
રવીન્દ્ર પારેખ
ભારતનાં બંધારણનાં આઠમાં પરિશિષ્ટમાં 22 મુખ્ય ભાષાઓને ભારતની અધિકૃત ભાષાઓ ગણવામાં આવેલી છે. તેમાં ગુજરાતી પણ છે. આમ તો 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કુલ 19,569 ભાષા નોંધાયેલી છે, એમાં બોલીઓ પણ ખરી, જ્યારે વિશ્વમાં 7,111થી વધુ ભાષા બોલાય છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી દસ ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે અને બંગાળી છઠ્ઠા ક્રમે છે, ગુજરાતી 29માં ક્રમે છે. દુનિયામાં 6.55 કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. જેમની પહેલી ભાષા ગુજરાતી હતી એવા કેટલાક મહાનુભાવોમાં નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, નરેન્દ્ર મોદી… નો ઉલ્લેખ કરવો પડે. ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત સુરતી, સૌરાષ્ટ્રી, ચરોતરી, પટ્ટણી, કચ્છી, ડાંગી … જેવી 55 ભાષા-બોલી બોલાય છે તે પણ નોંધવું ઘટે.
બોલી એ કોઈ ચોક્કસ પ્રદેશની જાતિ કે વર્ગની ભાષાનું પરંપરાગત રીતે બોલાતું શુદ્ધ કે અશુદ્ધ રૂપ છે. બોલીનું લિખિત સ્વરૂપ એટલે કે લિપિ નથી. ખરેખર તો બોલી એ કોઈ એક મુખ્ય ભાષાને બોલવાની અલગ ટેવ કે પદ્ધતિ જ છે. ગુજરાતમાં પણ ઘણી બોલીઓ બોલાય છે. બોલી ભણાવાતી નથી, તે સાંભળીને શીખાય છે, પણ ભાષા શીખવી પડે છે. તે 5-6 વર્ષે પ્રાથમિક શિક્ષણની શરૂઆતથી બાળક શીખે છે અને ધોરણ 10-12 સુધી એક વિષય તરીકે સ્કૂલોમાં શીખવવામાં આવે છે. આટલાં વર્ષનાં શિક્ષણ પછી પણ, ગુજરાતી લખવા, વાંચવા અને બોલવાની તકલીફ પડે જ છે. માતૃભાષા ગુજરાતી હોવા છતાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં નાપાસ થયા છે. આ વર્ષે પણ ધોરણ 10નું 83.08 ટકા રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું, તો ય 54,614 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા જ ! એનું સાદું કારણ, ગુજરાતનાં શિક્ષણ વિભાગના મંત્રીઓ, અધિકારીઓથી માંડીને સામાન્ય જન દ્વારા થતી ભાષાની ઘોર ઉપેક્ષા છે. ગુજરાતીની માનસિક સ્થિતિ જ એવી છે કે તેને અંગ્રેજી વગર ચાલતું નથી. સવાલ એ છે કે ઈંગ્લેંડની માતૃભાષા ગુજરાતી ન હોય તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કેવી રીતે હોય? પણ, વાતાવરણ તો અંગ્રેજીનું જ વિશેષ છે.
65 વર્ષ પહેલાં ભાષાને આધારે અલગ ગુજરાત રાજ્ય માટે ‘મહાગુજરાત’ આંદોલન થયું, રાજ્ય તો મળ્યું, પણ, ગુજરાતી ભાષાને ભોગે, વ્યવહારો, અંગ્રેજીની ફેશનમાં થવા લાગ્યા, તે એટલે સુધી કે રોડ પરની દુકાનો, રેસ્ટોરન્ટ્સ, મોલ વગેરેનાં બોર્ડ અંગ્રેજી થઈ ગયાં. બહુ ઓછાં બોર્ડ ગુજરાતીમાં જોવા મળે છે. જો કે, ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2022માં એક પરિપત્ર બહાર પાડીને રોકડું કર્યું હતું કે જાહેર સ્થળ પરનાં બોર્ડ, સરકારી કંપની, દુકાન, રેસ્ટોરન્ટ્સ, સ્કૂલ-મોલ, કાફે, મલ્ટિપ્લેક્સ, બેનક્વેટ, બાગ-બગીચા … વગેરેનાં સાઇન બોર્ડમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે.
હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતીની અવગણના કરીને બોર્ડનાં નામો અંગ્રેજીમાં ચીતરાય છે. મલ્ટિનેશનલ બ્રાન્ડ કે કેટલીક ઇંડિયન બ્રાન્ડ્સ અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ બોર્ડ રાખે છે, પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં સ્થાનિકો કે રેસ્ટોરન્ટ માલિકો બોર્ડ અંગ્રેજીમાં જ લખે છે, કેમ જાણે અંગ્રેજો જ દુકાનોમાં પ્રવેશતા હોય ! ગુજરાત સરકારે રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત … વગેરે 8 મહાનગરપાલિકાની તમામ સરકારી કચેરીઓ, પરિસરો, અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત કર્યું હતું.
એ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો હાઇકોર્ટે એમ કહીને નિકાલ કર્યો કે ગુજરાતની મહાનગરપાલિકાઓ પરિપત્રનું કડક રીતે પાલન થાય તે જોશે. એ અંગે તપાસ થઈ તો નિરાશા જ હાથ લાગી. મહારાષ્ટ્રમાં મરાઠીમાં સાઇન બોર્ડ ન હોય તો દુકાનદારો પર હુમલા થયા છે, બેન્કોનું કામ મરાઠીમાં જ થાય તેવી માંગ થઈ છે, દક્ષિણ ભારતનાં રાજ્યો હિન્દી કરતાં પોતાની ભાષાને વધુ મહત્ત્વ આપે છે, પણ ગુજરાત એ ભૂલી ગયું છે કે ગુજરાતની ઓળખ ગુજરાતીને લીધે છે. દરેક રાજ્યને તેની ભાષાનું ગૌરવ છે, પણ ગુજરાતીઓને ગુજરાતી લખવા-વાંચવા-બોલવામાં નાનમ લાગે છે. આ સ્થિતિ ગુજરાતમાં જ છે. એથી થયું છે એવું કે ગુજરાતી ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ને અંગેજીનો મહિમા વધી રહ્યો છે. એને માટે શિક્ષણ નીતિ પણ જવાબદાર છે. તેમાં અંગ્રેજીનો થયો છે એવો મહિમા ગુજરાતીનો થયો જ નથી.
બહારથી આવતા IAS કે IPS ગુજરાતમાં આવીને ગુજરાતી શીખી લે છે ને વક્રતા એ કે ગુજરાતી બાળક અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવે છે. દરેક રાજ્યમાં પોતપોતાની ભાષા માટે અલગ વિભાગ ને મંત્રાલય છે, પણ ગુજરાતમાં નામ પૂરતો ગુજરાતી વિભાગ છે, જે ભાષાંતરનું કામ કરે છે, એ સિવાય ગુજરાતી માટે સક્ષમ વિભાગ નથી. થોડા અંગ્રેજી જાણનારા અધિકારીઓ માટે, આખા ગુજરાત પર અંગ્રેજી થોપવાનો ઉદ્યમ પુનર્વિચારણાને પાત્ર છે. પ્રજા પણ આદેશોનું પાલન કરવામાં માનતી નથી. સરકારે તો પાટિયાં ગુજરાતીમાં કરવાનો પરિપત્ર કર્યો, હવે પ્રજાની જવાબદારી બને છે કે પાટિયાં ગુજરાતીમાં લખાય તે જુએ.
એક તરફ શિષ્ટ ભાષામાં જોઈએ એ કક્ષાએ કામ નથી થતું, તો બીજી તરફ બોલીનાં શિક્ષણનો પ્રશ્ન પણ ચર્ચામાં છે. અગાઉ જોયું તેમ ગુજરાતમાં જ 55 જેટલી ભાષા-બોલી સક્રિય છે. એ સ્થિતિમાં આખા ગુજરાતમાં સમજી શકાય એવું ભાષાનું સર્વમાન્ય રૂપ પણ હોવું ઘટે. જેને સ્ટાન્ડર્ડ લેંગ્વેજ કહીએ છીએ એવું ભાષારૂપ ન હોય તો સૌરાષ્ટ્રનો કે દક્ષિણ ગુજરાતનો એકબીજા સાથે વ્યવહાર શક્ય ન રહે. એવું જ મહેસાણા અને છોટાઉદેપુરને મામલે પણ ખરું. આખા દેશમાં ભાષા વ્યવહાર સરળ રહે એ માટે હિંદીને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી. એ જ રીતે રાજ્યો માટે ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ વગેરે ભાષાઓનું શિષ્ટ રૂપ માન્ય ગણાયું. એ દરેક રાજ્યોને તેમની બોલીઓ તો છે જ, પણ તે ચોક્કસ પ્રદેશ કે જાતિ પૂરતી સીમિત છે. સુરતી દક્ષિણ ગુજરાતમાં ચાલે એવી મહેસાણામાં ન ચાલે. એ જ રીતે ચરોતરી અમરેલીમાં ન ચાલે. બધે ચાલે તે ગુજરાતી સ્કૂલોમાં શીખવાય છે. એ શીખવવા શિક્ષણ વિભાગ જુદાં જુદાં ધોરણો માટે પ્રમાણભૂત ભાષામાં પાઠ્યપુસ્તકો બહાર પાડે છે. એને લિપિ છે, વ્યાકરણ છે. તેનું લિખિત-મુદ્રિતરૂપ વિકસેલું છે ને એમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ગુજરાતમાં અપાય છે.
હવે એવી માંગ ઊઠી છે કે જે રીતે ગુજરાતીનું શિક્ષણ અપાય છે એ રીતે બોલીનું શિક્ષણ પણ અપાય. એનું કારણ એ અપાય છે કે પાઠ્યપુસ્તકોમાં વપરાતી ભાષામાં શહેરી બૌદ્ધિકપણું જ પ્રગટ થાય છે અને એને આદિવાસી બોલી સાથે કોઈ લેવાદેવા નથી. એ સાચું છે કે આદિવાસી વિદ્યાર્થીનું જીવન એ ભાષામાં પ્રગટતું નથી. એ ભાષા ગ્રામીણ બાળકોને સમજાતી નથી. જે એને સમજાય છે તે પાઠ્યપુસ્તકમાં નથી ને જે પાઠ્યપુસ્તકમાં છે તે એને સમજાતું નથી. એવું જ બીજા અંતરિયાળ પ્રદેશનાં બાળકોનું પણ ખરું. આમ થવાથી બાળકોને ભણવાની મજા નથી આવતી ને એ જતે દિવસે સ્કૂલ છોડી દે છે. સ્કૂલ છોડવાનું કારણ ભાષા જ હોય એવું દરેક વખતે ન પણ હોય. ગરીબી, મજૂરીની લાલચ, આર્થિક મુશ્કેલીઓ જેવાં કારણો પણ હોઈ શકે. એ સાચું કે ભાષા સરળ થઈ શકતી હોય તો તેને અઘરી ન જ કરવી જોઈએ. ગ્રામીણ બાળકો સંદર્ભે એક જ પ્રકારનાં પાઠ્યપુસ્ત્કો પણ ડ્રોપઆઉટનો રેશિયો વધારે છે. આ બધી જ દલીલોમાં તથ્ય છે, પણ પાઠ્યપુસ્તકો શહેરી બૌદ્ધિકતાનો જ પડઘો છે એવું નથી. પાઠ્યપુસ્ત્કો તૈયાર થાય છે, એમાં ગ્રામજીવનનો પડઘો પણ પડતો જ હોય છે, ખાસ કરીને વાર્તાઓમાં, સમાજજીવનમાં ! હા, પ્રમાણ વત્તુંઓછું હોઈ શકે, પણ તે તો સંતુલિત કરી શકાય.
ગામડામાં એક આદિવાસી બાળક શાળામાં પ્રવેશ લે છે કે શહેરમાં એક બાળક સ્કૂલમાં પ્રવેશે છે, ત્યારે તે બંને માટે ભાષા તો નવી જ છે. બંને માટે મૂળાક્ષરો સરખા જ અજાણ છે ને બંનેએ તે શીખવા પડે છે. તેને શહેરી બૌદ્ધિકતા કે ગ્રામીણ માનસનો ભેદ ખબર નથી. તે તો કોરી પાટીએ જ અક્ષર પાડે છે. એ ખરું કે તે જે બોલે, સાંભળે છે, તેનાં કરતાં શીખે છે તે જુદું છે. એવું જ શહેરી બાળક માટે પણ ખરું. એ પણ ઘરમાં જે સુરતી બોલે છે, તેનાં કરતાં શીખે છે, તે જુદું છે. એ જુદું છે, એટલે જ તો શીખવાનું છે. દેખીતું છે કે એ અઘરું લાગે ને મજા ન પણ પડે. એને રસિક, શિક્ષક બનાવી શકે.
રહી વાત બોલી અનુસાર પુસ્તકો તૈયાર કરવાની, તો તે વ્યવહારુ નથી. 55 ભાષા ગુજરાતમાં જ હોય તો તેટલાં પાઠ્યપુસ્તકો રાજ્યમાં કોઈ એક સમાન ધોરણ ઊભું ન કરી શકે. બીજું કે આદિવાસીનું પુસ્તક સૌરાષ્ટ્રમાં કે ચરોતરનું પુસ્તક વલસાડમાં કેટલું ખપમાં આવે? એ પછી પણ આખા રાજ્યને સમજાય એવી ભાષાની જરૂર તો ઊભી જ રહે. એટલે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ભણવામાં ને બોલી, બોલવામાં રહે એ વધારે ડહાપણ ભરેલું છે, એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 મે 2025