Opinion Magazine
Number of visits: 9577797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફિતરત બનામ ફિતરત, નાગરિક નિસબત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 March 2019

‘નગારે ઘાવ’ની રીતે જોઈએ તો પિછવાઈ તો ઠીક જ હતી : દાંડી કૂચનો, વણજોયા મૂરત શો દિવસ, ગાંધી આશ્રમે પ્રાર્થના અને સરદાર સ્મારકમાં કારોબારીની બેઠક; ને ત્રિવિક્રમ મંદિર વિસ્તારમાં વિશાળ રેલી : કૉંગ્રેસ તડે પેંગડે નહોતી લાગતી એમ તો કહી શકાતું નથી. ખાસ તો, પુલવામા ઘટના અને સર્જિકલ સ્ટ્રાઈક પછી સત્તાપક્ષ તરફે જે સ્વાભાવિક મનઃસ્થિતિ તેમ જ માહોલ બન્યાં હતાં – અને ગુજરાતમાં પણ જાણે કે ડૂબતા વહાણના ખયાલે કૉંગ્રેસ ધારાસભ્યો ભા.જ.પ.માં જોડાઈ રહ્યા હતા – એ વખતે ઉમંગ અને ઉત્સાહથી, કંઈક જોસ્સાથી આમ મળી શકવું, સામાન્ય વાત તો એ નથી.

અહીં સવાલ એ થાય કે સામાન્યપણે જેને દેશનો મિજાજ કહેવાય છે એ ૧૪મી ફેબ્રુઆરી અને સર્જિકલ સ્ટ્રાઈક પછી તરતના દિવસોમાં જે જોવા મળ્યો હતો, વળી શીર્ષ સત્તાસ્થાનેથી પાકિસ્તાન અને વિપક્ષના સમીકરણનો અને રાજ્યે રાજ્યે કાશ્મીરીઓને નિશાન બનાવવાની પ્રક્રિયા પરત્વે કેન્દ્રના પક્ષે એક હદ લગી આંખ આડાકાનની હતી, એમાંથી એવું તો શું બન્યું કે ૨૦૧૪માં બે આંકડામાં સમેટાઈ ગયેલી કૉંગ્રેસ, આગળ ચાલતાં એક તબક્કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને હાંફનો અનુભવ કરાવી શકેલી અને ચાર વરસ પાર કરતે કરતે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ એમ ત્રણ પાંદડે પહોંચી ગયેલી, તો નીચે કર્ણાટકમાં પણ કંઈક ગોઠવાઈ ન ગોઠવાઈ અને ફેબ્રુઆરી ૨૦૧૯ ઉતરતે એકદમ જ મનોવૈજ્ઞાનિક ભોંયપટક – પણ આ ભોંયપટકના દસવીસ દિવસ પછી વળી જોમ …

આમ તો, કૉંગ્રેસે આશ્વસ્ત રહેવા જેવું દેખીતું એટલું બધું કદાચ છે તો નહીં. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, ક્યાં છે એ? અને સૌથી મોટા ઉત્તર પ્રદેશમાં એક પા ભા.જ.પ. બીજી પા સ.પ.-બ.સ.પ., પછી એને વાસ્તે હમણે તો તસુ ભોંય હોય તો હોય. તો પછી, ૧૨ માર્ચ ૨૦૧૯નો એનો ઉત્સાહ અગર તો વળતે દહાડે ૧૩મી માર્ચે ચેન્નાઈમાં રાહુલ ગાંધીની આત્મવિશ્વાસથી મંડિત સામેલગીરી અને પ્રિયંકા ગાંધીની ચંદ્રશેખર આઝાદ (રાવણ) સાથેની મુલાકાત, કેવી રીતે જોશું એને.

સમગ્રપણે જોતાં જે સમજાય છે તે કદાચ એ છે કે મે ૨૦૧૪માં જરૂર છાકો પડી ગયો, પણ સત્તાપક્ષની વિચારરૂખથી ગુણાત્મકપણે જુદી હોઈ શકતી જે ધારા સ્વરાજસંગ્રામ સાથેના અનુસંધાન અને ગાંધીનેહરુપટેલની ત્રિપુટીના અનુબંધમાં નવસંદર્ભમાં લુપ્તવત્‌ છતાં ભોમભીતર સરવાણી શી પ્રવહમાન છે તે પોતાની હાજરી ઓર જીવંતપણે પુરાવી પણ શકે. આ ધારાની વિલક્ષણતા એ છે કે નેહરુપટેલથી અલગપણે રાજનીતિ કરનારા કૃપાલાની, લોહિયા, જયપ્રકાશ પણ એમાં છે. ૧૯૭૪-૧૯૭૭ના જે.પી. જમાવડાની ખૂબી એ હતી કે તે ઇંદિરાઈની સામે હોય ત્યારે અને તો પણ ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીના ઓછાવત્તા મેળમાં હોઈ શકતી હતી. એક પ્રકારે સીધા પડકારની છતાં વિમર્શને ધોરણે છેક વૈકલ્પિક નહીં એવા પથસંસ્કરણની ભૂમિકા એની હતી.

તમે એને વિલક્ષણતા કહો, વણછો કહો, જે.પી. જમાવડામાં જનસંઘ પણ હતો જેણે આગળ જતાં ભા.જ.પ. રૂપે દેશ સમક્ષ વૈકલ્પિક વિમર્શના દાવા સાથે સત્તા હાંસલ કરી. જે.પી. આંદોલન, સર્વોદયી સંસ્કારપૂર્વક લોકશાહી સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતાની ધારામાં હતું એવા વ્યાપક વિધાનને અવશ્ય અવકાશ છે, પણ એના લાભાર્થી જનસંઘને પોતાના કથિત વૈકલ્પિક વિમર્શમાં એનો બુનિયાદી ખપ નથી તે સાફ છે.

સત્તારમત અને એનાં વહેણ અને વમળ વચ્ચે છતાં કટોકટીરાજનો અક્ષમ્ય જેવો અપરાધ બાદ કરો તો ઇંદિરા ગાંધી રાજપુરુષોચિત વલણનાં પણ હોઈ શકતાં હતાં, અને જેમ સર્વસાધારણ રાજકારણી ઉત્તરોત્તર ખરડાતો ને ભ્રષ્ટાચારલિપ્ત વરતાયો (જેમાં આજની ભા.જ.પ. મંડળીને પણ મૂકી શકીએ) તેવાં પણ એ હોઈ શકતાં હતાં. એટલે આજે કૉંગ્રેસમુક્ત ભારતની લાયમાં કૉંગ્રેસયુક્ત ભા.જ.પ.નું જે દર્શન થઈ રહ્યું છે એનાથી સામાન્યપણે આશ્ચર્ય થવું ન જોઈએ.

ભા.જ.પ. અને ઇંદિરા કૉંગ્રેસને આમ એકસાથે મૂકીને સંભારવાનું કારણ એ છે કે આજે કૉંગ્રેસ નવજીવનનો જે આછોપાતળો પણ અનુભવ કરી રહી હશે એને ઓસાણ રહેવાં જોઈશે કે પોતે જ્યારે ભા.જ.પ.ના મુકાબલાની ભૂમિકામાં છે ત્યારે ઇંદિરા ગાંધીના રાજકારણમાં જે સ્ખલનો વરતાયાં હતાં એ પણ દિલચોરી વગર સમજવાં જોઈશે. પ્રિયંકા ગાંધી તખતે ઝળકે એટલે ‘ઇંદિરા ગાંધી ઝિંદાબાદ’ના હર્ષોલ્લાસી નારા પોકારાય એ સમજી તો શકાય, પણ આ ધાડિયામાં હાલના સત્તાપક્ષમાં ને ઇંદિરા ગાંધીના રાજકારણમાં જે મળતી રેખાઓ છે એને અંગે સૂક્ષ્મ વિવેકપૂર્વકની સભાનતા નહીં હોય તો તે સ્વરાજની વડી પાર્ટીને લાયક નવી ઇનિંગ્ઝ વાસ્તે ઓછું ને પાછું પડશે.

આ મુદ્દો કરતી વખતે હાલના સંજોગોમાં કેરળના ડાબેરી લોકશાહી મોરચા પેઠે ભા.જ.પ. અને કૉંગ્રેસ બેઉ સરખાં ખરાબ છે એવું સમીકરણ કરવાનો ખયાલ અલબત્ત નથી. મર્યાદાઓ અલબત્ત છે તે છે; પણ કોમવાદ સબબ કૉંગ્રેસનાં સિન્સ ઑફ ઓમિશન્સ ને કમિશન્સ (એમાં પણ ૧૯૮૪) સામે ભા.જ.પે. તો કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનો દરજ્જો આપ્યો અને માથે રાષ્ટ્રવાદનો વરખ થાપ્યો એ બે વચ્ચેનો ભેદ સમજવાની જરૂર (અને ગરજ) છે. આ ભેદ સમજાય તો ભા.જ.પ. શાસનની બિનલોકશાહી ગુંજાશ કઈ હદે હોઈ શકે છે તે પણ સમજાઈ રહેશે. એમાં કોઈ શક નથી કે સ્વાયત્ત હોવી અને રહેવી જોઈતી સંસ્થાઓને હાલ જે રીતે હસ્તગત અને નષ્ટભ્રષ્ટ કરાઈ રહી છે એ પ્રક્રિયા હવેનાં વરસોમાં હજુ વધુ હાણ પહોંચાડશે અને પ્રજાજીવનને એની કળ તો વળતાં વળશે. એટલે ક્યારેક જો બિનકૉંગ્રેસવાદનું એક લૉજિક હતું તો બિનભા.જ.પ.વાદનુંયે એક લૉજિક ખસૂસ હોઈ શકે છે.

ઇંદિરા ગાંધી એક તબક્કે નાગરિક સમાજ અને કર્મશીલ બૌદ્ધિકો પરત્વે વિમુખ જેવાં પેશ આવ્યાં હતાં. સોનિયા ગાંધીએ જે રાષ્ટ્રીય સલાહકાર સમિતિનો રાહ લીધો એમાં આ તત્ત્વો અને પરિબળોને કંઈક પ્રવેશ જરૂર હતો, પણ જનઆંદોલનને સહજ અનુસરતી લવચીકતા રીઢા રાજકારણી માહોલમાં ઓછી પડતી હતી. અત્યારની સત્તામંડળીને તો આવાં પરિબળો અને સ્વાયત્ત સંસ્થાઓને કેવળ અને કેવળ વિપક્ષ તરીકે જ જોવાની આદત છે. જ્યાં સુધી વિપક્ષનો સવાલ છે, અત્યારની સત્તામંડળીની માનસિકતા બનતી ત્વરાએ તેને પાકિસ્તાનતરફીથી માંડી રાષ્ટ્રવિરોધીની રીતે ખતવવાની છે.

કૉંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ પોતપોતાની રીતેભાતે પોતપોતાને ધોરણસરના વિકલ્પ તરીકે પેશ કરવા રહેશે. વચલાં વરસોમાં ચઢાવઉતાર વચ્ચે પણ એ સૌ આ ક્ષણે હારણ (ડિફિટિસ્ટ) મનોદશાની બહાર છે તે ઠીક જ છે. પ્રશ્ન એ છે કે સત્તાકાંક્ષાવશ સૌ સૌનાં ગણિત એમને એકત્ર થવામાં અવરોધ સરજે છે એનું શું.

એમણે જાડી રીતે કહેતાં બે વાનાં પાયાનાં ગણીને ચાલવું જોઈશે. એક તો, દિલ્હીમાં જે સત્તારૂઢ છે એને ખાળવાની તાકીદ ભીંત પરના અક્ષર પેઠે સાફ છે. બીજી વાત એ કે વાત માત્ર વ્યક્તિગત કે પક્ષગત વિરોધની નથી; પણ વૈકલ્પિક વૃત્તાંત કે કથા(નિરેટિવ)ની છે. આ કથા બહોળી રીતે પણ સૂત્રરૂપે કહીએ તો ‘નફરતની ફિતરત’ વિ. ‘મહોબતની ફિતરત’ની છે. આ ફિતરત મુક્ત પણ મુખતેસર માંડણી માગી લે છે. માત્ર, કૉંગ્રેસ કારોબારી નિમિત્તે કંઈક સંચાર વરતાયો તે ચોક્કસ.

ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 01-02 તેમ જ 15

Loading

આપણી લડત ફાસીવાદ સામે

જયંતી પટેલ|Opinion - Opinion|15 March 2019

સ્વાધીનતા તથા ત્યાર પછીના બેએક દશકાના જાહેરજીવન અને નેતૃત્વની સાથે વર્તમાનને સરખાવતાં વિષાદયોગમાં સરી પડાય છે. નેતૃત્વ તથા જાહેરજીવનમાં એવાં તે કેવાં આચરણ, મૂલ્યો અને વ્યવહારોને આપણે ઉત્તેજન આપ્યું કે એખલાસ, મૂલ્યનિષ્ઠા, પ્રામાણિકતા, સેવાવૃત્તિ, પ્રજાના યોગક્ષેમ માટેની ચિંતા તથા તે માટે ઝઝૂમવાની સક્રિયતા લોપાતી ગઈ અને ધિક્કાર, ભેદભાવ, સત્તા માટેની તડજોડ, ભ્રષ્ટાચાર, પ્રજાના યોગક્ષેમની અવજ્ઞા, વ્યક્તિગત સ્વાર્થની સાધના માટે જાહેરજીવનનો ઉપયોગ, ગુંડાગીરી, બેફામ જુઠાણાં તથા વચનો દ્વારા પ્રજા સાથે છેતરપિંડી વ્યાપક બન્યાં છે?

જાહેરજીવનનાં વિચાર-આચારનાં મૂલ્યોના ઘડતરમાં તથા તેનાં ઉર્ધ્વીકરણમાં પ્રબુદ્ધ-વિચારશીલ અગ્રવર્ગના આચાર-વિચાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માર્ક્સે દર્શાવ્યા મુજબ, આર્થિક-ભૌતિક ઉત્પાદકીય પરિબળો પણ અસરકારક છે. છેલ્લા દશકાઓ દરમિયાન રાષ્ટ્રના જાહેરજીવનના આચાર-વિચાર ઉપર સત્તાની દોડમાં ગળાડૂબ રાજકારણીઓએ આ બંને પરિબળો પર કબજો જમાવ્યો હોય તેમ લાગે છે. પરિણામે પ્રબુદ્ધ વિચારશીલતા નષ્ટ પામી છે કે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને સત્તા આર્થિક સમૃદ્ધિ એકત્ર કરવાનું સાધન બની રહી છે. એટલે કે, સ્વસ્થ જાહેરજીવનની પુનઃસ્થાપના માટે, પ્રજાકીય જાગૃતિ દ્વારા સત્તાના રાજકારણ સામે મોરચો માંડવો રહ્યો, સંઘર્ષ કરવો રહ્યો.

આમ પ્રજા જાહેરજીવનમાં મૂલ્યોના મહત્ત્વને સમજે છે. વિચારશીલોનું કામ આ મૂલ્યોને વ્યાખ્યાબદ્ધ કરી, પ્રજાને સંગઠિત કરી, તે માટે આગ્રહ સેવતા કરવાનું છે. આ માટે એ જરૂરી છે કે બંને વચ્ચે સંબંધસેતુ રચાય. આવો સેતુ રચવા માટે પ્રજાની મૂળભુત આવશ્યક્તાઓની માંગોના ઉકેલ માટે તેમને સાથ-સહકાર આપી તેમ જ, સાથેસાથે, મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહને સાંકળી લેવાનું કાર્ય હાથ ધરવું જોઈએ. મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહ સિવાયની આર્થિક સમૃદ્ધિ કે વિકાસ પૂરતાં નથી. ઠેરઠેર આવાં વૈચારિક તથા સંઘર્ષનાં કેન્દ્રો વિકસાવવાની તાતી જરૂર છે. આ કેન્દ્રો લોકશાહીના સમર્થક, પ્રામાણિક, પ્રજાને જવાબદાર ઉમેદવારો ચૂંટાય તથા તેમના કાર્યો ઉપર નજર રાખે તેવું પણ બને. એટલે કે, વૈચારિક અને રચનાત્મક-સંઘર્ષાત્મક પ્રવૃત્તિએ હાથમાં હાથ મિલાવી ચાલવું રહ્યું.

આપણી લડત માનવીય મૂલ્યોના વિરોધી, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલીનાં ધારાધોરણોની અવજ્ઞા કરતાં, સમાજ તથા રાષ્ટ્રને વિભાજીત કરતાં, આડો-ઊભો વેતરી નાંખતાં ભેદભાવ અને ધિક્કારને પોષતાં અને ફેલાવતાં, હિંસા-હત્યા-દમનને પ્રેરતાં, ફાસીવાદી પરિબળો સામે છે.

ભારતમાં છેલ્લા નવેક દાયકાથી ફાસીવાદી વિચારધારાનું સમર્થક આંદોલન વિકસતું રહ્યું છે. માનવીય મૂલ્યો અને વિચારશક્તિને કુંઠિત કરતાં પ્રચાર કેન્દ્રો દ્વારા તેણે ચાવીથી ચાલતાં રમકડાં જેવા રોબોપેથો (રોબોટ-યંત્રમાનવ-જેવી માનસિકતા ધરાવતા) સર્જ્યા છે. આક્રમક-રાષ્ટ્રવાદી ઉન્માદ, મૂડીવાદી પરિબળો, જુઠાણાં અને લલચાવનારાં વચનો, ધાકધમકી તથા ચાલબાજીઓ (ઈ.વી.એમ. સાથે ચેડાં કરી તથા વિપક્ષના વિધાયકોને ફોડી) અજમાવી સત્તા ઉપર કબજો જમાવ્યો છે. આ પાંચેક વર્ષમાં તો તેનું શેતાની સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. તેની સામેની લડત આંતરવિગ્રહ જેવી કપરી, લોહિયાળ, વિનાશક અને પીડાદાયક ના બને તેવી આશા રાખીએ. આવી આશા રાખી શકાય તેવાં કારણો પણ છે. આ ખોફનાક વાદળોનો ઘટાટોપ વિખરાશે અને ભારતમાં માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી, એખલાસ, અમન અને શાંતિનો માહોલ પ્રસરશે તેવી આશા રાખવા પ્રેરે તેવાં પરિબળો પણ છે.

પ્રથમ તો, બહુમતી જનતા હજી આ ફાસીવાદી રંગે રંગાઈ નથી. એવી વ્યક્તિઓ, સંગઠનો અને પક્ષો છે જે લોકશાહીની રક્ષા માટે સચિંત અને કાર્યરત છે. ચૂંટણીઓ દ્વારા અહિંસક માર્ગે શાસક પક્ષને બદલવાની શક્યતા સુલભ છે. કેટલાંક રાજ્યોમાં બેત્રણ પક્ષો વચ્ચે સમજૂતી સાધી, વિરોધી મતો વહેંચાઈ જાય નહીં તેવી ગોઠવણ થઈ રહી છે, પરંતુ ઇન્દિરાઈ કટોકટી સમયે જેમ બધા વિરોધપક્ષોએ એક થઈ જનતા મોરચો રચ્યો હતો તેવી સમજૂતી સર્જવી રહી. આવી સમજૂતી દ્વારા સાઠ ટકા ઉપરાંત મતો એકત્ર થઈ શકે અને સત્તાપક્ષને દૂર કરી શકાય.

અલબત્ત, ફાસીવાદીઓને માત્ર સત્તાસ્થાનેથી દૂર કરવા પૂરતું નથી. મહત્ત્વની લડત તો ફાસીવાદી વિચારશૈલી તથા માન્યતાઓની સફાઈ કરવા માટે વ્યાપક વૈચારિક આંદોલન કરવાની તથા તે માટેની તાલીમ શિબિરોના આયોજન દ્વારા માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી તથા વિચારશૈલી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, રેશનલ અને સેક્યુલર વલણ તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ઉપર પણ ધ્યાન આપવું રહ્યું. આમ, સંગઠન તથા વૈચારિક એમ બંન્ને મોરચે લડત આપવાનો પડકાર ઉપાડવાનો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 03

Loading

નવું ભારત, યુવાબેકારીથી બદબદતું ભારત ….!

ભરત મહેતા|Opinion - Opinion|15 March 2019

મોદીયુગની સરકારી જાહેરાતની ધૂનમાં કેટલાક ભક્તજનો ‘નવું ભારત’ કહેવા માંડ્યા છે. જો કે એક અર્થમાં એ તદ્દન સાચું છે, કારણ કે બેકારી જેવી કેટલીક બાબતોમાં વિક્રમસર્જક વધારો આ ભારતને નવું ભારત ગણાવી શકે!

લોકસભાની ચૂંટણીના હાકલા પડકારોમાં યુવા બેકારીનું ચિત્ર સરકારી આંકડાઓ મુજબ કેટલું વરવું છે તે જાણવું જરૂરી છે. નહિતર ‘પકોડા ઉદ્યોગ’ની વાતો કહીને મદારીઓ તાળીઓના ગડગડાટ પામશે. અત્યારે ભારતમાં ૩૫ ટકા યુવાનો છે. એ અર્થમાં ભારત વિશ્વનો સહુથી યુવાન દેશ છે. જે દેશમાં આટલાં યુવાનો હોય ત્યાં યુવાનો માટે સૌથી વધુ બજેટ અને યોજનાઓ હોવી જોઈએ. અચ્છે દિન, ૧૦૦ સ્માર્ટસિટી, પંદર લાખની જેમ જ પ્રતિવર્ષ બે કરોડ નોકરીનું ગાજર લટકાવીને મોદી સરકાર અસ્તિત્ત્વમાં આવી. પરંતુ યુવાનોના સંદર્ભે વાસ્તવિક તદ્દન વિપરિત છે. જેના કારણે બેરોજગારી ચરમબિંદુએ પહોંચી છે. વળી આ યુવાનોની ડિગ્રી મોદીસાહેબ કે સ્મૃતિ ઇરાની જેવી નથી. મોંઘીદાટ શિક્ષણવ્યવસ્થામાં પેટે પાટા બાંધીને મેળવી છે.

ઈ.સ. ૨૦૧૧ની વસતિગણતરીમાં ૪૨ કરોડ યુવાનો હતા જે ૨૦૨૧માં ૪૭ કરોડ થશે! ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ, કુદરતી સંસાધનોનું ખાનગીકરણ, સરકારી સંપત્તિનું ખાનગીકરણ જે તીવ્ર વેગે થઈ રહ્યું તેનાં કારણે બેકાર યુવાનોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો પછીના ક્રમે નિરાશ યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓની જ વાત કરીએ તો એક પત્રિકાને ઇન્ટરવ્યુ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં ચાર વર્ષમાં એટલી રોજગારી મળી છે કે ગણી જ ન શકાય! વાત સાચી છે કારણ કે એટલી ઓછી છે! તઘલખી તર્ક કરતાં એમણે કહ્યું ૧૦,૦૦૦ રિક્સા વેચાઈ તેથી દશ હજાર ડ્રાઈવરને રોજગાર મળ્યો, એને રિપેર કરનારા, એમાં ડિઝલ નાંખનારા ઉમેરો તો ત્રીસ થાય ! કોઈ ગણિતશાસ્ત્રી કે અર્થશાસ્ત્રીને આ હિસાબ ગળે ઊતરે? લાખો શિક્ષિતો રિક્સા ખરીદતા હશે? ખરીદે તો શરમજનક નથી? રેલવેની ‘સી’ અને ‘ડી’ ગ્રેડની ૯૦,૦૦૦ નોકરી માટે ૨.૮૦ કરોડ અરજીઓ થઈ! મુંબઈ પોલીસની ૧,૧૩૭ જગા માટે દસ લાખથી વધુ બેકારોએ અરજી કરી! એમાં ૪૨૩ એન્જિનિયર અને ૧૬૭ એમ.બી.એ. હતા, જ્યારે યોગ્યતાની જરૂર હતી બારમું પાસ. ઉત્તરપ્રદેશમાં ગ્રામપંચાયત અધિકારી, ગ્રામવિકાસ અધિકારી, સમાજકલ્યાણના વિકાસ અધિકારીની ૧,૯૫૩ જગા માટે ૪૪.૩૩ લાખ અરજીઓ આવી! આ તો થોડાંક જ ઉદાહરણો છે. બધે આ જ હાલત છે. આઈ.એલ.ઓ.(ઇન્ટરનૅશનલ લેબર ઓર્ગેનાઈઝેશન)ના જણાવ્યા અનુસાર ભારત દુનિયાનો સહુથી મોટો બેરોજગાર દેશ છે! રોજગારીનો દર સ્થિર રાખવા પ્રતિ વર્ષ ૮૨ લાખ નોકરીઓની જરૂર છે. દરમહિને ૧૩.૧૯ લાખ બેકારો ઉમેરાઈ રહ્યાં છે! આ વરવા ચિત્રની સામે નોકરીઓ વિશેના સત્તાધીશોનાં ઉચ્ચારણો એમની નફ્ફટાઈને પ્રતિબિંબિત કરે છે.

‘મુદ્રા યોજના’ હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં સરેરાશ અરજીકર્તાને સ્વરોજગાર માટે ૪૩,૦૦૦ રૂપિયા આપ્યા, આમાં કયો રોજગાર થઈ શકે ? શું આ ક્રૂર મજાક નથી? હકીકત એ છે કે સરકારની નીતિ ઔદ્યોગિક ગૃહોને સંસાધનો વેચી દેવાની છે જેથી અનેક ક્ષેત્રો ખાનગી કરી રહ્યાં છે. એક ટકા લોકો પાસે દેશની ૫૮ ટકા સંપત્તિ છે. દેશના ૫૭ અબજોપતિ પાસે દેશની ૭૦ ટકા સંપત્તિ છે! ઈ.સ. ૨૦૧૭થી ૨૦૧૮માં ૨૬,૦૦૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ૨૦૧૬માં ૯,૪૭૪ની સંખ્યા હતી. પ્રત્યેક ૫૫ મિનિટે એક વિદ્યાર્થી ભારતમાં આત્મહત્યા કરે છે! અલ્હાબાદ, દિલ્હી, કોટા, બૅંગ્લોર કોચિંગ ક્લાસની દુનિયામાં સખત મહેનત કરનારાઓને પેપરલીક થઈ જાય, ઉંમર પૂરી થઈ જાય ત્યારે શું વીતતું હશે? ‘વિકાસ’ના નામે થઈ રહેલો આ ‘જૉબલેસ ગ્રોથ’ છે. ‘વિકાસ’ની દંતકથાઓ ચીરી નાંખે છે. મેં જોયું છે કે શહેરની સોસાયટીઓમાં મોદી-મોદી કરનારા મોટા ભાગનાં કુટુંબોના દીકરાઓ વિદેશમાં જ જવા માંગે છે! આ ‘મુખમાં મોદી અને બગલમાં વિસા જંબુરીને’ એ નથી સમજાતું કે અહીં નોકરીઓ કેમ નથી?

આવી પરિસ્થિતિમાં, જ્યાં શિક્ષણ-રોજગાર કે આરોગ્ય સુવિધાના ફાંફા હોય ત્યાં ખોટા ખર્ચ ઘટાડવાની જરૂર છે ત્યાં દેખાડો કરવામાં આવે છે. દુનિયાની સહુથી મોટી મૂર્તિના નામે સરદાર પટેલની ૩,૦૦૦ કરોડની મૂર્તિ શું સરદાર પટેલનું અપમાન નથી? હવે શિવાજી, રામની મૂર્તિની જે તે સરકારે જાહેરાત કરી દીધી છે જે સરદારથી પણ મોટી હશે! કુંભમેળો ૫,૦૦૦ કરોડમાં પડશે. અયોધ્યામાં દિવાળીએ ત્રણ લાખ દીવડાંનો વિશ્વવિક્રમ કરવામાં કરોડો ખર્ચાય. રેલવે સ્ટેશન અને શહેરનાં નામ બદલવામાં કરોડો ધૂળધાણી થયાં! મોદી સરકારે જાહેરાતોમાં પણ વિક્રમ સર્જ્યો છે – ૫,૦૦૦ કરોડ રૂપિયા! શું આવી પરિસ્થિતિમાં આ શોભાસ્પદ છે ? કુંભમેળામાં ૫,૦૦૦ કરોડ સામે ઉત્તરપ્રદેશનું ઉચ્ચશિક્ષણ બજેટ ૧૬૭ કરોડનું છે! ગાઝિયાબાદમાં કૈલાસ માનસરોવર ભવન ૯૫ કરોડમાં આકાર લઈ રહ્યું છે!

નવા રોજગારની વાતો બાજુ પર મૂકીએ પરંતુ જે સરકારી જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ આ સરકારે દરકાર નથી કરી. ૨૦૧૮માં રાજ્યસભા અને લોકસભામાં પૂછાયેલાં સવાલોમાં સરકારે જણાવ્યું કે કેન્દ્ર સરકારમાં ૨૪ લાખ જગ્યાઓ ખાલી છે! ૫.૪ લાખ પોલીસ, ૨.૫ લાખ રેલવેમાં, ૫૪,૦૦૦ ટપાલખાતામાં, ૧૦ લાખ શિક્ષકો, ૧.૫ લાખ આરોગ્યમાં, ૧.૨ લાખ સંરક્ષણમાં વગેરે રાજ્યસરકારોની નોકરીઓ આમાં મેળવો તો બે-અઢી કરોડ જગ્યાઓ ખાલી છે. શું પોતાના પાંચ વર્ષમાં આ જગ્યાઓ ભરવાનું કામ સરકારો ન કરી શકત? જે કામ કર્યું એ એટલું ભ્રષ્ટાચારી હતું કે ઉત્તરપ્રદેશમાં પ્રત્યેક ભરતી પછી કોર્ટ દ્વારા ગોટાળા બહાર આવ્યા ને હજુ ભરતી લટકે છે! પરીક્ષા જ ન આપી હોય એ પસંદ થયાના દાખલા મળ્યા. પછી જેમ રાફેલ સુધી થતું હોય છે તેમ ‘કાગળો બળી ગયા’ સરકારે ખુલાસો કર્યો! જળ, જમીન અને જંગલ પર કબજો જમાવતી, સસ્તી વીજળી મેળવતી, સરકારી આર્થિક મદદ મેળવતી ખાનગી કંપનીઓ પણ નોકરિયાતોને છુટ્ટાં કરી રહી છે. વેદાંતાએ ૫૦,૦૦૦, ફ્યુચર એન્ટરપ્રાઈઝે ૧૧ હજાર, ફોર્ટિસે ૧૮ હજાર, મહિન્દ્રાએ ૧૧ હજાર કામદારોને છુટ્ટાં કર્યાં! નોટબંધી અને જી.એસ.ટી.નાં કારણે ખાનગી ક્ષેત્રે ૩૫ લાખ નોકરીઓ ઘટી છે.

આવા ભારતને નવું ભારત કહેતાં ભક્તજનોને ગોરખ પાંડેની એક કવિતા જ સંભળાવી દઈએ.

“રાજા બોલા રાત હૈ
રાની બોલી રાત હૈ
મંત્રી બોલા રાત હૈ
સંત્રી બોલા રાત હૈ
           યહ સુબહ સુબહ કી બાત હૈ”

મોદી સરકારના એકાધિક જુઠ્ઠાંણાંમાનું એક જુઠ્ઠાણું છે – પ્રતિવર્ષ બે કરોડને નોકરીઓ … મળવાની વાત તો બાજુ પર, હતી એ પણ ગઈ! તેથી બેકારીએ નવો વિક્રમ સર્જ્યો છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પાંચ એરપોર્ટ પચાસ વર્ષ માટે અદાણીને જે પક્ષ આપતો હોય એની અગ્રિમતા ઉદ્યોગપતિઓ છે કે બેરોજગાર યુવાનો એ દીવા જેટલું સ્પષ્ટ છે.

મોદી હૈ, તો મુમકિન હૈ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 04 તેમ જ 09

Loading

...102030...2,8452,8462,8472,848...2,8602,8702,880...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved