Opinion Magazine
Number of visits: 9969141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમૃતસરની ઘટનાના સૂચિતાર્થો – ૧

રમેશ ઓઝા|Opinion - Opinion|20 November 2018

અમૃતસરની ત્રાસવાદી ઘટના ગંભીર છે અને તેને પૂરી ગંભીરતાથી હાથ ધરવી જોઈએ

અમૃતસરમાં ત્રાસવાદીઓએ નિરંકારી ભવન પર બૉમ્બ હુમલો કર્યો એ સામાન્ય ઘટના નથી. આ પંજાબ છે અને ત્યાં દોઢ દાયકાના અલગતાવાદનો આપણને અનુભવ છે. મને આમાં ભયના ઓળા નજરે પડે છે. શક્યતાઓ અને સંભવનાઓની ચર્ચા કરતાં પહેલાં એક પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. ભારતમાં કોઈ ઘટના દેખાય છે એવી સરળ હોતી નથી. એનાં અનેક સૂચિતાર્થો હોય છે અને એ સમજવાં માટે પણ પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે.

આ દેશમાં સિખો અને તામીલો એમ બે પ્રજા એવી છે જેનાં પર રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિએ ચાંપતી નજર રાખવી જોઈએ. સિખોની ધાર્મિક અસ્મિતા અને તામીલોની ભાષાકીય અને દ્રવિડ અસ્મિતા એટલી તીવ્ર છે કે એ ગમે ત્યારે રાષ્ટ્રીય અસ્મિતાની વિરુદ્ધ જઈ શકે છે. આવું થોડું મરાઠી અને બંગાળી અસ્મિતાઓનું ખરું, પણ એ અત્યારે લક્ષ્મણરેખાની અંદર છે. વિષય પર આવતાં પહેલાં હિન્દુ રાષ્ટ્રવાદીઓના લાભાર્થે ઇતિહાસની એક હકીકત ક્હેવી જરૂરી છે. થોડો લાભ ભક્તોને પણ થશે.

રાષ્ટ્રનિર્માણ માટે બહુમતી પ્રજા, તેની જ્યાં સુધી વસતી હોય ત્યાં સુધીની ભૂમિ, તેનો ધર્મ, તેની સંસ્કૃિત અને તેની ભાષા અત્યંત આવશ્કય છે એમ રાષ્ટ્રવાદીઓ માને છે. બહુમતી પ્રજા એક કરતાં અનેક ભાષા બોલતી હોય તો? તો ન ચાલે. એક રાષ્ટ્ર માટે એક ભાષા અનિવાર્ય છે. રાષ્ટ્રીય શ્વાચ્છોશ્વાસ એક જ ભાષામાં ચાલવો જોઈએ. આવું હિન્દુ રાષ્ટ્રવાદીઓ જ માને છે એવું નથી, જગતભરમાં દરેક રાષ્ટ્રવાદી આમ માને છે. હકીકત તો એ છે કે હિન્દુ રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્રવાદની કલ્પના પશ્ચિમમાંથી ઉધાર લાવ્યા છે. એક વાત યાદ રહે, જ્યાં રાષ્ટ્રવાદની કલ્પના વિકસી છે ત્યાં બહુવિધ ઓળખોની સમસ્યા (ખરું પૂછો તો આશીર્વાદ) ભારત જેટલી નહોતી.

ભારત નસીબદાર દેશ છે અને ભારતની નસીબદારી ગાંધીજીને સમજાઈ હતી. તેમણે કહ્યું હતું કે આપણે નસીબદાર છીએ કે આપણો બગીચો આટલાં બધાં ફૂલોથી મઘમઘે છે. એકત્વને નામે તેને વેડીને એક જ પ્રકારનાં ફૂલના બગીચામાં શા માટે ફેરવો છો? બીજું એ શક્ય પણ નથી. ગણવા બેસશો તો ભારતમાં દરેક પ્રજા લઘુમતી પ્રજા છે. કોને કોને વેડશો? સબકા સાથ સબકા વિકાસનું મૂળ સૂત્ર ગાંધીજીનું હતું અને એ પ્રજા સાથેની છેતરપીંડી નહોતી. તેમની શ્રદ્ધા હતી અને એ માટે પ્રાણ આપ્યા હતા.

કોણે પ્રાણ લીધો હતો? એ લોકોએ જે બહુવિધ ફૂલોના મઘમઘતા બગીચાને વેડવા માંગતા હતા અને ગાંધીજી તેમની વચ્ચે આવતા હતા. ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે મહમદઅલી જિન્નાહ સામે પણ સવાલ ઊભો થયો હતો કે વગર મહેનતે પાકિસ્તાન હાથમાં તો આવી ગયું, પણ તેને ટકાવવું કઈ રીતે? અંગ્રેજી ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી અને ભારતની દેશી ભાષાઓ માટે જેને અણગમો હતો એ નખશીખ આધુનિક જિન્નાહે તાજા જન્મેલા પાકિસ્તાનને બચાવવા સારુ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો આશરો લેવો પડ્યો હતો. તેમણે જાહેર કર્યું કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ રહેશે. શા માટે? કારણ કે ઉર્દૂ મુસલમાનોની ભાષા છે.

અહીં જ મોટી ભૂલ હતી. આ દેશમાં લગભગ ૧૮૫૭ સુધી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીઓની ભાષા હતી, પરંતુ જેમને હિન્દુસ્તાનીમાંથી હિન્દુ અને મુસલમાન થવું હતું તેમણે મળીને હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું અને હિન્દી હિન્દુઓની ભાષા બની અને ઉર્દૂ મુસલમાનોની. નવનિર્મિત પાકિસ્તાનમાં એવી એક પણ પ્રજા નહોતી જેની માતૃભાષા ઉર્દૂ હોય અને હજારો વરસ જૂના ભારતમાં એવી એક પણ પ્રજા નહોતી જેની માતૃભાષા આજના સ્વરૂપમાં જોવા મળતી હિન્દી હોય. એ તો કલકત્તાના ફોર્ટ વિલિયમમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપેલી લેન્ગવેજ ફેક્ટરીમાંથી ઉત્પાદિત કરવામાં આવેલી ભાષા છે જેને પાછળથી હિન્દુ/હિન્દી ભાષાભિમાનીઓએ અપનાવી લીધી હતી.

ખેર, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું અને ઉર્દૂને મુસલમાનોની ભાષા તરીકે રાષ્ટ્રભાષા જાહેર કરવા આવી. આ જાહેરાત થતાની સાથે જ પૂર્વ પાકિસ્તાનમાં ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ તોફાનો કર્યા. ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૮ આંદોલનનું નેતૃત્વ કરનારાઓમાં શેખ મુજીબુર રહેમાન હતા જેણે પાછળથી બંગાળી ભાષા અને અસ્મિતા બચાવવા બંગલાદેશને પાકિસ્તાનથી અલગ કર્યું હતું. ઈસ્લામને બચાવવા ભારતથી અલગ થઈને પાકિસ્તાન બન્યું અને બનતાની સાથે જ બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાનનો છેદ ઉડાડવાનું આંદોલન શરુ થયું.

તો વાતનો સાર એટલો જ કે આ દેશમાં ગાંધીજી પહેલા માણસ હતા, જેને એ સમજાઈ ગયું હતું કે અનેક ફૂલોનો ભારતને મળેલો બગીચો ભારત પર કુદરતનો આશીર્વાદ તો છે જ પણ એ સાથે ભારતની નિયતિ પણ છે. એની સાથે છેડછાડ કરશો તો પાકિસ્તાન જેવા હાલ થશે. તમને ખબર છે? પાકિસ્તાનની હજુ સ્થાપના નહોતી થઈ ત્યારે બંગાળના હિન્દુઓ અને મુસલમાનો મળીને ગાંધીજી પાસે દરખાસ્ત લઈને ગયા હતા કે જો અમને સંયુક્ત સ્વતંત્ર બંગાળ આપવામાં આવે તો અમે (હિન્દુ અને મુસલમાન) સાથે રહેવા માગીએ છીએ અને પાકિસ્તાન ગયું ભાડમાં. દરખાસ્ત લાવનાર બંગાળના સિનિયર નેતાઓ હતા. તેમને ગાંધીજીએ કહ્યું હતું કે તમે જે કહો છો તેમાં તમે ફક્ત પાકિસ્તાન ગયું ભાડમાંથી અટકતા નથી, હિન્દુસ્તાન ગયું ભાડમાં પણ આવે છે તો પછી તમારો દેશપ્રેમ ક્યાં ગયો?

ભારતમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ આવા છે. શરીર પરની ચામડી જરાક ખરોચો એટલે હિન્દુ, મુસલમાન, શિયા-સુન્ની, સિખ, જૈન, બંગાળી, તામિલ, દ્રવિડ, ગુજરાતી, પટેલ વગેરે લોહી ટપકવા માંડશે. આને અંગ્રેજીમાં સબ-નેશનાલિઝમ (પેટા રાષ્ટ્રવાદ) કહેવામાં આવે છે અને ભારતમાં કોઈ એક સબ નથી, અનેક સબ છે અને સબના પણ અનેક સબ છે. એટલે ગાંધીજીએ કહ્યું હતું કે અનેક ફૂલોનો બનેલો બગીચો ભારતની નિયતિ છે જેને પ્રભુના અનોખા આશીર્વાદ તરીકે સ્વીકારો. મહેરબાની કરીને તેની સાથે છેડછાડ નહીં કરો. ગાંધીજીનું આવી શિખામણ આપવા માટે ખૂન કરી નાખવામાં આવ્યું હતું, કારણ કે કેટલાક લોકો પોતાના પક્ષમાં બગીચામાં છેડછાડ કરવા માંગતા હતા.

વાત એમ છે કે ભારતમાં કોળાઈ શકે અને વિકસી શકે એવી બહુમતી રાષ્ટ્રીયતા તો છે જ નહીં, પણ નાની-નાની પેટા રાષ્ટ્રીયતા અનેક સ્વરૂપમાં પડી છે. જો એકને લાદવામાં આવે તો બીજી પ્રતિકાર સ્વરૂપે બળવત્તર થઈ શકે છે અને એમાં પણ સિખો અને તામીલો આવી શક્યતા વધુ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં બહુમતી રાષ્ટ્રવાદ સામે પેટા રાષ્ટ્રવાદ તામીલોમાં અને સિખોમાં પ્રબળ છે. આનો વસમો અનુભવ પણ દેશને થઈ ચૂક્યો છે. તામિલ રાષ્ટ્રવાદે રાજીવ ગાંધીનો ભોગ લીધો હતો અને સિખ રાષ્ટ્રવાદે ઇન્દિરા ગાંધીનો. એ સત્તા ખાતર બગીચામાં કરવામાં આવેલાં ચેડાનું પરિણામ હતું.

આટલી પૃષ્ઠભૂમિ પછી અમૃસરમાં બનેલી ઘટનાનું આવતીકાલે પૃથ્થકરણ કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 નવેમ્બર 2018

Loading

ઘેરિયા નૃત્ય અને ગીતો

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|20 November 2018

આજે સવારસવારમાં, એક અગત્યનું દસ્તાવેજી પુસ્તક મળ્યું. વાસ્તવમાં હું રાહ જોતી જ હતી. ડો. ઈશ્વરચન્દ્ર દ્વારા શબ્દાંકિત, સીએ વિનોદભાઈ દેસાઈ દ્વારા ગરબાગીતો સંકલિત, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક સોમનાથ મંદિર પ્રાંગણ, બીલીમોરામાં પચીસ વર્ષથી (૨૫) આયોજિત ઘેરૈયા સ્પર્ધા નિમિત્તે પ્રાપ્ય બન્યું છે. ડો. જયાનંદ જોષીની પૂરક માહિતી પણ પુરવણી રૂપે સામેલ છે. ૯૬ પાનાંમાં ૧૪ પ્રકરણ અને ૪ પુરવણીના સંચયમાં ઘેરૈયા નૃત્ય, ગીતો અને ગરબાની ઝાંખી મળે છે.

દક્ષિણ ગુજરાતની સાંસ્કૃિતક ઓળખ કઈ એમ પુછાય તો એમાં ઘેરૈયા નૃત્ય-ગરબાનું નામ ઝટ યાદ આવે. આદિવાસીઓ અને માછીમારોની સાંસ્કૃિતક ઓળખ પણ છે જ. એમ તો અનાવિલ, પારસી, જૈન સંસ્કૃિતની પણ વિશિષ્ટતાઓ વણાયેલી છે. એ પાસાને ધ્યાનમાં રાખીને જ વાત કરવી જોઈએ છતાં કહેવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજી સંશોધનનો ઘણો અવકાશ છે.

આજે તો આ સંકલનમાં સમાવિષ્ટ સામગ્રીની વાત કરીએ. ઘેરૈયા નૃત્ય છે તો સાથે ગરબા, ગીત અને હાસ્યરસ સભર નૌટકી પણ છે. પારણાંથી પાલખી સુધીની યાત્રાની ઝલક પણ છે. સરળ લોકપ્રિય લોકગીતો – ગરબા સાથે એમાં, નિજી સંવેદનાઓ, હાસ્ય, માગણી, વ્યંગ, કટાક્ષ, રૂદન  સમેત ગીતો – પવાડા – ગરબા ગવાય છે, જેમાં પારણું, લહેરિયું, ઝેરિયું સામેલ છે. વિશિષ્ટતા એ છે કે એમાં પુરુષો સ્ત્રીઓનો વેશ પરિધાન અને સાજશણગાર કરે છે. સ્ત્રીઓ એમાં સામેલ થતી નથી.

પરશુરામના સમયથી એના મૂળ શોધવાનો પ્રયાસ અહીં દેખાયો છે. એને યુદ્ધમાં જતાં લશ્કરીઓ સાથે પણ સાંકળીને જોવાય છે કારણ કે એમના ગાયનમાં એ વાત આવે છે. જેમ કે લશ્કર કોનું કહેવાય રે? પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળ્યો નહીં પરંતુ ઘેરૈયા માટે મને જાણ છે ત્યાં સુધી ઘેરૈયા આગળ જ જાય, એક વાર તમારા ઘર પાસેથી પસાર થઈ જાય તો પાછળ ફરીને આવીને નહીં. કારણ એ કે તેઓ યુદ્ધમાં પીછેહઠ ન કરે. તે રીતે ઘેરૈયા મોટાભાગે હાળી હોય. ધણિયામાના વેવાઈઓને ત્યાં ‘ઘેર’ લઈને જાય અને દીકરીની ભાળ કાઢી આવે. ત્યાં વેવાઈએ કેટલું દાપું  આપ્યું અને કેવું સ્વાગત કર્યું તે ઉપરથી પરખ કરે! જો કે મારા માટે આ સંશોધનની બાબત છે. પુસ્તકમાં ગરબાના વિશ્લેષણ દ્વારા વેવાઈને ત્યાં જવાની વાત છે. શેઠની મનોવૃત્તિને આંકવાની વાત પણ છે. પારિવારિક સંબંધની વાત તો ઘૂંટી ઘૂંટીને કહેવાયેલી છે. મનોરથો પૂરા કરવા બાધા રાખવી અને ખાસ કરીને પુત્ર થકી વંશવેલો વધે તે આશા માટે પારણુંથી શરૂઆત થાય. આનંદ અવસર અને લગ્ન જેવા રૂડા પ્રસંગે ઘેર બોલાવવી, નવરાતમાં ગરબા ગાવા, દિવંગતની યાદમાં તાર મારવો અને અંતે દાપુ માંગી ‘ઘેર વધાવવા’ સુધીના પ્રક્રિયાનું વ્યવસ્થિત દાખલાદલીલ સાથે આલેખન કરવાની ચીવટાઈ અહીં નજરે ચડે છે.

વાપીથી તાપી સુધીમાં વસેલા હળપતિઓનાં મૂળ સમેત ઓળખ અહીં આપી છે. દુર્વલ – વટવાળા, વળે નહીં તેવા, અને દુર્બલ એટલે કે દૂબળાં – નિર્બલ એવા બે અર્થ અહીં અભિપ્રેત છે પરંતુ એક બાજુ લશ્કરી મિજાજ અને બીજી બાજુ આજની વાસ્તવિકતાનો મેળ પાડવો થોડું કઠિન છે, પરંતુ બન્ને તર્ક અને વાસ્તવિકતા સાચા છે. આખી વાત સમજવા માટે તો પૂરું પુસ્તક વાંચવું જોઈએ.

મને અહીં એક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે. અસ્તિત્વમાં એક વાર મને અને જશવિકાને વિચાર આવ્યો કે ઘેરૈયા ગરબા લયઢાળનું સ્ત્રી કેન્દ્રિત રૂપાંતર કરવું જોઈએ. મનમાં એવું કે પુરુષો જ કેમ ગાય, અમારાથી પણ ગવાય. તે રીતે ‘પરખ’ જૂથમાં મારાં માતા ઈરાબાએ ઘેરૈયા આશીર્વચન ગીત ગવડાવવાનું શરૂ કરેલું, અને સભ્યબહેનોને એ ખૂબ ગમતું. ઈરાબા પાસે એમાં પણ સમાનતાનું ઉમેરણ કરવા મેં પ્રયાસ તો કરેલો જેમાં આશિક સફળતા મળેલી.

ઘેરૈયા લોકનૃત્ય પ્રકાર અદ્રશ્ય થવાને આરે હતો અને એને જીવતદાન આપવામાં સીએ વિનોદભાઈ દેસાઈ, ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના સંચાલકો સક્રિય થયા અને પરિણામ સામે છે. વયોવૃદ્ધ ગાંધીવાદી ડો. ઈશ્વરચન્દ્ર દેસાઈ અનાવિલ સર્વસંગ્રહ જેવો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ સાકાર કરવા પ્રતિબદ્ધ છે એની હું પણ સહભાગી છું, તેનો મને આનંદ છે કારણ કે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જેમાં સંકુચિતાપણું નથી, પરંતુ ગુણઅવગુણ, લાક્ષણિકતાઓ, સામાજિક – શૈક્ષણિક – સાંસ્કૃિતક ‘ગતિપ્રગતિ, અધોગતિ’  સમજવાનો પ્રયાસ છે.

આ પુસ્તકને આવકારતા આનંદ થાય છે.

Loading

ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્

પંચમ શુક્લ|Poetry|20 November 2018


વેદના પ્રસવ્યા કરે છે અગમ યંત્રવત્
લેખકો ઢસડ્યા કરે છે કલમ યંત્રવત્
ઘા વકરશે કે રુઝાશે નથી જાણ કંઈ,
ચાકરો ચોળ્યા કરે છે મલમ યંત્રવત્
શોષિતો વેઠી રહ્યા છે અકળ યંત્રણા,
શાસકો બજવ્યા કરે છે હુકમ યંત્રવત્
કાટલું પચતું નથીની ફિકર ના રહી,
ઓસડો પચવ્યા કરે છે હજમ યંત્રવત્
કાનુડે લીલા કરીને લીધી અલવિદા,
નર્તકી ભજવ્યા કરે છે પદમ યંત્રવત્
એ રહી મૂંગા, નયન મેળવી નીરખે,
કેટલું બોલ્યા કરે છે સનમ યંત્રવત્
ચક્ર આ ચાલ્યા કરે છે ચરમ યંત્રવત્
ઈતિ થઈ આવ્યા કરે છે અલમ્ યંત્રવત્

17/11/2018

છંદોલયઃ ગાલગા ગાગા લગાગા લગા ગાલગા

યંત્રણા: નિયંત્રણ, પીડા, તકલીફ, વેદના, વ્યાધિ, ગોઠવણ, વ્યવસ્થા, કાર્યવાહકતા.

હજમ: પચી ગયેલું, જરી ગયેલું, ઉચાપત કરેલું

પદમ: A particular type of musical form or composition (sabhaa gaanam), meant for dance, that brings out the relationship of naayaka-naayaki (hero and heroine) as well as tOzhi (close friend) to tell important truths. In Telugu, padams often have Lord Krishna as the naayaka, while Tamil padams often have Lord Subramanya (Murugan) as their naayaka.

ચરમઃ છેલ્લું, ઊંચી કક્ષાએ રહેલું, અંતનું, છેવટનું, અંતિમ, સૌથી મોટું

ઈતિઃ આપત્તિ; સંકટ; આફત દૈવકોપ. છ ઈતિનાં નામ: (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) તીડ, (૪) ઉંદર, (૫) પક્ષીઓની અધિકતા અને (૬) બીજા રાજાની ચડાઈ.

ઈતિ સાત પણ કહેવાય છે: (૧) સ્વચક્રભય, (૨) પરચક્રભય, (૩) અતિવૃષ્ટિ, (૪) અનાવૃષ્ટિ, (૫) ઉંદર, (૬) તીડ, (૭) શુક.

અલમ્: જોઇયે તેટલું, પૂરતું, ફોગટ, નકામું, વ્યર્થ, શક્તિવાળું, સમર્થ

Loading

...102030...3,0493,0503,0513,052...3,0603,0703,080...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved