Opinion Magazine
Number of visits: 9580380
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ અભડાતો ન હોય તો ભગવાન શાના અભડાય?

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|12 August 2018

દક્ષિણ ભારતનાં બે વિખ્યાત મંદિરો – કેરળનું સબરીમાલા અને આંધ્રનું તિરુપતિ અંગે અલગ અલગ કારણસર ઉગ્ર ચર્ચાબાજી ચાલી રહી છે. સબરીમાલાના મંદિરમાં આઠથી પંચાવન વરસની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સ્ત્રીઓ કદાચ માસિક ધર્મમાં હોય તો ભગવાન અભડાઇ જાય, તેવી અદમ્ય અને ઉત્કટ શ્રદ્ધા શ્રદ્ધાળુઓ ધરાવે છે.

પુખ્ત વયે પહોંચવા આવેલી સ્ત્રીઓ પોતાની આધેડ ઉંમરે પહોંચે ત્યાં સુધી દર મહિને રજસ્વલા થાય છે અને આ ચાર-પાંચ દિવસમાં સ્ત્રીઓને અસ્પૃશ્ય ગણવાનો રિવાજ અગણિત હિન્દુ કુટુંબો સદીઓથી પાળતા આવ્યા છે.

પણ જમાનો બદલાયો છે અને જુનવાણી માન્યતાઓ અને રૂઢિઓને તિલાંજલિ આપવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે. માનવજીવનની સ્વાભાવિક જીવન પ્રક્રિયામાં આભડછેટ પાળવા જેવું કશું નથી અને સંખ્યાબંધ યુવાન સ્ત્રીઓ નોકરી-ધંધા માટે બહાર જાય ત્યારે આવી કોઇ મર્યાદા પાળવાનું શક્ય નથી. માણસ અભડાતો ન હોય તો ભગવાન વળી શાના અભડાય? સબરીમાલા મંદિરમાં અપનાવવામાં આવેલી પ્રવેશબંધી સ્ત્રીઓ માટે અપમાનજનક છે અને શ્રદ્ધાળુ સ્ત્રીઓએ આ દિવસોમાં ભગવાનનાં દર્શનથી વંચિત રહેવું પડે તે તેમના માટે અગવડરૂપ પણ છે.

આ પ્રવેશબંધી ગેર બંધારણીય છે અને સ્ત્રીઓ-પુરુષો વચ્ચેની સમાનતાનો અનાદર કરે છે તેવા કારણસર સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી સાર્વજનિક હિતની અરજીના ચુકાદાની રાહ જોવાઇ રહી છે પણ અદાલતનું વલણ સ્પષ્ટ થયું હોવાથી અદાલત પ્રવેશબંધી નામંજૂર કરશે તેવી આશા સેવાઇ રહી છે.

તિરુપતિના મંદિરમાં શ્રદ્ધાનો ઝઘડો નથી પણ પૂજારીઓ અને સંચાલકોનો નાણાલોભ ઉગ્રતાની સરટોચે પહોંચ્યો છે. તિરુપતિના વેંકટેશ્વર ભગવાન એક હજાર કિલો ગ્રામ સોનાનાં વસ્ત્રાભૂષણોથી સજ્જ હોય છે અને દરરોજ લગભગ સાઠ-સિત્તેર હજાર દર્શનાર્થીઓએ ધરેલી ભેટસોગાદમાંથી મંદિરને વાર્ષિક 300 કરોડની આવક થાય છે. તિરુપતિ દેવસ્થાનના સંચાલકો, આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સમેતના અનેક રાજકીય આગેવાનો અને બે મહિના અગાઉ હાંકી કાડવામાં આવેલા મુખ્ય પુરોહિત રામન્નાઆમચામા ભ્રષ્ટાચાર અને ચોરીચપાટીના આક્ષેપો કરી રહ્યા છે. રામન્નાએ ચંદ્રબાબુ નાયડુ પર કરોડોની કિંમતના હીરા ઝવેરાત ઉચાપત કરવાનો આક્ષેપ મૂક્યો છે અને મંદિરમાંથી ગાયબ થયેલા 300 જેટલા સોનાના વજનદાર સિક્કાઓ અંગે પૂજારીઓ સામે આંગળી ચીંધવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટેના આસ્થાસ્થાન મંદિરો પૂજારીઓ અને સંચાલકો માટે નાણાં, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા અને ગજાવવાનાં કેન્દ્રો બન્યાં છે. આ મંદિરોમાં દર વરસે ઠલવાતી અને વરસોથી એકઠી થયેલી સંપત્તિ ભલભલાને લલચાવે છે અને ભગવાનને એક બાજુ હડસેલીને સામસામી રસીખેંચ શરૂ થાય છે. આ મંદિરોમાં પડેલા સોના અને ઝવેરાત જથ્થાનો આમજનતાના કલ્યાણ માટે વિનિયોગ કરવો જોઇએ તે આજના જમાનાની તાતી જરૂરિયાત છે. આ ધનરાશિ કેટલી છે તેનો પાકો અંદાજ મળતો નથી પણ એક અંદાજ એવો મૂકવામાં આવે છે કે મંદિરોની બધી સંપત્તિ વાપરવામાં આવે તો ભારત પરનું દેશી-પરદેશી બધું દેવું ચુકવાઇ જાય અને છતાં આ ધનભંડાર ખાલી થવાનો નથી. પણ ભારતની કોઇ સરકાર આ કામ કરી શકે તેમ નથી.

નવાઇની વાત એ છે કે મંદિરો અને મૂર્તિપૂજા હિન્દુ ધર્મમાં મૂળ ગ્રંથોમાં નથી. વેદના સંહિતા ગ્રંથોમાં અનેક દેવદેવીઓનાં નામ છે પણ તેમની મૂર્તિ કે મંદિરો નથી અને તેમની અર્ચના માટે જાતજાતના યજ્ઞોની વિગતો આપવામાં આવી છે. હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજા અને મંદિરો ક્યાંથી અને ક્યારે આવ્યાં તે ભારતના પ્રાચીન ઇતિહાસનો કોયડો છે. એક મત એવો છે કે આ બંને બૌદ્ધ ધર્મની દેણગી છે. એક વાત નક્કર છે કે ભારતનાં તમામ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓ બૌદ્ધ ધર્મનાં છે. હિન્દુ મંદિરો ત્યાર પછી શરૂ થયાં છે. બુદ્ધ દેવ-ભગવાનમાં માનતા નથી અને કોઇ પૂજા-અર્ચનાનો ઉપદેશ તેમણે કદી આપ્યો નથી. આત્મબ્રહ્મ કે આધ્યાત્મની બાબતની ચર્ચા બુદ્ધે કરી નથી. ઇશ્વરમાં ન માનવાવાળા બુદ્ધ અને મહાવીર બંને ભગવાન તરીકે પૂજાય છે તે ઇતિહાસની વિચિત્ર ઘટના છે.

બુદ્ધની સૌથી જૂની ખંડિત મૂર્તિ ગાંધાર પ્રદેશમાંથી મળી છે. આ પ્રદેશ લાંબા સમય સુધી ગ્રીક શાસકોના આધિપત્ય નીચે હતો. બૌદ્ધોએ ગ્રીક લોકોનું અને હિન્દુઓએ બૌદ્ધોનું અનુકરણ કર્યું. હિન્દુ મંદિરોમાં આજે જે રીતે પૂજા થાય છે તે બૌદ્ધોની વિધિઓને ઘણી રીતે મળતી આવે છે. કોણે કોનું અનુકરણ કર્યું હશે તેનો નક્કી તાળો મેળવવો મુશ્કેલ છે.

પણ બાૈદ્ધોમાં મૂર્તિપૂજા શરૂ થઇ અને મૂર્તિ હોય ત્યાં વહેલા મોડે મંદિરો બાંધવા જ પડે અને પછી ભગવાનના શણગાર શરૂ થતા હોય છે. ઇસ્લામમાં મૂર્તિપૂજાનો સખત નિષેધ છે એટલું જ નહીં પણ મૂર્તિઓ અલ્લાહનું અપમાન હોવાથી તેને તોડીફોડી નાખવી જોઇએ તેવું મુસલામાનો દૃઢપણે માને છે. સોમનાથનું મંદિર અને શિવલિંગ તોડી નાખનાર મહમ્મદ ગઝનીએ પોતે બુતપરસ્ત (મૂર્તિપૂજક) નથી પણ બુત-શીકન (મૂર્તિભંજક) છે તેવું ગાૈરવભેર કહ્યાનું નોંધાયું છે.

e.mail : nagingujarat@gmail.com

લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 12 અૉગસ્ટ 2018

Loading


મોબ લિન્ચિંગના જમાનામાં ‘કાબુલીવાલા’ની પ્રસ્તુતતા

વિશાલ શાહ|Opinion - Opinion|11 August 2018

રહેમત કાબુલી માટે પણ તે સાવ નિશ્ચિંત ન હતી. એટલે તે મને કાબુલી તરફ ખાસ નજર રાખવાનો આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢું, તો તે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી.

કદીયે શું કોઈના છોકરા ચોરાયા નથી?, શું કાબુલમાં ગુલામોનો વેપાર નથી ચાલતો?, આવડા મોટા કાબુલી માટે નાનકડી છોકરીને ઉપાડી જવી એ સાવ અશક્ય છે?

છેવટે મારે પણ કબૂલ કરવું પડ્યું કે, એવું બિલકુલ અશક્ય તો નથી પણ આ વાત મારા માન્યામાં નથી આવતી. જો કે, મારા શબ્દોની તેના પર કોઈ અસર નહોતી થતી. કાબુલીને લઈને તેનો ભય યથાવત્ રહેતો, પરંતુ મારી પત્નીને લઈને હું કાબુલીને વગર વાંકે ઘરે આવવાની મનાઈ ના ફરમાવી શક્યો અને તેઓ વચ્ચેની આત્મીયતાને રોકી ના શકાઈ.

આ લખાણ રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી વાર્તા 'કાબુલીવાલા'માંથી લેવામાં આવ્યું છે. 'કાબુલીવાલા' વાર્તા એક નવલકથાકારના મોંઢે કહેવાઈ છે, જેને ટાગોરે નામ નથી આપ્યું. ઉપરોક્ત લખાણમાં એ નવલકથાકાર તેની પત્નીની વાત કરે છે. તેની પત્ની રહેમત કાબુલીને લઈને ખૂબ જ શંકાશીલ હોય છે કારણ કે, અફઘાનિસ્તાનથી આવતા કાબુલીઓ છોકરાઓને ઉપાડી જાય એવી તેને શંકા છે. જો કે, પત્નીની ટકટક પછી પણ નવલકથાકાર તેને ઘરે આવતા રોકી નથી શકતો, અને, છેવટે રહેમત કાબુલી અને નવલકથાકારની પાંચ વર્ષની દીકરી મિની વચ્ચે ગાઢ આત્મીયતા બંધાઈ જાય છે.

સોશિયલ મીડિયાની બદોલત બાળકોને ચોરી જવાની અફવાઓનું બજાર ગરમ છે અને ટોળાં હત્યા કરી રહ્યાં છે ત્યારે ફરી એકવાર 'કાબુલીવાલા' વાંચતી વખતે અત્યારનો માહોલ પડઘાય છે. આ વાર્તાના નામ પરથી જ ખ્યાલ આવે છે કે, તેનું મુખ્ય પાત્ર 'કાબુલીવાલા' છે. કાબુલીવાલા ઉર્ફે રહેમત કાબુલી. કાબુલીવાલા દર વર્ષે કાબુલથી સૂકામેવા લઈને કોલકાતા વેચવા આવતો. એટલે તેના નામ પાછળ કાબુલીવાલાનું લટકણિયું લાગી ગયું હતું. તે મોટો વેપારી ન હતો, પરંતુ છૂટક સૂકોમેવો વેચીને ગુજરાન ચલાવતો. કાબુલી લોકોને ઉધાર માલ પણ આપતો અને વતન જતી વખતે ઉઘરાણી કરી લેતો.

નવલકથાકારના ઉચ્ચ મધ્યમવર્ગીય બંગાળી પરિવાર સાથે કાબુલીનો પરિચય પણ આ જ રીતે થયો હતો. નવલકથાકારનું ઘર પણ રસ્તા પર હતું. તેઓ ત્યાં બેસીને જ લખતા. કાબુલી નવલકથાકારના ઘર નજીકથી જાય ત્યારે મિનીને અચૂક યાદ કરે. મિની ખૂબ જ બોલબોલ કરતી બાળકી હતી, જે એકાગ્રચિત્તે નવલકથા લખતા લેખક પિતાને જાતભાતના સવાલો પૂછીને પરેશાન કરતી, અને, એવું જ વર્તન કાબુલી સાથે પણ કરતી. નવલકથાકાર અને કાબુલીની ઉંમર લગભગ સરખી હતી. આ વાર્તામાં ટાગોરે નવલકથાકાર અને મિની(પિતા-પુત્રી)ના કાબુલી સાથેના સંબંધને આબાદ રીતે ઉપસાવ્યો છે. એવી જ રીતે, ટાગોરે કાબુલીનું વર્ણન પણ વાચક સામે દૃશ્ય ખડું થઈ જાય એ રીતે કર્યું છે. જુઓ, ટાગોરના જ શબ્દોમાં.

મિની ઓચિંતી અગડમ બગડમ રમવાનું છોડીને બારી પાસે દોડી અને જોરથી બૂમો મારવા લાગી. કાબુલીવાલા, એ ઈ કાબુલીવાલા.

મેલાં ઢીલાં કપડાં પહેર્યાં છે, માથે પાઘડી છે, ખભા પર ઝોળી છે અને હાથમાં બે ચાર સૂકામેવાની પેટીઓ છે. એવો એક ઊંચો કાબુલી ધીમે પગલે રસ્તા પરથી જતો હતો. તેને જોઈને મારી દીકરી કેટલી ખુશખુશાલ થઈ ગઈ એ કહેવું અઘરું છે. તેણે શ્વાસભેર બોલવાનું શરૂ કર્યું. મને થયું કે, હમણાં જ મારા પર આફત આવી સમજો અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે.

જો કે, મિનીની બૂમો સાંભળીને કાબુલીએ હસીને મારા ઘર તરફ મોં ફેરવ્યું અને એ તરફ આવવા લાગ્યો. ત્યાં તો મિની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડીને ક્યાંક સંતાઈ ગઈ. તેના મનમાં એવું હતું કે, કાબુલીવાલાની ઝોળીની અંદર મિની જેવી બીજી બે-ચાર છોકરીઓ પૂરેલી છે …

આ વર્ણનમાં ટાગોરે કહી દીધું છે કે, કાબુલીનો પહેરવેશ અને દેખાવ બંગાળીઓથી અલગ છે. મિનીની માન્યતા છે કે, તેની ઝોળીમાં બીજી બે-ચાર બાળકી છે. આ વાત હળવાશથી કહેવાઈ છે પણ મિનીના મગજમાં આવો ખ્યાલ આવ્યો ક્યાંથી? એ વિશે ટાગોરે કોઈ ફોડ પાડ્યો નથી. નવલકથાકારની શંકાશીલ પત્નીએ જ કદાચ મિનીને આવું કહ્યું હતું કારણ કે, તે નહોતી ઈચ્છતી કે મિની કાબુલી સાથે વાતો કરે. જો કે, કાબુલીવાલાનો નવલકથાકાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવતો સમજદાર પુરુષ છે. તેને કાબુલી અને મિનીના સંબંધને લઈને કોઈ તકલીફ નથી. આ રીતે ટાગોરે કલમના જોરે માનવતામાં આશા જીવંત રાખી છે.

તપન સિંહાએ બનાવેલી બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’નું દૃશ્ય

ટાગોર લખે છે કે: દર વર્ષે જાન્યુઆરી અડધો પૂરો થાય કે તરત જ રહેમત કાબુલી વતન જતો રહેતો. આ દરમિયાન તે ઉધાર માલનું લેણું વસૂલવામાં ખાસ્સો વ્યસ્ત રહેતો. એ માટે તેને ઘરે ઘરે ફરવું પડતું. આમ છતાં, તે એકાદવાર તો મિનીને મળવા આવી જ પહોંચતો. એ જોઈને એમ લાગે કે, એ બંને વચ્ચે કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે. કોઈ વાર કાબુલી સવારે આવી ન શકે, તો સાંજે આવતો. અંધારિયા ઓરડામાંથી એ ખુલ્લા-પહોળા પાયજામા અને ઝોળીવાળા એ કદાવર માણસને જોઈને મનમાં કંઈક આશંકા પેદા થતી, પરંતુ મિનીને 'કાબુલીવાલા, એ…ઈ કાબુલીવાલા …' કહીને હસતી દોડતી જતી જોઉં ત્યારે એ જુદી જુદી ઉંમરના મિત્રો વચ્ચે હસીમજાક ચાલુ થાય ત્યારે મારું મન પ્રફૂલ્લિત થઇ જતું.

કાબુલી અફઘાનિસ્તાનનો પશ્તુન હતો. ઊંચો અને કદાવર હતો, પરંતુ મિનીને મળે ત્યારે બાળક સાથે બાળક જેવો નિર્દોષ બનીને મજાકમસ્તી કરતો. ત્યાર પછી વાર્તામાં ટાગોર કાબુલી માટે થોડા ક્રૂર થયા છે. થયું એવું કે, કોઈ વ્યક્તિએ કાબુલી પાસેથી રામપુરી શાલ લીધી હતી, પરંતુ તેણે જૂઠ્ઠું બોલીને પૈસા આપવાનો ઈનકાર કર્યો. આ બાબતે ઉગ્ર ઝગડો થતા કાબુલીએ તેને છરો ભોંકી દીધો. કાબુલીના હાથે હત્યા થઈ ગઈ. આ દરમિયાન પોલીસ કાબુલીને લઈને જઈ રહી હતી ત્યારે પણ મિની આવીને બૂમો મારે છે, 'કાબુલીવાલા, એ…ઈ કાબુલીવાલા …'  અને મિનીને જોતા જ કાબુલી ખુશ થઈ જાય છે. જેલ જતો હોય છે તો પણ!

કાબુલી વારંવાર મિનીને કહેતો હોય છે કે, તું સાસરે ના જતી. મિનીને ખબર નહોતી કે, સાસરું એટલે શું, પરંતુ તે કાબુલીને સામો સવાલ કરતી કે, તમે સાસરે જવાના છો? પોલીસ કાબુલીને લઈને જતી હતી ત્યારે પણ મિનીએ આ જ સવાલ કર્યો અને કાબુલીએ જવાબ આપ્યો કે, 'ત્યાં જ જઉં છું …' આ વાત કરીને ટાગોરે કાબુલીની બેફિકરાઈ દર્શાવી છે. રહેમત કાબુલીને ખૂન કેસમાં આઠેક વર્ષની જેલ થઈ. નવલકથાકાર પણ કાબુલીને ભૂલી ગયો અને મિની પણ મોટી થઈ ગઈ. મિનીની બહેનપણીઓની સંખ્યા વધતી ગઈ. નવલકથાકાર અને તેની પુત્રી વચ્ચે અંતર વધી ગયું છે, પરંતુ મિની લગ્ન કરીને સાસરે જશે એ વાતથી જ પિતા દુ:ખી છે.

આ વાત પણ ટાગોરે મજબૂત રીતે રજૂ કરી છે, વાંચો : … ત્યાં તો મારા ઘર આગળ શરણાઈ વાગવી શરૂ થઈ ગઈ હતી. તેનો અવાજ જાણે મારી છાતીના હાડપિંજરમાંથી ધબકીને બહાર નીકળતો, અને, ભૈરવીના કરુણ સૂરમાં નજીક આવી રહેલી વિયોગની વ્યથાને શરદના તડકાની સાથે આખી પૃથ્વી પર ફેલાવી દેતો હતો. આજે મારી મિનીના લગ્ન હતા. સવારથી ઘરમાં ભારે ધમાલ હતી. માણસોનું આવનજાવન ચાલુ હતું. આંગણામાં વાંસ નાંખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના તમામ ઓરડા અને પરસાળમાં તોરણો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ-દોડધામનો પાર ન હતો …

બિમલરોયે બનાવેલી ‘કાબુલીવાલા’નું પોસ્ટર, જેમાં કાબુલીની ભૂમિકા બલરાજ સહાનીએ ભજવી હતી

આમ, નવલકથાકારના ઘરમાં લગ્નપ્રસંગનો માહોલ બરાબર જામ્યો હતો ત્યાં જ રહેમત કાબુલી જેલમાંથી છૂટીને મિનીને મળવા આવી પહોંચ્યો. મિનીના પિતા શુભ દિવસે એક 'ખૂની'ને ઘરમાં જોઈને થોડા હલબલી ગયા અને તેને પાછા જવાનું કહ્યું, પરંતુ કાબુલીએ ડરતા ડરતા પૂછી લીધું કે, 'મિનીને જરા મળી શકાશે ખરું?' કાબુલીને અંદાજ ન હતો કે, મિની હવે બાળકી નથી. એ સાસરે જઈ રહી છે. તેને હતું કે, હમણાં જ મિની 'કાબુલીવાલા, એ…ઈ કાબુલીવાલા …' એવી બૂમો મારતી આવશે. જો કે, નવલકથાકાર કાબુલીને ભારપૂર્વક કહી દે છે કે, ઘરમાં ધમાલ હોવાથી મિનીને મળી નહીં શકાય. એ પછી કાબુલી સ્તબ્ધ થઈને થોડી વાર ઊભો રહી ગયો. સલામ, કહીને ભગ્ન હૃદયે પાછો વળી ગયો અને ફરી પાછા વળીને કહ્યું: આ અંગૂર-કિસમિસ અને બદામ મિની મારી કિકી માટે લાવ્યો છું. એને આપવાની કૃપા કરજો.

નવલકથાકારે એ લઈ લીધું અને પૈસા આપવા હાથ લંબાવ્યો ત્યારે તેણે એ પૈસા ના લીધા અને કહ્યું કે, 'મારે પણ દેશમાં આવી જ એક દીકરી છે. એનું મોં યાદ કરીને હું તમારી કિકી માટે જરાતરા સૂકોમેવો લઈ આવું છું. હું કંઈ વેપાર કરવા નથી આવતો.' આટલું બોલીને તેણે પહોળા અંગરખામાં છાતી પાસે રાખેલો એક ચોળાયેલો કાગળ કાઢીને નવલકથાકારને બતાવ્યો. કાગળ પર ફક્ત એક નાનકડા હાથની છાપ હતી. એ તેણે હાથ પર કાજળ લગાવીને લીધી હતી. દીકરીનું સ્મરણ આ રીતે છાતીસરસું રાખીને તે કોલકાતાના રસ્તાઓ પર સૂકોમેવો વેચવા આવતો. એ કાગળ જોઈને નવલકથાકારની આંખ ઊભરાઈ ગઈ. નવલકથાકાર ભૂલી ગયો કે કાબુલી મેવાવાળો છે અને તે બંગાળના ઉચ્ચ વંશનો સંસ્કારી પુરુષ છે. નવલકથાકારને અહેસાસ થયો કે, કાબુલી પણ તેના જેવો જ એક પિતા છે.

નવલકથાકારે તુરંત જ મિનીને અંદરના ઓરડામાંથી બોલાવી. કુટુંબની બીજી સ્ત્રીઓએ વિરોધ કર્યો પણ નવલકથાકારે તેને ધરાર બોલાવી. લાલ-રેશમી સાડીમાં સજ્જ મિની કપાળમાં ચંદન સાથે બહાર આવી. વધૂના વેશમાં તે શરમાતી સંકોચાતી આવીને ઊભી રહી અને કાબુલી તેને જોઈને ચોંકી ગયો. એ બંને વચ્ચે પહેલાંની જેમ નિર્દોષ વાર્તાલાપ જામ્યો નહીં. તેણે મિનીને પૂછી લીધું કે, તું સાસરે ચાલી? મિની પહેલાંની જેમ જવાબો આપી ના શકી. રહેમત કાબુલીનો સવાલ સાંભળીને શરમાઈને બસ ઊભી રહી.

મિનીના ગયા પછી કાબુલીને પણ ભાન થયું કે, કાબુલમાં તેની પુત્રી પણ સાસરે જવા લાયક થઈ ગઈ હશે. તે જમીન પર બેસી ગયો. આઠ વર્ષમાં તે પણ મોટી થઈ ગઈ હશે અને હવે કાબુલ જઈને તેની સાથે નવેસરથી ઓળખાણ કરવી પડશે. એ કોલકાતાની કોઈ ગલીમાં જઈને બેઠો એ પહેલાં નવલકથાકારે તેને પૈસાની એક મોટી નોટ હાથમાં પકડાવી દીધી અને કહ્યું કે, રહેમત તું પણ દેશમાં તારી છોકરી પાસે પહોંચી જા. તમે બાપ-બેટી સુખેથી મળો તો મિનીનું કલ્યાણ થશે.

લગ્ન માટે બચાવેલા રૂપિયા કાબુલીને આપી દેવાથી નવલકથાકાર લગ્નમાં વીજળીનો ભપકો અને બેન્ડનો ખર્ચ કરી ના શક્યા. કેટલીક સ્ત્રીઓએ બબડાટ પણ કર્યો, પરંતુ છેલ્લી લીટીમાં ટાગોર પેલા નવલકથાકારના મોંઢે કહે છે કે: … પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઉઠ્યો.

***

'કાબુલીવાલા' આશરે સવાસો વર્ષ પહેલાં, ૧૮૯૭માં, પ્રસિદ્ધ થઈ હતી. આ વાર્તા વાંચતી વખતે માલુમ પડે છે કે, એ વખતે કાબુલીઓ ગુલામીના વેપારમાં સંડોવાયેલા હશે! એક સરેરાશ બંગાળી તેમના પહેરવેશ, ખાન-પાન અને દેખાવના કારણે તેમને જુદી રીતે જોતો, પરંતુ ટાગોરે તેમની વાર્તામાં કાબુલીને 'ખૂની' દર્શાવીને ગુનેગાર નથી દર્શાવ્યો. આ ટાગોરના શબ્દોની તાકાત છે. ગુનાખોરી અટકાવવાનું કામ કાયદાનું છે અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસ જીવંત રાખવાનું કામ સાહિત્યનું. ટાગોરે આ કામ બખૂબી કરી બતાવ્યું છે.

'કાબુલીવાલા'નો ગુજરાતી સહિત અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં આ વાર્તા રમણલાલ સોની અને મહાદેવ દેસાઈ જેવા બે ધુરંધર સહિત અનેક લોકોએ અનુવાદ કરી છે. 'કાબુલીવાલા' પરથી આ જ નામે ૧૯૫૭માં બંગાળી અને ૧૯૬૧માં હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે, પરંતુ ટાગોરની વાર્તામાંથી પસાર થવાનો અનુભવ કંઈક ઓર જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/08/blog-post.html

Loading

મુથુવેલ કરુણાનિધિ : જો એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત અને કરુણાનિધિને બે કે ત્રણ મુદ્દત રાજ કરવા મળ્યું હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2018

મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિરોધી બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આવ્યા પછી, કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેમણે જોયું કે ગાંધીજી સવર્ણ હોવા છતાં બધાને બાથમાં લઈને ચાલે છે. આ બાજુ મહારાષ્ટ્રના કેટલાક બ્રાહ્મણ નેતાઓના ધ્યાનમાં પણ આવ્યું કે ગાંધીજીની બાથ હરિજનો, બહુજન સમાજ, સ્ત્રીઓ અને મુસલમાનો સહિત બધાને સમાવી શકે એવી વધારે પડતી મોટી છે. તેમને એની સામે વાંધો હતો એટલે તેઓ કોંગ્રેસથી દૂર થયા અને હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. મદ્રાસ પ્રાંતમાં ઊંધું થયું. ત્યાં બ્રાહ્મણ કોંગ્રેસીઓ ગાંધીજીની સાથે રહ્યા એટલે બહુજન સમાજે કોંગ્રેસથી છેડો ફાડ્યો. શરુઆતના વર્ષોમાં પેરિયાર રામસ્વામી નાયકર ગાંધીજીના સિપાહી હતા અને મંદિર પ્રવેશના વાયકોમ સત્યાગ્રહમાં ભાગ પણ લીધો હતો.

આઝાદી પછી બ્રાહ્મણ વિરોધી, આર્યાવર્ત વિરોધી અને હિન્દી વિરોધી આંદોલનને આંદોલનમાંથી સત્તાના રાજકારણમાં ફેરવવાનું હતું. દ્રવિડ આંદોલનને રાજકીય ચહેરો આપવાનો હતો જે પહેલાં પણ હતો; પરંતુ એ આંદોલનનો ચહેરો હતો, સત્તાના રાજકારણનો નહોતો. પેરિયાર હવે પરવડે એમ નહોતા અને પેરિયારનું વ્યક્તિત્વ પણ લાંબો સમય સહન થઈ શકે એવું નહોતું. ક્યારે શું બોલશે અને કરશે એની કોઈ ખાતરી નહીં. અન્નાદુરાઈ, કરુણાનિધિ, નંદુ ચેળિયન, એમ.જી. રામચન્દ્રન અને બીજા દ્રવિડ આંદોલનના યુવાનોએ ગુરુ સાથે છેડો ફાડ્યો.

કેથેરિન ફ્રેન્કે લખેલા ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં કહ્યું છે કે કહેવાતી કામરાજ યોજનાના મૂળ તામિલનાડુમાં છે. પેરિયારના શિષ્યોએ ગુરુથી અલગ થઈને દ્રવિડ મુનેત્ર કળગમ (ડી.એમ.કે.) નામના પક્ષની સ્થાપના કર્યા પછી, તેઓ જે રીતે પક્ષની બાંધણી કરતા હતા એ જોઇને તમિલનાડુના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કામરાજ નાદરને સમજાઈ ગયું હતું કે હવે તામિલનાડુમાં કોંગ્રેસના દિવસો પૂરા થઈ ગયા છે. કામરાજ નાદરે સિનિયર કોંગ્રેસીઓએ હોદ્દા પરથી રાજીનામું આપીને પક્ષ માટે કામ કરવું જોઈએ, એવી જે યોજના રાખી એની પાછળનું ખરું કારણ ત્યાગ કરીને પોતાનું કદ ઉઠાવવાનું અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનું હતું. કામરાજની કલ્પના સાચી પડી હતી. ૧૯૬૭માં પહેલીવાર તમિલનાડુમાં દ્રવિડોની સરકાર આવી તે આજ સુધી કોંગ્રેસને સત્તામાં પાછા ફરવાનો મોકો મળ્યો નથી.

અન્નાદુરાઈ સાથે એમ. કરુણાનિધિનો આમાં હાથ હતો. પાંચ ધોરણ સુધી માંડ ભણી શકેલા કરુણાનિધિનું અદ્ભુત ભાષા પ્રભુત્વ હતું. પોતાના પ્રાંતને અને પ્રજાને તસુએ તસુ જાણે અને આકંઠ પ્રેમ કરે. પક્ષ તેમનો પરિવાર હતો. પાછળથી ત્રણ પત્નીઓ દ્વારા થયેલા છ સંતાનોને નાનો મોટો રાજકીય વારસો આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના માટે કહેવાતું હતું કે હવે પરિવાર એ પક્ષ છે. પરિવારવાદમાં પણ કરુણાનિધિનો એક સ્ટેમ્પ જોવા મળશે. બાળ ઠાકરેની માફક ઝઘડતા ભાઈઓમાંથી એક ગમતાને વારસદાર તરીકે પસંદ નહોતો કર્યો, પરંતુ દાવેદારોને જાહેરમાં ઝઘડવા દીધા હતા. જેની ક્ષમતા હોય એ જીતે અને એ રીતે એમ. સ્તાલિનને અનુગામી બનાવવામાં આવ્યો છે.

૧૯૬૭માં તમિલનાડુમાં અન્નાદુરાઈની સરકાર રચાઈ જેમાં કરુણાનિધિ જાહેર બાંધકામ અને પરિવહન ખાતાના પ્રધાન હતા. તમિલનાડુમાં પરિવહન ક્રાંતિ કરીને બે વરસમાં જ તેમણે પોતાની ક્ષમતા સિદ્ધ કરી બતાવી હતી. ૧૯૬૯માં અન્નાદુરાઈનું અવસાન થયું એ પછી કરુણાનિધિને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ સમયે પક્ષઅંતર્ગત સત્તાસંઘર્ષમાં એમ.જી. રામચન્દ્રને કરુણાનિધિને મદદ કરી હતી. બન્ને મિત્રો હતા અને કરુણાનિધિએ લખેલી પટકથાવાળી ફિલ્મોમાં રામચન્દ્રનને એક પછી એક સફળતા મળતી હતી. કરુણાનિધિ મુખ્ય પ્રધાન બન્યા એ પછી માત્ર બે વરસમાં બન્ને વચ્ચે વાંકુ પડ્યું હતું. રામચન્દ્રન અભિનેતા હોવાના કારણે પોપ્યુલર હતા અને તેમના મનમાં મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા પેદા થઈ હતી. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

મારું એવું માનવું છે કે જો એમ.જી. રામચન્દ્રને નોખો ચોકો ન કર્યો હોત, અને કરુણાનિધિને એકધારું બે કે ત્રણ મુદ્દત માટે મુખ્ય પ્રધાન તરીકે શાસન કરવા દીધું હોત, તો માત્ર તામિલનાડુનો નહીં, દેશના રાજકારણનો ચહેરો જુદો હોત. એક તો અસ્મિતાઓના રાજકરણને અને તેનાં નામે થતા સંઘર્ષોને ક્યાં સુધી ખેંચવા તેનું તેમને વિવેકભાન હતું. અન્યાય સામેના સંઘર્ષ અન્યાય કરનારાઓને અન્યાય કરીને કરવાના ન હોય એટલી તકેદારી તેઓ ધરાવતા હતા. આમ છતાં ય તેમણે તેમની દ્રવિડ ભૂમિકા પાતળી નહોતી પાડી. દ્રવિડ અસ્મિતાવાદી અને એ રીતે પ્રાંતવાદી હોવા છતાં તમિલનાડુને દિલ્હીની નજીક લઈ જવાનું કામ કરુણાનિધિએ કર્યું હતું. અખંડ હિન્દુસ્તાનમાં દરેક પ્રાંતનો પોતાનો અવાજ હોવો જોઈએ અને છતાં દેશ અખંડ શું કામ ન હોય, એવી તેમની ભૂમિકા હતી. એટલે તો તેમણે ઈમરજન્સીનો વિરોધ કરીને ઇન્દિરા ગાંધીની ખફા વહોરી લીધી હતી જેમાં ઇન્દિરા ગાંધીએ તેમની સરકારને બરતરફ કરી હતી. એ ફેડરલ ભારત માટે ચૂકવેલી કિંમત હતી. કરુણાનિધિ દેશના એકમાત્ર મુખ્ય પ્રધાન હતા જેમની સરકારને એક નહીં, બે વખત બરતરફ કરવામાં આવી હતી. 

તેઓ ગરીબતરફી હતા, પરંતુ બુકીશ સમાજવાદી નહોતા. તામિલનાડુના ઝડપી ઔદ્યોગીકરણનો તેમણે રસ્તો ખોલી આપ્યો હતો. દેશમાં સૌથી ધાર્મિક અને અંધશ્રદ્ધાળુ પ્રજા જ્યાં વસે છે, એ તામિલનાડુમાં તેઓ નાસ્તિક હતા. તેમણે મત માટે પોતાની નાસ્તિકતા છુપાવી નહોતી કે ક્યારે ય ધર્મની કે ભગવાનની ઠેકડી ઉડાડી નહોતી. સમાધાનો કર્યા વિના નખશીખ સેક્યુલર રહીને પણ ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી જીતી શકાય છે અને પાંચ વખત મુખ્ય પ્રધાન બની શકાય છે એનું ઉદાહરણ કરુણાનિધિ છે.

આ બધું એ કરુણાનિધિએ સાબિત કરી આપ્યું છે જેને પોતાના મિત્ર એમ.જી. રામચન્દ્રનના કારણે ૧૩ વરસ સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. એ ૧૩ વરસ દરમ્યાન રામચન્દ્રને દરેક પ્રકારનું પોપ્યુિલસ્ટ રાજકારણ કર્યું હતું. રૂપિયે કિલો ચોખા અને મફત સાડી વગેરે એમ.જી.આર.-જયલલિતાના લ્હાણીના દિવસો યાદ હશે. તેમણે દરેક પ્રકારના રાજકીય સમાધાન કર્યા હતા. દરેક પ્રકારની ભ્રષ્ટ રીતરસમો અપનાવી હતી. કરુણાનિધિ પોતાના મિત્રના ખૂંટા વિનાના રાજકરણથી સાવ વિચલિત નહોતા થયા એમ તો ન કહી શકાય, તેમણે પણ કેટલાક સમાધાનો કર્યા હતા, પરંતુ પોતાનો મૂળ ખૂંટો પકડી રાખ્યો હતો.

હજુ એક વાત નોંધવા જેવી છે અને દેશના અને બીજા રાજ્યોના પક્ષોએ અપનાવવા જેવી છે. એમ.જી. રામચન્દ્રન અને કરુણાનિધિ અલગ થયા પછી એકબીજાનું મોઢું નહોતા જોતા. કરુણાનિધિ વિધાનસભામાં આવવાના હોય તો એમ.જી.આર. મુખ્ય પ્રધાન હોવા છતાં ગૃહમાં ન આવે. એમ.જી.આર. આવવાના હોય તો કરુણાનિધિ ન જાય. આમ છતાં એક વાતનો સંયમ કરુણાનિધિએ હંમેશ જાળવ્યો હતો. તામિલનાડુના વિકાસની યોજના હોય તો ડી.એમ.કે. તેનો ભાગ્યે જ વિરોધ કરતો. યુ.પી.એ. સરકારની દરેક યોજના આજે નરેન્દ્ર મોદી લાગુ કરી રહ્યા છે, પરંતુ ત્યારે તેઓ વિરોધ કરતા હતા. અહીં સવાલ થાય કે શાસકોને સહકાર આપવાથી શાસકપક્ષને ફાયદો થાય તો સત્તામાં પાછા કેમ ફરવું? એનો પણ જવાબ કરુણાનિધિના રાજકારણમાંથી મળે છે. પ્રાંતને અને પ્રાંતની પ્રજાને ઓળખીને. પ્રજાને આકંઠ પ્રેમ કરીને. પક્ષને પરિવાર બનાવીને. કાર્યકર્તાઓનો જુસ્સો જાળવી રાખીને અને છેલ્લે પોતાનો મૂળ ખૂંટો પકડી રાખીને.

ગંગા ગયે ગંગાદાસ અને જમુના ગયે જમનાદાસ જેવું સાવ હલકું રાજકારણ કરુણાનિધિએ નહોતું કર્યું. એટલે જ જો આગળ કહ્યું એમ એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત. 

કરુણાનિધિના અવસાન સાથે એક યુગ પૂરો થાય છે, જે પેરિયાર રામસ્વામી નાયકર સાથે શરૂ થયો હતો. પહેલા જયલલિતા ગયાં અને હવે કરુણાનિધિ ગયા. ઓલ ઇન્ડિયા અન્ના ડી.એમ.કે. તો સંકેલાઈ જશે, પરંતુ કદાચ સ્તાલિનના નેતૃત્વમાં ડી.એમ.કે. ટકી જશે એમ લાગે છે. સ્તાલિનમાં રાજકીય કુનેહ અને સંયમ બન્ને છે. એટલે તો તામિલ અભિનેતા રજનીકાંત અને કમલ હાસન રાજકારણમાં મોકો જોઇને પ્રવેશ્યા છે. દ્રવિડ પક્ષોમાં પેદા થયેલા શૂન્યાવકાશનો તેઓ લાભ લેવા માંગે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0343,0353,0363,037...3,0403,0503,060...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved