Opinion Magazine
Number of visits: 9685474
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અહીં પણ એવું થઈ શકે

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|15 January 2019

અમેરિકાના My Book Reviewના ૨૮ જૂન, ૨૦૧૮ના અંકમાં હિટલરના સમયનાં ત્રણ જર્મન પુસ્તકોના અંગ્રેજી અનુવાદની સમાલોચના આપવામાં આવી છે. તેમાનાં મિલટન મેયરના They Thought they were free : The Germans, 1933-45 પુસ્તક વિશેની નોંધનો અનુવાદ રજૂ કર્યો છે. એ વર્ષોમાં અમે મુક્ત જ હતા ને!

મેયર જર્મન વંશના અમેરિકન પત્રકાર છે. તેમણે તો ૧૯૫૩માં હિટલરને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે મુલાકાત થઈ શકી નહોતી. મેયરને હિટલર વિશે વધુ જાણવામાં રસ એટલો નહોતો, જેટલો સામાન્ય નાગરિકો જે કાંઈ પરિસ્થિતિ હતી, તે વિશે શું વિચારતા કે સમજતા હતા તે જાણવું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી છ વર્ષે ૧૯૫૧માં તેઓ ફરી જર્મની ગયા અને તેમણે ધારેલી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો હતો.

સામાન્ય નાગરિક, રોજ-બ-રોજ જીવી જનારાઓની દૃષ્ટિએ ત્યારે, એટલે કે ૧૯૩૩ની સાલથી ૧૯૩૯ની સાલ દરમિયાન જે બધું જર્મનીમાં થઈ રહ્યું તે વિશે શો અભિપ્રાય કે સમજણ ધરાવતા હતા તે તેમને જાણવું હતું. પહેલો તો એક જ જબરો આંચકો જે મેયરે અનુભવ્યો – ‘જર્મનીમાં દેખીતો કોઈ ‘વિરોધ’ ક્યાં ય હતો જ નહીં. ત્યારની સરકાર વિશે વિરોધ તો બહુ કાંઈ હતો જ નહીં. અમે, કોઈ એવા વિરોધ કરનારા હતા, એવું ક્યાંથી જાણીએ? કોઈ કરતા હોય તે કાંઈ જણાવે, પોતે વિચારે ને ભોગવે! જેના જેવા સંજોગ! એવા કોઈ હોય તો તે શા માટે તેમ કરે છે, તે જાહેર જ હતું ને! આપણે તો સમજી જ જઈએ ને!’ આવું તેમને કહેવાયું હતું. એક શિક્ષક ભાઈ સિવાય નવ મિત્રોએ ૧૯૩૩-૧૯૩૯ની સાલનો ગાળો એક સુવર્ણકાળ જેવો જ ભાસ્યો હતો!

૧૯૫૧માં તેમણે નાઝી પાર્ટીના દસ સભ્યો સાથે એક વર્ષ વિતાવીને,  આત્મીયતા કેળવીને સૌને શું સમજાતું હતું, કેવા કેવા વિચારો ધરાવતા રહ્યા છે વગેરે જાણવાનો જે પ્રયત્ન કર્યો, તેની વાતો પુસ્તકમાં કરી છે.

કોઈ મોટી ઇમારતના રખેવાળ ભાઈ; એક સૈનિક; એક સુથાર દફતરમાં કામ કરતો મૅનેજર; બૅકરી ચલાવનારો; ઉઘરાણી કરનાર, બિલની રકમ મેળવનાર; એક ઇન્સ્પેક્ટર; એક હાઈસ્કૂલનો શિક્ષક, એક વિદ્યાર્થી બધી જ વ્યક્તિઓ સાથેના સંપર્કથી જે વાત સ્પષ્ટ થઈ, તેની રજૂઆત મેયરે કરી છે. તેઓ તમામ અલબત્ત, પોતાને એક સામાન્ય જન જણાવતા હતા, ફ્રેન્કફર્ટ શહેરથી થોડાક અંતરે આવેલા ‘મારબર્ગ’ નામના એક યુનિવર્સિટી ધરાવતા ગામના એઓ નાગરિકો હતા.

મેયર, આ મિત્રો સાથે હળીમળી ગયા. ક્યારેક કૉફી પીવા કે શહેરના કોઈ કાર્યક્રમમાં એવા મુક્ત ને સહજા કે આયોજન કરેલી બેઠકો, મિલનો, ભોજનો, ગપ્પાં મારવાં જેવા કાર્યક્રમો દ્વારા એ મિત્રોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. એ વાત એણે જરૂર સમજાવી હતી કે એનો ઉદ્દેશ દુનિયાના લોકોને સામાન્ય જર્મન નાગરિક ત્યારની જે ઘટનાઓ હતી તે વિશેનો તમારો સાચો મત જાણે તો ગેરઅર્થભરી વાતો થતી અટકાવી શકાય. એક જ વાત મેયરે નહીં જણાવેલી કે મૂળે યહૂદી હતા, અને પોતાના દાદા બહુ વહેલા અમેરિકા જઈને વસેલા હતા.

‘મારી સાથે સહજભાવે – મૈત્રીભાવે એટલી સારી રીતે તેઓ બધાએ વાતો કરી કે મને એમ જ લાગે છે કે તે વર્ષોમાં જો હું જર્મનીમાં હોત, તો હું તેમના જેવા જ વિચારો ધરાવતો હોત! સાચું કહું, માણસને બધી વાતોની શી જરૂર? જીવતા રહીએ અને રોટલો રળી ખાઈએ’ – આ ભાવ મેયર અમેરિકા પાછો ફર્યો ત્યારેય અનુભવતો રહ્યો. ‘હું કેવળ જર્મનોને નહોતો મળ્યો, જગતભરના માણસોને જે રીતે જીવે જાય છે, તે જોઈને આવ્યો હતો.’

જ્યારે જ્યારે આપખુદ સરકારો જોહુકમી એવાં કૃત્યો કરે ત્યારે તે દેશની બહારના, ત્યાંની વાતોને ચગાવીને જ જોવાનું કરતા હોય છે. ત્યાં જાતે રહેનારા તો રોજિંદા જીવનને નભાવતા રહેવામાં વ્યસ્ત રહી શકે છે. નાઝી સત્તાએ અલબત્ત, એ ૧૯૩૩થી ૧૯૩૯ સુધીનાં વર્ષોમાં સામાન્યજનનું જીવન સરળતાથી ચાલતું રહે તે પ્રયોજતા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યાંક ગર્વ કરી શકાય એવી વાતો પણ ફેલાવાઈ રહી હતી. નોકરી કે કામ સહજ મળી રહેતાં, રહેણાકની પણ તકલીફ રહી નહીં. ‘નૉર્વે કે સ્પેન જેવા દેશની સહેલાણી તરીકે ફરવા જવાની પણ સગવડ અમને મળી હતી.’ આ જર્મનીનો ‘નવો યુગ’ નાગરિક માત્રને પ્રોત્સાહિત કરવા માટે જ ચાલી રહ્યો છે એ વિચાર પૂરો, પકડાયેલો હતો.

દસેદસ જણાંને હિટલર વિશે ઘણી સદ્‌ભાવભરી લાગણી હતી. કારણ? ‘એ તો! જનસામાન્ય માટે જ જીવનારો અમારો આગેવાન હતો. પહેલા વિશ્વયુદ્ધના શાંતિ-સમાધાનમાં જે આકરાં બંધનો જર્મની ઉપર બંધાયાં હતાં. તે તો એણે ક્યારનાયે નકારી કાઢ્યાં! અને રાષ્ટ્રને નવજીવન આપ્યું હતું. અહીંની પાર્લામેન્ટના નઠારા અને સ્વાર્થી સભ્યોને ક્યાં ય ભગાડી દીધા હતા. આખી સરકાર સ્વચ્છતાથી અને જનહિત માટે ચાલી રહી હતી. હિટલરે જે જાહેરજીવનની સફાઈ કરી એ તો ગર્વ કરવા જેવી જ સિદ્ધિ હતી!’

એક બૅંકના ક્લાર્કે કહ્યું હતું, “એમનાં વ્યાખ્યાનો અમને પૂરેપૂરાં જચી જતાં હતાં. તેઓને કુદરતની જે દેણ હતી તે સહજ વ્યક્ત થતી રહેતી હતી. એવું ક્યારેક બને કે તે સત્યથી વેગળી વાત કરી દેવાય. અરે સત્ય ‘ના’ પણ હોય! પરંતુ એક વાત પાકી, તેઓ જે કાંઈ કહેતા, તે બધી વાતો જાતે માનતા હતા તે જ કહેતા હતા!”

એક વાર આ મિત્રોને ૧૯૩૮ના છાપાંની એક કતરણ બતાવીને મેયરે પૂછ્યું હતું. નવેમ્બર, ૧૯૩૮ એક યહૂદીઓનું દેવળ નષ્ટ કર્યાના સમાચાર તેમાં છપાયેલા હતા. ‘ના ભાઈ ના ! અમે કોઈએ આવી વાત ત્યારે જાણી જ નથી. કેટલા ય યહૂદીઓને તેમની સલામતી માટે ક્યાં ય દૂર મોકલી દેવાયા હતા એ વાત હતી ખરી. અરે જેમને દૂર મોકલ્યાને તેમની મિલકતની વ્યાજબી કિંમત આપીને તેમનું ભવિષ્ય જળવાય એવી રીતે વિદાય કરવામાં આવ્યા હતા!’

જ્યારે મેયરે ૬૦ લાખ યહૂદીઓની હત્યાની વાત મૂકી, ત્યારે તે વાત તો એકેયને માન્યમાં આવતી જ ન હતી.

‘જુઓ ! દેશના કોઈ દુશ્મન હોય, તો તેને સહન કરવાનું આવે એ બન્યું હશે. બાકી ખોપરીઓનાં હાડપિંજરોના ફોટાઓ વગર જે આવે છે તેવું કાંઈ જ સાચું નથી’. બિલઉઘરાણી કરનારા મિત્રે ‘હિટલરને, પોતાને, તો તેની સાથે કશી લેવાદેવા હોઈ જ ના શકે. જેણે કહ્યું હોય કે ન હોય! થયું હોય તો ખોટું છે જ. પણ થયું નથી.’ દરજીએ કહ્યું, ‘એવું થયું હોય તો તે ખોટું છે પણ એ વાત હું તો માનતો જ નથી.’ બૅકરીવાળા ભાઈએ કહ્યું, ‘ત્યારે તો રોજ એટલી બધી વાતો આવતી રહેતી કે તેવી બધી વાતો વિશે વિચારવાનો અમારી પાસે સમય જ રહેતો નહોતો.’

જર્મનીમાં કોઈ ષડ્‌યંત્ર કરીને ‘નાઝીવાદ’ થોડો સર્જ્યો હતો. લોકોએ હોંશે હોંશે અપનાવ્યો હતો અને આનંદ-ઉત્સાહથી આવકાર્યો હતો. આપણે એવું વિચારીએ છીએ કે નાઝીવાદ ક્રૂરતાભર્યાં કદમોથી આગળ વધીને સ્થપાયો હતો, પરંતુ મેયરે જે સામાન્ય જનની ધરતી સમજવાનો પ્રયત્ન કર્યો. તેમને નાઝીવાદ કુદૃષ્ટિવાળો માન્યો જ નહોતો. આજે પણ તેઓ તે દુષ્કૃત્યો કરનારો વિચાર ગણવા તેઓ તૈયાર નથી.

મેયરને ત્યાંના એક ભાષાશાસ્ત્રીએ સમજાવ્યું હતું કે ‘જેમ જેમ દેશ આતંક તરફ ઢળતો ગયો અને તે બધું સાથે ચાલતું પણ જતું હોય છતાં તેને વિશે વિચાર કરવાને સવિનય કરવાનો સમય મળે જ નહીં તો એટલી ઝડપથી નવું નવતર કાંઈ આવીને ઊભું જ કરી દેવાનું રહેતું નથી. સત્તાધારીઓ કાંઈક નવાં નવાં નાટકો ને તમાશાઓ યોજતા રહેતા હતા. અને સાચા કે ખોટા દુશ્મનો વિશેની વાતો ફેલાવવાનું ચાલ્યા જ કરતું હતું. આવું આવું કરીને સમગ્ર પ્રજાને ધીમી ગતિએ પરંતુ ચોક્કસ દિશાની સમજણો પીરસાતી રહેતી હતી. દરેકે દરેક પગલું, નાનું કે મોટું સુનિશ્ચિત દિશાનું જ ભરાતું ગયું હતું. ખેડૂત મકાઈ વાવે, છોડ ક્યારે મોટો થયો, ક્યારે ડૂંડાં બેઠાં અને ક્યારે એને રોગ લાગ્યો એ જુએ ક્યારે ? એ તો ક્યારનો ય એને માથેથી ઉપર નીકળી જ ગયો હોયને !’ 

વેડછી / વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 10 તેમ જ 14

Loading

અલવિદા મૃણાલ સેન

અભિજિત વ્યાસ|Opinion - Opinion|15 January 2019

૨૦૧૮ પૂર્ણ થતાં એક આંચકો પણ આપી ગયું. પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેન(૧૪ મે, ૧૯૨૩ • ૩૦ ડિસેમ્બર ૨૦૧૮)ને પણ ઇતિહાસમાં નોંધતું ગયું. ફિલ્મના રસિકોને માટે એ એક દુઃખદ સમાચાર હતા. અલબત્ત, છેલ્લાં ઘણાં વર્ષોથી મૃણાલ સેન નિવૃત્ત હતા. પણ એમની પ્રતિભા અત્યંત મહત્ત્વની હતી.

સત્યજિત રાય પછી બંગાળના જે પ્રમુખ ફિલ્મ દિગ્દર્શકોએ દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું, તેમાં ઋત્વિક ઘટક અને મૃણાલ સેન બહુ મહત્ત્વના દિગ્દર્શકો હતા. આમ તો આ ત્રણેય પ્રમુખ ફિલ્મ દિગ્દર્શકોની સર્જક તરીકેની કારકિર્દી લગભગ સાથે જ શરૂ થયેલી. પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં ફિલ્મસર્જન તરફ વળેલા.

મૃણાલ સેને એમની ફિલ્મોનું સર્જન બંગાળી ઉપરાંત હિન્દી અને તેલુગુમાં પણ કર્યું છે. હિન્દીમાં આપણે એમની ફિલ્મો ‘ભુવન સોમ’, ‘એક અધૂરી કહાની’, ‘મૃગયા’, ‘ખંડહર’ અને ‘એક દિન અચાનક’થી પરિચિત છીએ. આ ઉપરાંત ‘કભી દૂર, કભી પાસ’ નામની એક ટેલિવિઝન સિરિયલ પણ એમણે સર્જી છે. હિન્દી સિનેમાજગતમાં એમની ફિલ્મ ‘ભુવનસોમ’થી કલાત્મક ફિલ્મોનું એક આંદોલન શરૂ થયું હતું. આપણે એ આંદોલનને ‘ન્યૂ વેવ’ કે ‘સમાંતર સિનેમા’ને નામે ઓળખીએ છીએ.

તત્કાલીન ભારતીય સિનેમામાં મૃણાલ સેન જ એક માત્ર એવા ફિલ્મ દિગ્દર્શક હતા જેમણે સમકાલીન સમસ્યાઓને લઈને ફિલ્મો સર્જવાનું પસંદ કરેલું. એમણે પોતાની મોટા ભાગની ફિલ્મોમાં રાજકીય બાબતોને સ્પર્શવાનું પસંદ કરેલું છે. એક પ્રતિબદ્ધ સર્જક તરીકે મૃણાલ સેન કહે છે, ‘I strongly feel that, as a social being, I am committed to my own time. And since poverty, drought, femine and social injustice are dominant facts of my own times, my business as a filmmaker is to understand them. I try to understand my own period. I try to put it across.’ મૃણાલ સેન એમ કહે છે કે “હું ઇરાદાપૂર્વક કદી પ્રચલિત ફિલ્મ બનાવતો નથી. ભારતીય દર્શક સિનેમા જોવા જાય છે, ત્યારે તેના રોજિંદા જીવનની ખૂબ નજીક હોય છે. મેં મારા સંદેશને પહોંચાડવાનો માર્ગ શોધી કાઢ્યો છે. હું એવું માનું છું, કે દર્શકોને ફક્ત વ્યગ્ર બનાવવા જ પૂરતા નથી. એમને ઉશ્કેરનાર તરીકે કાર્ય કરવું એ પણ જરૂરી છે. એક ફિલ્મમાં સમકાલીન પરિસ્થિતિ હોવી જ જોઈએ.”

એક વખત એક વાતચીતમાં મૃણાલદાએ એવું પણ કહ્યું હતું. “I feel what I am today is the logical extension of what I once was”. વિશ્વ વગેરેની એટલે કે મૃણાલ સેનની કલા ક્રમશઃ વિકાસ પામી છે, જે સતત એમના અનુભવના વગેરેની સાથે-સાથે – કદાચ વૈચારિક વિશ્વ વગેરેની પણ પરિણતિ છે.

મૃણાલ સેનની બે ફિલ્મો એકસરખા વિષય ઉપર સર્જાઈ છે – ‘એક દિન પ્રતિદિન’ અને ‘એક દિન અચાનક’. અહીં આ બે ફિલ્મનાં શીર્ષકોમાં જ સમાનતા નથી, પણ એમાંના વિષયમાં ઘણી સમાનતા છે. ‘એક દિન પ્રતિદિન’ બંગાળીમાં છે, જ્યારે ‘એક દિન અચાનક’ હિન્દીમાં છે. બંને ફિલ્મ વચ્ચે લગભગ નવ વર્ષનો સમય પથરાયેલો છે. … ‘પ્રતિદિન’ ૧૯૭૯નું સર્જન છે, જ્યારે ‘એક દિન અચાનક’ ૧૯૮૮નું સર્જન છે.

‘એક દિન પ્રતિદિન’ની કથામાં પુત્રી એક દિવસ સર્વિસ પરથી સાંજે ઘેર નથી આવતી. રાત પડી જાય છે, પછી ઘરના સભ્યો તેની શોધખોળ કરે છે. ભાઈ પોલીસ-સ્ટેશને જાય છે. પોલીસ તેને પકડાયેલી કેટલીક વેશ્યાઓને બતાવે છે. મારી બહેન આમાં ન હોઈ શકે કહી ચાલ્યો જાય છે. હૉસ્પિટલમાં જાય છે, માર્ગમાં તપાસ કરે છે. ઘેર સૌ ચિંતા કરે છે. અડોશીપડોશીને ખબર ન પડવી જોઈએ, નહીંતર આબરૂ જશે તેવી ગુસપુસ ચાલે છે. બીજે દિવસે સવારે પુત્રી ઘેર આવે છે. ફિલ્મ ત્યાં પૂર્ણ થાય છે. પણ મૃણાલ સેને શીર્ષકમાં જ એક દિવસ બન્યું, તે પ્રતિદિન પણ બની શકે એવી દહેશત વ્યક્ત કરી છે.

‘એક દિન અચાનક’માં પિતા પ્રોફેસર છે. આખો દિવસ પડેલા વરસાદથી કંટાળીને સાંજે જ્યારે વરસાદ બંધ થાય છે, ત્યારે હમણાં ફરીને આવું તેમ કહીને બહાર જાય છે. રાત પડે છે, પણ પાછા આવતા નથી. પત્ની અને બંને પુત્રીઓ રાહ જોઈને થાકે છે એટલે શોધખોળ કરવી શરૂ કરે છે. સ્નેહીમિત્રો અને સગાંને ત્યાં પૂછપરછ કરે છે. પ્રોફેસરની એક પ્રિય વિદ્યાર્થિનીને ત્યાં તપાસ કરવામાં આવે છે, પણ પત્તો મળતો નથી. ફરિયાદ લખાવવામાં આવે છે. જ્યોતિષ, સાધુસંતોનો આશરો લેવામાં આવે છે. આમ ચાલ્યા કરે છે. એમની ગેરહાજરીમાં એમનું બધું જોતાં પ્રોફેસર તેની વિદ્યાર્થિનીના પ્રેમમાં હોય છે, તેમ જાણવા મળે છે. વિદ્યાર્થિની આ બધું જોઈને અત્યંત દુભાય છે. જે વ્યક્તિને બહુ મહાન માનતા હતા તે કેવો માટીપગો અને સામાન્ય હતો, તેનો કુટુંબના સભ્યોને ખ્યાલ આવે છે. નિરંતર રાહમાં એક વર્ષ ચાલ્યું જાય છે. ક્યાં છે? ક્યારે આવશે? કેમ હશે? કોઈ માહિતી નથી. ફરી વર્ષની મોસમ આવે છે અને વરસતા વરસાદમાં બંને પુત્રીઓ સાથે મા વાત કરે છે, ‘આજે એક વર્ષ પૂર્ણ થયું, હજી પિતાજીના કોઈ ખબર નથી.’

બંને ફિલ્મોમાં ઉપલા મધ્યમવર્ગનાં કુટુંબોની વાત છે. શહેર કોલકાતા છે. પણ એ ભારતનું અન્ય કોઈ શહેર હોય તો પણ પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડે. આપણા કહેવાતાં નૈતિક મૂલ્યો ઘસાઈ ગયાં છે. ગજા બહારની શક્તિનું પ્રદર્શન કરવા માંગીએ છીએ. આ સોશિયો – પોલિટિકલ અને ઇકોનૉમિક સિસ્ટમનો પ્રભાવ છે. એમાંથી કોઈ બચી શકવાનું નથી. એક જીવનમાં બે જિંદગી નથી જીવી શકાતી. મૃણાલ સેને આ ફિલ્મોના સંદર્ભમાં કહ્યું છે, ‘પહેલાં હું મારા દુ:શ્મન (એજાસી)ને મારી બહાર શોધતો હતો, પણ સમયના બદલાવ સાથે હું મારા દુ:શ્મનને મારી અંદર જ શોધવાની કોશિશ કરું છું.’

મૃણાલ સેને દરરોજ બનતા નાના બનાવોમાંથી એકને ઝડપીને તેના વિશેની અનેક શક્યતાઓનો આછોતરો ખ્યાલ પ્રક્ષકોને આપ્યો છે. ‘એક દિન પ્રતિદિન’ જોયા પછી કેટલા ય પ્રેક્ષકોએ મૃણાલ સેનને એવો પ્રશ્ન કરેલો કે સર્વિસ પરથી છોકરી ક્યાં ગઈ હતી? એણે રાત ક્યાં પસાર કરી? અને એમણે જ જવાબ આપેલો, ‘મેં આ ફિલ્મ તમે જુઓ અને સફર કરો માટે બનાવી છે. તમે સફર કરો, કારણ કે મારી પાસે આનો કોઈ જવાબ નથી.’ ‘એક દિન અચાનક’માં પત્ની જે પતિને અને પુત્રીઓ જે પિતાને મહાન ગણતા હતા, તેની અનેકવિધ મર્યાદાઓનો ખ્યાલ એમના ચાલ્યા ગયા પછી કરે છે અને મહાન પતિ કે પિતાને ફરી માનવીય સંદર્ભમાં જોવાની કોશિશ કરે છે.

મૃણાલ સેનની ફિલ્મો આપણા સમાજ ઉપર પડતાં આર્થિક, રાજકીય અનૈ નૈતિક મૂલ્યોના પ્રભાવને કારણે બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આપણામાંનાં જ ખોખલાપણાંનો એ અહેસાસ કરાવે છે.

અલવિદા મૃણાલ સેન. ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક આખું પ્રકરણ આપના નામે સદા જીવંત રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 11 તેમ જ 15

Loading

અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યેજ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 January 2019

ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓના સંમેલનમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણી પાણીપતની લડાઈ જેવી નીવડવાની છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાણીપતના યુદ્ધમાં હારી ગયા હતા અને એ પછી બસો વરસ ગુલામી ભોગવવી પડી હતી.

પહેલા તો ભગવાનનો પાડ કે હિંદુ ભૂમંડલના રાજવીએ કબૂલ કર્યું કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો; બાકી તેઓ તો આર્યાવર્તના ધણી છે, એટલે કહી શક્યા હોત કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો જ નહોતો. રાજસ્થાનની વિદાય પામેલી સરકારે આખા રાજસ્થાનમાં ઢોલ પીટાવીને જાહેરાત કરી હતી કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો. તમે ઇતિહાસ શીખવનારા કોણ? અમે કહીએ એ ઇતિહાસ. અમિતભાઈ એ રીતે નમ્ર તો ખરા જ. તેમણે ખેલદિલીપૂર્વક કબૂલી લીધું કે પાણીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો અને તેમણે એ પણ આડકતરી રીતે કબૂલી લીધું કે ૨૦૧૯ની પાણીપતની લડાઈમાં બી.જે.પી.નો પરાજય થઈ શકે છે.

અમિતભાઈએ ભેગાભેગ એ પણ વિચારવું જોઈતું હતું કે દેશભરમાં વિવિધ રાજકર્તાઓ સામે ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાણીપતની લડાઈમાં એક વિદેશથી આવેલા આક્રમક મુસલમાન સામે કેમ હારી ગયા? ના, આ પ્રશ્ન ઇતિહાસને આલોચવા માટેનો નથી, વર્તમાન માટેનો છે અને સો એ સો ટકા બી.જે.પી.ના આજના શાસકોને લાગુ પડે છે. જેણે એક પછી એક લડાઈ જીતીને આખા દેશ પર કબજો જમાવ્યો હતો એ મરાઠાઓ વિદેશથી આવીને ભારત પર ચડાઈ કરનારા સામે કેમ હારી ગયા? બીજું, અમિત શાહ કહે છે એમ ભારત જે બસો વરસ માટે ગુલામ થયું એ પાણીપતની લડાઈ જીતનારાની ગુલામી નહોતી, ત્રીજા પક્ષકાર અંગ્રેજોની ગુલામી હતી અને તેમની સંખ્યા તો ભારતમાં પાણીપતમાં વિજય મેળવનારા અહમદશાહ અબ્દાલીના સૈનિકો કરતાં દસમાં ભાગની પણ નહોતી. જેતા અને વિજેતા જોતા રહ્યા અને ભારત ત્રીજા પક્ષકાર એવા મુઠ્ઠીભર અંગ્રેજોના હાથમાં કેમ ગયું? અમિતભાઈએ આ વિષે પણ વિચારવું જોઈએ કારણ કે તે પણ તેમના અત્યારના શાસન માટે પ્રાસંગિક છે.

આપણે જ્યારે અમિત શાહને વિચારવા માટેની ટિપ્સ આપી રહ્યા છીએ તો હજુ એક ટિપ આપી દઈએ કે અત્યારે જે નકશામાં દેખાય છે (પહેલાં અવિભાજિત અને હવે વિભાજિત) એ ભારતની રચના કોણે કરી? મુઘલોએ? મરાઠાઓએ? કે પછી અંગ્રેજોએ? સુજ્ઞ વાચક જવાબ જાણે છે; અંગ્રેજોએ. જે ૧૩૧ લડાઈઓ જીતનારા ન કરી શક્યા એ પાંચ હજાર કિલોમીટર દૂરથી આવેલા માત્ર થોડા હજાર અંગ્રેજો કેવી રીતે કરી શક્યા? આ સવાલના જવાબમાં પણ વર્તમાન શાસકોને શાસન કેમ કરાય એનો જવાબ મળે એમ છે. આમ પાણીપતની વાત કાઢી જ છે તો તેમાંથી મળતો ધડો ખૂબ કામનો છે. જો પહેલાંથી જ પાણીપતનો ધડો સમજી લીધો હોત તો ૨૦૧૯માં પાણીપતનો ડર ન લાગ્યો હોત. આ માનસિકતાની મર્યાદા છે જે ટિપિકલ હિંદુ છે એટલે પેશવાઓ પાણીપતની લડાઈ હાર્યા હતા અને અત્યારે હારવાનો ડર લાગે છે.

પહેલી વાત તો એ કે ભારતમાં મરાઠાઓનું રાજ હતું એ કહેવું ખોટું છે, એ પુનાના ચિત્પાવન બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને દરેક અર્થમાં બ્રાહ્મણોનું રાજ હતું. બીજું એ કે એમાં સામ્રાજ્યવાદના કોઈ પદાર્થો નહોતા. અચાનક આક્રમણ કરવાનું, પૈસાની જરૂર પડે ત્યારે હર હર મહાદેવ કહીને શહેરોને લૂંટવાનાં, ધોલ-ધપાટ કરવાની અને પછી એના એ રાજવીને ચોથાઈ(આવકનો ચોથો ભાગ)ની શરતે ચાલુ રાખવાનો અને જો ચાલુ ન રાખવો હોય તો ત્રણ ભાગ તારા એક ભાગ મારો એ ધોરણે કોઈ માવળાને એજન્ટ તરીકે નીમવાનો. સિંધિયા, હોલ્કર, ગાયકવાડ વગેરે આવા એજન્ટ હતા. આ બાજુ પુનામાં પેશવાઓ ચોથાઈ મેળવીને લહેર કરતા હતા.

ટૂંકમાં શાસક તરીકેની દૃષ્ટિમાં જ સમગ્રતા નહોતી. જે ૧૩૧ લડાઈઓ જીતી તે આ રીતની હતી, પાણીપતમાં અબ્દાલી સામે પરાજય થયો એ સંગઠિત રણનીતિના અભાવને કારણે થયો હતો અને દેશ અંગ્રેજોનો ગુલામ થયો એનું કારણ મરાઠા સામ્રાજ્ય વિકસી નહીં શક્યું એનું પરિણામ હતું. તમે ઇતિહાસનાં પાઠ્ય-પુસ્તકમાં મરાઠા સામ્રાજ્ય એવો શબ્દ વાંચ્યો છે? આર.સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ભારતીય ઇતિહાસકારો મુઘલોના રાજને મુઘલ એમ્પાયર તરીકે ઓળખાવે છે અને મરાઠાઓના રાજને મરાઠા સુપ્રીમસી તરીકે ઓળખાવે છે. રાજકીય ચડિયાતાપણું યસ, સામ્રાજ્ય નહીં. એ સમયના પેશવાઓના હિન્દવી સામ્રાજ્યનો અર્થ લોકોને કે દુશ્મનોને મારવા, રંજાડવા, લૂંટવા અને ચોથાઈનો ભાગ એવો થતો હતો. બીજી બાજુ ઈંગ્લેંડથી આવેલા થોડાક હજાર અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર પાંચ હજાર કિલોમીટર દૂરના પ્રદેશમાં કરી શક્યા હતા, કારણ કે તેમને રાજ કરતાં આવડતું હતું. સામ્રાજ્યોનું નિર્માણ  ધોલ-ધપાટ અને હિંદુ-ગર્વના કસુંબાઓથી નથી થતું.

માત્ર બી.જે.પી. નહીં, જે જે લોકો અસ્મિતાઓનું રાજકારણ કરે છે એ લોકો જ્યારે સત્તામાં આવે છે ત્યારે તેમની સમક્ષ શાસનના પ્રશ્નો પેદા થાય છે. તેમની પ્રવીણતા ગંદી ઇશારતો કરવી, ગાળો દેવી, લેબલ ચોડવા, ધોલ-ધપાટ કરવી વગેરે હોય છે અને શાસકીય પદાર્થો જુદા હોય છે. માટે અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાણીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યે જ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 જાન્યુઆરી 2019

Loading

...102030...2,9122,9132,9142,915...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved