
રમેશ સવાણી
22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો, 28 લોકો ભોગ બન્યા. 6-7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયું અને 10 મે 2025ના રોજ સીઝફાયરની જાહેરાત થઈ. ઓપરેશન સિંદૂર’ના 4 દિવસ દરમિયાન ભારતના ગોદી મીડિયાએ સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિની ભરમાર કરી દીધી !
સંરક્ષણ મંત્રાલયે 1 મે 2025ના રોજ મીડિયાને ખોટા અને ભ્રામક સમાચારોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કારણ કે આવા કવરેજથી દુ:શ્મનને ફાયદો થઈ શકે છે અને સુરક્ષા કર્મચારીઓ માટે ખતરો ઊભો થઈ શકે છે. ભારતીય સેનાના પ્રવક્તા તરીકે કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું હતું કે “પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કોઈ નિર્દોષ નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી.” પરંતુ આ સૌથી સંવેદનશીલ સમયે પણ, ભારતીય મીડિયા સરકારી સૂચનાઓનો ભંગ કર્યો. ગોદી મીડિયા ઘણી બધી અફવાઓ, ખોટી માહિતી અને ખોટા અને ભ્રામક સમાચાર પ્રસારિત કરતું રહ્યું. યુદ્ધનો ઉન્માદ ભડકાવવા માટે, તેમના એન્કર ટી.વી. પર વાંદરાઓની જેમ કૂદકા મારતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા. તણાવ દરમિયાન, એક તરફ ભારતીય સેના તેના રક્ષણાત્મક પાસાઓ આગળ ધપાવી રહી હતી, જ્યારે બીજી તરફ એક ભારતીય ચેનલ દાવો કરી રહી હતી કે ‘પાંચ પાકિસ્તાની શહેરોનો નાશ કરવામાં આવ્યો છે !’ જ્યારે બીજી ચેનલ કહી રહી હતી કે ‘25 પાકિસ્તાની શહેરોનો નાશ કરવામાં આવ્યો છે !’ એક એન્કરે કૂદીને કહ્યું કે ‘પાકિસ્તાનના પાંચ શહેરો નકશામાંથી ભૂંસાઈ ગયા છે !’ કેટલાક કહી રહ્યા હતા કે ‘પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ કબજે કરવામાં આવી છે !’ તો કેટલાક કહી રહ્યા છે કે ‘કરાચી કબજે કરવામાં આવ્યું છે !’ યુક્રેન-રશિયા યુદ્ધના વીડિયો ભારત-પાકિસ્તાનના વીડિયો તરીકે ચલાવવામાં આવ્યા ! કોઈએ શાહબાઝ શરીફને બંકરમાં છુપાયેલા જોયા ! જ્યારે કોઈ કહી રહ્યું હતું કે તેમને ભાગતા જોવામાં આવ્યા છે. કોઈ ચેનલે લાહોર, ઈસ્લામાબાદ અને સિયાલકોટ પર INS વિક્રાંત દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા અને કરાચી બંદરના વિનાશના સમાચાર પ્રસારિત કર્યા. પછી કોઈએ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા કે – ‘ભારતીય સેનાએ વહેલી સવારે પાકિસ્તાનનાં 6 શહેરો પર હુમલો કર્યો !’ કેટલી અતિશયોક્તિ ! આશ્ચર્યજનક વાત એ છે કે આ બધી ‘માહિતી’ ફક્ત ગોદી મીડિયા પાસે હતી, ભારતીય સેના કે સરકાર પાસે નહીં !
ગોદી મીડિયાની હરકતોના કારણે દુનિયા સમક્ષ ભારતની મજાક ઉડી. સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિ લોકોની ધારણાઓને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે અને સંભવિત રીતે મીડિયાના હેતુને, પત્રકારત્વનાં મૂલ્યોને વિકૃત કરી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે સમાચાર માધ્યમો, ઘણીવાર સ્પર્ધા અથવા ધ્યાન આકર્ષિત કરવાની ઇચ્છાથી પ્રેરિત, સચોટ અને સંતુલિત રિપોર્ટિંગના બદલે સનસનાટી ફેલાવે; ભાવનાત્મક લાગણીઓને ઉશ્કેરે. મીડિયાએ તટસ્થ અને પક્ષપાતથી મુક્ત સમાચાર કવરેજ પૂરું પાડવું જોઈએ, જેનાથી લોકો પોતાનો અભિપ્રાય બાંધી શકે. લોકશાહીમાં, નિર્ણય લેવાની પ્રક્રિયા પર જાહેર અભિપ્રાયનો મજબૂત પ્રભાવ હોય છે. મીડિયાનું કામ સાચી માહિતી આપવાનું છે. અફવાઓનું ખંડન કરવાનું છે. ‘સૂત્રો’નો હવાલો આપીને જૂઠાણાં ફેલાવી શકાય નહીં.
ગોદી મીડિયાનાં કારણે લોકોમાં રોષ હતો. કેટલાંક જાગૃત લોકોએ સુરક્ષા બાબતે પ્રશ્નો ઊઠાવ્યા તો તેમની સામે ગુનાઓ દાખલ થયા. કેટલાંક ‘X’ એકાઉન્ટ બંધ થયાં. સ્વતંત્ર ચેનલો બ્લોક થઈ. સરકારની આલોચના માટે ગુજરાતમાં જ 14 લોકો સામે FIR દાખલ થઈ. એક તરફ, નાગરિક કંઈ કહે તો તેમની સામે FIR અને બીજી તરફ ગોદી મીડિયાને જૂઠાણાં ફેલાવવાની બિલકુલ છૂટ !
ગોદી મીડિયા દ્વારા દર્શાવવામાં આવેલી બેજવાબદારીની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. આ ભારતીય મીડિયાને બેજવાબદાર પ્રસારણ માટે દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણી વખત ઠપકો સહન કરવો પડ્યો છે. ઘણી વખત આવા અનિયંત્રિત અને ઉશ્કેરણીજનક મીડિયા ચેનલોને માફી માંગવી પડી છે, ઘણી વખત આવા પાયાવિહોણા અને ખોટા સમાચારોને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. હદ તો એ છે કે આવી કુખ્યાત ટી.વી. ચેનલોના રિપોર્ટરોને તેમના જૂઠાણા ફેલાવવાને કારણે ઘણી વખત લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. તેમને પોતે પણ તેમની પોતાની ચેનલ પર લાઈવ કાર્યક્રમોમાં આમંત્રિત મહેમાનો તરફથી ઘણું અપમાન સહન કરવું પડ્યું છે. ઘણા પ્રામાણિક પત્રકારોએ આવી ચેનલો છોડી દીધી છે અને પોતાની યુટ્યુબ ચેનલો ચલાવી રહ્યા છે, જે તેમની લોકપ્રિયતા અને વાસ્તવિક પત્રકારત્વનો પુરાવો આપે છે. અને આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આવી બધી ‘ગોદી ચેનલો’ની ટી.આર.પી. ઘણી ઘટી ગઈ છે. પરંતુ આટલા બધા અપમાનનો સામનો કરવા છતાં, આવી ચેનલો અને તેમના પત્રકારોમાં કોઈ ફેરફાર થવાની વાત તો દૂર, તેમનાં ધોરણો વધુ નીચે જઈ રહ્યાં છે.
દેશની એકતાને પ્રોત્સાહન આપવાને બદલે મીડિયા હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવી રહ્યું છે; તેનું ઉદાહરણ જમ્મુ અને કાશ્મીરના એક સમાચારના પ્રસારણમાં પણ જોવા મળ્યું. અહીં પૂંછમાં, 46 વર્ષીય કારી મોહમ્મદ ઇકબાલ, સ્થાનિક મદરેસા ઝિયા-ઉલ-ઉલૂમના શિક્ષક અને એક આદરણીય સ્થાનિક ધાર્મિક વ્યક્તિ, પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા. તેઓ આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રવાદી વ્યક્તિ હતા. પોલીસે પોતે તેમના વ્યક્તિત્વની પ્રશંસા કરી છે. પરંતુ આ ગોદી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું કે “ઇકબાલ એક આતંકવાદી હતો ! અને તેને ભારતીય સેનાએ મારી નાખ્યો !” જરા વિચારો, આવા ખોટા, પાયાવિહોણા અને ભ્રામક સમાચાર ફેલાવીને મીડિયા શું સંદેશ આપવા માંગે છે? આ સમાચાર કાશ્મીરના લોકો પર શું અસર કરી શકે છે?
સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ / અતિશયોક્તિના પરિણામો ધાતક છે : (1) વાસ્તવિકતાને વિકૃત કરે છે. ઓછી મહત્ત્વની ઘટનાને અયોગ્ય મહત્ત્વ આપવામાં આવે છે. (2) અતાર્કિક ભયની ધારણાઓ બને છે. સનસનાટીભર્યા સમાચાર ભય અને ચિંતાનું વાતાવરણ બનાવે છે, જેના કારણે લોકો વાસ્તવિક જોખમોનો ખોટો અંદાજ લગાવી શકે છે. (3) વિશ્વાસમાં ઘટાડો થાય છે. જ્યારે લોકોને લાગે છે કે સમાચાર માધ્યમો ચોકસાઈ અને નિષ્પક્ષતા કરતાં નાટક અને સનસનાટીને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે તે મીડિયા પરનો વિશ્વાસ ગુમાવે છે. (4) નિષ્પક્ષતાનું ધોવાણ થાય છે. પત્રકારત્વનો ઉદ્દેશ્ય તથ્યોનું સંતુલિત અને નિષ્પક્ષ પ્રસ્તુતિ છે, જેનાથી દર્શકો / વાચકો પોતાના તારણો કાઢી શકે છે. નાટ્યત્વ અને અતિશયોક્તિ સમાચારમાં વ્યક્તિગત મંતવ્યો અથવા પૂર્વગ્રહો દાખલ કરીને આ ઉદેશ્યને નબળો પાડે છે.
આવા સંવેદનશીલ વાતાવરણમાં પણ, ગોદી ‘મીડિયા’ જૂઠાણા અને અફવાઓ ફેલાવીને ઉન્માદને વેગ આપે છે તેનું કારણ શું છે?
- સ્પર્ધા. આર્થિક ઉદ્દેશ. સંવેદનાત્મકતા, અતિશયોક્તિ દ્વારા ધ્યાન આકર્ષિત કરવાનો ઇરાદાપૂર્વકનો હેતું. તે માટે પૂર્વગ્રહો, પસંદગીયુક્ત તથ્યો અથવા પક્ષપાતી ફ્રેમિંગનો ઉપયોગ કર્યો.
- Dramatization / exaggeration – નાટ્યત્વ / અતિશયોક્તિ દ્વારા વડા પ્રધાનને ઐતિહાસિક નોન-બાયોલોજિકલ બનાવવાની ભાટાઈ.
- સૈંયા ભયે કોતવાલ તો ડર કાહે કા?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર