર !

છતાં મોદીજીએ પોતાની તંગડી ઊંચી રાખી છે. તેમના વતી જૂઠાણાંની ફેક્ટરી ચલાવનાર અમિત માલવિયાએ 30 મે 2025ના રોજ સવારે 6.00 વાગ્યે ‘X’ (ટ્વિટર) પર ઘોષણા કરી કે ‘દૈનિક ભાસ્કર’માં પ્રસિદ્ધ થયેલ સમાચાર ‘ફેઈક ન્યૂઝ‘ છે ! ‘દૈનિક ભાસ્કરે’ સમાચારમાં ભાજપના વરિષ્ઠ નેતાનો હવાલો આપ્યો છે. માની લઈએ કે ‘દૈનિક ભાસ્કરે’ ખોટા સમાચાર આપ્યા પણ શું ‘ન્યૂઝ 24 ડિઝિટલ’ પણ ખોટું? 

ચાલો શાંતિ થઈ. સિંદૂર વિતરણ કરતાં તેની જાહેરાતમાં કરોડો-કરોડો રૂપિયાનો ધૂમાડો થતો બચ્યો ! ચરિત્રહીન / બળાત્કારી નેતાઓ-કાર્યકરો સિંદૂર લઈ ઘેર આવે તે કોઈ સંસ્કારી માણસ સહન કરી શકે નહીં. વડા પ્રધાનને ભલે ‘ઓપરેશન સિંદૂર’ આટોપી લેવામાં ઉતાવળ કરી પણ ‘સિંદૂર વિતરણ કાર્યક્રમ‘ સીઝફાયર કરી મહિલાઓની મોટી સેવા કરી છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...318319320321...330340350...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved