Opinion Magazine
Number of visits: 9579027
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હું હીજડો – હું લક્ષ્મી’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|10 September 2018

લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની જીવનકથા : વૈશાલી રોડે દ્વારા શબ્દાંકિત, કિશોર ગૌડ અનુવાદિત (ગંગાબા પરિવાર પ્રકાશન, અમદાવાદ: મૂલ્ય – રૂ.150/-)

“હીજ એટલે આત્મા ….. પવિત્ર આત્મા. જે શરીરમાં આ આત્મા વાસ કરે છે, એ હીજડો. અહીં વ્યક્તિને મહત્ત્વ જ નથી. મહત્ત્વનો છે આ આત્મા અને એ ધારણ કરનાર હીજડા સમાજ.

આ સમાજ પર ઈશ્વરનો પ્રેમ છે અને એટલે તેણે તેમના માટે ખાસ અવકાશ તૈયાર કર્યો છે ….. જે આ હંમેશના સ્ત્રી-પુરુષના ચોકઠામાં નથી. સ્ત્રી અને પુરુષ બે રેખાઓ વચ્ચેનાં અમે … બિટવિન ધ લાઈન્સ? અમારામાં સ્ત્રીત્વ છે પણ અમે સ્ત્રી નથી. જન્મે પુરુષત્વ પણ છે. પણ અમે પુરુષ નથી … શરીર પુરુષનું હોવાને કારણે તેની પર સમાજ તેમની કહેવાતી પૌરુષત્વની કલ્પના લાદતો હોય છે, જે 'પુરુષ'ની તેમાં પારાવાર ગૂંગણામણ થાય છે. કેટલો સમય આ રુંધામણ સહન કરવાના હતા?

પણ હું ય એ જ તો કરતો હતો. મને સમજાતું ગયું કે આ હીજડા સમાજ સાંસ્કૃિતક   દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આપણે સ્ત્રી છીએ અને બધાંએ આપણને સ્ત્રી કહેવું જોઈએ. આપણે ય હીજડા  થવું એમ હવે મારા મને નક્કી કર્યું. (પાનું-28).”

લક્ષ્મીનારાયણ  ત્રિવેદીની આ કથા ઘણી સામાજિક અને સાંસ્કૃિતક ભ્રમણાઓનો પર્દાફાસ કરે છે. વાચક તરીકે, માણસ તરીકે, જો તમારી  સંવેદનાત્મક અનુભૂતિના સ્તરમાં ઊંડાણ હોય તો તમે સ્તબ્ધ થઈ જાઓ, તમને ચેન ન પડે, તમારી સમગ્ર દ્રષ્ટિ જ બદલાઈ જાય અને તમે સ્વસ્થ મને હીજડા, ગે, લેસ્બિયન અને તેની વિવિધ કુદરતી અવસ્થાઓ વિશે વિચારવા માંડો એવી રીતે આ આત્મકથન લખાયું છે.

લક્ષ્મી ઉર્ફે રાજુ એ એવો હીજડો છે જેણે ગૃહત્યાગ કર્યો નથી. જેણે  હીજડા તરીકે પોતાની 'ઓળખ’ છતી કરી છતાં આપણે જે માન્યતાઓમાં અથવા ભ્રમણાઓમાં અટવાઈએ છીએ તેવી કોઈ શસ્ત્રક્રિયા પોતાના પર કરાવી નથી. એ એક સ્વસ્થ વ્યક્તિ તરીકે સમાજમાં  જીવે છે. કુટુંબમાં આદરમાન ધરાવનાર વડીલ સભ્ય તરીકે સ્વીકૃત છે. સમાજમાં તૃણમૂળથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી શિક્ષિત, સમજદાર, પીઢ કર્મશીલ તરીકે પ્રખ્યાત છે. ટ્રાન્સ જેન્ડરના પ્રશ્નોને વાચા આપવા પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.

આટલી વાત લખવા જેટલી સરળ જિંદગી લક્ષ્મીને જીવવા મળી નથી. પહેલાં સતત જાત સાથે, પછી આજુબાજુના પરિવેશમાં, શાળામાં અને મિત્રોમાં, ક્યારેક પરિવારમાં, ગે કમ્યૂનમાં પછી હીજડા સમાજમાં, કાર્યક્ષેત્રમાં આમ ઘણે મોરચે સંઘર્ષ કર્યા બાદ આજે લક્ષ્મીને એક સ્વીકૃત અસ્તિત્વનો અહેસાસ થયો છે. એટલે જ એની સંસ્થાનું નામ 'અસ્તિત્વ' છે.

યોગાનુયોગ મારી 1983માં સ્થાપેલી સંસ્થાનું નામ પણ ‘અસ્તિત્વ' (મહિલા ઉત્કર્ષ સંસ્થા) છે! એક રીતે સમાજમાં ગરીબ, દલિત, લઘુમતી, આદિવાસી અને સ્ત્રીઓ વંચિત જ છે. છેવાડેના  જણ. એમાં 'ટ્રાન્સ જેન્ડર’ ક્યાં? આપણે બધાં જાણીએ છીએ કે તેઓ ક્યાં છે? લક્ષ્મીની કથા ફક્ત એની કરમકથા જ નથી પરંતુ ઇતિહાસમાં ડોકિયું કરાવે છે. વાસ્તવિકતામાં વાચકને જોડે છે. સમાજની બન્ને બાજુનું તટસ્થ મૂલ્યાંકન કરે છે. એમાં ક્યારેક હતાશા હોય તો સાથે આશા અને ઉત્સાહ પણ છે. કાળી તાકાતોનાં બેહૂદાપણાંની ઝાંખી હોય તો સમાજની ઉમદાગીરીની દુહાઈ પણ છે. હીજડા સમાજની અધિકૃત વ્યક્તિ તરીકે એનું દેશપરદેશમાં પ્રતિનિધિત્વ કરવું, સફળ સાંસ્કૃિતક કાર્યક્રમો આપવા, કલાકાર તરીકે પણ દેશનું પ્રતિનિધિત્વ કરવું અને સ્થાપિત થવું એ કેવી ક્રાન્તિ છે તે તો આ પુસ્તકમાં સર્જક સાથે ભાવાત્મક અનુસંધાન અને તાદાત્મ્યતા અનુભવો તો ખ્યાલ આવે. શીખવું, ભૂલવું અને શીખવું એ પ્રક્રિયા કેવી હોય છે, તે તો 'ઘાયલકી ગત  ઘાયલ જાણે' તેવી વાત છે.

ભારતીય કથાસાહિત્યમાં પ્રખ્યાત પાત્રો અર્જુનનું બૃહનલ્લા સ્વરૂપ, અંબાનું શીખંડી રૂપ, ભગવાનનું મોહિની રૂપ અને રામાયણમાં હીજડાઓમાં રામ માટે ચૌદ વર્ષ રાહ જોવાની ઘટનાના ઉલ્લેખ સહિત આજના હીજડા સમાજની ગુરુભક્તિ અને નિયમોની વાતોને વણી લઈ ખુદના અનુભવોનું સત્યનિષ્ઠ બયાન એટલે  લક્ષ્મીની જીવનકથા.

વૈશાલી રોડેની કલમ અને  કિશોર ગૌડનો અનુવાદ નિજી અનુભૂતિનો અહેસાસ કરાવે છે તે એમની સંવેદના અને ઊંડી નિસ્બત દર્શાવે છે. રસ ધરાવતા વાચકો માટે આ પરિચય પ્રસ્તુત છે.

વલસાડ

Loading

પ્રકાશની પગદંડી

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|10 September 2018

કોઈક વાર એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે કોની વાત પહેલાં કરવી તેની મૂંઝવણ થાય. બાબા આમ્ટે પરિવારની ત્રણ પેઢીની વાત સોની ટીવીના કૌન બનેગા કરોડપતિના સમાજસેવી કાર્યક્રમમાં શુક્રવારે (૭/૯/૨૦૧૮) અમિતાભ બચ્ચને માંડી.

વાત તો બાબાની અને એમના પરિવારની જ કરવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં કામ કરવું, એમને મુખ્ય પ્રવાહમાં લાવવા કમર કસવી, કુષ્ટ રોગીઓની સેવા માટે જીવન સમર્પિત કરવું. આવી અનેક વાતો આપણે સેવાના ભેખધારીઓ માટે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. ગુજરાતમાં તો એવી સેવા કરનારાં  કેટલાં ય નામ જડે. રવિશંકર મહારાજ, જુગતરામદાદા, અનુબહેન ઠક્કર, પિંડવળની ચતુષ્કોણી મંડળીનાં સાધકો, સુરેશભાઈ સોની …… હવે નામો ઉમેર્યા ં જ કરવા પડે  તેવો ઘાટ.

કાન્તિભાઈ શાહ લિખિત "એકત્વની આરાધના" તો નજર સામે તરવરે. તો પછી આ "પ્રકાશની પગદંડીઓ"ની વાતમાં અલગ શું છે ? એવો વિચાર તો આવે. ત્રણ ત્રણ પેઢી પોતાની જાતને વંચિતો માટે પોતે વંચિત રહીને જાત ઓગાળી દે એવી સાધનાની કથા તો વાંચીએ ત્યારે જ સમજાય. બાબા આમ્ટેના પરિવારમાં સાધનાતાઈ અને બે દીકરા પ્રકાશ અને વિકાસ. બીજી ત્રીજી પેઢી ડોકેટરો ને ઈજનેરોની. ગાંધીજીના ટ્રસ્ટીશીપના  સિદ્ધાંતોની વાત કરવી અને ખરેખર તેનું આચરણ કરવું, સાદાઈ એટલે સાદાઈ જ, સામાજિક સુધારા એટલે સુધારા જ આવું બોલવું સહેલું અને કરવું તો …… પરંતુ અહીં તો ત્રણ ત્રણ પેઢીથી “આમ્ટે રીતિ ચાલી આઈ હૈ”. અગવડો એમનાથી હાંફી જાય, મુશ્કેલીઓ તો એમને જોઈને હવે તો પીછો જ છોડી દેતી હશે. અને નસીબને થતું હશે કે એમને જ એમની લકીર ખેંચી લેવા દે, મારું કામ નહીં!

પરંતુ શરૂઆતમાં તો એવું કાંઈ નો'તું. પગદંડી બનાવવી એ જ તો મોટો પડકાર છે. વળી હોય તેને ત્યજી દઈ નવેસરથી પેઢી દર પેઢીએ પડકાર ઝીલવો, એનું તત્ત્વ ને સત્વ એટલે પ્રકાશની પગદંડીનું મહત્ત્વ. હવે તો કેડી અને રાજમાર્ગ પણ લાગે, શરૂઆત કાંઈ એવી થોડી હોય? અને સતત બે પેઢીને  મેગ્સેસે એવોર્ડ એમનેમ મળે? આ કાંઈ વાડકી વ્યવહારનાં માનપાન તો છે નહીં!આ તો અવિરત સાધનાનું કોઈની મોહતાજી વગરનું સન્માન છે. એમને કારણે તો સન્માનનું મહત્ત્વ વધે છે.

એવું લાગે કે ભક્તિકથાઓએ હવે આવી સત્યકથાઓનું રૂપ ધારણ કરવું જોઈએ. સંજય ભાવેની અનુવાદકલા વિશે પણ વાત થવી જોઈએ, અહીં તો મૂળ કથા જ એટલી બળવંત કે બાકીની વાત જાણે હાંસિયામાં ચાલી જતી હોય એમ લાગે તેથી સંજયભાઈને જરાયે અન્યાય થતો નથી. હવે બધાં જાણે છે કે અરુણા જાડેજા કે સંજય ભાવે કાકા કાલેલકરની જેમ સવાયાં ગુજરાતી છે એટલે જ તો ઉત્તમ મરાઠી સાહિત્ય કથા આપણને મળે છે. વધારે ઓળખાણ તો નહીં જ પરંતુ ડો. પ્રકાશજીને સાંભળવાનો મોકો અમને ખારેલમાં ડો. અશ્વિનભાઈ શાહના કારણે મળેલો. છગનબાપા અનુદાનિત સંકુલના લોકાર્પણનાં કાર્યક્રમમાં એવું કંઈક યાદ છે. એ દિવસે એમની હ્યદયપૂર્વકની  સરળ વાણી વહી આવેલી ત્યારથી જ ખાતરી થઈ ગયેલી કે આ તો જાણે સિદ્ધ આત્મા.

ગઈ કાલે “કૌન બનેગા કરોડપતિ” કાર્યક્રમમાં પ્રકાશજી અને મંદાજી આવ્યાં  હતાં અને ફરીથી “પ્રકાશની પગદંડી” પુસ્તક અને બુધ સભામાં ભરતભાઈએ આપેલું તે વિષયક વક્તવ્ય યાદ આવી ગયા. આ પુસ્તક વાંચતાં જ આખું હેમલકસા અને આપ્ટે પરિવારનું જીવન-કવન જીવંત થઈ જાય. મંદાજીની બૌદ્ધિક ક્ષમતા, પારદર્શકતા, સાદગી, માયાળુ ચહેરો, નમ્રતા અને કાર્ય સમર્પિતતા અને પ્રકાશજીની સહજ, સરળ વર્તનશૈલી, પર્યાવરણની નિસબત, આદિવાસી પ્રજાપ્રેમ અને માતૃપિતૃ ભક્તિનો ગઈકાલના ઈન્ટર વ્યૂ દ્વારા થયેલો પરિચય અત્યંત હ્યદયસ્પર્શી. બન્ને તબીબોને પોતાની આવડત કે કાર્યક્ષમતાનો ભાર નહીં. વળી મેં તો ડોક્ટરની વીડિયો ફિલ્મ  જોયેલી, છતાં ગઈ કાલે અમિતાભજીની વાણીમાં બેત્રણ વધારે ફિલ્મો જોવાનું બન્યું અને ભાવુક થઈ જવાયું. ગઈકાલે જે રીતે આમ્ટે દંપતીની જવાબ આપવાની ક્ષમતા જોઈ, તેમાં પણ મંદાજીની  ત્યારે તો થયું કે આમને તો કદાચ પૂરી ઇનામી રકમ મળશે! જો કે સમય પૂરો થઈ ગયો એટલે એ શક્ય ન બન્યું! રહી રહીને જનમોજનમનાં સાથી દંપતીનો ઋજુ, સંવેદનશીલ વ્યવહાર જ નજર સમક્ષ તરવર્યા કરે છે. પ્રકાશજી જ્યારે કહે છે કે મારા માતાજીએ રોલ મોડેલ તરીકે મંદાનું નામ કહેલું અને ફિલ્મ દ્વારા પ્રકાશજી જે રીતે મંદાજી માટે પ્રેમાદર વ્યક્ત કરે છે તે જોઈને તો અભિવ્યક્તિ માટે શબ્દો જ ન જડે! મંદાજી અને પ્રકાશજીના હાવભાવમાં વણાયેલાં ઝળહળ પ્રેમાશ્રુનું દર્શન જ અદ્ભુત !

સંજય ભાવે એ સરસ ઉમેરણ કર્યું છે તે પણ માહિતી માટે અહીં સાદર કરું છું :

“પ્રકાશની પગદંડીઓ”ના ભાવાનુવાદક સંજય ભાવે એ મારી પ્રસંગકથા પર જે પ્રતિભાવ આપ્યો તે મિત્રો સાથે વહેંચવાનો લોભ રોકી શકતી નથી. હવે Facebook મારા માટે Favourite બની રહ્યું છે કારણ કે તરત પ્રતિભાવ તો મળે છે, સાથે એવા મિત્રો મળે છે જેમની સાથે આ રીતે  સંબંધનું વિશિષ્ટ સ્વરૂપ બને છે. મયૂર દેસાઈએ પ્રકાશજી પર બનેલી મરાઠી ફિલ્મની લિન્ક પણ કમેન્ટમાં આપી આમ એક સરસ સેવાકાર્યની નોંધ આ રીતે લાવ્યા તે ખૂબ ગમ્યું.

“બહુ જ સરસ પ્રાસંગિક નોંધ લખી છે તમે, બકુલાબહેન. આમટે પરિવાર સેવા રુરલ, ઝગડિયાના કામની મહત્તા ઠીક જાણે છે તેવું મને ડૉ. પ્રકાશજીના પુત્રવધૂ ડૉ. અનઘા સાથે બે-એક વર્ષ પૂર્વે ટેલિફોન પર થયેલી વાતથી સમજાયું હતું. ડૉ. પ્રકાશ અને મંદાતાઈનાં બંને દીકરા અને પુત્રવધૂઓ તેમનું કામ એ જ જગ્યાએ આગળ ચલાવી રહ્યાં છે. (અલબત્ત સેવાનાં આવાં કામ આપણે ત્યાં અને દેશમાં બીજી કેટલીક જગ્યાએ ચાલે જ  છે, તેનાથી તો આ દુનિયા ટકે છે!)

ડૉ. પ્રકાશ આમટેનાં મરાઠી પુસ્તક ‘પ્રકાશવાટા’ પાછળ સમકાલીન પ્રકાશને એકાદ વર્ષની મહેનત કરી છે. આ કામ માટે તેણે એક ટુકડી હેમલકસા મોકલી હતી. ‘પ્રકાશવાટા’નો હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ ‘સમકાલીને’ બહાર પાડ્યો છે. બાય ધ વે, મરાઠીમાં ત્રણેક વર્ષ પહેલાં ‘ડૉ. પ્રકાશ બાબા આમટે’ નામની સંતોષકારક ફીચર ફિલ્મ પણ બની હતી. તેમાં ડૉ. પ્રકાશજીની ભૂમિકા નાના પાટેકરે અને ડૉ. મંદાતાઈની ભૂમિકા સોનાલી કુલકર્ણીએ ભજવી હતી.

ડૉ. પ્રકાશના સગા મોટા ભાઈ ડૉ. વિકાસ અને તેમનાં પત્ની ડૉ. ભારતી આમટેએ વરોરા મુકામે બાબા આમટેનો ‘આનંદવન’ નામે કુષ્ટરોગનિવારણયજ્ઞ ખૂબ વિસ્તાર્યો છે. ત્યાં કુષ્ટરોગીઓ ઉપરાંત પણ ચૅલેન્જ્ડ લોકો માટે જંગમ કામ થઈ રહ્યું છે. તેના પર પણ સમકાલીને ‘પ્રકાશવાટા’ જેવા જ કદ અને ઘાટવાળું મરાઠી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. ડૉ.વિકાસે લખેલાં આ પુસ્તકનું નામ છે ‘આનંદવન પ્રયોગવન’. એનું વાક્ય શબ્દ સેવા અને વિજ્ઞાનના જોડાણનું વર્ણન કરે છે. વિકાસ અને પ્રકાશજીના માતુશ્રી અર્થાત્‌ લોકોત્તર બાબા આમટેનાં પત્ની સાધનાતાઈનાં સંભારણાંનાં મરાઠી પુસ્તકનું ‘સમિધા’ છે. તે વાંચતાં ખબર પડે કે બાબા આમટે કે કયા ભવ્યદિવ્ય માણસનું નામ છે, અને તેના સેવાયજ્ઞમાં સમિધ બનવું એટલે શું. બાબાનો પોતાનો ‘જ્વાલા આણિ ફુલે’ કાવ્યસંગ્રહ બહુ તાકાતવાળી અને અરુઢ શૈલીવાળી રચનાઓથી ભરેલો છે.

પુ.લ. દેશપાંડેએ બાબા વિશે વીસેક ઝગજોરી દે તેવાં પાનાં ‘ગુણ ગાઈન આવડી’ નામના વ્યક્તિચિત્ર સંગ્રહમાં લખ્યાં છે. મહારાષ્ટ્રના હૃદયમાં વસેલાં આ નિર્મળ જીવનકાર્ય ધરાવનારા  પુ.લ.એ તે વ્યક્તિચિત્રમાં એક જગ્યાએ એ મતલબનું લખ્યું છે કે ‘મારાં હાથે જે કંઈ સારું થયું છે, મારી ગાંઠે જે કંઈ પુણ્ય છે, મારું જે કંઈ યત્કિચિં સત છે તેને સ્મરીને કહું છું કે બાબાને નોબલ સન્માન મળો’. અલબત્ત, બાબાના કામને જાણનાર માટે બાબા આમટેનું સત્વ અને સત આવાં સન્માનો કરતાં ઊંચું જ હતું.”

– સંજય ભાવે

સંજયભાઈ, બાબાના કાવ્યોનો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે? મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં બાબા આમ્ટે પરિવાર માટે એક એવું સ્મૃિત સ્થાન બનતું રહેવું જોઈએ જયાં સમગ્ર પરિવારની સઘળી માહિતી મળતી હોય. એમનું જીવનકવન કોઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમથી ઓછું નથી બલકે કંઈકેટલી ટકા વિશિષ્ટ છે. સંજયભાઈ, આ એપિસોડમાં તો અમિતાભજી કંઈક ઝાંખા પડી જતા હતા, એવું મને લાગતું હતું અને એમ બનતું હતું તેનું એમને લેશમાત્ર ઓછું આવતું હોય એવું લાગતું ન હતું.

વલસાડ

Loading

સોરાબજી અડાજણિયા : દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો વિકલ્પ બને તેવું વ્યક્તિત્વ!

કિરણ કાપુરે|Gandhiana|10 September 2018

ઇતિહાસના એવાં અનેક પાત્રો છે, જેમનું ગંજાવર પ્રદાન હોવા છતાં તેઓ આજે આપણાં ઇતિહાસનો હિસ્સો નથી બન્યા, ન તો તેઓ આપણી સ્મૃિતપટલ પર પણ મોજૂદ છે! એકવાર આવાં નામ વિસારે પડી જાય પછી તેની નોંધ લેવાતી નથી; અને સમય જતાં આવાં વ્યક્તિત્વ એવાં ઓઝલ થઈ જાય છે કે તેમને સંભારવા પણ લાંબી ભૂમિકા બાંધવી પડે! આવું જ એક અજાણી શખ્સિયત લાગી શકે તેવું નામ છે : સોરાબજી શાપુરજી અડાજણિયા.

વાચકોને આ નામ ભાગ્યે જ વાચવા-સાંભળવામાં આવ્યું હશે, પરંતુ દક્ષિણ આફ્રિકામાં જ્યારે હિંદીઓનો સંઘર્ષ ખૂબ જોરશોરથી ચાલતો હતો અને તેમાં જ્યારે યુવાન બેરિસ્ટર ગાંધી આગેવાની લઈને તે લડત લડી રહ્યા હતા, ત્યારે ગાંધીજીના પડખે સોરાબજી શાપુરજી અડાજણિયા બીજી હરોળના આગેવાન બનીને ઊભરી આવ્યા હતા. ગાંધીજીએ જેમનામાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે ગુણ જોયા તેવા સોરાબજી વિશે તેમણે ભાખેલું કે તેઓ દક્ષિણ આફ્રિકામાં મારી જગ્યા લઈ કોમની સેવા કરશે! પણ તેમ ન થઈ શક્યું અને તેઓ તીવ્ર ક્ષયની બીમારીથી 35 વર્ષની વયે અવસાન પામ્યા. આ વર્ષે જુલાઈ 2018માં તેમના અવસાનને સો વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સોરાબજી અડાજણિયાના વ્યક્તિત્વને ઓળખીએ. …

સોરાબજી અડાજણિયા વિશે જાણીએ તે અગાઉ તે કાળના દક્ષિણ આફ્રિકાની અને ત્યાં ગાંધીજીની ભૂમિકા શું રહી છે, તેનો સંક્ષિપ્તમાં પરિચય કરી લેવો જરૂરી છે. 1893માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે ત્યાંના બ્રિટિશ સંસ્થાનોમાં યુરોપિયન વસાહતીઓના કહેવાથી ‘ગિરમીટ’ (એક પ્રકારનો કરાર) નીચે હિંદીઓને લઈ જવાની પ્રથા હતી. આ રીતે ત્યાંના સંસ્થાનોમાં હિંદીઓ વસતા થયા. જેમ-જેમ ત્યાં હિંદીઓની વસતી વધી તેમ કેટલાંક હિંદી વેપારીઓ પણ ત્યાં જઈને વસ્યા. હિંદીઓની અને સાથે અન્ય એશિયાવાસીઓની સંખ્યા જોઈને દક્ષિણ આફ્રિકાના સંસ્થાનોએ તેમના પર કેટલાંક પ્રતિબંધો લાદ્યા, અને હિંદીઓની સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અસહ્ય થઈ પડી. પરિવાર સાથે ગયેલાં હિંદીઓને ત્યાંના કાયદાના કારણે ભેદભાવનો સામનો કરવો પડતો હતો. હિંદીઓ વિરોધી આવાં કાયદાને પડકારવા અને તેની સામે ઝિંક ઝીલવા બારિસ્ટર મો.ક. ગાંધીએ લડત ઉપાડી અને તે લડત આઠ વર્ષ સુધી ચાલી. દક્ષિણ આફ્રિકાના લડતની આ તો ખૂબ ટૂંકી વિગત છે, બાકી આ લડતનો ઇતિહાસ ત્યાંના વિવિધ સંસ્થાનો, તેમના અલગ-અલગ કાયદાઓ અને અસંખ્ય ઘટનાઓથી ભરેલો છે. તેનું વિસ્તૃત વર્ણન ગાંધીજીએ ‘દક્ષિણ આફ્રિકના સત્યાગ્રહના ઇતિહાસ’ નામના પુસ્તકમાં કર્યું છે. હવે સ્વાભાવિક છે કે આવી લડતમાં ગાંધીજી અનેક સાથીઓ પણ હોય, તેમાંના એક એટલે સોરાબજી શાપુરજી અડાજણિયા.

દક્ષિણ આફ્રિકાની જે લડત થઈ તેમાં સોરાબજી શાપુરજી અડાજણિયાનું પાત્ર અતિ મહત્ત્વનું રહ્યું છે. ગાંધીજી અને સોરાબજીની પહેલીવહેલી મુલાકાત 1908ના અરસામાં થઈ હોય તેવું જણાય છે. દક્ષિણ આફ્રિકાના ગાંધીજીના અગાઉના જીવનમાં તેમનો ઉલ્લેખ આવતો નથી. પણ જ્યારે ટ્રાન્સવાલમાં એશિયાઈ નોંધણી અંગેના ધારામાં હિંદીઓ અને ટ્રાન્સવાલ સરકારનું સમાધાન ન થયું, ત્યારે હિંદીઓ દ્વારા એશિયાઈ નોંધણી ધારાના તાબે ન થવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાયદાનો સવિનયભંગ કરીને હિંદીઓના હકની કસોટી કરવા ખાતર પહેલાં વહેલાં સોરાબજી ટ્રાન્સવાલની હદમાં દાખલ થયા હતા. બસ, અહીંથી સોરાબજી દક્ષિણ આફ્રિકની લડતના ચિત્રમાં વધુ ઉભરી આવે છે અને એક દાયકા સુધી તેઓ આમ જ હિંદીઓના સેવા ખાતર પોતાનું જીવન ગાળે છે. 1908માં જ તેઓ ગાંધીજી સાથે લડતના એવાં અભિન્ન અંગ બને છે કે અનેક ઠેકાણે ગાંધીજીના જાહેરજીવનનો ભાર હળવો કરતા તેઓ નજરે ચઢે છે.

એશિયાઈ નોંધણી ધારાના વિરુદ્ધ જ્યારે તેઓ ટ્રાન્સવાલમાં રજિસ્ટ્રેશન વિના પ્રવેશે છે ત્યારે તેમને પહેલીવાર પકડવામાં આવ્યા, અને તેમના પર કેસ ચાલ્યો. આ કેસમાં તેમની પેરવી કરનાર ગાંધીજી જ હતા! અનેક વખત આ રીતે નોંધણી ધારાને તોડીને દક્ષિણ આફ્રિકના લડતના પટ પર સોરાબજીનું વ્યક્તિત્વ ખીલતું ગયું. આમ ટ્રાન્સવાલની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને તેઓ આઠ વખત જેલ જાય છે. આને અનુલક્ષીને જ તેમનું 1911માં સન્માન થાય છે. સન્માન વખતે ગાંધીજીએ જે ભાષણ કર્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે, “મિ. સોરાબજીએ સત્યાગ્રહી તરીકે ઘણા ગુણો દાખવ્યા છે. મિ. સોરાબજીને સહુથી મોટા સત્યાગ્રહી કહેવામાં આવ્યા તે બરાબર જ છે.”

સોરાબજીના લડતમાં ભાગ લેવા અંગે જ નહીં, પણ ગાંધીજી સોરાબજીના સ્વભાવથી પણ આકર્ષાયા હતા અને તેથી જ તેમણે કહ્યું હતું કે, “જેલમાં સત્યાગ્રહીઓ વિષે કંઈ કંઈ રાવ આવતી પણ મિ. સોરાબજીની કદી રાવ સાંભળી નથી. તેમનો સ્વભાવ અત્યંત શાંત અને મિલનસાર હતો” ગાંધીજી સાથે કામ કરનારાં સોરાબજીના આવાં ગુણોનો ગાંધીજીને સતત પરિચય થતો રહ્યો. આ પરિચયથી સોરાબજી વિશેનો જે અભિપ્રાય ઘડાયો હતો તે ગાંધીજી અન્ય સુધી પણ પહોંચાડતા અને એટલે જ જ્યારે ગોપાળ કૃષ્ણ ગોખલેને ગાંધીજી એક પત્ર લખે છે અને તે પત્ર સોરાબજીના સાથે મોકલે છે. આ પત્રમાં ગાંધીજી લખે છે કે, “આ પત્ર આપને શ્રી સોરાબજી શાપુરજી અડાજણિયા આપશે. તેઓ મહાન સત્યાગ્રહીઓમાંના એક છે. આ સ્મરણીય લડતમાં મને જે કીમતી અનુભવો થયા તેમાં સોરાબજી જેવા માણસોની શોધ એ સૌથી મોટો અનુભવ છે. મને ખાતરી છે કે શ્રી સોરાબજીને મળીને આપને આનંદ થશે.”

સોરાબજી પર ગાંધીજીનો ભરોસો આમ અનેક પત્રોમાં પણ ઝળકે છે અને આ ભરોસો કેટલો દૃઢ હતો તેનો દાખલો ત્યારે મળે છે જ્યારે ડો. પ્રાણજીવન મહેતાના (ગાંધીજીના મિત્ર અને બેરિસ્ટર) ખર્ચે દક્ષિણ આફ્રિકના સત્યાગ્રહીઓમાંથી બેરિસ્ટરીના અભ્યાસ અર્થે મોકલવાના હતા, ત્યારે તેમની પસંદગી સોરાબજી પર ઊતરી હતી. તેમની પસંદગી થઈ અને તેઓ બેરિસ્ટર પણ થયા. વિલાયતમાં બેરિસ્ટર થયા પછી સોરાબજી ફરી જોહાનિસબર્ગ આવ્યા અને ત્યાં જાહેર સેવા અને વકીલાત બંને શરૂ કર્યાં. ગાંધીજી જ્યારે હિન્દુસ્તાન પાછા ફર્યા ત્યારે દક્ષિણ આફ્રિકાથી જે પણ કાગળો આવતા તેમાં સોરાબજીના વખાણ જ રહેતા. નાના-મોટા સૌ સાથે મળીને તેઓ કામ કરતા. તેમની સેવા આ રીતે હિંદીઓ માટે અવિરત ચાલુ રહી, પરંતુ 1918માં તેમને ક્ષય થયો અને થોડા જ મહિનામાં માત્ર 35 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.

અડજાણિયા અવસાન પામ્યા ત્યારે ગાંધીજીએ તેમને શ્રદ્ધાંજલિ આપતો એક લેખ ‘બોમ્બે ક્રોનિકલ’માં લખ્યો હતો, જેમાં ગાંધીજી સોરાબજી વિશે લખે છે કે, “લડતના દિવસો દરમ્યાન એમણે ધ્યેયની નિષ્ઠા, ચારિત્ર્યની શુદ્ધિ, સ્વભાવની સ્વસ્થતા અને વિષમ સંજોગોમાં જોઈતી હિંમત એવાં તો દાખવ્યા કે આપણામાંના શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ પણ ઘણી વાર તે દાખવી શકતા નથી. કઠણમાં કઠણ હૃદય પણ ભાંગી પડે એવા પ્રસંગો પણ આવેલા, પરંતુ સોરાબજી કદી ડગ્યા નથી.”

સોરાબજીની ખ્યાતિ માત્ર દક્ષિણ આફ્રિકા પૂરતી નહોતી. તેઓ જ્યારે બેરિસ્ટરી કરવા લંડન ગયા ત્યારે તેઓ ગોખલેના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓ ગોખલેને પણ પ્રભાવિત કરી શક્યા હતા. આ ઉપરાંત, લંડનમાં વસતા હિંદીઓએ જેટલાં આંદોલનો ચલાવ્યાં તે બધાં જ આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો. ત્યાં તેઓ ‘લંડન ઇન્ડિયન સોસાયટી’ના મંત્રી પણ રહ્યા અને તે વખતે યુદ્ધમાં સેવા અર્થે જે ભારતીય સેવાદળ બન્યું તેમાં તેઓ સામેલ થનારા પ્રથમ હતા.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સોરાબજી શાપુરજી અડાજણિયા કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી હશે તેનો ખ્યાલ ગાંધીજી લિખિત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકમાં પણ આવી શકે, જેમાં ગાંધીજીએ સોરાબજી વિશે એક આખું પ્રકરણ ફાળવ્યું છે! અહીંયા પણ ગાંધીજીએ સોરાબજી વિશે જે લખ્યું છે, તેમાં તેમના વ્યક્તિત્વની ઝાંખી મળે છે. ગાંધીજી તેમાં લખે છે કે, “સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા, એટલું જ નહીં પણ તેમણે લડતનો એટલો બધો ઊંડો અભ્યાસ કરી લીધો કે લડતને વિશે એ જે કંઈ કહે તે બધાને સાંભળવું પડતું. તેમની સલાહમાં હંમેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે જોવામાં આવતાં. ઉતાવળે તો વિચાર બાંધે જ નહીં અને વિચાર બાંધ્યા પછી ફેરવે જ નહીં. જેટલે દરજ્જે તેમનામાં પારસીપણું હતું—અને તે ખૂબ હતું—તેટલે જ દરજ્જે હિંદીપણું હતું. સંકુચિત જાતિઅભિમાનની ગંધ સરખી તેમનામાં કોઈ દિવસ નથી આવી.”

ઇતિહાસનું દસ્તાવેજીકરણમાં ગાંધીજી દ્વારા કોઈ વ્યક્તિની વિશેષ ઓળખ અપાય ત્યારે બેશક તે ઇતિહાસમાં ન ભૂલાય એવું વ્યક્તિત્વ બનવું જોઈએ, પણ બદનસીબે તેવું થયું નથી.    

(સૌજન્ય : ‘ઇન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’ – “ગુજરાતમિત્ર”, 09 સપ્ટેમ્બર 2018)

(તસવીર: ઉમા ધુપેલિયા લિખિત પુસ્તક 'Gandhi's Prisoner? :  The Life of Gandhi's son Manilal')

Loading

...102030...3,0013,0023,0033,004...3,0103,0203,030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved