Opinion Magazine
Number of visits: 9664412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તા પર ‘સુપ્રીમ’ અતિક્રમણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 May 2025

ચંદુ મહેરિયા

સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ જે.ડી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવન્‌ની પીઠનો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તેમની સમક્ષ રજૂ થયેલાં વિધેયકને ત્રણ મહિનાની સમયસીમામાં મંજૂરી આપવા આદેશ આપતો ચુકાદો અક્ષરશ: ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. 

તમિલનાડુ વિધાનસભાએ જાન્યુઆરી ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૩ના સમયગાળામાં પસાર કરેલા દસ વિધેયકોને રાજ્યપાલ આર.એન. રવિ લાંબા સમયથી મંજૂરી આપતા નહોતાં. એટલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની  દેવડીએ ધા નાંખી. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ મળેલા ન્યાયિક સમીક્ષાના વિશેષાધિકાર કે અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને અદાલતે અસીમિત સમયથી રાજ્યપાલની મંજૂરીની રાહ જોતાં દસ બિલોને વિધાનસભાએ પસાર કરેલ તારીખથી જ મંજૂર કરવાનું અસામાન્ય પગલું ભર્યું છે. ૪૧૫ પાનાંના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વિધેયકો પાસ કરવામાં વિલંબના રાજ્યપાલના નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી ગણાવ્યો હતો. રાજ્યપાલે આમ કરીને લોકોની ઈચ્છાને કચડી છે અને વિધાનસભાના કામમાં અડચણ ઊભી કરી છે એમ કહેવા સાથે અદાલતે બંધારણ નિર્માતાઓના  એ સ્વપ્નને યાદ કર્યું છે કે બંધારણ રાજ્યપાલને રાજકીય પાર્ટીના પ્રતિનિધિ બનવાની મંજૂરી આપતું નથી. 

બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે કેન્દ્ર કે રાજ્યના પ્રધાનમંડળની  સહાય અને સલાહ પ્રમાણે જ કામ કરવાનું રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. પરંતુ વિપક્ષી રાજ્યોના રાજ્યપાલો તેમની બંધારણે ચીંધેલ જવાબદારી નિભાવવાને બદલે કેન્દ્રના સત્તા પક્ષના ખેતરપાળો તરીકે કામ કરે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, દિલ્હી, તેલગંણા, તમિલનાડુ અને કર્ણાટક જેવા વિપક્ષી રાજ્યોમાં વિપક્ષની અગ્ર ભૂમિકા રાજ્યપાલો ભજવતા જોવા મળે છે. એટલે આ બધા રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે સતત ટકરામણો થાય છે. 

૨૦૨૩માં તમિલનાડુના રાજ્યપાલે તો વિધાનસભા સમક્ષ તેમનું અભિભાષણ વાંચવાનો જ ઈન્કાર કર્યો હતો. આ કૃત્ય તેમની બંધારણીય જવાબદારીની વિરુદ્ધનું હતું. વિપક્ષી રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલા વિધેયકોને રાજ્યપાલો રાજકીય કારણોસર દબાવી રાખતા હોઈ અનેક રાજ્યોએ ન્યાય માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ જવું પડ્યું છે. અગાઉ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને તેઓ વિધેયકો મંજૂર નહીં કરીને આગ સાથે રમી રહ્યા હોવાનું  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

સુપ્રીમ કોર્ટના વર્તમાન ચુકાદાને વ્યાપક પ્રમાણમાં આલોચના અને આવકાર મળ્યાં છે. વિપક્ષોને આ ચુકાદો તેમની જીત લાગ્યો છે તો સત્તાપક્ષને તે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની સત્તા પર તરાપ કે અતિક્રમણ લાગ્યું છે. દેશના ટોચના બંધારણીય પદે વિરાજતા અને અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તૃણમૂલ કાઁગ્રેસની વિપક્ષી સરકારને પૂરતા પ્રમાણમાં રંજાડી ચૂકેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની આકરી આલોચના કરી છે. અનુચ્છેદ ૧૪૨ને તેમણે લોકતાંત્રિક સંસ્થાઓ પર અદાલતના પરમાણુ મિસાઈલ સાથે સરખાવીને કેટલાક જજીસ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તતા હોવાનું પણ જણાવ્યું છે. ભા.જ.પ.ના અતિ મુખર લોકસભા સભ્ય નીશિકાંત દુબેએ અદાલતની ટીકા કરતાં ત્યાં સુધી કહી નાંખ્યું કે જો હવે સર્વોચ્ચ અદાલત જ કાયદા ઘડવાની હોય તો સંસદની જરૂર ક્યાં છે? તેમના જ પક્ષના રાજ્યસભા સભ્ય દિનેશ શર્માએ પણ તેમના વિચારોની અનુમોદના કરી છે. 

લોકતંત્રના ત્રણ આધારસ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેનો આ સંઘર્ષ કંઈ નવો નથી કે પહેલ વારનો નથી. સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો જેમને સંસદ અને ધારાસભાના કામમાં દખલ લાગે છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપરવટ જતો લાગે છે તેમણે એ સવાલનો જવાબ આપવો પડશે કે ચૂંટાયેલી ધારાસભાએ પસાર કરેલ વિધેયકોને રાજ્યના સર્વોચ્ચ બંધારણીય વડા અસીમિત સમય સુધી દબાવી રાખે અને ન્યાયતંત્ર તેને મંજૂર કરે તો તેનાથી લોકતંત્ર મજબૂત થાય છે કે નબળું પડે છે?

ત્રણ માસની સમયમર્યાદામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમની સમક્ષના વિધેયકો મંજૂર કરવા તેવું અદાલતી ચુકાદામાં નક્કી કર્યું છે, તે હાલની સરકારના ગૃહ મંત્રાલયના નવ વરસ પૂર્વેના આદેશના આધારે છે. તેમાં સુપ્રીમે લોકતંત્રનું કયું અહિત કર્યું છે? ખરેખર તો વિધેયકોને રોકીને રાજ્યપાલોએ વિધાનગૃહોની સર્વોચ્ચતાને પડકારી છે. સુપ્રીમના ટીકાકારો અદાલતો સમક્ષના પડતર કેસોની સમયમર્યાદાનું શું ? એમ પૂછે છે. તેઓ એ હકીકત વિસરી જાય છે કે અદાલતમાં કેસોના ભરાવા માટે કોઈ રાજકીય કારણો કે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી. આ બે બાબતોને સરખાવી જ કેવી રીતે શકાય?

સર્વોચ્ચ અદાલત ક્યારેક ન્યાયિક સક્રિયતા દાખવે છે કે તેના અધિકાર ક્ષેત્રની બહાર જાય છે તેની ના નહીં. આ ચુકાદામાં પણ સર્વોચ્ચ અદાલતે બંધારણીય વડા સમક્ષના બિલોને ન્યાયિક દૃષ્ટિકોણથી ચકાસવા અનુચ્છેદ ૧૪૩ અનુસાર સુપ્રીમનો અભિપ્રાય મેળવવા જણાવ્યું છે. અહીં સવાલ ઊભો થાય કે શું આ શક્ય છે? સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા હેઠળ કાયદાની ચકાસણી કરવાની છે નહીં કે વિધેયકોની. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમની સમક્ષના વિધેયકો ન્યાયિક સમીક્ષાને પાત્ર ગણશે તો તેની મંજૂરીમાં વધુ વિલંબ થશે કે નહીં ?

જો ત્રણ માસની મર્યાદામાં બિલો પાસ ન થાય તો ન્યાયિક સમીક્ષા માટે રાજ્યોને કે કેન્દ્રને અદાલત પાસે આવવા જણાવ્યું છે તે પણ કેટલું યોગ્ય છે? વિલંબિત ન્યાયથી અને પડતર કેસોથી ઉભરાતી અદાલતો સમક્ષ વધુ કેસોનો ભરાવો નહીં થાય? અદાલતે ત્રણ મહિનાની સમયસીમા નક્કી કરી છે તે પર્યાપ્ત નથી? વળી તેના ભંગ માટે અદાલતમાં બોલાવવા કેટલું ઉચિત ગણાય? 

સુપ્રીમ કોર્ટ સુપર સંસદ તરીકે વર્તી હોવાની ટીકાના સંદર્ભે કોણ સુપ્રીમ છે? સંસદ કે સર્વોચ્ચ અદાલત? તે મુદ્દો પણ ચર્ચવાલાયક છે. કાયદા ઘડવાની એકમાત્ર સત્તા બંધારણે સંસદ અને ધારાસભાઓને આપી છે એટલે જે કાયદા ઘડે તે સુપ્રીમ એમ તર્ક કરી શકાય. પણ સંસદે ધડેલા કાયદાની સમીક્ષા કરી તે બંધારણને અનુરૂપ છે કે કેમ તે નક્કી કરી ગેરબંધારણીય કાયદાને રદ્દ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ હસ્તક છે એટલે કાયદા ઘડનાર કરતાં રદ્દ કરનાર વધુ ઉચ્ચ ગણાય એ રીતે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે એવી દલીલ થાય છે. પરંતુ આ સઘળી ચર્ચામાં એ હકીકત વિસારે પાડી દેવાય છે કે સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું સર્જન બંધારણે કર્યું છે. એટલે ન તો સંસદ સર્વોચ્ચ છે કે ન તો ન્યાયતંત્ર. સર્વોચ્ચ તો છે આ દેશનું બંધારણ. 

વકફ સુધારા કાયદા પર સુપ્રીમના અણિયાળા સવાલો પછી સુપ્રીમ કોર્ટ પર સત્તાપક્ષે હુમલો કર્યો છે તેથી સ્વતંત્ર ન્યાયતંત્ર પર ડારો બેસાડી શકાય. અગાઉ સુપ્રીમે કોલેજિયમને બદલે ન્યાયિક નિમણૂક અંગેનો કાયદો અને ઈલેકટોરલ બોન્ડને ગેરકાયદે ઠરાવેલ છે. સુપ્રીમના સરકારવિરોધી ચુકાદાઓથી સરકારો વિચલિત થઈ જાય છે અને બંને વચ્ચે સંઘર્ષ થાય છે. 

સૌથી મહત્ત્વનો સવાલ તો એ છે કે તમિલનાડુના રાજ્યપાલે જે દસ વિધેયકો અટકાવ્યા હતા તે કોઈ લોકહિતના કાયદા માટેના નહોતા પણ મોટા ભાગના રાજ્ય યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક માટેના હતા. એટલે આખરે બધો ખેલ લોકહિતનો નહીં, સત્તા કે વિપક્ષના ખુદના રાજકારણનો છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

કટોકટી : કેમ કોઈએ ઇંદિરાજી સામે અવાજ ન ઉઠાવ્યો? 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2025

ઇંદિરાજીને સંવાદ સારુ સમજાવી શકાયાં હોત અથવા એમના પક્ષમાં સ્વરાજનિર્માણનાં ધારાધોરણો માટે અવાજ ઉઠાવી એમને બાધ્ય કરી શકતા નેતાઓ અને કાર્યકરો હોત તો ચિત્ર જરૂર જુદું હોઈ શકત

જૂન 1975માં કટોકટીની જાહેરાત અને માર્ચ 1977માં જનતા-રાજ્યારોહણ :

પ્રકાશ ન. શાહ

પ્રજાસત્તાક ભારતના આ એક ઐતિહાસિક તબક્કાની ને નિર્ણાયક મોડની પચાસીએ ઊભા, હવેના મહિનાઓ યથાપ્રસંગ-યથાનિમિત્ત પાછળ નજર કરવાના એટલા જ આગળ જવાને સારુ સહવિચાર સામગ્રીના હોવાના છે.

આમ તો, કટોકટી સંભારીએ ત્યારે 1975ની 26મી જૂન સાંભરે. આ તારીખે એ દિવસોમાં અમને જરી પ્રચારાત્મક સગવડ પણ ઠીક પૂરી પાડી હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી, અને પુત્રીએ 26મી જૂન … એમ કહેતા જ પ્રજાસત્તાક અને કટોકટીરાજ વચ્ચેનો વિરોધ અજબ જેવી નાટ્યાત્મક રીતે સાંભળનાર સૌ સામે સર્વાંગ સ્ફુટ થઈ જતો અનુભવાતો.

પણ છવ્વીસમી જૂને નહીં અટકતાં, બે અઠવાડિયાં પાછળ એટલે કે બારમી જૂને જઈશું જરી?

બારમી જૂન એ ઐતિહાસિક તારીખ હતી જ્યારે એકસાથે બે નિર્ણાયક ચુકાદા આ‌વ્યા હતા : ગુજરાતે વિધાનસભાની ચૂંટણીમાં ઇંદિરા કાઁગ્રેસને પ્રમાણમાં મહાત આપી હતી – અને એ જ દિવસે અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરાજીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવતો રોકડો ચુકાદો પણ આપ્યો હતો.

ગાંધીનગરે, એમ તો, એક જુદો જ ચુકાદો 1975નાં પાંચ-છ વરસ પર પણ ક્યાં નહોતો આપ્યો? સિન્ડિકેટ-ઇન્ડિકેટની આખી દાસ્તાંમાં તો નથી જતો આ ક્ષણે, પણ ખપ પૂરતું એટલું જરૂર નોંધું કે શાસક કાઁગ્રેસથી જુદી પડેલ સંસ્થા/સંગઠન કાઁગ્રેસે ત્યારે ભરેલ ગાંધીનગર અધિવેશનને અસાધારણ ઓજપાઈ જતે છતે ગુજરાતમાં ફરીને 1975માં એનો ઉદય સાફ વરતાવા લાગ્યો હતો.

ગયે મહિને અમદાવાદમાં કાઁગ્રેસ અધિવેશન મળ્યું ત્યારે પૂર્વે ગુજરાતમાં મળેલાં અધિવેશનોની તપસીલ અમદાવાદ (1912), સુરત (1907), હરિપુરા (1938), ભાવનગર (1961) આગળ અટકી જતી હતી, પણ જરી છૂટ લઈને હું કાઁગ્રેસના ભાગલા સાથે મળેલા ગાંધીનગર અધિવેશનને પણ ઉમેરવા ઈચ્છું છું. વાત તો સાચી કે ઇંદિરાજી અને મોરારજી દેસાઈ સામસામી છાવણીમાં હતાં, પણ આજે સ્વરાજસંગ્રામ અને સ્વરાજકારણના એક લાંબા પટ પર શીર્ષ સત્તાસ્થાનેથી જે એક જુદા જ વિમર્શનો દોર જારી છે, એની સામે એકમેકની સામસામી સ્ખલન યાદી સાથે અને છતાં ત્યારે ગાંધીનગરમાં મળેલાઓ પણ હતા તો ગાંધીનેહરુપટેલની એકંદરમતીની ધારામાં જ.

2025નું કાઁગ્રેસ અધિવેશન આ સ્વરાજત્રિપુટી પૈકી પટેલના ડિસયુઝ અને મિસયુઝના ઠીક લાંબા દોર પછી દોષદુરસ્તીની જો કે જરી લાઉડ તરેહની ચેષ્ટા હતી. 1975માં સરદાર શતાબ્દીનો અવસર આવ્યો ત્યારે ગાંધીનગરમાં જનતા મોરચામાં બેઠેલા અમને ત્યારનું નવી દિલ્હી મોળું લાગતું … 2025નું અમદાવાદ અધિવેશન કેમ જાણે એક પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) શું ન હોય!

મધ્યસત્ર ચૂંટણી અને બાંગ્લાદેશની રચના :

1971ની આ બે શકવર્તી ઘટના સાથે ઇંદિરા ગાંધીની પ્રતિમા ને પ્રતિભા એ રીતે ઊંચકાઈ હતી કે એ કોઈ ટૂંકનજરી સત્તાસંઘર્ષને બદલે દીર્ઘદર્શી સંવાદ ને નિર્માણની રાજનીતિ ખેલવાનું સાહસ નિ:શંક કરી શક્યાં હોત. 

1974માં બેસતે જયપ્રકાશ, એકદમ જ કેમ જાણે સન બયાલીસના વીરનાયક તરીકે બલકે રાષ્ટ્રના અંતરાત્મા તરીકે જાહેર જીવનમાં ઉભર્યા, પણ આજે બહુ ઓછા લોકોને એ વાતનાં ઓસાણ હશે કે ગુજરાતમાં નવનિર્માણ આંદોલનનું ભાવનાત્મક સમર્થન કર્યા પછી પટણા પાછા ફરતા પૂર્વે એમણે દિલ્હીમાં સાભિપ્રાય મુકામ કીધો હતો અને ઇંદિરાજી સાથે સંવાદમુદ્દા ચર્ચવા ઉપરાંત એક સહાયકારી ભૂમિકાની કોશિશ કરી હતી. એ જ ધોરણે એમણે વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી હતી. 

વર્ષોથી ‘આફ્ટર નેહરુ હુ?’ના એક ઉત્તર તરીકે જેમનું નામ લેવાતું હતું તે જયપ્રકાશ સત્તાસંઘર્ષ કરતાં સંવાદની ભૂમિકાએ કામ લેવાને અગ્રતા આપતા હતા. ત્યારે જો કે ઇંદિરાજી જે સલાહકારોથી ગ્રસ્ત હશે એમણે જયપ્રકાશની રચનાત્મક સંવાદકોશિશને બદલે સંઘર્ષ અનિવાર્ય બની રહે એવી વ્યૂહકારીને અગ્રતા આપી એમ પાછળ નજર કરતા સમજાય છે.

કાઁગ્રેસમાં ત્યારે ઇંદિરા ગાંધીના ઉદ્દામ વલણોની સમર્થક છતાં એમની એકાધિકાર શૈલીની ટીકાકાર એવી યંગ ટર્ક મંડળી હાજરાહજૂર હતી. ચંદ્રશેખર, કૃષ્ણકાન્ત ને મોહન ધારિયા, રામ ધન આ સૌને લાગતું કે જયપ્રકાશ સાથે સંવાદ સાધી ઇંદિરાજીએ લોકઆંદોલન પાછળના મુદ્દા સુલઝાવવા જોઈએ. ચંદ્રશેખરે સંખ્યાબંધ સાંસદોને જયપ્રકાશ સાથે ચા પર આ જ ગણતરીએ નિમંત્ર્યા પણ હતા.

1975ના ફેબ્રુઆરી-માર્ચમાં ઇંદિરાજીના પ્રધાનમંડળના સાથી ધારિયાએ અમદાવદની મુલાકાત લીધી ત્યારે એમણે જાહેર વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ઇંદિરા ગાંધી ‘ધ લીડર’ છે જ. તેઓ જયપ્રકાશ સાથે સંવાદ સાધી લોકઆંદોલનની માંગને ન્યાય આપવાનું ગોઠવી શકે તો તે લોકશાહીના હિતમાં હશે. અમદાવાદ છોડતા ધારિયાએ એરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે હું જાણું છું કે સત્તા પક્ષમાં મારી જેમ વિચારનારો હિસ્સો ઠીક ઠીક છે, પણ તે મોં ખોલી શકતો નથી. ધારિયાના આ પ્રગટ ઉદ્દગારોને પગલે એમને મંત્રીમંડળમાંથી છૂટા કરવામાં આવ્યા. અલબત્ત, બારમી જૂનનાં જે બે પરિણામોની મેં શરૂઆતમાં જિકર કરી તે પછી વ્યક્તિગત સત્તા-સાચવણી સારુ કટોકટીનો ટૂંકનજરી રાહ ઇંદિરા ગાંધીને અનિવાર્ય લાગ્યો હશે. અને સિદ્ધાર્થ શંકર રે જેવાઓ તો મહિનાઓ પૂર્વે ‘કટોકટી’નો વ્યૂહ બનાવીને બેઠા જ હતા!

1975ના માર્ચ-એપ્રિલ-મે હજી વિશેષ તપાસમાવજત માગે છે. યથાપ્રસંગ એની વાત કરીશું. પણ ઉતાવળે એટલું તો કહેવું જ જોઈએ કે જો ઇંદિરાજીને સંવાદ સારુ સમજાવી શકાયાં હોત અથવા એમના પક્ષમાં સ્વરાજનિર્માણનાં ધારાધોરણો માટે અવાજ ઉઠાવી એમને બાધ્ય કરી શકતા નેતાઓ અને કાર્યકરો હોત તો ચિત્ર જરૂર જુદું હોઈ શકત.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 મે 2025

Loading

અટક વગરનું નામ; સમતાવાદી સમાજના નિર્માણની દિશામાં એક કદમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 May 2025

રાજ ગોસ્વામી

આ વર્ષની આઈ.એસ.સી. (ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 100 ટકા, એટલે કે 400માંથી 400 માર્ક્સ સાથે ટોપ કરનારી કોલકત્તાની 17 વર્ષની વિદ્યાર્થિની સૃજની માત્ર તેના રિઝલ્ટના કારણે જ ચર્ચામાં નથી, પણ તેના નામને લઈને પણ જિજ્ઞાસાનું કેન્દ્ર બની છે. 

સૃજનીએ તેના નામ પાછળથી તેની અટક કાઢી નાખી છે. તેનાં માતા અને પિતા પણ અટકનો ઉપયોગ નથી કરતાં. સૃજનીનો પરિવાર માત્ર માનવતામાં માને છે અને તેને જ તેની જાતિ કે ધર્મ ગણે છે. સૃજનીની માતા ગોપા મુખર્જી પ્રોફેસર છે. તેમણે લગ્ન પછી નામની પાછળ પતિનું નામ કે અટક નથી લગાવ્યું. એવી જ છૂટ દીકરીને પણ છે. તેણે બોર્ડ પરીક્ષાના ફોર્મમાં ધર્મની કોલમમાં ‘હ્યુમેનિટી’ લખું હતું.

તેના પિતા દેવાશીષ ગોસ્વામી આઈ.એસ.આઈ.માં ગણિતજ્ઞ છે. તેમણે તેમની દીકરીઓને અટક પસંદ કરવાની છૂટ આપી હતી. દીકરીઓના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમણે તેમનાં નામો પાછળ અટક નોંધાવી નહોતી. માતા-પિતા બંને ધર્મ કે જાતિના આધારે માણસોનું વિભાજન કરવાની વિરુદ્ધમાં છે.

ભારત જેવા ધર્મ અને જાતિ આધારિત ઓળખાણોમાં તીવ્ર રીતે વહેંચાયેલા સમાજમાં, એક છોકરીની તેની અટકનો અસ્વીકાર કરવાની હરકત એક તાકાતવર સંદેશ છે. અલબત્ત, છોકરી લઘુમતીમાં છે અને બહુમતી સમાજ આને સ્વીકારે તેવો નથી, પરંતુ માણસ ધારે તો વ્યક્તિગત સ્તરે શું ક્રાંતિ કરી શકે છે તેનું આ નાનું પરંતુ નોંધપાત્ર ઉદાહરણ છે. તેની સરાહના થવી જોઈએ.

માત્ર ભારતમાં જ નહીં, પૂરી દુનિયામાં ધર્મ અને જાતિએ સમાજમાં વિભાજનો ઊભાં કર્યા છે અને તેના કારણે જ સંઘર્ષો અને ભેદભાવ પેદા થયા છે. માણસો તેમની ધાર્મિક કે જાતીય ઓળખાણોમાં સામુદાયિક ભાવનાનો અનુભવ કરે છે તે સાચું, પરંતુ તે સમાજમાં ઊંચ-નીચ અને બીજી અસમાનતાઓને પણ ઉચિત ઠેરવે છે.

અટક પરિવારના વારસાને ઈંગિત કરવા માટે અસ્તિત્વમાં આવી છે અને અટક પરથી પરિવાર કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે તે પણ નક્કી થાય છે. તેમાં ધર્મ અને જાતિની ઓળખાણ તો બહુ પાછળથી જોડાઈ હતી.

લોકો પ્રાચીન સમયથી અટક રાખતા નહોતા. કહેવાય છે ચીન સૌથી પહેલી સભ્યતા હતી જેણે ત્રણ હજાર વર્ષ પૂર્વે વ્યક્તિનાં નામ પાછળ પરિવારનું નામ જોડવાનું શરૂ કર્યું હતું. વર્ષો સુધી તે નામ માતા તરફથી આવતું હતું. આજે, ચીન સહિત મોટાભાગના દેશોમાં અટક પિતા તરફથી આવે છે.

ભારતમાં પણ અટકનો ઇતિહાસ પ્રમાણમાં આધુનિક છે. પ્રાચીન સમયમાં લોકો નાનાં-નાનાં ગામડાઓમાં રહેતા હતા અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા એટલે અટકની જરૂર નહોતી પડતી. સમય જતાં વસ્તી વધી, ગામડાં મોટાં થયાં અને બીજા ગામડાં સાથે સંપર્ક વધ્યો તે પછી એકબીજામાં તફાવત કરવા માટે અટકોની જરૂરિયાત ઊભી થઇ હતી.

દાખલા તરીકે, મહાભારતમાં સૌ પાત્રોનાં નામ એકલ છે. જેમ કે – કૃષ્ણ, કુંતી, યુધિષ્ઠિર, દુર્યોધન, દ્રૌપદી વગેરે. સમ્રાટ અશોકને આપણે અશોક મૌર્ય તરીકે નથી ઓળખતા. શિવાજીએ ક્યારે ય તેમની ભોંસલે અટક વાપરી નહોતી. મુઘલ રાજાઓની અટક શું હતી? કબીર કે તુલસીદાસનાં નામ પાછળ અટક નથી લાગતી.

ભારતમાં આ પદ્ધતિ અંગ્રેજો લઇ આવ્યા હતા. પહેલું નામ, વચલું નામ અને છેલ્લું નામ રાખવાથી અંગ્રેજોને ભારતીયોને વિવિધ જાતિઓમાં વર્ગીકૃત કરવામાં સરળતા રહેતી હતી. અંગ્રેજો આવતાં પહેલાં રાજાઓ, વેપારીઓ, આધ્યાત્મિક પુરુષો અને સામાન્ય લોકો પહેલા નામથી જ ઓળખાતા હતા. યુરોપમાં વ્યક્તિને તેના વ્યવસાય, પિતા, સ્થાન કે હોદ્દા અનુસાર ઓળખવાની પદ્ધતિ છે. અંગ્રેજો એ જ રીત અહીં લઇ આવ્યા.

એ વાતમાં તથ્ય છે કે સામૂહિક જીવન જીવવાની સહુલિયત માટે અટકો અસ્તિત્વમાં આવી હતી, પરંતુ તેમાંથી અંદરોઅંદર સંઘર્ષોનો પણ જન્મ થયો. પ્રાચીન સમયમાં ધાર્મિક કે જાતિય ઓળખો પરથી એટલી હિંસા થતી નહોતી જેટલી આજે થાય છે. અંગ્રેજોએ જ જાતિને અલગ કરવા માટે અટકોને પ્રોત્સાહન આપ્યું હતું. 

સામાજિક સંઘર્ષો મૂળભૂત રીતે ઓળખના સંઘર્ષો છે. એવો એક પણ સમાજ નથી જેમાં એક યા બીજી રીતના તનાવ ન હોય. તેના મૂળમાં સામુદાયિક ઓળખ છે, કારણ કે દરેક સમુદાયની માન્યતાઓ, જીવન રીતો અલગ અલગ હોય છે અને બધા પોતાને ચડિયાતા માને છે. 

ધર્મનું મૂળ કામ તો પ્રાકૃતિક જગતને બોધગમ્ય બનાવવાનું અને માનવીય જીવનને અર્થ આપવાનું હતું, પરંતુ જેમ જેમ વિજ્ઞાને પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાની જવાબદારી સંભાળી એટલે ‘નવરા’ પડેલા ધર્મોએ સામાજિક બાબતોમાં દખલ શરૂ કરી અને અંતે તે મનુષ્યોને વિભાજીત કરીને ટકરાવ ઊભો કરવા લાગ્યો.

એટલા માટે જ માનવતાને ધર્મ તરીકે ઘોષિત કરવાના ઇતિહાસમાં ઘણા પ્રયાસો થયા છે કારણ કે તેમાં સમુદાયોની પૃથક ઓળખો સમાપ્ત થઇ જાય છે અને સમાનતાની ભાવના પેદા કરે છે. છેક 18મી સદીમાં ઓગસ્ટ કોમ્ટે નામના ફ્રેંચ ચિંતક અને લેખકે રીલિજિયન ઓફ હ્યુમેનિટી (માનવતાનો ધર્મ) નામના એક બિનસાંપ્રદાયિક ધર્મની સ્થાપના કરવાનો વિચાર આપ્યો હતો.

પાછળથી યુરોપ અને અમેરિકામાં ઘણા લોકો પર આ વિચારનો પ્રભાવ પડ્યો હતો, જેમાંથી નૈતિક સમાજ અને સંસ્કૃતિનો ખ્યાલ પ્રચલિત થયો હતો. માનવતા એ શ્રેષ્ઠ ધર્મ છે એવું તમામ ધર્મો કહે છે, પરંતુ ઓળખોના આધારે વિભાજીત મનુષ્યએ તેને માનવતા વિરોધી કરી દીધો છે. 

ભારતમાં તમિલનાડુમાં 20મી સદીના પ્રારંભે સ્વાભિમાન અંદોલનના ભાગ રૂપે અટકોને ત્યજવાનું શરૂ થયું હતું. તેના આગેવાન પેરિયર ઈ.વી. રામાસામી માનતા હતા કે અટકો જાતિ વ્યવસ્થાનું રક્ષણ કરવાનું કામ કરે છે, તેને ત્યજવાથી સમાન સમાજનું નિર્માણ થશે (તેમની અટક નાઈકર હતી, અને પેરિયરે તેને પડતી મૂકી હતી. પેરિયર એટલે ‘વડીલ’, આપણે ત્યાં ‘મોટા’ કહીએ છીએ તેવું ).

મહાભારતમાં એવું કહેવામાં આવે છે કે ધર્મનો સાર એ વાતમાં છે કે પોતાની આત્માને દુઃખ પહોંચાડે તેવો વ્યવહાર બીજા સાથે ન કરવો જોઈએ. 

તેનાથી મોટો ધર્મ બીજો શું હોય! ધર્મનો અર્થ થાય છે – સ્વભાવ. જેમ કે પાણીનો સ્વભાવ શીતળતા છે, વાયુનો સ્વભાવ કોમળતા છે, ધરતીનો સ્વભાવ કઠોરતા છે, વગેરે. તેવી જ રીતે મનુષ્યનો સ્વભાવ માનવતા છે. ધર્મના નામ પર લોકો મરવા-મારવા તૈયાર થઇ જાય છે, પરંતુ જો મનુષ્ય જ નહીં બચે તો ધર્મનું શું કરવાનું?

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...287288289290...300310320...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved