Opinion Magazine
Number of visits: 9969449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમયના પ્રવાહમાં તમે અલ્પવિરામ તરીકે આવ્યા છો, ભાઈ, પૂર્ણવિરામનો ભાર વેંઢારીને શા માટે ભારમાં રહો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 December 2018

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારમાંના વરિષ્ઠ નેતાઓએ એક વાત સમજી લેવાની જરૂર છે કે લોકોના મનમાં શાસકો વિશેનો અભિપ્રાય બનાવનારા અનેક પરિબળો હોય છે, માત્ર પ્રચાર નથી હોતો. એક બાજુ હજારો કરોડ રૂપિયા પબ્લિસિટી પાછળ ખર્ચવામાં આવે, ઠેકઠેકાણે વડા પ્રધાનના ફોટા સાથે હોર્ડિંગ્સ મૂકવામાં આવે, ગોદી મીડિયા પર દેકારો બોલાવવામાં આવે અને બીજી બાજુ કવરાવનારા નક્કર પ્રશ્નોનો સામનો કરવાની જગ્યાએ ભાગવામાં આવે તો એનાથી જે ઈમેજ બને છે એ ભાગેડુની બને છે, પુરુષાર્થીની નથી બનતી. કોણ જાણે કેમ, પણ આ સાદી વાત તેમને સમજાતી નથી. કડવી વાસ્તવિકતાથી દૂર ભાગવાનો વડા પ્રધાનનો સ્વભાવ લાગે છે કે પછી કોઈ સવાલ કે શંકા કરે એમાં તેઓ નાનપ અનુભવતા લાગે છે.

ઉકરડા પર જાજમ બિછાવી દેવાથી કે સવાલ કરનારનો અવાજ દબાઈ જાય એટલી હદે બીજી બાબતે ફાલતું ઘોંઘાટ કરાવવાથી ઉકરડો અને સવાલનાં અસ્તિત્વ ખતમ નથી થવાનાં. એ બન્ને પોતાની જગ્યાએ કાયમ રહે છે અને પગના જોડાના ડંખની માફક સતાવ્યા જ કરે છે. આ ટેક્ટિકમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે એ વાત તેમને સમજાતી નથી. સતત, એકધારી, કંટાળો આવે એ રીતે, એકની એક ટેક્ટિક અપનાવવામાં આવે તો કોઈને પણ ત્રાસ થાય અને ભક્તમાં જો થોડી બુદ્ધિ હોય તો શંકા પણ કરતો થાય કે એવું શું છે કે તેમના સિવાય બીજા કોઈનો ય અવાજ આપણા કાન સુધી પહોંચવા દેવામાં આવતો નથી. વિરોધીઓનો તો ઠીક તેમના પોતાના લોકોનો અવાજ પણ રૂંધવામાં આવે છે? જરૂર આ દેશપ્રેમ અને રાષ્ટ્રવાદના ઘોંઘાટની પાછળ એવું કશુંક બની રહ્યું છે જે આપણા કાન સુધી ન પહોંચે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.

આનું દેખીતું પરિણામ એ આવે કે માત્ર બેવકૂફ જ મંજીરા લઈને ઘોંઘાટમાં વધુ ઘોંઘાટનો ઉમેરો કરવા મંડી પડે, પણ જેનામાં થોડીક બુદ્ધિ હોય એ ત્યાંથી ધીરેકથી સરકીને રોકવામાં આવતા ઝીણા અવાજોને સાંભળવા દૂર જતો રહે. આ માનવસ્વભાવ છે. માણસને માઈકમાં થતી વાત કરતાં કાનમાં થતી વાત સાંભળવી બહુ ગમે છે. તો બને છે એવું કે ભગવાનની આરતી ઉતારનારા સત્સંગ હૉલમાં એ જ લોકો બચે છે, જેમને આરતી ઉતારવાના પૈસા મળતાં હોય અથવા કંઠીધારી ભક્તો હોય. અંગ્રેજીમાં આને કન્વીન્સિગ ધોઝ હુ આર ઓલરેડી કન્વીન્સ્ડ કહેવામાં આવે છે. અતિરેક હંમેશાં નુકસાનકારક નીવડે છે. જે શંકા કરતો ન હોય એ પણ શંકા કરવા લાગે છે. બીજાને નાના ચિતરીને રોજ ચોવીસે કલાક સાહેબને મોટા શા માટે મોટા ચિતરવામાં આવે છે એવો પ્રશ્ન સ્વાભાવિકપણે થાય છે.

આનું બીજું પરિણામ એ આવે છે કે અવાજ ગમે એટલો ઝીણો હોય, તેનું અસ્તિત્વ મિટાવી શકાતું નથી અને કર્ણોપકર્ણ છેલ્લા માણસ સુધી પહોંચે જ છે એમ ઉકરડાને ગમે એટલો ઢાંકવામાં આવે એ તેની હાજરી બતાવે જ છે. અરે ભાઈ, ગામમાં રહેનારા માણસને પોતાનું ગામ કેવું છે એની જાણકારી ન હોય? મંદિરોનું સુશોભન કરો, ચોવીસે કલાક રામધૂનની રમઝટ બોલાવો, રોજેરોજ ભંડારા કરો, શ્રી શ્રી રવિશંકર જેવા પાળીતાઓનાં પ્રવચનો ગોઠવો, પાલખીઓ કાઢો અને ઉત્સવો ઉજવો; પણ પેલા ઉકરડાનું શું? સરઘસ જ્યારે ઉકરડાની નજીકથી પસાર થાય ત્યારે વાસ તો આવવાની જ છે. જરાક વાસ આવી નહીં કે એક સરઘસી બીજા સરઘસીની આંખમાં પ્રશ્નવાચક દૃષ્ટિથી જોશે. આ પ્રશ્નવાચક દૃષ્ટિ શબ્દમાં ફેરવાય નહીં અને ફેરવાય તો બીજા કાને પહોંચે નહીં એ માટે સત્સંગીઓ હજુ વધુ મોટા અવાજમાં જયનાદ શરૂ કરશે.

આ ચવાઈને ચૂંથો થઈ ગયેલી બહુ જૂની ટેક્ટિક છે જેનો તાત્કાલિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી બજારમાં ટકવું હોય તો નક્કર જણસ હોવી જોઈએ, તેની ગુણવત્તા હોવી જોઈએ, ટકાઉ હોવી જોઈએ, ધંધાના નીતિ-નિયમ પાળવા જોઈએ, શેઠના શબ્દની કિંમત હોવી જોઈએ વગેરે. આ બધું હોય ત્યારે શાખ બને છે. માત્ર માર્કેટિંગનો ઘોંઘાટ કરવાથી થોડા દિવસ દુકાન ચાલી પણ જાય, લાંબો સમય ન ચાલે. તો આ ટેક્ટિકમાં નુકસાન એ છે કે છેલ્લે સત્સંગ હૉલમાં એ લોકો જ બચે છે જેમને અક્કલ સાથે દુશ્મની હોય.

સમજદારી અને પુરુષાર્થ બન્ને મુકાબલો કરવામાં છે. વિરોધી અવાજોને પ્રગટ થવા દેવામાં છે અને તેનો પ્રતિવાદ કરવામાં છે. સમજદારી ઉકરડાના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં છે અને તેને કઈ રીતે દૂર કરી શકાય અથવા સરકાર દૂર કરવા સારુ શું પ્રયત્ન કરવા ધારે છે એની વાત કરવામાં છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ દરેક માણસ જાણે છે એમાં તમે કારણ વિના નાનપ શા માટે અનુભવો છો? એ ઉકરડો તમે એકલાએ ક્યાં પેદા કર્યો છે? ઉત્તરોત્તર સુખાકારી માટેનો પુરુષાર્થ એ સમાજની અને શાસનની નિરંતર પ્રક્રિયા છે. એમાં એક કે બે મુદ્દત માટે ફાળો આપવાનો અને એ પ્રક્રિયાનું નેતૃત્વ કરવાનો તમને મોકો આપવામાં આવ્યો છે એટલું જ. તમારાં પહેલાં પણ નાનામોટા પોતપોતાના ગજા મુજબનાં પુરુષાર્થીઓ થઈ ગયા અને તમારા પછી પણ થવાના છે એની વચ્ચે અલ્પવિરામ તરીકે તમે આવ્યા છો તો કારણ વિના પૂર્ણવિરામનો ભાર શું કામ ઢસરડો છો?

અશુભ જોઇને આંખ મીંચી દેવાથી અને ન ગમતા અવાજો રોકવા કાનમાં રૂનાં પૂંમડાં ભરાવવાથી અશુભ અને અવાજ બન્નેનું અસ્તિત્વ સમાપ્ત નથી થવાનું. લોકો સુધી એ અશુભ અને એ અવાજ ન પહોંચે એ માટે જો વધારે પડતા આંખ-કાનમાં વાગે એવા પ્રયત્નો કરવામાં આવશે તો એ વધારે ઝડપથી પહોંચશે. આ સમાજનો દસ્તુર છે. આના કરતાં મુકાબલો કરવો જોઈએ. એમાં પુરુષાર્થ છે અને લોકોને પણ પ્રમાણિક, જમીન પર બે પગ રાખીને ઊભનારો, પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમનારો, લોકોને દરેક નિર્ણાયક વળાંકે વિશ્વાસમાં લેનારો, શંકાઓનું સમાધાન કરનારો, હામમાં વધારો કરનારો નેતા ગમતો હોય છે. આને પુરુષાર્થ કહેવાય અને પેલી ભાગેડુવૃત્તિ કહેવાય. 

નરેન્દ્ર મોદીએ પત્રકારોને મળવું જોઈએ, તેમના પ્રશ્નો લેવા જોઈએ, સંસદમાં બેસવું જોઈએ, ચર્ચામાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ, વિરોધ પક્ષના નેતાઓને મળતાં રહેવું જોઈએ, નાગરિક સમાજ સાથે સંવાદ રાખવો જોઈએ, નિષ્ણાતોના અભિપ્રાયો માગવા જોઈએ અને સાંભળવા જોઈએ, ખુશામતખોરો કરતાં નિંદકોની વાત સાંભળવી જોઈએ, એન.ડી.ટી.વી. જેવી ચેનલો પર પક્ષના પ્રવક્તાઓ મોકલવા જોઈએ અને ક્યારેક લોકોની વચ્ચે પોતાની જાત પર પણ હસી લેવું જોઈએ. સમયના પ્રવાહમાં તમે અલ્પવિરામ તરીકે આવ્યા છો ભાઈ, પૂર્ણવિરામનો ભાર વેંઢારીને શા માટે ભારમાં રહો છો?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 ડિસેમ્બર 2018

Loading

ચૂંટણી પરિણામો બતાવે છે કે સ્વામીનાથન્‌ આયોગની ભલામણોનો સત્વરે અમલ અનિવાર્ય છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|15 December 2018

વિશ્વવિખ્યાત કૃષિવિજ્ઞાની સ્વામીનાથન્‌ના કમિશનને તેનો અહેવાલ રજૂ કર્યે બાર વર્ષ થયાં તેની ભલામણોના અમલની વાત તો બાજુ પર પણ સરકારોએ, તેને સંસદમાં ચર્ચા માટે પણ મુક્યો નથી.

વિધાનસભાઓની તાજેતરની ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ની હારનું એક મુખ્ય કારણ ખેતીની દુર્દશાને ગણવામાં આવ્યું છે. હમણાં સાત મહિના પહેલાં એટલે કે મે મહિનાના આખરે રાજસ્થાનનાં કોટાની આસપાસનાં વિસ્તારમાં પાંચ ખેડૂતોએ, ડુંગળીના બંપર પાક પછી, વાજબી ભાવ ન મળતાં આપઘાત કર્યો હતો. ઑગસ્ટમાં એક ખેડૂતે આર્થિક પરિસ્થિતિ કફોડી થતાં જિંદગી ટૂંકાવી હતી. મધ્યપ્રદેશમાં બે વર્ષ પૂર્વે એટલે કે 2016માં દર આઠ કલાકે એક ખેડૂતની આત્મહત્યા નોંધાઈ હોવાની માહિતી કેન્દ્રના રાજ્ય કક્ષાના પંચાયતી રાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતાના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ માર્ચ મહિનામાં લોકસભામાં આપી હતી. આમાંથી ઘણાં મોત જે  માળવા-નિમાડ પંથકમાં થયા છે ત્યાં કૉન્ગ્રેસે 61માંથી 23 બેઠકો પર જીત મેળવી છે. આ પહેલાંની ચૂંટણીઓમાં અહીં કૉન્ગ્રેસની માત્ર 8 બેઠકો હતી. બાર જિલ્લાને આવરી લેતાં પશ્ચિમ મધ્ય પ્રદેશના માળવા-નિમાડમાં મંદસૌર જિલ્લો પણ આવી જાય છે. મંદસૌરમાં પાંચમી જૂન 2017ના રોજ ખેડૂતોએ પાકના ભાવની માગણી માટે કાઢેલી રેલી પર પોલીસે કરેલા ગોળીબારમાં છ કિસાનોનાં મોત થયાં હતાં. વક્રતા એ છે કે આ જ મંદસૌર જિલ્લાની ત્રણેય બેઠકો ભા.જ.પ. પાસે જ રહી છે. પૂર્વ રાજસ્થાનના હડૌતી પંથકમાં કૉન્ગ્રેસે 17માંથી 7 બેઠકો જીતી છે. અહીં અત્યાર સુધી કૉન્ગ્રેસની એક જ બેઠક હતી. આ વિસ્તારમાં લસણના બમ્પર પાક છતાં સરકારે તે  ખરીદવાની પોતાની  મુદ્દત ન વધારતાં ખેડૂતો હાલાકીમાં આવી ગયા હતા. છત્તીસઢમાં ડિસેમ્બરના અંત સુધીના અઢી વર્ષમાં તેરસો જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા હતા. રાજ્ય સરકારે ખેડૂતોના અસંતોષને ખાળવા સપ્ટેમ્બરમાં ડાંગર પર ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયાનું બોનસ જાહેર કર્યું હતું.

ગયા મહિનાની આખરે દિલ્હીમાં કિસાન-મુક્તિ કૂચમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પણ હતા. તેમાંથી ઘણાં એવા હતા કે જે મતદાન કરીને તરત જ રેલીમાં જોડાવા દિલ્હી તરફ રવાના થયા હોય. એ કૂચના કવરેજમાં ખેડૂતોની જે માગણીઓ હતી તેમાં સર્વત્ર એક માગણી વારંવાર જોવા-સાંભળવા મળતી હતી. રેલીમાં ચાલી રહેલા કિસાનો ટેલિવિઝન પરની બાઇટમાં પોતપોતાની ભાષામાં અને લહેકામાં વાત કરતા હતા. તેમાં ઓછામાં ઓછું એટલું તો સમજાતું હતું કે તેઓ સ્વામીનાથન્‌ કમિશનની ભલામણોના અમલની માગણી કરી રહ્યા છે.

મનમોહન સિંગની આગેવાની હેઠળની સરકારે નવેમ્બર 2004માં વિશ્વવિખ્યાત કૃષિવિજ્ઞાની એમ.એસ. સ્વામીનાથનના અધ્યક્ષપદે નૅશનલ ફાર્મર્સ કમિશનની રચના કરી. તેનો હેતુ દેશમાં ખેતી પર આવી પડેલી આપત્તિનો ઉકેલ લાવવાનો હતો. ખેતીમાં નજીવી આવકને કારણે અનેક રાજ્યોમાં સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. વિરલ પત્રકાર પી. સાઈનાથના અભ્યાસ મુજબ 1997 થી 2005 દરમિયાન ભારતમાં દર અરધા કલાકમાં એક ખેડૂતે જિંદગી ટૂંકાવી હતી. આ કટોકટીમાં સ્વામીનાથન્‌ આયોગે તેનો પહેલો અહેવાલ ડિસેમ્બર 2004માં અને પાંચમો (અને અત્યાર સુધીમાં) આખરી અહેવાલ ઑક્ટોબર 2006માં આપ્યો.

સ્વામીનાથન્‌ અહેવાલની ભલામણોમાં સહુથી જાણીતી ભલામણ ખેડૂતને ખેતીના ઉત્પાદન ખર્ચ કરતાં પચાસ ટકા વધારે ભાવ આપવા અંગેની છે. જો કે, ખેડૂત-આપઘાતો અટકાવવા અંગે પણ આયોગે ગંભીર વિચારણા કરી છે. તે સૂચવે છે કે સરકારે નૅશનલ રુરલ હેલ્થ મિશનને આત્મહત્યાનું ઊંચું પ્રમાણ ધરાવતાં પંથકોમાં સત્વરે વિસ્તારવું જોઈએ. વળી, ગામડાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પોષાઈ શકે તેવો સ્વાસ્થ્ય વીમો મળી રહે તો પણ પરિસ્થિતિમાં ફેર પડી શકે. આજિવિકા માટે પૈસા મળી રહે તેવી માઇક્રો-ફાઇનાન્સ પૉલિસી અને ઘડપણમાં સ્વાસ્થ્ય વીમા સહિતનો ટેકો રહે તેવી સામાજિક સુરક્ષા નીતિ પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે. જળસંચય અને પાણીના વિકેન્દ્રીત ઉપયોગ માટેની યોજનાઓ અને ખેડૂત પ્રતિનિધિઓ સાથેના રાજ્ય કૃષિ આયોગની સક્રિયતા પર પણ આયોગ ભાર મૂકે છે. 

કમિશને જમીન નીતિ સુધારણા(લૅન્ડ રિફૉર્મ્સ)ને પણ ઘણું મહત્ત્વ આપ્યું છે. તેના મતે ખેડૂતોને ખેતી અને પશુપાલન બંને માટે જમીન મળે તે જરૂરી છે. જમીનની માલિકી અને વહેંચણીમાં દેશમાં અત્યારે બહુ અસમાનતા છે તે દૂર કરવા માટે વધારાની અને પડતર જમીનો ખેડૂતોને આપી દેવી જોઈએ એમ આયોગ માને છે. એટલું જ નહીં, તે એમ પણ જણાવે છે કે ખેતી અને જંગલની જમીન કૉર્પોરેટ સેક્ટરને ખેતી સિવાયના ઉપયોગ માટે ન આપવી જોઈએ. આદિવાસીઓ અને પશુપાલન પર નભતા સમૂહોને જમીન પર ચરિયાણ માટે અને મોસમ પ્રમાણે ખેતી માટે અધિકાર આપવા જોઈએ. તદુપરાંત તેમના માટે સામૂહિક સંપત્તિ સંસાધનો (કૉમન પ્રૉપર્ટી સિસોર્સેસ) સુલભ બનાવવાં જોઈએ. આયોગે નૅશનલ લૅન્ડ યુઝ એડવાઇઝરી સર્વીસની રચનાની પણ ભલામણ કરી છે. આ એજન્સીનું કામ પર્યાવરણ, હવામાન અને બજારનાં પરિબળોને ધ્યાનમાં રાખીને  જમીનના ઉપયોગનો નિર્ણય લેવા અંગેનાં સૂચનો કરવાનું રહે છે.  

ખેડૂતોને સિંચાઈનું પાણી લાંબા ગાળા માટે અને એક સરખા પ્રમાણમાં મળે તેવી આયોગની ભલામણ છે. આયોગે સારી સિંચાઈ માટે જે માર્ગો સૂચવ્યા છે તેમાં અંદાજપત્રમાં વધુ રકમની ફાળવણી, વરસાદી પાણીનો સંચય, એક્વિફર્સ(ખડક-પડ થકી જળસંચય પદ્ધતિ)ને ફરજિયાત બનાવીને પાણીના સ્તરનાં રિચાર્જિન્ગ અને ‘મિલિયન વેલ્સ રિચાર્જ પ્રોગ્રામ’નો સમાવેશ થાય છે. આયોગની દૃષ્ટિએ ઉત્પાદકતામાં વધારા માટે સરકારે ખેતી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર મૂડીરોકાણમાં મોટા પાયે વધારો કરવો જોઈએ.

આ માળખાગત સુવિધાઓમાં સિંચાઈ, જળસંચય, જમીનની ગુણવત્તા સુધારણા, કૃષિ સંશોધન અને રસ્તા બાંધકામ જેવી બાબતોનો સમાવેશ થાય છે. જમીનની ગુણવત્તાના અભ્યાસ માટે જમીન ચકાસણી પ્રયોગશાળાઓ સૉઇલ ટેસ્ટિન્ગ લૅબોરેટરિઝનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. ધીરાણ અને વીમાની બાબતમાં આયોગ ફૉર્મલ ક્રેડિટ સિસ્ટમના વ્યાપમાં વધારો, પાક માટેનાં ધીરાણનો 4% વ્યાજ દર અને દેવાની વસુલાત પર રોક લગાવવાની ભલામણ કરે છે. ઉપરાંત મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડસ, પાક-પશુધન-ખેડૂતના સ્વાસ્થ્ય માટેની સંકલિત વીમા યોજના, બધા પાક માટે ઓછા પ્રિમિયમવાળી વીમા યોજનાનાં સૂચનો પણ આયોગે કર્યાં છે.

અન્ન સુરક્ષા માટે આયોગની ભલામણો આ મુજબ છે: સાર્વત્રિક  જાહેર અન્ન પૂરવઠો, ન્યુટ્રિશન સપોર્ટ પ્રોગ્ર્રામનું પંચાયતો તેમ જ સ્થાનિક સંસ્થાઓ થકી અમલીકરણ, મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગ્રુપ દ્બારા ચલાવવામાં આવતી સામૂહિક અન્ન અને પાણી બેન્ક, ફૂડ ફોર વર્ક અને એમ્પ્લૉયમેન્ટ ગૅરેન્ટી પ્રોગ્રામ જેવી બાબતો સાથેના નૅશનલ ફૂડ ગૅરેન્ટી ઍક્ટની રચના.

સ્વામીનાથન્‌ કમિશનને તેનો અહેવાલ રજૂ કર્યે બાર વર્ષ થયાં. તેની ભલામણોના અમલની વાત તો બાજુ પર, પણ સરકારોએ તેને સંસદમાં ચર્ચા માટે પણ મૂક્યો નથી. કિસાન કૂચે સંસદમાં ખેતીના પ્રશ્ને એકવીસ દિવસના ખાસ સત્રનો પ્રસ્તાવ મૂક્યો તેમાં પહેલાં જ ત્રણ દિવસ સ્વામીનાથન્‌ આયોગના અહેવાલની ચર્ચા માટે વિચાર્યા હતા. તાજેતરનાં વિધાનસભાનાં ચૂંટણી પરિણામોને પગલે, ભા.જ.પ.ની કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને બ્લૅન્કેટ લોન વેઇવર અર્થાત્‌ પૂરેપૂરી લોન માફી જાહેર કરે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. જો કે એ તો માત્ર મલમપટ્ટી જ હશે. ડૉ. સ્વામીનાથને તો રોગને ધરમૂળથી નાબૂદ કરવા માટેનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે.  

********

13 ડિસેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 15 ડિસેમ્બર 2018

Loading

પરોઢના અંધારામાંથી પૉં ફાટવા ભણી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 December 2018

અગિયારમી ડિસેમ્બરની સમાચારડમરી આછરી ગઈ છે. પૂર્વે વિશ્વનાથ પ્રતાપસિંહના ઉદય વેળાએ પરોઢના અંધારમાંથી પૉ ફાટવાનો જે ક્ષણજીવી સુખાનુભવ થયો હતો તે જાણે કે અનુભવાઈ રહ્યો છે. હિંદી પટ્ટામાં લાંબે ગાળે ત્રણ-ત્રણ સરકાર રચવાની પ્રક્રિયામાંથી કૉંગ્રેસ પસાર થઈ રહી છે. જગન અને જશન જો કે એટલાં સહેલાં નથી તે આ કલાકોની નેતૃત્વ-તાણથી સમજાઈ રહે છે. ગમે તેમ પણ. વિજય-પરાજ્યમાં સ્વલ્પ સરસાઈ છતાં કૉંગ્રેસમુક્ત ભારતનું મોદી-ભા.જ.પ.નું અમિત શાહે દીધેલ સૂત્ર આ કલાકોમાં વળતું દાંતિયું કરતું સંભળાય છે, અને સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કૉંગ્રેસમુક્તિના નારા વિશે વ્યક્ત કરેલ નારાજગીનું લૉજિક કદાચ અણચિંતવી રીતે સામે આવી રહ્યું છે.

મમતા બેનર્જીએ ઠીક જ કહ્યું છે કે અંતે તો લોકશાહી માત્રમાં આવે વખતે મેન ઑફ ધ મૅચ લેખે સર્વસાધારણ નાગરિક જ ઊભરી રહે છે. તેમ છતાં, જો પ્રતીકાત્મક નામ પાડવું જ હોય, તો સત્તાપક્ષે જેને પપ્પુ તરીકે પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞાબદ્ધ કવાયત કરી હતી, એ રાહુલ ગાંધીને જ આ બિરુદ આપવું રહે છે. ભા.જ.પ.નું શીર્ષ નેતૃત્વ અને સંવિત પાત્રા લગભગ એકકંઠ થઈ જતા હોય એમ ચાલતા આવેલા પપ્પુ મહિમામંડનને રૂખસદ આપવી પડે એવાં ચિહ્નો ગુજરાતનાં પરિણામોમાં વડાપ્રધાનની ચૂંટણીહાંફ સાથે સાફ દેખાઈ આવ્યાં હતાં. તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢનાં પરિણામો પછી અધોરેખિતપણે અંકિત થઈને રહે છે. અલબત્ત, સરેરાશ કૉંગ્રેસમેન પોતાનો મેદ અને કાટ છાંડ્યા વગર માત્ર રાહુલ અહોગાનમાં જ નિજનું મોચન લહવાનો હશે, તો તે તેની ભૂલ અને મતદારોની કમનસીબી લેખાશે. દરમ્યાન, નાતજાતનાં સમીકરણગત કે એવાં બીજાં જોખાંલેખાંના રાબેતા વચ્ચે છતીસગઢમાં ભા.જ.પ.ને ધાર્યા કરતાં વધુ ફટકો પડ્યો એ એમાં જેમ જોગી-માયાવતીએ એને પહોંચાડેલી હાણનું પરિબળ છે તેમ સુધા ભારદ્વાજ આદિ સાથેના સત્તા-પ્રતિષ્ઠાનના દુર્વ્યવહાર સામેની નવજાગૃતિનો હિસ્સો પણ કાબિલે ગૌર છે.

કૉંગ્રેસના આંતરિક પ્રશ્નો વર્ષોથી સૌ જાણે છે. સ્વરાજની વડી પાર્ટી તરીકે કૉંગી અવતારમાં તે કઈ હદે ઓછી અને પાછી પડી તે સૌને ખબર છે. એની એને પોતાને પણ પૂરી ને પાધરી ખબર હોવી જોઈશે. તત્કાળ ભેદવાનો વહેવારુ કોઠો કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા અગર તો અશોક ગેહલોત અને સચીન પાયલોટ એમ જૂના નવા નેતાઓ વચ્ચેનાં કાર્યસંધાન અને સત્તા-સમીકરણનો છે. કમલનાથની કદાચ દુર્નિવાર પસંદગી શીખ વિરોધી કતલકાંડની કૉંગ્રેસ જવાબદેહી વિશેના પ્રશ્નને ફેર ધાર કાઢી આપે છે એ પણ ભૂલવા જેવું નથી. ગયે વરસે જે દિવસે કૉંગ્રેસનો વિધિવત્‌કાર્યભાર રાહુલ ગાંધીએ સંભાળ્યો હતો, બરાબર એ જ દિવસે ત્રણ રાજ્યો કૉંગ્રેસની ઝોળીમાં આવ્યાં એ જોગાનુજોગને તાપણે તાપતી વેળાએ કૉંગ્રેસશ્રેષ્ઠીઓને યાદ રહેવું જોઈશે કે રાહુલ ગાંધી – જ્યોતિરાદિત્ય સિંધિયા-સચીન પાયલોટ અને એવા મુકાબલે યુવાનેતાઓ ચિત્રમાં આવ્યા છે. આવાં બીજાં નામો પણ આપી શકાય, પણ એટલું ચોક્કસ કે નવી પેઢીની દૃષ્ટિએ ભા.જ.પ.ને મુકાબલે વચલા દસકાઓ પછી કૉંગ્રેસ સરસાઈમાં આવતી માલૂમ પડે છે. સોશિયલ મીડિયામાં ભક્ત અને ભાડૂતી જમાવટના એકચક્રી ભા.જ.પી. દોરને હમણાના વરસેકમાં કૉંગ્રેસ ઊભા કરેલા અસરકારક પડકાર અને યુવજનોમાંથીયે કેટલાક પ્રમાણમાં ઊભરી રહેલ સ્વતંત્ર ટીકાટિપ્પણનો એક નવો દોર શરૂ થાઉં-થાઉં છે, એનીયે આ સંદર્ભમાં નોંધ લેવી જોઈએ.

રાહુલ ગાંધીએ વિજયની ક્ષણોમાં પ્રથમ પત્રકારપરિષદમાં જે નરવીગરવી ભૂમિકા પ્રગટ કરી, એને અંગે પ્રગટ કરાતા રાજીપાએ અલબત્ત હવેના દિવસોમાં કસોટીપૂર્વક વારે-વારે પુનઃ વજૂદ પ્રાપ્ત કરતા રહેવાનું છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ની જ્વલંત ફતેહ વખતે રાહુલ ગાંધીએ સરસ પ્રતિક્રિયા આપી હતી કે અમારે એમાંથી ઘણું શીખવાનું છે. ૨૦૧૮ ઊતરતે જોવાનું એ છે કે અણ્ણા આંદોલનમાં તેમ નિર્ભયા ઉદ્યુક્તિથી અને અન્યથા સર્વાધિક લાભનાર બે નેતાઓ અને પક્ષો (મોદી ભા.જ.પ. અને અરવિંદ ‘આપ’) વચ્ચે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ પોતાના અસલના સ્થાનની (હજુ લાંબી મજલ છતાં) શક્યતા ઊભી કરી છે. પરિણામો પછીની પ્રથમ પત્રકાર-પરિષદમાં રાહુલ ગાંધીએ ૨૦૧૯ના ચૂંટણી-પડકારમાં સર્વ વિપક્ષોના સાથની રીતે આગળ ચાલવાની ભાવના પ્રગટ કરી છે એમાં ઔચિત્ય છે અને કેવળ પોતાને જ આગળ કરવાની રણનીતિમાં કળણમાં જો તે નહીં ખૂંપે, તો તે આ ઔચિત્યને પુખ્તતાનો એક પુટ આપનારી બની રહેશે. માયાવતી અને અખિલેશે તત્કાળ ટેકો જાહેર કરવાનું જે દાક્ષિણ્ય દાખવ્યું એને બેઉ છેડેથી પારસ્પર્યને ધોરણે ખીલવવું રહેશે.

કૉંગ્રેસ અને ભા.જ.પ. બંને તેલંગણ અને મિઝોરમમાં ચિત્રમાં લગભગ નથી. પ્રાદેશિક પક્ષો, તેલુગુ દેશમ્‌નાં ચંદ્રાબાબુ નાયડુની રાષ્ટ્રીય આકાંક્ષાઓને લાગેલ બ્રેક અને તેલંગણના કે.સી.આર.ને ફૂટેલી રાષ્ટ્રીય પાંખો, આ બધું તૃણમૂલ કૉંગ્રેસ અને ડી.એમ.કે.-એ.આઈ.ડી.એમ.કે. આદિની વાસ્તવિકતા જોતાં સ્વતંત્ર વિચારણા માગી લે છે. ત્રણેક દાયકા પૂર્વે વિશ્વનાથ પ્રતાપ સિંહે ફેડરલ ફ્રન્ટ અને નેશનલ ફ્રન્ટ એમ બે ધાગે કામ લીધું હતું. તે આ સંદર્ભમાં સહેજે સાંભરે. કૉંગ્રેસના વલણમાં (ભા.જ.પ.ના એકલઠ્ઠ અભિગમથી વિપરીત) કંઈક લચીલાપણું રહેલ છે. વચ્ચે-વચ્ચે ડેલહાઉસીની ખાલસાનીતિએ ઢેકો નથી કાઢ્યો એમ નથી. પણ ભા.જ.પ.ના હિંદુ રાષ્ટ્રવાદમાં ગળથૂથીગત રીતે નથી તેવી અવકાશ-મોકળાશ કૉંગ્રેસમાં કિંચિત હોઈ શકે છે. એણે પોતાની સર્વસમાવેશી છબી સુરેખ ઊભી કરવી રહેશે.

પ્રચારમાં કમરપટા તળેના ઘાનો બાધ નહીં એ રીતે પેશ આવેલા વડાપ્રધાને હવે સેમિફાઇનલનાં પરિણામો સાથે ધોરણસર વાત કીધી છે કે ‘જયપરાજય એ જીવનનું સહજ અંગ છે.’ ક્ષણજીવી પણ હોઈ શકતી આ મુદ્રા જરી ટકે અને કિલર ઇન્સ્ટિંક્ટની જે રાજનીતિ અને વેરઝેરનો જે વિચારવ્યૂહ કથિત વૈકલ્પિક વિમર્શમાં આ પક્ષે લોકમોઝાર માંજ્યાં છે એનાથી વિવેકસર હટી શકે; બલકે, ધોરણસરના જમણેરી પક્ષ તરીકે પોતાને નવયોજી શકે – તો તે એના સહિત સૌના હિતમાં હશે. એકત્રીસ ટકે જો દિલ્હીદરબાર હસ્તગત થઈ શકતો હોય, તો લગરીક ખમી લઈ પોતાને નવયોજી એટલા જ મતે ત્યાં કેમ ન પહોંચી શકાય. ભલા’દમી, વેરઝેરના ખમૈયા કરવાનું ૧૯૪૭માંથી ન શીખ્યા પણ ૧૯૮૪, ૧૯૯૨ અને ૨૦૦૨માંથી તો સૌ, રિપીટ, સૌ શીખીએ.

કથિત વૈકલ્પિક વિમર્શમાં જો સાંકડો ને ઝનૂની રાષ્ટ્રવાદ એક મોટી મર્યાદા છે, તો બીજી એવી જ મર્યાદા વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની તેમ ધરાર ખાનગીકરણની અર્થનીતિની છે. આ નીતિએ કૃષિ અને કૃષકની કેવીક અનવસ્થા સરજી છે, તે જેમ મુંબઈ-દિલ્હીનાં વિરાટ નિદર્શનોએ તેમ ગ્રામબહુલ હિંદી પટ્ટાનાં તાજેતરનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે. કૉંગ્રેસ એથી લાભી જરૂર છે, પણ એની ફતેહથી કૃષિ અને કૃષકે લાભવાનું હજી બાકી છે.

વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો અને વિજયાદશમી વ્યાખ્યાન એમ બે કેટલીક રીતે છત્રીસનો સંબંધ ધરાવતી ભાગવત-માંડણીમાંથી ભા.જ.પ. શ્રેષ્ઠીઓનો હવેનો વ્યૂહ કેવીક દિશા પકડશે તે જોવું રહેશે. વિકાસ વત્તા હિંદુત્વ અગર એ બંનેનું સમીકરણ હવે નવસંસ્કરણ બલકે નવું નેરેટિવ માગે છે. ચાર મહિનાના ટૂકા ગાળામાં તે થઈ શકશે કે પછી વૃદ્ધવાનરની  ગુલાંટ ગતિ પ્રગટ થશે ? જોઈએ.

નાગરિકે કથિત વૈકલ્પિક વિમર્શને તળેઉપર તપાસતા રહી એની ગળથૂથીગત મર્યાદાઓને નિરસ્ત કરવાની અને સ્વાતંત્ર્યસંગ્રામ તેમ જ બંધારણનાં મૂલ્યોના સંગોપન-સંવર્ધન-શોધનની પોતાની સ્થાયી નોકરીમાંથી અલબત્ત નિવૃત્ત થવાપણું ન જ હોય. હાલની કૉંગ્રેસને પોતાની શોધન પ્રક્રિયા ચાલુ રાખવા બાબતે ઠમઠોરવા સાથે છતીસગઢે શંકર ગુહા નિયોગીથી માંડી વિનાયક સેનની પરંપરાને શોભીતી રીતે બતાવેલ જાગૃતિ રાજ્યે રાજ્યે આ નકરી હોંશનોકરી જોગ પ્રવાહ પ્રાપ્ત અગ્રતા છે.

ડિસેમ્બર ૧૩, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 01-03

Loading

...102030...3,0253,0263,0273,028...3,0403,0503,060...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved