Opinion Magazine
Number of visits: 9968848
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરિમા યાત્રા : યૌન હિંસાનો ભોગ બનવા છતાં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 March 2019

ન્યાય માટે લડનારી વીર મહિલા ‘સર્વાઈવર્સ’ ની કૂચ

પુલવામામાં શહીદ થયેલા જવાનોને અંજલિ આપવા દેશભરમાં કૅન્ડલ માર્ચ નીકળી રહી હતી. એ દિવસોમાં દેશમાં કેટલીક જગ્યાએ બીજી પણ એક માર્ચ યોજાઈ રહી હતી. તેનું નામ હતું ડિગ્નિટી માર્ચ અથવા તો ગરિમા યાત્રા.

ચોવીસ રાજ્યોમાંથી પસાર થયેલી આ યાત્રાનો ઉદ્દેશ યૌન (સેક્સ્યુઅલ) હિંસા અને તેની સામે લડી રહેલી વીર મહિલાઓના સંઘર્ષને દેશભરમાં જાહેર વાચા આપવાનો હતો. આવી સેંકડો મહિલાઓ કૂચમાં જોડાઈ હતી, એટલું જ નહીં પણ તેમના પરના અત્યાચાર-અન્યાય સામે જાહેર સભાઓમાં બોલતી પણ હતી. તેમાં તેમનું સ્થાન – સમાજનો જડ વર્ગ માને છે તેમ – દુષ્કર્મ ‘પીડિતા’ કે કલંકિતા તરીકેનું નહીં પણ  પ્રતિરોધિતા એટલે કે સામનો કરનાર તરીકેનું હતું. અંગ્રેજીમાં તેના માટે ‘રેપ સર્વાઈવર’ એવો ધોરણસરનો શબ્દ છે.

બીજી મોટી વાત એ કે બધી સર્વાઇવર્સ ગામડાંમાં રહેનાર ગરીબ દલિત અને આદિવાસી સમુદાયોની હતી. એટલે ગરિમા યાત્રા વંચિતો માટેની ‘મી ટૂ’ ચળવળ બની. આ ચળવળ કી-પૅડ અને કી-બોર્ડ પર ટપટપ કરતી આંગળીઓથી નથી ચાલી. તે ચાલીચાલીને છાલા પડતા પગથી આગળ વધી. દિવસોની મુસાફરી અને ધર્મશાળાઓમાં આશરો, ગળું બેસી જાય ત્યાં સુધી નારા પોકારવાના ને વ્યથાનાં વીતક માઇક પર માંડવાનાં. ઘા પરની ખપરડીઓ ફરી ને ફરી ખોતરવાની. ગૅન્ગ રેપ, મજૂરીની જગ્યાએ બળાત્કાર, ફસામણી-હરાજી-વેચાણ, અપહરણ-બળાત્કાર-મારપીટ, નાતને કારણે ફરજિયાત બનતો દેહનો ધંધો, કહેવાતા ઊંચા ઘરના આદમીની હવસ અને પછી ધમકી, ડાકણ તરીકે ડામ દઈને વિધવાની નિર્વસ્ત્ર બારાત, સગીર બાળાઓનો હાઇવે પર સપ્લાય, ખુલ્લામાં જાજરૂ માટે કે શાળામાં ભણવા માટે જતાં-આવતાં જુલમ. આ બધાં જુલમો વિશે સર્વાઈવર્સ જાહેરમાં કહી શક્યા તેની પાછળની સમજ એમ છે કે : ‘પહેલે કુછ બોલા હી નહી જાતા થા. પર ગલત હમ નહીં હૈ, ગલત વો લોગ હૈ, ગલત વો સમાજ હૈ. ગલત સોચ કો મિટાને કે લિએ યે યાત્રા નિકાલી હૈ.’

આમ કહેતી મહિલાઓ અને તેમનામાંથી કેટલાકના પરિવારજનો સહિત ગરિમા યાત્રામાં પાંચેક હજાર લોકો જોડાયા હતા. યાત્રા વીસમી ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થઈ અને બાવીસમી ફેબ્રુઆરીએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં એક મોટા કાર્યક્રમથી પૂરી થઈ. પાંસઠ દિવસની આ યાત્રાએ તેના દસ હજાર કિલોમીટરના માર્ગમાં બસો જિલ્લા આવરી લીધા હતા. રાષ્ટ્રીય ગરિમા અભિયાન નામના મંચના નેજા હેઠળ દેશભરનાં સામાજિક સંગઠનો (એન.જી.ઓ.) અને નાગરિક સમાજ જૂથો(સિવિલ સોસાયટી ગ્રૂપ્સ)એ યોજેલી આ ડિગ્નિટી માર્ચને ગુજરાતની ત્રીસેક સંસ્થાઓએ ટેકો આપ્યો હતો. આપણે ત્યાં ગરિમા યાત્રાની સભાઓ દેવગઢ બારિયા, બાલાસિનોર, વડોદરા, અમદાવાદ અને ઇડરમાં યોજાઈ હતી. તેનું સંકલન મુખ્યત્વે ‘આનંદી’ અને ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ સેન્ટર’ નામની એન.જી.ઓ.એ કર્યું હતું.

ડિગ્નિટી માર્ચનો ઉદ્દગમ અભિયાને કરેલા એક ઑનલાઈન સર્વેમાંથી થયો. તે મુજબ બાળકો અને સ્ત્રીઓ પર થતા યૌન અત્યાચારોમાંથી 95% બહાર આવતા નથી, અને માત્ર 2% કિસ્સામાં જ પોલીસ ફરિયાદ થાય છે. કલંક કે જોખમના ડરથી ફરિયાદ થતી જ નથી. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા બતાવે છે કે પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ નોંધવામાં આવેલાં ગુનાઓમાં મોટા ભાગના દલિત અને આદિવાસી સ્ત્રીઓ પરના હુમલા અને બળાત્કાર અંગેના હોય છે. આ મહિલાઓ પરના કેસોમાંથી ચોથા ભાગના કેસોમાં 2016ના આખર સુધીમાં તપાસ બાકી હોવાનું બ્યુરોના આંકડા બતાવે છે. ખરેખર તો કાનૂન મુજબ ગુનો નોંધાયા બાદ એક મહિનામાં તપાસ પૂરી કરવાનું ફરજિયાત છે. 2016ના આંકડા મુજબ દલિત સ્ત્રીઓ પરના બળાત્કારના કોર્ટમાં દાખલ કરવામાં આવેલા 8,259 કેસોમાંથી વર્ષના અંતે 87% પેઇન્ડિન્ગ છે, અને 3.7 % કેસમાં સજા થઈ છે. આ આંકડો આદિવાસી સ્ત્રીઓની બાબતમાં અનુક્રમે 86.8 % અને 2.8% છે.

ગરિમા યાત્રામાં ભંવરીદેવી પણ હતાં. રાજસ્થાનનાં ભટેરી ગામમાં ઉપલી ગણાતી જાતિના પાંચ નરાધમોએ ભંવરીદેવી પર 22 સપ્ટેમ્બર 1992ની સાંજે તેમનાં ખેતરમાં બળાત્કાર ક ર્યો.તેનું કારણ એકે રાજસ્થાન સરકારના સમાજ સુધારણા કાર્યક્રમના કાર્યકર ભંવરીદેવી બાળલગ્નો અટકાવવાની કોશિશો કરી રહ્યાં હતાં. તેમણે બહુ જ વેઠીને ન્યાય માટે લડત આપી. પણ જિલ્લા અદાલતે નરરાક્ષસોને નિર્દોષ છોડી મૂક્યા. આ ચૂકાદાની સામે દેશભરમાં વિરોધનો વંટોળ જાગ્યો. તેને કારણે સર્વોચ્ચ અદાલતે કામનાં સ્થળે જાતીય સતામણી અટકાવવા અંગેનાં માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યાં. દેશ અને દુનિયામાં કેટલાંક સન્માન અને સહાય મેળવનારાં ભંવરી દેવી પરની ‘બવંડર’ (2000) નામની અસરકારક ફિલ્મ બની છે. ભંવરી દેવી કહે છે કે ન્યાય માટેની તેમની લડત આજે પણ ચાલુ જ છે. ભંવરીદેવી ભારતનાં એક આદ્ય આદરણીય રેપ સર્વાઇવર છે. તેમનાં પહેલાં પણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, હરયાણા અને ઉત્તર પ્રદેશ એ દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછા એક સર્વાઈવર બહેન પોલીસે કરેલા કસ્ટોડિયલ રેપ સામે લડ્યાં હતાં. અદાલતમાં તેમની જીત ન થઈ, પણ એમની પ્રેરણાથી નારીવાદી ચળવળ મજબૂત બની.

બધી સર્વાઈવર્સનાં વીતક જાણીતાં ન થયાં. જેમ કે, જયપુરમાં વીસ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરિઝ પછી દિલ્હીની ‘એઇમ્સ’માં મોકલવામાં આવેલી રાજસ્થાનની સગીરા કે તામિલનાડુના તિરુનાવેલ્લી જિલ્લાના દૂરનાં ગામ આલાગુલમમાં યુવાન માફિયાએ કરેલા બળાત્કાર વિરુદ્ધ લડી રહેલાં સાઠ વર્ષનાં દલિત મહિલા. નીચ આસારામ સામે ફરિયાદ કરનાર ઉત્તર પ્રદેશની સગીરા અને પછી સૂરતની મહિલા, ગોધરાકાંડને પગલે બળાત્કારનો ભોગ બનનાર યુવતી, પાટણની કૉલેજની અને પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની લડતોને કેમ ભૂલી શકાય ?

સર્વાઇવર્સનાં નામ મોટે ભાગે બદલવામાં આવતાં હોય છે, અથવા બિલકુલ આપવામાં આવતાં નથી. પણ કોલકાતાની પાર્ક સ્ટ્રીટ પર ફેબ્રુઆરી 2012માં સામૂહિક બળાત્કારનો ભોગ બનનાર, બે દીકરીઓનાં માતા સુઝેટ જૉર્ડન (1975-2015) પહેલેથી જ પોતાનાં નામ સાથે અનેક અવરોધો વચ્ચે ન્યાય માટે લડ્યાં. એક સીમાચિહ્ન સમી વાત જેનું નામ નિર્ભયા પાડવામાં આવ્યું તેની માતાએ 16 ડિસેમ્બરે 2015ના દિવસે ચૅનલોને આપેલી મુલાકાતમાં કરી હતી : ‘મારી દીકરીનું સાચું નામ લેવામાં મને કોઈ શરમ નથી. જે સ્ત્રીઓએ વેઠ્યું છે તેમણે શરમ અનુભવીને તેમનું નામ છૂપાવવું ન જોઈએ. મારે દરેકને કહેવું છે કે મારી દીકરીને આજથી બધા જ્યોતિ સિંગ તરીકે જ ઓળખશે.’

સર્વાઈવર ફરિયાદ કરવાનું નક્કી કરે ત્યારથી તેનાં શરીરની અને સ્વમાનની, લોકો સાથેના સંબંધોની અને રોજબરોજની જિંદગીની લગભગ જાહેર તાવણી શરૂ થઈ જાય છે. તે એક યા બીજા અર્થમાં મોટે ભાગે આખી જિંદગી, ચાલુ જ રહે છે. બળાત્કાર એ કદાચ એક માત્ર ગુનો છે કે જેમાં ગુનો કરનારને નહીં પણ ગુનાનો ભોગ બનનારને ઓળખ છૂપાવવાની આવે છે. આપણા પ્રકારના લાંછનદાયી માહોલમાં બળાત્કાર પછી જીવતા રહેવાની ઇચ્છા એ પોતે જ જીવનશ્રદ્ધા  ગણાય.

બાય ધ્ વે, ગરિમા યાત્રા પૂરી થતાં ઉત્તર પ્રદેશનાં એક નાનાં ગામની સગીર રેપ સર્વાઇવરના મા-બાપ ઘરે પાછાં ફર્યાં. તેના ત્રીજા દિવસે તેમનાં પર, આરોપીના સંબંધીઓનાં 35-40 હેવાનોનાં ટોળાંએ મોટો હુમલો કર્યો. દંપતી ઉપરાંત બે સગીર દીકરીઓ અને તેમની દાદીમાને  ઘાયલ કર્યાં. ગરિમા યાત્રામાં જોડાઈને બળાત્કાર વિરુદ્ધ વાત કરવાની આ સજા હતી !   

*****

07 માર્ચ 2019

e.mail : sanjaysbhave@yahoo.com 

Loading

ફિલ્મ ‘ગ્રીન બુક’ અને અમેરિકન ‘વ્હાઈટ સેવિયર નેરેટિવ’ ટૂલની સામે ‘ધ હેટ યુ ગિવ’નો આક્રોશ

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|9 March 2019

કદાચ જ કોઈએ એવી કલ્પના કરી હશે કે આ વર્ષે યોજાયેલા ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ 'ગ્રીન બુક'ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળશે, કારણ કે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નામાંકિત 8 ફિલ્મો પૈકી 'રોમા' નામની ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળશે, તેની સંભાવનાઓ પ્રબળ હતી. અને 'રોમા' સિવાયની નામાંકિત થયેલી અન્ય ફિલ્મો પૈકી 'ધ ફેવરેટ', 'બ્લેક પેન્થર', 'અ સ્ટાર ઈઝ બોર્ન' અને 'બ્લેક ક્લેંસમેન' પૈકી કોઈએકને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળે તેવું લાગી રહ્યું હતું, પણ ફિલ્મ 'ગ્રીન બુક'ને જ્યારે બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો, ત્યારે સૌ કોઈ ચોંકી ગયા.

ફિલ્મ 'ગ્રીન બુક' એક ઘોર અમેરિકન ફિલ્મ છે, તે ચોક્કસપણે એક સારી ફિલ્મ છે અને તે જોતી વખતે દર્શક તેમાં ડૂબતો જાય છે. આ ફિલ્મમાં કલાત્મકતા ભલે ઓછી હોય પણ આ એક પરંપરાગત અમેરિકન પ્રથાવાળી ફિલ્મ છે કે જેની દર્શક પર જલદી અસર ઊભી થઈ જાય છે અને ભાવનાત્મકરીતે દર્શકો સુધી તે કનેક્ટ થઈ જાય છે.

વર્ષ 1962ના સમયને રજૂ કરતી ફિલ્મ 'ગ્રીન બુક'માં એક ઈટાલિયન-અમેરિકન બોડીગાર્ડ(વીગો)ની વાત છે કે જે અશ્વેતોને ખાસ પસંદ કરતો નથી, અને તે પોતાના અધિકારો માટે જાગૃત આફ્રિકન-અમેરિકન સમલૈંગિક પિયાનોવાદક(મહર્શલા)ની સાથે એક યાત્રા પર નીકળે છે, આ એ સમય છે કે જ્યારે અશ્વેતોને સતત ગુલામી તથા હિંસાનો સામનો કરવો પડતો હતો. એક ઐતિહાસિક પુસ્તક કે જેનું નામ છે ધ નીગ્રો મોટરિસ્ટ ગ્રીન બુક કે જેમાં તે હોટેલોના નામો જોવા મળતા હતા કે જ્યાં યાત્રા દરમિયાન અશ્વેતોને રહેવા માટે આશરો મળતો હતો. આ પ્રમાણે ફિલ્મનું નામ આ રીતે 1930થી 1960ના દાયકામાં પ્રચલિત ગ્રીન બુકથી પ્રેરિત છે, અને તેમાં નોંધવામાં આવેલ હોટેલો મુજબ મ્યુઝિક ટૂર પર નીકળેલો ફિલ્મનો 'પૈસાદાર' અશ્વેત નાયક તેના માટે રહેવાની વ્યવસ્થા તેના શ્વેત ડ્રાઈવર-બોડીગાર્ડના માધ્યમથી કરે છે.

ફિલ્મ 'ગ્રીન બુક'માં કુશળતાપૂર્વક તે સમયનો શ્વેત-અશ્વેત વચ્ચેનો ભેદભાવ અને આભડછેટની વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ, ફિલ્મ 'ગ્રીન બુક' સાથેની સૌથી મોટી સમસ્યા એ તેનું પોલિટિક્સ છે કે જ્યાં એવું વારંવાર દર્શાવવામાં આવે છે કે અશ્વેતોને ન્યાય મેળવવા માટે શ્વેત અમેરિકન નાયકોની મદદ લેવી પડશે. આ પ્રકારની ફિલ્મોને 'વ્હાઈટ સેવિયર નેરેટિવ' (White savior narrative) તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં એવું દેખાડવામાં આવે છે કે ગોરી ચામડી ધરાવતા શ્વેત પાત્રો જ અશ્વેતોને અન્યાયમાંથી મુક્ત કરાવે છે. ઘણાં દાયકાઓથી હોલિવૂડની ફિલ્મો આ માનસિકતામાંથી બહાર આવી શકી નથી, પરંતુ, હાલના સમયમાં કેટલાંક બ્લેક ફિલ્મમેકર્સ હોલિવૂડમાં મુખ્યપ્રવાહની ફિલ્મોમાં સામેલ થયા છે, એટલે આ પ્રકારના પરંપરાગત નેરેટિવમાં બદલાવ જોવા મળ્યો છે.

આ બદલાવનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે છે વર્ષ 2018માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ધ હેટ યુ ગિવ' (The Hate U Give) કે જેમાં અમેરિકામાં રહેતા અશ્વેતોની જીવનશૈલી અને તેમના પોતાના હક માટેની લડાઈની વાત છે. આ કારણે જ અશ્વેત નિર્દેશકો દ્વારા અશ્વેત નાયકોની વાત કહેતી ફિલ્મ જેવી કે 'ગેટ આઉટ', 'બ્લેક પેન્થર' અને 'બ્લેક ક્લેંસમેન', 'ધ હેટ યુ ગિવ' વગેરેની મુક્તકંઠે પ્રશંસા થાય છે. કારણ કે આ ફિલ્મો માત્ર શ્રેષ્ઠ છે, તેટલું જ નહીં પણ તેમાં સાંસ્કૃતિક મહત્ત્વ અને સાચા રાજકારણની વાત જોવા મળે છે, પણ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર જીતનાર 'ગ્રીન બુક' આ પૈકીની ફિલ્મ નથી. ફિલ્મ 'ગ્રીન બુક'માં શ્વેત નાયકને અશ્વેત અને સમલૈંગિક પિયાનોવાદકના ડ્રાઈવર અને બોડીગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, અને લગભગ તમામ મુખ્ય પરિસ્થિતિઓમાં આ અશ્વેત નાયક 'વ્હાઈટ સેવિયર નેરેટિવ' હેઠળ તેના ગોરી ચામડી ધરાવતા શ્વેત ડ્રાઈવર-બોડીગાર્ડના કારણે રંગભેદની હિંસામાંથી બચી શકે છે.

યાદ કરો કે હોલિવૂડના શ્વેત ડિરેક્ટર ટેરેન્ટિનોની પ્રખ્યાત ફિલ્મ જેંગો અનચેઈન્ડ(2012)માં પણ આ પ્રકારના 'વ્હાઈટ સેવિયર નેરેટિવ' ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ ફિલ્મ 'ગ્રીન બુક'નો અશ્વેત નાયક એક રિયલ લાઈફ બ્લેક મ્યુઝિશિયન ડોનાલ્ડ શર્લી પર આધારિત છે અને આ સંગીતજ્ઞ પરિવારનો આરોપ છે કે 'ગ્રીન બુક' ફિલ્મમાં શ્વેત નાયકને મહાનાયકની જેમ દેખાડવાના ચક્કરમાં અશ્વેત ડોનાલ્ડ શર્લીના જીવનમાંથી ઘણું સત્ય બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને તેમાં ખોટી વસ્તુઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ વર્ષે જ્યારે ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ 'ગ્રીન બુક'ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર અશ્વેત ડિરેક્ટર સ્પાઈક લી પણ નારાજ થઈ ગયા કારણ કે તેમની ફિલ્મ બ્લેક કલેંસમેન પણ ઓસ્કારમાં આ વર્ષે બેસ્ટ ફિલ્મની રેસમાં હતી. અશ્વેત ડિરેક્ટર સ્પાઈક લીએ હોલિવૂડ સ્ટાર્સની વચ્ચે બેઠા-બેઠા ફિલ્મ 'ગ્રીન બુક'ને લઈને તેમની નારાજગી પ્રગટ કરી અને ઓસ્કાર સેરેમની ખત્મ થતા પહેલાં ત્યાંથી બહાર નીકળી જવાના પણ પ્રયાસો કર્યા. અગાઉ પણ હોલિવૂડ ફિલ્મોમાં 'વ્હાઈટ સેવિયર નેરેટિવ'નો દ્રષ્ટિકોણ દર્શાવતી અનેક ફિલ્મોને ઓસ્કાર એવોર્ડ મળી ચૂક્યો છે જેમ કે વર્ષ 1999માં 'લાઈફ ઈઝ બ્યુટીફુલ' જેવી અદ્ભુત ફિલ્મ અને સ્ટીવન સ્પીલબર્ગની બેસ્ટ ફિલ્મ પૈકીની એક યુદ્ધ ફિલ્મ; સેવિંગ પ્રાઈવેટ ર્યાન'ને છોડીને 'શેક્સપિયર ઈન લવ' ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. જ્યારે વર્ષ 2006માં આંગ લીની ફિલ્મ બ્રોકબેક માઉન્ટેઈન અને સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ મ્યુનિખને બાજુમાં રાખીને 'ગ્રીન બુક' માફક 'વ્હાઈટ સેવિયર નેરેટિવ'નો દ્રષ્ટિકોણ દર્શાવતી ફિલ્મ ક્રેશને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 1941માં 'સિટીઝન કેન' જેવી મહાન ફિલ્મને છોડીને 'હાઉ ગ્રીન વોઝ માય વેલી'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો કે જેને આજે કોઇ જાણતું પણ નથી.

હવે વાત વર્ષ 2018માં રિલીઝ થયેલી એક માસ્ટરપીસ હોલિવૂડ ફિલ્મ 'ધ હેટ યુ ગિવ' (The Hate U Give) વિશે કે જેમાં અમેરિકામાં રહેતી એક અશ્વેત સ્કૂલ ગર્લ સ્ટાર કાર્ટરના અનુભવોની વાત છે. અમેરિકન અશ્વેત પરિવારમાં જન્મેલી અને અશ્વેત લોકોના વિસ્તારમાં રહેતી સ્ટાર નામની આ છોકરી જ્યારે ગોરી ચામડીના લોકોની એક પ્રાઈવેટ સ્કૂલમાં ભણવા જાય છે ત્યારે શ્વેત લોકોનું તેની સાથેનું વર્તન અને તે દરમિયાન ફિલ્મની વાર્તામાં વળાંક ત્યારે આવે છે કે જ્યારે આ 16 વર્ષીય સ્ટાર તેના એક અશ્વેત મિત્રની સાથે એક પાર્ટીમાંથી ગાડીમાં ઘરે આવતી  હોય છે તે દરમિયાન તે વિસ્તારનો શ્વેત પોલીસ ઓફિસર ચેકિંગના નામે આ ગાડીને રોકે છે અને તે દરમિયાન કંઈક એવી પરિસ્થિતિનું સર્જન થાય છે કે તે શ્વેત પોલીસ ઓફિસર ગાડીમાં સવાર અશ્વેત છોકરાને ગોળી મારી દે છે અને પછી ફિલ્મમાં શરૂ થાય છે આ મૃતક નિર્દોષ અશ્વેત છોકરાના હક માટેના લડાઈની વાત. ફિલ્મમાં 16 વર્ષીય અશ્વેત છોકરી સ્ટારની તેના પોતાના અધિકારો માટેની વાતને ખૂબ જ ગંભીરતાથી અને તર્કબધ્ધરીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ 'ધ હેટ યુ ગિવ' નામના એક પુસ્તક પર આધારિત છે, ભલે આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડમાં નામાંકન મળ્યું ના હોય તેમ છતા આ એક માસ્ટરપીસ ફિલ્મ છે અને ફિલ્મોના ઇતિહાસમાં તેની નોંધ ચોક્કસ લેવામાં આવશે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

‘સમ્યક્‌ સાહિત્ય’ સેમિનાર

નટુભાઈ પરમાર|Opinion - Opinion|8 March 2019

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ સંચાલિત સમ્યક – સાહિત્ય અધ્યાપક સંઘ અને વિખ્યાત ઘનશ્યામ શૈક્ષણિક સંકુલ, મુકામ અંબાવ, તાલુકા ગળતેશ્વર(જિલ્લા ખેડા)ના ઉપક્રમે ‘સમ્યક્‌ સાહિત્ય ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને અવધારણા’ વિષય પરનો એકદિવસીય રાષ્ટ્રીય સેમિનાર, આ સંસ્થાના અંબાવ પરિસરમાં તારીખ ત્રીજી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ યોજાયો હતો.

રાજ્યના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના મુખ્ય સેલ્સટૅક્સ કમિશનર ડૉ. પી.ડી. વાઘેલા, આઈ.એ.એસ.ના અધ્યક્ષ પદે અને અંબાવ સંસ્થાના મોવડી ડૉ. જિતુભાઈ માહ્યાવંશીના વિશેષ અતિથિ પદે યોજાયેલા આ સેમિનારમાં પ્રસિદ્ધ મરાઠી વિવેચક ડૉ. આર.બી. કામ્બલે, વિખ્યાત બંગાળી કવયિત્રી સુશ્રી મંદાકિની ભટ્ટાચાર્ય સહિત સર્વશ્રી પ્રવીણ ગઢવી (અધ્યક્ષ-ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી) હરીશ મંગલમ્‌ (સંસ્થાપક – ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી), ડૉ. પથિક પરમાર, ડૉ. રતિલાલ રોહિત, મરાઠી દલિતકવિ અને ચિત્રકાર પ્રો. સુનિલ અભિમાન અવચાર, ડૉ. વિનોદ ગાંધી, ડૉ. ધીરજ વણકર અને સંસ્થાના યોગેશભાઈ માહ્યાવંશીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સેમિનારના પ્રારંભે સૌ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં સંસ્થાના જિતુભાઈ માહ્યાવંશી અને ડૉ. પી.ડી. વાઘેલાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર સમક્ષ દીપ પ્રકટાવીને સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો.

‘દેશમાં શું થઈ રહ્યું છે અને તે સામે શું કહી શકાય, એનું આલેખન કરીને જનજન સુધી તેને પહોંચાડવાનું દાયિત્વ દલિત-સમ્યક્‌ સર્જકોનું છે એવો મત વ્યક્ત કરી પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. પી.ડી. વાઘેલાએ જણાવ્યું કે, સમાજમાં પણ બે વર્ગો છે, એક જેઓ પીડા-દુઃખ વેઠે છે અને બીજો જે પીડા વેઠતો નથી પણ પીડા આપે છે. આ સ્થિતિમાં દલિત-સમ્યક્‌ સાહિત્યકારોનું એ કર્તવ્ય છે કે, એવી પીડાને તેઓ ઓળખી કાઢે અને તેના નિવારણના ઉપાયો પણ સૂચવે તથા પીડિતોને તેમની પીડાનો અહેસાસ કરાવી તેમને જાગૃત કરે.

‘સમાજના પીડિત વર્ગ પર સદીઓથી જે અન્યાયો થોપી દેવામાં આવ્યા છે, તેમને પણ તે જાણે અને સામે પક્ષે પીડા આપનારા વર્ગને તો સમતા-સમાનતા લાવવી જ નથી, આ સ્થિતિ ઘણી ભયાનક છે,’ એવો મત વ્યક્ત કરી ડૉ. વાઘેલાએ થિયરી ઑફ ઑપરેશનના વૈશ્વિક વિચાર પર પ્રકાશ પાડતાં કહ્યું કે, મીડિયા, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રને પણ જ્યારે પીડિતોની પીડાનો અહેસાસ નથી થતો, ત્યારે સ્થિતિ વધારે ગંભીર બને છે, કારણ કે, આવા લોકો ‘ઇન્ડોક્ટ્રિનેશન’ના ભોગ બનેલા છે.

વિદૂષી લેખિકા ગીતા મહેતાને ટાંકીને ડૉ. વાઘેલાએ એમ પણ કહ્યું કે, શોષિતો-પીડિતો પર લખીને જે લોકો મોટા – ખ્યાતિપ્રાપ્ત લેખકો બન્યા છે, તેમના મનમાં પણ અસમાનતાને પ્રેરતા જાતિવાદને દૂર કરવાની કોઈ ખેવના નથી હોતી!

સર્જકોએ લેખનકાર્યની સાથે શોષિત-પીડિત-વંચિત સમાજની વચ્ચે પણ જઈને તેમનાં દુઃખ દરદ જાણી તેમને યથાયોગ્ય મદદ કરવી જોઈએ, એવો અનુરોધ કરી ડૉ. વાઘેલાએ ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી દ્વારા ‘અન્નધમ્મ યોજના’ના સફળ અમલ દ્વારા આ દિશામાં જે ઠોસ કદમ ઉઠાવાયાં છે, તેની ભારોબાર પ્રશંસા કરી હતી. જ્યાં સુધી જ્ઞાતિવાદ રહેશે. ત્યાં સુધી આ દેશ ક્યારે ય મહાન બની શકશે નહીં, તેમ તેમણે કહ્યું હતું. ડૉ. વાઘેલાએ દલિતસર્જકો સાથે ઓ.બી.સી. સર્જકોના સાયુજ્યની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે જડ ધાર્મિક વિચારધારાની અસર હેઠળ માણસ સાચી રીતે – સાચી દિશામાં વિચારવાની ક્ષમતા પણ ગુમાવી દેતો હોય છે.

ભગવાન બુદ્ધની સમ્યક-વિચારધારાથી પ્રેરિત સમ્યક્‌ સાહિત્યની વિભાવના પર મનનીય વિચારો વ્યક્ત કરતા, આ સેમિનારમાં પોતાનું બીજવક્તવ્ય રજૂ કરતા વિખ્યાત મરાઠી દલિતવિવેચક આર.બી. કામ્બ્લેએ કહ્યું કે, સમ્યક્‌ સાહિત્ય એ છે કે જે પીડિતોની પીડા-વ્યથાને આલેખે છે. પદ્ધતિસર અને તે પણ કાયદાનો આશરો લઈને જર્મનીથી લઈ સીરિયા સુધી વિશ્વમાં માનવજાતની કેટલી મોટી કતલ થઈ છે અને હાલ પણ થઈ રહી છે. આ પીડા અને યાતના કલાકારો – સાહિત્યકારોના સર્જનમાં જો ન આવે, તો એવા સાહિત્યને સમ્યક્‌ સાહિત્ય કહી શકાય નહીં.

‘તમારા દુઃખનું કારણ હું છું, તમારા દુઃખ માટે હું જવાબદાર છું.’ – એવા ભાવ સાથે તથા આફ્રિકન નિગ્રો-હબસીઓને કાયદેસર ગુલામ બનાવીને સદીઓથી જે શોષણ થયું. તે સામે પીડાને અનુભવીને જે સાહિત્ય વૈશ્વિક સ્તરે રચાય છે. તે જ સમ્યક્‌ સાહિત્ય છે, કારણ અહીં, યાતના ખરેખર વેઠે છે તેની પીડા સાચો સર્જક આપોઆપ પોતે પણ અનુભવે છે. આ જ સાચું સાહિત્ય છે, એવાં મર્મભેદી બયાનો સાથે ડૉ. આર.બી. કામ્બલેએ એમ પણ કહ્યું કે, અન્યાય સામે જો તમે પ્રતિકાર કરો છો તો તે તમારી જીત છે. અને એવા અન્યાયમાંથી જો તમે બહાર આવો છો, તો જ તમારો સમાજ એ સમ્યક્‌ સમાજ છે, એમ કહેવાય.

નોર્મલાઇઝેશન ઑફ પેઇન – પીડાનું પણ સામાન્યીકરણ કરી દેવામાં આવ્યું છે. મતલબ કે માનવ સમાજનો અમુક વર્ગ એટલે એમણે તો અત્યાચારો – અપમાનો – યાતનાઓ વેઠવાનાં છે હોય, એવી સમાજમાં જે સર્વસામાન્ય અવધારણા બની ચૂકી છે તેના વેધક પ્રકાશ પાથરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, જે દરદ તમે વેઠો છો, એ ક્યાંથી આવ્યું તે પણ સમજવું જોઈએ.

સર્જક જ્યાં સુધી બીજાનું દરદ નહિ સમજે, ત્યાં સુધી એના સર્જનમાં અસર નહીં આવે, તેવો મત વ્યક્ત કરી ડૉ. કામ્બલેએ કહ્યું કે સમાજનો અમુક વર્ગ તો અત્યાચારો વેઠવા માટે જ છે. શોષિતો-પીડિતો-વંચિતોને એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ કામ તો તમારે જ કરવાનું છે અને આ કચડાયેલા સમાજના લોકોએ, કશા ય હિચકિચાટ વગર એ દુઃખને સ્વીકારી લીધુ છે. પૉતાનું કરી લીધું છે. આમ, પીડાને પોતીકી માની લીધી જે મહાયાતનામાં પરિણમી અને પેલા પીડા થોપનાર સમાજે એને ‘પેઇન ઇઝ નૉર્મલ કન્ડિશન ઑફ લાઇફ’ ગણી. એવું માનતો આ સમાજ, દલિત સર્જકો માટે એક બહુ મોટો પડકાર છે, ત્યારે સમાજના એક વર્ગની પીડાના નિમિત્ત અને કારણ બનેલાઓને ઓળખી કાઢી. તેમને ઉઘાડા કરવાનું કામ સમ્યક્‌ સાહિત્યકારોએ કરવાનું છે.

આ સંદર્ભમાં દેશના સફાઈ-કામદારોની યાતનાઓનો ઉલ્લેખ કરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, મળ-મૂત્ર-ગટર સાફ કરનારો આ દેશનો સફાઈ કામદાર માત્ર ૪૦ વર્ષનું આયુષ્ય જ ભોગવે છે અને દર સપ્તાહે બે સફાઈ કામદારો આ ગંદી કામગીરી કરતા મોતને ભેટે છે, જ્યારે કે તે આખી જિંદગી તેને પીડા આપનારાઓના મળ-મૂત્રને ઉઠાવે છે. એક જ્વલંત ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ગટર સાફ કરતા આવા સફાઈ- કામદારનું ચિત્ર લોકોની જાગૃતિ અર્થે મેં મારી કચેરીના બોર્ડ પર મૂક્યું, પરંતુ આજ પર્યંત કોઈ વિદ્યાર્થીએ એ તરફ જોવાની પણ તસ્દી લીધી નથી!

ઇચ્છાથી કે બળપૂર્વક કમાટીપુરા (મુંબઈ) સહિતના ભારતભરના વિસ્તારોમાં વેશ્યાવૃત્તિ કરતી કમનસીબ યુવતીઓનાં દોઝખભર્યા જીવન પર પ્રકાશ પાથરતાં ડૉ. કામ્બલેએ કહ્યું કે, સજી-ધજીને શૃંગાર કરીને હારબંધ ઊભેલી આ યુવતીઓને જોઈને કોઈને પણ લાગે કે તેઓ ખૂબ રૂપિયા કમાતી હશે, પણ ના, એવું નથી. એ રૂપજીવિની જ્યાં વ્યવસાય કરે છે, તે ઘરનો માલિક, ત્યાંનો હોટલવાળો, વેઇટર, પાનબીડી વેચનારો ગલ્લાવાળો, ત્યાંના ડૉક્ટરો, ત્યાંના રિક્સાવાળાઓ અને ત્યાં સુધી કે ત્યાં આવેલાં મંદિરો સુધ્ધાં તગડી કમાણી કરી લે છે. વ્યવસાય આ રૂપજીવિઓનાં નામે ચાલે છે, પણ બહુ નજીવી રકમ તેના પરિવારના ભાગે આવે છે. ‘રૂપજીવિઓને તો માન હોય જ નહીં,’ એવો રૂઢ બનેલો ખ્યાલ એ પણ નૉર્મલાઇઝેશન ઑફ પેઇનનો જ હિસ્સો છે.

બંગાળથી આવેલાં કવયિત્રી મંદાકિની ભટ્ટાચાર્યે ‘એ કૉલ ટુ આર્મ્સ ઍન્ડ એમર : રીડિંગ વીમેન પોએટ્‌સ ઇન ધ ઇન્ટરનેશનલ કૉન્ટેક્સ’-આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં દલિત મહિલા કવયિત્રીઓ વિષય પરના પોતાના પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનમાં અમેરિકન બ્લૅક લિટરેચર સહિત વિશ્વકક્ષાએ પીડિતો-વ્યથિતોની વેદનાઓને વાચા આપતી મહિલા કવયિત્રીઓ પરનું પોતાનું વિહંગાવલોકન રજૂ કરી, દુનિયાના કોઈ ખૂણે મહિલાઓનું શરીર પોતે જ એક અવિચારનું કારણ બન્યું છે અને વિશ્વમાં સર્વત્ર મહિલાઓની ગૂંગળામણ એકસમાન છે. તેમનાં દુઃખ અને વેદનાઓ વત્તેઓછે એકસમાન છે. મંદાકિની ભટ્ટાચાર્યને એ વાતની પીડા હતી કે, ભારતમાં-દલિત મહિલાઓ લેખન ક્ષેત્રે બહુ અગ્રિમ નથી અને હજુ ય આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ બની રહ્યો છે.

લલિત અને દલિતવિવેચન ક્ષેત્રે બહુ ખ્યાતિ ધરાવતા, કાવ્યશાસ્ત્રના જાણતલ એવા ડૉ. પથિક પરમારે, એ જ પરંપરાગત કલ્પનો-પુરાકલ્પનોમાં રચતા કવિ વિનોદ જોશીના કાવ્યસર્જનમાં રહેલી આંખ ઉઘાડનારી ત્રુટિઓ રજૂ કરીને સ્થળ-કાળ-સમય સમૂળગાં બદલાઈ ગયાં હોવા છતાં રમમાણ રહેતા કવિની કવિતાઓ આ સમકાલીન યુગમાં કેવી અપ્રસ્તુત કરે છે, તેને સોદાહરણ રજૂ કરીને, સભામાંના સૌની ભારે દાદ મેળવી હતી.

‘હું તો પ્રેમનાં જ ગીતો લખીશ’, એવું કહેનારા એ કવિનું જાત્યભિમાન ખરેખર તો કવિની સંવેદનશીલતા સામે પણ પ્રશ્નો ખડા કરે છે, તેમ નોંધીને આવો વૈભવ એક દલિત કવિને ન જ પરવડે, તેમ જણાવ્યું હતું.

ઘનશ્યામ શૈક્ષણિક સંકુલના સૂત્રધાર અને આ સેમિનારના યજમાન શ્રી જિતુભાઈ માહ્યાવંશીએ, સરકારની કોઈ સહાય વિના વણપથ સંઘર્ષ બાદ અસ્તિત્વમાં આવેલા આ સંકુલનો ઇતિહાસ રજૂ કરી, સૌ સર્જકો, ભાવકોને સંસ્થાના આંગણે આવકાર્યા હતા.

ગુજરાતી દલિતસાહિત્ય અકાદમીના અધ્યક્ષ પ્રવીણ ગઢવીએ ૧૯૯૭માં આવિષ્કાર પામેલી ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી અને સામયિક ‘હયાતી’ના બહુમૂલ્ય પ્રદાન માટે તેના સંસ્થાપક હરીશ મંગલમ્‌ની ભૂમિકાને બિરદાવીને, આ અકાદમી દ્વારા દલિતસાહિત્યની સેવામાં ૧૧૫ જેટલાં પુસ્તકો આટલા ટૂંકાગાળામાં પ્રકાશિત થયાં છે, તે ભારતભરની આવી (દલિત વર્ગની) અકાદમીઓમાં એક અને અજોડ ઘટના છે, તેમ જણાવ્યું હતું.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી સંચાલિત ‘સમ્યક્‌ સાહિત્ય અધ્યાપકસંઘ’ના અધ્યક્ષ અને મુંબઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. રતિલાલ રોહિતે ભેદભાવની દૃષ્ટિ ત્યજીને સૌના શ્રેયની ભાવના જે રાખે છે, તે સમ્યક્‌ સાહિત્ય છે, એમ જણાવી સેમિનારની ભૂમિકા રજૂ કરી હતી, મનુષ્યને મનુષ્ય તરીકે જોવાય અને દ્વેષ, પીડા, ઉત્પીડન, અવમાનના નાબૂદ થાય અને બુદ્ધે પ્રેરેલી સમ્યક્‌ ભાવનાનો પ્રાદુર્ભાવ થાય તે જ સમ્યક્‌ સાહિત્યનો આદર્શ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રિ. અભય પરમારની હિન્દી ભાષામાં પ્રથમ દલિતઆત્મકથા (ગુજરાતમાં) ‘डेथ कान्ट स्टोप’ વિશે ડૉ. સુશીલા વ્યાસે અભ્યાસપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતું. તદુઉપરાંત, પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓએ પોતાનાં શોધપત્રો રજૂ કર્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના મહામંત્રી હરીશ મંગલમે સૌ મહેમાનોને આવકાર્યા હતા અને ‘અન્નધમ્મ – યોજના’નાં પ્રેરકબળ સમા – સદાયના સાથી એવા ડૉ. પી.ડી. વાઘેલાના યોગદાનની યશોચિત નોંધ લીધી હતી. મુખ્ય સંયોજક ડૉ. વિનોદ ગાંધીએ સેમિનારના ઉદ્ધઘાટનનું સુંદર સંકલન કર્યું હતું. સમગ્ર સેમિનારનું સુંદર સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું હતું.

આ સ્થળે મુંબઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી સુનિલ અભિમાન અવચારનાં દલિત ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.

આ સેમિનારમાં અરવિંદ વેગડા, મધુકાન્ત કલ્પિત, ડૉ. રાજેશ મકવાણાં, ડૉ. ધીરજ વણકર, ડૉ. મોહન ચાવડા, ડૉ. અમિત પટેલ, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. અમૃત પરમાર, ડૉ. જિતેન્દ્રકુમાર ચૌધરી, ડૉ. ઇન્તાજ મલેક, હિતેશ ચૌહાણ, ડૉ. દિનુ ભદ્રેસરિયા, નટુભાઈ પરમાર, ડૉ. કાંતિ માલસતર, ભરત દેવમણી, ડૉ. મનુભાઈ મકવાણા, ડૉ. દિલીપ મેહરા, ડૉ. ગિરીશ રોહિત, શિવપ્રસાદ શુક્લ, પ્રો. શંકરભાઈ પ્રજાપતિ, ડૉ. રાજેન્દ્ર રોહિત, પ્રો. રાજશ્રી જોશી વગેરે નામી-અનામી સાહિત્યકારો, ભાવકો, પ્રાધ્યાપકો તેમ જ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને સંતરામપુર આદિવાસી આટ્‌ર્સ કૉલેજના વિદ્યાર્થીઓની હાજરી પ્રેરકરૂપ બની રહી. અંતે, વેલિડિક્ટરી સેશનમાં પ્રિ. અભય પરમાર, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. વિનોદ ગાંધી અને હરીશ મંગલમ્‌ના સચોટ અભિપ્રાયો સહસંસ્થાના પુનઃ આભાર સાથે સેમિનાર સંપન્ન થયો.

સૌજન્ય  : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 13 – 15

Loading

...102030...2,9682,9692,9702,971...2,9802,9903,000...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved