Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  

સુમન શાહ|Opinion - Literature|16 May 2025

સુમન શાહ

ભારતીય પરમ્પરામાં ગુરુ-શિષ્ય સમ્બન્ધનો મહા મહિમા છે. મહા એવો કે એક સમયે શિષ્ય ગુરુને ટપી જાય અને પોતાના જ્ઞાનવિચારની સ્થાપના કરે. જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રમાં આમ થવું સંભાવ્ય છે. ફિલસૂફીક્ષેત્રમાં આદિ શંકરાચાર્ય કે સ્વામી વિવેકાનન્દ અને પશ્ચિમની પરમ્પરામાં પ્લેટો કે ઍરિસ્ટોટલ સર્વોત્તમ દૃષ્ટાન્તો રૂપે જગપ્રસિદ્ધ છે. 

વર્તમાનમાં નિષ્ઠાવાન વિદ્યાર્થીના દાખલામાં થોડું જુદું બને. પોતે શીખ્યો હોય એ વિષયમાં એવો વિકાસ સાધે કે એકાદ નવ્ય વિચાર જનમી આવે. જેમ કે, જે વિષયમાં પીએચ.ડી. થયો હોય એમાં આગળ વધે અને કંઈક નવું શોધી લાવે. જો કે એ દુખ:દ છે કે આજકાલ ગુજરાતીના કેટલાક પીએચ.ડી.પદવીધારીઓ પોતાના સંશોધનવિષયમાં ભાગ્યે જ આગળ વધે છે અને કહેવાતા ગુરુઓ અને ગુરુઓની માત્રભક્તિ કરનારા શિષ્યોની સંખ્યા મોટી થવા માંડી છે.

દેરિદાના દૃષ્ટાન્તમાં જોઈ શકાય છે કે એમના વડે આગવા જ્ઞાનવિચારની સ્થાપના થઈ છે. તેઓએ હ્યુસેર્લનું અધ્યયન કર્યું તેમ જ એથી લાધેલા જ્ઞાનને પચાવ્યું અને સાવ ફંટાઈને પોતાનો વિચાર ઘડ્યો જેને આપણે વિઘટન કહીએ છીએ. વિઘટન કરીને એમણે પશ્ચિમની વિચારપરમ્પરામાં જવાબદાર મનીષી ગુરુઓના જ્ઞાનરાશિની તાત્ત્વિક ભૂમિકાઓને પડકારી જેને આપણે વિઘટનશીલ ફિલસૂફી કહીએ છીએ. 

એ કારણે દેરિદાના અધ્યયન અને અધ્યાપનકાળની વાતો જાણવી જરૂરી છે. અલ્જીરિયા અથવા અલ્જીયર્સ છોડીને પૅરીસ ગયા એ પછીના સમયગાળામાં એમણે રૂસો કામૂ બર્ગસૉં સાર્ત્ર નિત્શે વગેરેનું વાચન શરૂ કરેલું. એ વયે કાવ્યો તો કોનાથી નથી લખાઈ જતાં? એમનાથી પણ લખાઈ ગયેલાં અને સામયિકોમાં પ્રકાશિત પણ થયેલાં. એ પછી પૅરીસની École Normale Supérieureમાં લૂઈ આલ્થુસર અને મિશેલ ફૂકો જેવી હસ્તીઓ પાસે ભણ્યા. એ ઘડતરકાળમાં એમને સમજાઈ ગયેલું કે પોતાના રસનો વિષય ફિલસૂફી છે અને તેમાં ય ફીનૉમિનોલૉજિમાં રુચિ સવિશેષ છે. અગાઉ એ સંસ્થામાંથી સાર્ત્ર સિમૉં દ બૂવા અને મર્લો-પૉન્તિ ભણેલા. 

એ ગાળામાં દેરિદા ઝાં હિપોહ્લીટનાં વ્યાખ્યાનોમાં બેસતા. દરમ્યાન દેરિદા ઍડ્મણ્ડ હ્યુસેર્લની (1859-1938) ફિલસૂફીથી પ્રભાવિત થાય છે અને પોતાના ડિપ્લોમાની ડિગ્રી માટે The Problem of Genesis in Huserl’s Philosophy શોધનિબન્ધ લખે છે. (૧૯૫૩-૫૪). હ્યુસેર્લકૃત Philosophy of Arithmetic અને Crisis ગ્રન્થો વિશેની ય ચર્ચાનો સમાવેશ કરતો એ શોધનિબન્ધ હ્યુસેર્લ પરનું એક સમીક્ષાત્મક અધ્યયન છે. એનું ફ્રૅન્ચમાં ૧૯૯૦-માં અને અંગ્રેજી અનુવાદ રૂપે ૨૦૦૩-માં પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું. 

એ વિશે વીગતે કહું એ પહેલાં હ્યુસેર્લની ફિલસૂફીનાં બે વાનાં વિશે સ્વલ્પ વાત કરવી જરૂરી છે: 

હ્યુસેર્લ ફીનૉમિનોલૉજિના સ્થાપક કહેવાય છે. એમની ફિલસૂફી મનુષ્યચેતના અને મનુષ્યવ્યક્તિને થતા અનુભવોનું દાર્શનિક અધ્યયન છે. આત્મલક્ષીતા અને અનુભવના સત્ત્વની તપાસને હ્યુસેર્લ પોતાનું ધ્યાનકેન્દ્ર ગણે છે એટલું જ નહીં અનુભવને જ વાસ્તવિકતા અને જ્ઞાનના બોધનો પાયો ગણે છે. સૂચવે છે કે પૂર્વધારણાઓ અને બાહ્ય માન્યતાઓને બાજુએ રાખીને અનુભવદ્રવ્યને એક આવિર્ભાવ રૂપે તપાસવામાં આવે એ વલણ ફિલસૂફીમાં અતિ આવશ્યક છે. 

એ તપાસ-પદ્ધતિ છે, epoché and phenomenological reduction. હ્યુસેર્લને epoché સંજ્ઞા પ્રાચીન skepticismમાંથી – સંશયવાદમાંથી – મળી છે. epochéની રીતે વિશ્વ વિશેના નિર્ણયોને સંશયથી જોવાય છે. પૂર્વધારણાઓ અને માન્યતાઓનું bracketing થાય છે એટલે કે એને બાજુએ મુકાય છે. પરિણામે ક્ષેત્ર ઘટી જાય છે અને તેથી ચેતનાની જ સંરચના પર બધું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. એવા phenomenological reductionને કારણે સમજાય છે કે આવિર્ભાવ / અનુભવ શી રીતે સરજાય છે.

બીજું કે હ્યુસેર્લ એ પ્રશ્ન પૂછે છે કે વિશ્વની વસ્તુઓના અનુભવનો પુરાવો – evidence – શો. ઉત્તર એ છે કે અનુભવાતી વસ્તુ ખરેખર છે – truly is – એવો બોધ થાય છે અને એ બોધ બાબતે ગેરસમજ કે ગરબડ નથી હોતી, એ જ એનો પુરાવો છે! તેઓ જણાવે છે કે બોધની ખરાઇ માટે માહિતીચયન – data – એકઠો કરવાની જરૂરત નથી કેમ કે આવિર્ભાવો પોતે જ પોતાને ચેતનાને અર્પે છે, દાખલા તરીકે, ‘આજે મને તાવ આવશે’ એ સહજસ્ફુરણની ખરાઈ કરવા કશે ય જવાની જરૂરત નથી રહેતી. આ અર્પણત્વને હ્યુસેર્લ givenness કહે છે.

દેરિદાએ હ્યુસેર્લની givenness વિભાવનાને પડકારી છે. આવિર્ભાવ પોતે જ પોતાને ચેતનાને અર્પે એ સ્વ-ઉપસ્થિતિને – selfpresenceને – દેરિદા નકારે છે અને જણાવે છે કે ઉપસ્થિતિની દરેક ક્ષણ traceથી લાંછિત હોય છે અને અનુભવો ભાષા અને સંજ્ઞાઓથી ચેપાયેલા બલકે અર્થનિષ્પત્તિની પદ્ધતિથી રચાયા હોય છે. એ કારણે તો અનુભવોનાં અર્થઘટન થઈ શકે છે. ભાષા અને સંજ્ઞાઓની એ મધ્યસ્થીને ન વીસરી શકાય.

સવિશેષે દેરિદાને હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિમાં genesisનો ન નિવારી શકાય એવો કોયડો જોવા મળ્યો છે. તેઓ એક આંટી – loop – દર્શાવે છે કે both temporality and meaning must be generated by prior acts of the transcendental subject, but transcendental subjectivity must itself be constituted by an act of genesis.

એક દાખલાથી એ પરિભાષા સમજીએ : ધારો કે તમારે હાંડવો બનાવવો છે. તમે જાણો છો કે હાંડવો બનતાં કેટલો સમય લાગશે. ફિલસૂફીની પરિભાષામાં એ સમયતત્ત્વને temporality કહેવાય — અનુભવની સંરચના તેમ જ ઘટનાઓ અસ્તિત્વ અને વાસ્તવિકતા સાથે જોડાયેલો લાક્ષણિક સમયસંવિભાગ. હાંડવો meaning છે. હાંડવો બનાવતાં પહેલાં તમે શીખી લીધેલું કે કઈ ક્રિયા-પ્રક્રિયાથી બનશે. શીખવાની એ ક્રિયા મૂળારમ્ભ છે, act of genesis. તમે હાંડવાના કર્તા એટલે કર્તા પારગામી આત્મલક્ષીતા, transcendental subjectivity.

હ્યુસેર્લ કહે છે કે ચેતનાને સમયનો અનુભવ અદ્યતન-ભૂતકાળ નિકટતમ-ભવિષ્ય અને જિવાતા-વર્તમાનની આન્તરક્રિયાથી થતો હોય છે. એમણે retention, protention અને living presentની એ આન્તરક્રિયાનું વર્ણન કરીને સમયના સાતત્યની સંરચના સમજાવી છે. તદનુસાર એમનું મન્તવ્ય બને છે કે અર્થ અને કર્તાની સંરચનામાં સ્થિરતા લાવનારું પરિબળ સમય છે. સ્થિરતા નથી આવતી કહીને દેરિદા એ મન્તવ્યને ય પડકારે છે. હ્યુસેર્લમાં એમને temporality meaning અને transcendentle subjectivityનો સમ્બન્ધ સ્થગિત અને દુષ્કર લાગ્યો એટલે વિશેષ ચર્ચામાં એ માટે એમણે tension શબ્દ પ્રયોજ્યો. દેરિદા tension શબ્દનો પ્રયોગ એક વિભાવના તરીકે કરતા હોય છે અને ત્યારે એનો અર્થ થતો હોય છે, તંગ અવસ્થિતિ. 

હાંડવો બનાવવા તમારે હાંડવો કેમ બનાવાય એ જાણવું જરૂરી હતું પણ એ જાણવા હાંડવો બનાવવો એ જરૂરી હતું. ઉપર્યુક્ત દીર્ઘ અંગ્રેજી ફકરામાં કહ્યું છે એમ, દેરિદા એને genesisનો કોયડો ગણે છે. વાસ્તવમાં તો પરસ્પરાવલમ્બન ઊભું થયું, અને એમાં મૂળારમ્ભ ક્યાં? મૂળારમ્ભની અવધારણા જ વ્યર્થ ઠરી! આરમ્ભબિન્દુથી માંડીને અર્થ સુધીની યાત્રા અર્થથી આરમ્ભ અને આરમ્ભથી અર્થ એમ એક લચ્છી કે આંટી – loop – છે એમ અવગત થયું. દેરિદાનું મન્તવ્ય છે કે – આ મૂળારમ્ભ છે એમ આંગળી મૂકીને કહી શકાતું નથી કેમ કે મૂળારમ્ભ હમેશાં પૂર્વવર્તી સમ્બન્ધો અને સંદર્ભો પર આધારિત હોય છે.

આમ સંશયો ઊભા કરીને દેરિદાએ હ્યુસેર્લના સુખ્યાત cartesian methodic doubtને – પદ્ધતિવિષયક સંશયમન્ત્રને – એમની જ ફિલસૂફી સામે બરાબર પ્રયોજી જાણ્યો છે. આપણે જોયું કે સ્વ-ઉપસ્થિતિ અને મૂળારમ્ભ જેવા ફિલસૂફીના પાયાના સમ્પ્રત્યયો તેમ જ અર્થ અને મનુષ્ય-અનુભવની સંરચનાઓના સ્વરૂપ વિશે એમણે તીવ્ર પ્રશ્નો કર્યા છે. Speech and Phenomena ગ્રન્થમાં દેરિદા એ જ મતલબ દર્શાવે છે કે ફીનૉમોનોલૉજિ સંજ્ઞાઓ તેમ જ અનુભવની પાયાની સંરચનાઓ પર ભાર મૂકે એ બરાબર છે પણ એથી genesis અને structure વચ્ચે જે તંગ અવસ્થિતિ સરજાય છે તેનું નિરાકરણ નથી મળતું. ફીનૉમોનોલૉજિ અર્થની સુસંગત પ્રાંજલ ભૂમિકાની અપેક્ષા સેવે એ બરાબર છે પણ તંગ અવસ્થિતિ એને પડકારે છે અને વિરોધાભાસો વિરોધાભાસો જ રહે છે.

જો કે આ વિરોધાભાસો મને ફળપ્રદ લાગ્યા છે – productive. કેમ કે એથી પરમ્પરાગત વિભાવનાઓમાં રહેલી મુશ્કેલીઓ પ્રકાશિત થાય છે અને નવી વિભાવનાઓના સર્જનની તકો ઊભી થાય છે. પરિણામે વિમર્શ-પરામર્શ વિકસે છે. પૂરેપૂરો અર્થ પકડવાની વૃત્તિ પર પણ કાપ આવે છે કેમ કે અર્થ તો સદા ગતિમન્ત હોય છે. દેરિદા પણ વિરોધાભાસોને નિષ્ફળતા નથી ગણતા બલકે એને ચિન્તનમાં પ્રગતિ કાજેના આધારસ્રોત કહે છે. દાખલા તરીકે, ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની આન્તરલીલાને કારણે વૈકલ્પિક પરિપ્રેક્ષ્યો અને અર્થઘટનો માટે જગ્યા મળે છે અને પરિણામે બૌદ્ધિક સર્જકતા ખીલે છે. વિરોધાભાસોની એ સંસૃજનાત્મક શક્તિની નૉંધ લેવી જોઈશે. આ વિરોધાભાસો વિચારકોને જાણે ધક્કો મારીને કહે છે કે પાયાની અવધારણાઓ વિશે પ્રશ્નો કરો અને નવ્ય પદ્ધતિઓ શોધો — તમારું ક્ષેત્ર ફીનૉમિનોલૉજિનું હોય કે સાહિત્યનું કે સાહિત્યસમીક્ષાનું. આ વાત કોઈપણ જ્ઞાનવારતાને એટલી જ લાગુ પડે છે. બધું બરાબર અને નિશ્ચિત છે એમ ગણીને નિશ્ચિન્ત થઈ બેસી રહેવાના મનોવલણનો વિલય ઝંખતા આ વિરોધાભાસો રૂપાન્તરણકારી છે એની પણ નૉંધ લેવી જોઈશે.     

આ બધા પ્રશ્નો અને પડકારોનો એ અર્થ નથી કે દેરિદા ફીનૉમિનોલૉજિને નકારે છે. અર્થ એ છે કે એની કોયડારૂપ પદ્ધતિઓને એમણે પરિષ્કૃત કરી અને સ્વકીય દૃષ્ટિએ વિકસાવી. વિઘટનવિચાર ફિલસૂફીની એક શાખા તરીકે ફીનૉમિનોલૉજિ પર ભિન્ન અને વિલક્ષણ સ્વરૂપે ઊભો છે એવું લાગે છતાં કહેવું જોઈશે કે એને ઉલ્લંઘીને એ ખાસ્સો વિકસ્યો છે. 

આવા બધા પ્રકારે ફીનૉમિનોલૉજિમાં અવગાહન કરતા દેરિદા દસેક વર્ષ બાદ ફીનૉમિનોલૉજિથી ફંટાઈ જાય છે અને વિઘટન-વિચારની આવશ્યકતા ચીંધતા રહે છે.

શોધનિબન્ધના આ મુદ્દાને મેં આટલું મહત્ત્વ આપ્યું તે સકારણ છે કેમ કે એ દેરિદાની ફિલસૂફ તરીકેની સ્વાયત્ત કારકિર્દીનું પ્રારમ્ભબિન્દુ છે.

આ લેખમાળામાં અન્યતા આતિથ્ય મૈત્રી હિંસા ન્યાય કાયદા મૃત્યુદણ્ડ આતંકવાદ 9/11 વગેરે નીતિમત્તાવિષયક બાબતો તેમ જ સ્નેહ પ્રેમ જાતીયતા જીવન મૃત્યુ શુભ દુરિત તેમ જ કેળવણી સાહિત્ય અને રાજકારણ વિશેના દેરિદાના વિચારો હું યથાપ્રસંગે પરિચયાર્થે રજૂ કરીશ પણ આ ક્ષણે એમના અધ્યયન-અધ્યાપનની આ ચાલુ વારતા સમ્પન્ન કરું. 

ડિપ્લોમા પછી ડૉક્ટરલ થીસીસ માટે દેરિદાએ વિલક્ષણ વિષય પસંદ કરેલો : The Ideality of the Literary Object. ખાસ્સું કામ થયેલું પણ પ્રોજેક્ટ પડતો મૂકવો પડેલો કેમ કે વચગાળે જ માર્ગદર્શક હીપોહ્લીટનું અવસાન થયેલું. તેમ છતાં વરસો પછી ૧૯૮૦માં દેરિદાને એમના sur travauxને આધારે – વિદ્યાકીય સમગ્ર કાર્યને આધારે – ડૉક્ટરેટની પદવી આપવામાં આવેલી. એ થીસીસ-ડીફેન્સમાં દેરિદાએ રજૂ કરેલાં સમર્થનો અને વિચારો એમના The Time of Thesis: Punctuations ગ્રન્થમાં ઉપલબ્ધ છે. એમાં એ પ્રસંગના સ્વાનુભવ વિશે અને શૈક્ષણિક તેમ જ વિદ્વત્તાયુક્ત લેખનમાં વિરામચિહ્નોના ફિલસૂફીપરાયણ સંકેતો વિશે દેરિદાએ સરસ વાતો કરી છે. 

૧૯૫૬-૫૭માં દેરિદા બોટમાં અમેરિકા જાય છે. એમને હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૉલરશિપ મળી હોય છે. આશય હતો હ્યુસેર્લની હસ્તપ્રતોના અધ્યયનનો પણ ભાઇસાહેબે હાર્વર્ડમાં બેસીને જૉય્યસની Ulysses વાંચ્યા કરેલી. જો કે એ નવલનું ઊંડું અધ્યયન કરેલું. વિઘટન સંદર્ભે Ulyssesને એમણે સીમાચિહ્નરૂપ સર્જનાત્મક કૃતિનો દરજ્જો આપ્યો છે. ત્યારે દેરિદા ફ્રૅન્ચ મનોવિશ્લેષક Marguerite Aucouturierને પરણ્યા હતા જેમનું 2020-માં કોરોનાવાઇરસને કારણે ૮૭ વર્ષની વયે અવસાન થયેલું.

દેરિદાએ વરસો લગી પૅરીસની Sorbonne universityમાં ફિલસૂફીનું અધ્યાપન કર્યું. પછીનાં વરસોમાં અમેરિકાના અનેક પ્રવાસો કર્યા. ૧૯૭૫-થી ૮૬ દરમ્યાન તેઓ દર વર્ષે યેલ યુનિવર્સિટી ગયા હતા. એ સમયગાળાના વિવેચનને Yale School નામ અપાયું છે. (૧૯૯૨-માં હું યેલમાં ‘વિઝિટિન્ગ ફૅલો’ તરીકે ગયેલો, પૃચ્છા કરેલી કે કશું દેરિદાની સ્મૃતિમાં સચવાયું હતું કે કેમ. પણ એ લોકો પાસે ચૉક્કસ કશું હતું નહીં.). ૧૯૮૭-થી અનેક વર્ષો લગી દેરિદા કૅલિફોર્નિયાની ઇર્વિન યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપવા ગયા હતા.

પરન્તુ ૧૯૬૬-માં બાલ્ટિમોરની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીની મુલાકાત એમના માટે તેમ જ એમના અંગ્રેજીભાષી અધ્યેતાઓ માટે, સવિશેષે અમેરિકન વિદ્વાનો માટે, ફળદાયી પુરવાર થઈ. યુનિવર્સિટીએ યોજેલા એ અન્તરરાષ્ટ્રીય જ્ઞાનસત્રમાં દેરિદાએ વ્યાખ્યાન આપ્યું : Structure, Sign, and Play in the Discourse of the Human Sciences. માત્ર ૩૬ વર્ષના દેરિદાની કારકિર્દીમાં યશકલગીરૂપ એ વ્યાખ્યાન અનુ-સંરચનાવાદ અને વિઘટનશીલ ફિલસૂફી તેમ જ ચિન્તન માત્ર માટે પાયાનું પુરવાર થયું છે. 

વિશેષ વાચન માટે સૂચિ :

1
Derrida, J. (1973). Speech and Phenomena: And Other Essays on Husserl’s Theory of Signs. Translated by D. B. Allison. Evanston: Northwestern University Press.
2
An article titled ‘Difference and Presence: Derrida and Husserl’s Phenomenology of Language, Time, History, and Scientific Rationality’ is authored by Rudolf Bernet, Charles Driker-Ohren, and Mohsen Saber. link.springer.com
3
aphelis.net ‘Punctuations: The Time of a Thesis’ by Jacques Derrida, tr. Kathleen McLaughlin, Stanford: Stanford University Press, 2004.
4
‘: A Biography’ by Benoît Peeters, tr. Andrew Brown, Polity Press,  2013.
= = =
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ : “પરબ” : May 2025-માં પ્રકાશિત લેખ —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 May 2025 સુમન શાહ
← વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો
ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ … →

Search by

Opinion

  • अब जंग का एक ही मतलब है –  विनाश ! 
  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 
  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved