
આરાધના ભટ્ટ
આજની સભામાં મને નિમંત્રિત કરી એ બદલ આભાર. વિપુલભાઈ, પંચમભાઈ અને યુનાઇટેડ કિન્ગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ કર્તાહર્તાઓ તેમ જ આવી સત્ત્વશીલ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઊલટભેર અને વર્ષોથી સહભાગી થનાર સૌ સભ્યો, તમે અભિનંદનને પાત્ર છો.
હું લખું છું ગુજરાતીમાં, મારી પ્રસારણને લગતી સકળ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગુજરાત અને ગુજરાતીઓ છે, પણ મારી યુનિવર્સિટીની પદવીઓ માટે મેં અભ્યાસ કર્યો અંગ્રેજી સાહિત્યનો અને પછી આવીને વસવાનું બન્યું ઓસ્ટ્રેલિયામાં. એટલે એ રીતે જેઇન ઑસ્ટિન સાથે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી અને ભાવક તરીકે નાતો છે એમ કહી શકું. વળી ઇંગ્લેન્ડની મારી પહેલી મુલાકાત દરમ્યાન બાથની મુલાકાત લીધી ત્યારે ત્યાંની હવામાં જાણે કે જેઇન ઑસ્ટિનની હાજરી પામી શકાતી હતી. ત્યાંના જેઇન ઑસ્ટિન સેન્ટરે મન મોહી લીધું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ૧૮૦૧થી ૧૮૦૬ દરમ્યાન એમણે બાથમાં વસવાટ કરેલો અને આ સુંદર સ્થળ એમને એટલું પ્રભાવક લાગેલું કે એમની બધી જ નવલકથાઓમાં એના ઉલ્લેખો છે અને બે નવલકથાઓ ‘નોર્થેન્ગર એબી’ અને ‘પર્સ્વેઝન’ની પાર્શ્વભૂ બાથ શહેર છે.
જેઇન ઑસ્ટિનની નવલકથાઓને સમજવા અને માણવા માટે પહેલાં તો એમના યુગને, ત્યારની અંગ્રેજી સમાજરચનાને અને એની ખાસિયતોને સમજવી જરૂરી છે. સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ રજૂ કરતું હોય છે અને સમાજને અમુક રીતે ઘડતું પણ જાય છે, એ હકીકત પણ સર્વવિદિત છે. જેઇન ઑસ્ટિન ૧૮મી સદીમાં જીવ્યાં – જેને અંગ્રેજી સાહિત્યનો જ્યોર્જિયન પિરિયડ કહેવાય છે. માત્ર ૪૧ વર્ષની વયે એમણે જીવનલીલા સંકેલી એ દરમ્યાન એમણે છ નવલકથાઓ લખી. એ જાણીતી થયેલી છ નવલકથાઓ ઉપરાંત એમના મૃત્યુ પછી કેટલીક અપ્રગટ હસ્તપ્રતો પણ મળી આવી હતી. એ સમય એવો હતો જ્યારે સાહિત્યની વર્ણ વ્યવસ્થામાં નવલકથાનો વર્ણ બહુ આદરપાત્ર નહોતો, કવિતાનો અને કવિઓનો મહિમા હતો. ઉપરાંત સ્ત્રીઓ લેખન કરે એ ઇચ્છનીય નહોતું ગણાતું, તેથી એમણે એમની નવલકથાઓ સૌ પ્રથમ anonymous – પોતાના નામ વિના પ્રગટ કરી હતી. જેઇન ઑસ્ટિનની નવલકથાઓ એ ૧૮મી સદીની સમાપ્તિ અને ૧૯મી સદી તરફના પ્રયાણની નવલકથાઓ છે, અર્થાત એમાં વાસ્તવવાદ તરફનો ઝોક જોવા મળે છે. સામાજિક દરજ્જા માટે સ્ત્રીઓ લગ્ન સંસ્થા પર નિર્ભર હતી, લગ્ન એમના જીવનનું કેન્દ્રબિંદુ હતું અને ૧૮મી સદીમાં સમાજનો જમીનદાર ગર્ભશ્રીમંત વર્ગ કેવો હતો એનું ચિત્રણ એમની નવલકથાઓનું વિષયવસ્તુ બન્યું છે. એમાં એ સમયની સામાજિક માન્યતાઓ અને પ્રથાઓની ક્યાંક માર્મિક આલોચના પણ છે.
‘એમા’ નામની નવલકથા એમની પ્રગટ થયેલી ચોથી નવલકથા છે. એનું પ્રકાશન ડિસેમ્બર ૧૮૧૫માં થયું, જો કે પહેલી આવૃત્તિના પહેલા પાને પ્રાગટ્યનું વર્ષ ૧૮૧૬ નોંધવામાં આવ્યું છે. આજે આપણને જાણીને આશ્ચર્ય થશે કે એની પ્રથમ આવૃત્તિમાં એની ૨,૦૦૦ પ્રત છપાઈ હતી અને એના પ્રકાશક હતા લંડનના ખ્યાત પ્રકાશક જ્હોન મરી. ‘એમા’ પુસ્તક ઘણું ચાલ્યું, એનું વેચાણ સારું થયું પણ ત્યાર પછીની ‘મેન્સફીલ્ડ પાર્ક’ નવલકથા ન ચાલી. ‘મેન્સફીલ્ડ પાર્ક’ એમના જીવનકાળમાં પ્રગટ થયેલી છેલ્લી નવલકથા છે. વોલ્ટર સ્કોટ જેવા એ સમયના મોટા ગજાના નવલકથાકારે ‘એમા’ પ્રગટ થતાંની સાથે એનો રિવ્યુ લખ્યો. વોલ્ટર સ્કોટે નવલકથાના સાહિત્યિક સ્વરૂપનો મહિમા કર્યો અને ‘એમા’ નવલકથાની પ્રશંસા કરી.
હવે કરીએ ‘એમા’ નવલકથાની વાત – એને novel of manners કહેવામાં આવી છે. તો શું છે આ novel of manners? બ્રિટાનિકા એની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – A novel of manners is a work of fiction that re-creates a social world, conveying with finely detailed observation the customs, values, and mores of a highly developed and complex society. The conventions of the society dominate the story, and characters are differentiated by the degree to which they measure up to the uniform standard, or ideal, of behaviour or fall below it. The range of a novel of manners may be limited, as in the works of Jane Austen, which deal with the domestic affairs of English country gentry families of the 19th century and ignore elemental human passions and larger social and political determinations. એને ‘કોમેડી ઓફ મેનર્સ’ પણ કહેવાઈ છે.
નવલકથાની ઘટનાઓ કાલ્પનિક હાઇબરી, હાર્ટફિલ્ડ અને આસપાસનાં કાલ્પનિક ગ્રામ્ય વિસ્તારોમાં ઘટે છે. કોઈક વિવેચકોએ એવું પણ નોંધ્યું છે કે હાઇબરી એ સ્થળ ન રહેતાં એક પાત્ર બનીને આપણી સમક્ષ આવે છે. નવલકથાનાં પાત્રો ત્યાંના થોડા શ્રીમંત અને સમાજમાં અગ્રગણ્ય પરિવારોનાં સભ્યો છે અને એ રીતે નવલકથાનો વ્યાપ થોડો સીમિત છે. એમા નામની યુવતી એનું મુખ્ય પાત્ર છે. એમા અને એની આસપાસની સ્ત્રીઓના લગ્નને લગતા પ્રશ્નોને જેઇન ઑસ્ટિન આ નવલકથામાં નિરૂપે છે. નવલકથા લખતાં પહેલાં ઑસ્ટિને કહેલું કે તેઓ એક એવા પાત્રનું સર્જન કરવા જઈ રહ્યાં છે જે એમના સિવાય અન્ય કોઈને ખાસ ગમશે નહીં. અને પછી નવલકથાના પહેલા જ વાક્યમાં એ એમાને આ રીતે પ્રસ્તુત કરે છે “Emma Woodhouse, handsome, clever, and rich, with a comfortable home and a happy disposition, seemed to unite some of the best blessings of existence; and had lived nearly twenty-one years in the world with very little to distress or vex her.” આ પહેલા વાક્યમાં મને seemed શબ્દ નોંધપાત્ર લાગે છે. જે જણાય છે અથવા જે લાગે છે એ હંમેશાં હકીકત અથવા વાસ્તવિક હોય એ જરૂરી નથી. એમા એ તત્કાલીન સમાજના એક એવા વર્ગની ૨૧ વર્ષીય નાયિકા છે જેણે ખાસ કશું વેઠવું પડ્યું નથી. આખી નવલકથાના કથાનકનો સારાંશ અહીં રજૂ નથી કરતી, કારણ કે તમારામાંના ઘણાએ એ જરૂરથી વાંચી હશે અથવા એના કથાનકથી પરિચિત હશો.
એમાની મિત્ર અને ગવર્નેસ મિસ ટેઇલર અને મિસ્ટર વેસ્ટન એકમેકના પરિચયમાં આવે છે અને લગ્ન કરે છે એનું શ્રેય એમાને જાય છે. કારણ કે એમનો મેળાપ કરાવનાર એમા છે. જેમ આપણા સમાજમાં કેટલાક પરગજુઓ હોય છે જે સતત કોઈને કોઈનું ચોકઠું ગોઠવી આપવાની ગોઠવણમાં હોય છે અને એમાં પોતાની ધન્યતા માનતા હોય છે, એવું જ કંઈક એમાનું છે. એમાને એક મોટી બહેન છે, ઈસાબેલા, જે પરીણિત છે. નવલકથાનાં પાત્રો હેરિયટ સ્મિથ, મિસ્ટર એલ્ટન, ફ્રેંક ચર્ચિલ, મિસ્ટર નાઇટલી, મિસ બેટ્સ અને મિસિસ બેટ્સ, રોબર્ટ માર્ટિન્સ પોતાનાં પ્યાદાં હોય એમ એમનાં લગ્નને અને જીવનને ગોઠવવાના પ્રયત્નો એ એમાની પૂર્ણ સમયની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિઓને પરિણામે એ પોતાને માટે અને અન્યોને માટે અનેક વિચિત્ર પરિસ્થિતિઓ સર્જે છે. અનેક ગેરસમજો ઊભી થાય છે. કોઈનું તૂટે છે, કોઈનું સંધાય છે. અંતે ભારતીય રોમેન્ટિક ચલચિત્રોમાં બને છે એમ સૌ ખાઈ પીને રાજ કરે છે. એમા વુડહાઉસ જે નવલકથાની શરૂઆતમાં પોતાને લગ્ન સંસ્થાથી અલિપ્ત ગણાવતી હતી તે સ્વયં પ્રેમમાં છે એ વાત આખરે જાત સાથે કબૂલે છે અને લગ્ન કરી લે છે. કથાનક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એમાનું પાત્ર પણ વિકસે છે. નવલકથાની શરૂઆતની એમા અને સમાપનની એમા જુદી છે. શરૂઆતમાં ક્યાંક ઉદ્દંડ-માથાભારે લાગતી, ક્યાંક અવ્યવહારુ લાગતી એમા અંતમાં પોતાની મર્યાદાઓ સમજતી થઈ જણાય છે. થોડી વધારે વિનમ્રતા અને સ્થિરતા એના વ્યક્તિત્વમાં આવેલી જણાય છે. નવલકથાનો પટ એ એમા વુડહાઉસનો self discovery – આત્મખોજનો પટ છે. એટલે એ રીતે જોતાં એમા એ પાત્રકેન્દ્રી નવલકથા બની છે – novel of characters. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં લગ્ન અને સામાજિક દરજ્જો એ બે મુખ્ય વિષયો છે.

જેઇન ઑસ્ટિન
શેક્સપિયરની કરુણાંતિકાઓ સંદર્ભે hamartia – tragic flawનું વિભાવન સાહિત્યમાં પ્રચલિત છે, જેનાં મૂળ ગ્રિક સાહિત્યમાં છે. જે તે પાત્રની એક અથવા એકથી વધુ લાક્ષણિકતાઓ એ પાત્રની દુર્દશા કરે એને હેમર્શિયા hamartia કહે છે. એમા માટે એ શબ્દપ્રયોગ ન થઈ શકે કારણ કે એ કરુણાંતિકા નથી અને એમાની દુર્દશા નથી થતી પરંતુ એના પાત્રનું ચિત્રણ જેઇન ઑસ્ટિને આ રીતે કર્યું છે. એમા વિશે એ કહે છે કે “Emma possesses “the power of having rather too much her own way, and a disposition to think a little too well of herself.” પોતાનું ધાર્યું કરવાની ટેવ અને પોતાના વિશે વધારે પડતો ઊંચો અભિપ્રાય – એમાના એ બે પ્રશ્નો આ નવલકથામાં ઘણા સંઘર્ષો અને તકલીફોનું કારણ બને છે.
એમા વુડહાઉસનું પાત્ર રચીને જેઇન ઑસ્ટિન કદાચ એક સશક્ત નારીનું ચિત્ર રજૂ કરી રહ્યાં હતાં, એક એવી નારી જે લગ્ન ન કરવાનો ઇરાદો રાખે છે, એટલું જ નહીં એમાના પિતા હેન્રી વુડહાઉસ, એમાને લગ્ન ન કરવાની સલાહ આપે છે. અંતે જ્યારે એમા અને મિસ્ટર નાઇટલીનાં લગ્ન થાય છે, ત્યારે મિસ્ટર વુડહાઉસ દીકરી એમા વિના એકલા પોતાનું જીવન ચલાવી નહીં શકે એવું જણાતાં મિસ્ટર નાઇટલી ઉદારતા દર્શાવીને લગ્ન પછી એમના ઘેર રહેવા આવી જાય છે. આપણી ભાષામાં આપણે એમને ઘરજમાઈ કહીશું. જેઇન ઑસ્ટિન નારીવાદી હતાં કે કેમ અથવા એમની આ નવલકથા દ્વારા એ ફેમિનિસ્ટ વિચારધારા માટે પોતાનું અનુમોદન રજૂ કરવા માંગતાં હતાં કે કેમ એ પ્રશ્ન વારંવાર વિદ્વાનોમાં અને વિવેચકોમાં ચર્ચાય છે. પણ મને લાગે છે કે એનો જવાબ આપતાં પહેલાં આપણે નારીવાદની વિભાવના અને વ્યાખ્યા તરફ જવું પડે અને એને આપણી ક્ષમતા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરવો પડે.
૧૯મી સદીના ઇંગ્લેન્ડમાં સામાજિક દરજ્જો, જેમ ભારતીય સમાજમાં છે એમ, અનેક જુદાજુદા પરિબળોનાં આધારે નક્કી થતો – નામ/અટક, લિંગ – સ્ત્રી/પુરુષ, સમાજમાં પરિવારની આબરૂ, સંપત્તિ. અને વ્યક્તિનું જીવન કેવું જાય એ આ દરજ્જો નક્કી કરતો. કદાચ એવું પણ કહી શકાય કે આ નવલકથા દ્વારા જેઇન ઑસ્ટિન એ સમયની આ સમાજ વ્યવસ્થા વિશે ટિપ્પણી કરી રહ્યાં હતાં, એમાં કદાચ થોડો કટાક્ષનો ભાવ પણ ભળેલો હતો.
વિષયવસ્તુની દૃષ્ટિએ જોતાં ‘એમા’ નવલકથામાં નવીનતા ઓછી છે, અથવા નથી. નિરૂપણ શૈલીની વાત કરીએ તો એ સમયની નવલકથાઓ મુખ્યત્વે પહેલા પુરુષમાં અથવા ત્રીજા પુરુષમાં લખાતી. જ્યારે જેઇન ઑસ્ટિન એમની ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ અને પછી ‘એમા’માં વાચકને નવલકથાના મુખ્ય પાત્રની ખૂબ નજીક લઈ જાય છે. એના મનોગત સુધી પહોંચવામાં લેખિકા વાચકની મદદે આવી છે. અમુક પ્રસંગોએ તો વાચક પરીસ્થિતિ, પ્રસંગ અથવા બીજાં પાત્રોને એમાની નજરથી જોવા લાગે છે. એટલે નવલકથામાં એમા ભલે કથક નથી, છતાં વાચક એની નજરે ઘણું બધું જુવે છે. સાહિત્યિક પરિભાષામાં એને free indirect discourse કહે છે, જેમાં કથક પાત્રના મનોજગતમાં પ્રવેશે અને પ્રસંગનું આલેખના જાણે કે એ પાત્રના શબ્દોમાં કરે.
કોઈ પણ સર્જન જ્યારે આટલો લાંબો સમય – ૨૦૦ વરસથી પણ વધારે જીવિત અને જીવંત રહે અને સમયની કસોટીમાંથી ખરું ઊતરે ત્યારે એના વિશે ઘણું કહેવાઈ ગયું હોય. અનેક વિદ્વાનોએ અને વિવેચકોએ એની મૂલવાણી કરી હોય. આપણે જાણીએ છીએ કે વિવેચકો પર એવો આરોપ છે કે ક્યારેક મૂળ લેખકે ન ધાર્યું હોય એવા અર્થોનું આરોપણ વિવેચકો કૃતિ પર કરતા હોય છે. ‘એમા’ વિષે પણ આવું થયું હોય એ શક્ય છે. કોઈક વિવેચકે એમાના પાત્રમાં સજાતીયતાનાં લક્ષણો પણ જોયાં છે. મેં આ સર્જન સંબંધે જીવંત શબ્દ હમણાં જ વાપર્યો એ સકારણ છે. ‘એમા’ નવલકથા પરથી એકથી વધારે ચલચિત્રો બન્યાં છે. અને જ્યારે કોઈ પણ કૃતિ પરથી ફિલ્મ બને ત્યારે એ કૃતિમાં કેટલાક સૂક્ષ્મ તો ક્યારેક બહુ સ્થૂળ ફેરફારો થતા હોય છે. ભલે આજે એને આપણે પિરિયડ ફિલ્મના ખાનામાં મૂકીએ, નવલકથાનું ૧૮મી સદીનું નિરૂપણ ૨૧મી સદીના ફિલ્મના પ્રેક્ષકને સદે એ જોવાનું હોય છે. અને એ અર્થમાં હું એને જીવંત કહું છું.
જેઇન ઑસ્ટિનની અઢીસોમી જન્મ જયંતી આ વર્ષે ઉજવાઈ રહી છે અને એમનાં સર્જનોનું સત્ત્વ એવું છે કે એ આવતી સદીઓમાં વાંચતાં અને ચર્ચાતાં રહેશે.
મને લાગે છે કે મને ફાળવેલો સમય મેં પૂરો કર્યો છે. મારી સમજણ અને ક્ષમતા અનુસાર હું જેઇન ઑસ્ટિનને અને એમની નવલકથાઓને જે રીતે સમજી છું એ પ્રમાણે રજૂઆત કરવાનો મારો આ પ્રયત્ન છે. આશા છે કે એ યથાર્થ નીવડ્યો હશે. મને આમંત્રિત કરવા બદલ વિપુલભાઈ અને તમારી સંસ્થાના સર્વનો અને આપ સૌ શ્રોતાઓનો ફરી એક વખત આભાર, સૌને વંદન.
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]
e.mail : aradhanabhatt@yahoo.com.au