Opinion Magazine
Number of visits: 9968181
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં કર્મશીલો તેમ જ પર્યાવરણ માટે નિસબત ધરાવતાં નાગરિકો વક્રતા અને વિરોધાભાસો વચ્ચે પણ જંગલો બચાવવાં મથી રહ્યાં છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 September 2019

બ્રાઝિલનાં ઍમેઝોનનાં વર્ષાવન દુનિયાનાં ફેફસાં ગણાય છે. મુંબઈનાં ફેફસાં તે ગોરેગાવ પરાની આરે મિલ્ક કૉલોનીનો વનવગડો.

મહાનગરથી ઘેરાયેલા 1,278 હેક્ટર્સના (લગભગ 13 ચોરસ કિલોમીટરના) આ વનવિસ્તારમાં પાંચેક લાખ વૃક્ષો અને તેની સાથે સંકળાયેલી સમૃદ્ધ જીવસૃષ્ટિ છે. દુનિયાના લોકો  ઍમેઝોનની ઇકોસિસ્ટમ બળી રહી છે તેની ચિંતા કરી રહ્યા છે, તો મુંબઈગરાં આરેનાં ઝાડ કપાવાની સામે લડી રહ્યાં છે. આરે કૉલોનીનાં 2,700 જેટલાં વૃક્ષો મેટ્રો રેલવે માટે કપાવાનાં છે. આરેની કુદરતનાં રક્ષણ  માટે પર્યાવરણપ્રેમીઓએ ગયાં ત્રણેક વર્ષથી  આંદોલન અને અદાલત બંને રીતે ચલાવેલી લડત અત્યારે તેની ટોચે છે.

ભારતીય જનતા પક્ષ શાસિત રાજ્ય સરકાર અને શિવસેના હસ્તક બૃહત્ મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે મેટ્રોને કારણે લોકોનાં સમય-શક્તિ બચશે અને પ્રદૂષણ ઓછું થશે. ઓછામાં ઓછાં વૃક્ષો કાપીને સામે વધુમાં વધુ વૃક્ષો વાવવાની હંમેશની બાંહેધરી પણ સત્તાવાળા આપી રહ્યા છે. આંદોલનકારીઓ કાંજુરમાર્ગ પાસેની વૈકલ્પિક જગ્યા સૂચવી રહ્યા છે અને તે સંપાદિત નહીં કરવાના સરકારે આપેલાં કારણો સામે પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આઠમી તારીખના રવિવારે સવારે ધોધમાર વરસાદમાં દોઢેક હજાર લોકોએ ત્રણ કિલોમીટર લાંબી માનવસાંકળ કરી. સૂચિત વૃક્ષકાપણીના વિરોધમાં બ્યાંશી લાખ જેટલી રજૂઆતો થઈ છે. સોશ્યલ મીડિયા ઉપરાંત પણ  અનેક જગ્યાએ અનેક રીતે નાનાં-મોટાં વિરોધ પ્રદર્શનો થતાં રહે છે.

શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ વૃક્ષછેદનનો વિરોધ કર્યો છે. આદિત્યને સત્તાવાળા અને  રિઅલ એસ્ટેટ લૉબીની સાંઠગાંઠ દેખાય છે. વડી અદાલતે બુધવારે વૃક્ષછેદન પર ત્રીસમી તારીખ સુધી રોક લગાવી છે અને ન્યાયાધીશોએ સ્થળમુલાકાત લઈને જાતતપાસ કરવાના સંકેતો આપ્યા છે. નૅશનલ પાર્કના દક્ષિણ ભાગમાં આવેલી આરે કૉલોનીની વૃક્ષરાજીને જંગલ કહેવું કે નહીં તેની ફરી એક વાર ચર્ચા આ સુનાવણી દરમિયાન ચર્ચા થઈ છે. લતા મંગેશકર અને  કેટલીક બૉલિવૂડ અભિનેત્રીઓએ ચળળને ટેકો આપ્યો છે. બુધવારે  અમિતાબ બચ્ચને મેટ્રો રેલવે યોજનાને ટેકો આપતી અને લોકોને પોતાના બગીચામાં ઝાડ વાવવાની સલાહ આપતી ટ્વિટ કરી. એટલે આંદોલનકારીઓએ બચ્ચનના ઘરની સામે પાટિયાં પકડીને  દેખાવો કર્યા. અહીં નોંધવું જોઈએ કે અમદાવાદમાં મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, ફ્રેઇટ કૉરિડોર, સિક્સ-લેન રોડ, ફ્લાય ઓવર જેવાં વિવાદાસ્પદ વિકાસનાં કામો માટે ગયાં બે-એક વર્ષથી હજારો વૃક્ષો કપાઈ રહ્યાં છે. તેની સામે અખબારો સિવાય ભાગ્યે જ કોઈ ઘટકે વિરોધ નોંધાવ્યો છે. પર્યાવરણ જાગૃતિ અને શિક્ષણનાં નામે કરોડો રૂપિયાની સરકારી તેમ જ વિદેશી સહાય મેળવતી અનેક  સંસ્થાઓ અને એન.જી.ઓ. ગુજરાતમાં છે. તેમાંથી કોઈએ  વિરોધ નોંધાવવાનું તો બાજુ પર, પણ સરકાર સામે રજૂઆત કરવાની કે વિકલ્પો સૂચવવાની કોઈ અસરકારક તસદી  લીધી  હોય તેવું જાણમાં નથી.

તેલંગણાનાં નલ્લામલા જંગલમાં યુરેનિયમની ખાણો માટેની કેન્દ્રની યોજનાનો સખત વિરોધ ચાલી રહ્યો છે. આ સૂચિત ખાણકામનાં વિરોધમાં જોડાયેલાં 63 જૂથોમાં નલ્લામલા જંગલમાં રહેતાં ચેન્ચુ કોમના આદિવાસીઓ ઉપરાંત પર્યાવરણ રક્ષણ જૂથો, પ્રકૃતિપ્રેમી નાગરિકો અને રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. લડત ચલાવનાર ‘સંઘર્ષ સમિતિ’નું કહેવું છે કે વર્ષોથી ટકી રહેલું આ પ્રાચીન જંગલ અમરાબાદ ટાઇગર રિઝર્વ, પક્ષી અભયારણ્ય અને આરક્ષિત વનને આવરી લે છે. આ બધાં માટે ખાણો હાનિકારક છે. વળી ખાણો માટેની 83 ચોરસ કિલોમીટર જેટલી સૂચિત જગ્યાની બહુ નજીકથી અનેક નદીઓ પસાર થાય છે. ખાણખોદાણ નદીઓનાં પાણી અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરશે એવી સંભાવના પણ છે. ગયા શનિવારે આંદોલનકારીઓએ આ વિસ્તારના આગોતરા સર્વેક્ષણ કરવા જતાં કેન્દ્ર સરકારના વાહનોને અમરાબાદથી દસ કિલોમીટર પહેલાં આવેલાં મન્નાનૂર ખાતે અટકાવી દીધાં હતાં. વિરોધનો ફેલાવો અને જોર  જોતાં તેને સફળતા મળવાની સંભાવના જણાય છે.

જંગલ બચાવવા માટેના આંદોલનને આંશિક સફળતા મળી હોવાનો કિસ્સો જૂન મહિનામાં છત્તીસગઢમાં મળે છે. છત્તીસગઢની કૉન્ગ્રેસ સરકારે બસ્તરના બૈલાડિલા વિસ્તારમાં એક પ્રસ્તાવિત ખાણ યોજનાનું કામ મોટા લોકવિરોધને પગલે અટકાવી દીધું છે. છત્તીસગઢમાં ભારતીય જનતા પક્ષની પૂર્વ સરકારે પચીસ કરોડ ટન લોખંડની ખાણ માટેનું કામ નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનને સોંપ્યું હતું. તેને  કૉર્પોરેશને એક ખાનગી કંપનીને પચીસ વર્ષ માટે આપ્યું હતું.તેના માટેના 414 હેક્ટર(4.14 ચોરસ કિલોમીટર)ના વિસ્તારમાં  આદિવાસીઓ માટે પૂજનીય નંદરાજ ટેકરી અને હજારો વૃક્ષો આવેલાં છે. દાંતેવાડા, સુકમા અને બિજાપુર જિલ્લાનાં બસો ગામનાં દસેક હજાર આદિવાસીઓએ બૈલાડિલાનાં કિરન્દુલ ખાતે ચાર દિવસ સતત દેખાવો કર્યા. તેના પરિણામે અગિયારમી જૂને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ખાણો માટેનું કામ અટકાવી દેવાનો આદેશ કર્યો. જો કે ત્યાં સુધી દસેક હજાર ઝાડ કપાઈ ચૂક્યાં હતાં, પણ બીજાં પંદરેક હજારને બચાવી શકાયાં.

દિલ્હી પાસે આવેલાં નોઇડાના રહીશોને ગયા જૂન મહિનામાં ત્રણેક હજાર ઝાડ બચાવવા માટે આંદોલન કરવું પડ્યું હતું. તેમાં એક આઘાતજનક વિરોધાભાસ પણ હતો. સત્તાવાળાઓ બાયોડાઇવર્સિટી પાર્ક એટલે કે જીવવૈવિધ્ય ઉદ્યાન બનાવવા માટે નોઇડાનાં  જૂનાં  વિકસિત જંગલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નોઇડા નૅશનલ કૅપિટલ રિજન વર્ગમાં આવે છે. એના 2021ના માસ્ટર પ્લાન મુજબ ઉપર્યુક્ત વનરાજીને ‘સિટી ફૉરેસ્ટ’ તરીકે બતાવવામાં આવી હતી. પણ નોઇડાના સત્તામંડળના 2031 માટેના માસ્ટર પ્લાનમાં આ જ વનરાજીને ‘રિક્રિએશનલ પાર્ક ઍન્ડ  પ્લેગ્રાઉન્ડ’ તરીકે બતાવવામાં આવી છે. અહીં વૃક્ષો ઉપરાંત સિત્તેર જાતનાં પક્ષી, અનેક પ્રકારનાં પેટે સરકતાં પ્રાણીઓ અને નીલગાયનાં કુદરતી રહેઠાણો હતાં. આવાં હર્યાભર્યા 75 એકર જંગલને સ્થાને તેનાથી લગભગ બમણા વિસ્તારના બાયોડાઇવર્સિટી પાર્કની રચના પૂરી થવામાં છે. તેમાં કૉન્ક્રિટનાં ભરપૂર બાંધકામો એટલે કે ઍમ્પિથિએટર, ફૂડ કોર્ટ, ગોલ્ફ કોર્ટસ, અને કૃત્રિમ જળાશયો બનશે. અત્યારે વિવિધ પ્રકારનાં મોટાં ત્રણ હજાર વૃક્ષો કપાયાં છે આઠેક હજાર છોડ ઊગાડવામાં આવશે, જેમાં ઔષધી વનસ્પતિઓ અને મિનિએચર પ્લાન્ટસ્, વેલીઓ અને ઘાસના ઘણાં પ્રકાર પણ હશે. સહેલાણીઓને આકર્ષવા માટે પચાસ કરોડ રૂપિયાને ખરચે બનાવવામાં આકાર લઈ રહેલો આ બાયોડાઇવર્સિટી પાર્ક  નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ-વેની નજીક છે.

ગ્રેટર નોઇડામાં બીજી સપ્ટેમ્બરથી તેર દિવસ માટે જમીનને ઉજ્જડ બનાવતી અટકાવવા માટે વિચારણા કરવા એક વૈશ્વિક સંમેલન ભરાયું હતું. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કૉમ્બૅટ ડેઝર્ટિફિકેશ નામના આ ચૌદમા સંમેલનમાં 196 દેશોએ ભાગ લીધો હતો. સંમેલનને નવમી તારીખે સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે 2030 ના વર્ષ સુધીમાં 2.1 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રૂપ બનાવવાનો ભારત સરકારનો નિર્ધાર છે. આ જાહેરાતના બે જ દિવસ અગાઉ વડા પ્રધાને મુંબઈની મેટ્રોની ત્રણ લાઇન્સનું ખાતમૂહૂર્ત કર્યું હતું. જમીનને ઉજ્જડ બનાવતી અટકાવવાનો એક મહત્ત્વનો રસ્તો વૃક્ષો કપાતાં અટકાવવાં, નવાં ઊગાડવાં અને તેમને ટકાવવાં એવો છે. મેટ્રો ટ્રેન પછી એ મુંબઈની હોય કે અમદાવાદની એમાં વૃક્ષો કપાય જ છે.

ઉપર્યુક્ત બે કાર્યક્ર્મોમાં વડા પ્રધાનની પરસ્પર વિરોધી ભૂમિકા દેશની જંગલો અંગેની નીતિની પોકળતા બતાવે છે. જો કે તે પૂર્વે કેન્દ્રના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 14 જૂને એનવાયર્નમેન્ટલ ક્લિઅરન્સેસ ઝડપથી આપવાની જાહેરાત કરી છે. પહેલાંની સરકારોમાં  આ ક્લિઅરન્સેસ મળતાં 640 દિવસ થતાં,જે હવે 108 દિવસમાં મળશે એમ તેમણે જણાવ્યું હતું. સરકારની મંજૂરીમાં આવી ઝડપનો અર્થ બધાને બરાબર ખબર હોય ! હમણાં ત્રીસમી ઑગસ્ટે ભા.જ.પ. શાસિત કેન્દ્ર સરકારે જુદાં જુદાં રાજ્યોમાં વનવિસ્તારમાં વધારો કરવા માટે જંગી રકમો ફાળવી. આ ફાળવણી કૉમ્પેન્સેટરિ એફૉરેસ્ટેશન ફન્ડ મૅનેજમે ન્ટ ઍન્ડ પ્લાનિન્ગ ઑથોરિટી (કૅમ્પા) નામનાં સત્તામંડલ થકી કરવામાં આવી. તેમાં ગુજરાતને ભાગે પંદરસો કરોડ અને હરયાણાને ભાગે બાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આવી છે. કમનસીબે હરયાણામાં ભા.જ.પ.ના મોહનલાલ ખટ્ટરના નેજા હેઠળની સરકારની સર્વોચ્ચ અદાલતે હમણાં માર્ચ મહિનામાં પર્યાવરણને લગતા કાયદાની સાથે ચેડાં કરવા માટે ઝાટકણી કાઢી હતી. ખટ્ટર સરકારે કાયદામાં નિંભર ફેરફાર કરીને અરવલ્લી પર્વતમાળાના હરયાણા તરફના વિસ્તારમાં બધાં જ પ્રકારનાં ધંધાદારી બાંધકામો માટે છૂટ આપી હતી. આ કાનૂનસુધારો દસ હજાર એકર જેટલા સંરક્ષિત વન વિસ્તાર માટે બહુ જ ઘાતક હતો.

આવી વક્રતાઓ અને વિરોધાભાસો વચ્ચે પણ ભારતના નિષ્ઠાવાન પર્યાવરણપ્રેમીઓ જંગલોને બચાવવા માટે લડી રહ્યા છે.

19 સપ્ટેમ્બર 2019

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

પ્રતીતિ અને સુખાનુભૂતિ

સુમન શાહ|Opinion - Opinion|20 September 2019

વિચરતા વિચારો …

લૂઝ કનેક્શન શ્રેણી : 6 : (છેલ્લો હપતો) 

લૂઝ કનેક્શન શ્રેણીમાં મેં અત્યારસુધીમાં કહ્યું એને દેસીમાં કહેવું હોય તો આમ કહી શકાય :

બારણું બરાબર નહીં વાસ્યું હોય તો સ્ટોપર મારી શકાશે નહીં. એટલે કે, સમ્બન્ધો અધબોબડા હશે તો કાયમ માટે સ્ટોપ કરવાનું મુશ્કેલ રહેશે. કાં તો બારણાં સજ્જડ બંધ કરી રાખો અથવા બારણાં ખુલ્લાં રાખો ને સ્ટોપરો રાખો જ નહીં, હોય તો કાઢી નાખો. વગેરે.

માનવ-સમ્બન્ધોનાં કનેક્શન્સ લૂઝ ન રહે તે માટે આ શ્રેણીમાં મેં ત્રણ જુદા જુદા ઇલાજ દર્શાવ્યા એમ કહેવાય : ૧ : હમેશાં તમે ‘ટાકો બેલ’-ના ‘ફાયર સૉસ’-ની જેમ સામી વ્યક્તિને તમારામાં રસ પડે એવું કરો : ૨ : સમ્બન્ધમાં હમેશાં ખુલ્લાપણું બલકે કંઇપણ કહેવાની મૉકળાશ અને ‘હા’ કે ‘ના’ કહેવા-સાંભળવાની ઉદારતાભરી ખુલ્લાદિલી રાખો : સમ્બન્ધ બાંધવા અને તેને ટકાવી રાખવા તમારી ઈચ્છાશક્તિમતિનો હમેશાં ભરપૂર વિનિયોગ કરો :

જો આટલું કરી શકાય તો અનુભવાશે કે સમ્બન્ધ ખરો છે. અને, એટલે સુખ અનુભવાશે.

આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ !

પ્લગ-પિન બરાબર હોય પાવર-લાઇન ઑન હોય, સ્વિચ પાડીએ કે તરત બધી લાઇટો ફટાફટ થઇ જાય. આસપાસનું વિશ્વ આખું ઝાકઝમાળ રંગરંગીન દીવા ઝુમ્મરોની રોશની -દીવાળી દીવાળી -ધૉળે દિવસે દીવાળી. પ્રતીતિ થાય કે બધાં કનેક્શન્સ બરાબર છે. ક્મ્પ્યૂટર અને ફોન ફાસ્ટ ચાલે. કારનાં ટાયર ટાઇટ હોય, એમાં પૂરતી હવા હોય. કશાં ડચકાં વિના કે કશી ગરબડ વિના ચાલે, એમાં હોય એ મ્યુઝિક સૂરીલાં સંભળાય. વૅલ-કનેક્ટેડ પ્રેમની પ્રતીતિ પણ આવી અને એટલી જ સુખદ હોય છે …

આ દુનિયાનું મોટામાં મોટું સુખ કયું છે, જાણો છો? આપણને જ્યારે બરાબ્બર લાગે છે કે કનેક્શન એકદમ ફિટ ઍન્ડ ફાઇન છે, સૉલિડ છે, ફન્કશનલ છે, તો થશે, અરે યાર, એ મને કેટલું બધું ચાહે છે. મારા જેવું સુખી કોઇ નથી.

આ, આમ લખી નાખવાની ચીજ નથી, અનુભવવાની વસ્તુ છે. અને અનુભવીઓને એની પ્રતીતિ છે જ.

એવા સદ્ભાગીને બને એવું કે રાત ને દિવસ મનમાં એની જ રટણા ચાલે. ભાઈને ‘શમુ’ ‘શમુ’ થયા જ કરે, બેનને ‘રાજુ’ ‘રાજુ’… પ્રેમના એ જબરા અનુભવને ભોગવનારી યુવતીનાં ઝાંઝર એ વાતે રાતે ઊંઘમાં ય રણઝણ્યા કરે. પોતાના સ્માર્ટ ફોનને પોતાના શરીરનું અંગ સમજે ને વિસ્તીર્ણ કાનની જેમ ઉશીકા નીચે દબાવીને સૂઇ જાય. ઊઠતાંમાં પહેલું ચૅક એ કરે કે એણે મને શું લખ્યું છે, કશું લખ્યું કેમ નથી. જુએ, પિક્ચર મોકલ્યું છે. એના મૉંમાંથી ‘વાહ’ સરી પડે. ખુલ્લા મૉંએ જોયા કરે, સાથેનું ઇમોજી. નાનકડા જીવડા જેટલું હોય તો ય એને થાય કે શુંયે મોકલ્યું છે ને શુંયે પામી છું. ઈમોજીમાં પ્રેમના સંદેશા ઉકેલવા માંડે. આટલી વ્હૅલી સવારે ફોન કરું ના કરું એવી ગડમથલ પછી, કરી જ દે ! ફોનમાં વાતોમાં તો શું હોય? કશ્શી પણ વાત કર્યા કરવી એનું નામ પ્રેમીઓનો ફોન.

તરત વીડિયો-ફોન જોડે. એકમેકને જોયા જ કરે. તારા વાળ બહુ સુંવાળા દેખાય છે, શૅમ્પૂ કરેલું? : હા, તારું શર્ટ મને ગમ્યું : ‘નૌટિકા’નું છે, યાદ છે તેં જ મને આલ્ફા મૉલમાંથી અપાવેલું … મૅન્સ ક્લાસિક છે : હા, તેં ‘લાયન કિન્ગ’ જોયું? : બહુ બોરિન્ગ નીકળ્યું, યાર : જોડે મને ન્હૉતો લઇ ગયો ને એટલે : બનાવ એવો બને કે ચાલુ ફોને ટૉઇલેટમાં ઘૂસવું અનિવાર્ય થઈ પડે. ફોન ન આવ્યો હોય એ દિવસે એ ભાઈ ઉશીકું કાઢી લીધેલા મુડદાલ કવર જેવો દેખાય …

બન્ને જો લૉ-ગાર્ડનમાં બદામડીના ઝાડ નીચે બેસતાં હોય તો પેલાએ ઝૂમતી બદામો ગણી રાખી હોય -રાહ જોવાની હોય ત્યારે શું કરે? સુખ વિસ્તરે : પોતાના પડોશી મનુભાઇને આમ તો ટાળતો હોય પણ હવે લળી-લળીને બોલે – કેમ છો … શું ચાલે છે …  હમણાંના દેખાતા નથી … મનુભાઇને થાય, રોજ તો હામો ને હામો હોઉં છું તો ય આ ભઈલો આમ કેમ કહે છે. એને આખી દુનિયા ભલી લાગે – વિપિન ! લાઇફ ઇઝ સો બ્યુટિફૂલ, ઇઝન્ટિટ? … વિપિનનો ‘યસ્સ’ કહ્યે જ છૂટકો.

કૌટુમ્બિક, સામાજિક કે મૈત્રી જેવા સમ્બન્ધોની સરખામણીમાં આપણને સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમસમ્બન્ધની વધારે ચિન્તા રહે છે. પતિ-પત્ની વચ્ચે રડાકૂટા હોય, ન ગમે. પ્રેમી-પ્રેમિકા આખો વખત જીભાજોડી કર્યાં કરતાં હોય અને લગ્ન માટેના નિર્ણય પર ન પ્હૉંચતાં હોય, ન ગમે. રહેતાં હોય લિવ-ઇનની રીતે પણ ઇન-માં છૈયાં-છોકરાં થવા દેવાં વિશેની કે એવી કશી ગમ્ભીર જવાબદારીનો ભાવ પ્રગટ્યો જ ન હોય, ન ગમે.

મારે જો કોઈને શુભેચ્છા કે આશિષ પાઠવવાની હોય તો કહું કે વહેલી તકે તને વૅલ-કનેક્ટેડ લવ મળો. કેમ કે જો કનેક્શન બધી વાતે લૂઝ નહીં પણ ફિક્સ હશે, તો જીવવું જરા ય અઘરું નથી, અરે, એકદમ આસાન છે. અને કહું કે લૂઝ હોય તો ઝટપટ ફિક્સ કરી લો. વિદ્વાનો કહે છે એ કદાચ સાચું છે કે ‘નથિન્ગ ઇઝ અન્ફિક્સેબલ …’ તમારામાં જિગર જોઇએ, હિમ્મત જોઇએ, અને ભલા’દમી, શું તમારામાં એટલી જિગર નથી? એટલી હિમ્મત નથી? જાતને પૂછો, જવાબમાં ‘હા’ અને ‘હા’ જ મળશે.

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2733413140022915 

Loading

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|19 September 2019

હૈયાને દરબાર

જૂની રંગભૂમિનાં નાટકોનો લોકોને નશો હતો એ જમાનામાં! ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને વડીલોના વાંકે, માલવપતિ મુંજ, સંતુ રંગીલી, સાસુના વાંકે, પાનેતર, મંગળફેરા અને સંતાનોના વાંકે જેવાં નાટકો એ જમાનાના લોકોએ મન ભરીને માણ્યાં છે. જૂનાં નાટકોમાં ગીતો નાટકનું મહત્ત્વનું અંગ કહેવાતું. તાજેતરમાં જ સુજાતા મહેતા અભિનીત ‘સુજાતા રંગ રંગીલી’ બહુપાત્રીય એકોક્તિ જોઈને જૂની રંગભૂમિનાં ગીતો તાદ્રશ્ય થઈ ગયાં. સુજાતા મહેતા બહુ આયામી વ્યક્તિત્વ ધરાવે છે. પાત્રોને ઉઘાડી આપે છે. એમણે છેલ્લે, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ગાયું ત્યારે નાટ્ય અભિનેત્રી મીનળ પટેલે આ ગીતના સંદર્ભમાં કરેલી એક રસપ્રદ વાત યાદ આવી ગઈ. રંગભૂમિનાં કલાકાર મહેશ્વરી તથા મીનળ પટેલ હજુ ય આ ગીત રંગભૂમિ પર રજૂ કરીને વન્સ મોર મેળવે છે. મીનળબહેને આ ગીત સાથે સંકળાયેલી કથા વર્ણવતા કહ્યું કે, "નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદીનાં અનેક સફળ નાટકોનાં મુખ્ય અભિનેત્રી અને દેશી નાટક સમાજનો આધાર સ્તંભ કહેવાતાં મોતીબાઈએ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ગાઈને એટલી પ્રસિદ્ધિ મેળવી કે આ ગીત આજે ય લોકપ્રિય છે, નાટ્યક્ષેત્રે અજરાઅમર થઈ ગયું છે. આ ગીતમાં આધુનિક પતિ અને ગામડાની ગમાર પણ કોઠાસૂઝવાળી પત્નીના સંસારનો ચિતાર અપાયો છે. ‘વડીલોના વાંકે’ નાટકમાં પતિ પોતાની પત્ની અબૂધ-ગમાર હોવાથી એને તેડાવતો નથી ત્યારે એની મા દીકરાને કહે છે કે તું ભણેલો છે તો પત્નીને અહીં લઈ આવી ભણાવ. તારું ભણતર અન્યના જીવનમાં પ્રકાશ ન પાથરી શકે તો એ અંધકારમય જ છે. મને એક વાતનો જવાબ આપ કે પત્ની ભણેલી હોત અને તું અભણ હોત તો એ પત્ની તને નિભાવત? ત્યારે દીકરો કહે છે કે, "જરૂર નિભાવત. સ્ત્રીમાં તો એવી સંવેદના અને શક્તિ છે જ કે એ ગમે તેવા પતિને પણ નિભાવી જાણે. એનું હૃદય એટલું વિશાળ છે કે પુરુષની ખામીને નિભાવી લે છે.”

"તો પુરુષ શું એટલો પામર અને ટૂંકા હ્રદયનો છે કે સ્ત્રીની એક ખામી પણ સ્વીકારી નથી શકતો? તારી જાતને પારસ માને છે તો પથરાને સ્પર્શ કરીને એને પારસ બનાવ.” મા કહે છે.

"તમે ભૂલ સમજાવી તેથી મારી પત્નીને ફરજ નહીં પણ ધર્મ સમજીને એની સાથે લગ્ન જીવન શરૂ કરીશ." દીકરો માની વાત સાથે સંમત થાય છે. ત્યારબાદ દીકરાની ઉપરવટ જઈને મા પુત્રવધૂને ઘરે લઈ આવે છે. સાત વર્ષનાં વહાણાં વાઈ ગયાં પછી પત્ની સાસરે આવે છે. આટલાં વર્ષો પછી પરણ્યાની પહેલી રાત આવે છે. પત્નીને સુહાગરાતે મનમાં ઘણા કોડ છે, પરંતુ લોકહિતના કામસર પતિ મોડી રાત સુધી ઘરે નથી આવ્યો. રાહ જોતાં પરોઢ થઈ ગયું છે તે સમયે અભણ મુગ્ધા નારી મીઠા લાગ્યા ગીત ગાઈને પોતાના મનોભાવ રજૂ કરે છે. ફૂલોની છાબડી લઈને વહેલી સવારે ફૂલો ગૂંથતી મનમાં ગણગણે છે કે મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા …! મારે ખાસ કહેવું જોઇએ કે મેં પોતે જૂની રંગભૂમિમાં કામ કર્યું નથી, પરંતુ મહેશ્વરીબહેને લગભગ દસેક વર્ષ જૂની રંગભૂમિમાં કામ કર્યું છે. એમણે મોતીબાઈવાળો રોલ ભજવ્યો પણ હતો. તેથી મીઠા લાગ્યા … ગીત તેમણે મને ઉમળકાભેર શીખવ્યું, તેથી હું પણ હવે એ ગીત પ્રસ્તુત કરું છું. જૂની રંગભૂમિનાં ગીતોની પ્રસ્તુતિ દ્વારા હું ઘણું શીખી છું. એ કલાકારોનો અભિનય બહુ પ્રીસાઈઝ હોય અને દર્શકો સુધી પહોંચે જ. એ વખતે મોતીબાઈ સિવાય ભાગ્યે જ કોઈ અભિનેત્રી ગુજરાતી હતી. કમલાબાઈ કર્ણાટકી ખૂબ દેખાવડાં. તેઓ આમ તો તમિળ ક્રિશ્ચિયન હતાં ને તેમનું નામ હતું મેકડલીન. વી. શાંતારામ સાથે લગ્ન કરનાર સંધ્યા પણ મૂળ ગુજરાતી જૂની રંગભૂમિનાં. એમનું નામ વિજયા દેશમુખ હતું, પરંતુ આ બધા કલાકારો સરસ ગુજરાતી બોલે. એ જમાનાનાં જૂની રંગભૂમિનાં ગીતો લોકજીભે રમતાં હતાં.

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,

જેની એક પંક્તિ, ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત રે વિશે સુરેશ દલાલે બહુ સરસ લખ્યું છે કે આંખડીને સોગંદ આપવાની વાત અને મટકું મારવાની મીઠી પૂર્વશરતમાં કેવી અને કેટલી કવિતા છે એ બધું ખોલીને કહેવા બેસીએ તો ઓપરેશન ટેબલ પર પતંગિયાને મૂકવા જેવી વાત છે. નારી સંવેદનાની સુંદર અભિવ્યક્તિ આ ગીતમાં થઈ છે. આ ગીતનો ઉઘાડ થાય એ પહેલાં એક સંવાદ આવે છે કે, જીવતરમાં અમથા ઉજાગરા તો ઘણા ય કિયા હશે પણ વા’લાની વાટ જોતાં હોઈએ અને પગલે પગલે એના આવવાના ભણકારા વાગતા હોય એવો ઉજાગરો તો આજ થિયો. મોતીબાઈ એ આ નાટકમાં ઉત્કૃષ્ટ અભિનય આપ્યો હતો. પ્રભુલાલ દ્વિવેદીએ આ અભિનેત્રી વિશે કહ્યું હતું કે મોતીબાઈ સ્વયમ્‌ એક કલા છે. આવા તો કંઈ કેટલા ય કલાકારો, સંગીતકારોએ જૂની રંગભૂમિ ક્ષેત્રે યોગદાન આપ્યું હતું.

એ સમયે મહિલા કલાકારોમાં મોતીબાઈ, કમલાબાઈ કર્ણાટકી, કુસુમ ઠાકર, મનોરમા, વત્સલા દેશમુખ, હંસા, રૂપકમલ, શાલિની ઈત્યાદિ નામો બહુ પ્રચલિત હતાં. મોતીબાઈ, કમલાબાઈ એ જમાનાની જાજરમાન અભિનેત્રીઓ ગણાતી. જૂની અને નવી બંને રંગભૂમિમાં કસબ દેખાડનાર કલાકારોમાં મહેશ્વરી, પદ્મારાણી, જયંત વ્યાસ, ઘનશ્યામ નાયક, વનલતા મહેતા, લીલા જરીવાલા, સરિતા જોશી, પ્રતાપ ઓઝા, હની છાયાનાં નામ ઉલ્લેખનીય છે. એ જમાનામાં નાટ્યકલાકારે માત્ર અભિનય જ નહીં, સંગીત અને સામાન્ય નૃત્યની તાલીમ પણ લેવી પડતી હતી. અદાકારને ગાતાં તો આવડવું જ જોઈએ, અને એ માટે ખાસ સંગીતકાર રોકી કલાકારના સૂર પ્રમાણે ગાયન શીખવાડવામાં આવતું હતું. નાટકની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરવામાં આવતો. તખ્તા પર કંતાનની નવી જાજમ બિછાવાતી. નાટકની પ્રથમ રાત્રી તો એક ઉત્સવ બની જતી એ વાત પ્રાગજી ડોસાએ તેમના એક પુસ્તકમાં વર્ણવી છે. શનિ રવિના પ્રયોગોના એક મહિનાના પ્લાન તો આ એડવાન્સમાં જ બુક થઈ જતા. નાટકની ટિકિટનો ભાવ આમ પાંચ રૂપિયા, પરંતુ શોની પ્રથમ રાત્રિએ ટિકિટોની એટલી પડાપડી થતી કે અમુક નાટકના કાળા બજારમાં રૂપિયા ૧૦૦ના ભાવ પણ બોલાતા હતા.

‘વડીલોના વાંકે’ની સૌ પ્રથમ અભિનેત્રી મોતીબાઈ હતાં અને છેલ્લાં અભિનેત્રી મહેશ્વરી. આ નાટક એટલું બધું શુકનિયાળ ગણાતું કે દર બેસતા વર્ષે બપોરે એનો શો હોય જ. ભાંગવાડી બંધ થયા પછી ૧૯૮૧માં વિનયકાન્ત દ્વિવેદીએ ‘સંભારણાં’ને નામે એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ‘વડીલોના વાંકે’ નવા સ્વરૂપે ભજવાયું હતું જેમાં મોતીબાઈના સ્થાને ચોથી પેઢીનાં મહેશ્વરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં નાટકના કલાકારો પગારદાર રહેતા અને સારામાં સારા કલાકારને મહિને રૂપિયા આઠસો-હજારથી વધારે મળતા નહીં. નાટકની ટિકિટના દર આગળની બેઠકોના રૂપિયા ૨૦ અને પિટ ક્લાસ એટલે કે બાલ્કનીના આઠ આના! સાહ્યબો મારો ગુલાબનો છોડ, ધનવાન જીવન માણે છે, નાગરવેલીઓ રોપાવ, બાળપણનાં સંભારણાં જેવાં ગીતો ગુજરાતી રંગભૂમિની આન બાન અને શાન હતાં. યૂટ્યુબ પર સાંભળવાની જરૂર નથી. તમને પોતાનેે જ આ ગીત આવડતું હશે એટલે તમે પોતે જ ગણગણી લેજો.

———————–

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા
જોતી’તી વ્હાલાની વાટ રે
અલબેલા કાજે ઉજાગરા
પગલે પગલે એના ભણકારા વાગતા
અંતરમાં અમથા ઉચાટ રે …
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હિંડોળા ખાટ રે …
ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં
મટકું માર્યું તો તારી વાત રે …
આજના તો જાગરણે આતમ જગાડ્યો
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે …

•  કવિ : પ્રભુલાલ દ્વિવેદી   • સંગીતકાર: કાસમભાઈ   •  ગાયિકા : મોતીબાઈ

——————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=578376

Loading

...102030...2,7942,7952,7962,797...2,8002,8102,820...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved