ગોદીમીડિયા
ટ્રોલત્રાસદી પાછળ સત્તાપક્ષની સંડોવણી
યશસ્વી કારવાઈ છતાં પણ બાંગ્લાદેશ વખતના ઇન્દિરાજી અને કારગિલ વખતના અટલજી અમેરિકી પ્રમુખ સંદર્ભે હજી પ્રતિમાન રૂપ છે તે છે.

પ્રકાશ ન. શાહ
બુધવારે નમતે પહોરે બે શબ્દો પાડી રહ્યો છું ત્યારે નાના પડદે જોઉં છું કે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે રાજ્ય મંત્રીમંડળના સભ્ય વિજય શાહ સામે એફ.આઈ.આર. દર્જ કરવાનો આદેશ આપ્યો છે. સૈંયા ભયે કોતવાલ શાઈ ઠાગાઠૈયે સુપેરે વાકેફ અદાલતે આ આદેશને પાછો બિલકુલ મુદ્દતબંધો જાહેર કીધો છેઃ ચાર કલાકની બિનચૂક કરવો રહેશે. મને લાગે છે, આ દિવસોમાં ગાજેલા સમાચારો વચ્ચે વિજય શાહ કોઈ ઓળખના મોહતાજ નથી. એમની કારકિર્દીનું તરોતાજા યશપીંછુ એમણે કર્નલ સોફિયા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનું છે. જોવાનું એ છે કે વિદેશ સચિવ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની સહજસ્વસ્થ એટલી જ વિગતબદ્ધ ને શલીન એટલી જ સંયત શૈલીએ પ્રારંભિક બ્રીફિંગ સાથે એક આભામંડળ અરજી જાણ્યું છે. પણ આ બધાં જ, સદ્યવિધવા હિમાંશી નરવાલ સુદ્ધાં, જે પ્રકારે ટ્રોલબહાદુરોનાં નિશાન આ દિવસોમાં બનતાં રહ્યાં છે તે લગારે શોભીતું નથી. બલકે, જો યુદ્ધયત્નમાં જન સહયોગિતા એ કોઈ પાયાનું મૂલ્ય લેખાતું હોય તો આવું ટ્રોલ ગાંડપણ એને લૂણો લગાડનારું જ લેખાવું જોઈએ. વિજય શાહ ઘટનાના આરંભિક સ્મરણ સાથે શરૂ કરેલી આ ચર્ચા અને એની પાછળનો મુદ્દો ચિંતાજનક હદે મહત્ત્વનો છે તે એટલા માટે કે આખીયે ટ્રોલ ત્રાસદીની પૂંઠે સત્તાપક્ષ સાથે સંકળાયેલીઓની સક્રિય સંડોવણી છે.
વડા પ્રધાન મોદીએ આદામપુર એરબેઝની મુલાકાત લીધી તે આપણા એરફોર્સના સાથીઓ કે બીજા જવાનોની હોંસલા અફઝાઈની કોશિશ માત્ર નહોતી. પાક પ્રચારમારો જે બધું તહસનહસ કરી નાખ્યાનો દાવો મોટે સાદે કરે છે તે કેવું કડેધડે કાંકરીયે ખર્યા વગરનું છે એના વિશ્વદર્શનની દૃષ્ટિએ એનું ચોક્કસ મહત્ત્વ છે. આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર ઉતરે છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તરતમાં ભુજ એર બેઝની મુલાકાત લેવામાં છે. વિક્રમ રાજાની અંધાર પછેડી શૈલી વિશ્વવિશ્રુત છે. હાલના શાસકો પણ તેમ કરતા જ હશે, પણ કેટલીક બાબતો થકી જગત આખાને દેખાઈ સંદેશ જવો જોઈએ તે રીતે આ ટી.વી. પછેડી અભિગમનીયે ચોક્કસ ભૂમિકા છે.
બાવીસ એપ્રિલ પછી પાકિસ્તાનને પક્ષે આપણે અંગે મિસ્ ઇન્ફર્મેશન મિસાઇલ છૂટતાં રહ્યાં છે. વડા પ્રધાનની આદમપુર મુલાકાત જેવાં આયોજન પાક પક્ષે જે નકલી ફતેહનામાં પટાઈ રહ્યા છે એનો પ્રતીતિકર ઉત્તર ચોક્કસ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાના જમીની ઉલ્લંઘન વગરની એર સ્ટ્રાઇકની અને નાગરિક સલામતીની તકેદારી સાથે નવ આતંકી થાણાં પર હલ્લાની ભૂમિકા નિઃશંક સરાહનીય છે. પાક ગેરમાહિતી અભિયાન સામે આ બોલતો જવાબ જરૂર છે. પણ જેમ ટ્રોલ બહાદુરો તેમ આપણું ગોદી મીડિયા આજે એક જવાબદારી (લાયેબિલિટી) બનીને ઊભરી રહ્યું છે. પાકિસ્તાનનો કેટલો બધો હિસ્સો આપણે રાત્રે કબજે કરી લીધો હોય છે, અને સવારે ઊઠીએ ત્યારે એ બધું પાકિસ્તાન હસ્તક યથાવત હોય છે! કમનસીબે, ગોદી મીડિયા પૂંઠે સત્તાપક્ષની કોઈ સંચારસંડોવણી નહીં જ હોય એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. દેશભક્તિ અને પક્ષપ્રચારની અજબ મિલાવટ જેવી તિરંગા યાત્રા, ટ્રોલમારા અને ગેરમાહિતી મારા કરતાં કદાચ વધુ સલાહભરી હોઈ શકે છે.
સર્વદલીય બેઠકમાં ગેરહાજરીથી માંડીને પહેલગામની મુલાકાતને બદલે બિહારની ચૂંટણી સભાને અગ્રતા આપવાને કારણે કંઈક સવાલિયા દાયરામાં વરતાતુ રાષ્ટ્રીય નેતૃત્વ એક અંતરાલ પછી રાષ્ટ્ર જોગ સંબોધન વાટે ચિત્રમાં પ્રત્યક્ષ ઠીક થયું. પણ બાંગલાદેશ પ્રસંગે અમેરિકી પ્રમુખને ખખડાવી શકતાં ઇંદિરાજી કે કારગિલ ઘટના વેળાએ અમેરિકી પ્રમુખને ત્યાં હાજરી નહીં ભરતા અટલજી હજુ એક પ્રતિમાનરૂપ છે.
સંસદનાં બંને ગૃહો મળે અને સત્તાપક્ષ-વિપક્ષ હાલની સહમતિ પર રાષ્ટ્રીય એકંદરમતીની મહોર મારી શકે એવું કેમ ન બને? અંતરંગ વ્યૂહ અલબત્ત ખાનગી જ હોય પણ અભિગમ વિષયક એકંદરમતી ઇષ્ટ છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 14 મે 2025