Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માર્ગદર્શકની શોધ

જમનાલાલ બજાજ|Gandhiana|28 December 2024

જમનાલાલ બજાજ

જીવન સેવામય, ઉન્નત, પ્રગતિશીલ, ઉપયોગી અને સાદાઈભર્યું હોય, એ ભાવના જ્યારથી હું સમજણો થયો, ત્યારથી અસ્પષ્ટ રૂપે મારી સામે હતી. એ હેતુની પૂર્તિ માટે સામાજિક, વ્યાપારિક, સરકારી અને રાજકીય ક્ષેત્રોમાં થોડો હસ્તક્ષેપ કરવાની મેં શરૂઆત કરી. સફળતા મારી સાથે હતી. પરંતુ હંમેશાં મને એ વિચાર મનમાં રહેતો કે જીવનની સંપૂર્ણ સફળતા માટે કોઈ યોગ્ય માર્ગદર્શક હોવો જરૂરી છે. મારાં વિવિધ કામોમાં રોકાયેલો હોવા છતાં મેં એ શોધ ચાલુ રાખી. એ માર્ગદર્શકની શોધમાં મને ગાંધીજી મળ્યા, અને હંમેશાંને માટે હું એમને પામ્યો.

માર્ગદર્શકની શોધમાં મેં ભારતની અનેક વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો … અનેક નેતાઓ અને વ્યક્તિઓ સાથે મેં ઓછોવત્તો પરિચય કર્યો હતો. એમના સંપર્કમાં રહ્યો, એમના જીવનનું નિરીક્ષણ કર્યું. મારી એ શોધમાં એક વાતે મારા હૃદય પર બહુ અસર કરી. એ હતી સમર્થ રામદાસની ઉકિત :

‘બોલે તૈસા ચાલે, ત્યાચી વંદાળી પાઉલેં’

(બોલે તેવું ચાલે, એના ચરણોને વંદન). 

અનેક નેતાઓ સાથે મારો પરિચય થયા પછી મને એમના જીવનમાં ઉપલા સિદ્ધાંતની પ્રાપ્તિ જેટલા પ્રમાણમાં હોવી જોઈએ તે ન દેખાઈ. ભિન્ન ભિન્ન વ્યક્તિઓના ભિન્ન ભિન્ન ગુણોની મારા પર અસર પડી. સૌની પ્રત્યે મારી શ્રદ્ધા અને આદર તે રહ્યા જ. પણ મારા જીવનના માગદર્શકના સ્થાન પર હું એમાંથી કોઈને સ્થાપી શક્યો નહીં.

જ્યારે હું માર્ગદર્શકની શોધમાં હતો ત્યારે ગાધીજી દક્ષિણ આફ્રિકામાં સેવાકાર્ય કરતા હતા. એમના જે સમાચાર છાપાંઓમાં આવતા હતા તે હું ધ્યાનથી વાંચતો હતો, અને સ્વાભાવિક એ ઈચ્છા થતી હતી કે એઓ જો હિન્દુસ્તાનમાં આવે તો એમનો સંપર્ક સાધવો. સન ૧૯૦૭થી ૧૯૧૫ સુધી હું આ શોધમાં રહ્યો, અને જ્યારે ગાંધીજીએ હિન્દુસ્તાનમાં આવીને અમદાવાદમાં, કોચરબમાં મકાન ભાડે રાખીને આશ્રમ શરૂ કર્યો ત્યારે એમને પરિચય મેળવવા માટે હું ત્રણ વાર ત્યાં ગયો હતો. એમનું જીવન મેં સૂક્ષ્મતાથી જોયું. એ વખતે ગાંધીજી શરીરે અંગરખું, કાઠિયાવાડી પાઘડી અને પોતિયું પહેરતા. પગે તેઓ મોટે ભાગે ઉઘાડા જ રહેતા. જાતે દળતા, અને રસોડામાં પણ કામ કરતા હતા. પોતે જ પીરસતા પણ હતા. એમનો એ સમયનો આહાર કેળાં, મગફળી, જેતૂનનું તેલ અને લીંબુ – આટલો હતો. આશ્રમમાં સાંજ-સવારની પ્રાર્થના થતી. સાંજની પ્રાર્થનામાં હું જતો. ગાંધીજી પોતે પ્રાર્થનામાં રામાયણ, ગીતા આદિ પર પ્રવચન કરતા. 

મેં એમની અતિથિ-સેવા અને માંદાઓની સારવાર પણ જોઈ. અને એ પણ જોયું કે આશ્રમની અને આશ્રમવાસીઓની નાનામાં નાની બાબતનું પણ ગાંધીજી ધ્યાન રાખે છે. આશ્રમના સેવાકાર્યમાં મગ્ન બાને ૫ણ મેં જોયાં. ગાંધીજીએ પણ મારે વિશે પૂછપરછ કરવી શરૂ કરી. ધીરેધીરે સંપર્ક અને આકર્ષણ વધતાં જ ગયાં. જેમજેમ હું એમના જીવનને સમાલોચકની સૂક્ષ્મ નજરે જોતો ગયો તેમતેમ મને અનુભવ થતો ગયો કે એમની ઉક્તિઓ અને કૃતિઓમાં સમાનતા છે. અને મારા ‘બોલે તૈસા ચાલે’ આદર્શનું અસ્તિત્વ છે. એ રીતે સંબંધ તથા આકર્ષણ વધતાં જ ગયાં.

બાપુ સાથે જમનાલાલ બજાજ

મહાત્માજીના કાર્યમાં હું ખોવાતો ગયો. એ મારા માર્ગદર્શક જ ન રહ્યા, પિતા-તુલ્ય થઈ ગયા. હું એમનો પાંચમો પુત્ર બન્યો.

મહાત્માજીમાં અલૌકિક ગુણો છે. આ શબ્દોમાં હું હૃદયને સાચો ભાવ વ્યક્ત કરું છું. એમને વિશે કહી શકું છું કે એમનામાં ગુણોનો ભંડાર છે. માનવી ગુણોના તો એ હિમાલય છે. એમની નિયમિતતા, સાર્વજનિક હિસાબ રાખવાની ઝીણવટ, માંદાઓની સારવાર, મહેમાનોનો સત્કાર, વિરોધીઓ સાથે સદ્દવ્યવહાર, વિનોદપ્રિયતા, આકર્ષણ, સ્વચ્છતા, બારીક નજર અને દૃઢ નિશ્ચય આદિ ગુણો મેં ઉત્તરોત્તર પ્રગટ થતા જોયા છે. 

પરસ્પર વિરોધાભાસી લાગે એવા ગુણો ૫ણ મેં મહાત્માજીમાં જોયા છે. એમની અવિચળ દૃઢતા અને કઠોરતા, અગાધ પ્રેમ અને મૃદુતાના પાયા પર ઊભી છે, એમની પાઈ પાઈની કરકસર, મહાન ઉદારતાના જલથી સિંચાયેલી છે; અને એમની સાદાઈ સૌન્દર્યથી પોષાયેલી છે.

સૌજન્ય: નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 194

Loading

મનમોહનસિંહ ઇતિહાસમાં કેમ સારી રીતે અમર રહેશે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 December 2024

૧૯૯૧માં નાણાં પ્રધાન થતાં પહેલાં મનમોહનસિંહે નરસિંહરાવ સમક્ષ બે શરતો મૂકેલી એમ કેટલાક જાણકારો કહે છે :

(૧) જ્યાં સુધી તમે વડા પ્રધાનપદે રહો ત્યાં સુધી હું નાણાં પ્રધાન રહું જ. મને વચ્ચે ગમે ત્યારે કાઢી મૂકવાનો નહિ. 

(૨) કાઁગ્રેસ પક્ષ માટે નાણાં એકત્ર કરવાનું કામ મારું નહિ. 

પ્રથમ નાણાં પ્રધાન તરીકે અને પછી વડા પ્રધાન તરીકે મનમોહનસિંહ દ્વારા જે નીતિવિષયક પગલાં લેવાયાં તેને પરિણામે મનમોહનસિંહ ભારતના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં અમર થઈ ગયા છે. આ પગલાં નીચે મુજબ છે  :

(૧) ૧૯૯૧માં તેમણે નાણાં પ્રધાન તરીકે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ(LPG)ની જે નીતિ અપનાવી તેણે ભારતનું અર્થતંત્ર જડમૂળથી બદલી નાખ્યું. એ એક મોટો ૧૦ રિચર સ્કેલનો આર્થિક ભૂકંપ હતો કે જે રચનાત્મક અને સંઘર્ષમય હતો. અત્યારે ભારતમાં જે કંઈ આર્થિક અને માળખાગત વિકાસ દેખાય છે અને ભવિષ્યમાં દેખાશે તે એ નીતિને આભારી છે.

(૨) ૨૦૦૪-૧૪ના તેમના વડા પ્રધાનપદ સમયે જી.ડી.પી.નો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર ૭.૫ ટકા રહ્યો. આટલો ઊંચો વિકાસ દર એ પહેલાં કે એ પછી કદી રહ્યો નથી. 

(૩) આ જ દસ વર્ષના ગાળા દરમ્યાન બે વખત વૃદ્ધિ દર ૧૦ ટકા કરતાં પણ વધુ રહ્યો કે જે તે પછી કદી સિદ્ધ થયો નથી. અગાઉ પણ તે એક જ વર્ષે રાજીવ ગાંધીના શાસન દરમ્યાન રહ્યો હતો.

(૪) તેમના દસ વર્ષના શાસન દરમ્યાન માહિતીનો અધિકાર અને ગ્રામ વિસ્તારોમાં રોજગારીનો અધિકાર કાયદા દ્વારા પ્રસ્થાપિત થયા. ‘મનરેગા’માં તો સામાજિક ઓડિટની જોગવાઈથી પ્રત્યક્ષ લોકશાહીને બળ મળ્યું.

(૫) તેમના શાસન દરમ્યાન જમીન સંપાદન કાયદામાં લોકોની સંમતિ મહત્ત્વની બને તેવો સુધારો થયો.

(૬) દસ વર્ષના તેમના જ કાર્યકાળમાં શિક્ષણના મૂળભૂત અધિકારને અમલમાં મૂકવા માટેનો કાયદો થયો. 

(૭) તેઓ પોતે ઉદારીકરણમાં અને મુક્ત બજારમાં માનતા હોવા છતાં તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારોના સામાજિક કલ્યાણ અને સામાજિક સલામતી માટે છ કાયદાઓ ઘડ્યા. 

(૮) તેમણે ૧૧૭ પત્રકાર પરિષદો સંબોધીને જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપ્યું અને પત્રકારોને તેમણે મન કી બાત કરી. તેમના કરતાં વધુ સમય શાસન કરનાર ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ કરતાં પણ વધુ વખત તેઓ પત્રકારોને જાહેરમાં મળ્યા અને તેમના સવાલોના ઉત્તરો આપ્યા! દ્વિમાર્ગી સંવાદને તેમણે હંમેશાં એ રીતે પોષણ આપ્યું અને આમ લોકશાહીને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો. 

(૯) સૌથી અગત્યનો મુદ્દો એ કે જ્યારે ૨૦૦૮-૧૦ દરમ્યાન દુનિયાભરમાં મંદી આવી ત્યારે ભારતમાં તેની અસર ઝાઝી થઈ જ નહિ અને સરેરાશ ૬.૫ ટકાનો વૃદ્ધિ દર સિદ્ધ થયો એ એમની અર્થશાસ્ત્રી તરીકેની કુશળતા. લોકોને મંદીની બહુ અસર થઈ નહોતી.

એક પત્રકારના મતે મનમોહનસિંહ અકસ્માતે બનેલા વડા પ્રધાન હતા, ભલે, પણ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસ માટે એ એક સુખદ અકસ્માત હતો કારણ કે અટલબિહારી ૨૦૦૪માં ફરી ચૂંટાયા હોત તો દેશ કેટલી જલદી આજની દશામાં આવી પડ્યો હોત! 

મનમોહનસિંહના શાસન દરમ્યાન થયેલા RTI અને MANREGA જેવા કાયદા અત્યારના તાનાશાહી શાસનને બહુ નડે છે એ જ એમની મહાન સિદ્ધિ છે. બે ભા.જ.પી. શાસન વચ્ચે આવેલું મનમોહનસિંહનું સરદારી બફર બહુ અસરદાર રહ્યું એ લોકશાહી ભારતનું સદ્દનસીબ.

નરેન્દ્ર મોદીની જે હાલ ઠઠ્ઠામશ્કરી થાય છે એવી મનમોહનસિંહની તેમના વિરોધીઓ પણ કરી શકતા નથી એ એમનું સૌજન્ય અને એમની શાલીનતા, કે જેની આજની ભારતીય રાજનીતિમાં ભારે ખોટ વર્તાય છે. એમના વિરોધીઓ ખરેખર તો એમના વિરોધીઓ નથી, એ તો તેઓ કાઁગ્રેસમાં આવ્યા અને રહ્યા એટલે તેમના વિરોધી થયેલા! આ જ મનમોહનસિંહની મનમોહક અદા! 

“વીર સત્ય ને રસિક ટેકીપણું,

અરિ પણ ગાશે દિલથી.”

તા.૨૭-૧૨-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંઘના સાથથી સત્તા-સુવિધા મળી હશે : વાજપેયીની  વિકાસવાર્તા ટુંપાઈ ગઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 December 2024

બે શતવર્ષી

હિંદુ સંગઠનની રાજનીતિ

સાથેલગી બબ્બે શતવર્ષીનો કોઈ સારસંદેશ હોય તો તે એ છે કે જ્યાં લગી મુસ્લિમ વણછાની કળ ન વળે અને ધર્મની વ્યાપક સમજ ન કેળવાય ત્યાં લગી  બધો  વ્યાયામ છતી સત્તાએ વ્યર્થ જવાને નિર્માયેલ છે : કાશ, ભાગવત વિજ્ઞાનભવન  વ્યાખ્યાનોનો દોર ધોરણસર આગળ ચલાવી શકે !

પ્રકાશ ન. શાહ

થાય છે, થોડી ચર્ચા અટલબિહારી વાજપેયી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બેઉની શતવર્ષીને મિશે કરી જ લઉં. અલબત્ત, શતવર્ષીની ચર્ચાનો સીધો સંદર્ભ વિશેષે કરીને જનસંઘ અને ભા.જ.પ. એ બે રાજકીય પક્ષોનો જ હશે, કેમ કે વાજપેયી સ્વયંસેવક હતા પણ એમની જાહેર ઓળખ સંઘ કેન્દ્રી નહીં એટલી સ્વાભાવિક જ જનસંઘ અને ભા.જ.પ. થકી ઉપસેલી છે.

વાજપેયીનું નામ જાહેરમાં ગાજવા લાગ્યું તે 1957માં એમના લોકસભા પ્રવેશ સાથે. શ્યામા પ્રસાદ મુખરજીના નિધન પછી લોકસભામાં જનસંઘ પાસે કોઈ સક્ષમ અવાજ નહોતો અને તક મળે તો ક્ષમતા દાખવી શકે એવો અવાજ તરુણ વાજપેયીનો ચોક્કસ હતો. હું ધારું છું, બલરામપુર-ગોંડાથી એ પહેલીવાર લોકસભામાં પહોંચ્યા.

1947થી 1957 આસપાસનો ગાળો સમજવા જેવો છે. સ્વરાજ અને વિભાજન સાથે આવ્યાં. કાઁગ્રેસ સ્વરાજની વડી પાર્ટી તરીકે સત્તારૂઢ થઈ. સમાજવાદીઓએ એમના આદર્શ અને સમજ મુજબ સ્વતંત્ર રાહ લીધો, પણ મૂળભૂતપૂણે બંને હતાં તો સ્વાતંત્ર્યસંગ્રામની સરજત. ગાંધી ને નેહરુ, જ્યાં પણ હોય બેઉ પક્ષો છતે મતભેદે એમની છાયામાં હતા. એટલે વિભાજન અર્થાત્ હિંદુ-મુસ્લિમ સંબંધ એ એક એવો મુદ્દો હતો, જેમાં કદાચ જુદા પ્લેટફોર્મની ગુંજાશ હતી. હિંદુ સંગઠનની રાજનીતિ, ભલે એક દેખીતા બિનપક્ષીય સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હતી. હિંદુ મહાસભાની તો કોઈ ખાસ જગ્યા નહોતી અને એની સાથે ગાઢ સંબંધ છતાં અસરકારક નવું પ્લેટફોર્મ જરૂરી હતું. ગાંધીહત્યા સાથે એકલા પડી ગયેલા સંઘ માટે, આ જરૂરમાંથી જનસંઘ આવ્યો. મુખર્જી કેબિનેટમાંથી છૂટા તો થયા, પણ પાછા હિંદુ મહાસભામાં (એકલા હિંદુ સભ્યોવાળા પક્ષમાં) જવું અનુકૂળ નહોતું અને સંઘને રાજકીય સથવારો જોઈતો હતો. આ સંધાનમાંથી જનસંઘ આવ્યો, અને વક્તૃત્વના ધણી, બચ્ચનની ‘હાલા જીવન, હાલા પરિચય’ની ધારીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ના કવિ લોકસભામાં દાખલ થયા.

1962 સુધી એમનો સહજક્રમે ચઢતો ગ્રાફ તો રહ્યો પણ કેવળ હિંદુ-મુસ્લિમ મુદ્દે પ્લેટફોર્મ બનાવવાની સ્વાભાવિક જ એક હદ હતી. 1965માં શાસ્ત્રીકાળમાં પાક યુદ્ધને કારણે એક શક્યતા હતી એ ચોક્કસ. ચીન ઘટના પછી રાષ્ટ્રભક્તિને મુદ્દે વ્યાપની શક્યતા ઊભી થઈ હતી. તેમાં પાક યુદ્ધ ભળ્યું. દરમિયાન, એ યુદ્ધગાળાના વારાથી જ લોહિયાના સંપર્કે નાના દેખમુખ, દીનદયાલ ઉપાધ્યાય, વાજપેયી સૌ ભારત-પાક અર્ધસમવાય જેવી કોઈક ફોર્મ્યુલાની રીતે વિચારતા થયા. હિંદુ સરસાઈ સાથેના અખંડ ભારતના ખયાલથી ખસીને ફેડરેશન કે કોન્ફેડરેશન જેવી પરિકલ્પના ઘોર મુસ્લિમકેન્દ્રી ચિંતનથી હટવાનો અવસર અને પડકાર લઈને આવી હતી.

દરમિયાન, દીનદયાલ ઉપાધ્યાયે ‘એકાત્મ માનવ’નો જે વૈચારિક અભિગમ વિકસાવ્યો એમાં પણ નિતાન્ત મુસ્લિમકેન્દ્રી (મુસ્લિમવિરોધી) વારસાથી હટવાની ગુંજાશ હતી. રાષ્ટ્ર અતિહિંદુ વ્યાખ્યાથી હટી વ્યાપક ધર્મવિચારને ધોરણે વિકસાવેલું એ દર્શન હતું. 1967માં એથી બિનકાઁગ્રેસવાદના પ્રયોગમાં પણ સગવડ રહી.

લોહિયા અને દીનદયાલ એ જ ગાળામાં અણચિંતવ્યા એક સાથે જ લગભગ ગયા. વ્યાપક રાજનીતિની સંભાવનાને એક મોચ વાગી, પણ જયપ્રકાશ પરત્વે આદરવચનો ઉચ્ચારતા વાજપેયીએ કહ્યું કે અમે મધ્યમવર્ગી લોકો આવા જનઆંદોલન સાથે જોડાઈએ છીએ ત્યારે અમારી સમજમાં અને લોકસંધાનમાં નિખાર આવે છે – બલકે, હમારા ચરિત્ર બદલ રહા હૈ.

લાંબી દાસ્તાંમાં નહીં જતાં કહું કે જનતા પક્ષ બન્યો અને એમાંથી છૂટા પડવાનું થયું ત્યારે પણ પેલા મુસ્લિમ વણછાથી અને હટવા અને વ્યાપક વલણની દૃષ્ટિએ સકારાત્મક બિનસાંપ્રદાયિકતા તેમ જ ગાંધીવાદી સમાજવાદના આદર્શો નવા પક્ષરૂપે આગળ કર્યા.

1984 સાથે ચોક્કસ સંજોગોમાં હવા નીકળી ગઈ અને સંઘ-અડવાણી ધરીએ રામ જન્મભૂમિ આંદોલન તરેહનો રસ્તો પકડ્યો. વાજપેયીએ જે તે પ્રસંગે ઘટતા અવાજોની કોશિશ જરૂર કીધી પણ પેલું જે જંતરડું તે તો 1925ની ઘાટીએ રાબેતા મુજબ ચાલ્યું. વાજપેયીની પ્રતિભા, છતી સત્તા-સુવિધાએ (કદાચ, એટલે જ) ઠીંગરાઈ ગઈ.

શતવર્ષીએ સંઘ પરિવારને આ વાનું પકડાશે? પમાશે?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024

Loading

...102030...309310311312...320330340...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved