Opinion Magazine
Number of visits: 9969596
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુનશીની અમરકૃતિ : “પૃથિવીવલ્લભ’’ — મારી નજરે

વલ્લભ નાંઢા|Opinion - Literature|3 October 2018

મારી ઉંમર દસેક વર્ષની હશે, ત્યારે પિતાજી મારી આંગળી પકડીને મને એક દિવસ અમારા મ્વાંઝા ગામના ‘કેપિટલ’ સિનેમાઘરમાં લાગેલી બ્લેક એન્ડ વાઈટ મૂવી “પૃથ્વીવલ્લભ’’ જોવા લઈ ગયેલા. આવડી કાચી ઉંમરે ફિલ્મના સંદર્ભો પકડવાની બૌદ્ધિકક્ષમતા કે તેના કથાપ્રવાહમાં તદ્રુપ થઈ તણાઈ જવા જેટલી સૂઝબૂઝ પણ ક્યાંથી હોય? પરંતુ મુંજનું પાત્ર ભજવતા સોહરાબ મોદી, મૃણાલના પાત્રને આત્મસાત્ કરતી એ જમાનાની જાજરમાન અભિનેત્રી દુર્ગા ખોટે અને તૈલબનો અભિનય ઝીલતા ફનમૌલા કે.એન. સિંઘનાં છાયાચિત્રો મારી ચિત્તમંજૂષામાં એ વખતે કેદ થઈ ગયેલાં, જે આજે પણ મારી ચિતમંજૂષામાં યથાતત રહ્યાં છે. પણ એ વખતે મને સહેજ પણ ખ્યાલ નહોતો કે જે નવલકથા પરથી આ ફિલ્મ બની હતી, તે નવલકથાનું કથાલેખન ગુજરાતી ભાષના યુગધર નવલકથાકાર મુનશીજીએ કર્યું હતું. 

મુનશીએ સાહિત્યજગતમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ સમગ્ર ગુજરાતમાં છવાઈ ગઈ હતી. મુનશી પણ ગોવર્ધનરામની મહત્તા અને પ્રજાપ્રીતિથી અજાણ ન હતા. મુનશી ‘મારી કમલા’ વાર્તાથી સાહિત્યક્ષેત્રમાં શ્રીગણેશ કરે છે. જો કે, ‘મારી કમલા અને બીજી વાતો’’ એ મુનશીનો એકમાત્ર 1912માં પ્રગટ થયેલો વાર્તા સંગ્રહ. પછી ‘વેરની વસૂલાત’ જેવી સામાજિક નવલકથા ‘ઘનશ્યામ’ તખુલ્લસથી લખવાની શરૂઆત કરી. ઇતિહાસને સાહિત્ય સાથે જોડવાની કાળવેધી દ્રષ્ટિ તેમને હાથવગી હતી. વળી મુનશી પોતે બહુ બારીકાઈથી જોનારી વ્યક્તિ, એટલે સમજી ગયા કે ‘સરસ્વતીચંદ્ર’ના પ્રભાવ વચ્ચે સામાજિક નવલકથામાં ગજું કાઢવું તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન બનશે માટે વિષયની પસંદગી બદલવી પડશે. આ કોઠાસૂઝે મુનશીને સભાનપણે ઐતિહાસિક નવલકથા તરફ વાળ્યા અને નવલકથા ક્ષેત્રે એમણે પોતાનું અનોખાપણું સ્વમાનભેર સિદ્ધ કરી દેખાડ્યું. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજા ધિરાજ’ – આ નવલત્રયી ઉપરાંત મુંજની શૌર્યગાથાથી ધબકતી તખ્તાક્ષમ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’નો સૌ પ્રથમ પ્રયોગ કરનાર પણ મુનશી જ હતા.

‘પૃથિવીવલ્લભ’ એ મુનશીની નાટ્યાત્મક ને રંગદર્શી લઘુનવલ છે. મૂળ ટૂંકા ઐતિહાસિક વસ્તુને મુનશીએ પોતાની કલ્પનાના અવનવા રંગો પૂરી તેમાં પોતાની આગવી કલાભાવનાનો પૂટ આપીને એક ઉત્તમ કૃતિનું સર્જન કર્યું છે. કથાનો મર્યાદિત વિસ્તાર આ પ્રમાણે ઊઘડે છે : કથાનું મુખ્ય પાત્ર માલવપતિ મુંજે તૈલંગણના રાજવી તૈલપને સોળ સોળ વાર હરાવ્યા પછી, મુંજ તૈલપના સરસામંત ભિલ્લમના હાથે પકડાય છે. મુંજની સાથે તેનો ભત્રીજો ભોજ (રસનિધિ) અને રાજ્યના બીજા કવિઓને પણ કેદ કરી લેવામાં આવે છે. તૈલેપ પોતાને અનેકવાર પરાજય આપનારા આ શત્રુનું પૂરું વેર લેવા માગે છે. પણ મુંજ સ્વાભિમાની નરપુંગવ છે- પોતાની જાતને પૃથ્વીપતિ માને છે. મુનશીએ મુંજનું પાત્રઘડતર ઘડવામાં તેની વીરતાને પ્રગટ કરવા નિત્શેની અતિમાનવ (Superman)ની કલ્પના મુંજમાં પૂરી ઊતારી હોય એમ સહેજે લાગે. તૈલપની આધેડ વયની વિધવા અને સહેજ ઓછી દેખાવડી બહેન – મૃણાલવતીનો રાજસત્તા પર કાબૂ છે. એણે સમસ્ત પ્રજાને સાત્ત્વિક માર્ગે પ્રેરવા રાજ્યમાં ઉત્સવ, જલસા, નૃત્ય, નાટ્ય અને મોજશોખ પર પ્રતિબંધ મૂક્યો છે.

મુંજ મૃણાલવતીના સંપર્કમાં આવે છે. નગરમાં કેદી છતાં હસતે ચહેરે પ્રવેશેલા મુંજનું ગર્વ ભાંગવા ને ભાઈના પરાજયનો બદલો લેવા મૃણાલ એને તુરંગ જેલમાં અનેકવાર મળે છે. મુંજને અપમાનિત કરવા મૃણાલ અને તૈલપ એને લાકડાના પાંજરામાં પૂરી કોઇ હિંસક વનપશુનું પ્રદર્શન દેખાડવું હોય એમ નગરની વચ્ચે જાહેર સ્થળે મૂકે છે. અને તો ય નરપુંગવ મુંજનો ચહેરો તો એ વખતે પણ હસતો જ રહે છે. આટલું બાકી હોય તેમાં મૃણાલ એનું વિશેષ અપમાન કરવા એના હાથ પર ચોકીદાર પાસે ધગધગતા સળિયાના ડામ દેવડાવે છે અને છતાં બળતાં માંસની પીડાથી પણ જાણે પ્રસન્ન થતો હોય એમ એ કહે છે, “અરે તમારી! આટલેથી તમે રાજી થાત એમ જાણ્યું હોત તો ઊભો ઊભો હું જ હાથ બાળત.’’ મૃણાલ મૂંઝવણમાં પડી જાય છે. શો જવાબ દેવો એ પણ સૂઝતું નથી. એટલે ફાળ ભરતી એ ત્યાંથી જતી રહે છે. પાછળ મુંજ બોલે છે, “મૃણાલવતી!  આ ડામની દવા દેવા કાલે આવજો, હોં!’’ અને મૃણાલને બીજા દિવસે ખરેખાત આવવું પડે છે. એ જીતવા માગતી હતી મુંજને ને જાતે એનાથી જીતાઈ જાય છે. શરૂશરૂમાં મૃણાલની અરસિક વૈચારિક વિભાવના મુંજની રંગદર્શી વિચારધારા સામે ટકરાય છે પણ અંતે તેમાંથી જ પ્રચ્છન્ન  અનુરાગની માધુરી વરસી રહે છે.

કથામાં એક બીજી નાનકડી ઘટનાનું પણ નિરુપણ છે. આ ગૌણ ઘટના એટલે રસનિધિ ઉર્ફે ભોજ અને ભિલ્લમપુત્રી વિલાસની પ્રણયગાથા. મૃણાલની કઠોર વિચારછાયામાં ઊછરેલી વિલાસ પ્રથમ તો પ્રેમ એટલે શું એ જાણતી નથી પણ કવિ રસનિધિના પરિચયમાં આવતાં અને તેના પ્રભાવની અસર તળે તેની સાથે નાસી જવા તૈયારી સુધ્ધાં કરે છે.

આ પ્રયોજન અગાઉ રસનિધિ ઉર્ફે ભોજ તુરંગમાં પોતાના કાકા મુંજને મળે છે અને તેની સાથે નાસી છૂટવા વિનંતી કરે છે. પણ મુંજ એ રીતે નાસી છૂટવાનો ઇનકાર કરે છે. છેવટે ભોજ અને વિલાસ નાસી છૂટે છે પણ અગાઉ વિલાસ જેની સાથે વરવાની હતી એ સ્ત્યાશ્રય પીછો પકડે છે. માર્ગમાં એની અને ભોજની વચ્ચે ઝપાઝપીમાં ભોજ જીતે છે પણ એ વિલાસવતીને ગુમાવે છે. સત્યાશ્રય વિલાસવતીને લઈને જીવતો પાછો ફરે છે અને માર્ગમાં વિલાસવતીનું માથું કાપી નાખે છે. ગુસ્સે ભરાયેલો તૈલપ મુંજનું જાહેર અપમાન કરવા તેને હાથીના પગ નીચે ચગદાવી નાખે છે.

અલેક્ઝાંડર ડૂમા મુનશીના પ્રિય નવલકથાકાર હોવાથી એમની આરંભની નવલકથા મુનશીનો આદર્શ બને છે. કેટલાક વિવેચકો મુનશીના સર્જન પર એૅલેક્ઝાન્ડર ડૂમાની અને જર્મન દાર્શનિક નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવા ‘બ્લોન્ડ બીસ્ટ’ની અસર હોવાનું તારણ કાઢે છે. એ તારણોમાં થોડું વજૂદ પણ જણાય છે. કારણ કે, ખુદ મુનશીએ ‘જય સોમનાથ’ની પ્રસ્તાવનામાં વિવેચકોના મંતવ્યનો સ્વીકાર કરતાં આમ લખ્યું છે : “સાહિત્યસર્જનના સ્વરૂપની શોધમાં મેં ઘણા પ્રયત્નો કર્યા છે. કથાકાર શિરોમણી અલેક્ઝાન્ડર ડૂમાની છાપ કંઈક અંશે રહી ગઈ છે.

‘પૃથિવીવલ્લભ’નું વિષયવસ્તુ ગુજરાતમાં 9 મી કે 10મી સદીમાં અપભ્રંશ લખાયેલાં કાવ્યોના આધારે તેમ 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. મુનશીએ એક પત્રમાં આમ લખ્યું છે : “એ સમયે એટલે કે 1914-15માં યોગ ક્ષેત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન સુપરમેન અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃતિવિલાસમાં અપૂર્વ એવા ‘બ્લોન્ડ બેસ્ટ’ની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો. આમ ઝૂલતાં ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વ જન્મ્યાં હતાં.” આ ઉલ્લેખ પણ મુનશીએ એ પત્રમાં કર્યો છે. પછી આગળ એ લખે છે: “પણ મારે તો મારી સર્જકતાના ધોરણે બદલાવું જ જોઈએ ને?”

એ પછી મુનશીની લેખનશૈલી આગવી મૌલિકતા તરફ વળે છે અને 'જય સોમનાથ’ પછીની એમની નવલક્થાઓમાં મુનશીની આગવી મૌલિકતા તરત ધ્યાન ખેંચનારી બની રહી છે. આને પણ મુનશીની નવલસર્જકતાનું એક ઉજ્જ્વલ પૃષ્ઠ જ  ગણવું રહ્યું.

આજથી 90 વરસ પહેલાં 1921ની સાલમાં ‘પૃથિવીવલ્લભ' પ્રગટ થઈ હતી, ત્યારે તેને વિદ્વાનોની આકરી આલોચનાઓના ભોગ થવું પડ્યું હતું. એમાં નિરૂપાયેલી નીતિભાવનાએ સમાજમાં સારી એવી ચર્ચા જગાડેલી અને જેને શમતાં ખાસો સમય લાગ્યો હતો.

એટલું જ નહીં, ગાંધીજીની કડક આલોચનામાંથી પણ તે બચી શકી નહોતી. નવલકથા વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને પત્ર લખી પોતાની નારાજગી આ શબ્દોમાં બતાવી હતી: ‘પૃથિવીવલ્લભ’ રસપૂર્વક વાંચી ગયો છું. તેમાનું એક્કે ય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય એવાં તમે ચીતર્યાં છે એમ કહો તો એ બરાબર બંધ નહીં બેસે. આ પચરંગી દુનિયામાં કોઇક તો સારા હશે, દંભ વિનાના હશે. મૃણાલના તમે ચૂરા કર્યા. વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં અને તેના ગળામાં પોતાના હાથ હેઠા નાખી દે. કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ના પડી. તેઓ પાસેથી કાંઈક શિખ્યો. તમારી પાસેથી કેમ નહિ? તમારી જે સારામાં સારી કૃતિ ‘પૃથિવીવલ્લભ’ ગણાય છે ને?  તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કાંઈક આમ છે: “મુંજનું શબ હાથીના પગ તળે છુંદાઈ રોટલો બની ગયું.” રોટલો શબ્દ તો સારો લાગ્યો, પણ શરીરનો રોટલો બની જ ના શકે એ વિચાર્યું છે? “છુંદો થઈ રહ્યું” તો ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.”

જો કે, ગાંધીજીની આ આલોચનાનો મુનશીજીએ આ શબ્દોમાં ખુલાસો કર્યો હતો: “કાલિદાસ કે શેક્સપિયર જેવું હું લખી શકું તો પછી હું ગાંગો તેલી શા માટે રહું? બીજું ‘પૃથિવીવલ્લભ’ ‘Literature of inspirationનો નમૂનો નથી; Literature of Escape’નો છે; શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી. કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદ્દભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે.  મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે; તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બન્ને રીતે દુ:ખનો આત્યાંતિક –પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગો સરખા થઈ રહે. – એટલે મારો મુંજ – જેમાં રાગ છે પણ ભય ને ક્રોધ નથી- એ તો સસલાંનું શૃંગ જ બની ગયો .. આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. કલ્પના જ સરસ વસ્તુ સર્જે. તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું. મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ અને પાત્ર બની બહાર પડે છે. અને પછી તેમને લખી નાખું છું. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે. શીખવવાના કે પ્રેરવાના હેતુથી નહીં -પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.’’ આટલી ચોખવટા પછી પત્રની નીચે તા.ક. ટાંકતા મુનશી લખે છે: ‘’શરીરનો દબાઈને રોટલો કેમ ના થાય – ચપ્પટ બની જાય તો? એ ભરુચી ઇડિયમ છે’’. આનંદ લેવા જેવી બાબત એ છે કે મુનશીએ કરેલા ખુલાસા પછી એ વિવાદ આગળ વધ્યો નહોતો.

ઝવેરચંદ મેઘાણીએ મુંજના પાત્ર વિશે આમ લખ્યું હતું: “મને તો મુંજ અને મૃણાલનું વર્તન મેળ વિનાનું લાગે છે . આ બધું નાટકિયું છે. આ તો કોઇ માથાભારે કાઠી જેવું છે. ગામડામાં એવો માણસ કોઇ વાર શરત કરે કે ગામની કોઇ મોટી સતી સાધ્વી છે જેને હું ના ફસાવી શકું? મુંજ આવો કોઈ માથાભારે વિલાસી કાઠી જેવો છે. મને તો આમાં કોઇ મહાન કૃતિનું લક્ષણ જણાયું નહિ.’’

પ્રસિદ્ધ સાહિત્યકારના આવા મતદર્શન પછી ‘પૃથિવીવલ્લભ’ વતી દલીલ કરવી એ કઠણ કામ. ટિપ્પ્ણી કરવી હોય તો કરી શકાય, પણ એમાં કલાકારને અન્યાય કરવા જેવું છે. આમાં કશું અવાસ્તવિક નથી, કલાદ્રષ્ટિએ વિઘાતક પણ નથી. અને સાહિત્યકાર રતિલાલ સાં. નાયક અને સોમાભાઈ વી. પટેલ ‘જીવન અને સાહિત્ય’ નામના પુસ્તકમાં ‘પૃથિવીવલ્લભ’ નવલકથા વિષયક ઉક્ત ચર્ચાના સંદર્ભમાં નોંધે પણ છે: “મેઘાણીભાઈ, ‘પૃથિવીવલ્લભ’ની સમસ્યા એ રસશાસ્ત્રીય સમસ્યા છે, એ બહુ સૂક્ષ્મ મીમાંસા માગી લે છે.’’ ‘પૃથિવીવલ્લભ’ના નીતિસંદેશની ચર્ચાસ્પદ બાજુને એક બાજુએ મૂકીએ તો કોઈ પણ તટસ્થ વિચારકને ‘પૃથિવીવલ્લભ’ ઉચ્ચ કોટિનું સર્જન જણાશે.

બીજી તરફ ‘પૃથિવીવલ્લભ’ જેટલી વખોડાઈ હતી એટલી વખણાઈ પણ હતી. ચર્ચાના મહાનળમાં તપ્યા પછી ય તેની લોકચાહના ઘટી નથી. ‘પૃથિવીવલ્લભ’ની 11 આવૃતિઓ ગુજરાતીમાં તેમ એકાધિક આવૃતિઓ હિન્દી, મરાઠી, બંગાળી, તમિળ, કન્નડ, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ થઈ અને તેનાં ગુજરાતી અને સંસ્કૃતમાં નાટ્યાંતરો પણ થયાં, જે તખ્તાક્ષમ બની રહી ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં; એ બાબત જ ‘પૃથિવીવલ્લભ’ની લોકપ્રિયતા સિદ્ધ કરી આપે છે.

મુનશી પાસે પાત્રાલેખનની અદ્દ્ભુત કળા હતી. કથાપ્રવાહને સુસંગત સુરેખ અને સજીવ પાત્રાલેખન, ક્રમિક પાત્રવિકાસ સાથે સુશ્લિષ્ટ વસ્તુસંકલના, અને નવલકથાનાં અભિન્ન અંગો જેવા આદર્શને નજર સમીપ રાખીને પાત્રોને વિક્સાવવાની હથોટી મુનશીને હસ્તગત છે. ‘પૃથિવીવલ્લભ’નું દરેક પાત્ર કોઈ ને કોઈ આદર્શને વરેલું છે. પછી ‘પૃથિવીવલ્લભ’નો કથાનાયક મુંજ હોય કે પછી ઉંમર વળોટી ગયેલી રાજકન્યા મૃણાલ હોય, દરેક પાત્ર અહીં કોઈને કોઈ આદર્શવાદને વરેલું છે.

મુંજની પડછે મૃણાલનું પાત્ર પણ સારું ઉપસ્યું છે. એની સત્તાપકડ, એનો સંયમ અને સદાચાર માટેનો જડ આગ્રહ અને આખરે મુંજ આગળ થતું તેનું ગર્વખંડન એના વ્યક્તિત્વને એક નવું પરિમાણ આપે છે. નારીના પાત્રને આરંભમાં તેજસ્વિ બનાવવું અને પછી એ પાત્રનું ગર્વખંડન કરવું મુનશીનો એ ટેકનિક મૃણાલના પાત્રઘડતરમાં સફળ બન્યો છે. એના સદાચારી સંયમનું જીવનના ઉલ્લાસ આગળ થતું પતન મૃણાલનાં વ્યક્તિત્વની ઘેરી કરુણતા છે. મૃણાલનું પાત્રલેખન બાબતમાં મુનશી લખે છે: “મૃણાલમાં બાર વર્ષની નવોઢાનું અજાણપણું હતું, સત્તર વર્ષની રસિકાનો અસંતોષ હતો, પ્રૌઢાથી પણ વધારે મસ્તી હતી, વૃદ્ધાનું કલ્પનાહીન, અનુભવી, સ્વાર્થી મગજ હતું. બ્રહ્મચારિણીનું શરીરબળ હતું, ને ઉગ્ર તાપસીની કાર્યસાધકતા હતી.’’ ગમે તેમ પણ આ ગુણવિશેષો મૃણાલના પાત્રને જિવંત બનાવે છે.

રસનિધિ – વિલાસનું પાત્રયુગ્લ આપણા હૃદયસિંહાસનનો સહેજે કબજો લઈ લે છે. વિલાસના પિતા ભિલ્લમ તૈલંગણના સરસામંત છે. સત્તા ટકાવી રખવાના મોહમાં સરસામંત ભિલ્લમે રાજકુંવર સત્યેશ્વરનો હાથ વિલાસના હાથમાં સોંપવા રાજવી તૈલપને વચનબદ્ધ કર્યા હતો. પણ વિલાસે પોતાનું દિલ રસનિધિને સમર્પિત કરી દીધું હોવાથી તે એની સાથે નાસી જાય છે. વિલાસના જીવનનો જે કરુણ અંજામ આવ્યો તે આપણાં હૈયાં ભીંજવી જાય છે.

તૈલપના પાત્રનું પણ યોગ્ય જ લેખન થયું છે. તૈલપ પોતે મહાન વિજેતા હતો. તે ચાલુક્ય વંશનો હતો. માન્યખેટમાં તેણે પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. કલચૂરીના લક્ષ્મણરાજની પુત્રી જક્કલાદેવીને પરણ્યો હતો. તેણે ચોલા, ચેદી, પાંચાળ, અને ગુજરાત આદિ દેશો જીતી આખરે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરકાવી હતી. તેના પુત્રનું નામ અકલંક્ચરિત અથવા સત્યાશ્રય હતું. આટલો પરાક્રમી હોવા છતાં તે સત્તાલોલુપ, ક્રોધી, અદેખો અને નિર્દય હતો. માનવસહજ આ દૂર્બળતાભાવને મુનશીએ તૈલપના પાત્રઘડતર દ્વારા આબાદ વ્યક્ત કર્યો છે.

ગૌણ પાત્રોમાં સ્યૂન દેશનો રાજા ભિલ્લમ તૈલબ જેણે પોતાના યુદ્ધકૌશલથી મુંજને પરાજિત કર્યો હતો. ભોજ, ધનંજય, જક્કલા, લક્ષ્મીદેવી ઇત્યાદિ પાત્રોનું પણ શંખેડાઊતાર ચરિત્રચિત્રણ થયું છે આ પાત્રોને જીવંત અને તેજસ્વી વ્યક્તિઓ તરીકે સર્જીને વાચકની કલ્પના સૃષ્ટિમાં શ્રેષ્ઠ નરવીર કે વીરાંગના રૂપે ઉપસાવ્યાં છે. મુનશીની પાત્રસૃષ્ટિમાં સરળતા, પ્રભાવિતા, ઓજસ્વિતા, અને વીરતા જોવા મળે છે. આ પાત્રો સર્જકની પ્રણયભાવનાનું વિશિષ્ટપણે નિર્વહણ કરે છે. મુંજ જે પ્રણયને ખાતર હાથીના પગ નીચે હસતે મુખે ચગદાઈ જાય છે. એ પ્રણય એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અદમ્ય આકર્ષણ. આવા પાત્રોનાં દ્વંદ્વના પરસ્પર સંઘર્ષને નિરૂપતી મુનશીની સર્જકતા સોળે કલાએ ખીલે છે. મુંજ, રસનિધિ અને ભિલ્લમ જેવા પુરુષપાત્રોની અસાધારણ શૂરવીરતાની જેમ સ્ત્રીપાત્રોની ખરી કસોટી પુરુષ સામે પોતાનો પ્રતાપ બેસાડવાના પ્રયાસમાં તેમને સહેવા પડતાં માનસિક મંથનોમાં જોવા મળે  છે. મુંજ અને મૃણાલ તેનું પ્રામાણ છે.

નિર્ભયતા એ આ મહાપાત્રોનો સૌથી મોટો ગુણ છે. રાજકીય, સામાજિક, કે ધાર્મિક ક્ષેત્રે ખેલાતા જીવનસંગ્રામમાં એ નિર્ભયતાનું આવિષ્કરણ વીરત્વરૂપે પ્રગટ થાય છે. તેમાં પુરુષો જેટલું સ્ત્રીઓનું પણ શૌર્ય પ્રગટે છે. લગ્નની બાબતમાં આ કથાના ંબધાં જ સ્ત્રીપાત્રો સ્વેચ્છાના આગ્રહી છે. આ પ્રતાપી નારીઓ પોતાની અંગત સ્વતંત્રતાની રક્ષા માટે પોતાનાં જીવનને હોડમાં મૂકે છે. આ બાબતમાં મૃણાલ, વિલાસ, લક્ષ્મીદેવી, જક્કલા – બધી કક્ષાની નારીઓ એક પંક્તિમાં સ્થાન પામ્યાં છે. નવલકથાના પ્રવાહને આ પાત્રો મુનશીની અન્ય નવલકથાઓમાં રાજાઓ, યુદ્ધો, સંધિ, વિગ્રહો, વિગ્રહો, રાજદરબારની ખટપટો મોખરે રહે છે તેમ ‘પૃથિવીવલ્લભ’માં પણ યુદ્ધો, વિગ્રહો, ઈત્યાદિ મેલું રાજકારણ અને કૂટનીતિ મુખર રહ્યાં છે.

ભષા, વર્ણન, સંવાદ, પાત્રાલેખન, શૈલી, અને ભાષાકીય સજ્જતાના ધોરણે મુનશીની કલમ આ નવલકથામાં સર્વાંશે વિશિષ્ટ રહી છે. ઐતિહાસિક નવલકથામાં મુનશીએ ઇતિહાસનાં મૂલ્યોનું દસ્તાવેજી આલેખન ટાળી ઇતિહાસ સાથે થોડી છૂટછાટ લઈને પુરવાર કરી આપ્યું છે કે: Historian records and Artist creates. કંઇક નવી ચીજનું સર્જન કરવું એ સર્જકનો કલાધર્મ છે. મુનશી એ સિદ્ધાંતને વરેલા તટસ્થ સર્જક હતા.

આ નવલકથાનો કથાપ્રવાહ રસળતો, ધસમસતો, સુગ્રથિત વસ્તુસંકલનાવાળો અને લાંબા સમય સુધી યાદ રહી જાય તેવા પરિસ્થિતિગત સંઘર્ષો અને સંવાદોથી ખચિત, ચિંતનભાર વિનાનો, આનંદલક્ષી હેતુવાળો રંગદર્શી પ્રકૃત્રિવાળા સર્જક મુનશીની ‘પૃથિવીવલ્લભ’ નવલકથાનું એક અખંડ શિલ્પ રચી આપે છે.

આજે 90 વર્ષ પછી પણ મુનશીની બહુચર્ચિત નવલકથા ‘પૃથિવીવલ્લભ’ વિશે આપણે ચર્ચા કરીએ છીએ એ જ આ નવલકથાની વિશિષ્ટતા દર્શાવે છે.

[વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘વાર્તાવર્તુળ’ નામક બેઠકમાંની રજૂઆત; વર્ષ : 2017]

e.mail : vallabh324@aol.com

Loading

તાવના તાપમાં

નવ્યાદર્શ|Poetry|3 October 2018

મારી રાહો પર
કોઈને કોઈ આવી લાગે છે, મળે છે,
પોતાની સંવેદનાઓ અને દર્દો લઈને,
સાથે સાથે પોતાની અનેક વાતો લઈને.
આ વાતો એટલે કંઈ નઈ,
પોતાનાં બાળપણની, બાળપણ અને યુવાનીના સંઘર્ષની
સાથે સાથે ઘોર ગરીબીની ….
હું બે ઘડી રોકાઈ જાઉં છું
તેની પાસે.
તેની વાત સંભાળું છું અને સંવેદું છું
તેના દર્દને, તેની ખુશીમાં સહભાગી થાઉં છું
તેના સંઘર્ષો સાથે તાદાત્મ્ય કેળવું છું.
આખરે મારી અંદર પણ સંવેદનાઓ છે.
એકલતાના દર્દને હું જાણું છું
માટે જ્યારે એકલું લાગે ત્યારે હું ચૂડીઓ પહેરી લઉં છું
તેના ખણકાટને સાંભળતી રહું છું, ત્યારે તે અવાજ જ મારા સાથી.
હું પણ અનેક સંઘર્ષો સાથે જ ઉછરી છું ને
તો મને પણ ખબર છે, ગરીબી અને બાળપણના સંઘર્ષોની
હું કોઈ પથ્થર તો નથી,
જે તેની સંવેદનાઓને ન જ સાંભળું.
તેમની વાતો મને મારા સંઘર્ષોનો પરિચય કરાવે છે
મારા પપ્પા પણ તાવના તાપમાં નીકળી પડે છે
ઠંડા પાણીને ખેતરમાં વાળવા માટે.
વિચારું છું, શા માટે ?
આટલા સંઘર્ષ પછી આપણે ક્યાં? આપણી વાત ક્યાં?
લોકો સંઘર્ષ કરી સિદ્ધ કરે છે પોતાના ધ્યેય
બને છે તેઓ પગભર.
પગભર બન્યા પછી તો સંઘર્ષની વાતો વાતો જ રહી જાય નહીં?
સંઘર્ષ તો પાછળ રહી જાય.
હવે આજ સંઘર્ષને તેઓ વાપરે છે સંવેદનાઓ ખરીદવા માટે
હું સાંભળું છું તેમના દર્દને, સંવેદું છું તેના સંવેદનોને
પણ ક્યારે ય મેં એમ નથી વિચાર્યું કે,
મારું છું? મારાં સ્વપ્નાંઓનું છું? બધું જ એનું? તો પછી
મારી પગભરતાનું છું?
હું ખાલી સમયમાં, એકલતામાં મારી ચૂડીઓ ખણકાવું છું,
અને હું ચૂડીઓ ઉતારું છું
અને ચાલી નીકળું છું વહેતાં રસ્તાઓ પર
મારી અડધી-પડધી  પગભરતા માટે,
અધૂરાં સ્વપ્નાંઓને પૂરા કરવા,
જીવનના સંઘર્ષો સાથે.

Email : navyadarsh67@gmail.com

Loading

માતામાંથી મિત્ર

કિશનસિંહ ચાવડા|Opinion - Opinion|3 October 2018

શ્રાવણ મહિનો હતો. સોળસત્તર વરસની ઉંમર હશે. બાનો હુકમ મળ્યો કે મારે રોજ રણમુક્તેશ્વર મહાદેવના દર્શને જવું. આમ હું નાસ્તિક નહીં. પણ ધાર્મિકતા અપ્રિય. ક્રિયાકાંડમાં કદી જ શ્રદ્ધા નહીં. છતાં કુટુંબના ઉછેરમાં જ ધર્મની ભાવના લોહીમાં મળી ગયેલી. એટલે ધર્મ અને ધાર્મિકતા વચ્ચે અંતરમાં સંઘર્ષ ઊભો થયો; પરંતુ બાની આજ્ઞા છે એ પાયાની વાત ઉપર બુદ્ધિ અને લાગણી બન્નેએ સમાધાન અનુભવ્યું.

હું રોજ સાંજે પહેલાં રણમુક્તેશ્વરનાં દર્શને જાઉં અને ત્યાંથી સીધો અખાડામાં. દર્શનનો ક્રમ પણ વ્યાયામમંદિરમાં જવા જેટલો જ અચૂક. કોઈ પણ નિયમ કે નિયમનનું અચૂક પાલન પોતે જ મોટી બુનિયાદી તાલીમ છે. સંયમ સહજ બને છે, ત્યારે એ સ્વભાવ થઈ જાય છે. શરૂઆતમાં અંત:કરણે બાની આજ્ઞાનું સમાધાન સ્વીકાર્યું હતું. ધીરે ધીરે એમાંથી સાંત્વના મળવા માંડી અને પછી એમાંથી આનંદનો ઉદય થયો.

દર્શને જવાનો રસ્તો ટૂંકો હતો. બરાનપુરાથી વળાંક લઈને જે રસ્તો ગોયાગેટના રાજમાર્ગ ઉપર નીકળતો ત્યાં આગળ એક લીમડો હતો. એ વળાંકને પશ્ચિમે શહેરસુધરાઈના છંટકાવનાં ગાડાં છૂટતાં અને પછી ગંદવાડ આવતો. એ લીમડાના ઝાડ નીચે તૂટેલી ઝૂંપડી જેવી જગ્યામાં એક સાંજે એક વૃદ્ધ સ્ત્રીને સૂતેલી જોઈ. સામાન્ય રીતે કોઈ ભીખારણ હશે એમ માનીને સ્વાભાવિક માનવી બેપરવાઈથી હું તો ચાલ્યો ગયો. બીજે દિવસે સાંજે પણ એ ડોશીને એ જ રીતે સૂતેલી જોઈ. એ સાંજે પગ જરા ખંચાયા; પણ રોકાયા નહીં. ત્રીજે દિવસે સાંજે એ ડોશી આગળ ઝાડ નીચે પગ થંભી ગયા.

ડોશીની પાસે બેસીને જોયું તો ફાટલું એક લૂગડું અડધું પહેરીને અડધું ઓઢ્યું હતું. શરીરે બીજું વસ્ત્ર નહોતું. એ જીર્ણ વસ્ત્રની અંદર લપેટાયલી કાયા શ્વાસ લેતી હતી. એ શરીરને ઢંઢોળીને બોલાવવા પ્રયત્ન કર્યો. કાયા હાલી; પણ અંતરપંખી બોલ્યું નહીં. શું કરવું એ એકદમ સૂઝ્યું નહીં. જરાક મૂંઝવણ થઈ. પણ હું વિચાર કરીને તરત પાછો ઘેર ગયો. ખભે એક કાથીની નાની ખાટલી લીધી. એક ગોદડી, એક ઓઢવાનું, ખિસ્સામાં એક નાનું પવાલું લઈ લીધું. બાને થોડી વાત કરી ન કરી ને હું પેલા લીમડા નીચે આવી પહોંચ્યો. ખાટલી પર ગોદડી નાંખીને ઉપર ડોશીને સૂવાડી, ઓઢાડીને જરાક દૂર કુંભારવાડેથી એક ઘડો લઈ આવ્યો. પાણી ભર્યું, એમાંથી થોડુંક પાણી ડોશીને પાયું. અંધારું થવા આવ્યું હતું. ગયો રણમુક્તેશ્વરનાં દર્શને. તે સાંજે અખાડે ન જઈ શકાયું. રાત પડવા આવી હતી. પણ મને જંપ ન વળે. બાને વાત કરી. બાએ જમીને સાથે આવવાની હા પાડી. થોડુંક ખાવાનું લઈને અમે બન્ને પહોંચ્યાં પેલા લીમડા નીચે. બાએ ડોશીનું શરીર જોયું. તાવ તો ધખધખે. અમે બન્ને ગયાં છોટાલાલ વૈદ્યને ત્યાં. છોટાકાકા જમતા હતા. બાએ વાત કરીને દવા માગી, મેં રૂબરૂ તપાસવાનો આગ્રહ કર્યો. વૈદ્યકાકા અમારી જોડે આવ્યા, ડોશીને તપાસીને એમણે દવા આપી. સવારસાંજ મધમાં પડીકાં આપવાનાં. ત્રીજે દિવસે ડોશીમાં કંઈક હોશ આવ્યા. આઠદસ દિવસ અમે નિયમિત દવા આપી. ડોશીમા સાજાં થવા માંડ્યાં. બપોરે બા માસીને ત્યાં જાય ત્યારે લીમડા નીચે ખાવાનું પહોંચાડીને જ જાય. ચૌદમેપંદરમે દિવસે ડોશી વાત કરતી થઈ.

એક દિવસે સાંજે હું રોજના નિયમ પ્રમાણે રણમુક્તેશ્વર દર્શને જતો હતો. રાબેતા મુજબ લીમડા નીચે રોકાયો. આજે ડોશીની જીભમાં શબ્દે દેખા દીધી. પહેલી વખત એના મુખમાંથી શબ્દ પડ્યો : ‘‘બેટા,’’ … થોડી વાર શ્વાસ ખાઈને એણે બીજો શબ્દ કહ્યો : ‘‘જીવાડી…’’ મેં કહ્યું કે, ‘‘માજી, એ તો ઈશ્વરની દયાનું પરિણામ છે.’’ ડોશીની આંખમાં જાણે તેજ ફુટ્યું. બોલી : ‘‘ઈશ્વરે પણ એ દયા કોઈની મારફત જ પહોંચાડવાની ને! એ કંઈ ઓછો નીચે ઊતરે છે!’’ બોલીને મારે માથે હાથ મૂક્યો. હું તો પછી મહાદેવ દર્શન કરવા ચાલ્યો ગયો.

બીજે દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો. રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં ઘીનાં કમળનાં દર્શન હતાં. તે સાંજે મારી સાથે બા પણ હતી. રસ્તામાં ડોશીને ખાવાનું પહોંચાડીને અમે ગયાં દર્શન કરવાં. અમારા મનમાં હતું કે પાછા વળતાં ડોશી પાસે બેસીશું. પાછાં આવ્યાં ત્યારે લગભગ નવેક વાગ્યા હશે. ડોશીમા ખાટલામાં નિરાંતે બેઠી હતી. અમને બન્નેને જોઈને એને ઘણો આનંદ થયો. અમને ખાટલી પર જ બેસાડ્યાં. મેં કહ્યું કે, ‘‘બા, આ ખાટલી ત્રણ જણાનો ભાર નહીં ઝીલે.’’ અને તરત જ ડોશીના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘‘ત્રણનો શું, તેરનો ઝીલશે. ધરતી જેવી છે આ ખાટલી.’’

પછી બાને ખભે હાથ મૂકીને ડોશીએ કહ્યું : ‘‘બહેન, મારે તમને બેયને એક વાત કહેવી છે ને કહેવાતી નથી. પણ લ્યો, કહું છું. તમે મને જીવાડી છે તે હવે એ વાત કહેવી જ પડશે ને! અમે આ પાછળના ગામ ગાજરાવાડીમાં રહેતાં હતાં. મારે દીકરીની દીકરી હતી. હું તો બહેન, વરસોથી વિધવા છું. અમારા એક સગાનો દીકરો અમારે ઘેર જતો-આવતો. વારતહેવારે બે પૈસાની મદદ કરતો. દીકરી જુવાન હતી. છઠ્ઠી ચોપડી ભણીને પછી માસ્તર થઈ. ધીરે ધીરે પેલા છોકરાએ અમારે ઘેર રહેવા માંડ્યું. બહેન, એ તો પરણેલો હતો. ઘેર છોકરાં હતાં. છતાં મારી જુવાન દીકરી ઉપર એની આંખ ચોંટી. હું આખો ખેલ પામી ગઈ. દીકરીને ચેતવી દીધી. પણ પેલો માને નહીં. હું જરાક બહાર જાઉં કે દર્શને જાઉં ત્યાં એ ઘરમાં આવ્યો જ હોય. પછી તો મને ચઢ્યો ગુસ્સો. પણ હું ગરીબ વિધવાબાઈ શું કરું! લાચારી તો એવી કે વાત ના પૂછો. આખરે એક દિવસ કંઈક ખવડાવીને મને અહીં નાંખી ગયો અને દીકરીને ઉપાડી ગયો છે. હવે પાછી મળે એવું કંઈક કરો.’’ ડોશીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અમે બન્ને ઘર ભણી ચાલી નીકળ્યાં.

બાએ ઘેર આવીને આ વાત બાપુજીને કરી. અને આગ્રહ કર્યો કે અમારા કુટુમ્બના એક ફોજદાર મિત્ર હતા તેમને બાપુજીએ વાત કરવી. બાપુજી બાનો સ્વભાવ જાણે. એટલે બીજે દિવસે બાપુજીએ આખી વાત ફોજદારકાકાને કરી. ચોથે જ દિવસે પેલાં બે જણાં પકડાયાં. છોકરી હજી સગીર હતી. એટલે એ એની માને સોંપવામાં આવી ને પેલાને પૂર્યો જેલમાં. છોકરીને મેળવીને પેલી ડોશીમાને ઘણો આનંદ થયો. એમના ગાજરાવાડીને ઘેર અમે એ ડોશીને લઈ ગયાં ત્યારે એનો આનંદ જોવા જેવો હતો.

બીજે વરસે ડોશીએ પોતાની એ જુવાન દીકરીનાં લગ્ન કર્યાં. બાએ એમાં ઘરનું જાણીને ઘણી મદદ કરી.

આ પ્રસંગે મારા અંતરને સેવાની સાચી દિક્ષા આપી. એનાથી મારી બા તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. બાએ ત્યાર પછી ભાવિ સેવાકાર્યમાં જે સમભાવ અને સ્નેહ બતાવ્યા તે એમના મૃત્યુ સુધી અખંડિત રહ્યા. આ ડોશીના પ્રસંગમાંથી એવું શું બન્યું હતું કે જેણે મારી અને બાની વચ્ચે એક નવો સમ્બન્ધ સ્થાપ્યો હતો! વાત્સલ્ય તો એનું અપાર હતું; પરંતુ પછી એને બધાં સેવાકાર્યોમાં ઊંડો રસ પેદા થયો. ક્યારેક સલાહ આપતી, કદીક તટસ્થ રહેતી, વળી ક્યારેક સમભાવપૂર્વક સાથ આપતી બા સદાની સંગાથી બની ગઈ. વાત્સલ્ય ઉપરાંત એની પાસેથી અપૂર્વ હૂંફ અને રક્ષણ મળવા માંડ્યાં. બાના આ વલણથી અનુગૃહિત બનેલું મારું અંત:કરણ એની આશિષની અપેક્ષા રાખવા લાગ્યું. આ અપેક્ષાએ સમર્પણની ભાવનાને એકાગ્ર બનાવી, અને આખરે આ જ પ્રક્રિયાએ મારી અંતરનિષ્ઠાને સુદૃઢ બનાવવામાં મોટી સહાય કરી. મસ્ત યૌવનમાં જો સન્નિષ્ઠા સધ્ધર ન હોય તો અભિમાનનો સૂક્ષ્મ કીડો આખી હસ્તીને લૂણો લગાડે છે. બાની વત્સલ અને વિમળ સાથીદારીએ મરતાં સુધી મારી સન્નિષ્ઠાની ચોકી કર્યા કરી તે કર્યા જ કરી.

એમના છેલ્લા દિવસોમાં એક યાદગાર પ્રસંગ બન્યો. ગાંધીજીની વાત માનીને અમારે ઘેર હું એક હરિજન વિદ્યાર્થીને જમવા લઈ આવ્યો. બા આમ તો ચુસ્ત વૈષ્ણવ. પણ તે દિવસે એણે અમને રસોડામાં બેસાડીને જમાડ્યા. અને જમાડતાં જમાડતાં પેલી ડોશીની વાત કહી. બાએ ગદ્ગદ કંઠે કહ્યું : ‘‘ગાંધીજી જે દરિદ્રનારાયણની વાત કહે છે તે સાવ સાચી છે. જે એમની સેવા કરે છે તે ઈશ્વરની સાચી પૂજા કરે છે.’’

ત્યાર બાદ અમારા ઘરમાં હરિજન અને વૈષ્ણવજન વચ્ચે કશો જ ભેદભાવ ન રહ્યો.

બા ને હું, માદીકરો હતાં; પછી અમે બન્ને મિત્રો બની ગયાં.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 410 – September 30, 2018

Loading

...102030...3,0983,0993,1003,101...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved