Opinion Magazine
Number of visits: 9683247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે.એન.યુ. પર હુમલો શા માટે થયો?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2020

ગયા રવિવારની રાતે હિન્દુત્વવાદી ગુંડાઓ બુકાની પહેરીને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સરકારવિરોધી વિદ્યાર્થીઓને ઢોરમાર મારી રહ્યા હતા, ત્યારે એ જ યુનિવર્સિટીમાં ભણેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન દુઃખી હતાં અને તેમની રાત વેરાન થઈ ગઈ હતી. ના, એટલા માટે નહીં કે તેઓ જ્યાં ભણ્યાં હતાં એ વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની રહી હતી (જો એટલી હદે સમજદારી, સરોકાર અને સંવેદનશીલતા તેઓ ધરાવતાં હોત તો તેઓ સરકારમાં જ ન હોત), પણ એટલા માટે કે તેમના ટેબલ પર ભારત સરકારના સ્ટેટિસ્ટીકલ ડિપાર્ટમેન્ટે આંકડા મૂક્યા હતા કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર પાંચ ટકાથી વધી શકે એમ નથી. નિર્મળાબહેન કહેતાં હતાં કે હજુ થોડું બળ કરીને આંકડો વધારોને અને આંકડાશાસ્ત્રીઓ કહેતા હતા કે જેટલું થઈ શકતું હતું એટલું બળ કર્યું, હવે આનાથી વધારે બળ થઈ શકે એમ નથી.

એક ભ્રમ દિમાગમાંથી કાઢી નાખવા જેવો છે. જે.એન.યુ.માં ડાબેરી વિચારધારા ધરાવનારા વિદ્યાર્થીઓને શોધી શોધીને ભરતી કરવામાં આવતા નથી. મેરીટ પર વિદ્યાર્થીઓ પ્રવેશ મળે છે જેમાં દરેક પ્રકારની વિચારધારા ધરાવનારાઓ અથવા ન ધરાવનારાઓ પ્રવેશ મેળવે છે. નિર્મલા સીતારામન પોતે જ આનો જીવતોજાગતો દાખલો છે. તેઓ જમણેરી અને કોમવાદી વિચારો ધરાવે છે અને છતાં તેમણે જે.એન.યુ.માં પ્રવેશ મેળવ્યો હતો. જે.એન.યુ.નું એકેડેમિક વાતાવરણ એવું છે કે જેમાં વિદ્યાર્થીઓ આપોઆપ સેક્યુલર-લિબરલ, ગરીબ તરફી બની જાય છે એમાં કોઈ શું કરી શકે? આમ છતાં ય એવા ઘણા કરડુ દાણા નીકળી આવે છે જે પ્રેશર કુકરની હજાર સીટી વગાડવામાં આવે તોયે પાકતા નથી. તેમના વિચારો અને સંસ્કારો બદલાતા નથી. તેઓ લઘુમતીમાં છે. તેઓ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સામે લઘુતાગ્રંથિ અનુભવે છે. હવે એ તો અનુભવસિદ્ધ હકીકત છે કે જેની પાસે દલીલ ન હોય એ ગાળોનો આશરો લેશે અને મામાને ઘેર જમણ જેવી આપણી સરકાર હોય તો વખતે હાથ પણ ઉપાડે. બાકી દલીલ કરવાનું તેમનું ગજું નથી. જે.એન.યુ.માં આજકાલ આ જ બની રહ્યું છે.

તો નાણા પ્રધાન નિર્મલા સીતારામનની રવિવારની રાત અજંપાભરી વીતી હતી એનું કારણ આગળ કહેવાઈ ગયું હતું, પણ જે.એન.યુ.ના કેમ્પસમાં હજુ એક વ્યક્તિ હતી જેમની એ રાત પણ અજંપાભરી વીતી હતી. એમનું નામ સી.પી. ચન્દ્રશેખર. તેઓ જે.એન.યુ.માં સંખ્યાશાસ્ત્ર (સ્ટેટિસ્ટીક) ભણાવે છે અને કેમ્પસમાં જ એક ક્વાર્ટરમાં રહે છે. એ અજંપાભરી રાત સુધી તેઓ ભારત સરકારના સ્ટેટિસ્ટીક વિભાગમાં એક સમિતિમાં સભ્ય તરીકે કામ કરતા હતા. નરેન્દ્ર મોદીની સરકારે તેમની નિયુક્તિ એટલા માટે કરી હતી કે તેઓ ડાબેરી નથી. જે.એન.યુ.માં અત્યાર સુધી જે ઘટનાઓ બની રહી છે તેના વિશે તેઓ કદી બોલ્યા નથી. તેઓ જમણેરી પણ નથી. તેઓ પોતાના વિષયના નિષ્ણાત છે અને એમાં જ તેઓ રચ્યાપચ્યા રહે છે. આમ છતાં તેમની પણ એ રાત વેરણ થઈ હતી અને તેનાં બે કારણ હતાં.

એક તાત્કાલિક કારણ જે.એન.યુ.માં બનેલી ઘટના હતું. શાસકોનો વિદ્યાર્થીઓ સાથે આવો વહેવાર! વિદ્યાર્થીના રાષ્ટ્રીય પાલક તરીકે હાથ પકડવાની જગ્યાએ હાથ મરડવાના હોય! પાછું સરકાર માયબાપ આવું વારંવાર કરે! તેમની રાત વેરણ થઈ એનું બીજું અને વધારે મહત્ત્વનું કારણ નાણા પ્રધાન નિર્મલા સીતારામન અને સરકાર હતું.

ચન્દ્રશેખર વિશ્વપ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી છે. તેમને જાણ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી પોતાની માર્ક્સશીટ સુધારવા આંકડા સાથે ઘાલમેલ કરવામાં આવે છે. તેમને એ વાતની પણ જાણ છે કે આંકડા સાથે ઘાલમેલ કરીને અને માપદંડો બદલીને આગળની ડૉ. મનમોહન સિંહની સરકારને ફેઈલ કરવામાં આવી છે. ફેઈલને પાસ કરવામાં આવી છે અને પાસને ફેઈલ કરવામાં આવી છે. સરકારથી ડરીને કે પછી લાભ મેળવવાની લાલચે સ્ટેટિસ્ટીક વિભાગના અધિકારીઓ આંકડામાં ઘાલમેલ કરી આપતા હતા, પરંતુ હવે તેઓ પણ ગજાબહારનું બળ કરીને હાંફી ગયા છે. પેટમાં અન્નનો દાણો જ ન હોય તો ગમે એટલું બળ કરો શો ફાયદો? આ બાજુ સરકાર કહેતી જ રહે છે હજુ વધુ બળ કરો.

આવું ખોટું બળ કરાવવાના કારણે સરકાર પોતે જ ફસાઈ ગઈ હતી. બન્યું એવું કે વિશ્વની ધિરાણસંસ્થાઓએ ભારત સરકારને કહ્યું કે આવા બળ કરાવીને કાઢેલા આંકડાના આધારે અમે ધિરાણ નહીં આપીએ. અમને ભરોસાપાત્ર આંકડા જોઈએ અને ભારત સરકારના જી.ડી.પી.ના આંકડા ભરોસાપાત્ર નથી. હજુ હમણાં ભારત સરકારના આર્થિક સલાહકારના પદેથી રાજીનામું આપનારા અરવિંદ સુબ્રમણ્યમે પણ કહ્યું હતું કે વિકાસના સરકારી આંકડા ઉપજાવી કાઢેલા બનાવટી છે અને તેને કારણે જગતમાં ભારતની આબરૂ ખરડાઈ રહી છે. ભારત સરકારે નાછૂટકે સ્ટેટિસ્ટીક વિભાગના વડા પ્રણવ સેનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી જેના ચન્દ્રશેખર એક સભ્ય હતા.

આમ જે ચન્દ્રશેખરે રાજીનામું આપ્યું છે એ સરકારની પસંદ કરેલા અર્થશાસ્ત્રી છે અને સરકારથી ત્રાસીને જતા રહ્યા છે. ચન્દ્રશેખરે રાજીનામું શા માટે આપ્યું તેનો ખુલાસો કરતાં કહ્યું છે કે “દેશની આંકડાકીય વિશ્વાસર્હતા વધે એ માટે પ્રામાણિક પ્રયત્નો કરવાની બાબતે સરકાર પ્રમાણિક હોય એવું લાગતું નથી. મારો સરકાર પર હવે ભરોસો રહ્યો નથી.”

સરકારના વલણથી ત્રાસીને રાજીનામું આપનારા ચન્દ્રશેખર પહેલા નથી. આ પહેલા રીઝર્વ બેન્કના ગવર્નર રાઘુરામ રાજન અને ઊર્જિત પટેલ રીઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા, ભારત સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને નરેન્દ્ર મોદીના સમર્થક રહેલા સુરજીત ભલ્લા જેવા અડધો ડઝન અર્થશાસ્ત્રીઓ રાજીનામાં આપી ચૂક્યા છે. એક વાત નોંધવી જોઈએ કે આમાંના કોઈ ડાબેરી નથી. ડાબેરીઓને તો આ સરકાર નજીક જ આવવા દેતી નથી. પાંચ વરસમાં આટલા બધા ટોચના અર્થશાસ્ત્રીઓએ રાજીનામાં આપ્યાં હોય એવું ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. વળી કુલ સાત જણે રાજીનામાં આપ્યાં છે અને એમાંથી પાંચ જણની નિમણૂક તો નરેન્દ્ર મોદીની સરકારે પોતે કરી હતી. દરેકને સરકાર ઉજળી દેખાય એ માટે બળ કરવાનું કહેવામાં આવ્યું હતું અને દરેક હાથ જોડીને જતા રહ્યા છે. સરકારે પોતે પસંદ કરેલા માણસો સરકાર સાથે કામ કરી શકતા નથી. સરકાર આ બધા નિષ્ણાતોને સાયબર સેલના ભાડૂતી ટટ્ટુઓ જેવા સમજે છે અને તેઓ એટલી હદે નીચે જઈ શકે એ તેમના માટે શક્ય રહ્યું નહોતું.

તમને સમજાય છે ચન્દ્રશેખરનાં રાજીનામાનું પરિણામ શું આવશે? સરકારના જે આંકડાઓને જગત ભરોસાહીન શંકાસ્પદ તરીકે જોઈ રહ્યું છે એમાં વધારો થશે. આખરે આ સમિતિ ધિરાણકર્તા એજન્સીઓના કહેવાથી કહો કે દબાણ હેઠળ રચવામાં આવી હતી અને એને પણ સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવતી નથી. આ બધું કરવા કરતાં જો આવડત મુજબ ધોરણસરનું શાસન કરવાનો પ્રયાસ સરકારે કર્યો હોત તો નાક ન કપાત. તમને એ વાતની પણ જાણકારી આપી દઉં કે હજુ પખવાડિયા પહેલાં નાણા પ્રધાન નિર્મલા સીતારામનના પતિએ ‘ધ હિંદુ’ નામના આખબારમાં એક લેખ લખીને તેમનાં પત્નીને સલાહ આપી હતી કે જો આર્થિક સંકટમાંથી દેશને બહાર કાઢવો હોય તો દિલ્હીમાં એક અર્થઋષિ રહે છે તેમની સલાહ લેવી જોઈએ. એ ઋષિ એટલે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ.

નિર્મલા સીતારામને પતિની સલાહને અનુસરીને ડૉ. મનમોહન સિંહની સલાહ માગવા જવાની પરવાનગી માગતી અરજી વડા પ્રધાનના કાર્યાલયમાં મોકલી છે કે કેમ એ આપણે જાણતા નથી. આ દેશમાં અત્યારે દરેક પ્રધાન ડમી છે. આમ લખવાનું કારણ એ કે છેલ્લા અઠવાડિયાથી વડા પ્રધાન ભારતનું આગામી બજેટ કેવું હોવું જોઈએ એની ચર્ચા કરવા માટે ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરેને બોલાવીને મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૦ જણને વડા પ્રધાન મળ્યા છે. આ શ્રેણીમાં સૌથી અગત્યની બેઠક દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે ગુરુવારે યોજાઈ હતી જેમાં નાણા પ્રધાન જ હાજર નહોતાં. ઉદ્યોગપતિ વગેરે તો બધા સ્થાપિત હિતો ધરાવે છે. વડા પ્રધાન કોઈ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીને મળ્યા? જો કોઈ નામ જડે તો કહેવાનું ચૂકતા નહીં. 

હવે વિચારો કે દિલ્હીમાં જે.એન.યુ. પર હુમલો શા માટે કરવામાં આવ્યો? લોકોનું ધ્યાન આર્થિક સંકટ પરથી બીજે ભટકાવવા માટે. સરકાર પાસે કોઈ માણસો જ નથી જે સંકટ ઉકેલી શકે અને જે મળ્યા હતા એ ત્રાસીને ભાગી ગયા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2020

Loading

ગરમીમાં રેબઝેબ પૃથ્વી આગની જ્વાળાઓનો શિકાર બની રહી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 January 2020

ક્લાઇમેટ ચેન્જની ચેતવણી પર્યાવરણનો બેફામ દુરુપયોગ કરનારાના બહેરા કાને નથી પહોંચતી

જંગલ સાથે સંકળાયેલા બે શબ્દો છે, એક અડાબીડ અને બીજો દાવાનળ, કમનસીબે આપણે અડાબીડને બદલે દાવાનળમાં સપડાયેલા જંગલોની વાત કરવાનો વખત ચાલ્યો છે જે અટકી જ નથી રહ્યો. ૨૦૧૯નું વર્ષ આગ ઝરતું રહ્યું. ગયા વર્ષે ઠેર ઠેર ભડકે બળેલી ધરાની આગ હજી ઠરી નથી. એમેઝોનથી માંડીને આર્કટિક સુધી આખી દુનિયામાં જંગલો આગની જ્વાળાની લપેટમાં આવી ચૂક્યાં છે. એમેઝોનનાં અને બ્રાઝીલનાં જંગલોમાં લાગેલી આગ હંમેશાં ફેલાતા દાવાનળથી એંશી ટકા વધારે હતી. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં પ્રસરેલો દાવાનળ આ લખાઇ રહ્યું છે ત્યારે હજી શમ્યો નથી. ક્લાઇમેટ ચેન્જની ચેતવણી પર્યાવરણનો બેફામ દુરુપયોગ અને હાનિ કરનારાના બહેરા કાને નથી પહોંચતી.

એમેઝોન અને ઇન્ડોનેશિયાનાં જંગલોમાં લાગેલી આગ માનવ સર્જીત અને જાણી જોઇને ફેલાવવામાં આવેલી આગ છે – ગેરકાયદેસર વન-નાબૂદી અને ખેતીની જમીન માટે જંગલો સાફ કરનારાઓને ક્લાઇમેટ ચેન્જ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. ઉષ્ણકટિબંધિય એટલે કે ટ્રોપિકલ જંગલોમાં ભેજનું પ્રમાણ ખૂબ હોવાથી ત્યાં દાવાનળ ફેલાવાની શક્યતાઓ ઓછી જ હોય છે અને ત્યાં સૂકી મોસમ હોય ત્યારે પણ ત્યાં એટલો ભેજ તો હોય જ છે કે કેમ્પ ફાયર કે સિગારેટનો તણખો ભડકા કે આગમાં ન ફેલાય. પરંતુ કૃષિ ઉદ્યોગો માટે જંગલોનાં મોટા વણસ્પર્શ્યા પ્રદેશોનો ખાત્મો બોલાવી દેવાય છે, વળી ઢોરો ચરી શકે તે માટે જરૂરી જમીન મેળવવા માટે પણ જંગલો સાફ કરવામાં આવે છે. આમ કરવા માટે મોટે ભાગે ભેજવાળા વાતાવરણમાં વૃક્ષો કાપી નખાય છે અને પછી યાંત્રિક કુહાડીઓ વાપરીને બચ્યા કુચ્યા ડાળખાં કાપીને પછી એકાદ મહિનો તેમને આમ જ સુકાવા દેવાય છે અને અંતે બાળી નખાય છે, જેથી ઢોરો અને ખેતી માટે જમીન સાફ થઇ જાય.

જો કે નુકસાન આટલેથી નથી અટકતું, રેઇનફોરેસ્ટ જંગલોમાં થતી આ તારાજીને કારણે ત્યાંની આબોહવા પર ઊંડી અસર પડે છે કારણ કે મુંડાતા જંગલોને પગલે રેઇન ફોરેસ્ટ પ્રદેશો પાણીને શોષી લઇ, તેનો સંગ્રહ કરવાની અને તેનો પુનઃઉપયોગ કરીને તેનો વરસાદ પાડવાની ક્ષમતા ખોઇ બેસે છે. જે જંગલ કુદરતી રીતે આગ રોકવા સક્ષમ હોય છે તેની જમીન સાવ સૂકી પડી જાય છે અને વૃક્ષો વગરનાં આ જંગલો ગમે ત્યારે આગની જ્વાળામાં સપડાઇ જાય તેવાં થઇ જાય છે. બ્રાઝીલનાં જંગલોની વલે થઇ છે કારણ કે ત્યાંની સરકારે નફ્ફટાઇથી જાહેરાત કરી છે કે ત્યાંનાં રેઇન ફોરેસ્ટનો ‘વિકાસ’ માટે સફાયો કરવો પડે તો તેમને વાંધો નથી. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં દાવાનળ ફેલાવો કંઇ નવી વાત નથી પણ આ વખતની આગ ૬૩ હજાર સ્ક્વેર કિલોમીટર એટલે કે ૬.૩ મિલિયન હેક્ટરમાં ફેલાઇ છે જે કાયમ લાગતી મોસમી આગ કરતાં કંઇક ગણી વધારે છે. પરિપ્રેક્ષ્યમાં સમજવું હોય તો કહી શકાય કે ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં ઇંગ્લેન્ડના કદ જેટલો વિસ્તાર ભડકે બળી ચુક્યો છે. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગ પાછળ સૂકી આબોહવા, ઝડપથી ફુંકાતા વાયરા અને લાંબો સમય ચાલેલા દુકાળ કારણભૂત છે. ૨૦૧૮માં કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ ૮ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રસરી હતી. જંગલોમાં અણધારી આગ માનવસર્જીત છે એમ જ કહેવું પડે પછી ભલે એ દુનિયાના કોઇપણ ખૂણે લાગી હોય કારણ કે ક્લાઇમેટ ચેન્જ એ માનવસર્જીત આફત છે અને તેનાં પરિણામ આખા ધરતી પર વર્તાઇ રહ્યાં છે. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર દિવસે દિવસે વધી રહ્યું છે અને આપણા ગ્રહનું સામાન્ય તાપમાન પણ આ સાથે વધી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા, યુરોપ અને અન્ય દેશોમાં ધાર્યા કરતાં વધારે આકરો ઉનાળો લોકોને વેઠવો પડી રહ્યો છે. સૂકો અને ગરમ ઉનાળો જંગલ પ્રદેશોમાં દાવાનળના વિસ્તારમાં પણ વધારો કરે છે.

પર્યાવરણનાં અસંતુલનમાં જંગલોની નાબૂદીનો પ્રભાવ પડે જ તે સ્વાભાવિક છે. આપણે આપણા ઘરમાં એ.સી. સામે કે પંખા નીચે બેઠાં એમ વિચારીએ કે આ જંગલોની આગથી આપણને શી લેવા દેવા ત્યારે આપણને એ નથી યાદ આવતું કે કડકડતી ઠંડીની મોસમમાં પણ આપણે હવે પંખા અને એ.સી.નાં આધીન છીએ. ક્લાઇમેટ ચેન્જના બોજ તળે દબાઇ રહેલી પૃથ્વી પર રાતોરાત નવાં જંગલો ઊગાડવા શક્ય નથી. માણસ જો વિચારે કે પોતે જંગલ ઊગાડી તેને આપમેળે કુદરતી રીતે ઉછરવા દેવા માગે છે તો એમ કરવામાં એક સદી જેટલો સમય લાગી શકે છે. જો જમીનનો કોઇ હિસ્સો માણસનાં હસ્તક્ષેપથી વંચિત હોય તો ૬૦૦થી ૧,૦૦૦ વર્ષનાં સમયમાં ત્યાં આપમેળે જંગલ ઊગી નીકળશે. જો કે આપણી પૃથ્વી જે સ્થિતિમાં મુકાઇ રહી છે તે જોતાં આપણને દસ વર્ષમાં ઊગી શકે તેવાં જંગલોની તાતી જરૂર છે. અકીરા મિયાવાકી જેવા વૈજ્ઞાનિકોએ એક દાયકામાં જ ઊગી અને ઉછરી શકે તેવા જંગલો માટે અનિવાર્ય કુદરતી પ્રક્રિયાઓ પર કામ કર્યું છે. શુભેન્દુ શર્માની એફોરેસ્ટ જેવી ફોર-પ્રોફીટ કંપનીઓ પોતાનાં કોર્પોરેટ ગ્રાહકોને ડિમાન્ડ અનુસાર તેમનાં વિશાળ પ્લાન્ટ્સની આસપાસ જંગલો ઊગાડી આપવાનું કામ કરે છે અને આ જંગલો દસ વર્ષના ગાળામાં ઉછરે છે.  શુભેન્દુ શર્માએ પોતાનાં ઘરની પાછળના વિસ્તારમાં ઉછેરેલા જંગલમાં બે જ વર્ષમાં પંખીની સાત જાતોમાં બીજી દસનો ઉમેરો જોયો છે તો ભૂગર્ભ જળનાં પ્રમાણમાં પણ વધારો જોયો છે.

આપણે વૃક્ષો પર ચલાવેલી કુહાડીઓ આપણાં પગે જ વાગી છે અને તે આપણા ગ્રહને લોહી લુહાણ કરી રહી છે. જંગલોની સાથે કેટકેટલાં ય જીવો આપણે ગુમાવી રહ્યાં છીએ. વૈશ્વિક સ્તરે આબોહવાની કથળેલી સ્થિતિમાં હકારાત્મક ફેરફાર લાવવામાં જંગલોનો બહુ મોટો ફાળો હોય છે. કાર્બનનાં સંગ્રહની ક્ષમતા વિના આપણે પૃથ્વીની ગરમી પર નિયંત્રણ નહીં રાખી શકીએ. રાજકીય સ્તરે નીતિઓમાં ફેરફાર, લોકોનાં અભિગમમાં ધરમૂળથી ફેરફાર અને વ્યવહારિક શૈલીઓમાં પરિવર્તન નહીં કરાય તો પરિસ્થિતિ હાથમાંથી જશે અને પછી એ તબક્કે પાછા વળવું શક્ય નહીં હોય. ભારતનાં આસામનો જાદવ મોલાઇ પાયેન્ગ છે જેણે જિંદગીનાં ત્રીસ વર્ષ માત્ર ઝાડ ઊગાડવામાં ગાળ્યા છે અને ઉજ્જડ જમીન પર ૫૫૦ હેક્ટર્સનું માનવ સર્જીત જંગલ ખડું કર્યું છે, દુનિયાને આવા લાખો પાયેન્ગની જરૂર છે. જંગલોની રાખ થતા સમય નથી લાગતો પણ કુંપળ ફૂટે ને ત્યાંથી ઘટાટોપ ઝાડ ઊગે તેમાં તો ચોક્કસ લાંબો સમય લાગે છે. હાથનાં કર્યા હૈયે આપણને તો નહીં જ વાગે એવા ખોટા ગુમાનમાં આપણે ધાર્યા કરતાં વધારે ખોઇ બેસીએ એ પહેલાં જ જાગી જવાની જરૂર છે.

બાય ધી વેઃ

પૃથ્વી ભડકે બળી રહી છે અને આપણને બધાંને દીપિકા પાદુકોણની ફિલ્મનો વિરોધ કરવાની ચળ ઉપડે છે. જંગલ નાબૂદીનો મુદ્દો જેટલો દૂર લાગે છે તેના કરતાં કંઇક ગણો નજીક છે. દુનિયાભરનાં જંગલોમાં લાગેલી આગની ઝાળ આપણને ક્યારે અને કેવી રીતે દઝાડશે તેનો આપણને ખ્યાલ સુદ્ધાં નહીં આવે. જ્યારે ખબર પડશે ત્યારે હંમેશની માફક છેલ્લી ઘડીએ કૂવો ખોદવા બેસીશું પણ ભૂગર્ભ જળ પણ નહીં હોય એટલે પાણી ય નહીં મળે. આ તો આપણે ત્યાં નથી થયું કહેનારાઓએ યાદ રાખવું પડશે કે તેઓ હજી પણ આ જ ગ્રહ પર જીવી રહ્યાં છે. ૨૦૧૯માં માણસે સમુદ્ર અને વાતાવરણમાં દર વખત કરતાં ઘણો વધારે કાર્બન વહેતો કર્યો છે. માણસને કારણે પૃથ્વીનું અડધોઅડધ ગ્રીન કવર તો ખતમ થઇ ચૂક્યું છે. આપણો પર્યાવરણીય વિનાશ ત્યારે જ અટકી શકશે જ્યારે આપણે વૈચારિક વિનાશનાં માર્ગે ચાલવાનું અટકીને ‘વિકાસ’ નહીં પણ શક્યતાઓના અવકાશ ભણી નજર નાખીશું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2020

Loading

ભારતીયોને મુસલમાનોએ હરાવ્યા અને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2020

ભારતમાં પોર્ટુગીઝો સૌથી પહેલા આવ્યા. એ પછી બીજા યુરોપિયનો પણ આવ્યા અને અંગ્રેજો સૌથી છેલ્લા આવ્યા. કયો અંગ્રેજ સૌથી પહેલા ભારતમાં આવ્યો હતો તે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ એમ માનવામાં આવે છે કે થોમસ સ્ટીફેન્સ ભારતમાં પગ મૂકનાર પહેલો અંગ્રેજ મિશનરી હતો. તે સન ૧૫૭૯માં રહ્યો હતો અને ૪૦ વરસ ભારતમાં રહ્યો હતો. એ પછી મહારાણી એલિઝાબેથનો પત્ર લઈને ત્રણ અંગ્રેજ અકબરના દરબારમાં આવ્યા હતા અને ભારતમાં ધંધો કરવા દેવાની વિનંતી કરી હતી. સન ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને જહાંગીરે ૧૬૦૮માં સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી હતી. ચરોતર નજીક હોવાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રારંભનો ધંધો તમાકુનો હતો અને તે સુરતથી થતો હતો. હિંદી ભાષામાં તમાકુ માટે પ્રચલિત શબ્દ ‘સૂરતી’ છે એ આ કારણે.

પોર્ટુગીઝો અને અંગ્રેજોમાં ફરક એ હતો કે અંગ્રેજોએ મુખ્યત્વે ધ્યાન ધંધા પર કેન્દ્રિત કર્યું હતું અને ધર્માંતરણ અને ભારતના પ્રદેશો પર કબજો કરવામાં શરૂઆતના સમયમાં ખાસ કોઈ રસ નહોતો લીધો. બીજી બાજુ પોર્ટુગીઝો વધારે ધર્મઝનૂની હતા, આક્રમક હતા અને ભારતીય પ્રજા પર ધર્મને લઈને અત્યાચારો પણ કર્યા હતા. આ ઉપરાંત વ્યાપાર અને પ્રદેશો પર કબજો કરવાની બાબતમાં પણ એટલા જ ક્રૂર અને આક્રમક હતા. અંગ્રેજોના આવા સલુકાઇભર્યા વર્તનને કારણે તેમને પોતાની જગ્યા બનાવવામાં અનુકૂળતા મળી હતી. જેમ કે બંગાળના સૂબેદારનો એક અંગ્રેજ તબીબે ઈલાજ કર્યો એનાથી ખુશ થઈને સૂબેદારે અંગ્રેજોને હુગલીમાં કોઠી સ્થાપવાની મંજૂરી આપી હતી. ઈ.સ. ૧૬૯૦માં અંગ્રેજોએ કલકત્તામાં ફોર્ટ વિલિયમનો કિલ્લો બાંધ્યો હતો.

હવે, એટલે ૧૬મી સદી પૂરી થતા સુધીમાં અંગ્રેજોને એમ લાગવા માંડ્યું કે જો ચાલાકીપૂર્વક ડગલાં માંડવામાં આવે તો ભારતની ભૂમિ પર પણ કબજો કરી શકાય એમ છે અને જો એમ બને તો વેપારને નામે ભારતની પ્રજાનું શોષણ કરી શકાય. અંગ્રેજોના નસીબે તરત જ ૧૭૦૭ની સાલમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને મુઘલ સલ્તનત કમજોર પડવા લાગી. આમ તો ઔરંગઝેબની હયાતીમાં જ મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું હતું અને તેનું કારણ એ હતું કે ઔરંગઝેબે તેના જીવનનાં છેલ્લા લગભગ ૨૫ વરસ દિલ્હીથી દૂર મરાઠાઓની પાછળ પડવામાં દક્ષિણમાં વિતાવ્યાં હતાં. કેન્દ્રીય શાસનના અભાવે અંદરથી ખોખલું થઈ ગયેલું મુઘલ સામ્રાજ્ય ઝડપથી પડી ભાંગવા લાગ્યું હતું.

સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા એથી કેન્દ્ર હજુ વધુ નબળું પડ્યું હતું, પણ એનો લાભ અંગ્રેજો લે એને હજુ વાર હતી. મુઘલ સામ્રાજ્યના પતનનો લાભ પૂનાના પેશ્વાઓએ લીધો હતો. ધીરેધીરે તેમણે સૂબાઓ પર આક્રમણ કરીને તેનો કબજો લીધો હતો અને ૧૭૫૦ સુધીમાં લગભગ અડધા કરતાં વધુ ભારત પર પૂનાના બ્રાહ્મણ પેશ્વાઓનો કબજો હતો. આ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને રાજ કરતા આવડ્યું નહીં. જીતેલા પ્રદેશોમાં દરેક જગ્યાએ પેશ્વાઓ વાર્ષિક આવકનો ચોથો ભાગ લઈને પરાજીત સૂબાને રાજ કરવા દેતા હતા અથવા મરાઠા સરદારોને નવા સૂબા તરીકે બેસાડવામાં આવતા હતા. તેઓ બધા ટેકનિકલી પેશ્વાઓને અધીન હતા, પરંતુ વ્યવહારમાં સ્વતંત્ર હતા. આ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે. જો પેશ્વાઓએ જીતેલા પ્રદેશોને ભેળવીને સામ્રાજ્ય વિસ્તાર્યું હોત અને એક જગ્યાએથી કેન્દ્રીય શાસન કર્યું હોત તો ભારતનો ઇતિહાસ જુદો હોત. આ સારો હોત કે નરસો એ જુદો પ્રશ્ન છે, પણ એટલું નક્કી કે અંગ્રેજો ભારત પર કબજો કરવામાં ફાવ્યા ન હોત અથવા તેમાં ખૂબ સમય લાગ્યો હોત.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ નામનાં પુસ્તકના લેખક રામધારી સિંહ દિનકરે એક મહત્ત્વનો સવાલ કર્યો છે. તેમણે કહ્યું છે કે ૧૨મી સદીમાં મુસ્લિમ આક્રમણકારોને સિંધુથી ઢાકા સુધીની ભારતની ભૂમિ પર કબજો કરતા એક દાયકો માંડ લાગ્યો હતો, જ્યારે અંગ્રેજોને ભારત પર કબજો કરવા માટે કુલ ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી. આમ કેમ થયું તેનો તેમણે પોતે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ પ્રશ્ન રસપ્રદ છે. આનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે અને એ પછી પણ અંગ્રેજો પાસે એવડું મોટું અંગ્રેજ લશ્કર નહોતું કે તે દાયકા-બે દાયકામાં આવડા મોટા ભારત દેશ પર કબજો કરી શકે. મુસ્લિમ આક્રમણકારો ભારતના નજીકના દેશોમાંથી આવતા હતા જયારે અંગ્રેજો પાંચ હજાર માઈલ્સ દૂરથી આવ્યા હતા. એ સમયે તેમની કુલ સંખ્યા ભારતમાં એકાદ હજાર માંડ હશે.

મહત્ત્વનું એ નથી કે અંગ્રેજોએ ભારત પર કબજો કરવા ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી, મહત્ત્વનું એ છે કે પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા એકાદ હજાર અંગ્રેજોએ થાક્યા વિના ૧૧૧ લડાઈઓ લડીને પણ ભારતનો કબજો કર્યો હતો અને એ પણ સો વરસમાં. આને માટે તેમણે ભારતીય શાસકોને આપસમાં લડાવ્યા હતા, કોઈ એકને મદદ કરી હતી, એ લડતના શિરપાવરૂપે ત્રીજા શાસક સામેની અંગ્રેજોની લડાઈમાં જેને મદદ કરી હતી તેની પાસેથી વળતી મદદ માગી હતી અને તેમણે ધીરે ધીરે ભારતીય પ્રજાનું અંગ્રેજ સૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું વગેરે. ટૂંકમાં એકાદ હજાર વિદેશીઓએ ભારતીય સૈનિક અને ભારતીય શાસકોની મદદથી ભારત કબજે કર્યું હતું.

મહત્ત્વ એ વાતનું છે કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!

અંગ્રેજોને સો વરસના સમયગાળામાં ૧૧૧ લડાઈઓ લડવી પડી એનું કારણ એ હતું કે ઔરંગઝેબના અવસાન પછી ભારતમાં ફ્રી ફૉર ઑલ જેવી સ્થિતિ હતી. દરેકને એમ લાગતું હતું કે પૂરી તાકાત લગાવીને વધુમાં વધુ પ્રદેશ કબજે કરી શકાય એમ છે. એમાં મરાઠાઓ હતા, મુઘલ સામ્રાજ્ય સામે બળવો કરનારા સૂબાઓ હતા અને વ્યવસાયી લૂંટારા પણ હતા. ભૂમિ કબજે કરવાની હોડ હતી જેમાં રાજકાજના ધોરણસરના કોઈ નિયમો જ નહોતા. રાષ્ટ્રીયતા અને વતન જેવી કોઈ ચીજ નહોતી. અરાજકતા એવી હતી કે કોઈ કોઈનું મિત્ર નહોતું અને કોઈનું દુશ્મન નહોતું. આની વચ્ચે અંગ્રેજોએ પોતાની જગ્યા બનાવવાની હતી અને મૈત્રી તેમ જ વિશ્વાસઘાતના માર્ગે ૧૧૧ લડાઈઓ લડીને ભારત કબજે કર્યું હતું. 

મુસ્લિમ આક્રમણકારો વિશેનો જે પ્રશ્ન આપણને ૧૨મી અને ૧૩મી સદીમાં થવો જોઈતો હતો અને અંગ્રેજોની સફળતા વિશેનો જે પ્રશ્ન આપણને ૧૮મી સદીમાં થવો જોઈતો હતો એ બન્ને પ્રશ્ન આપણને ૧૯મી સદીમાં થયા હતા. એ પણ અંગ્રેજો થકી. પહેલો પ્રશ્ન તેમણે લખેલા ઇતિહાસ દ્વારા અને બીજો પ્રશ્ન અંગ્રેજોએ ભારતીય પ્રજામાં આણેલી જાગૃતિ દ્વારા. હિંદુઓને મુસલમાનોએ હરાવ્યા અને ભારતીયોને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા. આ બેમાંથી કયો ઘાવ મોટો અને દૂઝણો? દેખીતી રીતે અંગ્રેજોએ ખાસ પ્રકારે ઇતિહાસ લખીને પહેલો ઘાવ ખોતરીને દુઝતો કર્યો હતો કે જેથી બીજા ઘાવ તરફ નજર ન જાય. આજે પણ કહેવાતા રાષ્ટ્રવાદી દેશભક્તોમાં આ માનસિકતા કાયમ છે. મુસલમાનો સામેનો પરાજય તેમને વધારે ચચરે છે, અંગ્રેજોએ બેવકૂફ બનાવીને ગુલામ બનાવ્યા એનો તેઓ ચચરાટ અનુભવતા નથી. માટે તો તેમણે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો.

એના બાપે તારા બાપને માર્યો હતો એમ કહીને અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જાન્યુઆરી 2020

Loading

...102030...2,6092,6102,6112,612...2,6202,6302,640...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved