Opinion Magazine
Number of visits: 9557024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતમાં એક નવી નસ્લના શાસકો આવ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 April 2025

આ નવા શાસકોના સ્વભાવલક્ષણો એક સરખાં છે, પણ માર્ગ અલગ અલગ છે. શા માટે ?

રમેશ ઓઝા

અતીતમાં જીવનારાઓ સામે વર્તમાનમાં લડાઈ શરૂ થઈ છે. લડાઈ શરૂ થઈ છે પોતાનું ભવિષ્ય બનાવવા માટે અથવા પોતાનો વર્તમાન ટકાવી રાખવા માટે અને એ પણ વૈશ્વિક સ્તરે! બિચારાઓએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ આવું પણ બનશે. કેવી લ્હેર હતી; અકબર, ઔરંગઝેબ, શિવાજી, ટીપુ, ગાંધી અને નેહરુના યુગમાં. કોઈને વિલન ચીતરો તો કોઈને હીરો. આગળનું કામ કઢીચટ્ટાઓ સંભાળી લે. વચ્ચે વચ્ચે મુસલમાનોને હેરાન કરો, તેમના અધિકારો છીનવી લો. ચૂંટણી ઢુકડી હોય ત્યારે કોમી ટેન્શન પેદા કરો. વિરોધી અવાજોને દબાવો અને સ્વતંત્ર અવાજોની રખેવાળી કરવાનું જેનું કામ છે એ લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરો. શાસનની ફોર્મ્યુલા અકસીર હતી. 

પણ જ્યારે અભિનેતાઓ અનેક હોય અને કથાની અંદર ઉપકથાઓ પણ પુષ્કળ હોય ત્યારે બધું પટકથામાં પ્લોટ રચ્યો હોય એમ ચાલતું નથી. 

જગતમાં એક નવી નસ્લના શાસકો આવ્યા છે, જે માન-મર્યાદામાં માનતા નથી. એવા શાસકો જે બિનધાસ્ત જૂઠું બોલે છે. જે સંકોચ વિના ગમે તે દાવાઓ કરે છે. એવા લોકો જેમને નૈતિકતા અને ગરીબોનો પક્ષ લેનારાઓ પસંદ નથી. તેમના માટે અણગમો છે. એવા શાસકો જે કાયદાના રાજને નિર્બળતા તરીકે ખપાવે છે અને બુલડોઝર રાજને કૃતનિશ્ચયી રાજ તરીકે ખપાવે છે. એવા લોકો જેમને વચનભંગ કરવામાં કે અંચઈ કરવામાં શરમ નથી આવતી. એવા શાસકો જેઓ તેમણે લીધેલા ખોટા નિર્ણયોનો ભોગ બનેલા લોકોની યાતના જોઇને દુઃખ અનુભવતા નથી. મોઢું સીવી લે, મોઢું ફેરવી લે અને આંખ બંધ કરી દે. પશ્ચાતાપ કે અફસોસ કશું જ નહીં. આ જગતને મળેલા નવી નસ્લના શાસકોનાં આ કેટલાંક સ્વભાવલક્ષણો છે. જગતનો નકશો લઈને બેસી જાવ, જ્યાં જ્યાં નવી નસ્લના શાસકો આવ્યા છે ત્યાં આ પેટર્ન જોવા મળશે. 

પણ એક ફરક છે અને એ ફરક પાયાનો છે. આ નવી નસ્લના શાસકો બે પ્રકારના છે. એક એ જે વર્તમાનમાં જીવે છે અને પ્રજાને કહે છે કે કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરો અને આ સ્વાર્થી સંસારમાં પોતાની જગ્યા બનાવવા માટે અને જે છે એ જગ્યા ટકાવી રાખવા માટે કૃતનિશ્ચયી બનો. માન-મર્યાદા, વૈશ્વિક ધારાધોરણ, વચનબદ્ધતા ગઈ ભાડમાં. આપણો સ્વાર્થ જુઓ અને સ્વાર્થની પૂરતી વર્તમાનમાં જ થઈ શકે. ચીન, રશિયા, ઈરાન, ઇઝરાયેલ જેવા કેટલાક દેશોના શાસકો આ પ્રકારના છે જે પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્ય બનાવવા માટે સ્વાર્થી અને નાગા થયા છે. આમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પના આવવા પછી અમેરિકા ઉમેરાયું છે અને નવો વટલાયેલો મુલ્લો જેમ બમણા જોરથી બાંગ પોકારે એમ સ્વાર્થની બાંગ પોકારી છે. તુમ નંગા તો હમ તુમસે ભી જ્યાદા નંગા. ડોનાલ્ડ ટ્રમ્પ ઇતિહાસનું શરણ લેતા નથી. ડેમોક્રેટિક પક્ષના શાસકોને અમેરિકાની બેહાલી (જો હોય તો) માટે જવાબદાર ઠેરવતા નથી. જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, અબ્રાહમ લીન્કન કે જ્હોન એફ. કેનેડીને વિલન કે હીરો ચીતરતા નથી. શી ઝિંગપીંગે ચીની સામ્યવાદી પક્ષના દુ:શ્મન ચિયાંગ કાઈ-શેકનું કે સુન યાત-સેનનું નામ પણ લીધું હોય એવો પ્રસંગ જોવા નહીં મળે. જરૂર શું છે, જ્યારે વર્તમાનમાં બાવડામાં બળ હોય. કોઈ પણ માર્ગે, પોતાની તાકાત વાપરીને અને વધારીને હીરો બનો, કોઈને વિલન ચીતરીને કે ઇતિહાસને નામે પ્રજાને દુ:શ્મન પકડાવીને ખોટી તાકાતનો અહેસાસ કરાવવાની કે કરવાની જરૂર નથી. 

નવી નસ્લના શાસકોનો બીજો વર્ગ એવો છે જે વર્તમાનથી ભાગે છે અને અતીતમાં જીવે છે અને પ્રજાને જીવાડે છે. તેઓ અતીતમાં ખાસ પ્રજાનું ઐશ્વર્ય શોધે છે. તેઓ અતીતમાં ખાસ પ્રજા સાથે ચોક્કસ પ્રજાએ કરેલા કહેવાતા ‘કુકર્મો’ની યાદ અપાવીને ખાસ પ્રજાને પીડાનો અનુભવ કરાવે છે અને વેર વાળવા ઉશ્કેરે છે. તેઓ અતીતમાં ભલે ખાસ પ્રજાના, પણ ચોક્કસ વિચારધારાના લોકોએ લીધેલા ખોટા નિર્ણયો દ્વારા અને બતાવેલી ‘નિર્બળતા’ દ્વારા ખાસ પ્રજાનો વર્તમાન બગાડવા માટે તેમને જવાબદાર ઠેરવે છે. તેમની દિવસરાત નિંદા કરે છે અને કરાવે છે. તેઓ અતીતમાંની ખાસ પ્રજાની કહેવાતી મહાનતાનો હવાલો આપીને બારોબાર પોતાને વિશ્વગુરુ જાહેર કરી દે છે. ટૂંકમાં અતીતના માર્ગે વર્તમાનમાં પોતાને મહાન જાહેર કરીને ભવિષ્યમાં આભાસી જગ્યા બનાવવી. વર્તમાન સાથે સીધું કામ પાડવાની જરૂર જ શું છે! ભારત, તુર્કી અને એવા બીજા કેટલાક મુસ્લિમ દેશો આવા બીજા પ્રકારના શાસકો ધરાવે છે. તેઓ વર્તમાનથી દૂર ભાગે છે. 

અહીં એક સવાલ પેદા થવો જોઈએ. શા માટે નવી નસ્લના શાસકોમાંથી કેટલાક દેશોના શાસકો વર્તમાનની કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સ્વાર્થની લડાઈ લડતા થયા છે અને શા માટે નવી નસ્લના શાસકોમાંથી કેટલાક દેશોના શાસકો વર્તમાનથી દૂર ભાગે છે અને પ્રજાને દૂર ભગાડે છે? શાસકોના સ્વભાવલક્ષણો એક સરખાં છે, પણ માર્ગ અલગ અલગ છે. શા માટે? શા માટે મહાપ્રતાપી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ, નેતાન્યાહુ, શી ઝિંગપીંગ કે પુતિનની માફક પોતાની શરતે શાસન નથી કરી શકતા? પોતાની શરતે શાસન કરવું એ તો બહુ દૂરની વાત છે, પણ જ્યારે ચીન ભારતની ભૂમિ પર કબજો કરે ત્યારે અને ટ્રમ્પ એકપક્ષીય ટેરીફ લાદે ત્યારે ભારતના મહાપ્રતાપી નેતા શા માટે એક શબ્દ પણ બોલી નથી શકતા? શા માટે? 

આ પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ છે. 

તાકાત. તાકાત ત્રણ પ્રકારની હોય છે. એક સાત્ત્વિક તાકાત જે સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વૉન્ગે બતાવી છે. તેમણે શબ્દ ચોર્યા વિના ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે સિંગાપોરની પ્રજાને જગત પર અને સિંગાપોર જેવા બચૂકલા દેશો પર ઝળુંબી રહેલી યાતના માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. જ્યારે શક્તિશાળી લોકો સ્વાર્થી અને આતતાયી બને ત્યારે નિર્બળે પોતાની તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે વૉન્ગના કથન વિષે પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે તેઓ ચૂપ થઈ ગયા હતા. જગતના નકશામાં દૂરબીનથી ગોતવો પડે એ દેશનો નેતા ખોંખારો ખાઈને બોલી શકે છે. બીજા પ્રકારની તાકાત છે; આર્થિક અને લશ્કરી તાકાત. રોકડા રૂપિયા જેવી નક્કર તાકાત. જેમનામાં આવી તાકાત છે એ દેશો પોતાનાં વર્તમાનને ટકાવી રાખવા માટે અને ભવિષ્યને હજુ સુધારવા માટે યુદ્ધે ચડ્યા છે. અહીં આપણે સાચા-ખોટાની વાત કરતા જ નથી. નૈતિકતાનો કોઈ માપદંડ લાગુ કરતા નથી. બળિયાના બે ભાગવાળી તાકાત. આ તાકાતને આપણે રાજસિક તાકાત કહી શકીએ. અને ત્રીજા પ્રકારની તાકાત છે તામસિક તાકાત. નબળા પર શૂરા થઈને સબળાને તાકાતનું વિકૃત સુખ આપનારી તાકાત. લઘુમતી કોમને દબાવો. તેમના અધિકારો છીનવી લો. ટીકા કરનારાઓને સતાવો જેલમાં પૂરો, વગેરે વગેરે. ખોટા ઇતિહાસની, માફી માગનારાઓ પર વીરતાના વરખ ચડાવવાની અને સાચા હીરોને નાના ચિતરવાની આ લોકોને જરૂર પડે. હકીકતમાં આ તાકાત નથી, પણ વિકૃતિ છે. લઘુતાગ્રંથિ છે. 

હવે પરિણામ જુઓ : બળિયાઓ તો લડી લેશે. પરિણામ જે આવે તે. સાત્ત્વિક તાકાત ધરાવનારાઓને ભલે બળિયાઓ સાંભળે નહીં, પણ તેમનો અનાદાર કરવો શક્ય નથી. સિંગાપોરના વડા પ્રધાનના કથનની જગત આખામાં ચર્ચા થઈ રહી છે અને પ્રસંશાનાં ફૂલ વરસી રહ્યાં છે. આભાસી અને તામસિક તાકાત ધરાવનારાઓ નથી બોલી શકતા કે નથી કોઈ શરત રાખી શકતા. ટેરીફ વૉરને પરિણામે ભારતને થનારા સાંયોગિક લાભની તેઓ વાત કરી રહ્યા છે. સાંયોગિક લાભ. રળેલો કે પ્રાપ્ત કરેલો લાભ નહીં.

પણ સવાલ એ છે કે આવું તેઓ શા માટે કરે છે? શું તેઓ સાચી તાકાત નથી ઓળખતા? નૈતિકતા એ નિર્બળતા છે એમ તેઓ માને છે એટલે ભલે સાત્ત્વિક તાકાતની તેઓ ઉપાસના ન કરે, પણ નક્કર રાજસિક તાકાત પ્રાપ્ત કરવા માટે તેઓ શા માટે પ્રયત્ન નથી કરતા? એ તો ખણખણતા રોકડા રૂપિયા જેવી છે. એ તેમને વહાલી નથી? 

આની ચર્ચા હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઍપ્રિલ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી— 284

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2025

મુંબઈગરાઓએ ફાળો ઉઘરાવીને અંગ્રેજ પોલિસ કમિશનરનું પૂતળું કેમ મૂકાવ્યું?            

ઓપરેશન થિયેટરમાં બાવલા શેઠનો જાન બચાવવા ડો. એ. ફિડસન અને તેમના સાથીઓ જે કાંઈ કરી શકાય તે બધું કરી છૂટ્યા. પણ પછી ૧૩મી જાન્યુઆરી ૧૯૨૫ની વહેલી સવારે ડો. ફિડસન સામે ટાઈપ કરેલો એક અહેવાલ મૂકવામાં આવ્યો. પહેલાં તો આખો અહેવાલ જોઈ ગયા. પછી કાળા રંગની ફાઉન્ટન પેન ખિસ્સામાંથી કાઢી અને અહેવાલની નીચે પોતાની સહી કરી : Dr. A. Fidson. એ લાંબા અહેવાલને અંતે લખ્યું હતું :

Cause of Death: Death, in my opinion, was due to hemorrhage from gunshot injuries of liver. સહી કર્યા પછી ડોકટરે પોતાના હસ્તાક્ષરમાં નીચે તારીખ અને સમય લખ્યાં : ૧૩ જાન્યુઆરી, ૧૯૨૫, સવારે ૦૧.૧૫.

ઓપરેશન થિયેટર તૈયાર થાય ત્યાં સુધી બાવલાને બાજુના રૂમમાં પલંગ પર રાખ્યો હતો. એ વખતે એ કણસતો હતો, પણ પૂરેપૂરા ભાનમાં હતો. આ જોઈ પોલીસ સાર્જન્ટ વેટકિન્સે ડોક્ટરને પૂછ્યું : ‘હું બાવલા સાથે થોડી વાત કરી શકું?’ ડોકટરે હા પાડી. એક યુરોપિયન નર્સને બાજુમાં ઊભી રાખી અને સાર્જન્ટે પોતાના ખિસ્સામાંથી પોકેટ ડાયરી અને પેન કાઢ્યાં. સૌથી પહેલાં બાવલાએ કહ્યું : ‘હું ન બચું તો મારી સ્થાવર-જંગમ બધી જ માલમિલકત મારી માને મળશે. પણ તેમાંથી ફક્ત એક લાખ રૂપિયા મુમતાઝને આપવા.’ પછી સાર્જન્ટે પૂછ્યું : ‘તમારા પર જે હુમલો થયો તેનું કારણ તમે શું માનો છો?’ બાવાલાએ જવાબ આપ્યો : ‘આ બધું મુમતાઝને કારણે થયું છે. જેમને આ છોકરે જોઈતી હતી, તેમને મેં સોંપી નહિ એટલે તેણે અમારા પર આ હુમલો કર્યો. અને જેમણે હુમલો કર્યો તેમની પાછળ રહેલા હાથ બહુ લાંબા છે.’ બાવલાએ જે કંઈ કહ્યું તે બધું સાર્જન્ટે પોતાની પોકેટ ડાયરીમાં લખી લીધું. પછી તેની નીચે બાવલાની સહી લીધી અને સાક્ષી તરીકે યુરોપિયન નર્સની સહી લીધી. હવે બાવલાનું મૃત્યુ થયા પછી તેની આ જુબાની ‘ડાઈંગ ડેક્લરેશન’ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાશે. 

સાર્જન્ટ વેટકિન્સ નાગપાડા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હતા. પણ જ્યાં ગુનો બન્યો તે મલબાર હિલનો વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હકૂમત હેઠળ આવતો હતો. એટલે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ લઈને વેટકિન્સ ઉપડ્યા ગામદેવી પોલીસ સ્ટેશન. ત્યાં જઈને એ સ્ટેશનના વડા ઈ.એ. ફર્નને મળીને FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરાવ્યો. ૮/૧૯૨૫ નંબરવાળા આ રિપોર્ટમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન), ૩૦૭ (ઠાર મારવાના ઈરાદાથી કાતિલ હુમલો), અને ૩૬૫ (લબાડીના ઈરાદાથી અપહરણનો પ્રયત્ન) હેઠળ ગુના નોંધવામાં આવ્યા. આ મુખ્ય ગુના ઉપરાંત કલમ ૧૨૦ બ, ૧૧૪, ૧૦૯, ૫૧૧, ૩૨૬, ૩૦૨, ૩૦૭, અને ૩૬૫ હેઠળના ગુના પણ દાખલ કરવામાં આવ્યા. ઘટના સ્થળેથી પોતે જપ્ત કરેલી જણસો પણ વેટકિન્સે ગામદેવી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી : પિસ્તોલ, ચાકુ, લાકડી, ઓટોમેટિક પિસ્તોલ, ખુકરી, છરા, બાંબુની લાકડી, બંદૂકની ગોળીઓ. આ બધું પતાવી સાર્જન્ટ વેટકિન્સ ઘરે પહોંચ્યા ત્યારે સૂરજ માથોડું ઊંચો ચડી ગયો હતો. ગામદેવી પોલીસ સ્ટેશન તરફથી માહિતી મળે તે પહેલાં જ છૂપી પોલીસના બાતમીદારો તરફથી મુંબઈના પોલીસ કમિશનર પેટ્રિક કેલીને આ ઘટના વિશેની માહિતી મળી ચૂકી હતી. અને તેઓ કેસની ગંભીરતા અને મુશ્કેલીઓ તરત સમજી ગયા હતા. 

મુંબઈના પોલિસ કમિશનર પેટ્રિક કેલી

હવે થોડી વાર માટે બાવલાને બાજુએ મૂકીને આપણે વાત કરીએ પોલીસ કમિશનર પેટ્રિક એ. કેલી વિષે. મુંબઈ પોલીસના ઘડવૈયાઓમાંના એક. મૂળ વતની આયર્લેન્ડના. ઈમ્પીરિયલ પોલીસમાં જોડાઈને ૨૨ વરસની ઉંમરે મુંબઈ આવ્યા. નાશિક, ખાનદેશ, કાઠિયાવાડ, ઠાણે, શોલાપુર વગેરે જગ્યાએ કામ કર્યા પછી મુંબઈ આવ્યા અને ૧૯૨૨ના જૂનની પહેલી તારીખે મુંબઈના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી. કેલી મરાઠી અને પુશ્તુ ભાષાઓ બહુ સારી રીતે બોલી શકતા. તેઓ મુંબઈ આવ્યા ત્યારે શહેરમાં પઠાણ શાહુકારોનો ખાસ્સો ત્રાસ. વ્યાજ અને મૂળ રકમ સમયસર ન મળે તો લેણદારના હાથ-પગ તોડતાં વાર ન લાગે. એ વખતે લોન આપતી સંસ્થાઓ લગભગ નહિ. એટલે ઘણા બધા પોલીસો પણ અવારનવાર પઠાણો પાસેથી બહુ ઊંચા વ્યાજે પૈસા ઉધાર લે. આથી જ એક જમાનામાં બહુ ઊંચા વ્યાજદર માટે ગુજરાતી-મરાઠીમાં ‘પઠાણી વ્યાજ’ શબ્દો વપરાતા. ૧૯૨૯ના ફેબ્રુઆરીમાં મુંબઈમાં એવી અફવા ફેલાઈ કે પઠાણો બાળકોને ઉપાડી જતા હતા. પરિણામે શહેરમાં હુલ્લડ થયું જેમાં પરળ લાલબાગ જેવા વિસ્તારોમાં મિલ કામદારોનાં ટોળાંએ કેટલાક પઠાણોને મારી નાખ્યા હોવાની અફવા ફેલાઈ. પઠાણોનું એક ટોળું ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસે પહોચ્યું. દરવાજા આગળ રખેવાળી કરતા એક પોલીસને જમીન પર પટકીને બેફામપણે મારવા લાગ્યા. બીજા પોલીસો ત્યાં હાજર હતા પણ માર પડવાની બીકે આઘા રહ્યા. આ બધી ધાંધલનો શોરબકોર પહેલા માળ પર આવેલી ઓફિસમાં બેઠેલા પોલીસ કમિશનર કેલીના કાને પડ્યો. દાદરના બબ્બે પગથિયાં કુદાવતા દોડ્યા નીચે અને ભોંય પર પડેલા પોલીસ આડે જાતે ઊભા રહી ગયા અને તેના પર પડતા ઘા પોતે ઝીલવા લાગ્યા. અત્યાર સુધી ઊભા ઊભા તમાશો જોતા બીજા પોલીસો પણ સાહેબને આ રીતે લડતા જોઈ વહારે ધાયા અને હુમલાખોર પઠાણોને તગેડી મૂક્યા. 

રસ્તા પરથી પોલિસ કમિશનરની ઓફિસમાં ખસેડાયેલું કેલીનું પૂતળું

કેલી મુંબઈના પોલીસ કમિશનર હતા એ વરસો એટલે દેશની આઝાદી માટેની લડતના વરસો. અવારનવાર સભા-સરઘસ થાય. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એટલે સભા-સરઘસ રોકવાં તો પડે. પણ કાયમ માટે કેલીની પોલીસ દળને સ્પષ્ટ સૂચના કે આવે વખતે બળનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. બંદૂક તો ખરી જ, પણ લાઠી ચલાવતાં પહેલાં પણ બે વાર વિચાર કરવો. આને કારણે આ અંગ્રેજ અમલદાર મુંબઈના રહેવાસીઓના મોટા વર્ગના માનીતા થઈ પડ્યા હતા. નોકરીનાં અઢી વરસ બાકી હતાં ત્યારે ૫૩ વરસની ઉંમરે વહેલી નિવૃત્તિ લઈ કેલીએ સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું. ૧૯૩૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે નિવૃત્ત થયા પછી કેલી સ્ટીમર દ્વારા સ્વદેશ જવા મુંબઈની હાર્બર પહોંચ્યા ત્યારે, કહે છે કે, હજારો લોકો તેમને વિદાય આપવા એકઠા થયા હતા. તેમના ગયા પછી મુંબઈ પોલીસે ક્રાફર્ડ માર્કેટ નજીક કેલીનું આરસનું પૂતળું મૂકવાનું નક્કી કર્યું. પોલીસ ખાતાએ તો આ માટેની રકમ ફાળવેલી જ. પણ એ વખતના મેયર ડો. મોરેશ્વર જાવલેની અપીલના જવાબમાં મુંબઈના લોકો તરફથી પણ ૧૩,૫૦૦ રૂપિયા દાનમાં મળ્યા. (૧૯૩૩-૧૯૩૪ના અરસાના ૧૩,૫૦૦ એટલે આજના કેટલા એ ગણી લેવું.) પૂતળું બનાવવાનો ઓર્ડર એ માટે જાણીતા મેસર્સ ગોરેગાંવકર બ્રધર્સને આપવામાં આવ્યો અને ૧૯૩૬ના સપ્ટેમ્બરની બીજી તારીખે એ વખતના મેયર અને આઝાદી માટેની લડતના એક નેતા બેરિસ્ટર જમનાદાસ માધવજી મહેતાને હાથે એ પૂતળાનો અનાવરણ વિધિ થયો. (આઝાદી પછી મલબાર હિલ વિસ્તારના એક રસ્તા સાથે જમનાદાસ મહેતાનું નામ જોડવામાં આવ્યું છે. પહેલાં એ રસ્તો ‘ઓલ્ડ ચર્ચ રોડ’ તરીકે ઓળખાતો.) એ વખતે આ પૂતળું ક્રાફર્ડ માર્કેટ સામેના ટ્રાફિક આયલેન્ડમાં મૂકવામાં આવ્યું હતું. પણ પાછળથી તેને પોલીસ કમિશનરની ઓફિસમાં ખસેડવામાં આવ્યું. 

ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલિસની ઓફિસ અને ટી બહાર મૂકેલું કેલીનું આરસનું પૂતળું (લાલ વર્તુળમાં)

આવા બાહોશ અને વિચક્ષણ પોલીસ કમિશનર કેલી પાસે બાવલાનું ખૂન થયાના ખબર પહોંચ્યા કે તરત જ તેઓ સાવધ થઈ ગયા. આ કેસ ઉકેલવાનું કામ સહેલું નહિ બને એ વાત તરત જ સમજી ગયા. કારણ બાવલા અને મુમતાઝ વિશેની ઘણી માહિતી તેમની પાસે પહેલેથી જ હતી. ગુનો બન્યો છે મુંબઈમાં, બ્રિટિશ રાજ્યમાં, પણ તેની પાછળના હાથ ઘણા લાંબા હોવા જોઈએ અને પગેરું કોઈક એવી જગ્યાએ પહોંચતું હોવું જોઈએ કે જ્યાં જવાનું મુંબઈ પોલીસ માટે બહુ સહેલું નહિ બને. એટલું તો કેલી પહેલી નજરે જ સમજી ગયા. અને સાથોસાથ મનમાં પાકો નિશ્ચય કર્યો કે ભલે આ કામ ગમે તેટલું મુશ્કેલ હોય, ગુનેગારોને સજા કરાવીને જ રહીશ. પહેલું કામ કર્યું મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓની એક ખાસ ટુકડી બનાવવાનું. એ ટુકડીના વડા હતા ડેપ્યુટી પોલીસ કમિશનર ઈ.એલ. કોટી. બીજા સભ્યો હતા સુપરિનટેન્ડન્ટ સી.ડબલ્યુ. સાયકીઝ, ઇન્સ્પેક્ટર રોય બીશપ સ્મિથ, ઇન્સ્પેક્ટર સી.આર. જાફરીઝ, ઇન્સ્પેક્ટર એન.પી. વાગળે, ઇન્સ્પેક્ટર એસ.સી. લ્યોન, ઇન્સ્પેક્ટર એસ. પટવર્ધન, અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુંદર ભટકળ.

મુંબઈના પોલિસ કમિશનરની ઓફિસનો દાદર

બાવલા અને મુમતાઝ પર હુમલો કરનારી મોટરમાં સાત-આઠ જણ હતા એમ નજરે જોનારાઓનું કહેવું હતું. પણ તેમાંથી ફક્ત એક જ ગુનેગારને પકડી શકાયો હતો. બાકીના બધા ભાગી છૂટ્યા હતા. પોલીસ કમિશનર બાવલા અને મુમતાઝ અંગે ઘણું જાણતા હતા એટલે એ ભાગેડુઓ ક્યાં જઈને છૂપાયા હશે એનો અંદાજ તેમને હતો. પણ એ જગ્યાએ જઈને, તેમની ધરપકડ કરીને મુંબઈ લાવવાનું કામ સહેલું નહોતું એટલું તો કેલી પહેલેથી જ સમજી ગયા હતા. અને એટલે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું : Come what may, I will pursue this case till the end, and solve it. 

ગુનેગારોને પકડવાનું કામ સહેલું કેમ નહોતું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 એપ્રિલ 2025

Loading

‘એડોલસન્સ’ સિરીઝ; જલદી મોટા થઇ જવાની બીમારી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 April 2025

ઓનલાઈન ટોક્સિક …

જ્યારે મેં પહેલીવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. મારું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હતું, જ્યાં મને મોટા ભાગના નકારાત્મક ઓનલાઇન અનુભવો થયા હતા. 

શરૂઆતમાં તો ઠીક જ ચાલતું હતું. મને ફોલોઅર્સ મળવાના શરૂ થયા હતા, મુખ્યત્વે શાળામાંથી મિત્રો બન્યા હતા. મને ત્યારે તેનાં જોખમોનો અંદાજ નહોતો.

હું 8 વર્ષની હતી ત્યારે તેની શરૂઆત થઈ હતી. શાળાના કેટલાક મિત્રો સાથે મતભેદ હતો, જેના કારણે અમે થોડા મહિનાઓ સુધી અબોલા હતા. તે વ્યક્તિગત રીતે શરૂ થયું અને પછી ધીમે ધીમે ઓનલાઇન દલીલમાં પરિણમ્યું.

મારા પર બહુ ગંદી કોમેન્ટ્સ કરવામાં આવી, મારા દેખાવ વિશે ખરાબ બોલવામાં આવ્યું, મને મરી જવાનું કહેવામાં આવ્યું. 

મેં આ વિશે ક્યારે ય કોઈને કહ્યું નહોતું કારણ કે મને સાચે જ લાગતું હતું કે મારામાં ખામી છે અને મારી સાથે આવું જ થવું જોઈએ.

હું મારા વિશે કહેવામાં આવતી દરેક નાનામાં નાની વાત પર વિશ્વાસ કરવા લાગી હતી. તેનાથી મારા આત્મવિશ્વાસ પર ઘણી અસર થઈ. 

હું જેને મારા ‘ફ્રેન્ડઝ’ માનતી હતી એ લોકો મારી વિરુદ્ધ થઇ ગયા હતા એટલું જ નહીં, તેમણે મને પણ મારી વિરુદ્ધ કરી દીધી હતી. મને મારા પ્રત્યે નફરત થઇ હતી અને મને એવું લાગવા માંડ્યું હતું કે દુનિયા મારા વગર બહેતર જગ્યા હશે.

— 15 વર્ષની એક છોકરીની કેફિયત

—————————–

રાજ ગોસ્વામી

નેટફ્લિક્સ પર આજકાલ ‘એડોલસન્સ’ નામની બ્રિટિશ ક્રાઇમ ડ્રામા સિરીઝ ખૂબ ચર્ચામાં છે. તેમાં એક એવા કિશોરની વાર્તા છે જે ઓનલાઈનની દુનિયામાંથી સ્ત્રી-વિરોધી માનસિકતાનો શિકાર બન્યો છે અને તેની સહપાઠી કિશોરીની હત્યાનો અપરાધી બની જાય છે. સિરીઝની કથાવસ્તુ હત્યા છે, પરંતુ તેનો અસલી મકસદ કિશોર યુવાનની માનસિકતા અને તેના પરના પ્રભાવોને ઉજાગર કરવાનો છે. 

એટલા માટે આ સિરીઝ ‘હર ઘર કી કહાની’ બનીને આખી દુનિયાના લોકોએ સ્પર્શી ગઈ છે. બ્રિટિશ વડા પ્રધાન કિયર સ્ટાર્મરે પણ ચાર હપ્તાની આ વેબ સિરીઝની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. દરેક બાળકને શાળામાં પણ આ સિરીઝ બતાવવી જોઈએ.

એડોલસન્સ એટલે કિશોરાવસ્થા. સામાન્ય રીતે 12થી 17 વર્ષની વય વચ્ચેનો એ એવો સમયગાળો છે જેમાં બાળકો સાચું-ખોટું, સારું-ખરાબ શીખી લેતાં હોય છે. વિજ્ઞાન પણ માને છે કે વ્યક્તિનાં જીવનનો આ તબક્કો ખૂબ જ નાજુક હોય છે. સોશિયલ મીડિયાના યુગમાં, આ માત્ર નાજુક જ નહીં, ખૂબ મુશ્કેલ પણ છે.

વાર્તા ઇંગ્લેન્ડના એક નાનકડા અને શાંત નગરમાં આકાર લે છે. 13 વર્ષના એક છોકરા જેમી મિલરની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવે છે. તેના પર તેની સહપાઠી કેટીની હત્યાનો આરોપ છે. તે સાથે જ બાળક અને તેના પરિવારની જિંદગી કાયમ માટે બદલાઈ જવાની શરૂઆત થાય છે.

તેના પિતાને ખાતરી છે કે પુત્ર નિર્દોષ છે. જેમી પણ પિતાને સતત એવું કહેતો રહે છે કે ‘મેં કશું ખોટું નથી કર્યું.’ આ બયાન માત્ર ખુદને બચાવવા માટેનું જૂઠ નથી, જેમી ઓનલાઈનની દુનિયામાં જે રીતે સેક્સ અને હિંસા જોઇને મોટો થયો છે તે જોતાં તેને એ હકીકતનો અહેસાસ જ નથી કે તેણે કશું ખોટું કર્યું છે!

એટલા માટે તો પોલીસ વિભાગની એક મનોશાસ્ત્રી મહિલા તેને ધારદાર રીતે પૂછે છે પણ ખરી કે મરી જવું કોને કહેવાય તે તને ખબર છે ખરી. જેમીને એવું વારંવાર યાદ પણ કરાવું પડે છે કે કેટી મરી ગઈ છે. જેમીને ખ્યાલ જ નથી કે કોઈનું મરી જવું એટલે શું. ઓનલાઈનની દુનિયામાં હિંસા કેટલી નોર્મલ થઇ છે કે કિશોરો તેમની સંવેદના પણ ગુમાવી દે છે.

આખી સિરીઝ વાતચીતના ફોર્મેટમાં છે. તેની પોલીસ તપાસ શરૂ થાય છે. છોકરો સગીર હોવાથી, તેની પૂછપરછ દરમિયાન પિતાને તેની સાથે રહેવાની મંજૂરી મળે છે. ટેબલની એક બાજુ બે તપાસકર્તાઓ બેઠા હોય છે. બીજી તરફ, આરોપી બાળક અને તેના પિતા. પોલીસ એક પછી એક આરોપ લગાવે છે, બાળક ના પાડે છે. 

પરંતુ છેલ્લે તેને સી.સી.ટી.વી. ફૂટેજ બતાવવામાં આવે છે. એમાં સ્પષ્ટ દેખાય છે કે કેટીનું જે સમયે મોત થયું હતું ત્યારે જેમીએ તેનો પીછો કર્યો હતો, અને અગાઉ કેટીએ તેને ધક્કો પણ માર્યો હતો.

જે ચીજો વયસ્ક લોકો માટે સામાન્ય હોઈ શકે છે તે એક કિશોરના સમગ્ર જીવનને કેવી રીતે આકાર આપી શકે તે આ સિરીઝનો મુખ્ય વિષય છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તે સોશિયલ મીડિયાના અંધકારને ઉજાગર કરે છે. તે કિશોરોમાં થતા માનસિક વિકાસ અને વર્તણૂકના ફેરફારો પણ દર્શાવે છે. 

તેમાં બહાર આવે છે કે જેમી સોશિયલ મીડિયા પર ઇન્સેલ સંસ્કૃતિ સાથે સંબંધિત સાયબર બુલિંગનો ભોગ બન્યો છે. ઇન્સેલ શબ્દ નવી પેઢીનો શબ્દ છે (સિરીઝમાં એવા ઘણા શબ્દોની ચર્ચા છે જે વયસ્ક લોકોને આવડતા પણ નથી). તે ઇનવોલંટરી સેલિબસી(અનૈચ્છિક બ્રહ્મચર્ય)નું ટૂંકું નામ છે, જે ઓનલાઇન સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. તે એવા લોકોના સમૂહનો ઉલ્લેખ કરે છે જેઓ પોતાને રોમેન્ટિક અથવા જાતીય સાથીદાર મેળવવામાં અસમર્થ માને છે. 

ઇન્સેલ સમુદાયના સભ્યો વખતોવખત સ્ત્રીઓ અને છોકરીઓને દોષ આપે છે, તેમને વસ્તુઓ તરીકે જુએ છે અને તેમનું અપમાન કરે છે. કેટીએ ઇન્સ્ટાગ્રામ પર જેમીને ઇન્સેલ કહીને તેની મજાક ઉડાવી હતી, જેનાથી જેમી ગુસ્સા અને નફરતથી ભરાઈ ગયો હતો. આ સિરીઝ જેમીની પરેશાન માનસિકતા, તેના તૂટેલા પરિવાર અને સામાજિક દબાણને દર્શાવે છે જે આખરે તેને ટ્રેજેડી તરફ દોરી જાય છે.

આ સિરીઝ ખાલી ક્રાઈમ ડ્રામા નથી; તે આધુનિક સમયમાં પેરન્ટીંગ સામે આવતા પડકારોનો અરીસો છે. આ શો માતા-પિતાને યાદ અપાવે છે કે આજના ડિજિટલ યુગમાં બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવી કેટલી મહત્ત્વપૂર્ણ છે.

સિરીઝમાં અંતે પિતા જેમીને યાદ કરીને તેની પત્ની પાસે દુઃખદ એકરાર કરે છે કે તે દીકરાને બચાવી ન શક્યો. એ માત્ર સજાથી બચાવાની વાત નથી. ઓનલાઈન સંસ્કૃતિથી બચાવાની વાત પણ છે. ઘણી વખત, એવું થઇ જતું હોય છે જે કોઈના હાથમાં નથી હોતું. આપણે ઘણીવાર કોઈને અજાણતાં એટલું દુઃખ પહોંચાડીએ છીએ કે જ્યારે તે વ્યક્તિ કોઈ મોટું પગલું ભરે છે ત્યારે આપણને તે દુઃખની ખબર પડે છે. 

ઘણી વખત કોઈ વ્યક્તિના ગયા પછી એવું ભાન થાય છે કે આપણું પગલું તેનો જીવ બચાવી શક્યું હોત અથવા કોઈ અનિચ્છનીય ઘટનાને અટકાવી શક્યું હોત. પિતા જેમીના રૂમમાં તેની વસ્તુઓને આલિંગનમાં ભરીને રડે છે, તેની આંખો ફૂલી જાય છે અને પછી એક ઊંડા શ્વાસ સાથે તેને ખ્યાલ આવે છે કે કદાચ નહીં … હું કંઈ પણ બદલી શક્યો ન હોત. પિતાની આ બેબસી આ સિરીઝનો સૌથી હ્રદયદ્રાવક હિસ્સો છે, જે દર્શકોને અંદર સુધી તોડી નાખે છે.

આ સિરીઝ શિક્ષણ અને સમાજ વચ્ચે કેટલી ઊંડી ખાઈ છે તે સમજવાની પણ તક આપે છે. સિરીઝ માત્ર બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર જ પ્રકાશ પાડતી નથી, પરંતુ તે પણ દર્શાવે છે કે કેવી રીતે આજની સ્કૂલો અને શિક્ષણ વ્યવસ્થા ઘણીવાર આવા મુદ્દાઓનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. જેમી અને કેટીની વાર્તા આપણને આપણી શિક્ષણ વ્યવસ્થામાં શું અભાવ છે અને તેને કેવી રીતે સુધારી શકાય તે વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે.

સિરીઝમાં માત્ર હત્યાની જ ઘટના છે, બળાત્કાર નથી, પરંતુ દરેક એપિસોડ કિશોરવયના છોકરાઓની જાતીય માનસિકતાથી ઉભરાય છે. આ વાર્તા ટોક્સિક મેસ્ક્યુલિનિટી (હિંસક મર્દાનગી) તરફ નિર્દેશ કરે છે. ટોક્સિક મેસ્ક્યુલિનિટી એક એવી બાબત છે જેમાં લોકો મહિલાઓ અથવા છોકરીઓ માટે તેમના મનમાં ઝેર પેદા કરી લે છે અને તેમના જીવનમાં આવતી દરેક સમસ્યા માટે તેમને જવાબદાર ઠેરવે છે.

હું અહીં પાંચ એવી બાબતો લખું છું, જે આ સિરીઝમાંથી સમજવા જેવી છે :

૧. કિશોરોમાં બહુ ઝડપથી પુરુષ થઈ જવાની તાલાવેલી હોય છે તે વર્તમાન સમયની કડવી સચ્ચાઈ છે. અને વયસ્કોની મુશ્કેલી એ છે કે પૌરુષત્વ કોને કહેવાય તે સમજાવતાં આવડતું નથી.

૨. ડિજિટલ દુનિયામાં સ્ત્રીઓને વસ્તુ તરીકે પ્રસ્તુત કરવાનું ચલણ એટલું વધી ગયું છે કે કિશોરો તેને જ હકીકત માનીને મોટાં થાય છે.

૩. કિશોરી(અને કિશોરીઓ)ની સેક્સની સમજ પોર્નોગ્રાફીમાંથી આવે છે (અને તે પોર્નોગ્રાફી હિંસક અને સ્ત્રી વિરોધી હોય છે). 

૪. આજના કિશોરોનું આત્મ સન્માન (બદ્દનસીબે) કેટલી કિસ કરી, કેટલો સેક્સ કર્યો, કેટલી છોકરીઓને ફેરવી તેની સાથે જોડાઈ ગયું છે (વયસ્ક પુરુષો પણ આ જ વર્ગમાં આવે છે). પ્રેમ શું કહેવાય, દરકાર શું કહેવાય, આદર શું કહેવાય, સ્ત્રી સમાનતા શું કહેવાય તે સમાજમાં કોઈ શીખવાડતું નથી.

૫. કિશોરોને છોકરીઓની જેમ દુઃખી થવા કે રડવા દેવાતા નથી. “છોકરી જેવું ના કર” એ તેનું પહેલું સ્ત્રી વિરોધી “શિક્ષણ” હોય છે. પરિણામે તેઓ સંવેદના અને લાગણીઓના અભાવમાં મોટા થાય છે. બળાત્કારનું અને સ્ત્રી વિરોધી હિંસાનું મોટું કારણ આ પણ છે.

પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 21 ઍપ્રિલ 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...279280281282...290300310...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved