Opinion Magazine
Number of visits: 9736166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

આશા બૂચ|Gandhiana|11 February 2026

સદીઓમાં ભાગ્યે જ પેદા થતા હોય એવા એક વિશ્વ વંદનીય સપૂત મોહનદાસ કરમચંદ ગાંધી ભારતમાં પેદા થયા, એનું આપણા દેશને ગૌરવ. ગુજરાત રાજ્યને તેઓ ગુજરાતી હતા તેનું અદકેરું અભિમાન. વણિક જ્ઞાતિને વળી પોતાની કોમમાંથી આવો નરપુંગવ જગતને જડ્યો એનો હરખ. તેમાં વળી પોરબંદર ગામને પોતાની ધરતી પર એ મહાપુરુષે જન્મ લીધો તેનો પારાવાર આનંદ. તો રાજકોટ શહેર પચીસેક વર્ષ સુધી ગાંધી પરિવારનું રહેઠાણ હોવાનો દાવો કરવાનું કેમ ભૂલે ભલા?

રાજકોટ સ્થિત ગાંધીજીનું રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ તરીકે ઓળખાય છે.

મેં તેની અસંખ્ય વાર મુલાકાત લીધી છે. દરેક વખતે એ સ્થળમાંથી એક નવી જ પ્રેરણા લઈને આવું. તાજેતરમાં મારા પરિવાર સાથે ફરીને ત્યાં જવાનું બન્યું. મુલાકાતીઓ માટે એ સ્થળ અને ગાંધી પરિવારની ઇંગ્લિશ અને ગુજરાતીમાં વિગતો આપતું ચોપાનિયું મળ્યું. ખુશી થઇ. ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા એ આ સ્થળ એવું અનેક વખત એ પત્રિકામાં જણાવવામાં આવ્યું છે. એ વાંચતાં જ અનાયાસ સવાલ થયો, મોહન તો મહાત્મા બન્યા, આપણે શું બન્યા?

ઈ.સ.1876માં પિતા સ્વ. કરમચંદ ગાંધીની પોરબંદરથી રાજકોટ જિલ્લાના મુખ્ય વહીવટદાર તરીકે નિમણૂક થતાં સાત વર્ષના મોહન પરિવાર સાથે રાજકોટ આવી વસ્યા. 1881માં હાલમાં ગાંધીજીના નિવાસસ્થાન તરીકે ઓળખાતું મકાન બંધાયું અને પરિવાર ત્યાં સ્થાયી થયો.

મોહનની નાનપણની તસ્વીર

આ ઘરમાં રહ્યા તે દરમિયાન મોહને શ્રવણની કથા વાંચી. માતૃ અને પિતૃભક્તિના વિચારો તેમાંથી ઘડાયા. બિમાર પિતાની સેવા તો કરી જ, પરંતુ જીવનભર બિમાર લોકોની સેવાનો ક્રમ ચાલુ જ રહ્યો. જૈન સમાજની કોઈ વ્યક્તિ પારકા દેશમાં (દક્ષિણ આફ્રિકા) જઈને એમ્બ્યુલન્સ કોરમાં જોડાય? કોઈ રક્તપિત્તના દર્દીની જાતે સેવા શુશ્રૂષા કરે? પ્લેગ ફાટી નીકળે ત્યારે લોકોનાં પાયખાનાં સાફ કરે અને દવા આપી મોત અને દર્દી વચ્ચે પોતાની જાતને ખડી કરી દે? આપણામાંથી કેટલા લોકોને આવાં નાટક કે ફિલ્મ જોવાથી આજીવન સેવા કરવાની પ્રેરણા મળી?

એ જ અરસામાં મોહને રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું અને તરત વિચાર્યું, ‘હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ બીજા સત્યવાદી થાય તેની રાહ જોયા વિના મોહને સત્યને સમજવાનું અને એનું પાલન કરવાનું શરૂ કરી દીધું. આ ઘરમાં રહેતા ત્યારે જ મોહને માંસાહાર કર્યો, ધૂમ્રપાન કર્યું, પર સ્ત્રી ગમન તરફ પણ વળ્યા, ભાઈનું દેણું ચૂકવવા સોનાના કડામાંથી કટકી સોનુ કપાવવાની ભૂલ પણ કરી, પણ સત્ય પાલનના આગ્રહને પરિણામે જ તેમણે પિતા પાસે પોતાની તમામ ભૂલો કબૂલ કરી અને ફરી કદી એવી ભૂલ ન કરવા વચન આપ્યું. પિતાએ ઠપકો ન આપ્યો કે ન તો સજા કરી, બલકે મૌન રહી આંસુ સાર્યાં, જેમાંથી ગાંધી ભૂલ કરનારને માફ કરવું અને અહિંસક રીતે તેને પોતાની ભૂલ સમજાવવાનો પાઠ શીખ્યા. સત્યને વળગી રહેવાનું, એને ખાતર જીવને જોખમમાં મૂકીને પણ તેનો અમલ કરવાનું, પોતાની ભૂલોનો જાહેરમાં એકરાર કરવાનું, એ ભૂલો સુધારવાનું અને ફરી એવી ગલતી કદી ન થાય એ બધાં પ્રણને ગાંધીજીએ જીવનભર નિભાવ્યાં. કદાચ એટલે જ તેઓ મહાત્મા કહેવાયા. આપણા જેવા લોકો રાજા હરિશ્ચંદ્રનું નાટક જોઈ, અદાકારોની વેશભૂષા, અને અદાકારીની પ્રશંસા કરીને આવા સત્યવાદી રાજાઓ ભારતમાં થઇ ગયા એ વાતનો સંતોષ લઈએ. જ્યારે મોહન જેવા બાળકને પોતે હરિશ્ચંદ્ર જેવા ન થાય ત્યાં સુધી જંપ ન વળ્યો. મહાનતાના મૂળ આ વિચારમાં પડ્યા હતા.

શાળામાં ઇન્સ્પેકટરની હાજરીમાં મોહને Cattle શબ્દની જોડણી ખોટી લખી, તો પોતાની આબરૂ જાળવવા શિક્ષકે બાજુમાં બેઠેલા વિદ્યાર્થીમાંથી ચોરી કરવા સંકેત કર્યો ત્યારે મોહને નિર્ભયતાથી એનું પાલન ન કર્યું. કદી પણ અસત્યાચરણને સાથ ન આપવો અને એ માટેની નિર્ભયતા મોહનમાં નાનપણથી જ જોવા મળે છે. આ ગુણ મોહનને તેના દાદા અને પરદાદા પાસેથી વારસામાં મળ્યો, એમ ગાંધી પરિવાર વિશે માહિતી વાંચતાં પ્રતીત થાય. વારસો મળે કુદરતી રીતે, પણ તેની જાળવણી, પાલન અને સંવર્ધન વારસદારના પોતાના વ્યક્તિત્વ પર આધાર રાખે છે, અને ગાંધીજીએ સત્યાચરણનું પાલન પૂરા દેશની જનતા કરી શકે એ સાબિત કરી બતાવ્યું.

ગાંધીજીના ધર્મ અને અધ્યાત્મ વિશેના ખ્યાલોનું ઘડતર પણ આ જ ઘરમાં થયું. માતા પૂતળીબાઈ ઘણાં ધાર્મિક વૃત્તિનાં. પરંતુ પ્રણામી સંપ્રદાયના અનુયાયી હોવાથી તેઓ સહજ રીતે દરેક ધર્મની સમાનતામાં માનતા અને એથી જ તો ઈશ્વરને કોઈ પણ નામથી પૂજો, પણ ઈશ્વર એક જ છે એવી માન્યતા ધરાવતાં હતાં. જો કે તેઓ તે સમયે પ્રચલિત અસ્પૃશ્યતાની માન્યતાને માનતાં હતાં જેને બાળ મોહને પડકારી પણ હતી. પિતા કરમચંદ હિન્દુ, શીખ, જૈન અને મુસ્લિમ ધર્મના આગેવાનોને પોતાને ઘેર આમંત્રીને ચર્ચા કરતા, જેમાંથી મોહને પાઠ લીધો કે વેદ અને કુરાન જેવા દરેક ધર્મગ્રંથનો સાર એક સમાન છે. બધા ધર્મના અનુયાયીઓ એક જ ઈશ્વરની ઉપાસના કરે છે, તફાવત માત્ર તેના ક્રિયા, કર્મ અને ભાષામાં હોય છે, ગ્રંથોમાં પ્રબોધેલા અંતિમ સત્યમાં નહીં. નાનપણમાં કેળવાયેલી આ સમજ ગાંધીજીને દરેક ધર્મ, સંપ્રદાય, પયગંબર અને તેમના બોધને સમાન ગણવા તરફ દોરી ગઈ. આ વ્યક્તિગત ગણાતી માન્યતાઓને તેમણે જાહેર જીવનમાં અમલ મૂકીને એક મુઠ્ઠી ઊંચેરા માનવીનું બિરુદ મેળવ્યું એમ કહી શકાય. આમ માતા-પિતા પાસેથી મળેલ સંસ્કારોને સવાયા કરીને સમાજને ચરણે ધરી દીધા. આજની ભારતીય પ્રજા આ વિચારથી તદ્દન વિપરીત વિચારો તરફ વળી રહી છે અને રામચંદ્ર ગુહા કહે છે તેમ ભારત દેશ હવે હિન્દુ પાકિસ્તાન બનવા જઈ રહ્યો છે.

રાજકોટના આ નિવાસસ્થાને મદિરાપાન, માંસાહાર અને પરસ્ત્રીગમનથી છેટા રહેવાની ત્રણ પ્રતિજ્ઞા લેવા પાછળનો હેતુ વિદેશ અભ્યાસાર્થે જવાની મંજૂરી મેળવવાનો હોય એ શક્ય છે અને ઇંગ્લેન્ડમાં તેના પાલન પાછળનું મુખ્ય કારણ માતાને આપેલ વચનનો ભંગ ન કરવાનું હોઈ શકે. પરંતુ લંડન ગયા તેના થોડા સમયમાં જ એ ત્રણેય પાસાંઓ પર અધિકૃત સાહિત્ય વાંચીને બુદ્ધિપૂર્વક ત્રણેય પ્રતિજ્ઞા સમજ્યા અને તેનું નિષ્ઠાથી પાલન કર્યું, જે જીવનભર ટક્યું એટલું જ નહીં, અન્યોને પણ એ પથ પર ચાલવા પ્રેર્યાં. અહીં મિસ્ટર એમ.કે. ગાંધીનું વૈચારિક પરિવર્તન શરૂ થઇ ગયું, જે એમને દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઇમાંથી બાપુ અને ભારતમાં મહાત્માના પદ સુધી લઇ ગયું. આજના યુવાનોમાં આવી વિચારોને આચારમાં પરિવર્તિત કરવાની વૃત્તિ જોવા મળે ખરી?

આજે એ જ રાજકોટમાં મદિરાપાન છૂટથી થાય છે, માંસાહારી વાનગીઓ વેંચતી રેંકડીઓ ઠેર ઠેર જોવા મળે છે અને પરસ્ત્રીગમનની સુવિધાઓએ આધુનિક રંગ ઓઢ્યો છે. આજનો ભારતીય યુવા વર્ગ માનવમાંથી હેવાન બનતો જાય છે કે શું?

ગાંધીજીનું આ રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ રાષ્ટ્રીય ધરોહર ગણાય છે. ત્યાંના રખેવાળને પૂછ્યું, અહીં ઘણા મુલાકાતીઓ આવતા હશે કેમ? ઉત્તર મળ્યો, “કોઈ વાર નિશાળના છોકરાં આવે, શિક્ષકોને કાંઈ રસ નો પડે. બાકી પરપ્રાંતના અને ખાસ કરીને પરદેસના સેલાણીઓ આવે.” એ શેરી અને તેની આસપાસનો આખો વિસ્તાર મિલમાં બનેલ જાત જાતનાં કપડાં અને તકલાદી વસ્તુઓની દુકાનોથી ભરચક્ક ભર્યો છે. શેરીની બંને બાજુએ સ્કુટર એક પગે તપ કરતા જોવા મળે. એની વચ્ચે બીજું વાહન તો શું, કોઈ માણસ પણ પસાર ન થઈ શકે, અને તેથી જ મુલાકાતીઓની સંખ્યા ઓછી થતી જાય છે. પણ એમાં શું? આલ્ફ્રેડ હાઇસ્કૂલ, કે જે હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે પંકાય છે ત્યાં બહુધા વિદ્યાર્થીઓને લઇ જવામાં આવે છે એટલે પત્યું. એ પ્રદર્શન જોઈને બહાર આવેલા વિદ્યાર્થીઓને પૂછ્યું, તમને અહીંથી શું જાણવા મળ્યું? તો જવાબ મળ્યો, “મહાત્મા ગાંધી રાજકોટમાં રેતા ને આપણને સ્વતંત્રતા અપાવી.” બસ, બીજું કઈં ન જોયું, ન વાંચ્યું કે ન સમજ્યા. સાથે આવેલા શિક્ષકોને તો પૂછવાની જરૂર જ ન લાગી, કેમ કે એ લોકોના ચહેરા પર ગાંધી-નહેરુ વિરોધી પ્રચારની અસર સ્પષ્ટ રીતે જોવા મળતી હતી.

ખરેખર, ‘મહાત્મા ગાંધી અહીં રહેતા’ એવું ગૌરવગાન કરતી વખતે રાજકોટવાસીઓ જાતને પૂછે, એ મોહન તો મોહનમાંથી મહાત્મા બન્યો, આપણે શું બન્યા? તો શું ઉત્તર મળે? એનો જવાબ સ્વકેન્દ્રી થતા જતા નાગરિકો, સત્યથી વેગળું જીવન એ જ જાણે સાચું ધોરણ હોય એવું માનતો સમાજ, વધતું જતું ધાર્મિક ઝનૂન, આધુનિક સંચાર માધ્યમોથી માંડીને માંસાહાર અને શરાબ જેવા વ્યસનોમાં ગળાડૂબ પ્રજાને જોવાથી મળી જાય.

હવે તો એવો વિચાર આવે કે ભગવાન પણ આપણને આ સ્થિતિમાંથી બચાવશે ખરો?

e.mail : 71abuch@gmail.com

Loading

સખીરી તારો એ હૂંફાળો સંગાથ …

હિતેશ એસ. રાઠોડ|Poetry|11 February 2026

સખીરી તારો એ હૂંફાળો સંગાથ આજ બહુ સાંભરે રે,
એક તરફ સઘળી ચિંતાઓ ને એક તરફ એ આશ્લેષ,
મનનો આ વલવલાટ હવે ક્યાં ઠલવાશે કાંઈ ન જાણું,
સખીરી તારો એ હૂંફાળો સંગાથ આજ બહુ સાંભરે રે, 

અંતરના ખાલીપાને તરબતર કરતું તારું એ રૂપકડું સ્મિત,
ને કાજળઘેલા નાજુક શા નયનોનું એ અપલક નીરખવું,
હવે જાણે ખાવા દોડશે દસે દિશાઓ આમ એકસામટી,
સખીરી તારો એ હૂંફાળો સંગાથ આજ બહુ સાંભરે રે,

કોલ તો તે જ આપ્યો હતો સખી સાથ નિભાવવાનો,
આજ અચાનક જ સાથ છોડી તે કર્યો સાવ નોધારો,
જીવન લેતી ગઈ તું હવે ને ખોળિયામાં ધમણ ચાલશે,
સખીરી તારો એ હૂંફાળો સંગાથ આજ બહુ સાંભરે રે..

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 February 2026

હાથમાં દંડો ને બગલમાં મોઈ, સત્તા લેતાં શું આપણે અસલી ‘ચિતિ’ ખોઈ? દીનદયાલ ઉપાધ્યાયના સંસ્મરણો સાથે વર્તમાન રાજનીતિનો ચિતાર

પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન (મુગલસરાય) ખાતે પંડિતજીની 63 ફૂટ ઊંચી અષ્ટધાતુની પ્રતિમા

થાય છે, વાતનો ઉપાડ ખાસાં અઠ્ઠાવન વરસ પાછળ જઈને કરું : 1968ના ફેબ્રુઆરીની 11મી તારીખે, એ દિવસોમાં ગમતા રાજપુરુષો પૈકી એક, જનસંઘના લગભગ સ્થપતિ જેવા દીનદયાલ ઉપાધ્યાયના અકાલમૃત્યુની ખબરે મેં કંઈક આંચકો અનુભવ્યો હતો. વય 51-52ની હશે, અને પક્ષપ્રમુખ થયાને તો હજુ આખા 43 દિવસ માંડ થયા હશે.

પ્રકાશ ન. શાહ

વળી એક દસકો પાછળ જઈને જોઉં છું તો 1958-59ની એમની પહેલી રૂબરૂ મુલાકાત સ્મરણપટ પર ઊપસી આવે છે. એ ગાળામાં અમે કેટલાક મિત્રો નિખિલ ભારત વિદ્યાર્થી વર્તુલ એવા ભારીભરખમ નામ નીચે (બિલકુલ, ચકલી નાની ને ફૈડકો મોટો) પ્રવૃત્તિ કરતા હતા. ત્યારે હજુ ગુજરાત-મહારાષ્ટ્ર છૂટાં પડ્યાં નહોતાં અને મુંબઈ સરકારે પાઠ્યપુસ્તકોમાં લખનૌ લિપિ દાખલ કરવા વિચાર્યું હતું. સ્વાતંત્ર્યસૈનિક શિક્ષણકાર ઠાકોરભાઈ ઠાકોરે સૂચિત લિપિફેર સામે ઝંડો ઉપાડ્યો હતો અને અમને મિત્રોને પણ એ જ લાઈન પર વિરોધસૂર ઉઠાવવા જેવું લાગતું હતું.

દીનદયાલ ઉપાધ્યાય અમદાવાદ આવ્યા હશે અને ગુજરાત જનસંઘના મહા મંત્રી હરિપ્રસાદ પંડ્યાએ એમની સાથે અમે મળીએ એવું ગોઠવ્યું. કાઁગ્રેસ સરકાર સામે વિરોધ પક્ષ તો તક જ શોધતો હોય એવી જાડી સમજ સાથે અમે મુલાકાતના સમયે અમદાવાદની મહારાષ્ટ્ર સોસાઈટીમાં ડો. વણીકરને ત્યાં પહોંચી ગયા. 

દીનદયાલે શાંતિથી બિલકુલ એકધ્યાન થઈને અમને સાંભળ્યા પણ સમર્થન ન આપ્યું. બલકે, કહ્યું કે ‘રાષ્ટ્રધર્મ’ માસિક, ‘પાંચજન્ય’ સાપ્તાહિક અને  ‘સ્વદેશ’ દૈનિકની આરંભિક જવાબદારી સંભાળતા ને હેન્ડ કમ્પોઝમાં હાથ બટાવતા મેં પણ લિપિસુધારતની જરૂરત અનુભવી છે.

જાહેર જીવનનું આ એક એવું લેસન હતું જે એ જ અરસામાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ મગનભાઈ પ્ર. દેસાઈ સાથેની મુલાકાતથીયે દૃઢાયું હતું. ઠાકોરભાઈ ઠાકોર અને એ અંગ્રેજી કયા ધોરણથી શીખવવું તે મુદ્દે સામસામે ખરાખરીના જંગમાં પડેલા હતા. મગનભાઈએ લખનૌ લિપિના વિરોધ કે સમર્થનની લપછપમાં પડ્યા વગર એક અચ્છા શિક્ષકની અદાથી અમને સમજાવ્યું હતું કે લિપિફેર એક સહજ પ્રક્રિયા હોઈ શકે છે, એટલે ફેરફાર માત્રથી બારોબાર વિરોધ ન થઈ શકે. ઠાકોરભાઈ અને પરસ્પર સામી છાવણીમાં હોવું – અને તેથી એમના વિરોધનો વિરોધ કરવો એ એમણે જરૂરી માન્યું નહોતું.

વાત ક્યાંથી ક્યાં ચાલે છે તો લગરીક લોહિયાને પણ સંભારી લઉં. મગનભાઈ એ દિવસોમાં માતૃભાષાના માધ્યમ અંગે એમના આગ્રહથી ઉપલક ઉભડક સમજવશ ટીકાપાત્ર બન્યા હતા. ‘મગન માધ્યમ’ એ ઉપહાસવિષય હતો. એમને અને એમના પક્ષ(કાઁગ્રેસ)ને ઝૂડવા માટે એ હાથવગો બલકે મોંવગો મુદ્દો હતો. પણ લોહિયા જેનું નામ, અમદાવાદની જાહેર સભામાં એમણે મગનભાઈની સૈદ્ધાંતિક ને શાસ્ત્રીય ભૂમિકાને ઊલટભેર વધાવી લેતાં મુદ્દલ સંકોચ કર્યો નહોતો.

એક જ ગાળામાં જાહેર જીવનની શિક્ષા-દીક્ષાના આ જોગાનુજોગની વાત કરતા ઉઘાડ કંઈક લંબાઈ ગયો, પણ દીનદયાલ ઉપાધ્યાયના સ્મરણ સાથે એમની પહેલી પહેલી મુલાકાતની જોડાજોડ કેટલીક વાત ગાયની પૂંઠે પૂંઠે વાછડા પેટે ધ્રોપટ ચાલી આવી તે ચાલી આવી.

1951-52માં, બારેક વરસની વયે મેં એમનું નામ પહેલી વાર સાંભળ્યું હશે. નેહરુ-પટેલે કાઁગ્રેસ બહારનીયે પ્રતિભાઓ લઈને સ્વરાજનું પહેલું પ્રધાનમંડળ રચ્યું એમાંથી છૂટા થયા પછી શ્યામાપ્રસાદ મુખર્જીએ હિંદુ મહાસભામાં પાછા નહીં ફરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી જે નવો પક્ષ રચ્યો એને સંઘે આપેલા ચુનંદા સાથીઓમાં અંગ્રેજી સાહિત્યના અવ્વલ છાત્ર દીનદયાલ પણ હતા. સુદીર્ઘ મહામંત્રીકાળ દરમ્યાન સંગઠન બાંધવામાં તેમ વૈચારિક સફાઈની દિશામાં તો એ સ્થપતિ જેવા પુરવાર થયા હતા.

ખેર, એમની પહેલી મુલાકાત પછી પાંચ-સાત વરસ કુદાવું છું ત્યારે થઈ આવતું સ્મરણ એમના ને લોહિયાના એ સંયુક્ત નિવેદનનું છે જેમાં ભારત-પાક સમવાય અગર અર્ધ-સમવાય (કોન્ફેડરેશન)ની હિમાયત હતી. દેખીતી રીતે જ, હિંદુત્વ રાજનીતિના ઘોર રાષ્ટ્રવાદ અને વિજીગીષુ વૃત્તિ સહિતના યુનિટરી નેશન-સ્ટેટના જડબેસલાક ચોકઠાની બહાર જતી આ વાત હતી. 

આગળ ચાલતાં 1999માં વડા પ્રધાન વાજપેયી મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત વાટે જે લવચીક અભિગમ દાખવવાના હતા તે પણ આ સંદર્ભમાં સાંભરે છે.

નિતાન્ત મુસ્લિમદ્વેષમાંથી પોષણ મેળવતી રાજનીતિથી હટવા સાથેનું એમનું વ્યાપક ને ઉદાત્ત વલણ 1965માં મુંબઈનાં ચાર વ્યાખ્યાનોમાં એમણે એકાત્મ માનવ દર્શનની જે માંડણી મૂકી એમાંથી ફોરે છે. એકાત્મ માનવવાદની વિગતવિશદ ચર્ચા યથાપ્રસંગ કરીશું, પણ એમના વ્યાપક વલણ વિશે સહેજસાજ ભલે ને અછડતો પણ નિર્દેશ જરૂર કરું – જેમ કે, દાખલા તરીકે, ધર્મરાજ્ય જેવા પ્રયોગને એમણે ‘રુલ ઓફ લો’ તરીકે ઘટાવ્યો હતો.

હકીકતે, દીનદયાલના મતે ‘રાષ્ટ્ર’ માત્રને અંતરાત્મા સરખો કોઈક માર્ગદર્શક મુદ્દો કહેતાં ‘ચિતિ’ હોય છે. ભારતની ‘ચિતિ’ કોઈ હોય તો તે ધર્મ છે. હિંદુ ધર્મ અગર ઈસ્લામ એવા કોઈ અર્થમાં નહીં, પણ ધર્મ કહેતાં ધારણપોષણનું નિયામક બળ. (અરવિંદ જેમ કે ધર્મને ‘કોડ ઓફ કન્ડક્ટ’ તરીકે સમજાવે છે.) આ જો રિલિજિયન નથી તો હિંદુ હોવાને ધોરણે રચાતું રાષ્ટ્ર પણ નથી.

આ ચર્ચા જો આગળ લંબાય તો એમ પણ સમજાય કે સાવરકર-હેડગેવાર, ગોળવલકરની પરિઘિને દીનદાયલ કોઈક તબક્કે લાંઘી પણ શકે. અલબત્ત, આ શક્યતા ઉત્તર બલકે ઉત્તરોત્તર દીનદયાલની હોઈ શકતી હતી.

2016-17માં ન.મો. શાસને 300 કરોડના ખર્ચે દીનદયાલ શતાબ્દી મનાવી … પણ પેલો ચિતિબોધ? ધર્મ છૂટી ગયો ને રિલિજિયનનું રાજકારણ સવાર થઈ ગયું. સહચિંતનની ભૂમિકાએ પેલી ગાયકવાડી કહેવત જરી ફેરવીને મૂકીએ તો હાથમાં દંડો ને બગલમાં મોઈ, સત્તા લેતાં ‘ચિતિ’ ખોઈ.

આટલું, દીનદયાલ એકસો દસમે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ફેબ્રુઆરી  2026

Loading

...1020...30313233...405060...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved