Opinion Magazine
Number of visits: 9969266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક ‘જ્ઞાન કા દસવા અધ્યાય’ કહે છે, પણ ‘યે રહા આપ કે સામને’ પ્રશ્નોના ‘બિલકુલ સહી’ ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે.

સુમન શાહ|Opinion - Literature|18 November 2018

અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવો થયેલો ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો

આતા માઝી સટકલી? ના.

૧ નવેમ્બર મારો ૮૦-મો જન્મદિવસ હતો. આ વાક્ય મેં ૬ નવેમ્બરે લખેલું. આજે ૧૭ નવેમ્બરે આ લેખ પ્રકાશિત કર્યો છે. હું ૮૦+ છું અને ૧૭ નવેમ્બર પણ ૧૭+ છે. હવે હું જો લખવા માગીશ કે ૮૦+ એટલે કેટલા, ૧૭+ એટલે કેટલા, તો મારાથી નહીં લખી શકાય. કેમ કે ગણતરી દરમ્યાન દરેક પ્લસ પર બીજા પ્લસ ઉમેરાતા ચાલશે ને છેવટે મારાથી હારી જવાશે. સમયને લખાણથી અંકિત કરીએ પણ એ તો ત્યારે ય દોડતો હોય છે. લખનારને હંફાવે, થકવી દે. એટલે, કોઇપણ લખાણ તત્ત્વાર્થમાં અધૂરું હોય છે. લાગે કે લખવું મિથ્યા છે. હા, પણ સાંભળો, આ પળ સુધી લખાણને વિશે અહીં જે કંઈક લખી શકાયું, એ તો સાચું છે !

પણ સાચું એટલે શું? જૂઠની સામેનું તે? તો જૂઠ શું? સાચ-જૂઠને હું તો ચેસનાં પ્યાદાં સમજું છે. ચેસ શરૂ થાય એટલે લડાઇ શરૂ થાય પણ પતે પછી એ જ પ્યાદાં એવી જ ઠાવકાઈથી નવેસર લડવાને ગોઠવાઈ જાય. સાચ અને જૂઠ વચ્ચેની લડાઈ એવી છે. સાચ-જૂઠ જેવું બીજું જોડકું છે, વિચાર-પ્રતિવિચાર, વિચારોનાં જૂથ-પ્રતિજૂથ. ક્યારેક પ્રતિ-જૂથો હુતુતુ રમતાં હોય. આ તરફનો બળિયો વિચાર સામા જૂથના કેટલાયને ટચ કરીને આઉટ કરી દે. પણ એનો ઘૂંટણ છોલાઇ ગયો હોય એટલે એના જૂથવાળા રમવાનું માંડી વાળે. પાટાપિંડીમાં લાગી જાય. વિચારોના ખેલને શબ્દના શીશામાં ઉતારવાનું કામ સહેલું નથી. લખનારને વિચારો પણ હંફાવે છે, થકવે છે.

ત્રીજું જોડકું છે, માહિતી અને જ્ઞાન – ઈન્ફર્મેશન ઍન્ડ નૉલેજ. બન્ને આમનેસામને નથી. તેમ છતાં, માહિતી કોઇ મોટું જ્ઞાન નથી. KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક 'જ્ઞાન કા દસવા અધ્યાય' કહે છે પણ 'યે રહા આપ કે સામને' પ્રશ્નો અને તેના 'બિલકુલ સહી' ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે. 'માહિતીયુગ'-માં જ્ઞાન સપાટી પર આવી ગયું એટલે 'ઈન્ફર્મેશન ઈઝ નૉલેજ' ભલે બોલીએ; બાકી, સ્વીકારીએ કે માહિતી તો જ્ઞાનની માત્ર શરૂઆત છે.

હકીકત અને સત્ય – ફૅક્ટ ઍન્ડ ટ્રુથ – ચૉથું જોડકું છે. ૧-૧૧-૧૯૩૯ મારા જીવનની પહેલી તારીખ હકીકત છે પણ એ અન્યોની પણ જન્મતારીખ છે. એ સર્વસામાન્ય હકીકત છે. એથી ખાસ કશું અનુભવાતું નથી. પણ ૮૦+ એક સ્પન્દન રૂપે મારાથી હર પળે અનુભવાતું સત્ય છે. હકીકતો સમજાય છે. સત્યો અનુભવાય છે. સત્યો મનુષ્યને સ્વસ્થ બનાવે છે. હકીકતો મનુષ્યને તટસ્થ બનાવે છે.

જો કે આજે મને 'તટસ્થતા', સંસ્કૃતમાં 'તાટસ્થ્ય', અંગ્રેજીમાં 'ઈન્ડિફરન્સ' કે હિન્દીમાં 'ઉદાસીનતા' કહેવાતો આ પદાર્થ બહુ સતાવી રહ્યો છે. વાજબી કારણ વિના સમ્બન્ધને છોડી ગયેલાઓની ઉદાસીનતા; ચૉક્કસ ડિફરન્સ વિના મૂંગા થઇ ગયેલાઓનું ઈન્ડિફરન્સ; તટ પર ઊભા રહીને તમાશો જોનારાઓની તટ-સ્થતા; એનાં દૃષ્ટાન્તો છે. તટસ્થ હોવું આમ સારું છે પણ એમાં ને એમાં વિકસ્યા કરવું સારું નથી. વ્યક્તિ ક્રમે ક્રમે જડ થઈ જાય છે. અરે પણ, આજે હું સમય-લેખન, સાચ-જૂઠ, માહિતી-જ્ઞાન, હકીકત-સત્ય બાબતે શી માથાકૂટો લઈ બેઠો છું? આતા માઝી સટકલી લાગે છે. જો કે, જો એમ જણાવી શકાય છે તો એ 'સટકલી' હોય? ના. વાત એટલી છે કે તાટસ્થ્ય સતાવે છે.

જુઓ, નેચર અથવા પ્રકૃતિ આપણાં સુખ-દુ:ખ પ્રત્યે તટસ્થ છે. આકાશ અતિ વિશાળ, પણ ખાલી ! એની આગળ શી આશા રાખવી? અમેરિકામાં, અહીં, પાનખર ચાલે છે – ફૉલ. શીતળ પવનો માઈલોની ઝડપે દોડતા હોય. દુર્નિવાર ઝંઝા. લીલાશનો નાશ થઇ રહ્યો છે. વૃક્ષોના રંગ બદલાઈ રહ્યા છે. કોઇ યલો કોઇ બ્રાઉન કોઇ લવન્ડર કોઇ હળદરિયું કોઇ કંકુવર્ણું કે કોઇ તપખીરિયું થઇ ગયું છે. એકાદ અઠવાડિયામાં એ રંગરંગીન પરિદૃશ્ય વિલાઈ જશે. દરેકનાં બધાં જ પર્ણ-પુષ્પ ખરી જવાનાં. પંખીઓના માળા ઉઘાડા પડી જવાના. વૃક્ષોનાં એ કાળિયાં કંકાલ, બસ, ઊભાં હશે. માણસોનાં દુ:ખ એ ક્યાંથી ફેડવાનાં? મેઘધનુષ જોઈને વર્ડ્ઝવર્થનું હૃદય પ્રસન્નતાથી કૂદવા લાગેલું. પણ કવિનો આભાર માનવા મેઘધનુષ નીચે ઊતરી આવેલું નહીં. આષાઢી મેઘે વિરહી યક્ષના દૂત થવાનું સ્વીકારેલું પણ એ તો કાલિદાસની સર્જકતાનું માન રાખવા. બાકી, વિરહમાં યક્ષ રડી-કકળીને મરી પણ જાય, તો મેઘને શું ! ધરતીકમ્પ અતિવર્ષા પૂર સુનામી વનદવ ચક્રવાત, પ્રકૃતિનાં એ સૌ સન્તાન, સ્વમાં મસ્ત, પણ પૃથ્વીવાસી જીવો માટે અતિ ક્રૂર. જાનહાનિ અને મકાનો-મિલકતોની બરબાદીની એમને કશી પરવા નહીં. નેચર ઈઝ સો ઈન્ડિફરન્ટ.

ડાહ્યાઓ મને કહેવાના – તાટસ્થ્ય વિશે વિચારવાનું બંધ કર ને ! દાર્શનિકો કહેવાના – ચિત્ત કો નિર્વિચાર કરો. જો કે એ આદેશ પણ એક વિચાર છે ! અને, નિર્વિચાર ચિત્તમાં લાગ જોઇને નવા વિચારો અને તેના પ્રતિ-વિચારો તો ઘૂસી જ જવાના ! ત્યારે શું? ત્યારે પણ એ જ સાંભળવા મળશે – ચિત્ત કો નિર્વિચાર કરો. સત્યમ્ વદ – ધર્મમ્ ચર – લવ ધાય નેબર, જેવાં સુવચનો પણ તટસ્થ છે. માણસ સુવચન પ્રમાણેનું વર્તન ન કરે તો સુવચનોને શું ! એ ગૅરન્ટી નથી આપતાં કે માણસ સત્યવાદી કે ધર્માચારી થઇ જ જશે. સત્ય વદવા જતાં અ-સત્ય જાગી ઊઠે, ધર્મ આચરવા જતાં અધર્મ ડા'વાં ભરે, પાડોશીને પ્રેમ કરવા જાઓ, મૉં ફેરવી લે, તો એ દુષ્પરિણામો અંગે સુવચનો કંઇ કરી શકે નહીં. ચિત્તને સદાકાળ નિર્વિચારી નથી કરાતું. સુવચનો ભાષિક હસ્તીઓ છે, બોલાય તો જ પ્રગટે. કહેવા-સાંભળવા માટે વપરાયા કરે – જસ્ટ ટુ પાસ ઑન, ઍન્ડ ઑન …

ગણિત અતિ તટસ્થ વિદ્યા છે. હકીકત વર્ણવે, ૧+૧ = ૨. કોઈ બે જણાંને લાગ્યા કરતું હોય કે એમની વચ્ચે કોઇ ત્રીજું છે; ગણિત એ સ્થિતિને ય વર્ણવી બતાવે. પણ ત્યારે એ વર્ણન પણ એક હકીકત હશે. હકીકતોનું સત્યમાં રૂપાન્તરણ કરવાનું સામર્થ્ય, માત્ર કલા પાસે છે. કલાઓ માણસને સત્ય લગી દોરી જાય. આયોનેસ્કોના એક નાટકમાં, પતિ-પત્નીના વર્તમાન જીવનમાં કોઇ એક ભૂતકાલીન વ્યક્તિ છે. બીજા બેડરૂમમાં કેટલા ય સમયથી શબરૂપે સૂતેલી છે. નાટકમાં એ હકીકત સત્યરૂપે વિકસે છે – શબનો પગ રંગમંચના એક છેડેથી બીજા છેડે થોડી થોડી વારે વિસ્તરતો બતાવાય છે. એ સત્યને પ્રેક્ષકો ધ્યાનથી નીરખતા રહીને રસપૂર્વક અનુભવતા હોય છે.

આ ત્રીજું ચિત્ર આયોનેસ્કોના એ નાટકનું છે. પતિ એની પત્નીને બેડરૂમમાં સૂતેલી વ્યક્તિ વિશે કંઇક કહે છે …

એટલે, કવિ કહે છે, નરસૈંયો કહે છે, એ સાચું છે કે 'સુખ-દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં'. 'ઘટ' એટલે 'શરીર'. ગાઇએ એટલે અનુભવાય કે સુખ-દુ:ખ શરીરની સાથે જ ઘડાયાં છે ને એની સાથે જ રહેવાનાં છે. એ સત્ય ગળે ઊતરે અને એનો સાક્ષાત્કાર થાય. હકીકતો નહીં, સત્યના સાક્ષાત્કારો જ માણસના ભાવજગતને સામર્થ્યવાન બનાવે છે. તાટસ્થ્યને વરેલો બુદ્ધિબળિયો નહીં, હૃદયબળિયો જીવનસમૃદ્ધ છે. અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવા થયેલા ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો. એટલે, 'તાટસ્થ્યો બધાં જાવ પીગળી' – એવું કવિત આજે મારી 'સટકલી' કવે છે …

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખ ક્રમાંક : 220 : તારીખ ૧૭/૧૧/૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2209579732406261

Loading

કલાકારોએ અને વિચારકોએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2018

ઉમાશંકર જોશીએ કહેલો એક પ્રસંગ મેં આ પહેલાં નોંધ્યો હતો. એક વાર જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ની ઉપસ્થિતિમાં દેશભરનાં કેટલાંક ચુનંદા સાહિત્યકારો અને વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં ઉમાશંકર જોશી પણ હતા. વિષય હતો: અમર કહી શકાય એવાં કાલજયી વિદેશી વિચારોને અને સાહિત્યને ભારતીય ભાષાઓમાં લઈ આવવાનો કે જેથી દરેક પ્રદેશની નવી પેઢીને વિચારવા માટે ભાથું મળે. સોક્રેટિસ, પ્લેટો-એરિસ્ટૉટલથી શરૂ કરીને જ્યૉં પૉલ સાર્ત્ર સુધીના વિચારકો અને હોમરથી લઈને કાફકા સુધીના સાહિત્યકારો વિષે તેમાં ચર્ચા થઈ હતી અને અનુવાદ માટેનાં પુસ્તકોની યાદી બનાવી હતી.

પહેલી વાત તો એ કે દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બંને પાસે નવી પેઢીના વૈચારિક ઘડતર માટે સમય હતો, અને તેમનાથી ચડિયાતાં હોય એવાં લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોની વચ્ચે બેસવામાં લઘુતાગ્રંથિ નહોતા ધરાવતા. તેઓ માત્ર બેઠા નહોતા, ચર્ચામાં ભાગ લેતા હતા અને કયું પુસ્તક અનુવાદિત કરાવવું જોઈએ અને કયું ન કરાવવું જોઈએ કે પછી કરાવી શકાય એવા અભિપ્રાય પણ આપતા હતા, એમ ઉમાશંકરે નોંધ્યું છે. ઉમાશંકરે તો એમ પણ નોંધ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે એક જ લેખક કે વિચારકનાં બે પુસ્તકમાંથી કયું પુસ્તક પસંદ કરવું એ વિષે મતભેદ પણ થતા હતા.

બીજી વાત એ કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભારતીય તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં  જગત સમક્ષ પહોંચાડનારા ડૉ. રાધાકૃષ્ણન્‌ તેમ જ બેઠકમાં ઉપસ્થિત વિદ્વાનો એમ કોઈને ય વિદેશી વિચારનો ભય નહોતો લાગ્યો. ભય એને લાગે જેનામાં પોતાનાપણા વિષે આત્મવિશ્વાસ ન હોય.

ત્રીજી વાત એ કે જવાહરલાલ નેહરુ એમ માનતા હતા કે માનવીનો સાંસ્કૃિતક વિકાસ આપ-લે દ્વારા થતો હોય છે અને એના દ્વારા પ્રત્યેક સંસ્કૃિત વધુ સમૃદ્ધ બનતી હોય છે. છોડને પણ આકાશની જરૂર પડે છે તો આપણે તો માનવી છીએ. જગતની સમૃદ્ધ સંસ્કૃિતઓ પર નજર કરી જુઓ. જ્યાં આપ-લે વધુ હતી ત્યાં સભ્યતાઓ વિકસી છે, સમૃદ્ધ થઈ છે અને ટકી છે.

પણ આ બધી વાતો એને માટે છે જેઓ આત્મવિશ્વાસ ધરાવે છે. આ લઘુતાગ્રંથિ ધરાવનારા નાના માણસોનો યુગ છે. સ્વતંત્ર વિચાર ધરાવનારા મેધાવી માણસોથી શાસકો દૂર ભાગે છે. ‘તમે વધુ જાણો છો અને હું ઓછુ જાણું છું, પરંતુ દેશના વિકાસ માટે તમારી સેવાની જરૂર છે’, એટલું સ્વીકારવા જેટલી નમ્રતા આજના શાસકો ધરાવતા નથી. તેમની લઘુતાગ્રંથિ અભિમાનના સ્વરૂપમાં પ્રગટ થાય છે.

પખવાડિયા પહેલાં તેમણે દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ એન્ડ લાયબ્રેરીમાંથી વિખ્યાત સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતાને દૂર કર્યા અને તેમની જગ્યાએ અર્નબ ગોસ્વામી નામના પોપટને બેસાડવામાં આવ્યા. પખવાડિયા પહેલાં વિખ્યાત ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાને ગુજરાતમાં ભણાવવા દેવામાં નહીં આવે, એવો ફતવો કાઢવામાં આવ્યો. ફતવાઓ મૌલવીઓ કાઢે છે, અને શિખાધારીઓ નથી કાઢતાં એવું થોડું છે? જ્યાં સુધી મુસલમાનો મૌલવીઓને સાંભળતા નહોતા અને દરેક ક્ષેત્રમાં તેમને ઘોંચપરોણો કરવા નહોતા દેતા, ત્યાં સુધી મૌલવીઓ ભાગ્યે જ ફતવાઓ કાઢતા હતા અને કાઢતા હતા તો માત્ર ધર્મને લગતા. જ્યારથી મુસલમાનોએ કોમી માનસ વિકસાવીને મૌલવીઓને સાંભળવાનું શરૂ કર્યું ત્યારથી મૌલવીઓની દરેક પ્રશ્ને માથું મારવાની અને ફતવા જારી કરવાની હિંમત વધી ગઈ. અત્યારે હિન્દુઓ મૂર્ખાઓને સાંભળતા થયા છે એટલે વિચારોની નાકાબંધી કરવા જેટલી હિંમત શીખાધારીઓએ મેળવી લીધી છે.

હવે સાહેબોની સંમતિ અને સહાય સાથે કામ કરતા ટ્રોલસૈન્યે કર્ણાટકી સંગીતના મોટી હેડીના ગાયક ટી.એમ. કૃષ્ણાને ટાર્ગેટ કર્યા છે. તેઓ બીજા કલાકારો સાથે દિલ્હીમાં નેહરુ પાર્કમાં ૧૯મી તારીખે ગાવાના હતા. કાર્યક્રમનું આયોજન જાણીતા કલામંચ સ્પીક મૅકૅએ કર્યું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભાગીદાર સંસ્થા હતી. કાર્યક્રમની જાણ થતાંની સાથે જ ટ્રોલસૈન્યે દબાણ લાવવાનું શરૂ કર્યું કે ટી.એમ. કૃષ્ણાને દિલ્હી ગાવા માટે નહીં બોલાવવા જોઈએ. કારણ? કારણ કે તેઓ નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે અને એટલે દેખીતી રીતે તેઓ દેશદ્રોહી છે. જે નરેન્દ્ર મોદીનાં વખાણ કરે એ દેશપ્રેમી અને વિરોધ કરે એ દેશદ્રોહી.

હવે ભાઈ વિરોધ તો થવાનો જ. આ દેશમાં જેટલા લોકો બુદ્ધિશાળી છે અને પોતાના દેશની પરંપરાને, સંસ્કૃિતને, માનવીય મૂલ્યોને જાણે છે એ બધા જ લોકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ નથી કરતા એ ડરના માર્યા ચૂપ છે, પણ પ્રસંશા તો નથી જ કરતા. વાહ વાહ કરવા માટે જેટલી બુદ્ધિદરિદ્રતા જોઈએ કે સ્વમાનહીનતા જોઈએ એ અમારામાં નથી. મને ખાતરી છે કે ૯૯ ટકા ભક્તોએ ટી.એમ. કૃષ્ણાનું નામ નહીં સાંભળ્યું હોય, ત્યાં તેમના સંગીતને સાંભળ્યું હોય એ તો દૂરની વાત છે. 

ટી.એમ. કૃષ્ણા અવ્વલ દરજ્જાના ગાયક છે અને અત્યંત નમ્ર માણસ છે. માણસ એટલે ખરા અર્થમાં માણસ. નાના શહેરમાંથી કે સામાજિક-આર્થિક રીતે નીચલા વર્ગમાંથી આવતા સંગીતકારોને ખાસ પ્રોત્સાહન આપનારા. ‘ભાલો ભાલો’ કહીને સાથી કલાકારોને પ્રોત્સાહન આપે. સંગીત પર ઉચ્ચભ્રુ વર્ગની ઈજારાશાહી તોડવા માટે તેઓ સાંસ્કૃિતક આંદોલન કરી રહ્યા છે અને તેની કદરરૂપે તેમને બે વરસ પહેલાં મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વડા પ્રધાન જેમને ફૉલો કરી રહ્યા છે, એ અભણ ટ્રોલને તો આ બધી વાતની જાણ પણ નહીં હોય. ગેરન્ટી.

courtesy : Keshav in "The Hindu", 16 November 2018

રામચન્દ્ર ગુહાએ ટી.એમ. કૃષ્ણા વિશેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક જગ્યાએ કાર્યક્રમ પૂરો થયો એ પછી કેટલાક લોકો ટી.એમ. કૃષ્ણાને મળવા આવ્યા. તેમણે ફરિયાદ કરી કે તમે ફલાણી ફલાણી જગ્યાએ ગાવાનું આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ અમારી સંસ્થામાં ગાવાનું આમંત્રણ આપ્યું તો તમે ઠુકરાવી દીધું. ટી.એમ. કૃષ્ણાએ કહ્યું કે ‘એક વાર હું આમંત્રણ સ્વીકારીને ગાવા આવ્યો હતો. મેં ગાઈ લીધું એ પછી આયોજકે એક રાજકારણીને બોલવા માટે કહ્યું હતું અને તે વીસ મિનિટ સુધી રાજકારણ વિષે બોલ્યો હતો. રાજકારણીને પહેલાં બોલવા કહ્યું હોત તો મને વાંધો નહોતો, પરંતુ સંગીત સાંભળેલા ભાવકના ભાવવિશ્વ પર વિષયાંતર કરીને કોઈ પાણી ઢોળે એ કેમ ચાલે. સભાગૃહમાંથી બહાર નીકળતી વખતે ભાવક કૃતિને દિલમાં અને મનમાં ભરીને સાથે લઈ જતો હોય છે; પછી એ સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે ફિલ્મ હોય.’

પેલા આયોજકોને આ ખુલાસો ગળે ઉતર્યો નહોતો. તેમણે દલીલ કરી હતી કે ‘અમારી ગાયન સભા સો વરસ જૂની છે એ ન ભૂલવું જોઈએ.’ ટી.એમ. કૃષ્ણાએ લાગલું કહ્યું હતું કે ‘મારું સંગીત છસો વરસ જૂનું છે.’

હવે બોલો, આવા ખુદ્દાર અને તેજસ્વી માણસો જયજયકાર ઓછા કરે? એ ગમાર અને કઢીચટ્ટાઓનું કામ છે. એટલે જ તેમણે કહ્યું છે કે ૧૯મી તારીખે દિલ્હીમાં મને ગમે ત્યાં સ્ટેજ આપો હું ધરાર ગાઈશ. જોઈએ સંસ્કાર અને સંસ્કૃિતના દુશ્મનો શું કરે છે? હવે એમ લાગે છે કે કલાકારોએ, વિચારકોએ, વક્તાઓએ આમંત્રણ સ્વીકારતાં પહેલાં આયોજકોને પૂછી લેવું જોઈએ કે તમે આપણા મહાન દેશના મહાન વડા પ્રધાન જેમને ફોલો કરે છે એવા ટ્રોલ્સનો મુકાબલો કરવા જેટલી કરોડરજ્જુ ધરાવો છો? જો ધરાવતા હોય તો જ બોલાવજો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 નવેમ્બર 2018

Loading

પળ-અકળ

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|17 November 2018

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
 
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય ..
રોજ રોજ પાનાં તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી ..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં …. ….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર ..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તો ય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ………..  જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાં ય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી ..
આખરી પળ પણ એવી અકળ અહીં …………………… પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ..

હ્યુસ્ટન, નવેમ્બર ૧૬, ૨૦૧૮

e.mail : ddhruva1948@yahoo.com

http://devikadhruva.wordpress.com

Loading

...102030...3,0513,0523,0533,054...3,0603,0703,080...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved