
હેમન્તકુમાર શાહ
પાકિસ્તાન સાથેનું યુદ્ધ અત્યારે ટળ્યું તે તો સારું જ થયું. તમામ રાજનેતાઓએ યુદ્ધ કાયમ ટાળવું જ જોઈએ. કોને લીધે એ ટળ્યું અને કેવી રીતે એ ટળ્યું એ બધા તદ્દન જુદા મુદ્દા છે. પરંતુ શાંતિ ફરી ઊભી થઈ એ અગત્યનું છે.
પણ અત્યારે એમ કહેવામાં આવે છે કે POK લઈને ભારતમાં ભેળવી દેવાની આ તક હતી અને તે નરેન્દ્ર મોદીએ ગુમાવી દીધી છે.
૧૯૭૧માં યુદ્ધ થયું અને બાંગ્લાદેશ બન્યો તે પછીના વિશ્લેષણમાં અનેક વાર એમ કહેવામાં આવતું રહ્યું હતું કે સિંધ, POK અને બાંગ્લાદેશ પણ ભારતમાં ભેળવી દેવાની તક ઇન્દિરા ગાંધીએ ત્યારે ગુમાવી દીધી હતી.
જો કે, એક સ્વતંત્ર દેશ એવા સિક્કિમને ઇન્દિરા ગાંધીએ જ ૧૯૭૫માં ભારતમાં ભેળવી દીધો હતો.
ભા.જ.પ.ના પૂર્વાશ્રમ જનસંઘના એક નેતા હતા કે.આર. મલકાણી. તેમણે મોરારજી દેસાઈ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે એમ કહેલું કે નેપાળ તો ભારતનો જ ભાગ હતો અને તે ભારતનો ભાગ બનવો જોઈએ. RSS તો જેને અખંડ ભારત કહે છે તેમાં પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા વગેરેનો સમાવેશ થાય છે. એવું ભારત બનાવવાના અભરખા છે એને.
બીજી તરફ, તેના પ્રચારક એવા નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે તા.૦૪-૦૭-૨૦૨૦ અને તા.૦૨-૦૮-૨૦૨૪ના રોજ બે જુદા જુદા પ્રસંગોએ એમ કહેલું કે હવે વિસ્તારવાદનો જમાનો રહ્યો નથી. મોદી અને RSS આ બાબતમાં સામસામે છેડે છે ને?
જ્યારે દેશોની સરહદોનો વિસ્તાર વધારવાનો પ્રયાસ થાય છે ત્યારે મોટે ભાગે યુદ્ધો થાય છે અને માણસો મરે છે એ એક હકીકત છે.
રાજનેતાઓના પોતાના દેશના નકશા મોટા કરવાના આ અભરખામાં તેઓ તો નથી મરતા પણ લોકો મરે છે.
દા.ત. અત્યારે હવે રશિયાના પુતિન યુક્રેન સાથે શાંતિ સમજૂતી કરે તો પચાસેક વર્ષ પછી રશિયન લેખકો એમ પણ કહે કે આખું યુક્રેન રશિયામાં ભેળવી દેવાની તક પુતિને ગુમાવી દીધી હતી.
અમેરિકાના ટ્રમ્પ કેનેડા અને ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવી દેવાની વાતો કરે જ છે.
સવાલ એ છે કે, શાંતિથી, લોહી રેડ્યા વિના, જીવવું છે કે નહીં? દેશોના નકશા તો કાયમ બદલાતા જ રહ્યા છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે.
જો શાંતિથી જીવવું હોય તો રાજનેતાઓના આ વિસ્તારવાદને ટેકો આપવાનું લોકોએ બંધ કરવું જોઈએ. યુદ્ધના નાણાકીય ખર્ચ અને માનવ ખર્ચનું લોકોને સામાન્ય રીતે ભાન હોતું નથી. નેતાઓ લોકોને રાષ્ટ્રભક્તિને નામે યુદ્ધને માટે ઉશ્કેરે છે. લોકોએ એ ચાલમાં ફસાવું જોઈએ નહીં. નકશાને નહિ, માણસને પ્રેમ કરવાની કલા વિકસાવવાની જરૂર છે. એને માટે હિંસા ત્યજીને અહિંસાનો રસ્તે ચાલવાની રીત અપનાવવી પડે.
ભારતની જેટલી સરહદ અત્યારે છે તેટલી પણ સચવાઈ રહે એટલે ભયો ભયો. કારણ કે આવી સરહદ ૧૯૫૦માં પહેલી જ વાર બની છે. બધા અભરખા ત્યજો અને શાંતિથી જીવો અને દુનિયામાં બીજાને જીવવા પણ દો.
તા.૧૪-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર