Opinion Magazine
Number of visits: 9664569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—286

દીપક મહેતા|Opinion - Opinion|26 April 2025

ઘવાયેલી હતી છતાં મુમતાઝનું સૌન્દર્ય ઝગારા મારતું હતું  

આજથી 100 વરસ અને એક મહિના પહેલાંનો દિવસ.

એટલે કે તારીખ : 26 માર્ચ 1925. 

સમય : સવારના 11.30 

સ્થળ : ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ એસ.એસ. રાંગણેકરની કોર્ટ, મુંબઈ

ખટલો તો શરૂ થવાનો હતો સાડા અગિયાર વાગે, પણ સવારના નવ વાગ્યા સુધીમાં તો આખો કોર્ટ રૂમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. છેલ્લા કેટલા ય દિવસોથી મુંબઈનાં છાપાં જાતજાતના ખબર છાપતાં હતાં. એટલે લોકોમાં ખૂબ કુતૂહલ ઊભું થયું હતું, આ ખટલા વિષે. પોલીસના કડક જાપ્તા હેઠળ દસ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા. બરાબર સાડા અગિયારના ટકોરે જજ રાંગણેકર દાખલ થયા. હાજર રહેલા સૌએ ઊભા થઈ માન આપ્યું. કોર્ટના શિરસ્તેદારે કેસની જાહેરાત કરી. સરકારી વકીલ બોલવા ઊભા થયા. પણ તેઓ બોલવાનું શરૂ કરે તે પહેલાં જજ રાંગણેકર ઊભા થયા અને સરકારી વકીલને રોકીને બોલ્યા : આ ખટલામાં સંડોવાયેલા આરોપીઓમાંથી કોઈ બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક નથી, પણ ઇન્દોરના સાર્વભૌમ રાજ્યના નાગરિક છે, એટલે તેમના પર કામ ચલાવવાની સત્તા માત્ર નામદાર બોમ્બે હાઈકોર્ટને છે. એટલે આ કેસ હું નામદાર બોમ્બે હાઈકોર્ટને તબદિલ કરું છું.

ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની કોર્ટ

બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના ૧૮૬૨માં થઈ. પણ તે પહેલાં, છેક ૧૮૧૦માં, પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની કોર્ટની શરૂઆત મુંબઈ, મદ્રાસ, અને કલકત્તામાં થઈ હતી. ૧૯૭૪ના એપ્રિલની પહેલી તારીખથી તેનું નામ બદલીને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ કરવામાં આવ્યું. ધોબી તળાવથી ક્રૂકશેંક રોડ (હાલનું નામ મહાપાલિકા માર્ગ) પર દાખલ થાવ તો ડાબી બાજુએ પહેલાં એલ્ફિન્સ્ટન સ્કૂલનું મકાન આવે. પછી આવે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, પછી કામા હોસ્પિટલ, અને પછી આવે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનું મકાન. બોમ્બે પ્રેસિડન્સીના એક્ઝીક્યુટીવ એન્જીનિયર ખાન બહાદુર મંચેરજી કાવસજી મર્ઝબાનની દેખરેખ નીચે આ મકાનનું બાંધકામ ૧૮૮૪ના ડિસેમ્બરની ત્રીજી તારીખે શરૂ થયું હતું, અને ૧૮૮૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે પૂરું થયું હતું. બાંધકામ શરૂ થયું ત્યારે તે માટેના ખરચનો અંદાજ હતો રૂપિયા ૩,૮૭,૩૬૧, પણ હકીકતમાં ખરચ થયો હતો રૂ. ૩,૭૩,૬૯૪! (ના, જી. આંકડામાં ક્યાં ય ભૂલ નથી.) આ મંચેરજી મર્ઝબાન તે ગુજરાતી મુદ્રણ, પત્રકારત્વ અને પુસ્તક પ્રકાશનના આદ્યપુરુષ ફરદુનજી મર્ઝબાનના સીધા વંશજ. મુંબઈમાં જાહેર વપરાશ માટેનાં કુલ ૨૭ મકાન તેમણે બાંધ્યા હતાં જેમાં એલ્ફિન્સ્ટન કોલેજના હાલના મકાનનો પણ સમાવેશ થાય છે. પ્રેસિડન્સી કોર્ટના પહેલા જજ હતા ઓનરેબલ મિસ્ટર સી.પી. કૂપર. બાર-એટ-લો. ૧૮૭૮થી ૧૮૯૫ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. ૨૦૨૪ના જુલાઈની પહેલી તારીખથી આ કોર્ટનું નામ બદલીને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કરવામાં આવ્યું છે. 

ખાન બહાદુર મંચેરજી કાવસજી મર્ઝબાન

    કેસની બદલીના સમાચાર ઇન્દોર પહોંચ્યા કે તરત જ ચક્રો ગતિમાન થઈ ગયાં. ઇન્દોરના રાજવીએ બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરને અરજી કરી: છેલ્લા કેટલાક વખતથી મુંબઈ પ્રેસિડન્સીનાં છાપાં આ કેસ વિષે જાતજાતની ઉપજાવેલી વાતો છાપી રહ્યાં છે. જે બન્યા જ નથી એવા બનાવોની વાતો ફેલાવે છે. ઇન્દોર રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓનાં નામ ખોટી રીતે સંડોવી રહ્યાં છે. એટલે બોમ્બે હાઈકોર્ટ આ બધાથી દોરવાઈ જાય એવો પૂરો સંભવ છે. એટલે એ કોર્ટ તરફથી યોગ્ય ન્યાય મળે એવી આશા અમે રાખી શકતા નથી. માટે કરીને અમારી વિનંતી અને માગણી છે કે આ કેસ બોમ્બે હાઈકોર્ટમાંથી મદ્રાસ હાઈ કોર્ટ અથવા કલકત્તા હાઈ કોર્ટમાં તબદીલ કરવામાં આવે.

ગવર્નરે રાબેતા મુજબ આ અરજી હિન્દુસ્તાનના વાઈસ રોયને મોકલી આપી. થોડા દિવસમાં જ તેમનો જવાબ આવી ગયો : બોમ્બે હાઈકોર્ટની તટસ્થતામાં, ન્યાયબુદ્ધિમાં, અને કાનૂની કુશળતામાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. માટે કરીને અરજદારની આ અરજી કાઢી નાખવામાં આવે છે. અને આ ખટલો બોમ્બે હાઈ કોર્ટમાં વહેલી તકે ચલાવવાનો આદેશ આપવામાં આવે છે. 

વીસમી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાનનો બોમ્બે હાઈ કોર્ટનો એક કોર્ટ રૂમ

૨૭ એપ્રિલ, ૧૯૨૫. બોમ્બે હાઈ કોર્ટ. બરાબર અગિયારને ટકોરે જજના આસન પાછળનું બારણું ખૂલે છે. લાલ ચટક યુનિફોર્મ પહેરેલો ચોપદાર હાથમાં રૂપેરી રંગનો ન્યાયદંડ લઈને દાખલ થાય છે અને જજ સાહેબની પધરામણીની જાહેરાત કરે છે. હાજર રહેલા સૌ કોઈ અદબપૂર્વક ઊભા થાય છે. ધીમી પણ મક્કમ ચાલે જસ્ટિસ એલ.સી. ક્રમ્પ દાખલ થાય છે. તેમના પછી દાખલ થાય છે જ્યુરીના નવ માનવંતા સભ્યો. (એ વખતે હિન્દુસ્તાનમાં જ્યુરીની પ્રથા હતી.) એક બાજુના મોટા ટેબલ પર વકીલો બેઠા છે : બોમ્બેના એડવોકેટ જનરલ સર જમશેદજી કાંગા અને કેનેથ કેમ્પ (જે બંને પછીથી બોમ્બે હાઈ કોર્ટના જજ બનેલા), સરકાર તરફથી. જમશેદજી એટલે બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા ‘દેશી’ એડવોકેટ જનરલ. નવાસવા વકીલો પહેલાં કોઈ જાણીતા મોટા વકીલ પાસે કામ શીખે. વકીલોની પરિભાષામાં તેને ‘ડેવિલિંગ’ કહેવાય છે. કાંગા સાહેબ પાસે આવું ‘ડેવિલિંગ’ કરીને પછીથી પ્રખ્યાત બનેલાઓમાંથી કેટલાકનાં નામ : એચ.એમ. સિરવાઈ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન. કાંગાસાહેબનો જન્મ ૧૮૭૫માં, બેહાસ્તનશીન થયા ૯૪ વરસની ઉંમરે, ૧૯૬૯માં.

બચાવ પક્ષે પણ ધરખમ વકીલો ઊભા રાખ્યા હતા : કલકત્તાથી ખાસ બોલાવાયેલા બેરિસ્ટર જે.એન. સેનગુપ્તા, બેરિસ્ટર વેલિંગકર, બેરિસ્ટર મહંમદ અલી જિન્નાહ! પ્રિય વાચક! તમને કદાચ સવાલ થશે કે એક દેશી રાજ્યમાં સાધારણ નોકરી કરનારા આ આરોપીઓ આવા ધરખમ વકીલો કઈ રીતે રોકી શક્યા હશે? ના. એમનો બચાવ કરવા આ વકીલોને બીજા કોઈએ રોક્યા હતા! અને આવા ધરખમ વકીલોને માર્ગદર્શન આપી રહ્યા હતા ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહ!

એડવોકેટ જનરલ સર જમશેદજી કાંગા

હાઈ કોર્ટની બહાર જડબેસલાખ પોલીસ બંદોબસ્ત. કોર્ટ રૂમ ચિક્કાર. બહાર પણ લોકોનાં ટોળાં આપણે અગાઉ મોહમ્મદ અલી જિન્નાહ અને પારસી રત્તી(રતન)ના પ્રેમસંબંધ અને લગ્નની વાત કરેલી. એ રત્તીને આ કેસમાં એટલો તો રસ પડેલો કે રોજેરોજ સુનાવણી વખતે તે કોર્ટમાં હાજર રહેતી. જો કે ગુનેગારોને શી સજા થાય છે તે જાણવામાં તેને ઝાઝો રસ નહોતો. તેને તો રસ હતો મુમતાઝ બેગમની વાતમાં, તેના જીવનમાં. અને સુનાવણીને પહેલે જ દિવસે પહેલી જ સાક્ષી તરીકે એડવોકેટ જનરલ કાંગાએ બોલાવી મુમતાઝ બેગમને.

બપોરે સાડા બાર : ચોપદારે હાકલ કરી : ‘મુમતાઝ બેગમ હાજીર હો!’

ધીમા, પણ મક્કમ પગલે મુમતાઝ હાજર થઈ. દાખલ થઈ ત્યારે તેણે મોઢા પર બુરખો રાખ્યો હતો. પણ સાક્ષીના પિંજરામાં જઈને તેણે એ બુરખો હટાવી દીધો. ઝપાઝપી દરમ્યાન માથામાં થયેલી ઈજાનો ઘા હજી પૂરેપૂરો રૂઝાયો નહોતો. છતાં મુમતાઝનું સૌન્દર્ય ઝગારા મારતું હતું. સોગંદ વગેરે વિધિ પત્યા પછી ઉલટતપાસ શરૂ થઈ.

નામ? 

મુમતાઝ બેગમ. ઇન્દોરના મહારાજાએ રાખેલું નામ કમલાદેવી. માનું નામ વઝીરા બેગમ. ખાનદાની નાચનારી. મૂળ વતની લાહોરની. જેટલું સારું નાચતી, એટલું જ સારું ગાતી. નાચ  અને ગાન એ અમારો ખાનદાની વ્યવસાય. અમૃતસરના મોહમ્મદ ઇસાક ગુલામ મુસ્તફા ખાન નામના તાલેવર સાથે નિકાહ થયા પછી ખાવિંદના કહેવાથી માએ ગાવા-નાચવાનું છોડી દીધું. પણ એની દશા પાણી વગરની માછલી જેવી થઈ ગઈ. ૧૯૦૩માં વઝીરાએ એક દીકરીને જનમ આપ્યો. એ દીકરી તે હું, મુમતાઝ. મારા જનમ પછી અબ્બા અને અમ્માજાન વચ્ચેના સંબંધો વણસતા ગયા. છેવટે એવો દિવસ આવ્યો કે જ્યારે ખાવિંદ અને નાચ-ગાન, બેમાંથી એકની પસંદગી કરવી જ પડશે એમ મારી માને લાગ્યું. અને તેણે શાદીશુદા જિન્દગાનીને અલવિદા કહી, અને નાચ-ગાનની દુનિયામાં પાછી ફરી. અને એ સાથે જ મારે માથેથી અબ્બાનું છત્તર ખસી ગયું. 

અમ્માજાનની કેટલીક સહેલીઓએ તેને કહ્યું કે તારો કંઠ તો મીઠો મધ જેવો છે. પણ સંગીતની વધુ તાલીમ લેવાની જરૂર છે. પણ એ વખતે હજી હું નાની. ઘરમાં અમ્મા અને હું, બે જ. એટલે રાહ જોયા વગર અમ્માનો છૂટકો નહોતો. હું નવ સાલની થઈ ત્યારે મને લઈને અમ્માએ હૈદરાબાદની વાટ પકડી. બે વરસ સુધી અમે મા-બેટીએ ઉસ્તાદ પાસે નાચ-ગાનની તાલીમ લીધી. એ બે વરસ મારે માટે તો કસોટીનાં હતાં. અમારી તાલીમ પૂરી થયા પછી અમે મા-બેટીએ નાચ-ગાન માટે મુસાફરીઓ શરૂ કરી. તેમાં કોઈકે અમ્માને કહ્યું કે ઇન્દોરના રાજવી નાચ-ગાનના જબરા શોખીન છે. તમે બંને આ રીતે અહીંથી તહીં ભટકી નાચ-ગાન કરો છો એના કરતાં ઇન્દોર જાવ. અને ૧૯૧૪માં અમે મા-બેટી ઇન્દોર પહોંચ્યાં.

ઇન્દોર એટલે એ જમાનામાં પહેલા વર્ગનું રાજ્ય. એના રાજવી ૧૯ તોપોની સલામીના હકદાર. મુમતાઝ બેગમ અને તેની અમ્મીજાન ઇન્દોર પહોચ્યાં ત્યારે ત્યાં ત્રીજા તુકોજીરાવ હોલકરનું રાજ. તેર વરસની ઉંમરે રાજગાદીએ બેઠા. ૧૯૧૧માં પંચમ જ્યોર્જના રાજ્યાભિષેકમાં હાજરી આપવા ઇન્ગ્લન્ડ ગયા. ઉત્તર હિન્દુસ્તાનના ઘણા રાજા-મહારાજા નાચગાનના શોખીન. ઇન્દોરનરેશ પણ તેમાં અપવાદ નહિ. અને સંગીત તથા નૃત્ય પાછળ સારું એવું ધન વાપરી જાણે. એટલે આખા દેશમાંથી કલાકારો ઇન્દોર જવાનાં સપનાં જુએ. એ બધાંની જેમ દીકરીને લઈને વઝીરા બેગમ પણ ૧૯૧૪માં પહોચ્યાં ઇન્દોર.

બરાબર એ જ વખતે કોર્ટની ઘડિયાળમાં સાંજના પાંચના ડંકા પડ્યા. કાંગાસાહેબે બોલવાનું બંધ કરવાનો ઈશારો મુમતાઝને કર્યો. માનનીય જજસાહેબ ઊભા થાય એ પહેલાં કોર્ટમાં હાજર રહેલા સૌએ ઊભા થઈને તેમનું સન્માન કર્યું. કોર્ટના અધિકારીએ જાહેર કર્યું કે આ કેસની વધુ સુનાવણી આવતા શનિવારે આગળ ચલાવવામાં આવશે.

e.mail : deepakbmehta@gmail.com 

xxxxxxxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 એપ્રિલ 2025

Loading

ઇચ્છાઓનું ધાડું

ઉદય ચંદ્રકાંત|Poetry|26 April 2025

સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું
રાત આખી પાંપણ નીચે કેમ કરી શણગારું ?

રોજ સવારે, વાડ ઠેકી
આભ આંબવા જાતું !
રોજ સાંજે પાછું આવી
એ જ ગાણું ગાતું !

સૂનમૂન આંખે ગોત્યા કરતું સુખનું એક સરનામું
સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું

સાવ અજાણે રસ્તે જાતું
સપનાં લઈને ભેળા !
લખ ચોરાશી પૂરા કરવા
ફોગટ આંટા ફેરા !

આવનજાવનનાં ચક્કરમાં જાતે જઈ બંધાણું
સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું

મનફાવે તેમ હાંકે રાખે
આડાઅવળે રસ્તે
જાત ચડાવી ચકડોળે
ત્યાં મારગ ક્યાંથી જડશે !

પાછું ફરતું વીલા મોઢે, થઈ ગ્યું જાવા ટાણું
સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું !

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ; એક ગામડિયાનું શોકગીત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 April 2025

એકતાની તાકાત …

રાજ ગોસ્વામી

એક પરિવારમાં ચાર દીકરાઓ વચ્ચે કાયમ ઝઘડો ચાલતો હતો. પિતાએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી નહોતી.

વર્ષો વીતી ગયાં. પિતા બીમાર થઈને મરણ પથારીએ પડ્યા. તેમણે ઘણું કહ્યું કે તેના મર્યા પછી એક નહીં રહો તો ઘર તૂટી જશે. પુત્રોએ ત્યારે પણ વાત ન ગણકારી.

પિતાએ હવે પાઠ ભણાવાનું નક્કી કર્યું.

તેમણે ચારે દીકરાઓને બોલાવ્યા અને દરેકને દસ લાકડીઓનો ભારો આપીને કહ્યું કે તમારે આમાંથી દરેક લાકડીને તોડીને બે કટકા કરવાના છે. જે સૌથી પહેલાં બધી લાકડીઓને તોડશે તેને હું મારી સંપત્તિ આપીશ.

છોકરાઓએ તાબડતોબ દસે દસ લાકડીઓને તોડી નાખી અને કોણ પહેલું આવ્યું તેને લઈને ઝઘડવા લાગ્યા. 

પિતાએ વચ્ચે પડીને કહ્યું કે હજુ પરીક્ષા પૂરી નથી થઇ – હું તમને હવે દસ લાકડીઓનો બીજો એક ભારો આપું છું, તમારે લાકડીઓ છૂટી પાડ્યા વગર આખા ભારાને બે ટુકડા કરવાના છે.

છોકરાઓ ઘણું મથ્યા પણ એકેનાથી ભારો તૂટી ના શક્યો.

પિતાએ કહ્યું – જોયું! છૂટી લાકડીઓને તમે આસાનીથી તોડી શક્યા પણ તે ભારામાં હતી તો તમે તેની છાલ પણ ઉકેલી ન શક્યા. તમારું પણ એવું જ છે. છૂટા રહ્યા તો તૂટી જશો, એક હશો તો મજબૂત રહેશો.

——————————-

અમેરિકા (અને દુનિયાભરમાં) અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ધામધૂમ ચાલી રહી છે. અમેરિકાનાં ‘ગીરવે’ મુકાયેલાં હિતોને પાછાં ચલણમાં લાવવાની પૂરજોશ કવાયત કરી રહી રહેલા ટ્રમ્પ ઘર આંગણે અને વૈશ્વિક સ્તરે ‘જૂની’ નીતિઓ, નિયમો અને રિવાજોને ભડાકે દઈ રહ્યા છે અને ‘અમેરિકા ફર્સ્ટ’ની વ્યવસ્થા માટે નવી ઇંટો મૂકી રહ્યા છે. 

તેમના આ ધૂમધડાકામાં કવર ફાયરિંગ કરી રહ્યા છે જેડી વેંસ, ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ. ટ્રમ્પે જ્યારે વેંસને તેમના ડેપ્યુટી તરીકે પસંદ કર્યા ત્યારે ભારતને, લોકોને તેમની પત્ની ઉષા ચિલુકુરીના કારણે વેંસમાં રસ પડ્યો હતો. 

ઉષાનાં માતા-પિતા ભારતમાંથી અમેરિકા સ્થળાંતર કરીને આવ્યાં હતાં. તે સાન ડિએગોમાં ઉછરી હતી. ઉષા અને વેંસની મુલાકાત 2013માં યેલ યુનિવર્સિટીમાં થઈ હતી. બંનેએ 2014માં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં. તેમને બે પુત્રો ઇવાન અને વિવેક, અને એક પુત્રી મિરાબેલ છે.

આમ તો દેશ-દુનિયાનું પૂરું ધ્યાન ટ્રમ્પ પર જ ખોડાયેલું છે, પણ તેમના પડછાયાની જેમ કામ કરતા આ જેડી વેંસ પણ એક દિલચસ્પ શખ્સિયત છે. કદાચ ટ્રમ્પ કરતાં પણ વધુ.  

એક રીતે ટ્રમ્પની કહાનીમાં જો કોઈ બોધપાઠ લેવો હોય તો એ જ કે કોઈ બોધપાઠ લેવો ના જોઈએ. તેમની સરખામણીમાં જેડી વેંસની જીવનકથા કહે છે કે માણસ ધારે તો તેના પ્રતિકૂળ સંજોગોની બાવજૂદ પોતાનો રસ્તો ખુદ બનાવી શકે છે. 

2000ની સાલમાં જો કોઈએ તેમને કહ્યું હોત કે તેઓ એક દિવસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનશે, તો વેંસે તેને મજાક ગણીને હસી કાઢ્યું હોત, પરંતુ આજે તેઓ એ સ્થાન પર શાનથી બેઠા છે એટલું જ નહીં, એવી પૂરી સંભાવનાઓ છે કે તેઓ ટ્રમ્પનો ‘વારસો’ ચાલુ રાખવા માટે ચાર વર્ષ પછી રાષ્ટ્રપતિપદ માટે પણ દાવો કરે.

વેંસ અનેક પારિવારિક ઊથલપાથલ વચ્ચે અહીં પહોંચ્યા છે. વ્યક્તિના જીવનમાં પરિવારનું મહત્ત્વ મોટું હોય છે, હકારાત્મક રીતે અને નકારાત્મક રીતે. એક તરફ તેમની માતા વેંસના જીવનમાં વિધ્વંસ બનીને આવી હતી, તો બીજી તરફ તેમની નાની ફરિસ્તા બનીને આવી હતી.

તેમણે તેમના જીવન પર 2016માં ‘હિલબિલી એલીજી’ નામનું એક સંસ્મરણ લખ્યું હતું. હિલબિલી એટલે અમેરિકાના કેંટુકી-ઓહાયોમાં એપલચિયન નામનો પર્વતીય મજદૂર સમુદાય. આ અમેરિકાનો સૌથી પછાત અને ગરીબ પ્રદેશ છે. 

હિલબિલી એક રીતે ગાળ તરીકે વપરાય છે. તેનો અર્થ થાય છે ગામડિયો, અભણ અને ગંદો-ગોબરો માણસ. એલીજીનો અર્થ થાય છે કોઈ વ્યક્તિના મૃત્ય પછીનો વિલાપ, એક શોકગીત. આ પુસ્તક એક ગામડિયાનું શોકગીત છે. 

જે.ડી. વેંસે આ આત્મકથામાં તેમના બાળપણથી જવાની સુધીના જીવનની બેવડી વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતું; એક તરફ તેમને તેમના પછાત પણ મજબૂત સામાજિક બેકગ્રાઉન્ડનો ગર્વ છે અને બીજી તરફ એ સમાજના આર્થિક પતન, માણસોનાં વ્યસનો અને પરિવારોના વિખરાઈ જવાનો માતમ છે. ‘હિલબિલી એલીજી’ ઓહાયોના વર્કિંગ-ક્લાસ સમુદાયની સમસ્યાઓ અને અમેરિકન ગ્રામીણ જીવનની કઠણાઈઓને ઉજાગર કરતી આત્મકથા છે. 

જેમ્સ ડેવિડ બોમન ઉર્ફે જે.ડી. વેંસનો જન્મ ઓહાયોમાં થયો હતો. વેંસની માતા બેવર્લી વેબ એઇકિન્સે પાંચ વખત લગ્ન કર્યાં હતાં. બેવર્લી એક નર્સ હતી, અને તેને પ્રિસ્ક્રિપ્શન દવાઓ મળતી હતી. ખરાબ લોકોની સંગત કહો કે ખરાબ સંજોગોની પીડા, તે ધીમે ધીમે નશીલા પદાર્થોની વ્યસની બની ગઈ હતી. તેઓ લખે છે કે માતાના વ્યસનનો ગાળો તેમના જીવનનાં સૌથી મુશ્કેલ વર્ષો હતાં. તેઓ કહે છે કે વ્યસન પરિવારમાંથી કંઈક એવું છીનવી લે છે, જેની ભરપાઈ થઇ શકતી નથી.

વેંસ 12 વર્ષના હતા, ત્યારે બેવર્લીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ લખે છે, ‘હું ખૂબ જ દુઃખી હતો અને ખૂબ જ એકલતા અનુભવતો હતો. હું એ જ પોલીસની ક્રુઝર કારની પાછળ બેઠો હતો, જેમણે મારી માતાની ધરપકડ કરી હતી.’ બેવર્લીની આવી હરકતો પછી જ તેમને નાના-નાની પાસે મુકવામાં આવ્યા હતા. જે.ડી.નો ઉછેર નાના-નાનીએ કર્યો હતો. વેંસ તેમને જ મમ્મી-ડેડી કહીને મોટા થયા હતા.

આવા અસ્થિર જીવનના કારણે જ ઓહાયોની મિડલટાઉન હાઈસ્કૂલમાં પૂરી કરીને કોલેજમાં જવાને બદલે તેઓ 2003માં યુ.એસ. મરિન કોર્પ્સમાં ભરતી થઇ ગયા હતા. તેના સૈનિક તરીકે તેમને ઈરાકમાં કામ કરવા મળ્યું હતું.

તે અનુભવે તેમને શિસ્ત, નેતૃત્વ અને સ્થિતિસ્થાપકતા શીખવી હતી – એ એવા ગુણો હતા જે પાછળથી તેમને લો સ્કૂલ અને રાજકારણ બંનેમાં સારી રીતે કામ લાગવાના હતા. ગામડાંની માનસિકતામાંથી બહાર આવવામાં પણ આ જ અનુભવ તેમને કામ આવ્યો હતો અને તેમણે ઉચ્ચ અભ્યાસ માટે મન બનાવ્યું હતું.

લશ્કરી સેવા પૂર્ણ કર્યા પછી, વેંસે 2007માં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, અને અહીંથી તેમનું જીવન બહેતર થવા લાગ્યું હતું. અહીં તેઓ એક શ્રેષ્ઠ વિધાર્થી તરીકે સાબિત થયા હતા. 2010માં, તેમને અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત યેલ લો સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. ઉષાનો ભેટો પણ અહીં જ થયો હતો. 

લોમાં ગ્રેજ્યુએટ થયા પછી, વેંસ કોર્પોરેટ લોની નોકરીમાં જોડાઈ ગયા હોત અને એક સ્થિર પગારવાળું જીવન જીવી શક્યા હોત, પરંતુ 2016માં તેમણે તેમની આત્મકથા ‘હિલબિલી એલીજી’ લખવાનું નક્કી કર્યું. 

પુસ્તક બેસ્ટસેલર સાબિત થયું એટલું જ નહીં, તેની લોકપ્રિયયતા વેંસને જાહેર જીવનના ક્ષેત્રમાં લઇ ગઈ. એ પછી – અંગ્રેજીમાં કહે છે તેમ – જે.ડી. વેંસે પાછળ વળીને ના જોયું. 2020માં, આ પુસ્તક પરથી એ જ નામની એક એવોર્ડ વિજેતા ફિલ્મ પણ બની હતી. તે નેટફ્લિક્સ પર, હિન્દી ઓડિયો સાથે, ઉપલબ્ધ છે.

દરિયાઈ યાત્રા માટે કહેવાય છે કે આજુબાજુ પાણી હોય છે એટલે જહાજો નથી ડૂબતાં, જહાજો ત્યારે ડૂબે છે જ્યારે પાણી તેની અંદર ભરાઈ જાય છે. આપણી આજુબાજુમાં જે ઘટતું હોય, તેના ભારથી આપણે દબાઈ ન જવું. તોફાનોમાં ટકી રહેવાનું ધૈર્ય અને દૃઢતા જ કામ આવે છે. જે.ડી. વેંસ તેનું ઉદાહરણ છે. 

તેમના જીવન સંઘર્ષમાંથી પાંચ ચીજો શીખવા જેવી છે :

૧. ‘હિલબિલી એલીજી’ પુસ્તક અને ફિલ્મમાં એક મહત્ત્વની વાત સમજવા જેવી એ છે કે ગમે તેવી આકરી પરિસ્થિતિમાં શિક્ષણની તાકાત જબરદસ્ત છે. વેંસ કહે છે કે ઘરમાં ડ્રગ્સ, હિંસા, ડિપ્રેશન અને તૂટેલા સંબંધોનો હતાશાજનક માહોલ હતો, તેમ છતાં તેમણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત રાખ્યું એટલે તેમના માટે મરિન કોર્પ્સ, ઓહાયો વિશ્વવિદ્યાલય અને યેલ વિશ્વવિદ્યાલયના દરવાજા ખુલી ગયા હતા.

૨. વેંસની કહાની લવચીકતા(સ્થિતિસ્થાપકતા)નું ઉત્તમ ઉદાહરણ છે. વેંસ બાળપણ અને યુવાનીમાં ઘર-સમાજની અનેક મુસીબતોનો સામનો કર્યો હતો, તેમાં છતાં તે તેનો ભોગ બનીને તૂટી ગયા નહોતા. તેઓ કહે છે કે તે હિંસા વચ્ચે પણ સ્થિર રહી શક્યા તે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

૩. પરિવારનું કેટલું મહત્ત્વ છે તે વેંસથી વધુ સારી રીતે કોણ જાણે! તેમનાં નાના-નાનીએ જો તે અણીનાં વર્ષોમાં તેમની સંભાળ ન રાખી હોત, તો વેંસ કાં તો ચોરી-ચપાટીમાં પડીને અપરાધી બની ગયા હોત કે પછી નશેડી બનીને બરબાદ થઇ ગયા હોત.

૪. કોઇપણ પરિસ્થિતિમાં આત્મ-નિર્ભરતા સૌથી કારગત શસ્ત્ર હોય છે. માણસે ભાવનાત્મક રીતે અને ભૌતિક રીતે જો સ્વતંત્ર રીતે જવાબદાર ન હોય તો તેને બીજા લોકોના ગુલામ થઇને રહેવું પડે છે. તેમની ગરીબી અને હતાશા માટે અનેક સામાજિક કારણો જવાબદાર હતાં, પરંતુ વેંસને બહુ વહેલાં એ ખબર પડી ગઈ હતી કે સંજોગો કે માણસોનો દોષ કાઢવાથી કોઈ ફાયદો નહીં થાય. તેમણે જ તેમના જીવનની કમાન સંભળાવી પડશે.

૫. ગરીબીમાંથી ઉભરવાનો એક માત્ર ઉપાય એ છે કે પૈસાની બચત અને કરકસર કરતાં આવડવું જોઈએ. તેમણે બેરોજગાર માતા અને વૃદ્ધ નાના-નાનીના ઘરની હાલત જોઇને એક બાબત સમજી લીધી હતી કે પછેડી જોઈને જ સોડ તાણવી પડશે અને આવનારા દિવસોનું આયોજન આજે જ કરવું પડશે. વેંસ આ નીતિના કારણે જ તેમના વિદ્યાર્થી કાળને કાર્યક્ષમ રીતે જીવી શક્યા હતા.

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 05 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...306307308309...320330340...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved