Opinion Magazine
Number of visits: 9969413
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં સ્ત્રીઓના સંઘર્ષની ‘#મી ટૂ’ ક્ષણ

સ્વાતિ જોશી|Opinion - Opinion|4 December 2018

ભારતમાં સ્ત્રીઓના સ્વતંત્રતા અને સમાનતા માટેના લાંબા સંઘર્ષની ‘#મી ટૂ’ એ એક ઘણી મહત્ત્વની ક્ષણ છે. દેશમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાંથી સ્ત્રીઓએ કામનાં સ્થળે એમને થયેલી જાતીય સતામણીનાં જાહેરમાં હિમ્મતપૂર્વક બયાનો આપ્યાં છે. જે પ્રમાણમાં બયાનો બહાર આવ્યાં છે, એ બતાવે છે કે કામનાં સ્થળો સ્ત્રીઓ માટે કેટલાં જોખમભરેલાં છે. બંધારણે સ્ત્રીઓને સ્વતંત્ર રીતે કામ કરવાનો સમાન અધિકાર આપ્યો છે, છતાં કામનાં સ્થળોએ પુરુષોનું આધિપત્ય હોવાથી, સ્ત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાં જાતીય સતામણીના કિસ્સાઓમાં આરોપીને સજા મળતી નથી અને તેઓ નિશ્ચિંત થઈને કામ કરતા હોય છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. કામનાં સ્થળોએ લિંગભેદ અને સ્ત્રીદ્વેષ ખૂબ પ્રમાણમાં ફેલાયેલા છે. આ સંજોગોમાં આવા અવાજો આવકાર્ય છે, કેમ કે એ કામકાજનાં સ્થળોની વાસ્તવિકતા રજૂ કરે છે.

‘મી ટૂ’નો સૌ પ્રથમ ઉપયોગ ૨૦૦૬માં નાગરિકોના હક માટે લડનારાં તરાના બર્ક નામનાં આફ્રિકન-અમેરિકન મહિલાએ જાતીય સતામણી અને હિંસાનો ભોગ બનેલી પોતાના સમુદાયની બહેનોને મદદ કરવા કર્યો હતો. આ પહેલનો મુખ્ય આશય આવી સ્ત્રીઓને એ એકલી નથી. એનો અહેસાસ કરાવવાનો અને એમના ઘાને રૂઝવવાનો હતો. ગયા વર્ષે ૨૦૧૭માં અમેરિકામાં અનેક ફિલ્મ-અભિનેત્રીઓ અને બીજી સ્ત્રીઓએ ફિલ્મનિર્માતા હાર્વી વાઇનસ્ટીન પર જાતીય સતામણીના જાહેરમાં આરોપો મૂક્યા, જે ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’ જેવાં વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા અને એ એક જાહેરચર્ચાનો વિષય બન્યો. આને પગલે કર્મશીલ અભિનેત્રી એલીસા મિલાનોએ દરેક સ્ત્રી, જે જાતીય સતામણીનો ભોગ બની હોય એને ‘મી ટૂ’ હેશટેગ સોશિયલ મીડિયામાં મૂકવા માટે પ્રોત્સાહિત કરી. રાતોરાત આ હેશટેગ એક ચળવળમાં બદલાઈ ગયો અને દુનિયામાં  બધે ફેલાઈ થયો. ભારતમાં પણ આપણામાંની ઘણી સ્ત્રીઓએ આ હેશટેગ વાપરીને આ ચળવળમાં ભાગ લીધો હતો. આપણે ત્યાં એના બીજા પડઘા પણ પડ્યા હતા. અમેરિકામાં કાયદાનો અભ્યાસ કરતી બહુજન વિદ્યાર્થિની રાયા સરકારે શિક્ષણક્ષેત્રમાં જાતીય સતામણી કરનાર અધ્યાપકોનું લિસ્ટ LoSHA [List of Sexual Harassers in Academia] બહાર પાડ્યું હતું. એ વખતે બે પેઢીનાં નારીવાદીઓ વચ્ચે ‘મી ટૂ’ એક મોટી ચર્ચાનો વિષય બન્યો હતો. જૂની પેઢીનાનું માનવું હતું કે કાયદા પ્રમાણે દરેક સંસ્થામાં સમસ્યાના ઉકેલની વ્યવસ્થા છે, તેનો અમલ થવો જોઈએ અને વિધિસરની પ્રક્રિયા(due process)ને અનુસરવું જોઈએ. નવી, જુવાન પેઢીમાં આટલો વિશ્વાસ અને ધીરજ ન હતાં અને ભૂતકાળમાં આનો જૂજ પ્રમાણમાં અમલ થયો હોવાથી જાહેરમાં આરોપીઓને ખુલ્લા પાડવાનું એમને વધારે યોગ્ય લાગ્યું. આ લિસ્ટમાં આરોપીએ શું ગુનો કર્યો છે, એનું બયાન ન હતું અને આરોપ મૂકનાર સ્ત્રીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

આજે  લગભગ એક વર્ષ પછી અભિનેત્રી તનુશ્રી દત્તાએ મોટા ગજાના ફિલ્મ-અભિનેતા નાના પાટેકર પર દસ વર્ષ પહેલાં એના પર કરેલી જાતીય સતામણીનો જાહેરમાં આરોપ મૂક્યો છે. બીજી અભિનેત્રીઓ અને પત્રકાર સ્ત્રીઓ પણ બહાર આવી છે અને શક્તિશાળી પુરુષો તરફથી એમના પર થયેલી જાતીય સતામણીની વાત એમણે જાહેરમાં મૂકી છે. આ જાણીતી મહિલાઓનાં બયાનોથી હિમ્મત મેળવી બીજી અનેક સ્ત્રીઓએ કામનાં સ્થળે પોતાના પર થયેલાં જાતીય હિંસા અને અપમાનોની વાત કરી છે. ફરી એક વખત સોશ્યલ મીડિયા પર ‘મી ટૂ’નું મોજું ફરી વળ્યું છે. આ વખતે જે બન્યું છે, તે કેવળ બીજે થઈ રહેલી ઘટનાઓનો પડઘો કે એમાં ભાગીદારી નથી અને અંગ્રેજી હેશટેગ હોવા છતાં, તેમ જ સોશિયલ મીડિયાથી આ ઝુંબેશ પ્રચલિત થઈ હોવા છતાં, દેશમાં સદીઓ જૂની પિતૃસત્તાના આ ભયંકર સ્વરૂપને પડકારવાનો એક સામૂહિક અવાજ આજે ઊઠ્યો છે. સ્ત્રીઓની મુક્તિના સંઘર્ષમાં આ એક મોટો પડાવ છે. જાણીતાં નારીવાદી કમલા ભસીને એક કાવ્યમાં કહ્યું છે તેમ જાણે અનેક દિલોમાં ઢબૂરાયેલો જ્વાળામુખી એકસાથે ફાટી નીકળ્યો છે. સ્ત્રીઓની જીભને લાગેલાં તાળાં અચાનક ખૂલી ગયાં છે. એમણે છેવટે ડરને ત્યજ્યો છે અને કહેવાતા પ્રતિષ્ઠિત, પરંતુ પાશવી પુરુષોને બેનકાબ કરી જાહેરમાં ખુલ્લા પાડ્યા છે. ફિલ્મના સેટ પર કે રમતના મેદાનમાં, ન્યૂઝરૂમમાં કે શિક્ષણની સંસ્થાઓમાં ચુપકીદીનો ભંગ થઈ રહ્યો છે અને સ્ત્રીઓએ બહાદુરી અને નિર્દયતાથી યથાવત પરિસ્થિતિ(status quo)ને હચમચાવી મૂકી છે.

પરંતુ આ ક્ષણનું મહત્ત્વ કેવળ વ્યક્તિગત અનુભવોને બધાંની આગળ રજૂ કરવામાં જ નથી, તેમ જ પ્રતિષ્ઠિત પુરુષો પર વ્યક્તિગત પ્રહાર કરવાનો આશય પણ આની પાછળ નથી. આ એક ખુલ્લો પડકાર છે એ પિતૃસત્તાક સમાજ સામે જે પુરુષોને સ્ત્રીઓને સતાવવાની, ડરાવવાની અને એમનો ગેરલાભ લેવાની પૂરી છૂટ આપે છે. આ જાતનો વ્યવહાર આપણી આસપાસ ચારેબાજુ ફેલાયેલો છે, જેમાં પુરુષો આવી સતામણીને પોતાની સત્તાનું પ્રમાણ માને છે; પોતાના કૃત્ય માટે એ પોતાને બિલકુલ જવાબદાર નથી માનતા કે એનો જવાબ આપવા બંધાયેલા પણ નથી માનતા. ખાસ તો વગવાળા અને સંપન્ન પુરુષોને આ અવાજો ખુલ્લા પાડે છે, જે પોતાના પદ અને સત્તાનો ઉપયોગ સ્ત્રીઓનો ઉપભોગ કરવા માટે વાપરે છે અને એ પદ અને સત્તાના બળે કોઈ પણ પ્રકારની સજામાંથી છટકી જાય છે.

સમાજની જવાબદાર વ્યક્તિઓ તરીકે અને સ્ત્રીઓ માટે લડનારાં સંગઠનો કે સ્ત્રીઓ તરીકે આપણે આ અનેક સ્ત્રીઓ, જેમણે હિંમત અને નિખાલસતાથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે, તેમને પૂરું સમર્થન આપીએ અને એમને બધા પ્રકારની – અંગત, કાયદાકીય, માનસિક યાતનાઓને રૂઝવવાની – મદદ માટે એમની સાથે ઊભાં રહીએ. આ સ્ત્રીઓનો અવાજ એ સત્યનો સત્તા સામેનો અવાજ છે. આ અવાજોની સૌથી તરતની, દેખીતી અસર એ આવા બીજા પ્રસંગો બનતા રોકવા એ છે. જાણીતા અને વગ ધરાવતા પુરુષોને જાહેરમાં ખુલ્લા પાડવાથી બીજા પુરુષો ભવિષ્યમાં આવી હરકતો કરતાં હજાર વાર વિચારશે અને રોકાશે. આ એક પ્રકારનું રોકનારું પગલું [deterrent] છે. જો કે આ કેટલું અસરકારક છે એ વિચારવાનો મુદ્દો છે. પરંતુ એક બદલાવ જરૂર આવ્યો છે. આજ સુધી પુરુષો માનતા આવ્યા છે કે સ્ત્રીનો ગેરલાભ લેવાની એમને છૂટ છે. ખાસ કરીને કામની જગ્યાએ, જ્યાં સ્ત્રીની નોકરી, બઢતી, વિકાસ, અભ્યાસમાં સફળતા, આ બધું ઉપરી પુરુષોના હાથમાં હોય છે, ત્યાં પુરુષો એ ખ્યાલમાં રહે છે કે સ્ત્રી હંમેશાં દબાયેલી અને ચૂપ રહેશે. આ ભ્રમ આજે ભાંગ્યો છે એ ‘મી ટૂ’ની એક મોટી સફળતા છે.

‘મી ટૂ’ એ એક વિસ્ફોટ છે, એક સાથે જુદાં-જુદાં ક્ષેત્રોની સ્ત્રીઓના અવાજ આજે જાહેરમાં બહાર આવ્યા છે .. એમના અવાજોમાંથી ત્રણ મુખ્ય સૂર નીકળે છે : એક તો એ કે પિતૃસત્તા સર્વવ્યાપી છે અને પુરુષના અધિકાર અને પદ એમના વર્ગ અને જાતિના વિશેષાધિકાર સાથે જોડાયેલાં છે. બીજું, કામની જગ્યાઓ જે રીતે રચાયેલી છે અને જે રીતે ચાલે છે, એને આની સાથે ઘેરો સંબંધ છે. કામનાં સ્થળોએ પુરુષોનું આધિપત્ય હોય છે, જે એમને માટે આવી હરકતો સુલભ બનાવે છે. અને એટલે ત્રીજું, આ પ્રશ્ન કેવળ જે સ્ત્રીઓ ભય અને જાતીય સતામણીનો ભોગ બને છે, એમના પૂરતો જ સીમિત નથી, પરંતુ એક મોટી સામાજિક હકીકત છે જે આખા સમાજ પાસેથી જવાબ માંગે છે, કેમ કે એનું અંતિમ ધ્યેય સમાજવ્યવસ્થા બદલવાનું છે.

એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે અત્યાર સુધી સ્ત્રીઓ કેમ ચૂપ હતી? આ પ્રશ્ન પોતે જ પિતૃસત્તાક માનસની નિશાની છે. સ્ત્રીને આરોપીના પાંજરામાં ઊભી રાખવી અને એની પાસે જવાબ માંગવો એ પૌરુષીય સત્તાનું એક ઘમંડી સ્વરૂપ છે. એક સ્ત્રીને જાતીય સતામણીની અનેક યાતનાઓમાંથી પસાર થવું પડતું હોય છે, એના ઊંડા ઘા જિંદગીપર્યંત સહેવા પડે છે, એ વિશે બોલવું એને માટે એથી પણ વધારે યાતના ભરેલું હોય છે. તેમ જ બોલ્યાં પછી એ સ્ત્રી માટે કામના સ્થળે, કુટુંબમાં અને સમાજમાં ટકી રહેવું ઘણું મુશ્કેલ હોય છે અને કારમી એકલતામાં એને જીવવું પડે છે. કામનાં સ્થળોનું વાતાવરણ સ્ત્રીદ્વેષ અને લિંગભેદથી ભરેલું હોય છે, જ્યાં સ્ત્રીઓની વ્યાવસાયિક લાયકાત કે સમર્થતા કરતાં એમનાં દેખાવ કે શરીર પર વધુ ધ્યાન અપાતું હોય છે. ત્યાં સત્તાનો ભેદ એટલો જબરદસ્ત હોય છે કે બીજી સ્ત્રીઓનો સહકાર મેળવવો પણ મુશ્કેલ બને છે. આવા વાતાવરણમાં ફરિયાદ કરવી એ પણ મોટો પડકાર છે.

ઉપરાંત, ન્યાય મેળવવો એ સ્ત્રી માટે ખૂબ જ કપરું કે અશક્ય કામ છે. આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્રો પિતૃસત્તાક છે. પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ત્રીની સાથે આરોપીની જેમ વર્તે છે, એનું અપમાન કરે છે અને એનો દોષ કાઢે છે. ન્યાયિક પ્રક્રિયા સ્ત્રીઓની વિરુદ્ધ છે. જાતીય સતામણી કે હિંસાના કિસ્સાને ફોજદારી કાયદા તરીકે તપાસવાથી નક્કર પુરાવા, શક બહારની સાબિતી, સાક્ષી વગેરે હકીકતો પૂરી પાડવી પડે છે, જે આવા કિસ્સાઓમાં શક્ય નથી. છેલ્લાં બે વર્ષમાં જાણીતા પુરુષો, મહમ્મદ ફારુકી, તરુણ તેજપાલ, આર.કે. પચોરી વગેરે ઉપર જાતીય સતામણીના આરોપસર કેસ કરવામાં આવ્યા. આમાંથી ફારૂકીને ‘સ્ત્રીની ના એ ના ન માની શકાય’ એ કારણસર છોડી મૂકવામાં આવ્યા. બીજા કેસો હજુ પણ ચાલે છે. આ બતાવે છે કે કાનૂની લડાઈ સ્ત્રીઓ માટે કેટલી કપરી છે. ભંવરીદેવી જેણે કામના સ્થળે થતી જાતીય સતામણી વિરુદ્ધ ચળવળને જન્મ આપ્યો, એના બળાત્કારીઓ આજે પણ પકડાયા નથી. તનુશ્રી દત્તાએ  ૨૦૦૮માં સિને અને ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ એના પ્રતિભાવથી સંતુષ્ટ ન હતી. એના પિતાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેનું પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. સ્ત્રીઓ આજે કેમ બોલે છે, એની પાછળ આ પણ એક મોટું કારણ છે. ન્યાય પ્રક્રિયા ઉપરથી એમનો વિશ્વાસ ઊઠી ગયો છે, એમની ધીરજનો અંત આવ્યો છે અને એથી નવી પેઢીની સ્ત્રીઓએ જાહેરમાં આ પ્રશ્નને મૂકવાનું પસંદ કર્યું છે.

આજે આટલા મોટા પ્રમાણમાં સ્ત્રીઓ જાહેરમાં બોલી શકે છે, તેનું એક મુખ્ય શ્રેય સોશિયલ મીડિયાને જાય છે. એક સ્ત્રી બોલે, તેથી બીજી અનેક સ્ત્રીઓને બોલવાની હિંમત મળે છે. સોશ્યલ મીડિયા દ્વારા એક નેટવર્ક ઊભું થયું છે જેથી દરેક સ્ત્રીને બીજી સ્ત્રીઓ અને સ્ત્રીઓની સંસ્થાઓનો ટેકો અને મોટા પાયા પર સમર્થન મળ્યાં છે. સ્ત્રીઓમાં એક પ્રકારની એકજૂટતા ઊભી થઈ છે, જેને લીધે એમનામાં હિંમત આવી છે અને ડર અને સંકોચ જતાં રહ્યા છે. આજે માહિતી-સંચાર ટેક્‌નૉલૉજી એટલી સરળતાથી સુલભ છે કે ઑનલાઇન નેટવર્ક વિચારોને જેવા રજૂ થાય એવા જ એનો પ્રસાર કરે છે; કેવી રીતે આ પ્રશ્નનો સામનો કરવો એની વ્યૂહરચનાઓ સમજવાની અને એને વિશે બધાંની સાથે ચર્ચા કરવાની તક આપે છે અને દુનિયામાં ચાલતી આ ચળવળનો ભાગ થવાનું સરળ બનાવે છે. આને કારણે આજે અસંખ્ય સ્ત્રીઓના અવાજો આખી દુનિયામાં બધે સંભળાય છે અને એની વ્યાપક અસર થઈ છે, જે આ પહેલાં શક્ય ન હતું.

‘મી ટૂ’ની ઘટનાને જો એના બહોળા ઐતિહાસિક સંદર્ભમાં જોઈશું તો જણાશે કે આ પહેલાં સ્ત્રીઓ નથી બોલી કે જાતીય શોષણ અને હિંસાની સામે લડી નથી, એવું નથી. મહિલા-આંદોલનની આ પહેલાંની પેઢીઓએ જો આનો વિરોધ ન કર્યો હોત અને કાયદાઓ બનાવવાની અને બદલવાની લડત આપી ન હોત, તો કદાચ ‘#મી ટૂ’ ઝુંબેશ આજે જે અસરકારક ભાગ ભજવી રહી છે, તે શક્ય ન બનત. જ્યારે મથુરા નામની એક ૧૫-૧૬ વર્ષની આદિવાસી કન્યા પર પોલીસ-કસ્ટડીમાં ૧૯૭૨માં સામૂહિક બળાત્કાર થયો અને જ્યારે આરોપીઓને છોડવામાં આવ્યા એ કારણસર કે મથુરાએ વિરોધ નહોતો કર્યો અને એની સંમતિ હતી, ત્યારે ‘સમ્મતિ’ [consent] વિશે નારીવાદી સ્ત્રીઓમાં ઊંડું આત્મમંથન થયું હતું અને ૧૯૭૯માં ચાર પ્રતિષ્ઠિત કાયદાના પ્રોફેસરોએ મુખ્ય ન્યાય મૂર્તિને ખુલ્લો પત્ર લખ્યો હતો, જેને પગલે જાહેર વિરોધ થયો હતો અને બળાત્કારના કાયદામાં સુધારા થયા હતા. સ્ત્રીઓના જાતીય શોષણ સામેની લડાઈમાં આ એક મહત્ત્વની ક્ષણ હતી. આ પછી ઘણી સ્ત્રીઓ બહાર આવી પણ જુદી-જુદી, એકલદોકલ અને દરેકે પોતાની અલગ ફરિયાદો નોંધાવી જેનો નિર્ણય કરનાર પુરુષો હતા, જેમણે કાં તો એ ફરિયાદો પર ધ્યાન ન આપ્યું કે એને ફગાવી દીધી, અથવા તો વર્ષો સુધી કોર્ટમાં કોઈ પરિણામ વગર કેસ ચાલ્યા. આ અવાજોને સાંભળનાર કોઈ પુરુષો ન હતા.

૧૯૯૨માં આ આંદોલનનો બીજો એક મોટો પડાવ આવ્યો, જ્યારે રાજસ્થાનના એક ગામમાં દલિત સ્ત્રી ભંવરીદેવી પર ગુજ્જર જાતિના પુરુષોએ સામૂહિક બળાત્કાર કર્યો જેનો એણે જાહેરમાં વિરોધ કર્યો અને એના સમર્થનમાં અનેક સ્ત્રીઓ અને સ્ત્રી-સંગઠનો બહાર આવ્યાં. ભંવરીદેવી પર હુમલો એણે બાળવિવાહ રોકાવ્યા હતા, એના વિરોધમાં થયો હતો. એના પર બળાત્કાર એ કામ કરતી હતી તે દરમિયાન થયો હતો. ૧૯૯૫માં સુપ્રીમ કોર્ટમાં સ્ત્રી સંગઠનો દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી. ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં કામનાં સ્થળોએ જાતીય સતામણી ન થાય, એ માટે વ્યવસ્થા કરવાનાં સૂચનો થયાં અને જાહેરકામનાં સ્થળોને આ વ્યવસ્થા કરવાની ફરજ પાડવામાં આવી, જે ‘વિશાખા માર્ગદર્શિકા’ તરીકે ઓળખાય છે. આમ ભંવરીદેવી, રૂઢિચુસ્ત ગામડાંની એક દલિત સ્ત્રી, એ ‘મી ટૂ’નો પહેલો મોટો અવાજ હતો, જે એ સમયે સ્ત્રીઓના રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવાઇ ગયો હતો. આને કારણે ‘કામકાજના સ્થળે થતી જાતીય હિંસા’ પહેલી વખત કાયદાના દાયરામાં આવી.  ૨૦૧૨માં જ્યોતિ સિંઘ પર દિલ્હીમાં થયેલા સામૂહિક બળાત્કારનો જાહેરમાં ભારે વિરોધ થયો. ૨૦૧૩માં ‘કામનાં સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી (નિરોધ, નિષેધ અને નિરાકરણ)’ કાયદો સરકારે બહાર પાડ્યો, જેમાં કામનાં સ્થળને વિસ્તારીને અસંગઠિત ક્ષેત્રો અને ઘર જેવી દરેક જગ્યાને સમાવી લેવામાં આવી છે. એ ખૂબ જ દુઃખની – જો કે આશ્ચર્ય પમાડે એવી નહીં – વાત છે કે મોટા ભાગનાં સ્થળોએ આ વ્યવસ્થા આજે અસ્તિત્વમાં નથી. જ્યાં છે ત્યાં ઉપરીના પક્ષપાતને કારણે તંત્ર નિષ્પક્ષ નથી. ઉપરાંત આંતરિક ફરિયાદ સમિતિનો ઝોક ઘણી વખત ફોજદારી કાયદા તરફ હોય છે. આ બધાં કારણોને લીધે સ્ત્રીઓના અધિકારનો દૃષ્ટિકોણ જે આ કાયદાનું મુખ્ય ધ્યેય છે, એ સમજવામાં આ સમિતિઓ અસફળ રહે છે. જે નારીવાદી સ્ત્રીઓ આ કાયદાના ગઠનમા જોડાયેલી હતી એમણે જાતીય સતામણીના ‘નિરોધ’ કે અટકાયત પર કાયદામાં ભાર મૂક્યો હતો જેથી સ્ત્રીઓના અધિકારો વિશે પુરુષનું માનસ બદલી શકાય અને સત્તાનો દુરુપયોગ અને નફરતભરેલું વાતાવરણ અટકાવી શકાય. આજે જ્યારે આપણે આ સ્ત્રીઓને બનતી બધી જ મદદ આપવા તૈયાર છીએ ત્યારે એ અત્યંત જરૂરી છે કે આવી સમજપૂર્વકની વ્યવસ્થા દરેક સ્થળે નિશ્ચિત રૂપે હોય. કામનાં સ્થળોએ કાયદામાં વિઘ્ન ન બનવું જોઈએ, જેને કારણે સ્ત્રીને જાહેરમાં બોલવાની ફરજ પડે.

‘#મી ટૂ’ આમ સ્ત્રીઓની જાતીય હિંસા અને સતામણી સામેની લાંબી ચળવળની એક ઘણી મહત્ત્વની ક્ષણ છે; એક અગત્યનો પડાવ છે. દરેક પડાવ આ ચળવળને આગળ વધારે છે અને નવી દિશા અને ફેરફારો સૂચવે છે. સ્ત્રીઓએ છેવટે ડરને ત્યજ્યો છે અને ચુપકીદી તોડી છે, એ આ ઝુંબેશની મોટી સિદ્ધિ છે. આ હિંમતવાન ચુપકીદી તોડનાર સ્ત્રીઓ[silence breakers]એ એક નવી પરિસ્થિતિ ઊભી કરી છે અને જાહેરમાં બધાંને વિચારવાની ફરજ પાડી છે. સાથે-સાથે આ ઝુંબેશે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે જે બતાવે છે કે સ્ત્રીઓની જાતીય સતામણીનો પ્રશ્ન કેટલો સંકુલ છે અને એનો ઉકેલ કેટલો કઠિન છે.

પહેલું તો,‘મી ટૂ’ એ સોશ્યલ મીડિયાનું સર્જન છે. એક ઑનલાઇન ઝુંબેશ શું પિતૃસત્તા જે સદીઓ પુરાણી છે અને જેને પૈસા અને સત્તા પોષે છે એને ઉખેડી શકે? શું એ કાયમ માટેની તાકાત બની શકે? આવી ઝુંબેશ ક્યાં સુધી ટકાવી શકાય? શું આપણે ઈચ્છીએ છીએ કે એ લાંબી ચાલે? સ્ત્રીઓ માટે જાહેરમાં બોલવું એ ખૂબ જ યાતનાનો અનુભવ છે. એમ કરતાં એમનાં જીવન અને કારકિર્દી જોખમમાં મુકાય છે. હમણાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તરાના બર્કે કહ્યું છે કે આજના સમયમાં સોશ્યલ મીડિયાને કારણે તમે જેટલું તમારા વિશે બીજાઓને કહો અને ધ્યાન ખેંચો એટલું સારું કહેવાય છે. પણ અમે આ પ્રથાને તોડવા માંગીએ છીએ. આ યાતનામાંથી બચેલી અને સ્વસ્થ થયેલી સ્ત્રીઓની દુનિયામાં પૂરતા પુરાવા છે જેને ફરીથી દોહરાવવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, આપણા દેશમાં અસંખ્ય સ્ત્રીઓ છે જેમને માટે જાહેરમાં બોલવું શક્ય નથી. તેઓ સોશ્યલ મીડિયાની બહાર વસે છે. આ બધી સ્ત્રીઓ સુધી પહોંચવું એ ખૂબ જરૂરી છે. જો કે એક વાત ચોક્કસ છે કે સોશ્યલ મીડિયાએ જ આ આખા પ્રશ્નને પહેલી વખત જાહેરમાં એક સામાજિક સમસ્યા તરીકે મૂક્યો છે, જે પોતે જ એક ક્રાંતિ છે. પરંતુ, આ ઝુંબેશને જમીની હકીકતો અને જે વ્યવસ્થાઓ અને કાયદાઓ જરૂરી છે, એની સાથે સાંકળવાની જરૂર છે. છેવટે આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે આપણે લૈંગિક સમાનતાની એવી પરિસ્થિતિ ઊભી કરીએ, જેથી કોઈ સ્ત્રીને જાતીય સતામણી વિશે જાહેરમાં બોલવાની જરૂર જ ન રહે.

બીજું, આવી જોરદાર ઝુંબેશો ક્યારેક એનાથી પણ વધારે આક્રમક પ્રતિક્રિયાનો ભોગ બને છે. આવા પ્રયત્નો પ્રત્યાઘાતી બળોને ભેગાં થવાની તક આપે છે. જેમ સ્ત્રીઓ એકજૂટ થાય છે, એમ પુરુષો પણ પ્રત્યાઘાતી જૂથમાં ભેગા થઈ શકે છે. ગયે મહિને અમરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના સાથી બ્રેટ કાવાનોહ જજ તરીકે નિમાયા. એમની સામે ડૉ. ક્રિસ્ટીન બ્લાઝી ફોર્ડે જાતીય સતામણીના કરેલા આક્ષેપો કોઈ પુરાવા કે પુષ્ટિ ન મળવાથી નકારવામાં આવ્યા. ‘ધ ન્યુ યૉર્કર’માં પત્રકાર જીયા ટોલેન્ટિનોએ લખ્યું કે એમની “નિયુક્તિ ’મી ટૂ’ની ચળવળ હોવા છતાં થઈ એમ કહેવાશે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ નિયુક્તિ ‘મી ટૂ’ને કારણે થઈ. સ્ત્રીઓના અવાજોએ પુરુષોને એટલા ઉશ્કેર્યા છે કે અમેરિકામાં લાંબી ચાલતી આવેલી પુરુષ અને સ્ત્રી વચ્ચેની ઊંચ-નીચના દરજ્જાની સ્થિતિ ફરીથી પ્રસ્થાપિત કરવા તેઓ કૃતનિશ્ચય છે.” કાવાનોહના કેસમાં નિર્ણાયક મત રિપબ્લિકન પાર્ટીનાં મહિલા સભ્યે આપ્યો, એ પણ નોંધપાત્ર છે. પિતૃસત્તા અને જમણેરી રાજકીય તત્ત્વો વચ્ચેનું ગઠબંધન ઘણું મજબૂત છે જે આપણે આપણા દેશમાં પણ જોઈ, અનુભવી રહ્યા છીએ. સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશવિરોધી સ્મૃતિ ઈરાનીનું વિધાન ચોંકાવનારું છે. ‘મી ટૂ’ની  સામે પણ પુરુષોના ઘણા પ્રત્યાઘાતો આવ્યા છે. એમ.જે. અકબરે પ્રતિક્રિયા તરીકે તરત જ પ્રિયા રામાણી પર માનહાનિનો કેસ કર્યો છે. એમને રાજીનામું આપવું પડ્યું એ એક નાનો વિજય છે, પરંતુ આ કેસ વર્ષો સુધી કોર્ટમાં ચાલશે અને સત્તા, વગ તેમ જ પૈસાના જોરે બધું દાબવાનો પ્રયત્ન થશે, જેવું બીજા કેસોમાં થયું છે. જાતીય સતામણી અંગેની પિતૃસત્તા સામેની લડાઈ આમ ઘણી સંકુલ, કઠિન અને લાંબી છે, એ આપણે સમજવું પડશે.

ત્રીજું, ‘મી ટૂ’ હેશટેગનો ઉપયોગ શહેરની શિક્ષિત સ્ત્રીઓએ કર્યો છે. એક શહેરી, મધ્યમવર્ગની વાચાળ સ્ત્રી બોલે છે, તેની પાછળ હજારો સ્ત્રીઓ છે, જે બોલતી નથી કે બોલી શકતી નથી, એમને સોશ્યલ મીડિયા સુલભ નથી. બેશક, આ ઝુંબેશ એ શહેરી, સવર્ણ, મધ્યમવર્ગીય સ્ત્રીઓ સુધી સીમિત છે. જો કે એને લીધે એનું મહત્ત્વ બિલકુલ ઓછું થઈ જતું નથી. પુરુષો દ્વારા થતી સ્ત્રીની જાતીય સતામણી અને હિંસા સામેની આ લડાઈ છે અને જે કોઈ સ્ત્રી – ભલે કોઈ પણ વર્ગ, જાતિ કે ધર્મની હોય – આની સામે અવાજ ઉઠાવે છે  એને દરેક જાતિ કે ધર્મની સ્ત્રીઓ ટેકો આપે છે. દલિત સ્ત્રીઓના સમૂહે આ ઝુંબેશને ટેકો આપ્યો છે, એ જાણવા છતાં કે ‘મી ટૂ’ના ‘મી’માં એમનો સમાવેશ નથી, કેમ કે તેઓ માને છે કે પિતૃસત્તા અને જાતિવાદના પ્રશ્નો સંકળાયેલા છે અને બંનેને અલગ કરીને ન જોઈ શકાય. આ જ રીતે કાશ્મીરી સ્ત્રીઓએ પણ ટેકો આપ્યો છે. દલિત સ્ત્રીઓ અને કાશ્મીરી સ્ત્રીઓનાં નિવેદનો મહત્ત્વનાં છે. દલિત સ્ત્રીઓનો સંઘર્ષ કેવળ પિતૃસત્તા સામે જ નહીં, પરંતુ જાતિવાદ સામે, સવર્ણ પુરુષો સામે, દલિત પુરુષો સામે અને સવર્ણ સ્ત્રીઓ સામે પણ છે, જે દરેક એમનું શોષણ કરે છે. જ્યાં સુધી પિતૃસત્તા સામેની લડાઈ જાતિવાદ સામેની લડાઈ પણ નહીં બને, ત્યાં સુધી પિતૃસત્તાથી મુક્તિ મેળવવી મુશ્કેલ છે કેમ કે આપણા દેશમાં બંનેનાં મૂળ મનુવાદમાં છે.

કાશ્મીરમાં પણ સ્ત્રીઓએ જાતીય સતામણી કરનાર પુરુષોનું લિસ્ટ જાહેર કર્યું છે કે જેથી તેઓ વધારે જવાબદાર બને. તરત જ પુરુષો તરફથી પ્રતિક્રિયા આવી કે આ સ્ત્રીઓ રાજ્યતરફી છે અને પોતે જ સંભોગ કરનારી છે. કાશ્મીરમાં એ મુદ્દો ઉઠ્યો કે અત્યારે જો જાતીય શોષણના પ્રશ્ન સામે સ્ત્રીઓ અવાજ ઉઠાવશે, તો રાજ્ય એનો ગેરલાભ ઉઠાવશે અને બધા કાશ્મીરીઓને વગોવશે. આથી આઝાદીનો પ્રશ્ન ઉકલે નહીં ત્યાં સુધી આ પ્રશ્નને ન છેડવો. પરંતુ સ્ત્રીઓએ કહ્યું કે ‘આઝાદી’ કે ‘આત્મનિર્ણય’નો પ્રશ્ન અને જાતીય સતામણીનો પ્રશ્ન અલગ અલગ કરીને ન જોઈ શકાય. પિતૃસત્તા સામેનો અવાજ એટલો જ અગત્યનો છે, જેટલો આઝાદીનો છે. આમાંથી હિંમત મેળવીને જે.એન.યુ.ની એક વિદ્યાર્થિનીએ કથુઆમાં આસિફા પર સામૂહિક બળાત્કારનો કેસ લડતા જાણીતા કર્મશીલ તાલિબહુસેન પર જાતીય સતામણીનું ખૂબ જ હચમચાવી મૂકે એવું બયાન આપ્યું છે, એ જાણવા છતાં કે પ્રત્યાઘાતી બળો આનો ગેરલાભ ઉઠાવશે. આ બંને નિવેદનો સૂચવે છે કે સ્ત્રીઓના જાતીય સતામણીના પ્રશ્નને જાતિવાદ અને ધર્મના પ્રશ્નથી અલગ કરીને ન જોઈ શકાય. આ મુદ્દો એ પણ દર્શાવે છે કે જાતીય સતામણીનો પ્રશ્ન કેટલો સંકુલ છે અને પિતૃસતા સામેની લડાઈમાં જાતિ, વર્ગ, ધર્મ, વગેરે પ્રશ્નો પણ સંકળાયેલા છે. જાતીય સતામણી સામેના સંઘર્ષમાં આ બધા બીજા અવાજો સામેલ કરવાની જરૂર છે. હમણાં બંગલુરુમાં કર્મચારી સ્ત્રીઓ પોતાની જાતીય સતામણીના અનુભવો અને પ્રશ્નો વિશે વાત કરવા ભેગી થઈ હતી એ આ દિશામાં મહત્વનુ પગલું છે.

છેવટે પ્રશ્ન એ છે કે ’મી ટૂ’ની ઝુંબેશને એના તર્કયુક્ત અંત સુધી કેવી રીતે લઈ જવી? સૌ પ્રથમ તો જે સ્ત્રીઓએ હિમ્મતથી અવાજ ઉઠાવ્યો છે એમને બધી જ મદદ કરવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. જાહેરમાં મદદનાં કેન્દ્રો, કાયદાકીય સલાહ અને બીજી વ્યવસ્થા હોવી જોઈએ જેનો આ સ્ત્રીઓ સંપર્ક કરી શકે. ઉપરાંત એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેથી સ્ત્રીઓ ડર કે સંકોચ વગર બોલી શકે. એમની વાતોને આપણે ધીરજ, સહાનુભૂતિ અને સમજપૂર્વક સાંભળવી જોઈએ જેથી એ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પાછાં મેળવી શકે. અને ખાસ તો આ બધી સ્ત્રીઓને એ એકલી નથી, આપણે બધાં એમની સાથે છીએ એવો અહેસાસ કરાવવો અને માનસિક તેમ જ નૈતિક ટેકો આપવો ખૂબ જરૂરી છે. ‘મી ટૂ’ ઝુંબેશે એ પુરવાર કર્યું છે કે સ્ત્રીઓ હવે ચૂપ રહીને જાતીય અત્યાચારો સહન નહીં કરે. સ્ત્રીઓ માટે જાહેરમાં બોલવાની શક્યતાઓ એણે ખોલી દીધી છે. આ પરિસ્થિતિ અને શક્યતાઓને આપણે વધારે આગળ વધારવાં પડશે.

આ ઝુંબેશમાં શહેરની બહાર ગામોમાં રહેતી સ્ત્રીઓના, જેમને સોશ્યલ મીડિયા ઉપલબ્ધ નથી અને જેઓ અંગ્રેજી જાણતી નથી, અવાજો ઉમેરાવા જોઈએ. છેવાડાની સ્ત્રીઓના અનુભવો સમજવા ખાસ જરૂરી છે. એમને માટે બોલવું મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય છે; કેમ કે એનું પરિણામ કુટુંબ, બિરાદરી અને ગામ તરફથી બહિષ્કાર એ છે. આ ઝુંબેશ કેવળ દરેક સ્ત્રીની અંગત લડાઈ જ નથી પરંતુ ગામ અને શહેરની, દરેક વર્ગ, જાતિ અને ધર્મની, બધી સ્ત્રીઓની પોતાના અધિકારો માટેની સહિયારી લડત છે. ‘મી ટૂ’ની  લડત એ છેવટે ‘વી ટૂ’ની લડત છે જે ભંવરીદેવીના કિસ્સામાં બન્યું હતું.

બીજું, જે વ્યવસ્થાઓ અને કાયદાઓ અસ્તિત્વમાં છે, તેમને વધારે મજબૂત કરવાની અને બદલવાની તેમ જ અનુસરવાની જરૂર છે. જાતીય સતામણી સામેના ૨૦૧૩ના કાયદામાં ઘણી ઊણપો છે, જેમ કે આંતરિક ફરિયાદ સમિતિને સંસ્થાના તંત્રથી કેવી રીતે મુક્ત, સ્વતંત્ર અને તટસ્થ કરવી. ઉપરાંત, દરેક કામના સ્થળે ફરિયાદ-નિરાકરણ માટેનું તંત્ર કામ કરે એ જરૂરી છે. દરેક રાજ્યના મહિલા આયોગની એ જોવાની જવાબદારી છે કે દરેક જિલ્લામાં સ્થાનિક ફરિયાદ સમિતિઓ સ્થપાય અને સ્ત્રી અને બાળકલ્યાણ મંત્રાલય તરફથી એને આર્થિક સહાય મળે. આ સમિતિઓએ કાયદાને અમલમાં મૂકવો જોઈએ અને એ ખાતરી કરવી જોઈએ કે માલિકો એને અનુસરે. આમ થવાથી અસંગઠિત ક્ષેત્રની અસંખ્ય સ્ત્રીઓને ઘણી મદદ મળશે.

આજે સૌથી વધારે જરૂર છે એ વિચારવાની ને ચર્ચવાની કે કામની જગ્યાએ ફરિયાદ કેવી રીતે હાથમાં લેવી? ફરિયાદ નિવારણનું જે તંત્ર છે, એને કેવી રીતે પારદર્શક બનાવવું? સુરક્ષિત અને સલામત વાતાવરણ કેવી રીતે ઊભું કરવું? છેવટે આપણો આશય એ છે કે કામનાં સ્થળો જાતીય સતામણીના ભયથી મુક્ત થાય અને દરેક જગ્યાએ જાતીય સમાનતાનું વાતાવરણ ઊભું થાય. સ્ત્રીઓ બદલો લેવા આવા અવાજો ઉઠાવે છે, એ દલીલ સત્યથી ખૂબ વેગળી છે. સ્ત્રી-ગરિમા સાથે અને પોતાની ક્ષમતા મુજબ કામ કરી શકે, એવું સ્વતંત્ર વાતાવરણ ઈચ્છે છે, નહીં કે યાતનાભરી કાનૂની લડાઈમાં વર્ષો વિતાવવાનું. એની સાથે ખોટું થયું છે એનો સ્વીકાર, માફી કે આવું ફરીથી નહીં થાય, એની ખાતરી પણ ઘણી વખત કામના સંબંધોને સુમેળભર્યા કરી શકે. ગુના માટેની જવાબદારી ચોક્કસ ઠરાવવી જોઈએ. પરંતુ, ‘મી ટૂ’ની લડતનું ધ્યેય છેવટે સ્ત્રીઓ માટે કામનું સુરક્ષિત વાતાવરણ  ઊભું કરવું એ છે. સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા અને ભેદભાવ વગર કામ કરવાના મૂળભૂત અધિકારો માટેનો આ સંઘર્ષ છે.       

E-mail : svati.joshi@gmail.com

(નોંધ : ૩૧ ઑક્ટોબરે ‘અવાજ’ સંસ્થામાં ‘#મી ટૂ’ ચળવળ વિશે યોજાયેલા પરિસંવાદમાં બોલાયેલું.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 08-11

Loading

ડિમેન્શિયા વિષે જાગૃત બનીએ

કૃષ્ણકાંત બૂચ અને આશા બૂચ|Opinion - Opinion|4 December 2018

છેલ્લાં થોડાં વર્ષોથી માનસિક રોગ વિષે જાણકારી વધુ ઉપલબ્ધ થતી જાય છે, અને લોકો તે વિષે જાગૃત પણ થતાં જાય છે. તેમાંની એક બીમારી છે ડિમેન્શિયા. એ શબ્દ સાંભળતાં તમને કયો વિચાર આવે, તેમ પૂછો તો સહુ અલગ અલગ જવાબ આપશે; કોઈ કહેશે વિસ્મૃતિ, તો કોઈને વૃદ્ધાવસ્થા યાદ આવે, કોઈ તેને આલ્ઝાઈમર સાથે પણ સરખાવે. આ પ્રતિભાવો સ્વાભાવિક છે.

દર વર્ષે 21મી સપ્ટેમ્બરનો દિવસ આલ્ઝાઈમર જાગૃતિ માટે ફાળવવામાં આવ્યો છે. આલ્ઝાઈમર ડિમેન્શિયા થવા માટેનું ઘણામાંનું એક કારણ પણ છે. લગભગ સોએક વર્ષથી આલ્ઝાઈમર રોગનાં કારણો માટે સંશોધનો થતાં રહ્યાં છે, પરંતુ તેનું કોઈ એક ચોક્કસ કારણ હજુ સુધી હાથ નથી લાગ્યું. યુનાઇટેડ કિંગ્ડમમાં આશરે 8,50,000 લોકોને ડિમેનશિયા છે, અને દુનિયામાં લગભગ 40 કરોડથી વધુ લોકોને આ રોગનો ભોગ બનવું પડ્યું છે. એટલે કે દુનિયામાં ઘણાં લોકોને આ બીમારીથી મુક્ત કરવા, એ મોટો પડકાર છે.  

કોઈ પૂછે કે ડિમેન્શિયા એટલે શું?

તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. જેમ કે યાદશક્તિ ખોઈ બેસવી, સમસ્યા ઉકેલતી વખતે કે ભાષાનો ઉપયોગ કરતાં મુશ્કેલી અનુભવવી, અને મૂડ, આસપાસનાં વાતાવરણને સમજવાની દ્રષ્ટિ અને વર્તનમાં ફેરફાર થવો. શરૂઆતમાં આ ફેરફાર સામાન્ય લાગે તેવા હોઈ શકે, પણ રોજિંદા જીવનને બહુ ખરાબ અસર કરી શકે. મગજના સામાન્ય કોષોમાં અસાધારણ એવા એમિલોઈડ અને ટાઉ નામના પ્રોટિન જમા થાય, જેથી મગજના કોષો એકબીજા સાથે સંદેશની આપ લે ન કરી શકે અને તેમાં વિકૃતિ આવે.

ડિમેન્શિયાના મુખ્ય ચાર પ્રકારો છે:

આલ્ઝાઈમર, વાસ્ક્યુલર, લુઇ બોડી અને ફ્રન્ટોટેમ્પોરલ. ડિમેન્શિયા થયેલ વ્યક્તિઓની કુલ સંખ્યામાંથી 60-70%ને આલ્ઝાઈમર કારણભૂત હોય છે, 20%ને વાસ્ક્યુલર ડિઝિઝ જવાબદાર હોય છે, 5-10%માં લુઇબોડી અસરકર્તા હોય છે, તો 10-15%ને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા લાગુ પડેલો હોય છે.

આલ્ઝાઈમરમાં મગજમાં પ્રોટિનના ફેરફારને કારણે મગજના જ્ઞાનતંતુઓ સંદેશ ન આપી શકે. સ્ટ્રોક થયા બાદ, લોહીનું પરિભ્રમણ ઓછું થાય, જેથી પ્રાણવાયુ ઓછો મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થાય. લુઈબોડીમાં ચેતા કોષોમાં નાના ગઠ્ઠા જમા થતા હોય છે, જે કેમિકેલ સંદેશવાહકોનું પ્રમાણ ઘટાડે છે, જેમ કે પાર્કિન્સન્સમાં લુઈબોડી જમા થતા હોય છે. ફ્રન્ટોટેમ્પોરલ પ્રકારમાં વર્તન, ભાવાત્મકતા અને ભાષા કૌશલ્ય પર અસર થતી જોવામાં આવે છે.

ડિમેન્શિયાનો રોગ કોને લાગુ પડી શકે?

આમ તો મોટી ઉંમરની વ્યક્તિને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ રહે, પરંતુ 65 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને પણ આલ્ઝાઇમર અને ફ્રન્ટોટેમ્પોરલ ડિઝીઝને કારણે ડિમેન્શિયા થઇ શકે. યુનાઇટેડ કિંગ્ડમમાં એ સંખ્યા 42,000ની છે. ભારતમાં પણ આ બીમારીનો આંક ઊંચો ચડતો જાય છે. ખરા અર્થમાં આ એક વૈશ્વિક સમસ્યા બનતી ચાલી છે. મોટી ઉંમરની વ્યક્તિને થાય તેના કરતાં નાની ઉંમરના લોકોને થતા રોગને કારણે તેની કૌટુંબિક, સામાજિક અને આર્થિક અસરો તેમના કુટુંબ અને સમાજ પર ઘેરી થતી હોય છે. ઘણી વખત નાનાં બાળકોને તેમનાં માતા કે પિતાને અથવા વૃદ્ધ માતા-પિતાને પોતાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારી આવી પડતી હોય છે. વળી આ બાબત સાથે સંકળાયેલ કેટલાક ખ્યાલો પણ દરદી અને તેના સહાયકો માટે મુશ્કેલી ઊભી કરતાં હોય છે.

ડિમેન્શિયાની એક વ્યાખ્યા કઇંક આવી છે:

“ડિમેન્શિયા એ એક એવી બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટે વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે જે મગજના કોષોના સતત અને રોકી ન શકાય તેવા નાશને પરિણામે બનતું હોય છે.”

સ્મૃિતભ્રંશ એટલે વારંવાર કોઈ વાત ભૂલી જવી એમ આપણે માનીએ છીએ. તો શું સ્મૃિતભ્રંશ એટલે જ ડિમેન્શિયા? કેટલીક વાતો ક્યારેક ભુલાઈ જાય તે સ્થિતિ છે જે વધતી ઉંમરને કારણે બની શકે. જ્યારે તાજેતરમાં બનેલ ઘટના કે વાત વારંવાર ભૂલી જઈએ એ ડિમેન્શિયાનું એક લક્ષણ છે. એવાં બીજાં અનેક લક્ષણો છે. રોજબરોજનાં કાર્યો જેવાં કે જાતે તૈયાર થવું, ચા બનાવવી કે રોજિંદા કાર્યો કરવામાં ભૂલ થાય. ઘણી વખત વ્યક્તિ ખોટા ક્રમમાં એ કામ કરે જેમ કે નાહ્યાં પહેલાં દિવસનાં કપડાં પહેરી લે અથવા લીધેલ કામ પૂરું ન કરે, જેમ કે શાક સમારીને વઘારતાં ભૂલી જાય. એ જ રીતે જે કહેવું હોય તે માટેના યોગ્ય શબ્દો ભુલાઈ જાય અથવા કોઈ કઇં કહે તે બરાબર સમજી ન શકે; વળી કેટલાકને સમય અને સ્થળનો ખ્યાલ ન રહે, જેમ કે રાત્રે ત્રણ વાગે નાહવાં જતાં રહે અથવા તૈયાર થયાં પછી બહાર જવાને બદલે પથારીમાં સૂઈ જાય. મોટી મુશ્કેલી ત્યારે જણાય જ્યારે નિર્ણય શક્તિ નબળી થવા લાગે, જેમ કે શિયાળામાં ઉનાળાના કપડાં પહેરી બહાર જવાં લાગે અને જો તેમ કરતાં કોઈ રોકે તો નારાજ થાય. બીમારી આગળ વધે ત્યારે ટ્રાફિકના જોખમનો ખ્યાલ ન રહે એવું પણ બને. બીજું ઉદાહરણ, ન જોઈતી વસ્તુઓની વધુ પડતી ખરીદી કરે અને બીજાંને દાન આપી દે કે બેંકમાં પૈસા ન હોય તો પણ ચેક લખી આપે અથવા બે વખત ચુકવણું કરી બેસે.

આ બીમારીના ભોગ બનેલને એવું પણ બનવા લાગે કે પોતાની વસ્તુઓ ક્યાં મૂકી છે તે ભુલાઈ જાય, જેમ કે ચશ્માં, દવા, બેટરી વગેરે અને તેમ થવાથી નારાજ થઇ જાય, વસ્તુઓ ગમે ત્યાં મુકાઈ જાય અને પરિણામે મૂંઝવણ થાય. અધૂરામાં પૂરું બીજા પર શક કરવા લાગે અને પોતાની પાસે જે વસ્તુ ન હોય તે પણ શોધવા લાગે. એવું પણ જોવામાં આવે કે એ વ્યક્તિનાં મૂડ અને વર્તનમાં બદલાવ આવે. કોઈ વ્યક્તિ કે વસ્તુ ઓળખવામાં મુશ્કેલી પડવાં લાગે. છેવટ દરદીની નોકરી અને સામાજિક સંબંધો પણ  છૂટી જાય તેવું બને.  આવાં લોકો ધીમે ધીમે વધુને વધુ એકલાં રહેવા લાગે, સૂતાં રહે અને કશામાં રસ ન લે. ગુસ્સો, ઉદાસી અને ભય તેમને ઘેરી વળે.

ડિમેન્શિયા થવાં માટે જોખમી પરિબળોમાંનું સહુથી મોટું પરિબળ છે, વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત જેને બદલી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવાં બીજાં પરિબળો છે; જેવાં કે ધુમ્રપાન, પ્રમાણ કરતાં વધુ આલ્કોહોલનું સેવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, હતાશા, બહેરાશ, સમાજ સાથે સંબંધ છૂટી જવો અને શિક્ષણનો નીચો આંક. 35થી 65 વર્ષની ઉંમરમાં જીવન પદ્ધતિ પ્રતિકૂળ હોવાને કારણે આ બીમારી થતી હોય છે. જોવાનું એ છે કે ડિમેન્શિયાનાં નિદાન માટે લોહીની તપાસ કે અન્ય તપાસ નથી હોતી. સામાન્ય વર્તણુકમાં જણાતાં ચિન્હો જ ડિમેન્શિયાની તકલીફ શરૂ થઇ હોવાનું સૂચવે છે.

તો શું ડિમેન્શિયા થતું અટકાવી શકાય?

ઉપર જે પરિબળો જોયાં તેમાંના 35% વિષે આપણે કઇંક કરી શકીએ તેમ છીએ. શરીર અને મગજને વૃદ્ધવસ્થાની અસર ઓછી થાય કે મોડી થાય તે માટે સક્રિય બનવું જરૂરી છે, કેમ કે હવે સામાન્ય આયુષ્ય મર્યાદા વધી છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે આ બાબતમાં પ્રયત્નો કરી શકાય. દાખલા તરીકે ધુમ્રપાન અને આલ્કોહોલ જેવાં માદક દ્રવ્યોનાં વ્યસનથી મુક્ત થવું, શારીરિક પ્રવૃત્તિઓ અને કસરત તથા યોગાસન કરતાં રહેવું, જેથી મગજ તેનાં કાર્યો સારી રીતે કરી શકે; તથા સમતોલ આહાર લેવો જેથી ડાયાબિટીસ, મેદસ્વીપણું અને બ્લડ પ્રેશરને દૂર રાખી શકાય. બેઠાડું જીવનને બદલે પ્રવૃત્તિમય રહેવાથી રોજિંદાં કાર્યો કરવાની શક્તિ જળવાઈ રહે, હતાશાનો ભોગ ન બની જવાય અને બીજાં સાથે સંપર્કમાં રહેવાથી પ્રસન્નતા જળવાઈ રહે જે આવા શારીરિક અને માનસિક રોગને નિવારવા ઘણું ઉપયોગી થાય. આપણાં જેવાં લોકો પોતાના જીવનના અનુભવો સહેલાઈથી વ્યક્ત કરે છે, કુટુંબ અને સમાજમાં હળતાં મળતાં રહે છે અને ઊંઘ કે ભૂખના દરદોથી ઓછાં પીડાય છે તે ચાલુ રાખવું જોઈએ. પરંતુ શરીરને સક્રિય રાખવું, કોઈ જાતનાં દબાણ અને ચિંતાથી દૂર રહેવું, નવું નવું શીખવાની અને બનાવવાની ટેવ પાડવી અને મગજને સતેજ રાખે તેવી રમતો રમવી. આ બધું જ કરવાથી મગજના તંતુઓનાં જોડાણ સારાં રહે અને તેનાથી cognitive કાર્યો સારી રીતે થતાં રહે છે. આમ તો એક સૂત્ર યાદ રાખવા જેવું છે “જે તમારાં હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે.”

એટલું ચોક્કસ છે કે આવાં જોખમો ઊભાં કરતાં પરિબળો વિષે પગલાં લેવામાં ઉંમરનો બાધ નથી અને તેનો ફાયદો થવા માટે કયારે ય મોડું નથી થતું હોતું. તમને અનુકૂળ હોય તેવા ફેરફારો કરવા ફાયદાકારક હોય છે. પરિવારનાં સભ્યોના સાથ સહકારથી જરૂરી ફેરફારોનો અમલ કરી શકાય.

હવે સવાલ એ પણ થાય કે ડિમેંશિયાના નિદાન પછી સારી રીતે જીવન જીવી શકાય?

જરૂર, સારી રીતે જીવન જીવી શકાય. ડોક્ટરનો સંપર્ક જરૂરી છે જેથી તેમની સાથે ચર્ચા કરવાથી જરૂરી મદદ મળતી હોય છે. સામાન્ય સ્વાસ્થ્ય સારું રાખવું પણ મદદરૂપ થઇ પડે જેમ કે નિયમિત રીતે આંખ અને કાનની તપાસ કરાવવી અને દર વર્ષે ફ્લુનું ઈન્જેકશન લેવું. યાદશક્તિ નબળી પડી હોય તો ચાવી અને ચશ્માં એક જગ્યાએ દેખાય તેમ રાખી શકાય કે દવાનું વિકલી પેક વગેરે થઇ જ શકે. મનને સ્વસ્થ રાખવા જેનો આનંદ માણી શકતાં હોઈએ તેવી પ્રવૃત્તિ કરી શકીએ તે પણ ચાલુ રાખી શકાય. હતાશા થાય તો ટોકિંગ થેરપી જરૂર મેળવી શકાય. રોજિંદાં કાર્યો જો ન થતાં હોય, તો ઓક્યુપેશનલ થેરપિસ્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે. ઘરને સુરક્ષિત બનાવવું જરૂરી છે જેમ કે સ્મોક એલાર્મ અને કાર્બન મોનોક્સાઈડ ડિટેક્ટર હોવાં સલામતી માટે જરૂરી છે. ઘરમાં વ્યક્તિ સલામત રહીને સહેલાઈથી હરીફરી શકે તેવી વ્યવસ્થા કરવાથી જોખમ ટાળી શકાય.

ડિમેન્શિયા વિશેના અભ્યાસો પરથી એવું પુરવાર થયું છે કે નાનાં લાગતાં એવાં સાત પગલાં લેવાથી એ બીમારીના ભોગ બનેલને ઘણો ફાયદો થતો હોય છે. તેમની સાથે વાતો કરવી, તેમની વાતો ધીરજથી સાંભળવી, તેમને આપણા વાર્તાલાપોમાં સામેલ કરવાં, બને તેટલી વધુ વાતચીત અને પ્રવૃત્તિઓમાં તેમને સાથે લેવાં, કોઈ મદદની જરૂર છે કે નહીં તે પૂછવું, કઈં કામ કરતાં વાર લાગે તો ધીરજ ધરવી, તેમને થયેલ ડિમેન્શિયા વિષે પ્રશ્નો પૂછવા અને તેમની સંભાળ રાખતાં સ્વજનની પણ દરકાર કરવાથી દરદી અને તેમનાં સ્વજનને ખૂબ જ  રાહત મળતી હોય છે.

અત્યાર સુધી આપણે જે વાતો કરી તેના પરથી એટલું સમજાયું હશે કે

ડિમેન્શિયા થવું એ વૃદ્ધાવસ્થાનું કુદરતી કારણ નથી.

ડિમેન્શિયા મગજના રોગને પરિણામે આવતી બીમારી છે.

ડિમેન્શિયાનો એક સામાન્ય પ્રકાર તે આલ્ઝાઈમર રોગ છે.

ડિમેન્શિયાની સ્થિતિ બદતર થતી જાય અને તેનાં ચિન્હો વધુને વધુ ગંભીર થતાં જાય.

આલ્ઝાઈમરના રોગમાં સામાન્ય રીતે વ્યક્તિની ટૂંકા ગાળાની સ્મૃતિ પર અસર થાય છે

ડિમેન્શિયા એ માત્ર સ્મૃતિભ્રંશ જ નથી.

ડિમેન્શિયાને કારણે માણસનો દ્રષ્ટિકોણ પણ બદલાતો હોય છે.

ડિમેન્શિયાનો ભોગ બનેલ વ્યક્તિ બીજાં સાથે સારી રીતે વાતચીત પણ કરી શકે તેવું બને.

દર ચૌદમાંથી એક વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બનેલ હોય છે, તેવું મનાય છે.

ડિમેન્શિયાની પાછળ એક આદરણીય વ્યક્તિ પણ હોય છે.

‘ડિમેન્શિયા મિત્ર’ બનવું એટલે પોતાની સમજણ અને જાણકારીને અમલમાં મુકવી.

આ બીમારી વિષે વધુ જાણકારી મેળવી પરિવાર અને સમાજનાં લોકોને મદદરૂપ થઇ શકાય અને બ્રિટનમાં વસતાં પૂરેપૂરા ગુજરાતી સમાજને ‘ડિમેન્શિયા ફ્રૅન્ડલી બનાવી શકાય.

[માન્ધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિેયેશન, વેમ્બલી સંચાલિત ‘ડે સેન્ટર’માંની રજૂઆત; 28 નવેમબર 2018]

e.mail : 71abuch@gmail.com

Loading

લહેજતની લહાણ

દીપક બારડોલીકર|Poetry|4 December 2018

હું છું શાકાહારી
મારી દુનિયા લીલીછમ !

ને નસ-નસમાં
છે ધરતીનાં
રસકસ – દમખમ !

*

તારી વાતો છે રસબસ
મીઠ્ઠા તારા બોલ !

જાણે લહેજતદાર ચટકતી
તમતમતી વાલો ળ !

*

ખાઓ તો ખરા
તાજા રતાળુના
મસાલેદાર શાકને.
ભૂલી જશો,
ચીકનને, સીકકબાબને !

*

અમસ્તા
ખાઓ નહીં ભાવ,
આવો, બેસો આ પાટલે
તૈયાર છે તુવેરપુલાવ !
થોડુંક ચાખશો,
તો સો વાર માંગશે !

Loading

...102030...3,0353,0363,0373,038...3,0503,0603,070...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved