Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુ સાથેના પાવન પ્રસંગો

રામનારાયણ ચોધરી|Gandhiana|17 April 2025

રામનારાયણ ચોધરી

1920ના ડિસેમ્બરમાં નાગપુરમાં કાઁગ્રેસનું અધિવેશન હતું. શ્રી મહંમદઅલી ઝીણા કોઈક ઠરાવ પર બોલવા ઊભા થયા હતા. બાપુને તે વખતે ‘મહાત્મા’ની ઉપાધિ મળી ગઈ હતી.  ઝીણાસાહેબની ભાષા અંગ્રેજી અને પહેરવેશ પણ અંગ્રેજી હતો. બાપુનું નામ આવ્યું ત્યાં તેમણે ‘મહાત્મા ગાંધી’ ન કહેતાં ‘મિસ્ટર ગાંધી’ કહ્યું, એટલે મૌલાના મહમંદઅલીએ ઊભા થઈ ને કહ્યું, ‘મિસ્ટર નહીં, મહાત્મા ગાંધી કહો’. પ્રેક્ષકોએ પણ  ‘મહાત્મા ગાંધી કહો’ એવી બૂમો પાડી, પણ ઝીણાસાહેબ ન ડગ્યા. વયોવૃદ્ધ પ્રમુખ શ્રી વિજય રાઘવાચાર્યે પણ તેમને સમજાવ્યા કે આમજનતાની ભાવનાનો ખ્યાલ કરવો સારો, પણ જનાબ ઝીણા એકના બે ન થયા. પછી બાપુએ ઊઠીને લોકોને મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘હું મહાત્મા નથી, સામાન્ય માણસ છું. ઝીણા સાહેબના વિચાર-સ્વાતંત્ર્યમાં દખલ કરીને તમે મને માન નથી આપતા. આપણો વિચાર  બીજાઓ પર લાદીને આપણે શુદ્ધ સ્વરાજ નહીં લઈ શકીએ. જ્યાં સુધી કોઈની ભાષામાં કશું અશિષ્ટ ન હોય ત્યાં સુધી તે બીજા વિશે ગમે તે અભિપ્રાય ધરાવી શકે ને પ્રગટ કરી શકે.’ ત્યારે લોકો કંઈક શાંત પડ્યા.

•

સાબરમતી આશ્રમમાં એક દિવસ સરદાર વલ્લભભાઈ અને બાપુ બેઠા હતા. બાપુની સામે બાજઠ પર તેમનો લખવા-વાંચવાનો સરંજામ રહેતો. પેન્સિલ જમણી બાજુ રહેતી હશે. સરદાર સાથે વાત કરતા તેમણે પેન્સિલ લેવા જમણી બાજુ હાથ લંબાવ્યો, તો પેન્સિલ ત્યાં નહોતી; ડાબી બાજુએથી મળી. બાપુના ચહેરા પર વ્યગ્રતાની આછી છાયા જણાઈ. એમને તરત પ્યારેલાલજીને બૂમ પાડી. પ્યારેલાલજી આવ્યા એટલે તેમને પૂછ્યું, ‘મારી પેન્સિલ ક્યાં મૂકી દીધી હતી ?’ સવાલ પૂછવાની રીત અને બાપુનો ચહેરો જોઈને પ્યારેલાલજી સમજી ગયા અને નિરુત્તર થઈને છત તરફ જોવા લાગ્યા. તેમને ઝંખવાણા પડેલા જોઈને સરદારે બાજી સંભાળી લીધી; જરા સ્મિત કરીને બોલ્યા, ‘એ તો કવિ છે.’ બાપુ હસ્યા. 

સરદારના ગયા પછી મેં પૂછ્યું, ‘બાપુ, આ તો બહુ સામાન્ય બાબત હતી.’ બાપુ તરત ગંભીર થઈને કહેવા લાગ્યા, ‘માણસના જીવનમાં વ્યવસ્થિતતા હોવી બહુ જરૂરી છે. જો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી કુદરતના નિયમોનું પાલન ન કરે તો ક્ષણવારમાં આખું વિશ્વ વેરણ-છેરણ થઈ જાય. મારા જેવા માણસની એક એક ક્ષણ કામથી ભરેલી રહે છે. મારી વસ્તુઓ તેને ઠેકાણે ન મળે તો મારો કેટલો સમય બગડે, મને કેટલી અગવડ થાય અને કામને કેટલું નુકસાન થાય ? મારા નિકટના સાથીઓને તો આ બધી બાબતોનો ખ્યાલ રહેવો જ જોઈએ. અને અંગ્રેજીમાં ગંદકીની વ્યાખ્યા શી છે, તે જાણો છો ?’

‘ના, જી,’ કહીને મેં મારું અજ્ઞાન પ્રગટ કર્યું, એટલે બાપુ બોલ્યા, ‘જે કોઈ વસ્તુ પોતાને સ્થાને ન હોય તે કચરો છે. મળમૂત્ર યોગ્ય રીતે ખેતરમાં પહોંચી જાય તો ધરતી સોનું આપવા માંડે છે અને આમ તેમ ખુલ્લાં પડ્યાં રહે તો અનેક રોગ ઉત્પન્ન કરે ચે.’

•

એક રાતે રસોડામાં ચોર પેઠો. તે દિવસોમાં આશ્રમવાસીઓ વારાફરતી ટુકડીઓ બનાવીને પહેરો ભરતા હતા. ચોરને પકડવામાં આવ્યો. રાતે તો તેને કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો. સવારે બાપુ નાસ્તો કરતા હતા તે વખતે તેને તેમની આગળ રજૂ કરવામાં આવ્યો. તેમણે સૌથી પહેલાં પૂછ્યું, ‘આને નાસ્તો કરાવ્યો છે ?’ ચોરને નાસ્તો કરાવીને લાવવામાં આવ્યો એટલે બાપુએ તેને બહુ પ્રેમથી સમજાવ્યું કે ચોરી ન કરવી જોઈએ. ચોરી કરવી એ પાપ છે, અને ગરીબાઈને કારણે ચોરી કરી હોય તો આશ્રમમાં કામ પણ મળશે. 

ચોર તો ચાલ્યો ગયો, પણ સાંજે પ્રાર્થનામાં બાપુએ કહ્યું, ‘સમાજમાં ચોરી થાય છે તેનું કારણ એ છે કે મોટા ભાગના લોકોને સખત મજૂરી કરવા છતાં પૂરતું ખાવાનું કે પહેરવાનું નથી મળતું અને થોડાક લોકો શારીરિક શ્રમ ન કરવા છતાં આરામથી રહે છે. આપણે આશ્રમવાળાઓએ વ્રત તો ગરિબાઈનું – અપરિગ્રહનું લીધું છે, પણ આપણી પાસે વધારાનો સંગ્રહ કેટલો છે ? તે જોઈને પડોશના ગામવાળાઓને ઈર્ષા આવે તો તેમાં શું આશ્ચર્ય ? આપણે અંતરમુખ થઈને એવું આચરણ કરવું જોઈએ જેથી બીજાઓને ઉદ્દવેગ ન થાય.’

•

હરિજન-યાત્રામાં બાપુ અજમેર આવ્યા હતા. એમની પાછળ લાગેલી લાલનાથની ટોળી પણ આવી પહોંચી. એ ટોળી બાપુના સનાતની વિરોધીઓની હતી અને બાપુ જ્યાં જતા ત્યાં તેમની પાછળ જતી, તેમને કાળા ઝંડા બતાવતી અને તેમના અસ્પૃશ્યતા નિવારણના કાર્ય સામે પ્રચાર કરતી. બાપુ પોતાને માટે જેટલી સ્વતંત્રતા ઈચ્છતા તેટલી જ પોતાના વિરોધીઓને પણ આપવાના પક્ષના હતા. એટલે દરેક જગ્યાએ ટોળીના રક્ષણનો ખ્યાલ રાખતા અને પોતાના સાથીઓ તથા જનતાને તેમના પ્રત્યે સહનશીલતા રાખવાનો ઉપદેશ આપતા. ખૂબ સાવધાની રાખવા છતાં, દુર્ભાગ્યે અજમેરમાં એ લોકોને મારપીટ થઈ. તેથી ગાંધીજીને ભારે આઘાત લાગ્યો. તેમણે લાલનાથને મલમપટ્ટી કરાવી અને તેમને મંચ પર બોલાવીને તેમના ઘા બતાવી લોકોને શરમાવ્યા અને લાલનાથને પોતાના વિરોધી વિચારો જાહેર કરવાની તક આપી. કરાંચી પહોંચ્યા પછી બાપુએ આ બનાવના પ્રાયશ્ચિત તરીકે સાત દિવસના ઉપવાસ કરવાનું જાહેર કર્યું.

•

હરિજન સેવક સંઘમાંના અમે લોકો હરિજનોને દારૂ તથા મુડદાલ માંસની સાથે દરેક પ્રકારનું માંસ પણ છોડવાનું કહેતા હતા. એક દિવસ છાપામાં વાંચ્યું કે ઓરિસ્સાના પ્રવાસ દરમિયાન બાપુએ કહ્યું કે, ‘દરિયા કિનારે રહેતા ગરીબ લોકોને બીજી રીતે પોષક તત્ત્વો નથી મળતાં તેમને માછલી છોડવાનું કહેતાં મારો જીવ નથી ચાલતો.’ તે જ દિવસથી મેં હરિજનોને માંસાહાર છોડવા વિશે કહેવાનું બંધ કર્યું, પણ મારો આ નિર્ણય ભાવનાપ્રધાન હતો. સિદ્ધાંતની દૃષ્ટિએ મારી શંકા ઊભી હતી. તે શંકાનું સમાધાન તો થોડા વખત પછી વર્ધામાં ગાંધી સેવા સંઘનું સંમેલન થયું અને તેમાં સભ્યોની લાયકાત વિશે ચર્ચા થઈ ત્યારે થયું. કેટલાક લોકો માંસાહારીઓને સભ્ય બનાવવાની વિરુદ્ધ હતા. તેમાં હું પણ હતો. હિંસક માણસને અહિંસક સંસ્થાનો સભ્ય કેમ બનાવાય એ મારી સમજમાં ઊતરતું નહોતું. 

તે પ્રસંગે બાપુએ કહ્યું તેનો સાર આ હતો : ‘જેઓ વંશપરંપરાથી અથવા લાંબા કાળથી માંસાહારથી ટેવાયેલા છે અને માંસ જેમના ખોરાકનો એક કુદરતી ભાગ બની ગયો છે તેમને માંસ છોડવાનું કહેવું એ એક પ્રકારની હિંસા છે. તેમની આ હિંસાને અનિવાર્ય હિંસા માનીને સહન કરી લેવી જોઈશે. હા, જેઓ ચોરીછૂપીથી ખાય છે અથવા જેમને ત્યાં માંસ ખાવાનો રિવાજ ન હોવા છતાં હવે નવેસરથી ખાવા લાગ્યા હોય તેમને આપણે સંઘના સભ્ય ન બનાવી શકીએ.’

પાછળથી મારા જાણવામાં એટલે સુધી આવ્યું કે એક વાર ડૉ. સૈયદ મહમૂદ બીમાર થઈને સેવાગ્રામ આવ્યા હતા ત્યારે તેમને મરઘીનો શેરવો તૈયાર કરાવીને આપ્યો હતો. તે જ પ્રમાણે મૌલાના આઝાદને આશ્રમમાં સિગારેટ પીવાની છૂટ હતી અને પંડિત મોતીલાલ નેહરુને આશ્રમમાં ચા બનાવીને આપવામાં આવતી હતી. પણ છૂટછાટ તો મહેમાનો માટે હતી. બાપુ તો નિકટના સાથીઓ પર પણ સખતાઈ ન કરવાનું અને મુખ્ય અને ગૌણ વસ્તુઓમાં વિવેક કરવાનું ધ્યાન રાખતા. તેથી જ તો કિશોરલાલભાઈ, મહાદેવભાઈ વગેરેને જુદું રસોડું રાખીને આશ્રમમાં વર્જિત એવી ખાંડ, મસાલા અને તળેલી વસ્તુઓ પણ ખાવાની છૂટ આવતી હતી.

•

ખબરપત્રીઓને મુલાકાત આપતી વખતે બાપુ બહુ સાવધ રહેતા. મુલાકાતનો રિપોર્ટ તેમને બતાવીને મોકલવામાં આવે તેવો આગ્રહ રાખતા. કોઈ વાર ખોટો રિપોર્ટ આવતો તો ખબરપત્રીને ઠપકાર્યા વિના ન રહેતા. ખબરપત્રી પોતાની ભૂલ કબૂલ ન કરે અને કહ્યાં છતાં ન સુધરે તો પછી તેને મુલાકાત ન આપતા. કેટલાંક પરદેશી છાપાં તો તાર કરીને અને ઉત્તર માટે પૈસા મોકલીને તે સમયે ચર્ચાતા મહત્ત્વના પ્રશ્નો વિશે તેમના વિચારો મેળવી લેતાં. ઓછામાં ઓછા શબ્દોમાં આવા તારો મોકલવાની કળા તેમણે એટલી ખીલવી હતી કે તેમાં એક પણ વધારાનો શબ્દ આવતો નહીં.

તેઓ જ્યાં જતા ત્યાંનો ટપાલ અને તારનો સમય જાણી લેતા અને ટપાલ વખતસર મોકલવાનું ધ્યાન રાખતા. ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન’ પત્રોમા લેખો તેઓ પ્રવાસમાંથી પણ બરાબર વખતસર મોકલી દેતા.

આગગાડીનો સમય પણ જાણતા અને કઈ ગાડીનું કનેકશન ક્યાં મળશે તે પણ તેમને બરાબર યાદ રહેતું. હરિજનયાત્રામાં હું મદ્રાસથી અજમેર આવવા નીકળ્યો ત્યારે મને ઠેઠ સુધીની ગાડીઓનાં કનેકશન એવાં ચોક્કસ બતાવી દીધાં કે રસ્તામાં મને ક્યાં ય કશું પૂછવવાની જરૂર ન પડી.

સૌજન્ય : “અકાલ પુરુષ”; માર્ચ 2025; પૃ. 18-20 

Loading

આ સન્માન મારું નહીં, મારી ભાષાનું છે : હિમાંશી શેલત

સોનલ પરીખ|Opinion - Opinion|17 April 2025

નારીગૌરવ અને સવિશેષપણે સામાજિક દાયિત્યની ભાવનાથી છલોછલ વાર્તાઓ આપનાર હિમાંશી શેલત 22 ફેબ્રુઆરીએ બેંગલોરમાં એક સુંદર સમારંભમાં ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત થયાં. ગરિમાપૂર્વક એને સ્વીકારતાં હિમાંશીબહેને કહ્યું, ‘આ મને નહીં, મારી ભાષાને મળેલું સન્માન છે.’ 

હિમાંશી શેલત

માતૃભાષા દિન અને મહિલા દિન બંનેની ઉજવણી હજી તાજી છે, ત્યારે વાત કરીએ નક્કર સર્જકતા અને ગરિમાપૂર્ણ નારીત્વથી ભરપૂર હિમાંશી શેલતની અને એમણે મળેલા ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર’ની. ફેબ્રુઆરી મહિનાની 22મી તારીખે બેંગલોરમાં એક સુંદર સમારંભમાં હિમાંશી શેલતને આ પુરસ્કાર અપાયો. ગરિમાપૂર્વક એને સ્વીકારતાં હિમાંશીબહેને કહ્યું, ‘આ મારી ભાષાને મળેલું સન્માન છે.’ 

કન્નડ ભાષાના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક કેલપ્પા વેંકટેપ્પા પુટ્ટપ્પા ‘કુવેમ્પૂ’ના નામનો પુરસ્કાર વર્ષ 2013થી ભારતની માન્ય ભાષાઓના કોઈ સર્જકને આપવામાં આવે છે. 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને અને કુવેમ્પૂને સંયુક્ત રૂપે એનાયત થયેલો – ઉમાશંકર જોશીને ‘નિશીથ’ માટે અને કુવેમ્પૂને 22,000 પંક્તિના ‘શ્રી રામાયણ દર્શન’ માટે. કેન્દ્ર સરકારે કુવેમ્પૂને પદ્મવિભૂષણ અને કર્ણાટક સરકારે રાષ્ટ્રકવિ તરીકે સન્માન આપ્યું છે.

કુવેમ્પૂએ 1929માં કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. પછીથી તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં જોડાયા અને ઉપકુલપતિપદે પહોંચીને 1960માં નિવૃત્ત થયા. તેમના પર શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો ઘણો પ્રભાવ હતો. જિંદગીના 13 વર્ષ તેમણે રામકૃષ્ણ આશ્રમમાં ગાળ્યાં હતાં. 

કુપ્પલ્લી વેંકટાપ્પા પુત્તપ્પા ‘કુવેમ્પૂ’

તેમની કારકિર્દીની શરૂઆત 1922માં ‘ધ બિગિનર્સ મ્યૂઝ’ના અંગ્રેજી કાવ્યસંગ્રહથી થઈ, તરત જ કન્નડ તરફ વળ્યા. તેમણે 25 જેટલા કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘ચિત્રાંગદા’ નામની 2,000 લીટીના વૃત્તાંતકાવ્યમાં કવિ હોમરની શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પ્રકૃતિ પ્રત્યેનો ઉત્કટ શ્રદ્ધાભર્યો પ્રેમ, પ્રણય-કાવ્યો ઉપરાંત ગરીબી, અજ્ઞાનતા અને સામાજિક અન્યાયને સ્પર્શતાં ઘણાં કાવ્યો તેમણે રચ્યાં છે. તેમણે અનેક અંગ્રેજી કાવ્યોને કન્નડ ભાષામાં ઉતાર્યાં છે, તેમની ટૂંકી વાર્તાઓમાં ભયાનક ગરીબી, પ્રેમ, મૃત્યુ, કપટ, ત્યાગ અને વૈરાગ્ય જેવા વિષયોને અસરકારક રીતે આલેખાયા છે. 

તેમનાં નાટકોમાં બાલનાટકો, સામાજિક નાટકો, શેક્સપિયર પ્રેરિત નાટકો, અને પૌરાણિક નાટકો છે. તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનાં ઉત્કૃષ્ટ જીવનચરિત્રો લખ્યાં છે. આત્મચરિત્ર ‘નેનાપિના ડોનિયલ્લી’માં કવિના મન અને તેમની કાવ્યમય પ્રતિભાના વિકાસનું વર્ણન છે. તેઓ પ્રાચીન સંસ્કૃત કલાવિદોની પરંપરાના હોવા છતાં તેમનામાં પશ્ચિમની કળા પ્રત્યેની સુરુચિ અને ત્યાંના સાહિત્યવિવેચનની અભિજ્ઞતા પણ જોવા મળે છે. તેમને રાજ્ય તેમ જ કેન્દ્ર સરકાર અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પુષ્કળ માન-સન્માન મળ્યાં છે. ભારતની અને વિદેશની અનેક યુનિવર્સિટીઓ તરફથી ડી. લિટ્.ની પદવી અપાઈ છે. 

આવા સમર્થ સર્જકના નામનો પુરસ્કાર મેળવનાર હિમાંશી શેલત દાદા કાલિદાસ શેલતનો સાહિત્ય-અભિરુચિ અને સામાજિક નિસબતનો વારસો ધરાવે છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ. કરી લાંબા સમય સુધી અધ્યાપન કર્યું અને પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર વી.એસ.નાયપોલ પર પીએચ.ડી. કર્યું. 

સાહિત્યના અન્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન છતાં હિમાંશીબહેન મુખ્યત્વે વાર્તાકાર છે. તેમની વાર્તાઓ નારીગૌરવ અને સવિશેષપણે સામાજિક દાયિત્યની ભાવનાથી છલોછલ છે, જે તેમને અનોખાપણું બક્ષે છે તેમણે આઠ વાર્તાસંગ્રહ આપ્યા છે. ગુજરાતીમાં સ્ત્રીઓ દ્વારા લખાયેલી આત્મકથા જૂજ છે. એમાં એમની ‘મુક્તિવૃત્તાંત’નું આગવું સ્થાન છે. ઍવોર્ડ નકારવા માટે તેઓ જાણીતાં છે, છતાં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક અને સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર તેમના નામે બોલે છે. 

હિમાંશીબહેને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પ્રખ્યાત અનુવાદક વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યાં છે. તમામ નમ્રતા સહિત પોતાનાં આગવાં ધોરણ જાળવી રાખનાર વિનોદભાઈનું વધારે જાણીતું પ્રદાન એ તેમનાં સંપાદનો અને અનુવાદો. અરવિંગ સ્ટોને લખેલા ચિત્રકાર વાન ગોગના ચરિત્રનો વિનોદભાઈએ ‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી ઉત્તમ અનુવાદ કર્યો છે, ઉપરાંત એમણે મેઘાણીની કૃતિ ‘માણસાઇના દીવા’નો ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓનો ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ સંગ્રહોમાં અંગ્રેજી અનુવાદ કર્યો છે. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ. હું આવું છું’ સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.

હિમાંશીબહેનને બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે લગાવ – ‘આટલો બધો સંકોચ વગરનો, ગણતરી વગરનો, કેવું દેખાશે તેની ચિંતા વગરનો પ્રેમ પ્રાણીઓ જ આપી શકે.’ એમણે જાતને વચન આપ્યું છે કે મારે ઘેર જે પ્રાણી પોતાની મેળે આવશે તેને જાકારો નહીં આપું. એમના ઘરમાં પ્રાણીઓનું સ્વાગત છે અને એમના ખવાપીવા ને આરામની વ્યવસ્થા પણ છે. બાળપણથી બીજી પણ એક ટેવ – જે સ્વીકાર્ય ન હોય, તેને નકારતા તેમને વાર ન લાગે. અપ્રિય થવાનો કે નામ-કીર્તિ ગુમાવવાનો બિલકુલ ભય નહીં. સમાધાનની-બાંધછોડની વૃત્તિ ઓછી. મજબૂત ‘ના’ને કારણે ઘણું છોડવાનું થયું પણ જીવનનાં ઉત્તમ વર્ષો મનગમતાં કામને આપી શકાયાં.

1987માં એમનો પહેલો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. હિમાંશીબહેને લખવાનું શરૂ કર્યુ એ દુર્બોધ વાર્તાઓની બોલબાલાનો યુગ હતો. હિમાંશીબહેનની વાર્તાઓ ભાષાની ચબરાકીથી મુક્ત અને સીધી વાત કરનારી છે. છતાં રમેશ ર. દવે નોંધે છે તેમ આ વાર્તાઓ અથથી ઇતિ સુધી માંડીને કહેવાતી નથી એટલે ભાવકને, વાર્તાકારે ખાલી છોડેલી જગ્યાઓને પોતાની આગવી રીતે ભરી લેવાનો આનંદ પણ સાંપડે છે. 

હિમાંશીબહેનને મોહન પરમાર, કિરીટ દૂધાત, બીપીન પટેલ, ધીરુબહેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રીની વાર્તાઓ ગમે છે. જયવંત દળવી, મહાશ્વેતા દેવી, ફણિશ્વરનાથ રેણુ પણ પ્રિય. માત્ર 34 વર્ષ જીવ્યાં ને ઉત્તમ વાર્તાઓ આપી તે કેથરિન મેન્સફિલ્ડે એમને ખૂબ પ્રેરિત કર્યાં છે – પણ એમની વાર્તાઓ પોતીકી અનુભૂતિ અને પોતીકી અભિવ્યક્તિથી તરબતર છે.

ભયંકરમાં ભયંકર ઘટનાઓને સહજ માની બેસી રહેવાના માણસના સ્વભાવ પર હિમાંશીબહેનને ખૂબ ગુસ્સો આવે છે. રેલવે પ્લેટફોર્મનાં બાળકો સાથેના અનુભવો ‘પ્લેટફોર્મ નબર ચાર’ પુસ્તકમાં વર્ણવાયા છે. રેડ લાઇટ એરિયાનો અનુભવ માણસજાતમાંથી વિશ્વાસ ઊઠી જાય તેવો નીવડ્યો – સંબંધોનું આટલું બધું પોલું રૂપ! કઈ તાકાતથી આ સ્ત્રીઓ કપરી પરિસ્થિતિમાં હિંમત ટકાવે છે? ‘ઘટના પછી’ અને ‘ધારો કે આ વાર્તા નથી’ – આ બન્ને રચનાઓ હચમચાવી મૂકનારી ઘટનાઓમાંથી નીપજી છે. નાગરિક તરીકેની સભાનતા એમાં વ્યક્ત થાય છે. કલબુર્ગીની હત્યા, એ ‘ધારો કે આ વાતા નથી’નું મૂળ છે. ડાભોલકરની હત્યા, ગૌરી લંકેશની હત્યા – જે સમાજ પોતાની કરુણાની ડિંગ મારે છે તે સમાજ આટલો અસહિષ્ણુ?

માતૃત્વ માટે તેમને આદર છે પણ સમાજ જે રીતે માતૃત્વ ઠોકી બેસાડે છે તે એમને ગમતું નથી. ‘નિરપેક્ષ, કોઈ ગણતરી વગર પ્રેમ કરે; સંતાન શું કરે છે તેનો ભાગ્યે જ વિચાર કરે અને પોતાને જે કરવું છે તે સતત કર્યા જ કરે તે મા. આના માટે પોતાનું બાળક હોવું જરૂરી નથી, આ પ્રેમ ગમે તે રીતે ક્યાં ય પણ આપી શકાય છે.’ ‘ગર્ભગાથા’ની વાર્તાઓમાં માતૃત્વના વિવિધ ચહેરા અને વિટંબણા છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો 1996નો પુરસ્કાર મેળવનાર વાર્તાસંગ્રહ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ તેમણે પોતાનાં માને અર્પણ કર્યો છે : ‘જેમની વેદના સમજતાં અને પામતાં હું બીજાં કેટલાંયની વેદના સુધી પહોંચી શકી.’

કોમી તંગદિલી, રાજકીય દબાણ, ટોળાં સામે લાચાર થઈ જતી સંવેદનશીલતા, તોફાનો દરમિયાન સ્ત્રીઓ પર થતાં અત્યાચાર જેવા સાંપ્રત પ્રશ્નો પણ એમની કલમે પૂરા આક્રોશથી છતાં કલાત્મકતા ગુમાવ્યા વગર ઝીલ્યા છે. નારીજીવનની વાત હોય કે સામાજિક-રાજકીય વિટંબણાઓ હોય તેઓ કદી પ્રચારાત્મક બન્યા નથી. લગ્નેતર સંબંધને જીવતી સ્ત્રીની પીડાને હિમાંશીબહેને જુદા જ પરિમાણથી જોઈ છે. 

વાર્તા એમને માટે જીવવા માટેનું સંતુલન છે. તેઓ કહે છે, ‘ઈમેજિનેટિવ એક્સ્પિયરન્સ તમને મોક્ષ આપે છે, તમને બધી પીડામાંથી મુક્ત કરે છે.’ શરીફા વીજળીવાળાના શબ્દોથી અટકીએ, ‘હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, ભારતીય ટૂંકી વાર્તાનું પણ મહત્ત્વનું નામ છે.’ 

અભિનંદન, હિમાંશીબહેન. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 માર્ચ  2025

Loading

શિક્ષણની પથારી ગુજરાતમાં તો ખરી જ, આખા દેશમાં ફરી ગયેલી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 April 2025

રવીન્દ્ર પારેખ

2020માં શિક્ષણ નીતિ દેશમાં દાખલ કરવામાં આવી, ત્યારે તેના તરફ સ્વાભાવિક જ અહોભાવથી જોઈ રહેવાયું. એ વાતને પાંચ વર્ષ થયાં, પણ અહોભાવથી વાત આગળ ગઈ નથી. શિક્ષણ નીતિનાં ગુણગાન ચાલે છે, પણ તેનો અમલ કરાવવાના ફાંફાં જ છે. ફાંફાં એટલે છે કે નીતિને થોથાંમાંથી બહાર કાઢીને તેનો અમલ કરાવનાર શિક્ષકોના હાથમાં મુકાઈ નથી. સરકારને એવું હોય કે નીતિનો અમલ શિક્ષકો સિવાય બીજી કોઈ રીતે શક્ય છે, તો એ રીતે પણ તેનો અમલ થવો જોઈએ. જો કે, સ્કૂલોમાં તો એ રીતિ શિક્ષકો દ્વારા જ આગળ ધપાવાય છે. શિક્ષા નીતિનો અમલ શિક્ષકો દ્વારા જ શક્ય હોય તો પૂરતી સંખ્યામાં શિક્ષકો નીમવા જોઈએ, જેથી શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે થાય, પણ એવું થતું નથી.

દેશમાં આજે પણ લગભગ 8 લાખથી વધુ જગ્યાઓ પર શિક્ષકો નીમવાના બાકી છે. એટલો ફેર પડ્યો છે કે આગલાં વર્ષોમાં એ સંખ્યા 10 લાખની હતી, તે હવે 8 લાખ પર આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા રાજ્યોને પત્રો લખ્યાં છે. આવાં પત્રલેખનો ટેવવશ થતાં રહે છે ને તેનું પરિણામ એ આવે છે કે ખાલી જગ્યાઓ ખાલી જ રહે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખરી ખોટી ખાલી જગ્યાઓ પૂરે છે, પણ શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરાતી નથી તે હકીકત છે. ભરાતી હોત તો 8 લાખ જગ્યાઓ ખાલી ન હોત !

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એવી સલાહ પણ આપે છે કે શિક્ષકોની જગ્યા ખાલી પડવાની જાણ હોય તો જે તે જગ્યા અગાઉથી જ ભરવાની યોજના કરવાની રહે, પણ એવું થતું નથી. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયનું માનવું છે કે નિવૃત્તિને લીધે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડવાનું આકસ્મિક નથી, એની શાળા અને શિક્ષણતંત્રને અગાઉથી જાણ હોય જ છે. નિવૃત્ત થનાર શિક્ષકોની યાદી હાજર હોય એ સ્થિતિમાં ત્રણેક મહિના અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો શિક્ષકો નિવૃત્ત થાય તે સાથે ખાલી જગ્યાઓ ભરવાનું સરળ થઈ પડે, પણ રાજ્યોને એ ભાગ્યે જ સૂઝે છે. તેમાં પણ ગુજરાતમાં તો એ વિગતો સરકાર પોતે આપતી હોય છે, પણ ભરતી કરવાની આવે છે ત્યારે તેના હાથ તંગ થઈ જાય છે.

એ પણ નથી સમજાતું કે શિક્ષકોની ભરતી રાજ્યોના હાથમાં હોય તો રાજ્ય સરકાર ઉપરથી આવતા આદેશોની રાહ કેમ જુએ છે? આખા દેશમાં 8 લાખ પદો ખાલી હોય ને એની ભરતી રાજ્યની જ જવાબદારી હોય તો કેન્દ્રીય શિક્ષણ વિભાગે પત્ર લખવાની જરૂર કેમ પડે છે? રાજ્યો કેન્દ્રના આદેશોનું પાલન નથી કરતાં કે જવાબદારી કેન્દ્રની છે ને ગાળિયા તે કાઢે છે? આ ઢોળાઢોળ જ હોય તો આવા રાજકીય ખેલો બંધ થવા જોઈએ.

ચિત્ર તો એવું ઉપસે છે કે કેન્દ્ર ભરતીના પત્રો લખે છે ને રાજ્યો, તેમાંયે ગુજરાત, ઘણું ખરું તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખીને કારભાર કરે છે. જો સરકાર કોન્ટ્રાક્ટ પર નથી, મંત્રીઓ ભાડૂતી નથી, આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. કામચલાઉ નથી, તો શિક્ષકો હંગામી કેમ? હંગામી એટલા માટે કે શિક્ષકોને કાયમી કરે તો તેમને પેન્શન વગેરે નિવૃત્તિ પછીના લાભો આપવા પડે. માની લઈએ કે સરકાર એટલી ગરીબ છે કે નિવૃત્તિ પછીના લાભો આપી શકે એમ નથી, તો સાંસદોનાં પગારમાં સીધો 24 ટકાનો વધારો ગઈ 24 માર્ચે કઈ ખુશીમાં થયો એ પૂછવાનું થાય. સંસદમાં પગાર 1 લાખ પરથી વધીને સીધો 1.24 લાખ થયો, પેન્શન 25,000થી વધીને 31,000 થયું. વળી આ વધારો એપ્રિલ, 2023થી અપાવાનો છે ને 788 સાંસદોનું એરિયર્સ જ 45 કરોડ 38 લાખ થશે. ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધીને 2.5 કરોડ થઈ. આ બધી દિવાળી સરકારને પરવડતી હોય તો શિક્ષકોને જ હોળીનું નાળિયેર કેમ બનાવાય છે?

ગુજરાતમાં શિક્ષકોની ભરતીની વાત નથી થતી એવું નથી. 18 માર્ચે શિક્ષણ મંત્રી વિધાનસભા ગૃહમાં 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત કરે છે, પણ મંત્રીશ્રી એનો ફોડ પાડતા નથી કે એમાંથી કેટલા નોકરીમાં હાજર થાય છે? કાયમી જગ્યાની રાહ જોઈ રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કામચલાઉ જગ્યાએ શું કામ હાજર રહેવું જોઈએ તેનો ફોડ પણ સરકારે પાડવો જોઈએ. શિક્ષણ મંત્રી તો અધ્યાપક છે. તેઓશ્રી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે કે તેમની નોકરી કાયમી છે, તેનો ખુલાસો થવો જોઈએ. તેમણે  ગયા ડિસેમ્બર સુધીમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતીની વાત કરી હતી. તેની જાહેરાતો હજી થતી રહે છે, પણ ઓર્ડર કેટલાને અપાયા છે તેનો આંકડો મળતો નથી. જો ભરતી થાય છે, તો આંધ્રની 12,543 અને મધ્યપ્રદેશની 11,035 ને તેમાં ય ગુજરાતની 2,462 શાળાઓ એક જ શિક્ષકથી કેમ ચાલે છે? એનું આશ્ચર્ય જ છે કે ગુજરાતની જ એવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 87,000થી વધુ છે. એ સંદર્ભે અન્ય રાજ્યોની તો કલ્પના જ કરવાની રહે છે. દેશની વાત કરીએ તો 1.11 લાખ પ્રાથમિક શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. એમાં વધુ આઘાત લાગે એવી વાત એ છે કે ગુજરાતમાં 274 શાળાઓ એવી છે, જ્યાં એક પણ વિદ્યાર્થી નથી ને શિક્ષકો 382 છે. બીજી તરફ સવાલ એ થાય કે સ્કૂલો પૂરતી છે તો ગોધરા નજીકની વાવડી સ્કૂલમાં 250 વિદ્યાર્થીઓનાં ત્રણ ત્રણ ધોરણો એક સાથે કેમ ને કઈ રીતે ચાલે છે? રાજ્યમાં 25:1ના રેશિયો પ્રમાણે 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, તેને બદલે 3.94 લાખ જ છે. ટૂંકમાં, 65 હજાર શિક્ષકોની ઘટથી કારભાર ચાલે છે ને આ ઘટ આજની નથી, 2017થી છે. આ અરાજકતા ઊભી કરવામાં આવી છે કે તે કુદરતી છે તે સમજાતું નથી.

કેન્દ્રીય મંત્રાલય તરફથી સંસદને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો. તે મુજબ દેશમાં 14.71 લાખ સ્કૂલોમાં 98 લાખ શિક્ષકો છે. તેમાં 8 લાખ જગ્યાઓ હજી ખાલી છે. સૌથી વધારે જગ્યાઓ બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, બંગાળ જેવાં રાજ્યોમાં છે. આમ તો એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની યાદીમાં બિહારનું નામ નથી, એટલે ત્યાંની સ્થિતિ આશ્વસ્ત કરનારી હશે એમ ધારી શકાય. એક તરફ શિક્ષકોની સતત તંગી વચ્ચે દેશ ચાલે છે, તો બીજી તરફ 2016માં લેવાયેલી પશ્ચિમ બંગાળ સ્ટેટ લેવલ સિલેક્શન ટેસ્ટના 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂકને હાઇકોર્ટે ગેરકાયદેસર ઠેરવીને સંબંધિત સ્ટાફને બરતરફ કર્યો છે. તે વખતે 24,640 જગ્યાઓ માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એ તો ઠીક, પણ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું છે ને સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે ને એમાં સુધારાને કોઈ અવકાશ નથી. આવું એટલે થયું છે કે આ ભરતીમાં 5થી 15 લાખ સુધીની લાંચ લેવાનો આરોપ છે. આમાં રાજકીય રોટલાઓ પણ શેકાઈ રહ્યા છે. સુપ્રીમે યોગ્ય ચુકાદો આપ્યો છે એ સ્વીકારવા છતાં 23 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હોય ને એમાંથી પસંદગી પામેલા બધા જ ઉમેદવારોએ લાંચ ન આપી હોય ને બીજી બધી રીતે તેઓ પસંદગીમાં યોગ્ય ઠર્યા હોય તો પાપડી ભેગી ઇયળ ન બફાય તે પણ જોવાનું રહે.

એ અત્યંત દુ:ખદ છે કે વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું જેનું કામ છે એવા શિક્ષકોમાંથી કેટલાક ભ્રષ્ટાચારી પણ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી આપનારા ને નોકરી લેનારા ભ્રષ્ટાચારથી ખદખદે છે ને કમાલ એ છે કે એ મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓને આપે છે. ભ્રષ્ટાચાર લોહીમાં વ્યાપી વળ્યો છે એવી સ્થિતિમાં શિક્ષણ જગત બચાવવાનું રહે, પણ શિક્ષણને બચાવવાનું જ ન હોય તેમ તે શિક્ષકો વગર ચલાવવાનો ઉદ્યમ આખા દેશમાં ચાલે છે. અપ્રમાણિકતા સાર્વત્રિક છે. સાધન શુદ્ધિના આગ્રહો રહ્યા નથી. સોનાને કાટ લાગે એવો કાળ છે, એવામાં શિક્ષણ નીતિ નવી હોય કે જૂની કોઈ ફેર પડે એમ નથી, કારણ શિક્ષણ માટે શિક્ષકો જ હવે અનિવાર્ય રહ્યા નથી. આમ તો શિક્ષણમાં બહુ સારું થઈ રહ્યાનું ચિત્ર ઉપસાવાય છે, ક્યાંક સારું હશે પણ ખરું, તે સિવાય નજરે તો શતમુખી વિનિપાત જ ચડે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,14 ઍપ્રિલ 2025

Loading

...102030...317318319320...330340350...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved