જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય ..
રોજ રોજ પાનાં તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી ..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં …. ….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર ..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તો ય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ……….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાં ય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી ..
આખરી પળ પણ એવી અકળ અહીં …………………… પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં ..
હ્યુસ્ટન, નવેમ્બર ૧૬, ૨૦૧૮
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com
![]()


છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકો માટે થયેલા પહેલા તબક્કાના મતદાને સુખદ આશ્ચર્ય પેદા કર્યું છે. સરેરાશ ૭૬.૨૮ ટકા મતદાન થયું છે જે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ જેટલું જ છે અને કેટલાક મતદારક્ષેત્રોમાં તો તેનાથી પણ વધુ છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે આ વખતે નકસલવાદીઓએ મતદાનનો બહિષ્કાર કરવાના આપેલા કોલની આદિવાસીઓએ અવગણના કરી હતી અને મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. સાધારણપણે એવું માનવામાં આવે છે કે જ્યારે મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે રાજકીય આશ્ચર્યો સર્જાતાં હોય છે. આ વખતની ચૂંટણીમાં છત્તીસગઢમાં થયેલું ભારે મતદાન કઈ રીતનાં આશ્ચર્યો સર્જશે એ ૧૧મી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. બીજું, હજુ બીજા મતદારક્ષેત્રમાં મતદાન થવાનું બાકી છે. ત્યાં પણ આટલી સરેરાશ જળવાઈ રહે છે કે કેમ એ હવે પછી ખબર પડશે. જો દરેક જગ્યાએ બહોળા પ્રમાણમાં મતદાન થશે તો આ વખતે આશ્ચર્ય સર્જાઈ શકે છે.

