Opinion Magazine
Number of visits: 9578153
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્તતાના અવસાન પર જ્યાફત

ચંદ્રકાન્ત ટોપીવાળા|Opinion - Literature|14 December 2018

પ્રિય પ્રકાશભાઈ,

અત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં સ્વાયત્તતાના નામનો જાણે કે સોપો પડી ગયો છે. સ્વાયત્તતા આંદોલન ક્યાં અદૃશ્ય થઈ ગયું? કે … પછી સ્વાયત્તતા વિના જીવવાની કે સ્વાયત્તતાની એસીતેસી કરી ખુલ્લે આમ સ્વાયત્તતા છોડીને સ્વાયત્તતા વગર મહાલવાની એક મોસમ બેઠી હોય એવું લાગી રહ્યું છે.

ક્યારેક સ્વાયત્તતાની હાસ્યાસ્પદ વ્યાખ્યા કરતાં એવું તર્કહીન વિધાન પણ થાય છે કે ચૂંટાયેલી લોકશાહી સરકાર છે, જે એ કાંઈ કરે છે તે સ્વાયત્ત જ છે. જોવાય છે કે એક પછી એક સ્વાયત્ત સંસ્થાઓનું ધીમે-ધીમે નિગહણ થઈ રહ્યું છે.

એક વાર મનેકમને સ્વાયત્તતા-આંદોલન સાથે જોડનારા મિત્રો પણ અસ્વાયત્ત-સમારંભોમાં મહાલતા થઈ ગયા છે કદાચ ‘સ્વાયત્તતા’ જેવો શબ્દ ગુજરાતી સાહિત્યમાં પરાયો અને અળખામણો બની ગયો છે.

સાહિત્ય પૂર્વજોએ રળેલું ધૂળધાણી થઈ રહ્યું છે. અને ઠંડેકલેજે મૂલ્યોના હ્રાસ પર ઉત્સવો અને સમાંરભો થતા રહે છે. સાહિત્યકારો મહાલતા રહે છે. મૂલ્યવિસ્તરણ સાથે એક પ્રકારની નફ્ફટાઈ વાતાવરણમાં ઊતરી આવે છે. સ્વાયત્તતાના અવસાન પર બમણા વેગે સાહિત્યકારો જયાફત ઉડાવી રહ્યા છે. આ દૃશ્ય ગુજરાતી સાહિત્યજગતના ભવિષ્ય માટે કરાયું છે.

ગુજરાતી સાહિત્યનો આ યુગનો આ સૌથી મોટો હ્રાસ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 03

Loading

ડૉ. ઉર્જિત પટેલનું રાજીનામું : ગલઢાં ગાડાં વાળે, જેનું કામ જે કરે અને લાઠીનો ભારો(ટીમ સ્પિરિટ)ને લગતી લોકવાર્તાઓ વડા પ્રધાને સાંભળી હોય એમ લાગતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 December 2018

રિઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું છે અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ નાણા સચિવ શક્તિકાન્ત દાસની ત્રણ વરસ માટે નિમણૂક કરી છે. ડૉ. ઉર્જિત પટેલે રાજીનામું આપવાનું કારણ રાજીનામાના પત્રમાં અંગત આપ્યું છે, પરંતુ આખું જગત જાણે છે કે તેમણે રાજીનામું શા કારણે આપ્યું છે. કેન્દ્ર સરકાર ડોશીની મરણમૂડીમાંથી સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા સરકાવી લેવા માગતી હતી, અને ડૉ. ઉર્જિત પટેલ અને તેમના સાથી ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય તેનો વિરોધ કરતા હતા. આ મૂડી માત્ર અને માત્ર અસાધારણ સંજોગોમાં જ વાપરવામાં આવે છે. ફૂહડ દંપતીને સંસાર ચલાવતાં આવડતું ન હોય અને બાળકોની ગુલ્લક તોડે એની જેમ ફૂહડ શાસકોને રાજકાજ કરતાં આવડતું ન હોય અને રિઝર્વ બેન્કની ગુલ્લક ઉપર નજર કરે એ કેમ ચલાવી લેવાય ?

એમ કહેવાય છે કે ડૉ. ઉર્જિત પટેલ તો ગયા મહિને કેન્દ્ર સરકારે જ્યારે રિઝર્વ બેન્કના કામકાજમાં દરમ્યાનગીરી કરવાના કાયદાનો ઉપયોગ કર્યો ત્યારે જ રાજીનામું આપવાના હતા, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એ માટે તેઓ અટકી ગયા હતા. એ પછીથી સમાધાન કરવાની અને રિઝર્વ બેન્કે સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ જેવી વાતો થવા લાગી હતી અને ડૉ. પટેલને મનાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્કના બોર્ડમાં સરકારી માણસો તો છે જ અને તેઓ દબાણ કરતા હતા. છેવટે ઉર્જિત પટેલે રાજીનામું ધરી દીધું.

સોમવારે તો એવી પણ અફવા હતી કે તેમની સાથે ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પણ રાજીનામું આપ્યું છે. જગતમાં ભારતની પ્રતિષ્ઠાને અને બજારોમાં સેન્ટિમેન્ટને અસર ન થાય એટેલે તરત જ રિઝર્વ બેન્કે ખુલાસો કર્યો હતો કે વિરલ આચાર્યે રાજીનામું નથી આપ્યું. વાસ્તવમાં કેન્દ્ર સરકારની દખલગીરીનો વિરોધ કરવામાં વિરલ આચાર્ય ડૉ. ઉર્જિત પટેલ કરતાં વધુ મુખર હતા. ડૉ. ઉર્જિત પટેલ ઓછું બોલે છે અને સભા-સમારંભોમાં ઓછા જાય છે એટલે તેમની ઈમેજ વડા પ્રધાનના દરબારી તરીકેની બની હતી. આ ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિષ્ઠા ધરાવનારા રઘુરામ રાજનના અનુગામી હતા એ કારણે પણ તેઓ વિરાટ સામે વામન ભાસતા હતા. ઓછામાં પૂરું તેઓ ગવર્નર બન્યા એ પછી બે મહિનામાં જ નોટબંધી આવી હતી એટલે તેમની પ્રતિષ્ઠાને હજુ વધુ બટ્ટો લાગ્યો હતો. એક ભલો અને ઈમાનદાર માણસ સરકારી કઠપૂતળી તરીકે ઓળખાતો હતો.

મોકાણ નોટબંધીની છે. કોણે આવો ક્રાંતિકારી વિચાર વડા પ્રધાનને આપ્યો કે પછી એ વડા પ્રધાનની પોતાની ફળદ્રુપ ભેજાની યોજના હતી એ એક રહસ્ય છે. આ બેલ મુઝે માર જેવું થયું. એમ કહેવાય છે કે આ કલ્પના રઘુરામ રાજન સમક્ષ રાખવામાં આવી હતી અને રાજને તેને હસી કાઢી હતી. દેશનું ૮૪ ટકા ચલણ રાતોરાત રદ્દ ન કરાય. રાજન માનતા નહોતા એટલે તેમની પાછળ શ્વાન છોડવામાં આવ્યા હતા. બદનામીથી કંટાળીને ડૉ. રાજને જાહેરાત કરી હતી કે તેઓ મુદ્દત પૂરી થયે અમેરિકા પાછા ફરશે. તેમની જગ્યાએ ડૉ. ઉર્જિત પટેલની સરકારે ત્રણ વરસ માટે ગવર્નરપદે નિયુક્તિ કરી હતી. ડૉ.ઉર્જિત પટેલ પર નોટબંધીનું સંકટ અને બદનામી બન્ને આવી પડ્યાં હતાં. ૯૯.૩ ટકા જૂનું નાણું પાછું આવી ગયું છે, એ રહસ્ય રિઝર્વ બેન્ક છુપાવી શકે એમ હતી જ નહીં. એમ કહેવાય છે કે ખટરાગની શરૂઆત અહીંથી થઈ હતી. મહાન હિંમતબાજ અને ક્રાન્તિકારી પગલું હાસ્યાસ્પદ સાબિત થાય અને રિઝર્વ બેન્ક તેને સત્તાવાર મહોર મારે એ સરકાર કબૂલ કરવા તૈયાર નહોતી.

તમને ખબર છે સર્વોચ્ચ સ્થાનેથી કેટલા લોકોએ રાજીનામાં આપ્યાં છે? ડૉ. રઘુરામ રાજન જતા રહે એ માટેનો તખતો રચવામાં આવ્યો હતો અને તેઓ જતા રહ્યા. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા મુદ્દત પૂરી થાય એ પહેલાં જતા રહ્યા છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ્‌ મુદ્દતપૂર્વે રાજીનામું આપીને જતા રહ્યા અને હવે ડૉ. ઉર્જિત પટેલ. હવે ખબર આવ્યા છે કે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. સુરજિત ભલ્લાએ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. છેક ઉપરના સ્તરે દમદાર લોકો આ સરકાર સાથે કામ નથી કરી શકતા. ૨૦૧૫માં કેન્દ્ર સરકારે એ સમયનાં વિદેશ સચિવ સુજાથા સિંહને અચાનક કારણ આપ્યા વિના હોદ્દા પરથી દૂર કર્યાં હતાં.

એક તો નાનાં માણસોની સરકાર છે અને એમાં કદાવર અધિકારીઓ અને નિષ્ણાતો પણ ખપતા નથી. આ સ્થિતિમાં શાસનનો ઉલાળિયો ન થાય તો બીજું શું થાય? અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન્‌, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની સિવાય કોણ પ્રધાન છે અને કયું ખાતું સંભાળે છે એ જાણવા ગૂગલના શરણે જવું પડે છે. દેશ આવડા મોટા કૃષિસંકટનો સામનો કરી રહ્યો છે, પણ કૃષિ પ્રધાન કોણ છે એ કોઈ જાણતું નથી. આગળ જે નામ ગણાવ્યાં એ લોકો પ્રધાન બન્યા એ પહેલાંથી જાણીતાં હતાં એટલે પરિચિત છે, બાકી તેમને પણ સ્વતંત્ર રીતે કામ કરવાં મળતું નથી. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે વિદેશોમાં ફસાયેલોઓને વિઝા આપવા સિવાય કોઈ કામ આ સાડા ચાર વરસમાં કર્યું જ નથી. કરવા દેવામાં આવ્યું નથી. તેમનું બીજું કામ છે વિદેશથી પાછા ફરતા વડા પ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરવાનું. તમને ખબર છે? કેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલીને નોટબંધી કરવામાં આવી રહી છે એની જાણ કરવામાં આવી નહોતી. તેમને આપણા કરતાં કલાક વહેલી જાણ થઈ હતી.

કોઈક પ્રકારની લઘુતાગ્રંથિથી અત્યારના શાસકો પીડાય છે. સ્વતંત્રતા અને તેજસ્વીતા તેઓ ખમી શકતા નથી. એટલે તો મોટી આશા પેદા કર્યા પછી નરેન્દ્ર મોદી ફ્લોપ શો સાબિત થયા છે. ગલઢાં ગાડાં વાળે, જેનું કામ જે કરે અને સંઘબળ(ટીમ સ્પિરિટ)ને લગતી લોકવાર્તાઓ વડા પ્રધાને સાંભળી હોય એમ લાગતું નથી. શ્રેયમાં કોઈ ભાગીદાર ન બનવું જોઈએ એની લ્હાઈમાં આવી સ્થિતિ પેદા થઈ છે.

રિઝર્વ બેન્કના નવા ગવર્નર શક્તિકાંત દાસ વિષે પણ તમે બહુ ખાસ નહીં જાણતા હો, પણ તેમનો ચહેરો તમને જરૂર જાણીતો લાગશે. નોટબંધી વખતે રોજ સાંજે પત્રકારોને મળીને બ્રીફિંગ આપનારા અને થઈ રહેલી ક્રાંતિના ગુણગાન ગાનારા. ગવર્નરપદ તેમને શિરપાવ તરીકે મળ્યું લાગે છે. કદાચ એવું પણ બને કે સંજોગો બદલાય એ પછી કે નિવૃત્તિ પછી શક્તિકાંત દાસ પણ મોઢું ખોલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 ડિસેમ્બર 2018

Loading

જનમોજનમની આપણી સગાઇ, શોધે છે સમજણની કેડી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|13 December 2018

હૈયાને દરબાર

જીવનમાં પડેલી નાનકડી તિરાડ જ્યારે મોટી દીવાલ થઈને સામે આવે છે ત્યારે સુખી જોડું સાવ છિન્નભિન્ન થઇ જાય છે. લગ્ન પછી સંલગ્ન ન થઈ શકાય ત્યારે જીવનમાં અકળામણ વધતી જાય છે. ગીતનો ઉપાડ ધીમી લયથી શરૂ થાય છે અને પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આપણા ચિત્તને હલબલાવી મૂકે છે

એક બહુ ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિને લગભગ દસેક વર્ષ પહેલાં મળવાનું થયું હતું. સંગીતકાર સ્વ. મોહન બલસારા ઇસ્કોનમાં કોઈ કાર્યક્રમ કરી રહ્યા હતા, જેમાં આજના શીર્ષક ગીતના કવિની રચના લેવાની હતી. કવિ-સંગીતકાર અને ગાયક કલાકારોની એક બેઠક હતી એમાં પહેલી વાર એ ઊર્મિશીલ-પ્રસન્નચિત્ત વ્યક્તિને મળ્યાનું મને યાદ આવે છે. કવિત્વ એમનું ખૂબ ઊંચું, પણ એ માણસની નમ્રતા એવી કે ક્યારે ય એમણે પોતાની કવિતાનાં બણગાં ફૂંક્યા નથી. બિંદુ સ્વરૂપ રહીને મેઘ જેવી ગર્જના કરતું કર્તૃત્વ જેમનું છે એ કવિ છે ‘મેઘબિંદુ’. મેઘજી ડોડેચા એટલે કે ‘મેઘબિંદુ’ની કવિતા આપણી પોતીકી લાગે એવી આત્મીય અને સંવેદનાપૂર્ણ હોય છે. આ શબ્દસાધક અસરદાર અનુભૂતિને કાવ્ય સ્વરૂપે આપણાં સુધી પહોંચાડે છે, પછી એ અનુભૂતિ અંગત હોય કે બિન અંગત.

તાજેતરમાં જાણીતાં ગાયિકા હંસા દવેની ઑલ ઈન્ડિયા રેડિયો પર મુલાકાત લીધી ત્યારે એમણે મારી સમક્ષ મેઘબિંદુના જે ગીતનો ઉલ્લેખ કર્યો એ સાંભળ્યાં પછી મનમાં સતત ઘુમરાયા કરતું હતું. ચોટદાર શબ્દો અને હ્રદયસ્પર્શી સ્વરાંકન. માનવીય સંબંધોની ગર્ભિત કથા-વ્યથાનું એ ગીત; જનમોજનમની આપણી સગાઈ, હવે શોધે છે સમજણની કેડી …! સાંભળીને મન વિક્ષુબ્ધ ન થાય તો જ નવાઈ! ‘આ વાદ્યને તો કરુણ ગાન જ ભાવે’ ઉક્તિને જાણે યથાર્થ ઠેરવતાં હોય એમ મેઘબિંદુની ઘણી બધી કવિતાઓમાં વિષાદયોગ નિષ્પન્ન થતો જણાય છે. એ વિષાદયોગ પ્રિયજનથી દૂર થયાની વ્યથા હોય કે સ્વજનનું મૃત્યુ હોય, મેઘબિંદુની કવિતામાં સાંગોપાંગ ઊતરે છે. સમજદાર અને સંવેદનશીલ હોવાની સજા જેવી તેવી નથી. દુ:ખ ધરબાઈ રહે એના કરતાં કાવ્યરૂપે વ્યક્ત થઈ જાય એ વધારે યોગ્ય છે. અલબત્ત, એમના ચહેરા પરનું સ્મિત હંમેશાં બરકરાર હોય છે.

કહેવાય છે કે સંબંધ તોડતાં ફક્ત એક જ ક્ષણ લાગે, પણ સાચો સંબંધ જોડાતાં ઘણી વાર દાયકા વીતી જાય છે, જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. સ્ત્રી-પુરુષ પહેલીવાર મળે ત્યારે તો બન્નેએ સ્વપ્નોની કેવી સરસ કેડી કંડારી હોય છે! થોડી સી ઝમીં, થોડા આસમાન, તિનકો કા બસ એક આશિયા …! સ્ત્રીની જરૂરિયાત બસ આટલી જ હોય, કારણ કે પ્રિયજનનો સાથ એ એની સૌથી મોટી મૂડી છે. અને પુરુષ પણ ઓળઘોળ થઈ ને પ્રિયતમાને એમ જ કહે, જો તુમ કો હો પસંદ વો હી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે …! પરંતુ લગ્ન સંસાર મંડાય પછી વાસ્તવિકતા કંઈક જુદી જ દેખાવા લાગે છે. ઘાસની કુટિરમાં રહી શકાતું નથી અને પત્નીની બધી વાતમાં હા એ હા પુરાવી શકાતી નથી. જિંદગી ચાંદ-સિતારોમાં સમાઈ જતી હોત તો જોઈતું’તું જ શું? બધાં જ સુખી હોત! લગ્ન સંસ્થાની શરૂઆત થઈ એ વાતને પાંચેક હજાર વર્ષ તો વીતી જ ગયાં હશે, છતાં પુરુષ અને સ્ત્રી હજુ પણ એકબીજાંને બરાબર સમજી શક્યાં નથી. જિંદગીના ખેલમાં બંનેને એકબીજા વગર ચાલ્યું નથી છતાં સરખી રીતે રમતા પણ એમને ન આવડ્યું! ક્રીડા અને પીડાની ખેંચતાણમાં પીડાનું પલ્લું નમવા લાગે ત્યારે આ શબ્દો સ્ફૂરે છે :

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી …!

જીવનમાં પડેલી એક નાનકડી તિરાડ જ્યારે મોટી દીવાલ થઈને સામે આવે છે, ત્યારે એક સુખી જોડું સાવ છિન્નભિન્ન થઇ જાય છે. લગ્ન પછી સંલગ્ન ન થઈ શકાય ત્યારે જીવનમાં અકળામણ વધતી જાય છે. વાદવિવાદમાં બંનેને પોતાની જ વાત સાચી લાગે છે. એકબીજાં માટે જાન ન્યોછાવર કરવાની વાતો કરનાર યુગલનો અહંકાર અચાનક એકબીજાં સાથે ટકરાવા લાગે છે. એમાં સમજણનો અભાવ હોય તો ફરી સાથે રહેવાની કે ભેગા થવાની શક્યતાઓ સાવ ઘટી જાય છે. પરંતુ કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. થોડાંક ગીતો ગવાયાં પછી હંસાબહેને આ ગીત શરૂ કર્યું, જનમોજનમની આપણી સગાઇ…! ગીત પૂરું થયું, કાર્યક્રમ પૂરો થયો.

"ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, "અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું. અમારે માટે આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. ત્યાર પછી દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈ ઘણી વખત ગીત સાથે સંકળાયેલો કોઈ યાદગાર પ્રસંગ પણ કહે. એમાં એમણે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો કે ડલાસના અમારાં કાર્યક્રમમાં આ ગીતની એવી ઊંડી અસર થઈ હતી કે અબોલા લીધેલું એક પ્રોફેસર દંપતી મળવા આવ્યું અને એમણે સાથે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે. પુરુષોતમભાઈએ પણ આ ગીતનું ખૂબ ભાવવાહી એનું સ્વરાંકન કર્યું છે. જો કે, આ ગીત સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એટલું જ ગાવામાં અઘરું છે. હંસાબહેન સ્મૃતિમાં સરી જાય છે.

સ્વરનિયોજન કરતી વખતે તૈયાર ધૂનોમાં શબ્દો ન ઢાળે, પરંતુ શબ્દોના મર્મને સમજી કવિના ભાવ જગતમાં અવગાહન કરીને પછી જ તર્જ બનાવનારા પુરુષોત્તમ ઉપાધ્યાય આ ગીત અને ‘મેઘબિંદુ’ સાથેની મૈત્રી વિશે કહે છે, "અમારી મૈત્રી લગભગ ચાલીસ વર્ષ જૂની છે. પહેલીવાર મેં એને કોઈક કાવ્ય સંમેલનમાં જોયો ત્યારે મને થયું કોઈ દેશી માણસ ભૂલો પડ્યો લાગે છે. પણ મેં જ્યારે એની કવિતા વાંચી ત્યારે થયું કે એની વાતમાં ચોક્કસ દમ છે. એ પછી તો એમનાં કેટલાં ય ગીતો મેં સ્વરબદ્ધ કર્યા છે, પરંતુ આજે તેં ગીતનો ઉલ્લેખ કર્યો છે એ સિવાય પણ મારું એક બહુ ગમતું એમનું ગીત છે :

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડાં ઘસાયાં
વાતોની વાવનાં ઊતરી પગથિયાં,
પાણી પીધું ને ફસાયા …!

કેવી સચોટ વાત કરી છે આ પંક્તિઓમાં કવિએ! ‘મેઘબિંદુ' બહુ સરળ-સહજ વ્યક્તિ છે. લાગણીનો માણસ છે.

"તમારા ગીતોમાં વિરહ-વેદના વધારે જોવા મળે છે એનું કારણ શું? એ પ્રશ્નના ઉત્તરમાં કવિ ‘મેઘબિંદુ’ કહે છે, "હું જરા વધારે પડતો ભાવુક છું અને પરકાયાપ્રવેશ બહુ સહજ રીતે કરી શકું છું એટલે મેં મારી આસપાસ કોઈ પણ વાત સાંભળી હોય કે ઘટના જોઈ હોય એ હું પોતે જ અંગતપણે અનુભવું અને પછી એ શબ્દો દ્વારા બહાર આવે છે. તમને એક ઉદાહરણ આપું. અમારા મુલુંડમાં એક પ્રોગ્રામમાં પુરુષોત્તમભાઈની બે દીકરીઓ, વિરાજ અને બીજલે મારું ગીત સાત સાત પગલાઓ … ગાયું પછી એક ભાઈ આવીને મને કહે કે તમે મારી વાત ક્યાંથી જાણી ગયા? આમાં તો મારી જ કથા છે. મેં કહ્યું કે તમારી વાત હું ક્યાંથી જાણું? મારી આસપાસ બનેલી કોઈ ઘટના જ મેં નિરૂપી છે. એ પછી તો એ ભાઈ લગભગ રોજ આ ગીત સાંભળે છે.

સુંદર શબ્દોની આવી અસર હોય છે. આજનાં આપણાં ગીત જનમોજનમ…ની વાત પર ફરી આવીએ તો એમાં એક જ વાત સ્પષ્ટ દેખાય છે કે સમજણની કેડી પર ચાલીએ તો સંબંધ સુગંધિત બની રહે છે. સંબંધોના આકાશમાં સ્નેહરૂપી સૂરજને જ્યારે અબોલાના કાળાં વાદળ ઘેરી લે, ત્યારે સર્જાતી ભાવશૂન્યતાને આ ગીતમાં બખૂબી રજૂ કરવામાં આવી છે. સંબંધોની દીવાલમાં તિરાડ પાડવા માટે શંકાની એક નાની સરખી કાંકરી પૂરતી છે. એવા પોલા સંબંધોમાં પછી વાતે વાતે સોગંદ લેવા પડે, જાતને પુરવાર કર્યાં કરવી પડે, એકબીજાં પરના આક્ષેપો ખોટા સાબિત કરવાનો નિરર્થક વ્યાયામ કરવો પડે. પરાણે જાળવી રખાતા સંબંધોની વ્યથાને આ ગીત ધાર કાઢી આપે છે. લગ્ન સંબંધમાં સમ+બંધ અને સમ+મુક્તિ બંને જરૂરી છે. પરિવાર પ્રત્યેની મીઠી જવાબદારીનું પતિ-પત્ની બંનેનું સરખું બંધન અને જિંદગીની ગતિમાં મુક્ત વિહાર કરવા બંનેને મળતું મોકળું આકાશ, આ બન્ને પ્રાપ્ત થાય તો જ લગ્ન સંબંધ ટકે. એ માટે પતિ-પત્ની વચ્ચે ગાઢ મૈત્રી અને પરસ્પર વિશ્વાસ હોવાં જરૂરી છે. બાકી, મૈત્રીની સદંતર ગેરહાજરીવાળાં લાખો લગ્નો રોજ થતાં રહેે છે અને નભતાં પણ રહે છે! ગુજરાતી સાહિત્યનાં ઊર્મિગીતોમાં પત્ની માટે ઘણી જગ્યાએ ‘સખી’ શબ્દ પ્રયોજાય છે. આ સખીભાવ અથવા તો સખ્ય જ્યાં હોય ત્યાં મુક્તિ હોય અને માલિકીભાવ હોય ત્યાં શોષણ હોય. શોષણ થાય ત્યારે સંબંધમાંથી બધો રસકસ ઊડી જાય અને સમજણની કેડી શોધવી પડે.

આ ગીતમાં ક્યાં ય અટપટો ભાવ નથી. સીધી, સરળ અને સહજ અભિવ્યક્તિ છે. ગીતનો ઉપાડ ધીમી લયથી શરૂ થાય છે અને પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આપણા ચિત્તને હલબલાવી મૂકે છે. હંસા દવેની મીઠી મધુરી ગાયકી સાથે સંવેદનાના આ સૂર માણવા હોય તો ઈન્ટરનેટ છે જ ઉપલબ્ધ જરૂર સાંભળજો.

—————————–

જનમોજનમની આપણી સગાઇ
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

° કવિ : મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’ ° સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય ° સ્વર: હંસા દવે

https://www.youtube.com/watch?v=uT_b82vTQDM

સૌજન્ય : લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=455040

Loading

...102030...2,9112,9122,9132,914...2,9202,9302,940...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved