Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન

નંદિતા મુનિ|Opinion - Literature|18 June 2025

નંદિતા મુનિ

‘ઈટ ઈઝ અ ટ્રૂથ યુનિવર્સલી ઍક્નોલેજ્ડ’, કે જેઈન ઑસ્ટિનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન ધરાવે છે. આ નવલકથા લેખિકાની પણ પ્રિય કૃતિ હતી, જેને એણે લાડથી ‘માય ઑન ડાર્લિંગ ચાઈલ્ડ’ તરીકે ઉલ્લેખી છે. દુનિયાની ચાલીસથી વધુ ભાષામાં આ કૃતિના અનુવાદો થયા છે, અને મોટા ભાગે એકથી વધારે વાર. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ના અનેક ‘સ્પિન-ઑફ્સ’ અને વેરિએશન્‌સ લખાયા જ કરે છે. ‘રિજન્સી રોમાન્સ’ અને ‘એનિમીઝ ટૂ લવર્સ’ જેવા નવલકથાના sub-genresને એણે જન્મ આપ્યો છે. એ જુદા જુદા સ્વરૂપે રંગમંચ પર ભજવાતી રહી છે. અનેક દેશોમાં એને સિનેમાના રૂપેરી પડદે અને ટેલિવિઝનના સ્ક્રીન પર વારંવાર ઉતારવામાં આવી છે. અત્યારે જ નેટફ્લિક્સ દ્વારા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પર આધારિત એક વધુ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે – જો કે જેઇન ઑસ્ટિનની ‘પર્સ્વેશન’ની નેટફ્લિક્સ પર જે દુર્દશા થઈ હતી એ પરથી આ સમાચાર મને ભય્જનક લાગે છે. એની વે, જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી નિમિત્તે, એની આ મને સૌથી પ્રિય નવલકથા વિશે વાત કરવાની આ તક બદલ હું આભાર વ્યક્ત કરું છું.

16 ડિસેમ્બર, 1775માં હેમ્પશાયરના એક પાદરીના કુટુંબમાં જન્મેલી જેઇન 16 વર્ષની ઉંમરથી જ ગંભીરતાથી લખવા લાગી હતી. સાવ પ્રારંભિક તબક્કામાં તો એણે પરિવારના મનોરંજન માટે લખ્યું. 1796માં, એકવીસ વર્ષની વયે એણે પોતાની પહેલી નવલકથા ‘એલેનોર એન્ડ મેરિએન’ લખી નાખી હતી, જે સુધારા-વધારા સાથે 1811માં ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ના નામે પ્રકાશિત થઈ. આ નવલકથા વખણાઈ, એનાથી પ્રોત્સાહિત થઈને જેઇને પોતાની એક અન્ય નવલકથા ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન્સ’માં પણ સુધારા-વધારા કર્યા. એ સમયની એક લોકપ્રિય નવલકથાકાર ફેની બર્નીની નવલકથા ‘સિસિલિયા’ના એક સંવાદ પરથી જેઇને આ નવલકથાને ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’નું શીર્ષક આપ્યું. ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન’ને કોઈ પ્રકાશક મળ્યો નહોતો; પણ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ 1813માં લંડનના થોમસ એજર્ટને પ્રગટ કરી. પ્રગટ થયાના કેટલાક મહિનામાં તો એનું પુન:સંસ્કરણ બહાર પાડવું પડ્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી એની લોકપ્રિયતાને આંચ આવી નથી.

પહેલાં તો ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ના કથાનક પર બહુ ઝડપથી નજર દોડાવી લઈએ.

ઇંગ્લેન્ડના હર્ટફર્ડશાયર પરગણામાં મેરીટન ગામની પાસે ઉચ્ચ મધ્યમ વર્ગના એક જમીનદાર મિ. બેનેટની, લોંગબોર્ન નામની નાનકડી જાગીર  છે. મિ. બેનેટને પાંચ પુત્રીઓ છે; પણ પુત્ર ન હોવાથી તે સમયના સામાન્ય રિવાજ મુજબ એ જાગીર ‘એનટેઈલ’ થયેલી છે. અર્થાત્‌, મિ. બેનેટનું મૃત્યુ થાય તો બધી મિલકત એમના સૌથી નિકટના પુરુષ વારસદાર, દૂરના પિતરાઈ મિ. કોલિન્સને મળે; અને મિસિસ બેનેટ તથા એમની પુત્રીઓ બેઘર બની જાય. આ કારણસર મિસિસ બેનેટનું સૌથી અગત્યનું જીવનધ્યેય એમની પુત્રીઓ માટે સારી આર્થિક સ્થિતિવાળા પતિઓ શોધવાનું છે. એક રીતે જોતાં એમના માટે એ અસ્તિત્વનો સવાલ છે.

આવી પરિસ્થિતિમાં મેરીટન પાસેની એક એસ્ટેટ નેધરફિલ્ડ પાર્કમાં ચાર્લ્સ બિંગલી નામનો એક ધનિક યુવક રહેવા આવે છે; અને ત્યાંથી આ કથાનકની શરૂઆત થાય છે –  It is a truth universally acknowledged, that a single man in possession of a good fortune must be in want of a wife. આ વાક્યએ વિશ્વસાહિત્યના અમર પ્રારંભિક વાક્યોમાં સ્થાન મેળવ્યું છે. જેઇન ઑસ્ટિનની કટાક્ષ સાથે ગાંભીર્યના મિશ્રણવાળી જે આગવી શૈલી છે એ પણ આ પ્રથમ વાક્યથી જ દેખાવા લાગે છે.

મિસિસ બેનેટ આશા સેવે છે, અને પ્રયત્નો પણ કરે છે કે એમની સૌથી મોટી પુત્રી, જે સૌથી સ્વરૂપવાન અને ગુણવાન હોય છે (અને જેનું નામ બાય ધ વે, જેઇન ઑસ્ટિને ‘જેઇન’ જ રાખ્યું છે); એની સાથે મિ. બિંગલીનાં લગ્ન થાય. સરળ, મિલનસાર સ્વભાવનો બિંગલી અને એવા જ સ્વભાવવાળી જેઇન એકબીજાને પસંદ કરવા લાગે છે. પણ બિંગલીની બહેનોને, અને બિંગલીના એક ખાસ મિત્રને આ સંબંધ પસંદ નથી.

મિ. બેનેટની બીજા ક્રમની પુત્રી એલિઝાબેથ કે લિઝી આ નવલકથાની નાયિકા છે. બિંગલીનો અતિધનિક, ખૂબસુરત, ઊંચો, ઉચ્ચ કુળનો, અને અતડાપણાના કારણે અભિમાની દીસતો મિત્ર ફિટ્ઝવિલિયમ ડાર્સી આ નવલકથાનો નાયક છે. ડાર્સી ધીમે ધીમે સુંદર, બુદ્ધિશાળી, સ્વાભિમાની અને રમતિયાળ સ્વભાવની લિઝી પ્રત્યે આકર્ષાવા લાગે છે. પરંતુ પ્રથમ મુલાકાતમાં જ, પોતાની શ્રેષ્ઠતાથી સભાન મિ. ડાર્સીએ પૂર્વગ્રહના કારણે જાણ્યે-અજાણ્યે લિઝીના અભિમાનને ઠેસ પહોંચાડી છે. આથી લિઝીને પણ ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો હોય છે. ડાર્સીને લિઝીના કુટુંબની રીતભાત પસંદ નથી. લિઝીની માતાના અસંસ્કારી વર્તનથી પણ ડાર્સી ચીડાય છે. આવાં બધાં કારણોસર ડાર્સી લિઝી પ્રત્યેનું પોતાનું આકર્ષણ ખાળવાના પ્રયત્નો કરે છે. પણ અંતે પ્રેમથી વિવશ થઈને ડાર્સી લિઝીને લગ્નની દરખાસ્ત કરે છે. લિઝી એકથી વધારે કારણોસર એ પ્રણયનિવેદનને ધુત્કારી દે છે. લિઝીના જ શબ્દોમાં, You were the last man in the world whom I could ever be prevailed on to marry! 

આ નકારના કારણો પૈકી એક કારણ એ પણ છે કે બિંગલીને જેઇનથી દૂર કરવામાં ડાર્સીની ભૂમિકા હોવાનું લિઝીએ જાણ્યું છે. બીજી તરફ, પોતાના ઉચ્ચ સામાજિક અને આર્થિક દરજ્જાના કારણે, પોતાને કોઈ ના પણ પાડી શકે એ વાત ડાર્સીની કલ્પના બહારની હોય છે.

ના પાડતી વખતે લિઝીએ ડાર્સી પર કેટલાક સાચા તો કેટલાક ગેરસમજણથી ઊભા થયેલા આક્ષેપો કર્યા હોય છે. એ વિશે સ્પષ્ટતા કરવા માટે ડાર્સી લિઝીને એક પત્ર લખે છે. એ પત્ર વાંચીને ધીરે ધીરે મિ. ડાર્સી વિશેનો લિઝીનો અભિપ્રાય સુધરવા લાગે છે. બીજી તરફ, લિઝીએ જે આક્ષેપો કર્યા હતા એનું વ્યાજબીપણું ધ્યાનમાં રાખીને ડાર્સી પણ પોતાનું વર્તન સુધારવા લાગે છે.

ફરી એક વાર ડાર્સી અને લિઝીની મુલાકાત થાય છે; ત્યારે એ બન્ને એકબીજાને વધુ સમજી શકે છે અને નિકટ આવવા લાગે છે. પણ એ જ અરસામાં લિઝીની સૌથી નાની અને સ્વચ્છંદી બહેન લિડિયા એક દુષ્ચરિત સૈનિક જ્યોર્જ વિકમની સાથે ભાગી જાય છે. વિકમના પિતા ડાર્સીના કુટુંબના નોકર હતા તથા વિકમ અને ડાર્સી નાનપણમાં મિત્રો હતા; પણ વિકમ નબળું ચારિત્ર્ય ધરાવતો હોય છે, જ્યારે ડાર્સીના નૈતિક ધોરણો ઊંચા હોઈ એ દોસ્તી ટકી શકી નહીં. વળી વિકમે ડાર્સીની નાની બહેન, પંદર વર્ષની જ્યોર્જિઆનાને બહેકાવીને નસાડી જવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરેલો. એ કારણસર આ દોસ્તી દુશ્મનીમાં પલટાઈ ગઈ હોય છે. લિઝીના મનમાં ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ દૃઢ કરવામાં પણ કેટલાક અંશે વિકમનો ફાળો હોય છે. વિકમ પ્રત્યે નફરત હોવા છતાં, એલિઝાબેથ પ્રત્યેના પ્રેમના કારણે ડાર્સી વિકમને શોધી, સમજાવી, આર્થિક મદદ કરીને લિડિયા અને વિકમનાં લગ્ન કરાવે છે; અને એ રીતે બેનેટ કુટુંબને ભારે સામાજિક નામોશીમાંથી બચાવી લે છે. આ વાતની બેનેટ પરિવારને ખબર હોતી નથી. પરંતુ થોડા સમય પછી લિઝીને અકસ્માતે આ વાતની ખબર પડતાં ડાર્સી વિશેનો એનો સુધરેલો અભિપ્રાય દૃઢ બને છે. લિઝી ડાર્સીને સાચી રીતે ઓળખવા લાગે છે અને પૂર્વગ્રહથી મુક્ત થઈને એના ગુણોની કદર કરતાં શીખે છે.

વિલિયમ શેક્સપિયર ‘ટ્વેલ્ફ્થ નાઈટ’માં લખે છે : Journeys end in lovers’ meeting, every wise man’s son doth know. જેઇન ઑસ્ટિનની આ નવલકથાની સફર પણ એમ જ પૂર્ણ થાય છે : જેઇન બેનેટનાં લગ્ન મિ. બિંગલી સાથે, અને એલિઝાબેથ બેનેટનાં લગ્ન મિ. ડાર્સી સાથે થાય છે. દેશી ભાષામાં કહીએ તો, ઘીના ઠામમાં ઘી પડી રહે છે!

જેઇન ઑસ્ટિન

જેઇન ઑસ્ટિનની નવલકથાઓની વાર્તા, સામાન્ય રીતે આ પ્રકારની  હોય છે : અપરિણિત યુવાનો અને યુવતીઓ સંજોગોવશાત્‌ એક સ્થળે એકઠાં થાય અને પરિચયમાં આવે. પરસ્પર આકર્ષણ જન્મે. સ્પર્ધા, ગેરસમજણો, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, વ્યક્તિત્વમાં રહેલી ભિન્નતાઓ વગેરે જેવાં પરિબળો એમને દૂર રાખવામાં કારણભૂત બને. આ બધાં સંજોગોના કારણે એક બહુ મહત્ત્વનો મુદ્દાનું આલેખન શક્ય બને છે – અને એ છે પાત્રોનો આંતરિક વિકાસ. એ વિકાસ થઈ રહ્યા પછી, એ માટે નિમિત્તરૂપ બનેલા સંજોગો બદલાયા હોય કે ન બદલાયા હોય, આ બદલાયેલાં નાયક અને નાયિકા એકબીજાને સ્વીકારતા હોય છે. હું દૃઢતાપૂર્વક માનું છું કે જે વાચકો જેઇનનાં પુસ્તકોનું ઊંડાણપૂર્વકનું વાચન કરતા નથી અને એની નવલકથાઓને છેલ્લે લગ્નમાં પરિણમતી હોય એવી પ્રણયકથાઓ માત્ર માને છે; એ વાચકો પાત્રોના નિરૂપણમાં માનસશાસ્ત્રીય સત્ય આલેખવાની જેઇનની જે અદ્ભુત કુશળતા છે, એનો રસ માણવામાંથી વંચિત રહે છે. ઉપરછલ્લી રીતે સામાન્ય અને એકવિધ લાગતા આ પ્લોટને ધ્યાનથી – વિધાઊટ પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ – વાંચવામાં આવે તો જેઇન ઑસ્ટિનની પ્રતિભાનો સાચો પરિચય મળી શકે છે.

પાત્રોના આંતરિક વિકાસનું નિરૂપણ આમ જેઇનની લાક્ષણિકતા છે, અને એની બીજી કોઈ પણ નવલકથા કરતાં આ તત્ત્વ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં સૌથી વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ‘એમ્મા’ને જોઈએ તો એમાં નાયિકા એમ્મા વૂડહાઉસનો આંતરિક વિકાસ થાય છે, પણ નાયક મિ. નાઈટલી પ્રથમથી જે છે તે જ રહે છે. બીજી તરફ, ‘મેન્સફિલ્ડ પાર્ક’ જોઇએ તો એની નાયિકા ફેની પ્રાઈસનો આવો વિકાસ નથી નિરૂપાયો, અને નાયક એડમન્ડ બર્ટ્રામમાં પરિવર્તન આવે છે, પણ એ પરિવર્તન આંશિક છે. જ્યારે ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં નાયક અને નાયિકા, બન્ને વિકાસ પામે છે: બન્ને પોતાના અભિમાનનો ત્યાગ પણ કરે છે, અને પૂર્વગ્રહોનો પણ.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ‘પ્રાઈડ’ને મિ. ડાર્સી સાથે જોડવામાં આવે છે અને પૂર્વગ્રહને એલિઝાબેથ સાથે. પણ હકીકતે તો આ બન્ને વસ્તુ બન્નેમાં ઓછા-વત્તા અંશે રહેલી છે. ડાર્સીને સ્વાભાવિક રીતે જ એના ધનના કારણે એની તરફ આકર્ષાતી કન્યાઓ અને એમની માતાઓ પ્રત્યે પૂર્વગ્રહ છે. બીજી તરફ. લિઝીમાં પણ અભિમાન કહો તો અભિમાન, અને આત્મગૌરવ કહો તો તે, રહેલું છે. જ્યારે લિઝીની સખી મિસ લ્યુકસ એને કહે છે કે ડાર્સીનું વ્યક્તિત્વ, આર્થિક સ્થિતિ, અને સામાજિક દરજ્જો જોતાં એનામાં અભિમાન હોય એ ક્ષમ્ય નહિ તો પણ, સ્વાભાવિક તો છે જ; ત્યારે લિઝી એ વાત સાથે સંમત થાય છે, પણ ઉમેરે છે કે : ‘I could easily forgive his pride, if he had not mortified mine.’

જેઇન ઑસ્ટિનને લિઝી બેનેટનું પાત્ર પ્રિય હતું. એક પત્રમાં એ લિઝીને ‘As delightful a creature as ever appeared in print’ તરીકે ઓળખાવે છે. એ વાત સાથે સંમત થવું જ પડે. લિઝી ચંચળ, બુદ્ધિશાળી, વિનોદી, સ્પષ્ટવક્તા, અને આત્મવિશ્વાસ ધરાવતી વીસ વર્ષની યુવતી છે. એન્ટેઇલના કારણે ભવિષ્ય અનિશ્ચિત હોવા છતાં, એ માત્ર આર્થિક અને સામાજિક સુરક્ષા ખાતર લગ્ન કરવાનું સ્વીકારતી નથી, જે હકીકત એને એ યુગના સંદર્ભે વિશિષ્ટ અને મૌલિક અભિગમવાળી બનાવે છે. પૈસા કરતાં લિઝી નૈતિકતા તેમ જ પોતાની વૈયક્તિક સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપે છે. પ્રેમ, આદર, અને સમાનતાવાળા લગ્નની ઈચ્છા રાખતી લિઝી પ્રચલિત પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓને અવગણવાનું સાહસ ધરાવે છે. વળી વિરોધ સહન કરીને પણ એ પોતાને જે સાચું લાગતું હોય એને વળગી રહે છે. આ કારણે લિઝીને  એક ‘પ્રોટો-ફેમિનિસ્ટ આઈકન’ માનવામાં આવે છે તે યોગ્ય જ છે.

એ જ રીતે, ફિટ્ઝવિલિયમ ડાર્સી એક proto-feminist romantic hero છે, અને એની અત્યાર સુધીની અદ્દભુત લોકપ્રિયતાનું એ જ રહસ્ય છે! શરૂઆતના અભિમાની અતડાપણાને ત્યજીને ડાર્સી એલિઝાબેથના અભિપ્રાયને સમજી, મહત્ત્વ આપીને પોતાનામાં આવશ્યક પરિવર્તન લાવે છે. પહેલી વાર એ લગ્નની દરખાસ્ત કરે છે ત્યારે એ એલિઝાબેથને ચાહે છે, પણ લિઝી પ્રત્યે એને આદરની ભાવના નથી હોતી. ધીમે ધીમે લિઝીની અસરથી ડાર્સીમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અત્યારની માનસશાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો ડાર્સી ‘ઈમોશનલ ઈન્ટેલિજન્સ’ શીખે છે. એ પોતે એલિઝાબેથને કહે છે કે મને બચપણથી નીતિમત્તાના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શીખવવામાં આવ્યું, પરંતુ અન્ય વ્યક્તિઓ પ્રત્યે તુચ્છકારને બદલે આદરથી જોવાનું તેં મને શીખવ્યું. એલિઝાબેથના સ્વતંત્ર વિચારો અને અરૂઢિગત વર્તનને પસંદ કરતો, ચીલાચાલુ લગ્નને સ્થાને પ્રેમ, સમાનતા, અને પરસ્પર આદરવાળા લગ્નને પસંદ કરતો ડાર્સી કઈ સ્ત્રીને ન ગમી જાય?

અન્ય પાત્રોની બહુ વિગતમાં જવાનો સમય આપણી પાસે નથી એટલે હું એટલા ઉલ્લેખથી સંતોષ માનું છું, કે જેઇન ઑસ્ટિન મુખ્ય પાત્રોના જે જે લક્ષણો નિરૂપે છે, એ લક્ષણો અન્યથા કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ગૌણ પાત્રો દ્વારા એણે આબાદ બતાવ્યું છે. જેમ કે, ચંચળતા અને મનસ્વિતા લિઝીમાં પણ છે અને લિડિયામાં પણ; પરંતુ લિઝીની નૈતિકતા અને બુદ્ધિના અભાવે લિડિયા વગર વિચાર્યે વિકમ સાથે ભાગી જવામાં અને લગ્ન કર્યા વગર એની સાથે રહેવા લાગવામાં ખચકાટ અનુભવતી નથી. એ જ રીતે, ડાર્સી જેવી બુદ્ધિ, ગુણો, અને ખુલ્લા મનના અભાવમાં અભિમાન કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ડાર્સીની માસી લેડી કેથરિન ડી બર્ગનું પાત્ર દર્શાવે છે. લિઝીની મિત્ર મિસ લ્યુકસ આર્થિક અને સામાજિક સલામતી મેળવવા માટે પારસ્પરિક પ્રેમ અને આદર વગરનાં લગ્ન સ્વીકારી લે છે, જે લિઝીથી વિરોધાભાસી નિર્ણય છે અને લિઝીના સાહસને ઉજાગર કરે છે. વળી લગ્ન વિષયમાં લાગણી કરતાં આર્થિક બાબતને આપવામાં આવતું મહત્ત્વ સ્ત્રીઓ પૂરતું જ મર્યાદિત નથી. સ્ત્રીઓની જેમ મજબૂર ન હોવા છતાં તત્કાલીન સમાજમાં પુરુષો પણ મોટા ભાગે પ્રેમના સ્થાને ધનને મહત્ત્વ આપતા દેખાય છે. જેમ કે ડાર્સીનો કઝિન કર્નલ ફિટ્ઝવિલિયમ ઉમરાવ કુટુંબનો છે, પણ બીજા ક્રમનો પુત્ર હોવાથી એ ધનિક સ્ત્રી પસંદ કરશે- લિઝી પ્રત્યે ખૂબ આકર્ષણ હોવા છતાં. જ્યારે નાયક અને નાયિકા બન્ને લગ્નને માત્ર સામાજિક કે આર્થિક સુરક્ષાના સ્રોત તરીકે ન જોતાં, વ્યક્તિગત ખુશી અને વિકાસનો સ્રોત પણ માને છે, જે એમને વિશિષ્ટ બનાવે છે.

તત્કાલીન આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂના સંદર્ભે લગ્ન અને પ્રેમ – આ મુખ્ય વિષય ઉપરાંત જેઇને ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’માં સામાજિક વર્ગભેદ અને પ્રતિષ્ઠા, પારિવારિક સંબંધો અને એની જે-તે પાત્રના નિર્ણયો પરની અસર, નૈતિક મૂલ્યો, જેંડર અને સમાજ, પસંદગીનો અધિકાર અને વૈયક્તિક સુખ, વ્યક્તિગત વિકાસ અને સ્વબોધનું મહત્ત્વ, એ સ્વબોધ દ્વારા વ્યક્તિત્વની વધુ પરિપૂર્ણતા તરફની ગતિ – આવા અનેક ગૌણ વિષયોને પણ વણી લીધા છે. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પ્રણયકથા કરતાં પણ, વધુ તો એક મોરલ કૉમેડી છે એમ કહેવું યોગ્ય છે. અને આ તમામ વિષયો, જેઇને એ સમય સુધી લખાતી રહેલી નવલકથાઓની જેમ લાંબા ઉપદેશોથી કે મેલોડ્રામાથી કે ગળે ન ઉતરે એવી ઘટનાઓથી નથી આલેખ્યા. જેઇનની પ્રતિભા છે કે આ બધા વિષયો સાવ સ્વાભાવિક રીતે, શક્ય હોઈ જ શકે એવી ઘટનાઓથી, સ્વાભાવિક સંવાદો વડે, અને ખાસ તો પાત્રોના વર્તનથી અને એ વર્તનના પરિણામોથી બતાવાયા છે.

શેક્સપિયરમાં એવી સર્ગશક્તિ હતી કે એ દરેક પાત્રને પોતાનું આગવું, પોતીકું, સંપૂર્ણ વ્યક્તિત્વ આપી શકતો – પછી એ કોઈ મુખ્ય પાત્ર હોય, કે એકાદ વાક્ય બોલીને ફરી ક્યારે ય તખ્તા પર ન ડોકાતું અતિ ગૌણ પાત્ર હોય. શેક્સપિયરની જેમ જેઇન પણ પાત્રાલેખનની આવી સિદ્ધિ ધરાવે છે. આથી જ વિવેચક હેરલ્ડ બ્લૂમે એને ‘The most Shakespearean Novelist’ તરીકે ઓળખાવી છે. જેઇન પોતે પોતાના કામને ‘A little bit of ivory, two inches long, on which I work with so fine a brush with much labour’ – એ રીતે વર્ણવે છે. જેઇનની નવલકથાઓમાં દેખીતી રીતે વિષયોના વ્યાપ કે વૈવિધ્યનો અભાવ લાગે – પરંતુ એમાં માનવનું અને એના ચિત્તવ્યાપારોનું વૈવિધ્ય અનેરું છે. ‘હાથીદાંતના બે ઈંચના ટુકડા’ પર એણે ‘સો ફાઈન અ બ્રશ’ થી ઊભી કરેલી સૃષ્ટિ વિશાળ છે, અનવદ્ય છે અને અમર છે.

આભાર.

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]

e.mail : nandita.muni@gmail.com 

Loading

18 June 2025 નંદિતા મુનિ
← ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ
જેઇન ઑસ્ટિન : ‘એમા’ →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved