Opinion Magazine
Number of visits: 9968999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીની આત્મકથાના અંશો

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|4 January 2019

‘માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ પામવાનો આનંદ શું ખોવાયું હતું તેના પર આધાર રાખે છે.’ મનીષા જોષીનું આ કાવ્ય આજે ‘નારીની આત્મકથાના અંશો’ વાંચતી વખતે, દેવયાની દવેનું આત્મકથન વાંચતા યાદ આવી ગયું. મનીષાનું પ્રેમકાવ્ય પુત્રીના પિતાવિરહનું છે તો દેવયાની દવેનું આત્મકથન પતિપ્રેમનું વિરહગાન છે. અહોર્નિશ જીવનસાથીના સાન્નિધ્યમાં રહેતાં દેવયાનીનો સાથ છૂટી જાય છે, અને હજી પણ આશા છે કે ક્યાંક એ મળી જશે! પણ પરલોકે સીધાવનાર કયાં કોઈને ફરી મળે છે? તો પણ દેવયાની પૂછે છે, ‘ક્યારે આવીશ ? અને લખે છે કે હા, આવે ત્યારે મારા માટે તને ગમતું અને મને ભાવતું એક કલકત્તી પાન – પક્કા સુપારી, જ્યાદા કથ્થા અને કિમામવાળું બંધાવી લાવીશ ને?’

સ્વજનોને ગુમાવવાની પીડાનો ભાર પહાડ જેવો હોય છે અને છતાં કોઈને કોઈ રીતે તે વહેવો પડે છે અને જીવનચર્યા સાથે અનુકૂળ થવું પડે છે. છેંતાળીસ આત્મકથામાં માતા, પિતા, પતિ, ભાઈ, ન જન્મેલી પુત્રી અને ક્યાંક અજાણ્યા જણના જવાની વેદના મમતા પટેલ, ગીતા ત્રિવેદી, મનોરમા ગાંધી, નંદિતા ઠાકોર, વર્ષા વોરા, અંજના દલાલ, યામિની પટેલનાં કથનમાં વણાયેલી છે. આ લેખિકાઓએ પોતાના એ કસોટીભર્યા સમયખંડનું હ્યદયસ્પર્શી આલેખન કર્યું છે. દીકરીને વધુ અભ્યાસ માટે મોકલવાની ઘટના, પતિનો નોકરીના કારણે વિરહની વાત જાગૃતિ ફડિયા, મિતા ત્રિવેદી, ડો. આરતી આંતલિયાનાં લેખનમાં વ્યક્ત થાય છે.

‘લેખિની જૂથ’ની લેખણમાં વિરહ, આનંદ, સંતોષ, સંઘર્ષ, સફળતા, આક્રોશ, આક્રંદ તેવા ભાવોની અભિવ્યક્તિ થઈ છે. સ્ત્રીઓનું આત્મકથન છે તેમાં સાસરવાસ, માતૃત્વ, પ્રેમ લગ્નની વિટંબણા, કારકિર્દીની કસોટીઓ, ઘર-વર-છોકરાં સાચવવાનો બેવડો ભાર અને ત્રેવડી ભૂમિકા, પ્રસૂતિવેળાની વાત, સ્વજનોની હૂંફ અને ટેકો, બાળ ઉછેર, વડીલોની અને માંદાની માવજત, પ્રકૃતિપ્રેમ જેવા મુદ્દા તો આવે જ. દરેક આત્મકથન કે વર્ણવાયેલી પ્રસંગકથા પોતીકી રીતે વિશિષ્ટ છે. મોટાભાગની સકારાત્મક વલણ દર્શાવતી હોય તેવી પ્રથમ છાપ પડે.

કેટલીક અભિવ્યક્તિ એટલી વિશિષ્ટ છે કે એની આગવી નોંધ લેવાની ઈચ્છા થાય. ‘શ્વાસમાં સુગંધ’માં મીના છેડા સંયુક્ત પરિવારમાં બે પુત્રોને ત્યાં એકને ત્યાં બે દીકરા અને બીજાને ત્યાં બે દીકરી જન્મની વાત લખીને અંતે પોતે અરસપરસ એક દીકરા – એક દીકરીનો વિકલ્પ બતાવી તે અમલી બનાવી સ્નેહગાંઠ કેવી રીતે પ્રગાઢ બનાવી તેનું આલેખન કરે છે. ‘ઝરણું પ્રેમનું’માં રાગિણી શુકલ ભાગીને કરેલા લગ્ન પછી સાસરામાં પ્રેમ થકી સૌના દિલ જીતવાની પ્રક્રિયાને વર્ણવે છે તે યાદ રહી જાય છે. ઊર્મિલા પાલેજાની બેન્કની કારકિર્દીમાં મહેનત, સંઘર્ષ, સફળતાની વાત, સત્યમેવ જયતેમાં ચેતના ઠાકોર પોતાની પ્રમાણિકતાની જીતની વાત કરે છે અને પોરસાઈ છે. પ્રેરણા લીમડીનું બ્યૂટિપાર્લરના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ લેખનમાં પ્રવૃત્ત થવું, ડો. સુશીલા સૂચકની પ્રેમકથા તો સરસ્વતીચંદ્રનો સમય યાદ કરાવે તેવી. ડિમ્પલ સોનીગ્રાની કથા મા તથા સાસુમાંથી માંદગી વચ્ચે અભ્યાસ ચાલુ રાખી મેળવેલી સફળતા દર્શાવે છે. સુરેખા બક્ષીની’ આદુની પીપર’માં દીકરીઓ દ્વારા પચાસમી લગ્નતિથિએ મળેલું સરપ્રાઈઝ, માના અમૃતમહોત્સવની ઉજવણી, ચાનો પ્યાલો – સુખનો પ્યાલો’માં સાસુવહુની મૈત્રીની વાત જેવી સકારાત્મક કથાઓ પણ છે. શૈલા શાહની પતિની અકસ્માતમાંથી બચવાની, ભાવના શાહની ‘મૃત્યુનો ટકોરો’માં બે દીકરીઓના દાઝવાની વાત, નંદિની પારેખની ચોર્યાસીની ડાયરીમાં હુલ્લડથી બચવાની અને અતરાપીનો જાન બચાવવાની ઘટના, નંદિતા ઠાકોરની ‘કદીક લખાનાર આત્મકથાનું એક પ્રકરણ’માં ધરતીકંપથી બચવાની ઘટનાઓ સાથે હ્યદયવિદારક યાદો પણ દ્રશ્યાંકિત કરે છે. નિર્ભેળ પારદર્શકતાથી લખાયેલી કથા મિતા જોષીની ‘અપરાધ પિતાનો, સજા મને’, જસ્મિન શાહની ‘શું લગ્ન એટલે પૂર્ણ વિરામ?’ જિજ્ઞા જોષીની ‘મારા અસ્તિત્વની શોધ ‘પૂર્વી સતારાની ‘લવ+ મેરેજ=નિરાશા’ જણાઈ છે. સાધનસંપન્ન પરિવારના સભ્યો હોવા છતાં પોતાની શરતે અને રીતે જીવવાના પ્રબળ આગ્રહમાં સંઘર્ષમય સમયને સામેથી નોતરું આપનાર ડો. પ્રીતિ જરીવાલા જેવો મિજાજ પણ અહીં સ્થાન પામ્યો છે. શિવકુમાર જોષીની શ્રાવણીની યાદ અપાવે તેવી હસ્મિતા ઠક્કરની ‘એક યાત્રા’ અલ્પા વસાની ‘હું કૈલાસવાસી’ મનને ગમે તેવી પ્રવાસકથાઓ છે.

મને ધ્યાનાકર્ષક લાગેલી કથા ‘નિર્મળ પ્રેમની પરિભાષા: અંજના દલાલ’ની છે. જીવનસાથીના ગયા પછી આવેલા સૂનકારમાંથી દીકરીઓએ આપેલો માનસિક ટેકો અને તેને કારણે જીવનનું નવું પાસું ઊઘડ્યું અને માનસિક પડકારયુક્ત બાળકોની શાળામાં કામ કરતાં અંજનાબહેને પોતાની રીતે આ બાળકોને ખરીદી, હિસાબકિતાબ, વાતચીત, બસ – ટ્રેનની મુસાફરી અને રાખવાની સાવધાની, અચાનક વરસાદ પડે તો શું કરવું જેવી જીવનલક્ષી વ્યવહારુ બાબતો કેવી રીતે શીખવી તેનું સરસ વર્ણન કર્યું છે. તો સામે આ વિદ્યાર્થીઓએ કેવો ઉમળકાભર્યો પ્રતિસાદ આપી પ્રેમ દર્શાવ્યો છે તેની વાત પણ લખી છે. છાત્રાલયમાં રહી ભણવું કે ફરી પાછા ઘરે ફરવું એવા સ્વતંત્ર નિર્ણય લઈ પોતે હોસ્ટેલમાં રહી શું શીખ્યાં તેની વાત મીનાની વખારિયાએ ‘પારકીમા કાન વીંધે’ એ કહેવત ચરિતાર્થ કરતાં ‘યાદોના મધુવનમાં’ લખી હોય એવું લાગે છે. જેમ કે ડંકીમાંથી પાણી કાઢી જાતે બ્રશ વગર ઘસી ઘસીને કપડાં ધોવાં, કપડાં સૂકવવાની કળા, હેંગરમાં ભેરવી, ઈસ્ત્રી કરી હોય તેમ ગડી વાળી ગાદલાં તળે દાબવાં, પ્રાયમસપર ચા બનાવતાં શીખવું, દૈનિક પરંપરા તરીકે સમૂહભોજનનો અનુભવ લેવો, અન્નનું મહત્ત્વ સમજી થાળીમાં વાનગીઓ લેવી અને બગાડ ન કરવો. જાતે વાસણ સાફ કરવાં, કરકસરથી જીવવું જેવી અનેક બાબતો અહીં શીખી શકાય તે વાત એણે નોંધનીય ગણવી જોઈએ એ રીતે લખી છે.

આ કથાઓ મોટાભાગે ખાધેપીધે સુખી સંપન્ન ઘરની સ્ત્રીઓ દ્વારા લખાયેલી છે. જીવનમાં સંઘર્ષ ખરો પરંતુ સામાજિક અન્યાયની અપમાનજનક પીડાઓનો ભાર ગરીબ, શ્રમજીવી, દલિત, આદિવાસી, લઘુમતી વર્ગની સ્ત્રીઓને જે રીત વેંઢારવો પડે છે તેની અહીં ગેરહાજરી છે. શારીરિક ત્રાસની વાત તો જ્વલ્લેજ થઈ છે. ગરીબ, આદિવાસી, મુસ્લિમ, પારસી, દલિત, અન્યભાષી પણ ગુજરાતી જાણતી સ્ત્રીઓ કે મત્સ્યગંધાઓની તો અહીં ગેરહાજરી જ છે. મોટા ભાગે મધ્યમ, પ્રૌઢ અને વૃદ્ધ વયની લેખિકાઓ છે. વાચકોને યાદ તો હશે કે વચગાળાનો એક સમય એવો હતો કે જેમાં ખાસ્સી ‘માતૃવંદના’ આવી. ‘માતૃવંદના’, ‘માતૃતીર્થ’ જેવાં પુસ્તકોમાં માનું રૂપ ત્યાગમૂર્તિ, સહનશીલતાની દેવી તરીકે દ્રશ્યાંકિત થતું હતું જે સ્ત્રીઓની એક વિધ, પરંપરાગત, બીબાંઢાળ ભૂમિકા દર્શાવતું હતું. આ સ્ત્રીઓની છબી પણ એ જ લઢણના દાયરામાં ઝોલા ખાતી નજરે તો ચડે છે છતાં મને એક એવી છાપ જરૂરથી પડી કે સમજણપૂર્વક પરિસ્થિતિને સંભાળવાની જે કોઠાસૂઝ આપણી માતામહીઓમાં હતી તેવી હજી પણ છે અને રહેશે.

સ્ત્રીઓ મન મૂકીને વાત કરે અને પોતાની અભિવ્યક્તિનું શબ્દાંકન કરે તે હેતુથી આદરણીય ધીરૂબહેન, મીનળબહેન અને મિત્રો દ્વારા લેખિનીનો આરંભ થયો અને એક સરસ જૂથ બન્યું. લેખિનીના ઘણા અંકો પ્રગટ થયા. આજે આ પુસ્તક દ્વારા જીવનકથાનું એકાદ પ્રકરણ કે ઘટના- પ્રસંગ આલેખાયાં છે. ભવિષ્યમાં આત્મકથાઓ પણ મળી શકે. વર્ષાબહેને આ પુસ્તક સંપાદન કર્યું છે. લેખિનીની બહેનોને સાહિત્ય પરિષદનાં બે અગ્રણીઓ ધીરૂબહેન અને વર્ષાબહેનની રાહબરી મળી છે. સંપાદકીયમાં વર્ષાબહેને સ્ત્રી કેન્દ્રિત વલણથી પોતાની અભિવ્યક્તિ દ્વારા સ્ત્રી જીવનની વાસ્તવિકતા તો દર્શાવી જ છે, સાથે લેખિકાઓને બીરદાવીને પ્રોત્સાહિત કરી છે. એવી આશા રાખી શકાય કે મુંબઈ જે રીતે અનેકતામાં એકતાનું પ્રતીક છે તે રીતે આ પ્રકારના જૂથોમાં વિવિધ કલમો સક્રિય થાય અને કરવટ બદલતા પરિવર્તનશીલ સમાજમાં સ્ત્રી મુક્તિની તાસીર દર્શાવતું સાહિત્ય પણ મળે. આ પુસ્તકમાં બીના અપૂર્વ દેસાઈનું કથન છે ‘માતૃત્વ જ સર્વસ્વ નથી’ જે છેલ્લું પ્રકરણ છે અને પ્રથમ પ્રકરણ છે મીના છેડાનું ‘શ્વાસમાં સુગંધ’ જે બન્ને માતૃત્વની નવી વિભાવનાને ઉજાગર કરે છે, તે દિશામાં માતૃત્વની, સ્ત્રીત્વની પરિભાષા વિકસતી રહે. અસ્તિત્વથી વ્યક્તિત્વથી સહઅસ્તિત્વના આદર્શને ચરિતાર્થ કરવામાં, સ્ત્રીના વિવિધ રૂપો અને ભૂમિકાને નૂતન પરિમાણ બક્ષવામાં લેખિની જેવા અભિવ્યક્તિ માધ્યમો પોતાનું વિશિષ્ટ પ્રદાન આ રીતે કરતા રહે એવી આશા સહ આ પુસ્તકને વધાવી લઈએ.

https://www.facebook.com/permalink.php?story_fbid=1470732506607431&id=100010120877274

Loading

આચાર્યોમાં હીરા જેવા હીરુભાઈ ભટ્ટ અને સનદી અધિકારીઓમાં હેમ જેવા હેમકુમાર મિસ્ત્રીનું અવસાન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|4 January 2019

જિંદગીમાં એકબીજાને ભાગ્યે જ મળેલા આ બંને સંસ્કારીજનો વચ્ચે સામ્ય એ હતું કે બંનેએ શિક્ષણક્ષેત્ર માટે મૂલ્યો અને નિષ્ઠા જાળવીને કામ કર્યું.

અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજના પૂર્વ આચાર્ય હીરુભાઈ ભટ્ટ અને ગુજરાત રાજ્યના એક પ્રબુદ્ધ આઇ.એ.એસ. અધિકારી હેમકુમાર  મિસ્ત્રી બંનેનું અવસાન સત્તર ડિસેમ્બરની સાંજ પછી સ્વજનોની વચ્ચે થયું. એંશી વર્ષના હીરુભાઈએ સૅટેલાઈટ વિસ્તારની માણેકબાગ સોસાયટીની એમના નિવાસસ્થાને આશરે સાડા સાત વાગ્યે દેહ મૂક્યો, અને ત્રાણું વર્ષના હેમભાઈ તેમના પછી આશરે બે કલાકે ડ્રાઇવ-ઇન રોડ વિસ્તારની ઘોષા સોસાયટીમાંથી વિદાય લીધી. જિંદગીમાં એકબીજાને ભાગ્યે જ મળેલા આ બંને સંસ્કારીજનો વચ્ચે સામ્ય એ હતું  કે બંનેએ શિક્ષણક્ષેત્ર માટે મૂલ્યો અને નિષ્ઠા જાળવીને કામ કર્યું. ગૌણ યોગાનુયોગ એ કે એ હીરુભાઈની કૉલેજની ભૂગોળ વિષયની એક તેજસ્વી પૂર્વ વિદ્યાર્થિની હેમભાઈની પુત્રી પ્રાદ્યાપક નિયતિ.

હીરુભાઈની નિયતિ તો  જાણે શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ હતી. તેઓ આ કૉલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થી, 1961થી તેમાં અધ્યાપક અને 1993થી આખરી પાંચ વર્ષમાં આચાર્ય. એ અરધા દાયકામાં  તેમણે કૉલેજના  નિષ્ઠાપૂર્ણ, નિ:સ્વાર્થ અને નિસબતપૂર્વકના સંચાલનનો એવો તો નમૂનો પૂરો પડ્યો કે તે પછીના બે દાયકા તે મૉડેલ વારંવાર યાદ આવતું રહ્યું. હીરુભાઈ એક અધ્યયનશીલ અધ્યાપક અને કર્તવ્યદક્ષ આચાર્ય હતા. કૉલેજમાં વહીવટી કર્મચારીઓની સંખ્યા અરધાથી ઓછી હોય તે સમયમાં તેમણે કૉલેજ ચલાવી હતી. ઘણી વખત હીરુભાઈ પોતે  ખુરશી પર ઊભા રહીને કૉલેજનાં નોટિસ બોર્ડ પર સૂચના લખતા. એ હીરુભાઈએ એક વખત રાજકીય વગ ધરાવતા એક વિદ્યાર્થીને રિસેસમાં કૉલેજનાં મેદાનની વચ્ચોવચ્ચ લાફો મારી દીધો હતો. એણે સેનેટની ચૂંટણીની જીતના કેફમાં કૅમ્પસમાં ફટાકડા ફોડ્યા હતા.

એ જ હીરુભાઈ ગરીબ વિદ્યાર્થીઓની ફી પણ ભરતા. તેઓ પોતે અમદાવાદના દરિયાપુરમાં અત્યારે પણ ચાલતી ગરીબ વિદ્યાર્થીઓ માટેની અચરતલાલ ગિરધરલાલ છાત્રાલયમાં રહીને ભણ્યા હતા. એટલે તેમને સમાજઋણનું ભાન હતું. સંસ્થાઓની ગ્રાન્ટો તેમ જ અધ્યાપકોના પગારો માટે આવતો પૈસો સમાજનો છે, અને એટલા માટે કૉલેજો ફળદાયી રીતે ચાલવી જોઈએ એ તેમની શિક્ષણદૃષ્ટિનો સ્થાયીભાવ હતો. વળી તેમાં વિદ્યાર્થી કેન્દ્રમાં હતા. તેમને અધ્યાપકો વર્ગમાં નિયમિત અને સારી રીતે ભણાવે, તેમને પરીક્ષાના માર્કમાં અન્યાય ન થાય, તેમની સિદ્ધિઓનું ઉચિત ગૌરવ થાય તે માટે હીરુભાઈએ જે વ્યક્તિગત અને વહીવટી તકેદારી રાખતા તેના અનેક દાખલા આપી શકાય. અધ્યાપકો પાસે તે જે સજ્જતા, નિયમિતતા અને નિષ્ઠાનો આગ્રહ રાખતા એ તેમની પોતાની કાર્યપદ્ધતિમાં પણ દેખાતી. વ્યાખ્યાન અને વહીવટ માટે તેઓ ખૂબ ઘરકામ કરતા. એક વાર ધોળકા પાસેનાં ભેટાવાડા ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિર હતી. ગુલાબની ખેતી માટે જાણીતા એ ગામમાં વ્યાખ્યાન આપવા માટે હીરુભાઈએ કૉલેજનાં ગ્રંથાલયમાંથી ફૂલો વિશેનાં પુસ્તકો વાંચીને તૈયારી કરી હતી. ‘આચરણ કરે તે આચાર્ય’ ઉક્તિને હીરુભાઈ સાર્થક કરી હતી. હંમેશાં ખાદીના શ્વેત-શુભ્ર વસ્ત્રો પરિધાન કરનાર હીરુભાઈ વાણી-વર્તન-વ્યવહારમાં આચાર્ય હતા, શો-મૅન નહીં ! તેમનું જીવન ઘટનાપૂર્ણ ન હતું, વિદ્વત્તાના દાવા કે કર્તૃત્વના દેખાડા ન હતા. પણ વિદ્વાન કે કર્તૃત્વશીલ નાગરિકો બને તેવી કૉલેજ તેમણે આપી હતી.   

ગુજરાત રાજ્યની સિવિલ સર્વિસેસ ટ્રિબ્યુનલમાંથી 1990માં નિવૃત્ત થયેલા હેમકુમાર મિસ્ત્રી અભ્યાસી અને અભિરુચિસંપન્ન, પ્રબુદ્ધ અને પ્રતિબદ્ધ, વૃક્ષ અને વાચનના આરાધક સનદી અધિકારી તરીકે જાણીતા હતા. આઇ.એ.એસ. અધિકારી તરીકેની તેમની વિવિધ કામગીરીઓમાં તેમને સહુથી વધુ નામના અને આદર 1980-81માં શિક્ષણ સચિવ તરીકે મળ્યાં. પાલિતાણામાં અંગ્રેજી રાજના જજના દીકરા હેમને તેમના નગરમાં છદ્મવેશે અખાડાપ્રવૃત્તિ ચલાવતા ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહ રાણા પાસેથી શરીર સૌષ્ઠવ તાલીમ ઉપરાંત રાષ્ટ્રવાદ અને સમાજવાદના પાઠ પણ મળ્યા હતા.

તેમની કારકિર્દીની શરૂઆત તો અસલના જમાનાની એ ગુજરાત કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે થઈ હતી કે જેના તેઓ છ વર્ષ વિદ્યાર્થી પણ હતા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં 1954થી બે વર્ષના અભ્યાસ બાદ તેમના પરીક્ષક અને અંગ્રેજી વ્યાકરણ-પુસ્તકના લેખક  પ્રો. એચ. માર્ટિને તેમને કહ્યું હતું કે યુરોપમાં જે લૅટિન ન જાણતા હોય તે બાર્બેરિયન એટલે કે અસંસ્કારી કહેવાય. સ્કૉલર હેમે નમ્રતાપૂર્વક જણાવ્યું કે ‘હું જે સભ્યતામાંથી આવું છું ત્યાં સંસ્કૃત જાણનારાને એવા કહેવાય છે.’ પિતાના આગ્રહથી નાની વયમાં જ ઉત્તમ સંસ્કૃત શીખેલા મિસ્ત્રીસાહેબ  જીવનના આખર સુધી ‘શાકુંતલ’-‘મેઘદૂત’ના શ્લોકોનું રટણ કરતા.

વહીવટી કામ માટેનો તેમનો ઍપ્ટિટ્યૂડ પારખી ગયેલા એક અંગ્રેજ અધ્યાપકના સૂચનથી હેમ ભારતની સનદી સેવામાં જોડાયા. તેતાળીસ વર્ષની કારકિર્દીમાં એક પબ્લિક સર્વન્ટ તરીકે છેવાડાના માણસ સુધી પહોંચવાની નેમ સાથે તેઓ કાર્યરત રહ્યા. સુરત, વલસાડ, પંચમહાલ, ખેડા, ભાવનગર, સાબરકાંઠા જેવી અનેક જગ્યાએ લોકભાગીદારી સાથેના માનવકેન્દ્રી વહીવટ માટે સતત કોશિશ કરી. છોટાઉદેપુર વિસ્તારમાં કલેક્ટર હતા ત્યારે આદિવાસી સમૂહોમાં તિરંદાજીની ક્ષમતા તેમના ધ્યાનમાં આવી. તેને પ્રોત્સાહન આપવાની તેમની નીતિની ફલશ્રુતિ તરીકે નસવાડી ખાતે એકલવ્ય એકેડમીનું નિર્માણ થયું છે. પ્રકૃતિના ઉત્કટ પ્રેમી હેમકુમાર જે મુકામે ફરજ પર નીમાતા ત્યાંત્યાં તે વૃક્ષારોપણ હાથ ધરતા અને પોતાના નિવાસ્થાનને તો લીલોતરીથી ઘેરી દેતાં. તેઓ વૃક્ષોનાં નામ પાડતા (એક લીમડાનું નામ અમરતલાલ પાડ્યું હતું !), તેમની સાથે વાતો કરતા, તેમને કવિતા પણ સંભળાવતા.

કવિતા અને સાહિત્ય, વાચન અને લેખન હેમભાઈની જિંદગીનાં અવિભાજ્ય અંગ હતાં. તેમણે વિવિધ ભાષાઓનું વિપુલ સાહિત્ય માણ્યું હતું. નરસિંહની કેટલીક રચનાઓનો તેમણે કરેલો અનુવાદ લંડનથી બહાર પડ્યો હતો. સાહિત્ય અકાદમીએ બહાર પાડેલાં મધ્યકાલીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદના ખંડોમાં તેમણે કરેલો ગુજરાતી ફાગુગીતોનો અનુવાદ જોવા મળે છે. ‘હિન્દ સ્વરાજ’ પર કાન્તિભાઈ શાહે લખેલા લેખોના પુસ્તકને તેઓ અંગ્રેજીમાં લઈ ગયા, અને તે દરમિયાન અનેક ગ્રંથો વાંચીને ગાંધીવિચારનો અભ્યાસ કર્યો. ‘ભદ્રંભદ્ર’ તેમણે એક જાપાની સંશોધકને અંગ્રેજીમાં સમજાવી હતી. બિનગુજરાતી કર્મચારીઓ માટે ગુજરાત સરકારે બહાર પાડેલા ત્રિભાષી વહીવટી કોશ મિસ્ત્રીસાહેબને કારણે શક્ય બન્યો. 1961-62માં ફુલબ્રાઇઅટ સ્કૉલરશીપ પર યુનાઇટેડ સ્ટેટ્સની શાળાઓનો અભ્યાસ કર્યો. પત્નીના બંગાળી સાહિત્યના રસને કારણે બંગાળી શીખીને બાઉલ પરંપરાનો અભ્યાસ કર્યો, તેના માટે શાંતિનિકેતન ગયા. પૂરા અભ્યાસ કે નિપુણતા વિના એક પણ શબ્દ બોલવો કે લખવો નહીં એવી તેમની દૃઢ માન્યતા હતી. તેમના અનુભવો વિશે લખવાના સૂચન કરનારને તેઓ એ મતલબનું કહેતા : ‘સમાજને સંતાનો તરીકે બે સારાં નાગરિકો અને વૃક્ષો આપ્યાં એટલે જીવન સાર્થક …’ નિયતિ યાદ કરે છે : ‘એક જિલ્લામાં પારિજાત વાવ્યો ને તરત બદલી થઈ. છોડને કહ્યું, ‘ભાઈ, તારાં ફૂલ નહીં મળે’. પપ્પા ડાયરીમાં લખે છે કે ભર શિયાળે પારિજાતે થોડાં ફૂલ આપ્યાં.’ નિયતિનું એક સાંભરણ છે કે એક જગ્યાએ એમની પ્રાર્થનાથી મે મહિનાની અખાત્રીજે કદંબ પર ફૂલ બેઠાં હતાં.

03 જાન્યુઆરી 2019

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 04 જાન્યુઆરી 2019

Loading

ઉલુરુ સાખે સૂર્યાસ્તદર્શન

આરાધના ભટ્ટ|Diaspora - Features|4 January 2019

ઓસ્ટ્રેલિયા પૃથ્વીના ગોળા પર લગભગ તળિયે આવેલો દેશ છે. પ્રકૃતિએ પોતાના વિવિધ રંગોથી રંગોળી પૂરીને આ દેશને બહુરંગી બનાવ્યો છે. ચોતરફથી નીલરંગી સમુદ્રનું આલિંગન ઓઢીને દક્ષિણ ગોળાર્ધમાં ઊભેલો આ દેશ એક તરફ એના લીલાં ગાઢ રેઇનફોરેસ્ટની હરિયાળીથી તરબતર છે, તો બીજી તરફ શિયાળામાં અહીંના કેટલાક પર્વતો સફેદ બરફની ચાદર તાણે છે. ઓસ્ટ્રેલિયાના મધ્યમાં લાલ રંગનો વિશાળ રેતાળ પટ છે, જે રણપ્રદેશ ‘નલાર્બર’ (અર્થાત્‌ વૃક્ષ વિનાનો – ઉજ્જડ વિસ્તાર) તરીકે ઓળખાય છે. આ લાલ મધ્ય એ ભૌગોલિક દૃષ્ટિએ અને સંસ્કૃતિક દૃષ્ટિએ ‘હાર્ટ ઓફ ધ નેશન’ કહેવાય છે.

આ રણપ્રદેશની મધ્યમાં છે ‘ઉલુરુ’ અથવા ‘ઍયર્સ રોક’ – એ ખડક જે પિક્ચર પોસ્ટકાર્ડથી દૂનિયાના ખૂણેખૂણે પહોંચ્યો છે અને જેનાથી ઓસ્ટ્રેલિયા ઓળખાય છે. એક જ શિલાના આ બંને નામ સરકારી ગેઝેટમાં સ્વીકૃત છે. ‘ઍયર્સ રોક’ નામ ૧૮૭૩માં ત્યાં પહોંચનાર પ્રથમ અંગ્રેજ સર્વેયરે આપ્યું હતું, પરંતુ ઉલુરુ એનું પરંપરાગત, ત્યાની અનાન્ગુ પ્રજાની બોલીનું, વિશેષ નામ છે, જેનો કોઈ અર્થ નથી પરંતુ ઉલુરુ એ ત્યાંની મૂળ પ્રજામાં સ્થાનવાચક અટક તરીકે વપરાતો શબ્દ છે. જેમ સિડનીનું ઓપેરા હાઉસ કલાપ્રેમી પ્રવાસીઓનું યાત્રાધામ છે, તેમ ૧૯૮૭માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત ઉલુરુ, એક કુદરતી અજાયબી તરીકે દેશની ઓળખ બની છે. છસો મિલિયન વર્ષ પૂર્વે આકાર પામેલા, ઇંટોડી લાલ રંગના, ઊંધા વાળેલા માટીના વાડકા જેવો આકાર ધરાવતા, આ ખડકને દૂરથી જોઈએ અથવા ચિત્રોમાં જોઈએ તો એના કદની કલ્પના કરવી મુશ્કેલ છે. પૃથ્વીની સપાટીની ઉપર આ શિલા પેરિસના આયફિલ ટાવર કરતાં ચોવીસ મીટર ઊંચી છે અને પૃથ્વીની સપાટી નીચે એ લગભગ અઢી કિલોમીટર ઊંડે સુધી પહોંચે છે. ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં ઉલુરુ એ 'મોનોલિથ' છે, અર્થાત્‌ એ શિલાઓનો સમૂહ નહીં પણ ૯.૪ કિલોમીટરના પરિઘવાળો આખો એક ખડક છે.

પ્રવસન આજે એક મોટું ધંધાકીય ક્ષેત્ર બન્યું છે. પ્રવાસો કરવા એ સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આ આબોહવામાં પ્રવાસનો સામાન્ય અર્થ સ્થળો જોવાં, ત્યાંની સંસ્કૃતિનો અનુભવ કરવો, ત્યાં વસતી પ્રજાનું નિરીક્ષણ કરવું, ત્યાંનાં બોલી-રહેણીકરણી-પહેરવેશ-ખાનપાનનો પરિચય મેળવી, ખરીદી કરી પાછા આવવું, એવો થાય છે. ઉલુરુના ફોટા પાડીને આહલાદ થાય એવી, એ કુદરતી અજાયબી હોત તો એ પ્રવાસ સૌન્દર્યદૃષ્ટિથી કરેલો પ્રવાસ હોત અને એ પ્રવાસની સ્મૃતિઓ કદાચ એટલી ચિરંજીવી ન હોત. પરંતુ આ સ્થળના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો વિષે, એ ભૂમિના મૂળ માલિકો-ત્યાંની આદિજાતિની પરંપરા વિષે થોડું વાંચવાથી એવું સમજાયું હતું કે ઉલુરુ એ મુલાકાતનું સ્થળ નહીં, પણ અનેક સાંસ્કૃતિક સંદર્ભોવાળું દર્શનનું એક સ્થાનક છે.

આવા ભાવ સાથે જૂન મહિના દરમ્યાન સિડનીથી લગભગ સાડા ત્રણ કલાકની ફલાઇટ લઈને રેડ સેન્ટર પહોંચ્યાં. જીવનમાં રણ કદી જોયું ન હોય, એટલે પ્લેનની બારીમાંથી હજારો કિલોમીટર વિસ્તરેલી સાવ શુષ્ક-વેરાન લાલ ધરતીનું દૃશ્ય રોમાંચક લાગે. અને પછી એ રેતાળ ધરતી પર જ્યારે પગ મૂક્યો ત્યારે કોઈક બીજા જ ગ્રહ ઉપર ઉતરાણ કર્યું હોય એવો અનુભવ થયો. પ્રવાસીઓની સંખ્યા ખૂબ પાંખી, વેરાન રણ વચ્ચે માંડ ત્રણ-ચાર નાની-મોટી હોટેલ અને પ્રવાસીઓની પાયાની જરૂરિયાત પૂરી થાય એટલી ગણીગાંઠી દુકાનોનું એક ઝૂમખું, બસ એનાથી વિશેષ ત્યાં કાંઈ નહીં. દૂકાનોમાં અથવા હોટેલમાં જે મળે તે પૈકી કશું જ ત્યાંની સ્થાનિક પેદાશ નહીં, બધું જ હજારો માઈલથી માલવાહક ટ્રક દ્વારા અહીં લાવવું પડે.

જે નૈસર્ગિક છે એ સુંદર જ હોય, એ નિયમ તો ગળથૂથીમાં મળ્યો હતો. છતાં, શુષ્ક્તા પણ આટલી સુંદર હોઈ શકે, એ એહસાસ પહેલી વાર થયો. ધરતી અને આકાશ વચ્ચે ભાગ્યે કશું નજર આવે. નીચા છૂટાછવાયા ઝાંખરાં સિવાય ખાસ કોઈ વનસ્પતિ નહીં, એટલે નજર ફેરવીએ તો વચ્ચે ક્યાં ય અટક્યા વિના એ સીધી ક્ષિતિજે પહોંચે. જૂન મહિનો અહીંનો શિયાળો છે, છતાં રણનો તગતગતો તડકો આંખ સોંસરો ઊતરે અને ચામડીને પણ દઝાડે. ‘બુશ ફ્લાઈ’ તરીકે ઓળખાતી માખીનું અહીં સામ્રાજ્ય. ચહેરા આગળ સતત ઊડતી રહેતી આ માખીઓથી અને તડકાથી મોં અને આંખોને બચાવવા અહીં ખાસ ટોપી મળે છે, જેમાં ચહેરા આગળ મચ્છરદાની જેવી જાળી હોય છે.

ઉલુરુનો સૂર્યાસ્ત એ વિશ્વના શ્રેષ્ઠ સૂર્યાસ્તો પૈકીનો એક ગણાય છે. વળી રણપ્રદેશ એટલે અહીં વાદળ-વરસાદની શક્યતા નહીંવત્‌ હોવાથી પ્રવાસીઓને મૉટે ભાગે નિરભ્ર આકાશમાં સાંગોપાંગ સૂર્યાસ્તદર્શન કરવાનો લ્હાવો મળે. હોટેલથી પ્રવાસી-બસમાં નીકળી પહેલાં તો બસમાં આખા ખડકની પ્રદક્ષિણા કરી. એને જુદાજુદા પ્રકાશમાં અને જુદાજુદા બિંદુએથી નિહાળ્યો. ખડકના અમુક ભાગ બતાવી બસના ચાલકે ખડકની એ તરફની તસવીરો ન લેવાની સૂચના આપી. કારણ કે એ ભાગ અહીંની 'અનાન્ગુ' જાતિની પારંપરિક કથાઓ સાથે સંકળાયેલો છે અને એમને માટે પવિત્ર છે. એના ફોટા પાડવા એ એમના પવિત્ર સ્થળનો અનાદર લેખાય છે. ઉલુરુ અને આસપાસનો વિસ્તાર 'ઉલુરુ-કાટાટૂટજા નેશનલ પાર્ક'માં આવેલો છે અને એક સુરક્ષિત વિસ્તાર તરીકે સરકાર દ્વારા અને અહીંની મૂળ પ્રજાની માન્યતાઓ દ્વારા એ પર્યાવરણની જાળવણી થાય છે. ઉલુરુનું ચડાણ કરવું એ સરકાર દ્વારા નિષિદ્ધ નથી પરંતુ તળપદની સંસ્કૃતિનું એ શ્રદ્ધાસ્થાન છે જેની સાથે કેટલીક લોકકથાઓ જોડાયેલી છે. તેથી આદિવાસીઓ, જેને ‘એબોરિજિનલ’ પ્રજા કહેવાય છે, તેઓ ઉલુરુનું ચડાણ ન કરવા પ્રવાસીઓને વિનંતી કરે છે. કોઈ પગથિયાં કે અન્ય વ્યવસ્થાના અભાવે એનું ચડાણ ખાસ્સું કપરું પણ છે. સરકારી નોંધમાં ૧૯૫૦થી અત્યાર સુધી ઉલુરુનું ચડાણ કરતાં ૩૭ મૃત્યુ નોંધાયાં છે.

કુદરતી સૌંદર્યના અનેક સ્થળોએ સૂર્યાસ્તો જોયા છે. હીલ સ્ટેશનના 'સનસેટ પોઇન્ટ'ની ઊંચાઈએ કે સમુદ્રના તળિયે ડૂબકી મારતો સૂર્ય જોઈને દર્શક-મેદની ચિચિયારીઓ પાડે કે તાળીઓથી સૂર્યને એ દિવસ પૂરતો વિદાય કરે એવા અનેક પ્રસંગો અનુભવ્યા છે. ઉલુરુ આગળ આવી કોઈ મેદની જામી નહોતી. સૂર્યાસ્ત જોવા માટે બનાવેલો એક ખાસ્સો મોટો વિસ્તાર છે. બેસી શકાય એવાં લાકડાના ખૂંટા રેતીમાં ખોસેલા છે, એ સિવાય પ્રવાસ-સ્થળે હોય એવી કોઈ વ્યવસ્થા અથવા ખાવા-પીવાની લારીઓ, ચા-કોફીની હાટડી કશું જ ત્યાં નથી. આ જગ્યાએ બસમાંથી ઊતરેલા થોડા લોકો પથરાઈ જાય એટલે લગભગ એકાંતમાં આ દર્શનનો લ્હાવો મળે. ખડકનો ઘેરાવો એટલો મોટો છે કે એનાથી 3-4 કિલોમીટર દૂરના સ્થળેથી આ દૃશ્ય જોવું પડે. આગળ પહાડ જેવો ઉલુરુનો ખડક અને એની પછીતમાં ઢળતા સૂર્યની લાલિમા. જેમજેમ સૂર્ય ઢળતો જાય તેમતેમ આકાશનો રંગ અને એની સાથે ઉલુરુની લાલિમા પણ જુદાજુદા રંગોની ઝાંય પકડે. લાલમાંથી એ જાબુંડી અને પછી રાખોડી રંગ ધારણ કરવા જાય. એ અલૌકિક દૃશ્ય નિષ્પલક અને નિઃશબ્દ બનીને જોઈ રહીએ ત્યારે વિરાટ પ્રકૃતિ સમક્ષ આપણી વામનતાનું દર્શન થાય. ઉલુરુ, સૂર્યાસ્ત અને સરરિયલ લાગે એવું એ વાતાવરણ, આ ત્રણે તત્ત્વો જાતનું દર્શન કરાવનાર બને. જાતને અને જગતને વિસરી જવાય એવી એકાદ કલાકની આ વિચારશૂન્ય સ્થિતિમાંથી બહાર નીકળીને બસ તરફ જવાનો સમય થયો ત્યારે પગ ઊપડતા નહોતા અને હજીયે ઉલુરુ પર સ્થિર થયેલી આંખો ત્યાંથી ખસવા તૈયાર નહોતી. જે જોયું એને દૃશ્ય કહીએ તો એ અપૂર્ણ લાગે, જે અનુભૂતિ છે એ કદાચ શબ્દાતીત છે.

ધીમા ડગલે, અનિચ્છાથી, બસ તરફ અમારો નાનકડો કાફલો પહોંચ્યો. ઉલુરુને પહેલીવાર બસમાંથી જોયો ત્યારે સૌમાં જે ઉત્તેજના હતી તે હવે આથમી ગઈ હતી. એ ઉત્તેજનાનું સ્થાન ધ્યાનાવસ્થાના મૌને લીધું હતું. મનમાં હતું કે ટુર-ગાઈડની અદાથી આંક્ડાકીય અને ઐતિહાસિક માહિતીનો ધોધ વહાવતો બસ-ચાલક અથવા બીજું કોઈ પ્રવાસી હવે કશું ન બોલે તો સારું. બસ ચાલુ થઇ ત્યારે આકાશમાં અંધકાર વિસ્તરી રહ્યો હતો. એક તરફ ચંદ્રમા ઉદયમાન હતો અને ઝીણા તારાઓ ટમટમી રહ્યા હતા. કાળા અંબરની, આભલા ભરેલી ઓઢણી ઓઢીને ઉલુરુ શયન કરવાની તૈયારીમાં હતો. ઉલુરુનું અડધું ચક્કર મારીને બસ રસ્તા પર પહોંચી. એ વખતે થયું કે આ લાલ શિલા જો સ્થાનક હોય તો એના નવ કિલોમીટરના પરિઘની ફરતો નવરાત્રિનો ગરબો ગવાય? ભૂતનો વાસ પીપળે હોય તેમ ગુજરાતીનો શ્વાસ ગરબે! બસની ઘરઘરાટીના સથવારે મારા મને તો અંદરોઅંદર, ચૂપચાપ ગાવા માંડ્યું ‘ખમ્મા રે ખમ્મા મારી માવલડીને ઝગમગ દીવડાનો ઝાગ, માડીને માથે ચંદરવો રે. લખકોટિ માની આંખલડીમાં તારાઓની ભાત, માડીને માથે ચંદરવો રે’ …

સ્થળની મુલાકાત પૂરી થાય એટલે પ્રવાસ પૂરો થાય એવું સામાન્યતઃ બને, પણ એવું આ પ્રવાસના કિસ્સામાં ન બન્યું. અહીં જે ચાર-પાંચ દૂકાનો છે, એમાં બીજા દિવસે ચક્કર માર્યું. એક દુકાનમાંથી પુસ્તક હાથ લાગ્યું – ‘સ્પીકિંગ ફ્રોમ ધ હાર્ટ’. અંગ્રેજોના આગમન અને એમનું અહીં સામ્રાજ્ય થયું પછી અહીંના આદિવાસીઓ ઉપર અંગ્રેજોના દમનની ઘટનાઓ આલેખતા વિવિધ એબોરિજીનલ લેખકોના આત્મકથાત્મક લેખોનો આ સંગ્રહ છે, કહો કે એમના હૃદયના ઉદ્દગારો છે. સાવ સરળ, બોલચાલની ભાષામાં લખાયેલ આ પુસ્તક સાહિત્ય કરતાં વધુ, એક દસ્તાવેજ છે. કથાકથન એ વિશ્વની તમામ આદિપ્રજાઓની પરંપરાનો અંશ છે. દાસ્તાંગોઇની ફારસી પરંપરા, હકાવતીની અરબી પરંપરા, પ્રાચીન ચિની, ગ્રિક અને રોમન સંસ્કૃતિઓમાં કથાકથનની પરંપરાઓ અને ભારતમાં તો અનેકવિધ પ્રાચીન કથા-પરંપરા હતી. ઓસ્ટ્રેલિયાની એબોરિજીનલ પ્રજાને પણ કથાકથનની શક્તિમાં અપાર શ્રદ્ધા છે. હૃદયથી કહેવાયેલી અને પેઢી દર પેઢી કહેવાતી આવેલી એમની જીવનકથાઓ એ એમનું જ્ઞાન, એમના પૂર્વજોનું ડહાપણ, પ્રકૃતિ સાથેનું એમનું તાદાત્મ્ય અને એમની સંવેદનાઓ અન્યો સુધી પહોંચાડવાનું એમનું સબળ માધ્યમ છે. અને એ જ રીતે કોઈકની વાર્તાના શ્રોતા બનીને કથાકાર પ્રત્યે આદર વ્યક્ત કરવાની એમની પ્રણાલી છે.

અહીં આલેખાયેલી જીવનકથાઓ એમના 'ડ્રીમટાઈમ'ના પુરાતન ઇતિહાસથી લઈને અંગ્રેજ કાળના જીવનની સત્યકથાઓ છે. કથાઓ કહેનાર વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આદિવાસીઓ છે. 1901માં ઓસ્ટ્રેલિયન કોમનવેલ્થનો જન્મ થયો. એના ન્યાયતંત્રમાં આ ભૂમિના મૂળ માલિકો માટે મૂળભૂત માનવઅધિકારોની જોગવાઈ નહોતી. જેમ ભારતમાં પ્રજાનું વિભાજન કરીને પોતાની સલ્તનતની ધજા ઊડતી રહે એવી અંગ્રેજોની નીતિ હતી એમ ઓસ્ટ્રેલિયામાં આદિજાતિની વસ્તી ઉત્તરોઉત્તર ઘટતી જાય અને એ રીતે એમની પ્રજા અને સંસ્કૃતિ નામશેષ થાય એવા પ્રયત્નો એમણે કર્યા. એ માટે બળજબરીથી યુરોપિયન સાથે આદિવાસીઓનાં લગ્નો કરાવવામાં આવતાં. ઇતિહાસમાં 'સ્ટોલન જનરેશન' સામે આદરાયેલા જુલમો માનવઅધિકારના ઇતિહાસનું કાળું પાનું છે, જેનું 'રેબિટ પ્રુફ ફેન્સ' નામના 2002માં બનેલ ચલચિત્રમાં હૃદયસ્પર્શી અને કલાત્મક નિરૂપણ છે. 'સ્પીકિંગ ફ્રોમ ધ હાર્ટ' પુસ્તકમાં આલેખાયેલી કેટલીક દર્દનાક કહાનીઓ હચમચી જવાય એવી છે.

હવે એમની પ્રજા માટે માનવાધિકારની લડતમાં સક્રિય કેન કોલ્બન્ગ 1931માં એમના જન્મની વાત કરતાં કહે છે કે તેમની 19 વર્ષીય મા પર એક ગોરા અફસરે બળાત્કાર કર્યો અને એને ગર્ભ રહ્યો. એ પુત્ર તે પોતે – કેન. બળાત્કાર કરનાર અફસરને સજા ન થઇ પણ કેનની માને સજા થઇ કારણ કે તે સાંજના સમયે બહાર ગઈ, એકાંતમાં ગોરા અફસરે એને જોઈ અને એમાંથી બળાત્કારની ઘટના બની. જેલના અત્યાચારોથી કેનની માનું સ્વાસ્થ્ય કથળ્યું અને કેનને જન્મ આપી તે મૃત્યુ પામી. એને દફનાવતાં ઓઢાડવાની ચાદરના પૈસા એની પાસે નહોતા, એટલે એને વિના ચાદરે દફનાવી દેવામાં આવી. એના મૃતદેહને ઓઢાડેલી ચાદર એ લોકો પાછી લઇ ગયા.

બીજી એક કથા છે એક પ્રસુતા માની. એમના સમૂહની દાયણ એની પ્રસૂતિ કરાવી ન શકી, કારણકે ગર્ભમાં તકલીફ હતી. પ્રસૂતા મહિલાને ટ્રેક્ટર જેવા વાહનમાં પાછળ નાખીને નજીકની હોસ્પિટલ પહોંચાડી તો ખરી પણ હોસ્પિટલની સારવાર માત્ર ગોરા લોકો માટે હોવાથી હોસ્પિટલની બાજુમાં આવેલા શબઘરમાં મૃતદેહોની સાથે એ મહિલાને રાખવામાં આવી જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો .. આવી દારુણ, ઘૃણાસ્પદ ઘટનાઓનો ઇતિહાસ લઈને જીવતા હોવા છતાં આ કથાકારોની પ્રત્યેક કથાનું સમાપન એમના પૂર્વજોના સ્પિરિટમાં અને કુદરતના નિયમોમાં એમની દૃઢ શ્રદ્ધાના નિવેદનથી થાય છે.

આપવીતી કહેનાર દરેક વડીલ હવે પછીની પેઢીને એક જ બોધ આપે છે – પ્રકૃતિ સર્વોપરી છે અને એને તમે જાળવશો તો એ તમને જાળવશે. આવી ‘હજારો વર્ષની જૂની વેદનાઓ અને કલેજાં ચીરતી કંપાવતી ભયકથાઓ’ આલેખતા પુસ્તક ‘સ્પીકિંગ ફ્રોમ ધ હાર્ટ’ની કથાઓ આ પ્રવાસ પૂરો કર્યા પછી વાંચી ત્યારે ઉલુરુની મૂળ પ્રજાનું પ્રકૃતિ સાથેનું અનુસંધાન અને પ્રકૃતિનાં તત્ત્વોમાં એમની અપાર શ્રદ્ધાને, અનેક વિષમતાઓ સામે ટક્કર લઇ એમની પ્રાચીનતમ સંસ્કૃતિ અને એમની અસ્મિતાને જાળવવાના એમના આત્મબળને નતમસ્તક વંદન કરવાનું મન થયું. આ પુસ્તકે આ પ્રવાસને સાર્થક અને સંપૂર્ણ કર્યો. 

e.mail : aradhanabhatt@yahoo.com.au

(પ્રગટ : દીપોતસ્વી – પ્રવાસ વિશેષાંક, “નવનીત સમર્પણ”, નવેમ્બર 2018)

Loading

...102030...3,0003,0013,0023,003...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved