Opinion Magazine
Number of visits: 9664044
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતીપણાનું ગૌરવ લેવાય તો ગુજરાતી ભાષાનું કેમ નહિ !!!

હિતેશ રાઠોડ|Opinion - Opinion|26 May 2025

મા, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણેય સાથે માનવીનો સંબંધ ગળથૂથીથી રહ્યો છે અને તેથી આ સંબંધની પ્રગાઢતા વિશે ક્યારે ય કોઈ સંશય ન હોઈ શકે. કેટલાક કારણોસર માણસ હવે પોતાની માભોમથી અળગો થતો જાય છે અને સાથે સાથે પોતીકી કહી શકાય એવી માતૃભાષાથી પણ વેગળો થતો જાય છે. પ્રેમ મેળવવા આપણે ગમે તેટલાં વલખાં મારીએ પણ માથી વિશેષ કોઈનો પ્રેમ આપણે ક્યારે ય મેળવી શકતા નથી. ભલે આપણે આખી દુનિયા ફરી આવીએ, તેમ છતાં અર્ધપાકા ધૂળિયા મારગ, લીલોતરીથી લથબથ ખેતરો, સૂકાં જરઠ વૃક્ષો અને એક ન કળી શકાય એવી ગામઠી ફોરમ મધ્યે સ્થિત આપણી માતૃભૂમિ કે માદરે વતનમાં આપણા કોઠે જે ટાઢક વળે અને મનની શાંતિ મળે છે એ જગતમાં બીજે ક્યાં ય નથી મળતી. 

માતૃભાષાનું પણ કંઈક આવું જ છે. દુનિયાભરની ભાષા શીખી જઈએ કે બોલતા થઈ જઈએ તેમ છતાં માતૃભાષાની આગવી મીઠાશ કે પોતીકાપણું બીજી કોઈ ભાષામાંથી આપણને મળતું નથી. સુખ-સાહ્યબીમાં સાવકી ભાષા બોલાય છે, પણ દુ:ખ કે વેદનામાં તો મા સમાન માતૃભાષા જ સાંભરી આવે. જ્યારે જ્યારે આપણે દુ:ખો, વેદના, વ્યથા અને પરેશાનીઓથી ઘેરાઈ જતા હોઈએ અને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ આપણને સૂઝતો ન હોય ત્યારે એમ થાય કે કોઈ એવું પોતીકું આપણને મળી જાય જેની સમક્ષ આપણે આપણા મનની ભાષામાં સઘળી વ્યથા ઠાલવી દઈએ અને મન સાવ હળવું ફૂલ કરી દઈએ. બસ આ મનની ભાષા એટલે જ આપણી માતૃભાષા. માને મળતા જ જગતભરના દુ:ખોમાંથી જેમ મુક્તિ મળી જાય એમ મા સમાન માતૃભાષા પણ આપણા મનનો સઘળો ભાર પળવારમાં હળવો કરી દે છે. આપણું મન જે ભાષા સમજી શકતું હોય એ ભાષા એટલે આપણી માતૃભાષા. મનનો સઘળો ભાર જો કોઈ હળવો કરી શકતું હોય તો એ કેવળ આપણી માતૃભાષા જ છે. 

બદલાતા પ્રવાહોને અનુકૂળ થવા આજે આપણે માતૃભાષાની સાથે સાથે બીજી ભાષાઓ પણ શીખતા અને બોલતા થયા છીએ. બીજી ભાષા આપણે શીખીએ, બોલીએ અને વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ એમાં કંઈ ખોટું નથી, પણ એના અતિરેકમાં આપણે આપણી ખુદની જ ભાષાને ભૂલી જઈ એને અન્યાય કરી બેસીએ એમ ન થાય એ જોવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. મા અને માતૃભૂમિનું આપણે કેટલું ગૌરવ લઈએ છીએ તો પછી આપણી પોતાની માતૃભાષા પ્રત્યે આપણને આટલી બધી સૂગ શા માટે? આપણું સમગ્ર ચેતાતંત્ર માતૃભાષા સાથે જેટલું સાનુકૂળ રહે છે એટલું અન્ય ભાષા સાથે નથી રહી શકતું. માતૃભાષા સિવાયની બીજી ભાષામાં માણસ લાંબો સમય રહે તો ગુંગળામણ અનુભવવા લાગે છે. માતૃભાષા એ ઘરના સાદા ભોજન જેવી છે. બહારનું મરી-મસાલાવાળું અને ચટાકેદાર ભોજન ભલે આપણને જીભે વળગે તેમ છતાં તૃપ્તિનો ઓડકાર તો ઘરનું સાદું અને પૌષ્ટિક ભોજન જમીએ ત્યારે જ આવે. એમ બીજી ભાષા ભલે આપણે ગમે તેટલી બોલીએ કે ઉપયોગમાં લઈએ તેમ છતાં પોતાની માતૃભાષામાં જ્યાં સુધી ન બોલીએ ત્યાં સુધી મનની વાત એના યથાર્થ સ્વરૂપમાં બહાર આવી શકતી નથી.

કોણ જાણે કેમ પણ આપણું મોટાભાગનું વર્તન આપણી અમુક ચોક્કસ ગ્રંથિઓ પ્રેરિત હોય છે. રોજીંદા વપરાશમાં આપણે કઈ ભાષા બોલવી એમાં પણ આપણે બીજાઓ શું કહેશે એનો વિચાર પહેલા કરતા હોઈએ છીએ. બીજાઓ શું કહેશે એનો વિચાર કરીને જ આપણા મૌલિક વર્તનને દોરવતા હોઈએ છીએ. અમુક લોકો સામે હું અંગ્રેજીમાં નહિ બોલું કે વાતચીતમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નહિ કરું તો હું કેવો કે કેવી લાગીશ! અમુક સ્થળે ગુજરાતીમાં વાતચીત કરીએ તો સાવ દેશી લાગીએ! અંગ્રેજીમાં નહિ બોલું તો લોકો મારા વિશે શું કહેશે! ઇન્ટરવ્યુ તો અંગ્રેજીમાં જ અપાય! અંગ્રેજી બોલીએ તો બીજા સામે આપણો વટ પડે! મારી દુકાનનું બોર્ડ ગુજરાતીમાં રાખીશ તો ગ્રાહકોને કેવું લાગશે! આવી ગ્રંથિઓની યાદી તો બહુ લાંબી થાય એમ છે. સમયના આધુનિક વહેણમાં આપણી મોટાભાગની રહેઠાણ અને કોમર્શિયલ સ્કીમો, આપણી દુકાનો, ધંધા-રોજગાર વગેરેના નામો અંગ્રેજીમાં રાખવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ! આમાંના ઘણા નામોનો તો ચોક્કસ અર્થ આપણે જાણતા હોતા નથી. આમ છતાં દેખાદેખીના આ યુગમાં બીજી ભાષાનો મોહ આપણને જલદી છૂટતો નથી. 

માતૃભાષાથી વેગળા થવામાં કોઈ એક પરિબળને દોષ દઈ શકાય એમ નથી. આપણે સૌ એ માટે સરખા જવાબદાર છીએ. આપણે પોતે જ એક એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે જેમાં માતૃભાષા બિચારી બની ગઈ છે. રોજીંદી વાતચીત, અખબારો, ન્યૂઝ ચેનલો, સિરિયલો, ટી.વી. કાર્યક્રમો, કમ્પ્યુટર, મોબાઈલ એપ્લકેશન આ બધામાં બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ એટલો અનિવાર્ય બની ગયો છે કે તેનો ઉપયોગ કર્યા વિના ચાલે એમ નથી. છાપાઓ પણ શુદ્ધ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવાને બદલે બોલચાલમાં વપરાતા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે. છાપાના ખબરપત્રીઓ પણ હવે એમ માનતા થઈ ગયા છે કે શુદ્ધ ગુજરાતી લોકોને જલદી નહિ સમજાય એટલા માટે તેઓ અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. અલબત્ત, માતૃભાષા ગુજરાતી આપણા લોહીમાં છે, એટલે શુદ્ધ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરીએ તો પણ લોકોને એ ન સમજાય એ વાત ગળે ઊતરે એવી નથી. હા, કદાચ હવેની પેઢીને એ ન સમજાય એમ બની શકે પણ રોજે રોજ એનો ઉપયોગ કરતા જઈએ એટલે એ પણ સમજાઈ જાય. ખબરપત્રીઓનું કામ જે તે ભાષામાં સમાચાર છાપવાનું છે. ભાષા અંગે લોકોની સમજણ અંગે પૂર્વાનુમાન કરી પોતાની રીતે ભાષાકીય છૂટ લેવાની જરૂર નથી. આમ કરીને ભાષાના શુદ્ધ સ્વરૂપને દૂષિત કરવામાં જવાબદાર બનવું જોઈએ નહીં. વળી, આ લોકોને શુદ્ધ ગુજરાતી સમજાતું નથી એવી માનસિકતા દરેક જગ્યાએ પ્રવર્તે છે એટલે જ માતૃભાષામાં બીજી ભાષાના શબ્દોનો પગપેસારો વધતો જાય છે અને આ બધાના પરિણામે આખરે ખીચડી ભાષાનું નિર્માણ કરવા માટે આપણે પોતે જ જવાબદાર ઠરતા હોઈએ છીએ. મા, માતૃભૂમિ અને માતૃભાષા એ જન્મગત પ્રાપ્ત થાય છે એમાં પસંદગીને કોઈ અવકાશ નથી. એ અલગ વાત છે કે જન્મદાત્રી માને બાદ કરતાં માતૃભૂમિ અને માતૃભાષાને બદલવામાં પણ આપણને હવે કોઈ છોછ રહ્યો નથી. ભૌતિક અને સામાજિક વિકાસના બદલાતા આયામો સાથે આપણે એમ કરીએ એમાં કંઈ ખોટું નથી પણ એમ કરવા જતા આપણે આપણી પોતાની મૌલિક ઓળખ ગુમાવતા જઈ રહ્યા છીએ અને એનો આપણને જરા ય રંજ પણ નથી!

માતૃભાષાની પણ એક અલગ મજા છે. અહીં ગુજરાતમાં આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી ભાષા વિશે વાત કરીએ. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શિક્ષણવિદો, સાહિત્યકારો અને કેળવણીકારોએ પોતપોતાની રીતે યથાશક્તિ યોગદાન આપ્યું છે. આ બધામાં ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજીનું યોગદાન સૌથી અનેરું છે. તેમણે લગભગ પા સદી જેટલો સમય સંશોધન અને ખેડાણ કરી ગુજરાતી ભાષાનો એક મહાગ્રંથ ‘ભગવદ્દગોમંડલ’ તૈયાર કર્યો. ગુજરાતી ભાષાનો આ સૌ પ્રથમ શબ્દકોશ સહ જ્ઞાનકોશ માનવામાં આવે છે. વર્ષ ૧૯૪૪માં આ મહાગ્રંથનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો હતો. જેના લગભગ ૯૦૨ જેટલા પૃષ્ઠોમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેના ૫૧,૩૩૮ અર્થો તેમ જ ૧,૩૦૩ જેટલા રૂઢિપ્રયોગોનો સમાવેશ થયેલ છે, જ્યારે અંતિમ નવમો ભાગ ૯ માર્ચ ૧૯૫૫ના રોજ પ્રસિદ્ધ થયો હતો. આમ, ૧૯૪૪થી લઈ ૧૯૫૫ સુધી ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ભાગના કુલ ૯,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગ સંગ્રહ છે. 

એક ઉદાહરણ જોઈએ તો “દૂધ” શબ્દનો અર્થ અને તેને આનુષંગિક કહેવતો અને રૂઢિપ્રયોગોનું વિવરણ ચાર પાના ભરીને આપવામાં આવ્યું છે. તો વળી “મન” શબ્દ સાથે સંકળાયેલ લગભગ ૧૫૦ જેટલી કહેવતો અને રૂઢિપ્રયોગના અર્થ પણ તેમણે ચાર પાનાં ભરીને સમજાવ્યા છે. આવા તો કેટલા ય ગુજરાતી શબ્દો છે જેનો અર્થ વૈભવ આપણી આંખોને આંજી દે એટલો સમૃદ્ધ છે. આના પરથી ખ્યાલ આવે છે કે માતૃભાષાના સંવર્ધન માટે રાજા જેવી મહાપ્રતાપી વ્યક્તિએ કેટલા સમર્પિત પ્રયાસો કરી ક્યારે ય વિસરી ન શકાય એવી એક અમૂલ્ય ભેટ આપણને આપી છે. વળી, આ મહાગ્રંથને માત્ર શબ્દકોશ કહેવું તેની સાથે અન્યાય કર્યો ગણાશે કેમ કે આ પુસ્તક માત્ર શબ્દો અને તેના અર્થની સમજ આપે છે એટલું જ નહિ પણ જે તે શબ્દની સાથે જોડાયેલ ઇતિહાસ અને તેને આનુષંગિક અન્ય શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગોનું પણ વર્ણન કરી આપણને અમૂલ્ય જ્ઞાન પણ પીરસે છે. ગુજરાતી ભાષા શું છે, તેનો લહેજો, લહેકો, મીઠાશ અને ભાષા વૈભવ શું છે તેમ જ જે તે સમયના લોકજીવન અને લોકસંસ્કૃતિમાં ભાષાનું શું સ્થાન છે એ સમજવા માટે ગુજરાતી મૂળના લોકોએ તેમના જીવનકાળ દરમિયાન એક વાર તો આ પુસ્તક વાંચવું જ રહ્યું!!! આ ગ્રંથની મહાનતા અને તેના કદનો ખ્યાલ તો એ વાત પરથી જ આવી જાય જ્યારે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ આ મહાગ્રંથ માટેની પ્રસ્તાવના લખવા માટેનું પોતાનું ગજુ નથી એમ કહી તેના રચયિતા મહારાજા ભગવતસિંહજી પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરે. એક રાજવીએ માતૃભાષા પ્રત્યેનું ઋણ ફેડવા આટલા અથાગ પ્રયત્નો કર્યા હોય તો આપણે પણ ફૂલ નહિ તો ફૂલની પાંદડી એ ન્યાયે થોડા પ્રયાસો તો કરવા ઘટે.

સરગાસણ
e.mail : h79.hitesh@gmail.com

Loading

ખરજવું

અનિલ વ્યાસ|Opinion - Short Stories|26 May 2025

અનિલ વ્યાસ

ફરી પાછા બાપા આવ્યા. પપ્પા મૂંઝાઈને ખુરશીમાં બેઠા, પછી થોડું હલ્યા. બાપા સહેજ ભોંઠપથી હસવા જેવું કરી સેટીની ગાદીનો ટેકો લઈ ભોંય પર બેસી ગયા. એમની મોટી માંજરી આંખો આમ તેમ ફેરવતા મને પાણી લાવવા ઈશારો કર્યો. હું ઊભો થઈ બહાર નીકળ્યો ત્યાં સુધી કોઈ કશું બોલ્યું નહોતું. મમ્મી પાણીનો પ્યાલો લઈ બારણાની આડશે ઊભાં હતાં, મને અંદર આવતો અટકાવી બોલ્યાં, 

‘લે, લઈ જા, ને પૂછતો આવજે ચા પીશે કે ખાવા બેસશે? ’ 

મારે બાપાને કશું પૂછ્યું નહોતું એટલે પાણીનો પ્યાલો અંબાવી ઊભો રહ્યો. બાપાએ પગ લાંબો કર્યો. એમના ઓઘરાળા પગ, વધેલા નખ અને પીંડીથી છેક એડી સુધીનું કાળું ધોળી-રાતી ઝાંય વાળું ખરજવું તરવર્યું. હવે એ ના ખંજવાળે તો સારું. એમ મનોમન બબડતાં હું ડગલું પાછળ ખસ્યો. રૂમમાં ગોળાનું પીળું અજવાળું અને પંખો ફરવાનો અવાજ આવતો હતો. ઊંચી ધારે ગળામાં ઉતરતાં પાણીનો ઘટક ઘટક અવાજ પંખાના અવાજમાં ભળી જતો હતો. 

‘કેમ આટલું મોડું આવવાનું થયું?’ પપ્પાના અવાજમાં રોષ અને કડવાશનું મિશ્રણ હતું.

બાપાએ પાણીનો પ્યાલો નીચે મૂકી પગ વાળ્યો. ખરજવું ખંજવાળતા બોલ્યા, 

‘બપોરની લોકલ લીધી‘તી. આગળ ભારખાનું ખોટકાઈ ગયેલું તે, નડિયાદ ટેશને નાખી રાખ્યા.’

‘હુમ્.’ કહી પપ્પા ટટ્ટાર થયા.

મને યાદ આવ્યું મમ્મીએ ખાવાનું પૂછવાનું કહ્યું હતું. હું કઈ બોલું એ પહેલા પપ્પાએ પૂછી લીધું, ‘ખાધું છે કંઈ કે ભૂખ્યા છો?’

‘ના, કંઈ નહીં. પાણી પીધુંને! હવે સુઈ જઈશું.’ રાત ઉતરતી જતી હતી, ઘર પાછળ લીમડા ઉપર કાગડા બોલવા શરૂ થયા હતા. 

‘જા, તારી મમ્મીને કે’ થાળી પીરસે.’ હું અંદર આવ્યો. મમ્મી ‘આમને કાયમ અડધી રાતે જ વેન ઉપડે છે.’ બોલતી, જોર જોરથી પ્રાયમસને પંપ મારતી હતી.

અમારે આવું કાયમનું હતું. વર્ષે બે વર્ષે બાપા આમ આવી પહોંચે. આવે એટલે કશીક ઉપાધી લેતા આવે એ નક્કી. હું આઠમા ધોરણમાં હતો ત્યારે બરાબર પરીક્ષાના બીજા જ દિવસે આવી પહોંચેલા. એમણે પ્રકાશ કોલેજની કેન્ટીનના રસોડાનો કોન્ટ્રાક્ટ લીધેલો, અને છોકરાઓની મેસની ફીના બધા પૈસા …… શરૂઆતમાં તો કહેલું કે એમણે એક ભાઈબંધને તાત્કાલિક સારવાર માટે આપ્યા ને એણે પાછા નથી આપ્યા. અંતે કબૂલેલું કે એ જુગારમાં હારી ગયા હતા. એ વખતે દાદા તિરસ્કારથી બોલેલા, 

‘અહીંયા તારો હણીજો મેલી ગયો છે તે છાશવારે હેડ્યું આવે છે? જુગાર રમવા વાળી ના જોઈ હોય તો. ડોઝું ભરીને રસ્તો પકડી લો.’ 

પછી પપ્પા સામે જોઈને કહે, ‘જો આને એક રૂપિયો ય આપ્યો તો મને મરતો ભાળ, કહી દઉં છું.’

સાંભળી બાપા ઊભા થઈ રસોડામાં દોડ્યા હતા. શાક સમારવાનું ચપ્પુ લઇ ઝભ્ભાની ચાળ ઊંચી કરી, ચપ્પાની અણીથી પેટ દબાવતા બોલ્યા, ’લો તમે શું લેવા મરો …’  હું  જ મરું …… લો! પપ્પાએ ઝડપથી આગળ વધી એમનો હવામાં તોળાયેલો હાથ પકડી લીધો. જોરથી બાપાને બેઠક ખંડમાં ધકેલ્યા. બાપા રૂમમાં આવી સેટીના ખૂણે બેસી ખુલ્લા મોંએ મોટા મોટા શ્વાસ લેવા માંડ્યા.

બપોરે બાપા ગયા પછી દાદા મમ્મીને વઢતા હતા. ’એ પોંચી આપણા નીરવના મોસાળમાંથી આયેલી. પિયરનું સોનું આવી રીતે તમે …’ બોલતા એમનો આવાજ સોરાઇ ગયો હતો. પપ્પાએ પાણીનો પ્યાલો  લંબાવતા કહ્યું,

’કશો વાંધો નહીં. સોનુ તો આમ લઈ લઈશું. હું તો આમે ય સોના ચાંદીમાં જ કામ કરું છું.’ મને એમનો અવાજ એમને જ બોદો લાગ્યો હોય એમ અનુભવાયું. એમણે મારી સામે સહેજ ધારીને જોયું. મને યાદ આવ્યું, આ ચોમાસામાં અમારા પાછલા રૂમમાં ભેજ આવવાથી દીવાલે પોપડીઓ ઉખડી ગઈ હતી. મમ્મીએ દીવાલે સાવરણી ફેરવી એટલે પ્લાસ્ટરનું દડબું તૂટીને ખર્યું. ખવાયેલી ઈંટો અને ભેજથી દીવાલે ગાબડું પડ્યું હોય એમ દેખાતું હતું. પપ્પાએ થોડો સિમેન્ટ લાવી સાંજે તવેતાને લેલાની જેમ વાપરી પ્લાસ્ટર કર્યું હતું. બે દિવસે પ્લાસ્ટર સુકાયું એટલે ચૂનાનો હાથ મારી બરાબર આમ જ દીવાલ જોઈ રહ્યા હતા.    

મમ્મીએ કદી બાપા સામેનો અણગમો દેખાવા દીધો નહિ. એ હરિબાપાને ભાવતો શીરો કે લાપસી બનાવતી. ચીકટી આંગળીઓ ચાટતા એ હરખાતા, ‘જયા, તારી લાપસીથી બધું હેઠ.’ પછી મોટો ઓડકાર ખાઈ, ’મહાદેવ…મહાદેવ’ બોલતા આડા પડખે થતાં. એ વખતે ’હેંડ, લગાર પગ કચરી આલ.’ કહી મને બોલાવતા. હરિબાપાની જોડે જતાં જ સડેલી ડુંગળી અને ધુમ્રપાનની દુર્ગંધ વળગી જતી. 

દિવાળી પહેલાં એ આવ્યા ત્યારે પપ્પા એમને ધીમેથી પૂછતા હતા, ’હજી બદલીમાં જાવ છો કે મૂકી દીધું?’ 

’ના..ના રોજ આંટો મારવાનો જ, એમાં ચૂક ના કરું.’ એ બોલ્યા. ‘હં.’ કહી પપ્પા ચૂપચાપ બહાર  ટેલીફોનના તાર પર બેઠેલા કાગડા જોઈ રહ્યા.

બાપા વાડીલાલ હોસ્પિટલ ખાતે દર્દીઓના રસોડામાં બદલી કામદાર તરીકે નોંધાયેલા હતા. કાયમી પટ્ટો મળે એમ નહોતું પણ મહિનામાં આઠ દસ દિવસ બદલી ભરતા. પપ્પા સ્વભાવથી જ શિસ્તબધ્ધ અને કામઢા. એમની વંદે બ્રધર્સ પેઢીની નોકરીથી આવી નિયમિત બે કલાક રેંટિયો કાંતતાં. એક આંટી સૂતર રોજ ઉતારવું એવું નીમ લીધેલું. મેટ્રિક પાસ થઈ એ સર્વોદય આશ્રમ ગુંદીમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં ચાર વર્ષ નવલભાઇ શાહ અને બાબુભાઈ પટેલની કેળવણીમાં ઘડાયા. એ સમયગાળામાં એમનો પરિચય વનમાળી દાદા સાથે થયો.

વનમાળીદાસ ચોકસીનો મૂળ વ્યવસાય સોના ચાંદીના દાગીના ઘડવાનો પણ એમણે દેવજી ઠક્કર સાથે ભાગીદારીમાં વંદે બ્રધર્સ નામની ધીરધારની પેઢી ખોલી હતી. નવલભાઇ એમના નાનપણના મિત્ર હતા. એટલે એ દર વર્ષે આશ્રમ આવતા. જ્યારે એમની પેઢી માટે કોઈ ભરોસાપાત્ર માણસની જરૂર હતી ત્યારે નવલભાઇને સીધું જ પૂછી લીધું, ‘છે કોઇ તમારા ધ્યાનમાં? નવલભાઈએ પપ્પાને નજીક બોલાવી કહ્યું, આ સન્મુખને લઈ જાઓ. 

એ રીતે પપ્પા વનમાળી દેવજીની પેઢીમાં જોડાયા. એ વખતે હું અને મમ્મી મામાને ત્યાં રહેતા  હતાં.

પપ્પા પેઢીમાં જોડાયા એ જ વર્ષે બાપા એમની તલાટી કમ મંત્રીની નોકરીનું ભરણું ઉઠાવીને મુંબઈ ઉપડી ગયેલા. પાંચ દિવસ રોકાયા અને ડાન્સર છોકરીઓ ને દારૂ પાછળ બધા રૂપિયા ઉડાડી પાછા આવ્યા. કલેકટરે સરકારી નાણાંની ઉચાપત સબબ એમની ધરપકડ કરવા માટે ઘેર પોલીસ મોકલી ત્યારે એમની હરી-લીલાની ખબર પડી. 

દાદાએ તાર કરીને પપ્પાને બોલાવ્યા. અમારા બે ઘર પૈકીનું એક ઘર રાતો રાત વેચી બાપાને છોડાવ્યા. પૈસા જમા કરાવતી વખતે દાદા અને સરોજબાએ કલેકટર અને મામલતદારને રીતસર પગે પડીને બાપાની તલાટીની નોકરી બચાવી હતી.

બાપાને ત્યાં નિમિષાબહેન પછી ત્રણ વરસે જયદેવનો જન્મ થયો. ત્યાં સુધી હરિ બાપા તલાટી તરીકે નોકરી કરતા હતા. અચાનક મગજ મેડ થઈ ગયું કે કશીક ધાપ મારી એની મને આજ સુધી ખબર નથી પડી પણ એમને તલાટીની નોકરીમાંથી પાણીચું મળી ગયું હતું. એમની રુખસદ અટકાવવા પપ્પાએ ઘણી મહેનત કરી હતી પણ પણ દાદા કહે, “આપણો રૂપિયો જ ખોટો. “ 

બાપાની નોકરી ગયાનું દુ:ખ સહુથી વધારે દાદાને થયું હતું. એમણે પહેલી વાર મને બહાર જવાનું કહ્યા વગર પપ્પાને કહ્યું, ‘ભઈ, આ આ હરિ લાલે જાતને લૂણો લગાડ્યો છે એ હવે તમને ય લાગશે. તમે એના જીવતરની સાંધા-સૂંધી કરો છો પણ દરેક સમારકામથી તડ વધુ ઊંડી થઈ જાય છે એ હું જોઈ શકું છું.’ મમ્મીએ દબાતા અવાજે કહ્યુ હતું, ‘હું કશું બોલતી નથી પણ મને નથી ગમતું. દરેક વખતે …. બાકીના શબ્દો એમના રુંધાયેલા કંઠમા અવરોધાઈ રહ્યા.

પપ્પા તે દિવસોમાં સુનમૂન થઈ ગયેલા. પોતાને મળેલી નિષ્ફળતાનું પ્રાયશ્ચિત કરતા હોય એમ એમણે રેંટિયો કાંતવાનો અને પ્રાર્થનાનો સમય વધારી દીધો હતો. જયદેવે પેઢીએ ફોન કરી જણાવ્યું હતું કે હરિ બાપા કોઈ કાનદાસ બાપુના મઠમાં પડ્યા પાથર્યા રહે છે અને ઘર ચલાવવા સરોજબા ત્રણ ઘેર રસોઈ કરવા જાય છે. 

જયદેવ દસમામાં આવ્યો ત્યારે અને હું પ્રિ-સાયન્સમાં, ત્યારે નવલભાઇ શાહના બનેવી બળવંતરાય નારણપુરા વોર્ડમાંથી ચૂંટાયા અને વાડીલાલ હોસ્પિટલની કમિટીમાં હોદ્દેદાર નિમાયા. આ સમાચાર જાણી દાદાએ અચાનક  ‘હવે તમે હરિલાલનું ઠેકાણું પાડી આપો ભાઈ’નું રટણ ઉપાડેલું. 

પપ્પાએ ‘આ એક પ્રકારનું ભ્રષ્ટ આચરણ જ ગણાય.’ એવી દલીલ કરી.  

તો સામે એમણે ‘બેસ છનોમાનો! ભાઈ માટે તારે લૂલી ચલાવવા સિવાય શું કરવાનું છે?’નો ડંકો વગાડ્યો. 

ઘરનું વાતાવરણ દર બે ત્રણ દિવસે આ વાતે ડહોળાતું રહેતું. પપ્પાએ એમની વાત ન જ માની એટલે દાદાએ ગુસ્સાભેર એમનો થેલો તૈયાર કર્યો. નીકળતી વખતે, ‘મોટી સિદ્ધાંતની પૂંછડી ના જોઈ હોય તો.’ કહેતાં એમણે ચંપલ પહેરવા માંડ્યા, પપ્પાએ  ત્યારે ય એમને રોક્યા નહીં અને મમ્મીને આંખથી દાદાને રોકતા અટકાવી. મને ‘તું અંદર જઈને ભણવા બેસ.’નો હુકમ કર્યો. દાદા બસ સ્ટેન્ડ સુધી નહિ પહોંચ્યા હોય ત્યાં મને હાથમાં થોડા રૂપિયા આપતાં કહ્યું, દોડતો જા, એમને ગાડીમાં બેસાડી આવ.’

દાદાના ગયા પછી એકાદ મહિનામાં મને ખબર પડી કે હરિ બાપાને વાડીલાલ હોસ્પિટલના રસોડામાં નોકરી મળી ગઈ છે. 

એક દિવસ સાંજે અચાનક દાદા સરોજબાને લઈને આવ્યા હતા. બંધ બારણા પાછળની ચર્ચા હું ન સાંભળું એટલે પપ્પાએ મને એમની રજા ચિઠ્ઠી આપવા પેઢીએ રવાના કર્યો. જતાં જતાં સરોજબાના રડવાનો અવાજ સાંભળી હું દરવાજા પાસે ઊભો રહ્યો. માંડ એકાદ વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું અને પપ્પાએ જોરથી બારણું ખોલી મારી સામે જોયું. ‘તું ગયો નથી હજુ?’ 

સરોજબા એમના ઘેર પાછા જવા નીકળ્યા એ વખતે મેં મારી બચતની રકમ આપી મમ્મીને નિમિષા માટે ડ્રેસ લાવી આપવા કહ્યું હતું. મમ્મીના મોં પર એક રમતિયાળ મલકાટ હતો. મેં પૂછ્યું, કેમ હસે છે?  મારા વાળ ફેંદી નાંખતા; એ ફરી હસીને બોલી, ‘કંઈ નહિ. અમસ્તા.’

સરોજબાએ જતી વખતે વ્હાલથી મારા માથે હાથ ફેરવ્યો. એ વાંકા વળ્યા ત્યારે મારી નજર  એમના પેટે અને પાંસળા પર દેખાતા લીલા કાળા બદામી ઝામાં પર પડી. હુ કંઈ પૂછું એ પહેલા એ ઝડપથી પાલવ સરખો કરતાં અવળું ફરી ગયાં. તો ય, ઢીલા અંબોડા નીચે લગાડેલું ડ્રેસિંગ ના સંતાડી શક્યાં. 

પ્રિ-મેડીકલની પરીક્ષા નજીક હતી છતાં વાંચવા બેસું ત્યારે મને સરોજબાના સોળ અને ડોક પર લગાડેલી મોટી પટ્ટી દેખાતી હતી. મને બાપા પર તિરસ્કાર આવતો હતો. રાત્રે મોડા સુધી ઊંઘ આવતી નહીં. 

ઉમરેઠથી ટપાલમાં આવેલું પોસ્ટકાર્ડ મેં જોયું. ત્રંબકદાદાનો કાગળ હતો. બાપાએ અમારા ઉમરેઠના ઘરનો અડધો હિસ્સો ગીરવે મૂકી પૈસા ખંડી લીધા હતા. 

મને થયું; પપ્પાએ હરિબાપાને કરેલી પ્રત્યેક મદદ ભૂલભૂલામણીમાં પ્રવેશવા જેવી હતી જેમાં અંદર દાખલ થાવ પછી બન્ને તરફની દીવાલો એકમેકની નજીક ધસતી આવતી હતી. બાપાની અવિરત ભૂલોથી થાકી ગયા હશે પણ આ વૃષાસુરનો પ્રછન્ન પ્રવેશ ટાળ્યો ટળે એમ ક્યાં હતો?

તાત્કાલિક પ્રોવિડન્ટ ફંડમાંથી લોન લઈ પપ્પા ગીરોખત રદ્દ કરાવી આવ્યા ત્યારે મને એમના  પર એક પ્રકારનો છૂપો અણગમો જાગતો હતો. પપ્પાને બાપા ખાસ પસંદ હશે? નહિ જ હોય. છતાં એમને સાચવવાના એમના સુખ માટે પ્રયત્નો કરવા છોડી શકતા નથી. એ નથી સાથે રહેતા નથી અલગ! મને એમનો બાપા સાથેનો આવો અળગો અને અડોઅડ વ્યવહાર સમજાતો ન હતો. હું કદી પપ્પાની જેમ નિરપેક્ષ થઇ શકીશ ખરો? 

મારી લાગણી પૂરેપૂરી કચડવા આવ્યા હોય એમ ફરી પાછા બાપા આવ્યા. હું ઓસરીમાં બેઠો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી …’ નવલકથા વાંચતો હતો.

‘કેમ ભાઈ ભણો છો ને બરાબર?’ પૂછતા એમણે ચંપલ ઉતાર્યા. અવાજ સાંભળી દાદા પલંગમાં ઊંચા થયા. બાપાને આવકારવા મમ્મી બહાર આવ્યાં. દાદા ઓસરીમાં આવ્યા ત્યાં સુધીમાં એમણે મારી ખાલી પડેલી આરામ ખુરશીમાં બેસીને બીડી સળગાવી લીધી હતી. ચપટીમાં બીડી નો છેડો દબાવતા એ હસ્યા. અધિકારપૂર્વક બીજો હાથ પેટે ઠપકારતા ‘ખાવું છે’નો મોંઘમ ઈશારો કર્યો. 

આવીને પપ્પા બરાબર ગુસ્સે થયા હતા. એ ગુસ્સે થાય તો પણ એમનો અવાજ સ્થિર રહેતો. 

‘તમને વિચાર જ આવતો નથી? માંડ માંડ ઉમરેઠવાળું ઘર છોડાવ્યું હતું.’ એ એક ક્ષણ ચૂપ રહી બોલ્યા, ‘હજી એના બે હપ્તા બાકી છે ત્યાં તમે નવો ખેલ પાડ્યો.’

બાપા નીચું જોતાં ભાર દઈને ખરજવું ખણવા લાગ્યા. અચાનક મારી પર નજર પડતા દાદાએ મને બહાર જવા ઈશારો કરે કર્યો. 

‘ના એ ભલે બેસે. હવે મોટો થયો, એને જાણવાનો હક છે.’ કહી પપ્પાએ ટેબલના ખાનામાંથી  કાગળો લઈ હાથમાં ઝંઝેડતા કહ્યું, ‘મેં તમને ત્રણ પાનાં ભરી પત્ર લખ્યો હતો. પણ તમે? કાર્બનની છાપ વાળા અક્ષરોની શાહી તેમના અંગૂઠે ચોંટી હતી. એ બેઠા, ઊભા થયા. ફરી બેસવા જતાં અટકીને બોલ્યા,

‘કુટુંબ, જવાબદારી, માણસાઈ, સમજણ, પરિપક્વતા …. આ બધા શબ્દો ઠાલા નથી. એનો અર્થ છે. સંસાર સુખ ભોગવો છો તો એને નિભાવતા પણ શીખો’. 

બાપા ભૂત વળગ્યું હોય એમ ધ્રુજ્યા. હવામાં હાથ ઉલાળતા. ’હા…હા,  હું જ ભૂંડો છું. પાપી છું, મારો છૂટકો થાય તો બધાને શાંતિ. બોલો મરી જાઉં?  અબી હાલ જીવ આપી દઉં.’ કહેતા બંને હથેળીઓથી ગળું ભીંસવા લાગ્યા. એ સાચે જ ગળું દબાવતા હશે? એવો વિચાર આવ્યો પણ એમના ફાટેલા ડોળા જોઈ મને ધ્રાસ્કો પડ્યો. દાદા ઊભા થઈ કહે, ’બંધ કર તારાં નાટક. છાશવારે મરવાના ત્રાગાં કર છ તે જા મરી જા.’ સાંભળતા જ એ રસોડામાં દોડ્યા. એમની પાછળ પપ્પા અને હું. લંગડી ચાલે પાછળ આવતા દાદા પડવા જતા રહી ગયા. બાપાએ પ્રાઇમસ હાથમાં લીધો. ઢાંકણું ખોલવા મથ્યા. પપ્પાએ પ્રાઇમસ ઝૂંટવી એમને હડસેલ્યા. બાપા અળબડિયું ખાઈ  દીવાલે અથડાઇ લથડતા શરીરે પપ્પા સામે આવ્યા. હું વચ્ચે આવીને ઊભો રહ્યો એટલે બંને ડઘાઈને એકબીજાને તાકી રહ્યા. 

‘તમાશો કર્યા સિવાય બેઠક ખંડમાં જઈને બેસો.’ બાપા ન ખસ્યા એટલે પપ્પા કડક અવાજે કહ્યું, ‘જાવ.’ 

‘હું ઉમરેઠનું ઘર તારે નામે કરી આલીશ, મને આમાંથી છોડાય.’

‘મારે તમને કેટલી વાર છોડાવવાના? કેટલીવાર?’ 

પપ્પા હજું કશુંક બોલતા હતા. પણ મારી નજર આગળ બીજું કંઈક દેખાતું હતું. કોલેજમાં જવા તૈયાર થતો જયદેવ, બીજાના ઘરોમાં રાંધી રાંધી થાકીને ઘરમાં ફરી રસોઈ બનાવતાં સરોજબા, ચણિયો ને ટોપ પહેરી ઉભેલી નિમિષા ……… પછી પપ્પાએ વર્ણવેલ દૃશ્ય આંખ સામે ઉતરી આવ્યું. સાંજે ચીમનલાલ માસ્તરની હારમોનિયમ પર ફરતી આંગળીઓ, અડોઅડ તકિયાને ટેકે દિલરુબા પર બેઠેલા દાદા, તબલાં પર હરિલાલ ને આંખો મીંચી ભજનની કડીઓ ગણગણતા પપ્પા. 

મેં મારે હાર્મોનિયમ શીખવું છે એમ કહ્યું ત્યારે પપ્પાએ ‘એમ! શીખ. જરૂર શીખ. કહેતા આડું જોઈ આંગળી અને અંગૂઠાથી આખો લૂછી હતી. 

બાપા ધોતિયાના છેડાથી આંખો લુછતા હતા. એ ક્યારે બેઠા? પહેલાં પપ્પા ઊભા થઈ તેમની નજીક ગયા. એમને બરડે હાથ મૂક્યો.

‘તમે આવું કરશો એ કેમ ચાલશે? ’

બાપાનું શરીર ધ્રુજે ગયું અવાજ સંભળાતો નહોતો પણ તૂટક તૂટક શબ્દો ‘હું એવો નથી … ભૂલ થૈ … જીવ અમળાય એટલે …. મમ્મીએ પાણી ધર્યું. ઘૂંટડો ભરી એમણે પ્યાલો મૂકી, હાથ જોડ્યા. બધા આમતેમ થયા અને વાતો બંધ થઈ ગઈ. 

બીજે દિવસે પપ્પા મને લઈને પેઢીએ ગયા ત્યારે વનમાળી શેઠે પપ્પાના હાથમાંથી સોનાની જનોઈ લઈ વજન કાંટા પર મુકતા કહ્યું, ‘વિચારી લો બરાબર. સોનું કાઢી નાખ્યા પછી ફરી નહીં વસાવી શકો.’ પપ્પાએ મારા ખભે હાથ મૂક્યો. ‘આ બરાબર ભણશે તો સોનાથી એ અદકો નિવડશે.’

હું મેડીકલના બીજા વર્ષમાં પાસ થયો એ જોવા દાદા  હાજર ન હતા. બેઠક ખંડની દીવાલે  મૂકેલી તસવીરમાં આત્મા હોત તો એમની આંખો ગર્વ અને સંતોષથી ચમકી ઉઠત.

એમ.બી.બી.એસ.નું પરિણામ આવ્યા પછી પપ્પા સાથે પેથોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું  કે કાર્ડિયોલોજીમાં?ની  મૂંઝવણ હતી. પપ્પા કહે, ‘હ્રદય સાવ સરળ અને જટિલ હોય છે, બેટા. જટિલ સમજીએ તો સરળ આપોઆપ સમજાય.’ 

મેં કહ્યું ‘તમારી ઇચ્છા છે હું કાર્ડિયો લઉં.’

એમણે અમારા વેચાઈ ગયેલા ઉમરેઠના મકાનનો ઉલ્લેખ કર્યો. 

મેં કહ્યું, ‘પપ્પા તમે ફી કે હોસ્ટેલના ખર્ચની ચિંતા ના કરશો’. એમણે ઝાંખો થતો જતો ઉજાસ પકડી રાખવો હોય એમ બારી બહાર જોયા કર્યુ. પછી મલકાયા. ‘મને ભરોસો છે તમે બધું સંભાળી લેશો.’  એમણે મારી સામે જોયું હોત તો મને ગમત પણ એમ બોલ્યા પછી એમણે નજર ફેરવી નહોતી. એ બહાર એવી રીતે જોતા હતા કે ઝાંખા થતા દૃશ્યની આરપાર જોતા હોય.

ઘણીવાર રાત્રે હું સૂતો હોઉં ત્યારે પપ્પા આવે. મારો સેટી બહાર લબડતો હાથ હળવેથી પથારીમાં ગોઠવે. મને બરાબર ઓઢાડી એ ઋજુતાથી મારા માથે હાથ મૂકતા. કેટલી ય વાર હું ઘસઘસાટ ઊંઘતો હોઉં એમ બંધ પાંપણની ધારમાંથી બધું જ જોઈ રહેતો. 

એ રાત્રે પણ એ આવ્યા. રજાઈ સરખી કરી મારા માથે હાથ ફેરવ્યો થોડી ક્ષણો એમ જ મને જોતા રહ્યા.

એ સવારે એ ઉઠ્યા જ નહિ. ડોક્ટરે મેસીવ હાર્ટએટેકનું નિદાન લખી ડેથ સર્ટિફિકેટ આપવા હાથ લંબાવ્યો ત્યારે હું જાણે અંધકારમાં ઊતરવા લાગ્યો. કોઇએ મને બાવડેથી પકડી ઊભો કર્યો. મને અનુભવાયેલો સૂનકાર બધે વ્યાપી ગયો હતો. આખે રસ્તે સહુ એમની સામે જોતું હતું. સ્મશાનમાં, ભડભડતી આગ વચ્ચે ફાટતા લાકડાના અવાજમાં. છેડેથી ચીરાયેલા, તતડતા અંગારામાં પપ્પા ઓગળતા હતા. વનમાળીદાદાએ મારા ખભે હાથ મૂકી હળવેથી મને મોટી  મોટી પોકે રડતા હરિબાપા તરફ ખેંચ્યો. મારાથી અનિચ્છાએ એમનો હાથ ખેસવાઇ ગયો. 

⦁ 

બારણું ખખડ્યું. 

બાપાનો અવાજ આવ્યો. અંદર આવીને બાપા સંકોચાઈને ખુરશીમાં બેઠા. ટ્યુબલાઈટના અજવાળામાં તેમના મેલાં લૂગડાં, વધેલી દાઢીના ખૂંપરા અને ખરજવું જોઈ મને ઉબકો આવવા જેવું થયું. ઘર બહાર જોરથી વહેતા પવનમાં લીમડાની ડાળીઓ વીંઝાતી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. મોં ફેરવી બાપા સામે તાકતા મારાથી હવામાં બાચકો ભરવા જેવું થઈ ગયું. મમ્મી આવીને ઉભડક બેઠાં. બાપાએ ધીમેથી કહ્યું, ‘આ વખતે તો એવું થયું છે કે …..’ 

હું બેસવા ગયોને ખ્યાલ આવ્યો કે સોફાની કિનાર સહેજ દૂર હતી. હડબડાઈ પાછળ ખસ્યો. બાપા પર નજર પડી. મરતું મોઢું જોવે એમ એ પપ્પાના અને દાદાના  ફોટા સામે તાકી રહ્યા હતા. એમ જ જોતાં જોતાં એમનો હાથ  ખરજવા ઉપર ગયો. 

મેં જોયું, મમ્મીનો ચહેરો સાવ લેવાઈ ગયો હોય એવો થઈ ગયો હતો. એના લમણાની એક નસ ઊપસીને ધબકતી હતી.

મેં પપ્પાના ફોટા તરફ જોયું. કાચમાં મારો ચહેરો તરવર્યો, સામી દીવાલે. જાણે એ કહેતા હતા. ‘ના એટલે દૂર નહિ સાવ પાસે.’

 *         *          *

8, Carlyon Close, Wembley, Middlesex- Greater  London HA0 1HR
e.mail : anilvyas34@gmail.com 

Loading

ટ્રમ્પ ‘દાદા’ હોય તો અમેરિકાના, દુનિયાના નહીં !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 May 2025

રવીન્દ્ર પારેખ

20 જાન્યુઆરી, 2025ને રોજ બીજી વખત અમેરિકી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તે ઠરીને બેઠા નથી. શપથ લેતાંની સાથે જ તેમણે જાહેર કર્યું કે હવેથી થર્ડ જેન્ડરની માન્યતા ખતમ ! આમ અમેરિકા તો ઠીક, દુનિયાને પણ તેમણે જંપવા દીધી નથી. તેમનાં ફરમાનોમાં ઠરેલપણું સંશોધનનો વિષય છે. તેમને બોલવાનો વાંધો નથી ને બોલીને ફરી જવાનો તો જરા પણ નથી. સનસનીખેજ રીતે વર્તવાનું તેમને ફાવે છે ને તેમને એવો વહેમ છે કે તેમની સનસનાટી દુનિયાને માફક આવે છે. ભારત સાથે તેમને મૈત્રી છે, એના કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સાથે મૈત્રી છે એમ કહેવું વધારે યોગ્ય છે. મોદી કોઈ પણ વડા પ્રધાન કરતાં વધુ, એવી નવ મુલાકાત અમેરિકાની લઈ આવ્યા છે, એમ જ ટ્રમ્પ પણ ભારત આવ્યા છે. મૈત્રી એટલી મજબૂત તો હતી જ કે અમેરિકી પ્રમુખ તરીકે સોગંદવિધિમાં ભારતને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ હતું, પણ નરેન્દ્ર મોદીને ન હતું.

એમ પણ કહેવાય છે કે ટ્રમ્પ, મોદીથી એ મુદ્દે નારાજ હતા કે બીજા કાર્યકાળની ચૂંટણીમાં મોદી ટ્રમ્પને મળ્યા ન હતા. તેથી કદાચ મોદીને આમંત્રણ ન હતું. એ પછી પણ ટ્રમ્પ અને મોદી એટલા સ્પષ્ટ છે કે વેપારને મામલે મૈત્રી વચ્ચે લાવતા નથી. એટલે જ ટ્રમ્પ ઓવલ હાઉસમાં મોદીને મોઢામોઢ કહી શકે છે કે જે રીતે ભારત, અમેરિકા સાથે વર્તશે, એ રીતે અમેરિકા ભારત સાથે વર્તશે. મોદી રેસિપ્રોકલ ટેરિફને મામલે ટ્રમ્પ સામે ઝૂક્યા નથી તે પણ ટ્રમ્પની નારાજગીનું કારણ ખરું. ટ્રમ્પે પ્રમુખ તરીકે દુનિયા સામે ટેરિફિક ટેરિફ વોર છેડ્યું અને ચીન, ભારત તથા અન્ય દેશો સામે સોથી વધુ ટકા ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી. સામે ભારત, ચીને પણ ટેરિફ અંગે ધમકીઓ આપી. જો કે, પછી ટેરિફ વોરની હવા નીકળતી ગઈ છે …

7 મેથી 11 મે, 2025 દરમિયાન ભારત પાકિસ્તાન સામે બાખડતું હતું, એ દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે પણ કશુંક રંધાઈ રહ્યું હતું ને ભારતે એ બંને મોરચા એક સાથે સંભાળવાના હતા. અમેરિકા અને ચીને જિનિવામાં એક બેઠક કરી. એમાં અગાઉના વાંધા ભૂલીને નવેસરથી ધંધો કરવાની વાત હતી. બંને દેશોએ ટેરિફ વોરને મામલે સમાધાન કરી લીધું. તે એટલે કે અમેરિકન કંપનીઓ મુશ્કેલી અનુભવતી હતી ને તેની સામે ચીનમાં લો કોસ્ટ પ્રોડકશનમાં જે માલ અમેરિકાને મોકલતી હતી તેની ખપતના પણ પ્રશ્નો હતા, એટલે અમેરિકા અને ચીને હાથ મેળવી લીધા. એ પછી આગળ શું થયું તે ખબર નથી, કારણ ટ્રમ્પ બોલવામાં માને છે, એટલું કરવામાં માનતા નથી.

એ પણ ખરું કે કોઈ પોતાની આગળ નીકળે એ પણ ટ્રમ્પને બહુ રૂચતું નથી. બાકી હતું તે એપલનાં CEO ટિમ કૂકે ભારતનાં વખાણ કર્યાં. પરિણામે ટ્રમ્પનું એવું ફરમાન છૂટ્યું કે એપલ કંપનીએ તેનાં ફોન અમેરિકામાં બનાવવા. જો એપલ કંપની ભારતમાં મોબાઈલ બનાવતી જ હોય, તો દેખીતું છે કે તે અહીં વાઈન્ડ અપ ન કરે. ટ્રમ્પે એપલ અને સેમસંગ કંપનીઓને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ તેમને 25 ટકા ટેરિફ લગાવવાની વાત પણ કરી. આ ટેરિફ નથી, પણ પેનલ્ટી જ છે. એ જ રીતે અમેરિકાની બહાર બનતી ફિલ્મ પર પણ 100% ટેરિફ ઝીંકવાની વાત ટ્રમ્પે કરી છે. ટ્રમ્પ ભલે એપલને અમેરિકા ખેંચવાની કોશિશ કરે, પણ અમેરિકાની 9 મોટી કંપનીઓ વિદેશમાં 80થી વધુ ઉત્પાદનો કરે છે. આ મામલે ટ્રમ્પ સમજાતા નથી. 2002 સુધીમાં 77% ઉત્પાદનો મેઇડ ઇન યુ.એસ.એ. હતા. તે હવે 46 % પર છે. એ સૂચવે છે કે કેટલુંક ઉત્પાદન અમેરિકાનું નથી. એમ લાગે છે કે અમેરિકી પ્રમુખ પાસે લૉજિક સિવાય બધું જ છે.

ભારતે આતંકી થાણાંઓ પર એર સ્ટ્રાઈક કરી ને પાકિસ્તાને પણ જાત બતાવી. પરિણામે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. એમાં પાકિસ્તાનને વધુ નુકસાન થતાં, તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી ને ભારતે તે મંજૂર રાખી. દેખીતું છે કે તેની જાહેરાત ભારત કરે, પણ ડોનાલ્ડ ડકની જેમ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. આખી દુનિયામાં ટ્રમ્પે ટ્રમ્પેડ વગાડ્યું કે યુદ્ધવિરામ એમને આભારી છે. પછી જ્યારે ભારતે ખુલાસો કર્યો ત્યારે એ બહાર આવ્યું કે ટ્રમ્પે રીતસરની દખલ જ કરી હતી. ટ્રમ્પે વ્હાલા થવા, પી.ઓ.કે. સંદર્ભે માથું મારવાની કોશિશ કરી, તો ભારતે કોઇની પણ દખલ વગર એ મામલો ઉકેલવાની વાત કરી.

પણ ટ્રમ્પ, બમ્પની ગરજ સારે એવા પરગજુ છે. તેમણે પોતાની મૌખિક તોપ અન્ય દેશો તરફ ફેરવી. રશિયા-યુક્રેન યુદ્ધ મામલે કાજી થવા ગયા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવીને પાણીથી પાતળા કર્યા, તો રશિયન પ્રમુખ પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે વારંવાર સમજાવ્યા. બંને દેશોએ સૈનિકોની આપ-લે તો કરી, પણ યુદ્ધ ચાલુ રહેશે એવી જાહેરાત પણ કરી. ઝેલેન્સ્કી સાથેની તડાફડી પછી રાષ્ટ્રપ્રમુખના ઓવલ હાઉસમાં આમંત્રણથી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ ટ્રમ્પને મળવા ગયા, તેમને અપેક્ષા હતી કે અમેરિકા અને સાઉથ આફ્રિકાના સંબંધો મજબૂત બનશે, ત્યાં ટ્રમ્પે એવો ધડાકો કર્યો કે સાઉથ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર અત્યાચાર થાય છે. દક્ષિણ આફ્રિકાનો વીડિયો બતાવી ટ્રમ્પે ગોરા ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે એમ બતાવ્યું. આ રીત અપમાનિત કરનારી હતી. રામફોસાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકા ટ્રમ્પના આરોપોને નકારે છે. રામાફોસા ઉશ્કેરાયા નહીં, પણ ટ્રમ્પ તો ઉશ્કેરાયેલા જ રહ્યા. રામાફોસાએ માફીના સૂરમાં સંભળાવ્યું પણ ખરું કે તેમની પાસે આપવા માટે વિમાન નથી, તો ટ્રમ્પે પણ શરમ છોડીને કહ્યું કે કાશ ! તમે મને વિમાન આપી શકો. એ વાત પર એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે તમે વિમાન સ્વીકારો છો? ટ્રમ્પનો જવાબ હતો કે અમેરિકાની વાયુસેના માટે આપવામાં આવે તો સ્વીકારું છું. પત્રકારે વળતો સવાલ કર્યો કે તમને તો કતાર પાસેથી પર્સનલ ગિફ્ટમાં (3,400 કરોડનું) વિમાન મળ્યું છેને? તો, ટ્રમ્પ ભડક્યાને પત્રકારને ઝાટકતાં કહ્યું કે તું હવેથી આવતો નહીં. મારે તારા સી.ઇ.ઓ. સાથે વાત કરવી પડશે. એ ખરું કે ટ્રમ્પનાં આવાં વર્તનથી ઓવલની પ્રતિષ્ઠા જોખમાઈ છે.

આટલાથી સંતોષ ન હોય તેમ, ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરવાનું ચૂક્યા નથી. ટ્રમ્પ અને ઇઝરાયેલના નેતન્યાહૂ વચ્ચે હવે બારમો ચંદ્રમા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. તેનું એક કારણ અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના કર્મચારી પતિ-પત્નીની હત્યા થઈ તે ! વળી ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એ વાત પેટમાં ન રાખતાં ટ્રમ્પે ઈરાનને કહી પણ દીધી. આવા બફાટને કારણે અમેરિકા, ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ રોકે એ શક્ય નથી. બીજી તરફ દેશ તરીકેની પહેલી માન્યતા ઇઝરાયેલને ભારતે આપેલી, એટલે બંને મિત્રો છે ને અમેરિકાનું ઈઝરાયેલ સાથે કટાયું છે, એટલે ભારતથી અમેરિકા ન કતરાય તો જ નવાઈ !

ટ્રમ્પ પ્રમુખ થયા પછી ફરી એક વાર ગલ્ફ કન્ટ્રીઝની મુલાકાત લઈ ચૂક્યા છે, તે દુનિયાભરમાં છવાઈ જવાની દાનતે. હેતુ એ કે ગલ્ફ કન્ટ્રીઝ અમેરિકામાં વધુ ઇન્વેસ્ટ કરે. એ તો ઠીક, પણ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ભણતરની મોકળાશ ઘટતી આવે છે તે પણ ખરું ! ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થી ઇચ્છતા જ ન હોય તેમ, તેમના પ્રતિબંધને કારણે ભવિષ્યમાં હાવર્ડ યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. અમેરિકી સરકારે 2.6 અબજ ડોલરની સહાય તો બંધ કરી જ, તે સાથે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એનો મેસેજ દુનિયામાં એવો ગયો છે કે અમેરિકાને વિદેશી ટેલન્ટની પડી જ નથી. વળી અમેરિકામાં કારકિર્દી બનાવવા જેવું વાતાવરણ પણ રહ્યું નથી, એવું હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણેલા ગુરુગ્રામના ઉદ્યોગ સાહસિક રાજેશ સાહની માને છે. એમ પણ લાગે છે કે અમેરિકામાં અન્ય મંત્રીઓ જ ન હોય, તેમ ટ્રમ્પનો ઘોંઘાટ જ વિશ્વમાં પડઘાયા કરે છે.

આ અને આવી અનેક ઘટનાઓ ટ્રમ્પનાં પાંચેક મહિનાના શાસનમાં સામે આવી છે. એમાં ટેરિફ, વેપાર અને અપમાન એટલું જ હાથ લાગે છે. સારા રાજનેતાને દેશ અથવા વિશ્વ સુધારવાની કે વિશ્વને ઉપયોગી થવાની ચિંતા હોય. ટ્રમ્પને દેશ જ નહીં, વિશ્વમાં અરાજકતા, અશાંતિ ફેલાવવાના અભરખા હોય એમ લાગે છે. વિવેક તેમનામાં શોધ્યો જડતો નથી. સૌથી મોટી મહાસત્તાનો પ્રમુખ ગૌરવ અને ગરિમા જાળવે જ નહીં, એ કેવું? આશ્ચર્ય તો એ વાતનું છે કે અમેરિકા તો વેઠી લે, પણ દુનિયાના અન્ય દેશો પણ તેમની જોહુકમી, ઉદ્ધતાઈ અને અસ્થિર મનોદશા વેઠી લે એ આશ્ચર્યજનક જ નહીં, આઘાતજનક પણ છે. વૈશ્વિક અસ્થિરતાના આ જનક માટે એક જ વાત બચાવમાં કહેવાની છે અને તે ખરી કે ખોટી, યુદ્ધને રોકવાની. કોઈ યુદ્ધ ચાલુ રહે એ એમને માન્ય નથી. એટલે જ એમણે રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ગાઝા, ભારત-પાકિસ્તાન માટે સમાધાન કરવાની કોશિશ કરી છે, એ માટે ઉદ્ધત થવું પડે, તો પણ તેમને તેનો વાંધો નથી. એ રીતે તે વિરલ છે ને વાઇરલ પણ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 મે 2025

Loading

...102030...273274275276...280290300...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved