Opinion Magazine
Number of visits: 9685170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.જે.પી. મૅનિફેસ્ટો: ૨૦૧૪ અને ૨૦૧૯ – એક વાંચન

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2019

બી.જે.પી. માટે આ કોઈ નવી વાત નથી. ૧૯૮૦માં પણ બી.જે.પી.એ કેસરિયો એજન્ડા છોડીને સત્તા સુધી પહોંચવા ડહાપણની સીડી વાપરી હતી. ત્યારે ગાંધીવાદી સમાજવાદ અને દીનદયાળ ઉપાધ્યાયના ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમની સંકલ્પના રાખી હતી. આ ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમ શું છે એ આજ સુધી મને તો સમજાયું નથી, અને આ ધરતી પર એવો કોઈ પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી નથી જેણે એનું કોઈ ભાષ્ય કર્યું હોય. એટલી ખબર છે કે એ મીઠા બોલનો સંગ્રહ છે જેનો સંકટના સમયે ઉપયોગ કરવામાં આવતો હતો. હતો એ ભૂતકાળવાચી શબ્દ મેં જાણીબૂજીને વાપર્યો છે અને તેનો ફોડ આગળ પાડવામાં આવશે.

કોઈ ભેદભાવ વિના, કોઈ પણ પ્રકારના દ્વેષ વિના, વિધર્મીઓ માટે ભારતમાં જીવવા માટેની શરતો વિના બધાને બાથમાં લઈને ચાલવાનું વચન આપવામાં આવ્યું હતું. એ એક રીતે ‘સબકા સાથ સબકા વિકાસ’ની બી.જે.પી.ની ૧૯૮૦ની પહેલી આવૃત્તિ હતી. અટલ બિહારી વાજપેયી ભેદભાવ વિના માળામાં બધાં ઇંડાંઓ પર પાંખ ફેરવીને હૂંફ આપતા હતા અને રાષ્ટ્રસેવન કરતા હતા. સિકન્દર બખ્ત નામના મુસ્લિમ ઈંડાને સૌથી વધુ હૂંફ આપવામાં આવતી હતી, પરંતુ પક્ષની અંદર તેમને દેખાવથી વધુ કોઈ સત્તા આપવામાં નહોતી આવી. પાછળથી સિકન્દર બખ્તને સમજાઈ ગયું હતું કે તેમનો વિન્ડો શોપિંગ માટે શો પીસ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેલ એવો પ્રભાવી હતો કે મરાઠી વિદુષી લેખિકા દુર્ગા ભાગવત અને અને જાણીતા કાયદાવિદ્ એમ.સી. ચાગલા તેમની વાતમાં આવી ગયાં હતાં અને તેમને યશસ્વી ભવ:ના આશીર્વાદ આપી આવ્યા હતા.

૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં માળો વિખાઈ ગયો અને વાજપેયીને રવાના કરવામાં આવ્યા. નાગપુરથી ગદાધારીઓ અને ધનુષધારીઓ આવી પહોંચ્યા. એ પછી એક એક ઈંડાને ચકાસવામાં આવ્યા, અને પરાયાં ઈંડાંઓને ધમકાવવાનું અને હિન્દુસ્તાન મેં જીના હો તો…ની શરતો મૂકવાનું શરૂ થયું. એકાએક ડહાપણનું બાષ્પીભવન થઈ ગયું. જેણે કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’ ન જોઈ હોય તેમને જોવાની ખાસ ભલામણ છે. એકાએક મહાભારતનો ખેલ અકબર અને અનારકલીમાં ફેરવાઈ ગયો, અને ધૃતરાષ્ટ્રની માફક દુર્ગા ભાગવતો અને એમ.સી. ચાગલાઓ પૂછવા લાગ્યાં કે એ સબ ક્યા હો રહા હૈ? પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાથી વિફરેલાં દુર્ગા ભાગવતે તો ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.

૧૯૮૦-૧૯૮૪નાં વર્ષો ડહાપણ, ઉષ્મા, મર્યાદા, સ્નેહનાં વર્ષો હતાં. આખરે પાસ થવા માટે પણ ડાહ્યા હોવાનો અને માણસ હોવાનો દેખાવ કરવો પડે છે એ જ સાબિત કરે છે કે વિવેક અને માણસાઈમાં કેટલી મોટી તાકાત છે. કન્યા જોવા આવનાર છોકરો પણ ડાહ્યોડમરો, વિવેકી અને માઈસાઈના ગુણ ધરાવતો હોવાનો દેખાવ કરે છે. આ મૂળ રંગની માફક મૂળ ગુણ છે જે સમાજને ભાવે છે. પણ જેમ મૂળ રંગમાં મેળવણથી બીજા રંગ બનાવી શકાય છે, એમ મૂળ ગુણોમાં પણ અલગ અલગ પ્રકારના ઝેરનું મેળવણ કરીને માણસને ખાસ પોતાને માફક આવે એવો બનાવી શકાય છે. આમ ૧૯૨૫થી મેળવણી કરીને પોતાને માફક આવે એવો હિંદુ ઘડવાનું કામ કરવામાં આવે છે, પણ સમસ્યા એ છે કે સત્તા સુધી પહોંચાડી શકે એટલી મોટી સંખ્યામાં આવા હિંદુ હજુ પેદા થયાં નહોતાં, એટલે વિચારવામાં આવ્યું કે ચાલો શ્વેત-શુભ્ર રંગને અને શાંત રસને પણ આજમાવી જોઈએ.

૧૯૮૪માં સફળતા મળી નહીં અને પાછો મૂળ ચહેરો ધારણ કરી લીધો. બરાબર ત્રીસ વરસ પછી એ જ ખેલ. સબકા સાથ, સબકા વિકાસ – ખેલ બીજો. બે ખેલમાં ફરક એ હતો કે ૧૯૮૦-૮૪નાં વર્ષોમાં પ્રભાવી ખેલ પાડવા છતાં પણ સત્તા સુધી પહોંચી શકાયું નહોતું, જ્યારે ૨૦૧૪માં સત્તા સુધી પહોંચી જવાયું હતું. બી.જે.પી. અને સંઘપરિવારમાં પહેલીવાર પ્રશ્ન થયો હતો કે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુધી પહોંચી તો ગયા પણ હવે કરવું શું? જે સીડી પર ચડ્યા છીએ એ સીડી પર હજુ વધુ પગથિયાં ચડવા કે પછી એ સીડીને ફગાવીને જે સાચી સીડી છે એના પર આરોહણ કરવું? સબકા સાથ સબકા વિકાસની સીડી ફગાવી દેવાની વાત હિંદુઓને નહીં ગમે તો? આપણી સીડીને (હિંદુ રાષ્ટ્રની) તેઓ નહીં અપનાવે તો?

મૂંઝવણ તો મોટી હતી. સ્પષ્ટ બહુમતી પછી હવે બે-તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવું હોય તો કઈ સીડીનો ઉપયોગ કરવો? સબકા સાથ સબકા વિકાસની સીડી વાપરીએ અને ન કરે નારાયણ ને બીજી તક ન મળે તો? પહેલે માળે પહોંચી ગયા છીએ તો બીજા માળે પહોંચી શકાશે, પણ જમીન પર પટકાયા તો ખબર નહીં ક્યારે બીજે અને પછી ત્રીજે માળે પહોંચશે. માટે પહેલા માળેથી બીજા માળે જવાની યાત્રા ન થંભાવવી જોઈએ. ભારે મથામણ પછી બન્ને સીડી સાથે વાપરવાનો પ્રયોગ કરવામાં આવ્યો. ૧૯૮૪માં અને ૨૦૦૪માં સીડી બદલી નાખવામાં આવી હતી, પરંતુ ૨૦૧૪માં સત્તામાં આવ્યા પછી બન્ને સીડી એક સાથે વાપરવામાં આવી રહી છે. બન્ને નિસરણી અલગ અલગ દિશામાં લઈ જનારી હોવા છતાં. 

‘સબકા સાથ સબકા વિકાસ’ અને ‘હિન્દુસ્તાન મેં રેહના હો તો ..’નો સંયુક્ત ખેલ શરૂ થયો. એક જ રંગમંચ પર, એના એ જ કલાકારો દ્વારા એના એ જ ઓડિયન્સ સમક્ષ ‘મહાભારત’ અને ‘અકબર અને અનારકલી’નો અદ્ભુત સંયુક્ત ખેલ. જગતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો કમાલનો ખેલ ભજવવામાં આવ્યો હતો. ઓડિયન્સમાંથી કેટલાક સીટીઓ વગાડતા હતા, કિકિયારીઓ પાડતા હતા, સીટ પર ઉછળતા હતા તો બીજા કેટલાક એકબીજાને પૂછતા હતા કે એ સબ ક્યા હો રહા હૈ? જાણકારોને જાણ હતી કે આ તો વડલા ઉપર બાવળિયો મૂકવામાં આવ્યો છે. જો જોશમાં ને જોશમાં પ્રજા ચડી જતી હોય તો ગંગા નાહ્યા.

આ પ્રયોગ સફળ નીવડી શકત પણ તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ નિષ્ફળ બનાવ્યો. પોતાના માટેના અગાધ પ્રેમના કારણે. આત્મમુગ્ધતાને કારણે. કામ કરવાની જગ્યાએ નજરબંધી કરીને છવાઈ રહેવાના અભરખાને કારણે. સભાગૃહમાં પ્રેક્ષકોના એક વર્ગે સબ કા સાથ સબ કા વિકાસ માટે વોટ આપ્યો હતો અને તેઓ એમાં કાંઈક થાય એની રાહ જોતા હતા, પણ એની જગ્યાએ યે સબ ક્યા હો રહા હૈ એવો પ્રશ્ન પૂછવો પડે એવી રીતે પ્રહસન ભજવાયું. કારણ એ હતું કે ‘માલેગાંવ કે શોલે’ની માફક જય, વીરુ, ગબ્બર, બસંતી, ચાચા વગેરે દરેક ભૂમિકામાં એક જ કલાકાર અને અભિનય, ડાન્સ, ફાઈટીંગ એમ દરેક સીન માટે એક જ દિગ્દર્શક. આ ઉપરાંત; કાંઈક અણધાર્યું કરીને આઘાત આપવાનો, આશ્ચર્ય સર્જવાનો, દરેક ઘટનાને મેગા ઇવેન્ટમાં ફેરવવાનો, પોતાનો જયજયકાર કરાવવાનો, ગમે તેમ બોલવાના અને ગમે તે જુમલા ફેંકવાની આદત અને કોઈ પણ ભોગે સ્ટેજ પરથી નહીં ખસવાનો દૂરાગ્રહ વગેરે તત્ત્વોને કારણે સમાંતરે ચાલતા બે ખેલમાંથી વિકાસના ખેલને ફારસ અથવા પ્રહસનમાં ફેરવી નાખ્યો હતો. વિકાસ જોવા આવેલા પ્રેક્ષકો પૂછવા લાગ્યા હતા કે યે સબ ક્યા હો રહા હૈ? અને ભક્તો હિંદુ રાષ્ટ્રનું ટ્રેલર જોઇને ચીસો પાડતા હતા.

હવે ‘મહાભારત’ અને ‘અકબર અને અનારકલી’નો અભૂતપૂર્વ સંયુક્ત પ્રયોગ પૂરો થયો છે. નવા પ્રયોગ માટે રિહર્સલ ચાલી રહ્યા છે. ૨૦૧૪માં હિંદુરાષ્ટ્રની બાવળની સીડીને જમીનમાં દાટી દીધી હતી જે આ વખતે આગળ મૂકવામાં આવી છે અને વિકાસના વડલાની સીડી પાછળ ધકેલી દેવામાં આવી છે. ૨૦૧૪ના મૅનિફેસ્ટોના મુખપૃષ્ઠ પર વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, ગડકરી એમ ટીમ હતી. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં અંદરના પાને બી.જે.પી.ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી અને ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમની વિચારધારાના જનક દીનદયાળ ઉપાધ્યાયની તસવીર મૂકવામાં આવી હતી. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું સૂત્ર હતું. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં રામ મંદિર, આર્ટીકલ ૩૭૦, યુનિફોર્મ સિવિલ કોડ વગેરેને છેક છેલ્લે પાને છેલ્લા ફકરામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

૨૦૧૯ના મૅનિફેસ્ટોમાં સર્વત્ર નરેન્દ્ર મોદી છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી છેલ્લા કવર પર ખસેડવામાં આવ્યા છે. ૨૦૧૪માં જે ટીમમાં સાથે હતા એને ૨૦૧૯માં સાવ ફેંકી દેવામાં આવ્યા છે. ૨૦૧૪માં આગળનાં પાનાંઓમાં વિકાસ હતો તો અત્યારે રાષ્ટ્રવાદ, દેશભક્તિ, સુરક્ષા વગેરે છે, રામમંદિર વગેરેને છેલ્લા પાનેથી બઢતી આપીને આગળ લાવવામાં આવ્યા છે, વિકાસ વાસ્તવિક વિકાસની જેમ આડોઅવળો જે તે પાનાંઓમાં વિખરાયેલો છે. ૨૦૧૪માં જે વાત જોરજોરથી કહેવામાં આવી હતી એનો આ વખતે ઉચ્ચાર સુધ્ધાં કરવામાં આવ્યો નથી, એટલું જ નહીં કેટલાંક કોમોની ક્રેડીટ પણ લેવામાં આવી નથી.

વાતનો સાર એટલો કે બે નાટકોની સંયુક્ત ભજવણીમાં મુખ્ય અભિનેતાની રંગમંચ પરની વધારે પડતી હાજરીને કારણે ખેલ બગડી ગયો. અભિનય સમ્રાટો પણ થોડી વાર વીંગમાં જતા હોય છે, કે જેથી પ્રેક્ષકો રાહ જુવે કે હીરો પાછો ક્યારે એન્ટ્રી મારે!

10 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2019

Loading

ગુજરાત માટે ગહન અને મહત્ત્વનો પ્રશ્ન

સલિલ ત્રિપાઠી|Samantar Gujarat - Samantar|11 April 2019

આખરે એવો વખત આવ્યો તો ખરો, કે જ્યારે ગુજરાતી પ્રજા છાતી ફુલાવી ગૌરવ સાથે કહી શકે કે એક ગુજરાતીએ ભારતના વડા પ્રધાન તરીકે સત્તા ગુમાવ્યા વગર પૂરા પાંચ વર્ષ રાજ કર્યું  – એ તો હકીકત છે કે મોરારજી દેસાઈ સૌથી પહેલા ગુજરાતી વડા પ્રધાન હતા, પણ એમની ઇનિંગ્સ અડધેથી જ અટકી ગઈ પાટલીબદલુઓને કારણે, અને 28 મહિનામાં એમની બહુમતી જતી રહી.

પરંતુ ગણતરી અને સમીકરણો પર જ જો નિર્ભર રહીએ, તો સમસ્યા ઊભી થાય, કારણ કે આંકડાઓ કોઈ પણ વખત અતથી ઇતિ કથા કહી નથી શકતા. ગુજરાત સાથે ગાઢ સંબંધ ધરાવતા અન્ય બે રાજકારણીઓ પણ વડા પ્રધાન બની ચૂક્યા છે – તેમાંથી એકે તો બે વખત – અલબત્ત,  થોડા સમય માટે – પ્રધાનમંત્રીપદ ગ્રહણ કર્યું હતું, અને બીજાએ તો પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી હતી.

હું ગુલઝારીલાલ નંદા અને રાજીવ ગાંધીની વાત કરી રહ્યો છું. 1964માં જવાહરલાલ નેહરુ અને 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી નંદાએ વચગાળાના નેતા તરીકે પદ ગ્રહણ કર્યું હતું. પણ નંદા એક નાઇટવોચમેન નહોતા; એ એક અનુભવી રાજકારણી હતા, જેમણે કામદાર અધિકાર માટે આજીવન મહેનત કરી હતી અને ગુજરાતની શ્રમિક ચળવળમાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું. નંદા માટે ગુજરાત તેમની કર્મભૂમિ હતી – ગુજરાતીની વિશિષ્ટ ગાંધીવાદી, બિન-સંઘર્ષકારી શ્રમિક સંઘની ચળવળ મજૂર મહાજનની સ્થાપનામાં એમનું કાર્ય  મહત્ત્વનું હતું.

રાજીવ ગાંધીતો નેહરુના પૌત્ર હતા જ, પરંતુ તેઓ પારસી સંસદીય ફિરોઝ ગાંધીના પુત્ર પણ હતા, જેમણે નેહરુની પુત્રી ઇન્દિરા સાથે લગ્ન કર્યા હતા. કહી તો શકાય કે ઇન્દિરા ગાંધી ગુજરાતના પુત્રવધૂ હતાં : આપણો ઇતિહાસ જોઈએ તો ગુજરાત અતિથિ સત્કારમાં માને છે જ, પણ અતિથિને ઘરનાં ગણીને કુટુંબી તરીકે સ્વીકાર પણ ખુશાલીપૂર્વક કરે છે. કોઈ પણ ગુજરાતીને પૂછી જુઓ તો એમને સંજાણમાં આવેલા પહેલા પારસી નિરાશ્રિતોનાં સ્વાગતની વાર્તા તો યાદ હશે જ – દૂધમાં સાકર ભળે એમ પારસીઓ ગુજરાતમાં ભળી જશે – અને એ વિષે ગુજરાતી પ્રજાને ગૌરવ પણ હશે. આજે કોઈ એવું છે કે જે દલીલ કરી શકે, કે પારસી પ્રજા ગુજરાતીની નથી?

ભારતના રાજકારણમાં નેહરુ-ગાંધી પરિવારનું પ્રભુત્વ વધારે છે એ તો વાત સાચી જ, અને રાજીવને આપણે જો એમના મોસાળથી ઓળખીએ એમાં કોઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી – પણ એક પારસી પિતાના પુત્ર તરીકે એ સ્વાભાવિક છે કે નાનપણમાં રાજીવે કુટુંબીજનો પાસે ગુજરાતી સાંભળ્યું હોય – રાજીવની એક ભત્રીજી મારી સાથે કોલેજમાં ભણતી હતી, એ મારી સાથે સ્પષ્ટ ગુજરાતીમાં બોલતી હતી.

ઉપરાંત એવા પણ બે ગુજરાતીઓ છે, જે ભારતના વડા પ્રધાન બન્યા નહોતા (અને બંને સ્વતંત્રતા પછી ટૂંક સમયમાંજ મૃત્યુ પામ્યા હતા), પણ હજી સુધી ભારત પર એમની અસર કાયમી રહી છે. મોહનદાસ ગાંધીએ ક્યારે ય જાહેર ઓફિસ કે પદની લાલસા નહોતી દેખાડી, પણ તેમના વગરનું ભારત કેવું હોત? અને બીજા વલ્લભભાઈ પટેલ, લોહપુરુષ – નેહરુના ગૃહમંત્રી, જેમણે રજવાડાઓની ભ્રમણા અને ‘સ્વાતંત્ર્ય’નાં સ્વપ્નોનો કુશળતાથી નાશ કરી દીધો હતો. અને એ તે ભુલાય કે પાકિસ્તાનના સ્થાપક – મોહમ્મદ અલી જિન્નાહ  – પણ ગુજરાતી હતા? ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની ચલણી નોટ પર ગુજરાતી વ્યક્તિની છબી છે – ભારતના ગાંધી, પાકિસ્તાનમાં જિન્નાહ.

ગુલઝારીલાલ નંદા અને રાજીવ ગાંધીને આ સૂચિમાં ઉમેરી હું આજે ગુજરાતનાં ગુણગાન ગાવા નથી માંગતો; માત્ર એ બતાવવા માંગુ છું કે ગુજરાત સમન્વયમાં અને સંયુક્તતામાં માને છે – જેમના પૂર્વજો શરણાર્થી તરીકે આવે અને હળીભળીને સુખેથી રહે; જે લોકો ગુજરાત આવીને ગુજરાતી અપનાવી લે, અને જે લોકો તક અને પડકારનાં બીડાં ઝડપી રાજ્યમાં પોતાનું ઘર બનાવી સમૃદ્ધ થાય અને બીજાને સમૃદ્ધ કરે. એ ખરા ગુજરાતની તાસીર.

ધંધામાં અને રાજ્કારણમાં જ નહિ, પણ કળામાં પણ ગુજરાતીઓએ વર્ચસ્વ દાખવ્યું છે – ગુજરાતની વિવિધતા મનોહારી અને ગજબની છે – તૈયબ મહેતા, જેરામ પટેલ, હકુ શાહ, અકબર પદમસી, અતુલ દોડિયા, ગુલામમહમ્મદ શેખ, માધવી પારેખ, અને અમિત અંબાલાલ જેવા કલાકારો બતાવે છે કે ગુજરાતી ફાળો અપ્રતિમ  છે.

મેં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રશ્નો પર ઘણો વિચાર કર્યો છે – મેં ગુજરાતમાં પ્રવાસ કર્યો છે, અને દેશવિદેશમાં ગુજરાતીઓ જોડે ચર્ચા કરી છે, કારણ કે મારે સમજવી છે મારી પ્રજા – હું એક પુસ્તક લખી રહ્યો છું – ગુજરાતી એટલે કોણ? આપણે કેવા? આપણી વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ છે? અને આ ગુજરાતી રાજકારણીઓ – ખાસ કરીને નંદા, દેસાઇ, રાજીવ ગાંધી અને હવે મોદી – એમનાં કાર્ય વિષે વિચાર કરીએ તો કઈ લાક્ષણિકતાઓ દેખાય છે? એમાં ગુજરાતીપણું શું અને ક્યાં?

એનો કોઈ ટૂંકો જવાબ નથી, અને પ્રામાણિક જવાબ તો છે કે ગુજરાતી ઓળખ ઘણી જુદી જુદી રીતે જોવા મળે છે – એમાં આવે છે સમૃદ્ધિ અને પૈસા; ધંધો; અતિથિસત્કાર; મહિલા પ્રત્યે આદર; શાકાહારીપણું; ગાંધીવાદી અહિંસા – આવી ઘણી લાક્ષણિકતાઓ તો મંત્રની જેમ લોકો રટ્યા કરે છે.

પણ દરેક સામાન્યકરણમાં નોંધપાત્ર અપવાદો છે જ! પૈસાદાર સંસ્કૃતિમાં નિઃસ્વાર્થ પરોપકાર પણ જોવા મળે છે. વ્યવસાયિક સમાજ ખરો, પણ તો પછી આટલાં બધાં કોમવાદી રમખાણો ક્યાંથી, જેનાથી વેપાર અને આર્થિક પ્રવૃત્તિમાં ખલેલ પહોંચે? જો ગુજરાતીઓ દૂરથી આવતી પ્રજાને મોકળા મને આવકારતી હોય, તો આટલી બધી હિંસા કેમ સહાય, જેને કારણે સ્થળાંતરિત મજૂરો ગભરાઈને પોતાને દેશ જતા રહે? (અને ધંધો બંધ પડી જાય?) મહિલાઓનો આદર કરનાર સમાજમાં આટલી બધી ઘરેલુ હિંસા અને સ્ત્રી કુપોષણ ક્યાંથી? દહેજને કારણે શંકાસ્પદ મૃત્યુ ક્યાંથી? આટલા વિસ્તૃત સાગરકાંઠાને કારણે જ્યાં લાખો માછીમારો હોય, તે પ્રજા કઈ રીતે ‘શાકાહારી’ રહેવાની? અને જે લોકોને માંસ ખાવું હોય, તો તેમણે આટલું બધું ગભરાવું પડે, કયા કારણસર? અને જો આ સમાજ ગાંધીવાદી અને અહિંસક હોય, તો 1969ના રમખાણો, કે પછી 1980ના દાયકામાં થયેલી ખૂનામરકી, અને 2002માં થયેલ ગણહત્યાકાંડનું કારણ શું? ગુજરાતમાં એ જ બધા વિરોધાભાસી પાસા છે, જે ભારતમાં દેખાય છે.

રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો આ બધા નેતાઓ એકમેકથી ઘણા જુદા છે – એક જ તાકામાંથી એમનું કાપડ નથી કપાયું – ગાંધી ક્રાંતિકારી હતા, ધાર્મિક હતા, પણ બિનસાંપ્રદાયિક પણ હતા. પટેલ રૂઢિચુસ્ત તો ખરા, પણ ધર્મનિરપેક્ષ પણ ખરા. જીન્નાહ રાષ્ટ્રીયવાદી હતા પણ સાંપ્રદાયિક થઇ ગયા. કામદાર વર્ગ માટે નંદાની પ્રતિબદ્ધતા ડાબેરી ગણાય, પણ તે નાસ્તિક નહોતા; મોરારજીભાઈ લોકશાહીના સેવક તો ખરા જ, પણ હઠીલા ય ખૂબ!  રાજીવ ગાંધી આધુનિકતાના પ્રેમી, પણ કટ્ટરવાદીઓ જેમ કહે તેમ કરવા તૈયાર! અને મોદી તો માર્કેટિંગના ઉસ્તાદ – ભૂતકાળના નેતાઓની સિદ્ધિઓને પોતાની કઈ રીતે બનાવવી, એ બાબતમાં એ તો એક્કા!

મુખ્ય મંત્રી, અને હવે વડા પ્રધાન તરીકે મોદીનો પ્રભાવ ગુજરાત અને ભારત પર નોંધપાત્ર રહેવાનો. મોદીનું મહત્ત્વ તો એ કે આઝાદી વખતે જે “ભારતની અસ્મિતા” હતી, એના પર એમણે એક પડકાર ફેંક્યો છે. નેહરુ યુગની ખાસિયતો – સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, અલિપ્તતા – એ સર્વનો વિરોધ કર્યો છે. નહેરુની વિચારસરણીના વિવેચકો એમના જમાનામાં પણ હતા જ, અને તેમાંથી કેટલીક ટીકાઓ વ્યાજબી પણ હતી. પરંતુ ભારતે એ વિચારસરણી સર્વસંમતિ સાથે સ્વીકારી હતી.

મોદી તેને તોડી નાખવા માંગે છે – પણ એ સજાગ છે; એ જાણે છે કે ભૂતકાળને ભૂંસી તો ના નખાય, કારણ કે ગાંધીની વિચારસરણી ભારતના લોહીમાં ધબકી રહી છે – માટે આ ગાંધીનો ચરખો ચલાવશે, દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાં બેસી આવશે; આઝાદ હિન્દ ફોજની ટોપી પહેરી ત્રિરંગાને સલામ મારશે – અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકનારા લોહપુરુષની યાદમાં એક પ્રચંડ પૂતળું  બનાવશે. આ સિવાય એમને ગાંધી જોડે કે સ્વતંત્ર સંગ્રામ જોડે, કે એના મૂલ્યો જોડે કશો જ સંબંધ નથી.

1960માં ગુજરાતના સંસ્થાપન વખતે કવિ ઉમાશંકર જોશીએ પૂછ્યું હતું: ગાંધીને પગલે પગલે તું ચાલીશને, ગુજરાત?

એ પ્રશ્ન ગુજરાત માટે ત્યારે અગત્યનો હતો; આજે એ ભારતના અસ્તિત્વ માટે ગહન અને મહત્ત્વનો બની ગયો છે.

e.mail : salil.tripathi@gmail.com

https://mumbaimirror.indiatimes.com/loksabha-elections/news/the-multi-pronged-gujarati-identity/articleshow/68801279.cms?fbclid=IwAR30Kpxdl61lDTYnnYKuj9uOOJGwQ2-u7IzJXv1l7sHxpXcyV2wNk_ooGFA

Loading

સોશ્યલ મીડિયા માટે નક્કર ચૂંટણી આચારસંહિતા કેમ નથી ?

મનીષી જાની|Opinion - Opinion|10 April 2019

ચૂંટણીના આ માહોલમાં કેવું કેવું બની રહ્યું છે, તેનું એક ઉદાહરણ જોઈએ. ગયા અઠવાડિયે આપણાં એક છાપામાં મોટા અક્ષરે મોટા સમાચાર છપાયા કે 'સોશ્યલ મીડિયામાં રેલવે અધિકારીએ મોદીને 'ફેંકુ' કહ્યા તેને લઈ ખાતાકીય પગલાં લેવાયાં !'

આ સમાચાર વાંચતા હસવું તો આવ્યું પણ સાથે સાથે વિચાર પણ આવ્યો કે આ સમાચારનું કેટલું મહત્ત્વ ? શું એને પણ એક પ્રકારની જાહેરખબર કે પેઈડ ન્યૂઝ ગણવાના ? લોકોનાં મનમાં સત્તા સામે નહીં બોલવા માટે, ચૂપ રાખવા માટે અને ખાસ કરીને સરકારી નોકરિયાતોને આડકતરો સંદેશો અપાઈ રહ્યો છે કે જે કોઈ સત્તા પર બેઠા છે તેની ટીકાટિપ્પણ ના કરો !

આ સમાચારમાં વીગતે લખાયું છે કે 'અમદાવાદ સહિત દેશભરમાં નાગરિકો દ્વારા સોશ્યલ મીડિયામાં સરકાર વિરુદ્ધ તેમ જ વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ જાતની ટીકાટિપ્પણી કરવામાં આવે તો તેની પર પી.એમ.ઓ. દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી દેખાય તો જે તે એકાઉન્ટ બ્લોક કરવાની સાથે જ જે તે વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવાની સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી છે.'

ઉપરોક્ત લખાણ વાંચતા ઘણા સવાલો મનમાં ઊભા થાય કે સત્તા પર બેસનારાની ટીકા સામાન્ય નાગરિક કેમ ના કરી શકે ? લોકશાહીમાં ટીકા ટિપ્પણી કરવી એ જ તો લોકોની સત્તામાં આડકતરી ભાગીદારી છે. ટીકા, દલીલ, ચર્ચા, વ્યંગ, વાદવિવાદ કરવાથી જ સત્તા સુપેરે ચાલે તે દિશામાં લઈ જવા માટેની મથામણ હોય છે.

અને એકવાર ચૂંટણી જાહેર થઈ જાય પછી કઈ ટીકા ટિપ્પણી યોગ્ય ગણાય કે ન ગણાય તે નક્કી કરવાનું કામ વડાપ્રધાન કે અન્ય સરકારી તંત્રોના માથે નહીં પરંતુ ચૂંટણી કમિશનના જવાબદાર અધિકારીઓના માથે હોય છે.

વળી, ગયા અઠવાડિયે જ આપણે જોયું કે એક રાજ્યના રાજ્યપાલ ખુદ આ વડાપ્રધાન ફરી સત્તામાં આવવા જોઈએ એવું વિધાન કરે અને છતાં ય તેના પર તાત્કાલિક પગલાં ન લેવાય કે ગુજરાતના મુખ્ય પ્રધાન ઉશ્કેરણીની ભાષામાં એમ કહે કે આ ચૂંટણી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની છે કે યુ.પી.ના મુખ્યમંત્રી દેશના સૈન્યને મોદી કી સેના તરીકે ઓળખાવે, ત્યારે પણ ઇલેક્શન કમિશન ચૂપ રહે એ તે કેવો ન્યાય ? ખરેખર નફરત ફેલાવનારી આ ટીકા ટિપ્પણીઓ અયોગ્ય ગણાય કે પછી ચૂંટણી ટાણે મોટાં મોટાં વચનો સતત આપીને એ દિશામાં કંઈ ના કરનાર નેતા વિશે છેતરાયાના ભાવ સાથે કોઈ નાગરિક દેશના વડાપ્રધાનને ફેંકુ કહે તે અયોગ્ય ટિપ્પણી ?

આપણા દેશમાં ચૂંટણીને લઈને દસકાઓથી એક 'નૈતિક ફરજ' ગણી શકાય એવી આચાર સંહિતા-મૉડલ કૉડ ઓફ કન્ડક્ટ અમલમાં છે. વિશેષમાં ઉમેદવારો માટે તો ચૂંટણી ખર્ચની મર્યાદાના નિયમો પણ કડક છે જ, પાર્ટીના ચૂંટણી ખર્ચના હિસાબો અંગે પણ નિયમો છે. છાપાં- ટીવીમાં છપાતી, દેખાતી જાહેરખબરોની મંજૂરી અગાઉથી ચૂંટણી કમિશન પાસેથી લેવાની હોય છે. અને તેના ખર્ચા પણ પાર્ટી ચૂંટણી ખર્ચ માં ગણાય છે.

ઉમેદવારો માટે જે રીતે ખર્ચના નિયમો, આચાર સંહિતા વિગતવાર ઘડાયા છે તેવા નિયમો હજી ખાનગી મીડિયા માટે જોવા મળતા નથી.

અને ખાસ કરીને છેલ્લાં દસ-બાર વર્ષ માં જે રીતે ડીજિટલ ક્રાંતિએ દુનિયામાં સમાચારો, સંદેશાઓ, વીડિયોગ્રાફીની દિશા જ બદલી નાંખી, સરળ, સહજ વિકેન્દ્રિત અને લોકોપયોગી ટેકનોલોજી બની ગઈ, તે સંદર્ભે મીડિયા અંગેના નિયમો ઘડવામાં છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તેટલું સક્રિય બન્યું નથી તે ચિંતાજનક બાબત છે.

ગઈ 2014ની લોકસભાની ચૂંટણીનું એક દૃશ્ય જે સૌ કોઈ માટે તે સમયે યાદગાર બની ગયું હતું. તેમાં અમદાવાદ ખાતે તે સમયના સંભવિત વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મતદાન કર્યું અને પોતાની પાર્ટીના પ્રતિક કમળને જે રીતે દર્શાવી ને તેની સાથે સેલ્ફી લઈ તરત ટ્વીટ કરી સોશ્યલ મીડિયામાં, દુનિયાભરમાં એ તસવીર વહેતી કરી દીધી …

હવે તે વખતે આચાર સંહિતા ભંગનો વિવાદ થયો અને કાનૂની કાર્યવાહી પણ ચાલી કે મતદાન મથકના નિશ્ચિત અંતરના વિસ્તારમાં આ પ્રકારની ફોટોગ્રાફી કરવી એ આચાર સંહિતાનો ભંગ કહેવાય કે નહીં ?

પરંતુ તે સમયે સોશ્યલ મીડિયા આપણે ત્યાં નવું નવું હતું, અને તેને લઈ કોઈ નિયમ, કાયદા ન હતા એટલે ચૂંટણી પૂર્વેના અડતાલીસ કલાકથી માંડી મતદાન પૂરું થાય તે સમય સુધી પ્રચાર માટેનો 'શાંત સમય' ગણી તેમાં સોશ્યલ મીડિયામાં પણ આચાર સંહિતા લાગુ પડે એવો કોઈ નિયમ ચૂંટણીપંચે ઘડેલા ન હતા.

એ વિવાદને પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં પણ એ ઘટનાને લઈને ઊભા થયેલા સવાલો અને તે અંગેના નિયમો ઘડવાની તસ્દી સવેળા, એ જે આપણા ચૂંટણીપંચે લેવી જોઈતી હતી, તે લીધી હોય એવું હજી સુધી લાગતું નથી. ઉમેદવારો માટે ફોર્મમાં જ સોશ્યલ મીડિયાના તેમના એકાઉન્ટની વિગતો મૂકવી ફરજિયાત બનાવ્યું છે, તેના પર મૂકાતી જાહેરખબરના હિસાબ રાખવાનો પણ સમાવેશ થયો છે, પણ જે રીતે અત્યારે સોશ્યલ મીડિયાનો વ્યાપ છે તેનાં પ્રમાણમાં નિયમો વિચારાયા હોય એવું લાગતું નથી.

2014 કરતાં આજે સોશ્યલ મીડિયાનો ઉપયોગ બે ગણો વધી ગયો છે.

આપણા દેશમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓ છે, તેની સંખ્યા દસ કરોડ જેટલી ગણી શકાય પણ દેશમાં સ્માર્ટફોનની સંખ્યા અત્યારે 37 કરોડ જેટલી અંદાજવામાં આવે છે. અને સોશ્યલ મીડિયામાં મહત્ત્વના જે બે લોકપ્રિય પ્લેટફોર્મ છે, ફેસબુક અને વોટ્સએપ; તે બન્નેમાં લગભગ 30-30 કરોડ જેટલા ઉપયોગકર્તાઓ છે.

અને દુનિયાભરમાં દર મિનિટે આશરે ત્રણ કરોડ જેટલા મેસેજ – સંદેશાઓ, વીડિયો ક્લિપ, કાર્ટૂન, ફોટાની આપલે વોટ્સએપ પર થાય છે …!

અને આપણા દેશની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે વોટ્સએપ પર આશરે 87,000 ગૃપ છે જેમાં ખાસ કરીને રાજકીય સંદેશાઓની આપ-લે થાય છે.

સોશ્યલ મીડિયાનો આ વ્યાપ એવડો મોટો ઝડપભેર થઈ ગયો છે, કે તેની સામે છાપાં-ટીવીની પહોંચ જાણે કે આજે અને તે પણ જ્યારે રાજકીય માહોલ ગરમ હોય ત્યારે ઓછી લાગે છે !

અને ખાસ તો આજકાલ સોશ્યલ મીડિયામાં જ ઓનલાઇન ન્યૂઝ, ટોક શો, ઈન્ટરવ્યુ, વીડિયો ક્લીપીન્ગ અને બ્રેકીન્ગ ન્યૂઝ જોવાની સુવિધાઓ વધી ગઈ છે, તેને લઈ સોશ્યલ મીડિયા જ એક મહત્ત્વનું સાધન સમાચારો મેળવવા અને તેના પ્રસાર માટે બની ચૂક્યું છે.

અને સાથે સાથે નોંધપાત્ર વાત એ છે કે આ સોશ્યલ મીડિયા, ડિજીટલ ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસને લઈ સૌથી વધુ ફેક ન્યૂઝનો પ્રચાર -પ્રસાર સોશ્યલ મીડિયામાં આપણા દેશમાં જ અત્યારે થઈ રહ્યો છે એવું નિષ્ણાતોનું માનવું છે.

ફેક ન્યૂઝમાં જુઠ્ઠો ઇતિહાસ, ખોટી ગેરરસ્તે દોરતી માહિતી, ફોટાઓમાં કટીંગ – પેસ્ટીન્ગથી નાના મોટા ફેરફાર કરી ઉશ્કેરણી – ધિક્કાર ફેલાવવાની રીતરસમો અજમાવાય છે અને તેનો સ્માર્ટફોન દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રચાર-પ્રસાર થાય છે.

ફોટામાં ફેરફારનું હમણાંનું તાજુ ઉદાહરણ લઈએ તો પ્રિયંકા ગાંધીએ ભારતીય પરંપરાગત કંઠી કે માળા ગળામાં પહેરી હોય, ત્યાં એ કંઠી કે માળામાં ક્રોસ ચીટકાડી દઈ તે ઈસાઈ ધર્મમાં માને છે એવો ભ્રમ ઊભો કરવાનું ચાલી રહ્યું છે. એ જ રીતે રાહુલ ગાંધી કે મમતા મુખર્જી ની સભામાં જેટલા લોકો ખરેખર હાજર હોય તેનાં કરતાં પચાસગણા વધારે દેખાય એવી ઈમેજ ચીપકાવી એ સભાને વિશાળકાય બતાવી પ્રચાર કરવો !

સોશ્યલ મીડિયા પરનાં આવાં જુઠ્ઠાણાં માત્ર આપણા દેશમાં જ છે પણ એવું નથી. દુનિયાભરમાં આવા ફેક ન્યૂઝના વંટોળ ચાલ્યા કરતા હોય છે. અને જ્યારે જે તે દેશમાં ચૂંટણી કે એવી કોઈ મહત્ત્વની રાજકીય ઘટના હોય ત્યારે એવા વંટોળ વિકરાળ સૂનામીનું સ્વરૂપ ધારણ કરતાં હોય છે.

2016 માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ ત્યારે ફેસબુકના ડેટાનો અને ફેક ન્યૂઝનો મોટાપાયે ઉપયોગ થયો અને તેના પ્રચારમાં રશિયાના સત્તાધીશો પણ સંકળાયેલા હતા, એવું ઊંચા અવાજે કહેવાતું રહ્યું હતું. ફેસબુકના સંચાલકોએ પણ તેના વપરાશકર્તાઓના ડેટા વેચાતા-વહેચાતા હતા તેનો સ્વીકાર પણ કર્યો.

પ્રેસિડેન્ટ ટ્રમ્પના ઇલેક્શનમાં સોશ્યલ મીડિયા વિવાદમાં રહ્યું તે તો એક મોટી ઘટના ગણવી જ રહી પણ તેનાથી ય વધારે તાજેતરમાં પાંચ મહિના પહેલાં બ્રાઝિલમાં પ્રમુખની ચૂંટણી થઈ તેમાં ખૂબ મોટાપાયે આ સોશ્યલ મીડિયાએ ભૂમિકા ભજવી એવું હવે દુનિયાભરના પ્રતિષ્ઠિત છાપાં-મેગેઝિનોના અહેવાલો કહે છે.

ગત ઓકટોબરમાં બ્રાઝિલમાં યોજાયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મહત્ત્વના બે નેતાઓ આમને સામને હતા.

ડાબેરી શ્રમજીવીઓની વર્કર્સ પાર્ટીના નેતા ફર્નાન્ડો હડ્ડાડ અને તેમની સામે સરમુખત્યારશાહીની તરફેણ કરનારા ઉગ્ર જમણેરી વિચારધારામાં માનનારા જૅર બોલ્સોનારો ઊભા હતા. ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં ઉગ્ર જમણેરી વિચારધારા સમર્થક બોલ્સોનારોનો વિજય થયો અને વર્કર્સ પાર્ટીના નેતાની હાર.

ચૂંટણી બાદ જે અહેવાલો બ્રાઝિલનાં પ્રતિષ્ઠિત છાપાંઓમાં છપાયા તે ચોંકાવનારા રહ્યા. બ્રાઝિલ જેવા નાનકડા દેશમાં લગભગ 60% લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા છે એટલે કે 12 કરોડ લોકો.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પૂર્વે અને ચૂંટણી દરમિયાન બ્રાઝિલના 156 જેટલા વેપારીઓ ને ઉદ્યોગપતિઓએ ભેગા થઈ ઉગ્ર જમણેરી પ્રેસિડેન્ટના ઉમેદવારની તરફેણમાં સોશ્યલ મીડિયા માટે જુઠ્ઠાણાં પેદા કરવાનાં કારખાનાઓ જ જાણે કે ધૂમ નાણાં ખર્ચીને ઊભાં કરી દીધાં..!

અને ડાબેરી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને પ્રમુખ પદના ઉમેદવાર ફર્નાન્ડોને લઈ એવા ખોટા સમાચારો, માહિતી, જુઠ્ઠી તસવીરો ને વીડિયો ઊભા કરી દીધા અને તેનો મારો ચલાવ્યો કે લોકોમાં ભ્રમ અને ભય બન્ને ઊભા કરી દીધા ! લોકોને ભ્રમિત ને ભયપૂર્ણ કરી દેવા એટલે હતાશ કરી નાખવાં, યોગ્ય નિર્ણય કરવામાંથી ગુમરાહ કરી નાખવાં અને તેમનામાં અસલામતી ને દહેશત ઊભી કરી નાંખવી ..!

સોશ્યલ મીડિયાના આ જુઠ્ઠા પ્રચારના સંગઠિત, અઢળક નાણાં આધારિત કૌભાંડે બ્રાઝિલના આ ઇલેક્શનમાં મોટી ભૂમિકા ભજવી એવી ચર્ચા હજી ય કમ્યુનિકેશન નિષ્ણાતોમાં અગ્રસ્થાને છે.

આપણે ત્યાં ધીરે ધીરે યુદ્ધનો માહોલ, પાકિસ્તાન વિરુદ્ધનો નફરતનો માહોલ ઊભો કરીને જે દિશામાં સોશ્યલ મીડિયામાં જુઠ્ઠાણાં ચાલી રહ્યા છે અને એક જ વીર પુરુષ, હીરોની ભાવનાને ઉશ્કેરવામાં આવી રહી છે, તે આપણને ક્યાં લઇ જશે એ તો હવેના દિવસો જ બતાવશે.

બાકી તેના જુઠ્ઠાણાં ના પ્રચાર-પ્રસાર માં રોક લગાવવા માટે, તેની તપાસ માટે અને તેને અવરોધવા માટે કોઈ નક્કર કાયદાકાનૂન ઘડવામાં અને તે માટેનું જરૂરી તંત્ર ઊભું કરવામાં હજી આપણું ચૂંટણીપંચ ખાસ કંઈ કરી શક્યું નથી એવું લાગી રહ્યું છે ‌.

ચૂંટણી પંચે 'વાંધાજનક રાજકીય સંદેશાઓ' પર બંધી અને તેને ત્રણ કલાકમાં બ્લોક કરી દેવાની વાત કરી છે, પરંતુ આવડા મોટા દેશમાં કોને ઓબ્જેક્શ્નેબલ પોલિટિકલ કન્ટેન્ટ કહેવું તેની વિગતે છણાવટ ચૂંટણીપંચ કરી શક્યું નથી એ ચિંતાનો વિષય છે.

આ ચૂંટણી આખો મહિનો ચાલવાની છે એ દરમિયાન કેવાં કેવાં ભયજનક જુઠ્ઠાણાં – અફવાઓનો સામનો આ દેશનાં નાગરિકોને કરવો પડશે, એ સૌએ સમજવું રહ્યું અને દેશના નાગરિકોએ જ પોતાના શાણપણથી અને સ્વસ્થતાથી પ્રતિકાર કરવો એ એક મોટો પડકાર પણ સૌનો સહિયારો છે.

(સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 10 એપ્રિલ, 2019)

https://www.facebook.com/manishi.jani/posts/2382107315141760

Loading

...102030...2,8632,8642,8652,866...2,8702,8802,890...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved