Opinion Magazine
Number of visits: 9685969
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેવા હતા સરદાર-ગાંધી-નહેરુના સંબંધ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 October 2018

સરદારને જરી વધુ તીવ્રતાથી, કહો કે કંઈક કચકચાવીને સંભારવાનો તાવ એ હમણેનાં વરસોની એક લાક્ષણિકતા રહી છે.

આમે ય, ગુજરાતી તરીકે એ રાષ્ટ્રીય સ્તરે (વડા પ્રધાનપદ માટે) અવગણાયી લાગણી તો ખેંચાતી આવેલી જ છે.

સરદાર પહેલા વડા પ્રધાન થયા હોત તો વધુ સારું થયું હોત એવું પુનર્વિચારનું વલણ પણ પાછળનાં વરસોમાં જોવા મળ્યું છે.

ચક્રવર્તી રાજગોપાલચારીએ લખ્યું કે સરદાર વડા પ્રધાન હોત અને નહેરુ, વિદેશ પ્રધાન, એવું પહેલું પ્રધાન મંડળ રચાયું હોત તો કેવું સારું થયું હતું હોત, એમ મને થાય છે.

અહીં સરદાર વિ. જવાહર એવી વડા પ્રધાનપદની તુલનામાં ઇતિહાસના 'જો' અને 'તો'ની રીતે જવાનો ખયાલ નથી.

માત્ર, સરદારને કેટલીક વાર જે કલ્પિત (ખરું જોતાં કપોળકલ્પિત) યશ આપવમાં આવે છે એનો એક દાખલો જરૂર આપવા ઇચ્છું છું.

સરદાર હોત તો કાશ્મીરનો કોયડો ઊકલી ગયો હોત, એ આવું જ એક સૌને ગમતું વિધાન વરસોવરસ, વખતોવખત, વાંસોવાસ, ઉચ્ચારાતું રહેલું એક વિધાન છે.

સરદારના આ મુગ્ધ ચાહકોને કોણ સમજાવે કે જેમ પંજાબના અને બંગાળના ભાગલા સ્વીકાર્યા તેમ કાશ્મીરના પણ સ્વીકારવા જોઈતા હતા, એવો એક વાસ્તવિક ઉકેલ સરકારને વિશેષ પસંદ પડ્યો હોત.

પાકિસ્તાને આક્રમક કારવાઈ કરી તે પૂર્વે સરદાર કાશ્મીર ખીણ બાબતે આ દિશામાં વિચારતા નહોતા એવું નથી, બલકે, ઇતિહાસવસ્તુ તરીકે એ એક વિગત નોંધીને ચાલવું જોઈએ કે ભાગલાની અનિવાર્યતા સ્વીકારવામાં સરદાર અને નહેરુ એક સાથે હતા, અને એ રીતે ગાંધીથી જુદા પડતા હતા.

ભારતવર્ષ, તેમ છતાં, બડભાગી એ વાતે છે કે 1947માં નહેરુ અને પટેલ સત્તામાં તેમ જ ગાંધી લોકમોઝાર, એ વાસ્તવિકતા વચાળે છતાં સ્વરાજની લડતના લાંબા દાયકાઓમાં તથા સ્વરાજ પછી તરતના નાજુક નિર્ણાયક ગાળામાં ગાંધી-નહેરુ-પટેલ એ સ્વરાજત્રિપુટીએ યથાસંભવ સાથે રહીને દેશના પ્રશ્નો અને ઉકેલોમાં નિર્માણકારી હાથ બટાવ્યો છે.

જવાહરલાલ નહેરુને લાંબો સત્તાકાળ મળ્યો. ગાંધી વહેલા ગયા, સ્વરાજ પછી એક વરસ પણ પૂરું થાય તે પહેલાં ગયા, 1948ના જાન્યુઆરીમાં અને સરદાર ગયા 1950ના ડિસેમ્બરમાં. પણ એ ત્રણે સાથે મળીને જવાહરલાલના મોટા ભાગના શાસનકાળમાં જ જાણે વિચારતા ન હોય!

“બાપુએ મને જ્યાં ગોઠવ્યો છે ત્યાં હું છું”

1950ના ઑક્ટોબરની બીજીએ નિધનના માંડ અઢી મહિના પૂર્વે, સરદારે 'કસ્તૂરબા ગ્રામ'નો શિલાન્યાસ કરતાં કહ્યું હતું એ સંભારીએ:

“બાપુએ એક મરેલા દેશને સજીવન કરેલો. બાએ એમાં સાથ આપેલો. એ બંનેની સ્મૃિતનાં ચિત્રો સતત આપણી નજર સક્ષમ રહેવાં જોઈએ. આપણે તો ભૂલો પણ કરીએ, પણ એ બંને આપણો જવાબ સાંભળવા હાજરાહજૂર રહેશે.”

“અમે સૌ એમના લશ્કરના સૈનિકો હતા. મારો ઉલેખ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે થતો રહ્યો છે, પણ હું મારી જાતને ક્યારે ય આ રીતે ઓળખતો નથી.”

“જવાહરલાલ નહેરુ આપણા નેતા છે. બાપુએ એમને પોતાના ઉત્તરાધિકારી નીમેલા અને એ મતલબની જાહેરાત પણ કરી હતી.”

“બાપુના હુકમનો અમલ કરવાની બાપુના સૈનિકોની ફરજ છે. જે કોઈ વ્યક્તિ પૂરા દિલથી બાપુના આદેશના મર્મને અનુસરશે નહીં તે ઇશ્વરનો ગુનેગાર બનશે.”

“હું બિનવફાદાર સૈનિક નથી. હું જે સ્થાન પર છું તેનો હું લગીરે વિચાર કરતો નથી. હું તો એટલું જ જાણું છું ને મને એ વાતનો સંતોષ છે કે બાપુએ મને જ્યાં ગોઠવ્યો છે ત્યાં હું છું.”

લડવૈયા અને ઘડવૈયા

તમે જુઓ કે 1947 સુધી પહોંચતે જે ગાંધી-નહેરુ-પટેલ એકંદરમતી બનેલી હતી તે જવાહરલાલના વડા પ્રધાનકાળમાં બહુધા બરકાર રહી છે:

બિનસાંપ્રદાયિકતા, આર્થિક સામાજિક ન્યાય, બિનજોડાણવાદ ત્રણેનાં વિધાનવલણોમાં ઝોકફેર હતો, જરૂર હતો, પણ એકંદરમતી તો આ જ હતી:

ભારતનું બંધારણ અને રાષ્ટ્રધ્વજ સ્વીકારવાની શરતે (અને પોતાનું લેખી બંધારણ પણ હોય એ શરતે) આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો એની પૂંઠે હતી તો આ બિનસાંપ્રદાયિક એકંદરમતી જ.

લડવૈયા હોવું અને ઘડવૈયા હોવું, એવું ઉભયપદી અને સવ્યસાચી વ્યક્તિ ને નેતૃત્વ એ સરદારનો મળતાં મળે એવો વિશેષ હતો.

આઇ.સી.એસ. સ્ટીલ ફ્રેમ પાસેથી એમણે જે કામ લીધું તેનાથી માંડીને તે રિયાસતોના વિલીનીકરણ સહિતના મામલાઓમાં એમની આ 'ઘડવૈયા' કુળની વિશેષતા સોળે કળાએ પ્રગટી ઊઠે છે.

પણ સરદારની પ્રતિભાને રિયાસતોના મામલામાં ઊંચકી અને એમાં જ જકડી રાખવામાં એમને કંઈક અન્યાય થાય છે, કેમ કે એકતાની એમની વ્યાખ્યા આટલી સરળ ને સપાટ નહોતી.

ગાંધીએ એમને સરદાર કીધા તે 1928માં બારડોલીની ફતેહ વખતથી … એમનું સરદારપણું, આમ, તમે જોશો કે કિસાનને પૂરા કદના નાગરિકમાં સ્થાપતી લડતમાંથી આવેલું હતું.

બલકે, એમની 'સરદારિયત'નો ઉન્મેષ તો એનાયે છ વરસ પહેલાં, સન 1922માં ચમકી ઊઠ્યો હતો, જ્યારે એમણે અંત્યજ પરિષદમાં છેવાડે બેઠેલા અંત્યજોની વચ્ચે જઈ પહોંચી ત્યાં બેઠક જમાવી પરિષદનું કેન્દ્ર ક્યાં રહેલું છે એ સ્પષ્ટ કર્યું હતું તો, જે આઘામાં આઘા અને પાછામાં પાછા છે એની સાથે એકરૂપ થવું એમાં એમના સરદાર હોવાની ચાવી રહેલી છે.

'સરદારનો વહીવટ'

આર્થિક વિચારોમાં એ પ્રતિગામી હતા એવી એક લાગણી અને ફરિયાદ લાંબો સમય રહી છે.

1975માં બારડોલીની મુલાકાત વખતે જયપ્રકાશ નારાયણે તરુણ સમાજવાદી તરીકે પોતાનું સરદારનું મૂલ્યાંકન આવું હતું એમ કહી એમાં પુનર્વિચાર કર્યાની જિકર પણ મન મૂકીને કરેલી.

અહીં કોઈ લાંબી અર્થશાસ્ત્રીય ચર્ચામાં નહીં જતાં બે સાદી વાતો જ નોંધીશું: એક તો, દેશના મુખ્ય પક્ષોની અર્થનીતિ આજે જે રીતે દેખીતી મૂડવાદતરફી જણાય છે એ જોતાં સરદારની ટીકા કાલબાહ્ય છે.

ખરું જોતાં, આ નિરીક્ષણમાં એક અતિવ્યાપ્તિ છે, પણ અહીં એની ગલીકૂંચીમાં નહીં જતાં, પ્રત્યક્ષ વ્યવહારને ધોરણે બીજો દાખલો આપીએ તો આખી વાત એકદમ સ્ફુટ જ સ્ફુટ થઈ જશે.

બારડોલીમાં ડેરાતંબુ તાણ્યા તે પૂર્વે સરદારે (ખરું જોતાં, તે 'સરદાર' કહેવાયા એ પૂર્વે) અમદાવાદ સુધરાઈના પ્રમુખપદેથી આગ્રહપૂર્વક ઉદ્યોગવપરાશના પાણી પર ઘર વપરાશના પાણી કરતાં પાંચ ગણા વેરાનો આગ્રહ રાખેલો અને પળાવેલો.

આ હતા ઉદ્યોગપતિઓના મિત્ર!

હાલના નેતૃત્વ અને સત્તા-પ્રતિષ્ઠાનની તાસીર સામે આ સાદો દાખલો મૂકીએ પછી કદાચ કશું જ કહેવાનું રહેતું નથી.

કોર્પોરેટ પરિબળો વાસ્તે રેડ કાર્પેટ એ સરદારનો વહીવટવિશેષ નહોતો.

દર બદલાતા શાસન સંવત્સરે તમને દિલ્હી દરબારમાં સરદારનો વહેમ માલૂમ પડે છે.

ભાઈ વાગ્મિતા તે કંઈ વહીવટ નથી. સરદારના નેતૃત્વનો વિશેષ, સમાજવાદી રુઝાનવાળા અને એથી કંઈક ટીકાકાર એવા ઉભરતા યુવા કવિ એ (ઉમાશંકર જોશી) એ બીનામાં જોયો હતો કે આ વ્યક્તિના શબ્દો ખુદ જાણે કે કાર્ય બની રહે છે.

ઊલટ પક્ષે, શબ્દો લટકા કરે શબ્દ સામે તે સ્થિતિ પ્રત્યક્ષ કાર્યનો અવેજ નથી તે નથી. આજનો રાજરોગ ઠાલા શબ્દે સંધું રોડવવાનો છે, અને એ વિરપરિણામી ને નિષ્પરિણામી સંજોગો અરજી રહેલ છે.

સરદારને કટ્ટરતાથી નહીં પણ કૃતજ્ઞતાપૂર્વક ઇતિહાસવિવેક સાથે સંભારી શકીએ એવી પુખ્તતા પ્રાપ્ત થાઓ!

[બી.બી.સી., ગુજરાતી; 29 અૉક્ટોબર 2018]

સૌજન્ય : https://www.bbc.com/gujarati/india-46009377#

Loading

સલામત છે સર મારું ‘ભણકાર’ સાથે

પંચમ શુક્લ|Opinion - Opinion|28 October 2018

વહી જાય જળ, નળ રહે ક્ષાર સાથે,
મલક થાય મેલા તડીપાર સાથે.

છે તેવર વગરનો તકાજો પ્રજાનો,
સરોકાર સુક્કો છે સરકાર સાથે.

પહાડી પ્રતિમાની પિછવાઈ આગળ,
ઊભા રહેશે ઠીંગુઓ ‘સરદાર’સાથે.

અજબ સુસ્તી છે, સાવધાની અજબ છે,
મધુર-ખટ છે નાતો રવિવાર સાથે.

વિચારોના વાયુ પડે-ઊપડે છે,
સલામત છે સર મારું ‘ભણકાર’ સાથે.

‘ગાંડી ગુજરાત’ના વ્યાખ્યાતા પ્રાધ્યાપક બળવંતરાય કલ્યાણરાય ઠકોરને અર્ઘ્ય

27/10/2018

Loading

જવાહરલાલ નેહરુ ભારતના પનોતા પુત્ર છે, ગાંધીજીના વારસ છે, ગરીબોની આંખનું નૂર છે અને ક્રાંતદ્રષ્ટા છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|28 October 2018

કોણ કહે છે? ગોલવલકર ગુરુજી. આજે માન્યામાં આવે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાકાત તો ઘણી વધી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી એવું સંઘના નેતાઓને લાગે છે. ભીડમાં કોઈ પ્રતિષ્ઠિત માણસ ન હોય તો એ ભીડ શી કામની એવું તેમને લાગે છે. એટલે તો બાવા-બાપુઓ તેમના આશ્રમોમાં ઇવેન્ટ યોજીને કોઈને કોઈ પ્રતિષ્ઠિત માણસોને બોલવતા રહે છે, તેમને સન્માને છે, સાંભળે છે વગેરે. ઉદ્દેશ તો ભીડને એ બતાવવાનો હોય છે કે તમે ગુરુની પસંદગી કરવામાં કોઈ ભૂલ નથી કરી. જુઓ! કેવા કેવા મોટા માણસો તમારા ગુરુની પાસે આવે છે. સામે પક્ષે મોટા માણસો પણ કાંઈક પામીને ભક્તોને કહે છે કે તમારા ગુરુ મહાન છે, એટલે નિશ્ચિંત રહીને ગુરુને ખોળે પડ્યા રહો. મેં એવા મોટા માણસોને પણ જોયા છે જે ભીડની સામે ભીડના દેખતા ગુરુને દંડવત્‌ પ્રણામ કરતા હોય.

ભેડ-બકરી બહુ મોટી તાકાત છે; પરંતુ તેનાથી માત્ર તાકાત વધે છે, પ્રતિષ્ઠા નહીં એ મોટી સમસ્યા છે. ભારતમાં મિશનરીઓ આવ્યા એ પછી તેમણે વટાળ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ભારતમાં ધર્માંતરણ કરાવવું બહુ સહેલું હતું. જંગલોમાં એટલે કે એક રીતે દેશને છેવાડે અને ગામને છેવાડે રહેતી ઉપેક્ષિત પ્રજાને તો જાણે તાજો શ્વાસ લેવાની બારી મળી. કોઈ તેમના ઘરે આવે, હૂંફ આપે, હાથ ઝાલે એ આંગળી પકડી લેવા માટે પૂરતું હતું. ધર્માંતરણ તો થવા લાગ્યું, પરંતુ મિશનરીઓને સંતોષ નહોતો. સમાજમાં વગ અને પ્રતિષ્ઠા ધરાવનારા ઉચ્ચ વર્ણીય લોકો જ્યાં સુધી ખ્રિસ્તી ધર્મ ન અપનાવે ત્યાં સુધી સંખ્યા તો વધશે; પણ ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા નહીં વધે.

જો ઉજળિયાતોનું ધર્માંતરણ કરાવવામાં આવે તો એક કાંકરે ઘણાં પક્ષીઓ મરે એમ છે. એક તો ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા વધે. વટલાયેલાઓને પણ લાગે કે તેમણે વટલાઈને કોઈ ભૂલ નથી કરી. ભીડનું પ્રમાણ જળવાઈ રહે એટલું જ નહીં ઉજળિયાતોને જોઇને એમાં વધારો થાય. આ વિશેની રણનીતિ ઘડવા મિશનરીઓની ખાસ બેઠક મળી હતી અને એ પછી હિન્દુ બ્રાહ્મણો અને પારસીઓનું ધર્માંતરણ કરાવડાવવામાં આવ્યું હતું.

ભીડનું એક સમાજશાસ્ત્ર હોય છે અને જેઓ સંખ્યાનો વેપાર કરે છે તેઓ તે જાણે છે. સંખ્યાનો વેપાર એટલે કે સંખ્યામાં જેનો સ્વાર્થ છે એવા લોકો. ધર્મ અને રાજકારણને સંખ્યા સાથે સીધો સંબન્ધ છે. જેટલી મોટી મેદની એટલો નેતા મોટો અને જેટલી મોટી મેદની એટલો ગુરુ મોટો. તાકત તો ભીડ જ છે, પરંતુ ભીડની અંદર પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ જાગી જાય છે. કોઈને ય ચોવીસ કલાક સુવડાવી રાખી શકાતો નથી. જ્યારે ક્ષણ-બે ક્ષણ માટે ટોળાંનો સભ્ય જાગી જાય ત્યારે તેને પ્રતીતિ થવી જોઈએ કે ટોળાંમાં પ્રવેશીને તેણે કોઈ ખોટો નિર્ણય લીધો નથી. જુઓ કેવા મોટા મોટા માણસો આપણા નેતાજીના કે ગુરુના વખાણ કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે પણ ભીડ તો ઘણી મોટી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી. ગઈ સદીના અને અત્યારના આદરણીય કહી શકાય એવા માણસોની એક યાદી બનાવો અને પછી તપાસી જુઓ કે એમાંના કેટલા જણ સંઘમાં હતા અથવા સંઘની પ્રવૃત્તિને વખાણીને સક્રિય સહયોગ આપતા હતા અથવા આજે આપે છે. જો નિરાંતે બેસીને યાદી બનાવશો તો દેશભરમાં ઓછામાં ઓછા એક હજાર આદરણીય માણસો મળી આવશે અને એમાંથી કેટલાએ સંઘ સાથે સંબન્ધ રાખ્યો હતો એની તપાસ કરશો તો દસ (આય રીપીટ દસ) જણ પણ એવા નહીં મળે જેમણે સંઘ સાથે સીધો કે આડકતરો સંબન્ધ રાખ્યો હોય. શું તેઓ બેવકૂફ હતા? ભક્તો કહેશે કે તેઓ બેવકૂફ હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ કોમવાદી રાજકારણ પણ કરવું છે અને પચરંગી ભારતમાં સત્તાનું સંસદીય રાજકારણ પણ કરવું છે. આ તંગ દોરડા પરનું નર્તન છે. જે મુસ્લિમ દેશોમાં મૂળભૂતવાદી મુસલમાનો કોમી રાજકારણ કરે છે તેઓ મોટા ભાગે સત્તાનું રાજકારણ નથી કરતા, અને જો કરે છે તો તેઓ લોકતાંત્રિક માર્ગનો ઉપયોગ નથી કરતા. આને કારણે તેમને દરેક પ્રજાના મતની જરૂર નથી પડતી. કોઈને રાજી રાખવાની અને સારા દેખાવાની જરૂર નથી પડતી. તેઓ યુવાનને પકડે છે, તેના ચિત્તમાં ઝેરનું આરોપણ કરે છે, પર્યાપ્ત પ્રમાણમાં તેની અંદર ઝનૂની સવાર થઈ જાય એ પછી તેને ભીડમાં છોડી મૂકે છે. સારા માનવતાવાદી દેખાડવાની જરૂરિયાત ન રહે એ બહુ મોટી મોકળાશ છે અને એવી મોકળાશ મુસ્લિમ મૂળભૂતવાદીઓ કે કોમવાદીઓ ધરાવે છે.

ભીડને સહારે કોમવાદી રાજકારણ તો કરી શકાય, પરંતુ પંચરંગી ભારતમાં અને એ પણ સંસદીય લોકતંત્રમાં સતાનું રાજકારણ સહેલાઈથી ન થઈ શકે. આને માટે પ્રતિષ્ટિત લોકોનો ખપ છે. તેમને આપણી વચ્ચે લઈ આવવા જોઈએ અથવા તેમના સુધી આપણે પહોંચવું જોઈએ. એને માટે ડાહી ડાહી વાતો કરવી જરૂરી છે. એવું પણ બોલો જેનાથી ભીડનો ટેમ્પો જળવાઈ રહે અને એવું પણ બોલો જેને કારણે વિચારનારા લોકો વિચારતા થાય કે ના, આ લોકો એટલા બધા ખરાબ પણ નથી. ઉપરથી પ્રતિષ્ઠિત માણસો જો કેરેક્ટર સર્ટિફિકેટ આપશે તો ભીડ રાજી રાજી થઈ જશે એટલું જ નહીં એમાં વધારો થશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક પખવાડિયામાં બે આંચકા આપ્યા. પહેલો આંચકો દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસ માટે પ્રતિષ્ઠિત સજ્જનોને માનવતાવાદ પર ભાષણ આપીને આપ્યો અને બીજો આંચકો નાગપુરમાં દશેરાની વાર્ષિક પરેડમાં સ્વયંસેવકોને સંબોધીને આપ્યો. બન્ને ભાષા અલગ હતી. દિલ્હીના સંબોધન વખતે મેં લખ્યું હતું કે આમાં બહુ રાજી થવા જેવું નથી. અત્યાર સુધીમાં સંઘ આવા હજાર પ્રયોગ કરી ચૂક્યો છે. જી હાં, હજાર અને કદાચ તેનાથી પણ વધુ. ગામે-ગામે, સમાજે-સમાજે અને સમયે-સમયે ભાષા બદલવી એ સંઘની ફાવટ છે. એટલે મેં ત્યારે કહ્યું હતું કે ઠરાવ કરો. આગળ મેં ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિની રણનીતિ વિષે કહ્યું છે. ક્યાંથી મળી આ જાણકારી? એ જાણકારી તેમના જ દસ્તાવેજોમાંથી મળે છે. તેમણે જે કાંઈ કહ્યું કે કર્યું એના દસ્તાવેજી પુરાવાઓ છે. જે ચર્ચા થાય એની મિનિટ્સ લખાય અને જે નિર્ણય લેવાય એનો ઠરાવ થાય. હજાર મોઢે બોલવાનું અને કોઈ લેખિત સગડ નહીં મૂકી જવાનું તેઓ નથી કરતા. 

તો સમયે સમયે, જરૂરિયાત પ્રમાણે સૂર બદલવાની સંઘની દાયકાઓ જૂની પરંપરા છે. કેટલી હદે, કેટલા અંતિમે તેમણે સૂર બદલ્યો હશે તેની કલ્પના કરો જોઉં? આગળ વાંચતા પહેલાં બસ ગમ્મત ખાતર કલ્પના કરી જુઓ. કેટલે દૂર સુધી તમે જઈ શકો છો, વિચારી જુઓ.

આ રહ્યો એનો નમૂનો: 

ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે એ માટે સંઘના નેતાઓએ આકાશ-પાતાળ એક કર્યા હતા. સરદાર પટેલે સંઘના નેતાઓને ત્રણ સલાહ આપી હતી. એક તો એ કે ભારતના બંધારણને સંઘ માન્ય રાખે. (ત્યારે સંઘે ભારતના બંધારણનો અને રાષ્ટ્રધ્વજનો અસ્વીકાર કર્યો હતો.) બીજી શરત એ કે સંઘ પોતાનું બંધારણ ઘડે અને સંઘનું સંચાલન પારદર્શક લોકતાંત્રિક ઢબે થાય. સંઘમાં જે ગોપનીયતાના છે તેનો અંત લાવવામાં આવે. ત્રીજી સલાહ એવી હતી કે સંઘના સ્વયંસેવકોએ કૉન્ગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સંઘના નેતાઓ કહે છે એમ સંઘ જો કોમવાદી સંગઠન ન હોય અને સાંસ્કૃિતક સંગઠન હોય તો કૉન્ગ્રેસની અંદર રહીને સ્વયંસેવકો કામ કરી શકે છે.

સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પછીથી સંઘના નેતાઓ વિચારતા જ હતા કે સત્તાના રાજકારણમાં સંઘની કોઈ હાજરી હોવી જોઈએ, જે ભવિષ્યમાં પ્રતિબંધ જેવા સંકટના સમયે સંઘને મદદ કરે. એમાં સરદાર પટેલનું સૂચન આવ્યું કે સંઘના સ્વયંસેવકો કૉન્ગ્રેસમાં જોડાઈને રાષ્ટ્રનિર્માણના કામમાં લાગી જાય. કૉન્ગ્રેસની અંદર સરદાર પટેલ જેવા મોટી સંખ્યામાં હળવા હિન્દુવાદી નેતાઓ હતા જે એમ ઈચ્છતા હતા કે સંઘના સ્વયંસેવકો કોન્ગ્રેસમાં જોડાય તો સેક્યુલર ડાબેરીઓનો પ્રભાવ ખાળી શકાય. અડચણ હતી જવાહરલાલ નેહરુ, એટલે સંઘના નેતાઓને સલાહ આપવામાં આવી કે નેહરુને રાજી કરવામાં આવે.

એ પછી જવાહરલાલ નેહરુને રાજી કરવાની કસરત શરુ થાય છે. સંઘના સરસંઘચાલક ગોલવલકર ગુરુજી બે વખત જવાહરલાલ નેહરુને મળ્યા હતા. એ મુલાકાતને સંઘે તેના મુખપત્ર ‘ઑર્ગેનાઈઝર’માં મીટિંગ બિટવીન ધ સેજ એન્ડ ધ સ્ટેટ્સમેન (ઋષિ અને રાજપુરુષ વચ્ચેની મુલાકાત) તરીકે ઓળખાવી હતી. શું વખાણ કરવામાં આવ્યા છે નેહરુના. ભારતના પનોતા પુત્ર, ગાંધીજીના વારસ, ગરીબોની આંખનું નૂર, દ્રષ્ટા વગેરે. (જુઓ છઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૪૯નો અંક) નેહરુના આટલાં વખાણ તો નેહરુના પ્રસંશકે પણ નહીં કર્યા હોય. એ પછીના અંકમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ અને કોન્ગ્રેસની ભારત વિશેની કલ્પનામાં લગભગ સમાનતા છે. ‘ઑર્ગેનાઇઝર’ના પ્રત્યેક અંકમાં નેહરુના ભરપેટ વખાણ કરવામાં આવતા હતા.

૧૬મી નવેમ્બર ૧૯૪૯ના અંકમાં વિદેશયાત્રાએ જઈ આવેલા નેહરુ વિષે શું લખવામાં આવ્યું હતું એ જુઓ: નેહરુ ભારતનું નેતૃત્વ કરે છે અને ભારત નેહરુને પ્રેમ કરે છે. એ પછી આગળનું અવતરણ અંગ્રેજીમાં ટાંકું છું … But Bharat is not its economics and politics alone. Bharat is an integral entity with a rich control of Bharatiyata. … Today Nehru is big because he is trying to stabilise the state and strengthen the economy. But Nehru can be great only by harking back to the voice of Swami Vivekananda and of Gandhiji.’ (બે વાત નોંધી? ભારતીયતા. સંઘ ક્યારે ય ભારતીયતા શબ્દ વાપરતો નથી, હિન્દુત્વ શબ્દ જ વાપરે છે. હિન્દુત્વ એ જ ભારતીયત્વ એવું તેનું સૂત્ર છે. બીજું, નેહરુએ વિવેકાનંદની સાથે ગાંધીજીને અનુસરવા જોઈએ એવી સલાહ આપવામાં આવી હતી. નવેમ્બર ૧૯૪૯માં ૬૦ વરસના થયેલા નેહરુના ફરી એકવાર ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા.

નેહરુ વિદેશથી પાછા ફર્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક કોંગ્રેસીઓ સંઘના સ્વયંસેવકોને કૉન્ગ્રેસમાં પ્રવેશ આપવાની પેરવી કરી રહ્યા છે. નેહરુએ કહ્યું કે જે સંગઠને પુખ્ત મતદાનના અધિકારનો વિરોધ કર્યો હોય, સ્ત્રી અને દલિતોના સમાન દરજ્જાનો વિરોધ કરતો હોય, લઘુમતી કોમને સમાન અધિકાર આપવામાં આવે તેનો વિરોધ કરતો હોય ડૉ. આંબેડકરને કાયદા પ્રધાન બનાવાયા તેનો વિરોધ કર્યો હોય. બંધારણ અને રાષ્ટ્રધ્વજ જેને સ્વીકાર્ય ન હોય, જેને મુક્ત લોકતંત્ર અને બહુવિધતા સામે વાંધો હોય એ કૉન્ગ્રેસમાં કેવી રીતે જોડાઈ શકે?

નેહરુ ખુશામતના પ્રભાવમાં આવ્યા નહીં અને એ રીતે કૉન્ગ્રેસમાં ઘુસીને કૉન્ગ્રેસ કેપ્ચર કરવાનો દાવ નિષ્ફળ નીવડ્યો. એ પછીના અંકમાં નેહરુ મુસ્લિમ તરફી બની ગયા અને અત્યારે તો તેઓ મુસલમાનની ઔલાદ છે. અનેક પ્રકારની ગંદી ઇશારતો કરવામાં આવે છે. સંઘનો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ નેહરુ છે. નેહરુના કારણે દેશભરમાં પથરાયેલી લોકલાડીલી કૉન્ગ્રેસ હાથમાં આવી નહીં અને ભારતીય જન સંઘ સ્થાપીને એકડે એકથી સત્તા સુધી પહોંચવાની જહેમત કરવી પડી. જો નેહરુ વચ્ચે ન આવ્યા હોત તો ૧૯૫૦ કે ‘૬૦ના દાયકામાં જ હિન્દુરાષ્ટ્ર માટેની અનુકૂળતા બની ગઈ હોત.

અહીં આવો આ માત્ર એક જ પ્રસંગ નોંધ્યો છે. ગાંધીજી, સરદાર, જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા, પી.વી. નરસિંહ રાવ, વી.પી. સિંહ અને ખુદ સાવરકરબંધુઓને સુદ્ધા આવા બે અંતિમોના અનુભવ થયા છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉક્ટોબર 2018

Loading

...102030...2,9942,9952,9962,997...3,0003,0103,020...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved