Opinion Magazine
Number of visits: 9576440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામનું પહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|13 December 2019

કાળચક્રની ફેરીએ

આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે, જેમના જન્મને ૨૦૦ વર્ષ પૂરાં થશે, તે દલપતરામ ડાહ્યાભાઈ ઓળખાય છે કવીશ્વર તરીકે. પણ તેમનું પહેલું પુસ્તક કવિતાનું નહોતું. તેમનું પહેલું પુસ્તક પ્રગટ થયું તેના નામમાં ‘નિબંધ’ શબ્દ આવે છે. પણ આ ‘નિબંધ’ એટલે આજે આપણે જેને નિબંધ ઉર્ફે ‘એસે’ તરીખે ઓળખીએ છીએ તે નહિ. એ લખાણને જો કોઈ ચિઠ્ઠી ચોડવી જ હોય તો લાંબા કથાત્માક ગદ્ય લખાણની ચોડી શકાય. દલપતરામના એ પહેલા પુસ્તકનું નામ ‘ભૂતનિબંધ.’

૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે કેટલાક અંગ્રેજ અમલદારોએ ભેગા મળીને અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયાટી’(આજની ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી. એ અંગેની પહેલ કરી હતી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે. પોતે કરવાનાં જે કામો સોસાયટીએ ઠરાવ્યાં હતાં તેમાંનું એક કામ ‘નિબંધો’ માટે ઇનામી હરીફાઈ યોજીને તેમાંનાં યોગ્ય લખાણોને પુસ્તક રૂપે પ્રગટ કરવાનું કામ પણ હતું. મુંબઈમાં કેપ્ટન જર્વિસની આગેવાની હેઠળ ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલબુક્સ સોસાયટી’ આવી હરીફાઈઓ યોજતી હતી. એ વખતે હજી હાથે લખેલી પોથીઓ પ્રચારમાં હતી, એટલે હરીફાઈ માટે લખાણ મગાવતી વખતે ‘હસ્તપ્રત’ શબ્દ વપરાય તો ઘણાના મનમાં ગૂંચવાડો થાય એવી શક્યતા હતી. એટલે ગદ્ય કે પદ્યમાં લખાયેલાં લાંબાં લખાણો માટે જર્વિસે ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. તેમાં જે ‘ઇનામ’ અપાતું તે આજનું ‘પ્રાઈઝ’ કે ‘એવોર્ડ’ નહિ, પણ આજે લેખકને અપાતો ‘પુરસ્કાર.’ મુંબઈમાં ચાલુ થયેલી આવી ‘ઇનામી નિબંધ સ્પર્ધા’નો ચાલ અમદાવાદની સોસાયટીએ અપનાવ્યો. ૧૮૪૯ના જૂનની ૧૩મી તારીખે સોસાયટીની કમિટીની બેઠક મળી તેમાં આવી ઇનામી હરીફાઈ માટે પહેલો વિષય ‘ભૂતપ્રેત’નો પસંદ કરવામાં આવ્યો. એ અંગે પ્રગટ કરેલી જાહેરાતમાં લખ્યું હતું : “શરીરમાં ભૂત આવે છે , એવો ભ્રમ લોકોએ માની લીધો છે. તે ભ્રમ શાથી ઉત્પન્ન થાય છે, એનાં કારણનાં શોધની સાચી વિગત લખવી તથા ભ્રમણાથી માની લીધેલા ભૂતને શરીરમાંથી કાઢવાને માટે ગુજરાતમાં શા શા ઉપાયો કરે છે એ આદિક સવિસ્તાર માસ છની અવધમાં લખવો.” પસંદ થયેલા લખાણના લેખકને ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ આપવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. દેખીતું છે કે આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ સાહિત્ય સર્જનનો નહોતો, પણ અંધશ્રદ્ધા કે વહેમના નિવારણનો હતો.

સોસાયટીની સ્થાપના થઇ તે પહેલાં ભોળાનાથ સારાભાઈની ભલામણથી અને તેમની હાજરીમાં ૧૮૪૮ના નવેમ્બરની પહેલી તારીખે અમદાવાદમાં ફાર્બસ અને દલપતરામ પહેલી વખત મળ્યા હતા. અને તે જ દિવસથી ફાર્બસે પોતાના મદદનીશ તરીકે દલપતરામને નોકરીએ રાખી લીધા હતા. એક દિવસ ફાર્બસે દલપતરામને પૂછ્યું કે તમે આ હરીફાઈમાં ભાગ લેવાના છો કે નહિ. ત્યારે દલપતરામે જવાબ આપ્યો કે ઇનામની રકમ બહુ ઓછી છે, એટલે નિબંધ લખવાની મહેનત કરવાનું મન થતું નથી. આ સાંભળી ફાર્બસે કહ્યું કે ઇનામ મેળવવા ખાતર નહિ, પણ ગુજરાતના લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથીએ બહાર કાઢવા પણ તમારે આ નિબંધ લખવો જોઈએ. એટલે પછી દલપતરામે ‘ભૂતનિબંધ’ લખીને હરીફાઈ માટે મોકલ્યો. હરીફાઈમાં કુલ ત્રણ હસ્તપ્રતો આવેલી. તેમાંથી ‘ઇનામ’ માટે દલપતરામનું લખાણ પસંદ થયું. તેમનું આ લખાણ ચાર ‘પ્રકરણ’ અને ૫૫ ‘વાર્તાઓ’માં વહેંચાયેલું છે. તેમાં મુખ્યત્વે ભૂતપ્રેત અંગેની એ જમાનાની પ્રચલિત વાર્તાઓ દલપતરામે નોંધી છે અને ભૂતપ્રેત અંગેની માન્યતાનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. આખા લખાણના સારાંશરૂપે છેવટે દલપતરામ લખે છે : “કોઈ રીતનો ભ્રમ તથા મંત્રજંત્રની વાતો સર્વેનો તપાસ સારી રીતે કરવો. ગપ્પાની વાતોમાં વિશ્વાસ રાખવો નહિ અને ભૂત તથા મૂઠચોટઆદિકની બીક છોડી દઈને, પરમેશ્વરની બીક મનમાં રાખીને જુઠ્ઠું બોલવા આદિક પાપ કરવું નહિ અને સદ્ગુરુની સેવા કરવી. કપટી તથા દુષ્ટ આચરણવાળાની સોબત કરવી નહિ, તથા કોઈ ઢોંગી માણસ પાસે ઠગાવું નહિ. આ સંપૂર્ણ ગ્રંથનો સારાંશ એટલો છે.” જોઈ શકાય છે કે પોતાનું લખાણ માત્ર ભૂતપ્રેત વિરોધી ન લાગે, પણ સર્વસાધારણ ઉપદેશાત્મક લાગે એવો અહીં જાણ્યે-અજાણ્યે પ્રયત્ન થયો છે.

ફાર્બસ આ ‘નિબંધ’થી સારા એવા પ્રભાવિત થયા હતા. સોસાયટીના બીજા વર્ષના અહેવાલમાં આ શબ્દો જોવા મળે છે, જે મોટે ભાગે ફાર્બસે જ લખ્યા હતા. “પહેલી જ કૃતિ ‘ભૂતનિબંધ’ની સારી એવી પ્રશંસા થઇ છે. તેની ભાષામાં શુદ્ધિ અને જોમ રહેલાં છે એટલા ખાતર જ નહિ, પણ તેમાં દર્શાવાયેલા સ્વતંત્ર મત અને વિચારો તથા પૂર્વગ્રહોના વિરોધને કારણે પણ તે પ્રશંસ્ય બન્યો છે. દેશમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા મથનારાઓમાં આ ગુણો બહુ ઓછા જોવા મળે છે, અને તેથી એ નિબંધ વધુ મૂલ્યવાન બની રહે છે.”

ફાર્બસને આ લખાણ એટલું ગમી ગયું હતું કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાવી પુસ્તક રૂપે પ્રગટ કર્યો. તેના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ Dalpatram Daya એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા. અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે જોઈ નવાઈ લાગે. આ અનુવાદની ફાર્બસે લખેલી પ્રસ્તાવના પણ નોંધપાત્ર છે. દેશી ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત તેમાં ફાર્બસે કરી છે. તેઓ લખે છે : “હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ. પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, એ બંને સાથોસાથ ચાલવા જોઈએ.” તો ‘ભૂતનિબંધ’ના લેખક દલપતરામ વિષે ફાર્બસ લખે છે : “તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષામાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.”

‘ભૂતનિબંધ’ના અંગ્રેજી અનુવાદમાં ક્યાં ય તેની પ્રકાશન સાલ છાપી નથી. પણ ડબ્લિન યુનિવર્સિટીના મેગેઝીન ‘લિટરરી એન્ડ પોલિટિકલ જર્નલ’ના જાન્યુઆરી-જૂન ૧૮૫૧ના અંકમાં આ અનુવાદનું અવલોકન પ્રગટ થયું હતું. એટલે જૂન ૧૮૫૧ પહેલાં ક્યારેક આ અનુવાદ પ્રગટ થયો હતો. અહીં એ હકીકત પણ નોંધવી જોઈએ કે ફાર્બસે કરેલો ‘ભૂતનિબંધ’નો આ અનુવાદ એ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ છે. 

પોતાના ‘કવીશ્વર દલપતરામ’ પુસ્તકમાં કવિ નાનાલાલે એવી છાપ ઊભી કરી છે કે ‘ભૂતનિબંધ’ એ અર્વાચીન ગુજરાતી ગદ્યની પુસ્તક રૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. નાનાલાલ કહે છે : “ભૂતનિબંધ એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયાટીની ગ્રંથપ્રકાશન માળાનો પ્રથમ મણકો. અર્વાચીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ, લોકપ્રસિદ્ધિ પામેલો દલપતરામનો પહેલો સાહિત્યવિજય … અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ તે ઇસવી સન ૧૮૪૯માં લખાયેલો દલપતરામનો ભૂતનિબંધ.” પણ હકીકતમાં આ વાત સાચી નથી. ‘ભૂતનિબંધ’ પહેલાં પ્રગટ થયેલી જ નહિ, ખુદ દલપતરામના જન્મ પહેલાં પણ પ્રગટ થયેલી ગુજરાતી ગદ્યકૃતિઓ છેક ૧૮૧૫થી જોવા મળે છે.

પણ દલપતરામનું આ પહેલું પુસ્તક છપાયું ક્યારે? ઉપરના અવતરણમાં નાનાલાલ એ અંગે મૌન સેવે છે અને તે ૧૮૪૯માં લખાયું હતું એટલું જ કહે છે. ગુજરાતી, મરાઠી વગેરે ‘દેશી’ ભાષાઓમાં ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સર એલેક્ઝાન્ડર ગ્રાંટે તૈયાર કરેલી સૂચિ મુંબઈ સરકારે પ્રગટ કરી હતી. આ સૂચિ મોટે ભાગે પ્રત્યક્ષ પુસ્તકો જોઇને નહિ, પણ બીજે-ત્રીજેથી મળેલી માહિતીને આધારે તૈયાર થઇ હતી. એ જોતાં જણાય છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં ઘણાં પુસ્તકોની પ્રકાશન સાલ તેમાં ૧૮૪૮ આપવામાં આવી છે, જે હકીકતમાં સોસાયટીનું સ્થાપના-વર્ષ છે. એ સૂચિમાં ‘ભૂતનિબંધ’ની પ્રકાશન સાલ પણ ૧૮૪૮ આપી છે. જાતે ખાંખાખોળાં કરવાની કુટેવ આપણા મોટા ભાગના વિવેચકો અને ઇતિહાસ લેખકોએ પાડી કે પાળી નથી, એટલે ઘણાખરાએ ૧૮૪૮ની સાલ સ્વીકારી લીધી છે. એટલે દીવા જેવી ચોખ્ખી વાત પણ તેમની નજરે ચડી નથી. જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઇનામી હરીફાઈ માટે આ ‘નિબંધ’ લખાયો હતો તે સોસાયાટીની પોતાની સ્થાપના જ ૧૮૪૮ના ડિસેમ્બરમાં થઇ હતી. હરીફાઈની જાહેરાત ૧૮૪૯ના જૂનની ૧૩મી તારીખે થઈ, અને તેમાં નિબંધ લખી મોકલવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો, એટલે કે નિબંધો ૧૮૪૯ના ડિસેમ્બર સુધીમાં લખી મોકલવાના હતા. એ મુદ્દત સુધીમાં સોસાયટીને કુલ ત્રણ ‘એન્ટ્રી’ મળી. તેને વાંચી, જોઈ-ચકાસી, ઇનામી કૃતિ પસંદ કરવામાં પણ બે-ત્રણ મહિનાનો સમય ગયો હોય તેમ માની શકાય. એ પછી એ જમાનામાં લિથોગ્રાફ પદ્ધતિથી પુસ્તક છાપીને તૈયાર કરવામાં પણ સારો એવો સમય ગયો હોય. એટલે હકીકતમાં ‘ભૂતનિબંધ’નું પ્રકાશન વહેલામાં વહેલું ૧૮૫૦ના પાછલા છ મહિનામાં થયું હોઈ શકે. તેના અંગ્રેજી અનુવાદનું અવલોકન ૧૮૫૧ના જૂનના અરસામાં પ્રગટ થયું હતું તે આપણે અગાઉ જોયું છે. એટલે મૂળ ગુજરાતી પુસ્તક અને તેના અંગ્રેજી અનુવાદ વચ્ચે છ મહિનાનો ગાળો માનીએ તો પણ ગુજરાતી પુસ્તક ૧૮૫૦ના અંત સુધીમાં પ્રગટ થયું હોવું જોઈએ.   

ભૂતનિબંધ સર્જનાત્મક કૃતિ નથી જ. તેનું ગદ્ય પણ વહેવારુ બોલચાલની નજીકનું છે. એટલે કે ગદ્ય કૃતિ તરીકે ય તે કોઈ ખાસ છાપ પાડે તેમ નથી. તેમાં વહેમ કે અંધશ્રદ્ધા વિષે જે લખાયું છે, તેનું સ્વરૂપ આજે ઘણું બદલાયું છે. છતાં એક વાત તો સ્વીકારવી જ પડે : આ પુસ્તક પ્રગટ થયું તે પછી લગભગ ૧૭૦ વર્ષે પણ આપણા સમાજમાંથી આવા વહેમો અને તેને પરિણામે પાંગરતા કુરિવાજો પૂરેપૂરા દૂર થયા નથી. અને એટલે અંશે હજી આજે પણ ‘ભૂતનિબંધ’ સમાજ સુધારણા માટે ઉપયોગી થાય તેમ છે. અને દલપતરામના પહેલવહેલા પુસ્તક તરીકે તેનું ઐતિહાસિક મહત્ત્વ તો છે જ.

xxx xxx xxx

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan KalelkarMarg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

સૌજન્ય : “શબ્દસૃષ્ટિ”, ડિસેમ્બર 2019

Loading

સપનાં વિનાની આખી રાત: સપનાંનો ગર્ભપાત કે આઝાદીની ઉડાન?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 December 2019

હૈયાને દરબાર

કોઈ ગીતના શબ્દો કથાને અનુરૂપ આટલાં બધાં સચોટ હોય? જસ્ટ અનબિલિવેબલ. ‘હેલ્લારો’ ફિલ્મની કથાના અઢળક વખાણ થયા છે. આમ તો ફિલ્મનું દરેકે દરેક પાસું અદ્ભુત છે. પણ ભાઈ, ગીતોનું તો કહેવું પડે! શબ્દે શબ્દે સ્ટોરી છે અને સ્વરે સ્વરે નારી સંવેદનાનો લહેકો અને ટહુકો. અચ્છા નાટ્યકાર સૌમ્ય જોશી આ ફિલ્મમાં સંવાદલેખક અને ગીતકાર તરીકે સ્ટેન્ડ આઉટ થાય છે. સંગીતકાર મેહુલ સુરતીની સંગીતકાર તરીકે ઘણી નામના સાંભળી હતી પરંતુ, એમને પૂરો ન્યાય આપી શકાય એવા ગીતની તલાશમાં હતી. છેવટે, મળ્યાં તો કેવાં લાજવાબ ગીતો મળ્યાં! ફિલ્મ જોઈ તે જ દિવસે આ બધાં ગીતો યુટ્યુબ પર જઈને વારંવાર સાંભળ્યાં તો ય ધરવ નથી થતો.

ભારતની તમામ ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવૉર્ડ જીતનારી અભિષેક શાહ લિખિત-દિગ્દર્શિત ‘હેલ્લારો’ એવી ફિલ્મ છે જેમાં બ્લેક એન્ડ વ્હાઈટ પુરુષપ્રધાનતાની સામે સ્ત્રીઓની લાલ ચટ્ટક સંવેદનશીલતા કસુંબલ આશાવાદ જગવે છે. ઢોલ એ આ ફિલ્મનું એવું પાત્ર છે જે લયબદ્ધ જીવતાં શીખવે છે. સંગીત, સિનેમેટોગ્રાફી અને સંવાદ એ આ ફિલ્મનાં ઊજળાં પાસાં. દરેક ગીતની પોતાની એક કથા છે. આજે વાત કરવી છે સપનાં વિનાની રાત અને વાગ્યો રે ઢોલ ગીતની. બન્ને ગીતમાં સ્ત્રીની લાગણીનો વિરોધાભાસ સમાજને વિચારતો કરી મૂકે છે.

સૌમ્ય જોશી સપનાં વિનાની રાત વિશે હૃદયસ્પર્શી વાત કરે છે. એ કહે છે, "ગીતની પહેલી પંક્તિ છે : તારી નદીઓ પાછી વાળજે …

સિચ્યુએશન પ્રમાણે કચ્છના રણમાં ભૂંગા(એક પ્રકારનાં માટીનાં ખોરડાં-ઘર)ની બહાર પુરુષો ગરબા કરી રહ્યા છે અને ભૂંગાની અંદર સપ્રેશન છે, સ્ત્રીનું સપ્રેશન, એનો દબાવી દેવામાં આવેલો કચડાયેલો અવાજ. ૧૯૭૫ના સમયની આસપાસ ગૂંથાયેલી આ કથા મુજબ એ વખતે સ્ત્રીઓને ગરબા કરવાની પરવાનગી નથી. આ વાત મને ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહે કહી ત્યારે મને થયું કે ઘરની બહાર પુરુષો ભલે ગરબા લેતા હોય પણ ગીત તો ઘરની અંદર છે! એટલે હાલરડા રૂપે ગીતને મૂકવાનો વિચાર આવ્યો કારણ કે, સ્ત્રી મુક્ત મને બોલી ના શકતી હોય તો ગાવાની ક્યાંથી? તેથી હાલરડું જ ગવડાવવું પડે. હાલરડાં હેતનાં અને હૂંફનાં હોય. એમાં સલાહ આપો તો ગરબડ થઈ જાય. એટલે પરોક્ષ રીતે મા તેની દીકરીને ઊંઘાડતાં કહે છે કે સપનાં જોઈશ નહીં. નહીં તો તને ય જાતજાતની ઇચ્છા થશે. એટલે માવડી પાસે એટલું જ માંગજે કે સપનાં વિનાની રાત દે. મારી દૃષ્ટિએ આ ટેરર સોંગ છે. અથવા હોરર સોંગ. સ્ત્રીના મનમાં જે ભય છે એ ઘૂંટાઈને સ્વર દ્વારા બહાર આવે છે.

આ ફિલ્મના સંગીતકાર મેહુલ સુરતી આ તમામ ગીતોની સર્જન પ્રક્રિયા વિશે જબરજસ્ત વાતો કરે છે. તેઓ કહે છે, "હેલ્લારોના ડિરેક્ટર અભિષેક શાહનો રાત્રે દોઢ વાગે ફોન આવ્યો. મેહુલ, એક ફિલ્મ બનાવી રહ્યો છું જેનું સંગીત તારે તૈયાર કરવાનું છે. ફિલ્મમાં ચાર ગીતો એટલે કે ચાર ગરબા ડાન્સ છે. મારા તો પગ તળેથી ધરતી ખસી ગઇ, કારણ કે ફકત ૩૦ દિવસમાં મારે ગીત જેવાં, છતાં ગીત નહીં એવા ચાર ગરબા તૈયાર કરીને આપવાના હતા. બીજી શરત એ હતી કે ગરબા જ છે એટલે ગીત ન લાગવું જોઈએ, ગીત છે તો ય સુગમ સંગીત ના લાગવું જોઈએ, વાત ૧૯૭૫ની છે એટલે ઇલેક્ટ્રોનિક સાઉન્ડનો ઉપયોગ પણ નહીં જ કરવાનો. બહુ જટિલ કામ હતું એટલે પહેલાં તો હું તો ગભરાઈ ગયો. સમય ઘણો ઓછો હતો. છતાં મેં કહ્યું કે થઇ જશે.

બસ, પછી તો દિવસરાત ટ્યુન બનાવવાની, સૂચન આવે તો બદલવાની ને પછી ફાઈનલ ફાઈલ મોકલવાની. તમે માનશો? ચારેય ગરબા મેં ૨૫ દિવસમાં પૂરા કર્યા. આ ચાર ગરબાની ટ્યુનનના મારી પાસે અત્યારે ૨૮ વર્ઝન છે. એટલે રોજના એક-બે ગરબાની ટ્યુન મોકલવાની. ભલું થજો ટેકનોલોજીનું, ગીતની આખી પ્રોસેસ ફોન, વોટ્સ એપ અને મેઈલ દ્વારા જ થઈ છે, અમે એકેય વાર એકબીજાને મળ્યાં નથી. ઓફકોર્સ, રેકોર્ડિંગ માટે સુરત, મુંબઈ, અમદાવાદ પાર વિનાના ધક્કા ખાધા છે. જેણે દર્શકોના હૃદયને હલબલાવી મૂક્યું છે એ સપનાં વિનાની રાત ગીતનું રેકોર્ડિંગ કરવા આદિત્ય ગઢવી અમદાવાદથી સુરત પાંચ કલાકની ડ્રાઈવ કરીને આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે પહોંચી માત્ર કટિંગ ચા અને ભેળ ખાઈને ગીત રેકોર્ડ કર્યું હતું. અજબ એનર્જી અને ગજબનું કમિટમેન્ટ! એને મેં સમજાવ્યું કે આ લોકશૈલીનું ફિલ્મી ગીત છે, ડાયરાનું ગીત નથી એટલે એ રીતે જ ગાવાનું. કમર્શિયલ અભિગમ રાખીને ક્લાસિક ગીતો બનાવવાની ચેલેન્જ મોટી હતી. બીજું, ગરબામાં ભાગ્યે જ ઉપયોગમાં લેવાતાં ઝપતાલમાં આ ગીતનો ઉઘાડ થાય છે. હું તો માનું છું કે ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે પોતાનું સત લઈને ભેગી થઈ એટલે ફિલ્મ આ ઊંચાઈએ પહોંચી શકી છે. એક ગીત તૈયાર થતાં કેટકેટલા કોઠા પાર કરવા પડે એ આવી સર્જન પ્રક્રિયા જાણીએ ત્યારે ખબર પડે. આ ફિલ્મનાં તમામ ગીતોના લેખનમાં સૌમ્ય જોશીની સંવેદનશીલતા શબ્દે શબ્દે પ્રગટે છે, જેમાં પ્રાણ પૂર્યાં છે સંગીતકાર મેહુલ સુરતીએ.

સંગીતમાં કચ્છીપણું જળવાઈ રહે એ માટે જોડિયા પાવા, વાંસળી, સ્થાનિક વાદ્યોનો જ વધારે પ્રયોગ થયો છે. જુદા જુદા વયજૂથની બહેનો પાસે કોરસ ગવડાવ્યું છે જેથી દરેકની અલગ ટોનલ ક્વોલિટી સામૂહિક રીતે જુદી જ એનર્જી સર્જી શકે. આધુનિક, અર્થસભર ગરબા ફિલ્મના મિજાજ, મુક્તિ માટેના તરફડાટ અને ખોટી રૂઢિઓને તોડવામાં ઉદ્દીપક બની રહે છે. જાણે ગરબો જ એક મહત્ત્વનું પાત્ર ન હોય!

ફિલ્મમાં દસ ઢોલ હાથથી અને દસ ડ્રમ સ્ટિકથી વાગ્યા છે. ઢોલી એટલે કે જયેશ મોરેને એ શિખવાડવા ખાસ ઢોલી રોક્યો હતો અને ઢોલના મ્યુઝિકલ પીસ દૃશ્યની લય પ્રમાણે રેકોર્ડ કરીને જયેશ મોરેને મોકલવામાં આવતા. ગીતની હાઈ પીચની ૩૦ સેકન્ડની એક પંક્તિ રેકોર્ડ કરતાં સુપ્રસિદ્ધ લોકકલાકાર મૂરા લાલાને દોઢ કલાક થયો હતો. આવી તો કેટલીયે ઘટનાઓ આ ગીત સાથે સંકળાયેલી છે.

આ જ ફિલ્મનું ખૂબ ગમી ગયેલું બીજું ગીત એટલે વાગ્યો રે ઢોલ …! ભૂમિ ત્રિવેદીના અવાજની ફ્રેશનેસ તથા બોલ્ડનેસ અદ્ભુત રીતે વ્યક્ત થઈ છે આ ગીતમાં. સજ્જડ બમ્મ પાંજરું પહોળું થયું … એ પંક્તિએ તો હાહાકાર મચાવી દીધો છે. પરંતુ તમને ખબર છે, આ સજ્જડ બમ્મ શબ્દ ગીતમાં બેસાડવો અને સ્વરબદ્ધ કરવો કેટલો અઘરો છે! ગીતની આ પંક્તિઓ તો જુઓ! સપનાં અને ઓરતાંનો ગર્ભપાત ના થાય એ માટે ઓરતાના ગાલ પર કાળો ટીકો લગાવવાની વાત કેવી સૂચક!

ઊંઘી નહીં હું તો ઊંઘી નહીં
થોડાં સપનાં જોવાને હાટું ઊંઘી જ નહીં

કાળો ટીકો રે એક કાળો ટીકો
મારાં ઓરતાંના ગાલ પર કાળો ટીકો ..!

"ઈલેક્ટ્રોનિક વાદ્યો વિનાનાં ગીતો લોકો સ્વીકારશે કે નહીં એ દહેશત અને ડર બન્ને હતાં પણ, અમારી ટીમને ખાતરી હતી કે ગીતો સર્વોત્તમ છે અને તહેલકો મચાવી દેશે. ફિલ્મના પહેલા સ્ક્રિનિંગ વખતે અમે બધાં ચોધાર આંસુએ રડી પડ્યા હતાં, કહે છે મેહુલ સુરતી.

વાગ્યો રે ઢોલ એ રાગ ભૈરવીમાં રજૂ થયેલું ગરબા નૃત્ય છે જે ફિલ્મનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય. આ ગીતમાં પંચ આવે એટલે પહેલાં સફેદ ત્રણના સ્કેલમાં દોઢસો ટ્રેક બની ગયા પછી ગાયિકા તરીકે ભૂમિ ત્રિવેદીને લેવાનું નક્કી થયું અને એણે કહ્યું કે મારો સ્કેલ સફેદ એક છે. બધાં જ ટ્રેક ફરી રેકોર્ડ કરવામાં આવ્યા! ઐશ્ર્વર્યા મજમુદાર અને શ્રુતિ પાઠકનાં ગીતો પણ ચોટદાર છે. છેલ્લે, વરસાદ પડે ત્યારે શ્રુતિ પાઠકનાં અવાજમાં રેકોર્ડ થયેલું ગીત,

મારા હૈયાના છાંયડાની હૂંફ …
ઠેક્યાં મેં થોરિયાં ને ઠેકી મેં વાડ …

આનંદ, ઉલ્લાસ અને વરસાદના પ્રતીક રૂપે આવે છે. ગીતમાં રાગ મલ્હાર તથા સારંગની છાંટ ભીની માટીની સુગંધ તથા નાયિકાની ઝાંઝરીના રણકારમાં ભળી જઈને દર્શકોને પરમ પરિતૃપ્તિનો અનુભવ કરાવે છે. વારંવાર સાંભળવા ગમે એવાં આ ગીતોએ ફિલ્મને લોકપ્રિય બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે એ નિર્વિવાદ હકીકત છે. હજુ સુધી ના સાંભળ્યાં હોય તો આજે જ સાંભળજો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 ડિસેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=605969     

Loading

ભુલાયેલા સમાજવાદી, અશોક મહેતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 December 2019

દેશના જાણીતા સમાજવાદી નેતા, વિચારક અને લેખક અશોક મહેતાની વિદાયને આજે તો સાડા ત્રણ દાયકા (અવસાન તા. ૧૧મી ડિસેમ્બર ૧૯૮૪) થયા છે. આજની પેઢી માટે તો તે સાવ ભુલાયેલું નામ. રાજકીય પક્ષોના નેતાઓની સભાઓમાં ભાડૂતી ઓડિયન્સ લાવવું પડતું હોય એવા હાલના સમયમાં, કોઈ રાજકીય પક્ષ વ્યાખ્યાનમાળા યોજે અને તેમાં વક્તાને સાંભળવા ટિકિટ ખરીદીને જવું પડે તે ન માની શકાય તેવી બાબત છે. પણ ૧૯૩૯માં અમદાવાદમાં કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષે વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું હતું. એ જમાનામાં સવેતન રંગભૂમિના નાટકોના કલાકારોએ ટિકિટો વેચવા ઘેરઘેર ફરવું પડતું હતું. ત્યારે આ વ્યાખ્યાનમાળામાં અમદાવાદનો પ્રેમાભાઈ હોલ ખરીદેલી ટિકિટોવાળા શ્રોતાઓથી ઉભરાઈ ગયો હતો. કારણ એ હતું કે ૨૮ વરસના અશોક મહેતા “ઈન્ડિયન રેનેસાં એન્ડ નેશનાલિઝમ” પર વ્યાખ્યાન આપવાના હતા ! એક વક્તા તરીકે આ તેમની લોકપ્રિયતા અને સફળતા હતી !

પીઢ અર્થશાસ્ત્રી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી, સમાજવાદી પક્ષના પ્રમુખ સ્થાપક, પ્રગતિશીલ આર્થિક અને રાજકીય વિચારધારાના જ્યોતિર્ધર કામદાર-કિસાન નેતા અને લેખક ચિંતક એવા અશોક મહેતા ભારતના સામાજિક, આર્થિક, રાજકીય ઇતિહાસનું અગત્યનું નામ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ‘અસ્મિતા’ શબ્દનો પ્રયોગ કરનાર, “ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતાનું એ સંતાન. જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૯૧૧ના ઓકટોબરની ૨૪મી તારીખે. મુંબઈમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતક થયેલા અશોક મહેતા કોલેજકાળથી જ અભ્યાસીનું કાઠું ધરાવતા હતા. યુસૂફ મહેર અલીએ સ્થાપેલી “બોમ્બે યુથ લીગ” ઉપરાંત ‘સ્ટુડન્ટસ સ્વદેશી લીગ” અને ‘કમળ દળ”ની પ્રવૃત્તિઓમાં તે સક્રિય હતા. મિત્રોના સહકારથી મુંબઈની કોલેજોના વિદ્યાર્થીઓનું સંગઠન બનાવ્યું હતું. એ સમયે “યુગાંતર” નામક અંગ્રેજી સાપ્તાહિકનું સંપાદન પણ કરતા હતા.

યુવાવસ્થાથી જ અશોક મહેતા આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. કારાવાસ દરમિયાન નાસિક જેલમાં જયપ્રકાશ નારાયણ અને અચ્યુત પટવર્ધનનો ભેટો થયો. જેલનિવાસ દરમિયાનની વિચારણાઓના ફળરૂપે ૧૯૩૪માં ‘કૉન્ગ્રેસ સમાજવાદી દળ”ની રચના કરવામાં આવી. ૨૩ વરસના અશોક મહેતા તેના અગ્રણી સભ્ય હતા. પાર્ટીના સાપ્તાહિક ”કૉન્ગ્રેસ સોસ્યાલિસ્ટ’નું ૧૯૩૯ સુધી તેમણે સંપાદન કર્યું. પ્રજા સમાજવાદી પાર્ટીના એ સ્થાપક મંત્રી (૧૯૫૦-૫૩) અને પ્રમુખ (૧૯૫૯-૬૩) હતા.  કૉન્ગ્રેસે તેના અવાડી અધિવેશનમાં સમાજવાદનો માર્ગ અપનાવ્યો તો તેનાથી આકર્ષાયા અને કૉન્ગ્રેસમાં જોડાયા, વૈચારિક મતભેદો થયા તો છૂટા પણ પડ્યા.

અશોક મહેતાની સંસદીય કારકીર્દિ પણ બહુ તેજસ્વી રહી હતી. ૧૯૫૪-૫૭માં તેઓ પહેલી લોકસભામાં ભંડારા (મધ્યપ્રદેશ) બેઠક પરથી પ્રજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીથી લોકસભાના સભ્ય બન્યા હતા. ૧૯૫૭થી ૬૨ની બીજી લોકસભામાં તેઓ બિહારના મુજફરપુરનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. ત્રીજી લોકસભા(૧૯૬૨)ની ચૂંટણી તેઓ સમાજવાદીઓના  ગઢ સમા દેવરિયામાંથી હાર્યા હતા. ૧૯૬૬-૬૭માં તેઓ રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે પછી ચોથી લોકસભામાં (૧૯૬૭-૭૦) તેઓ ભંડારા બેઠક પરથી વિજેતા થયા હતા. જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેઓ ૧૯૮૦માં સુરતથી સાતમી લોકસભાની ચૂંટણી હાર્યા હતા. કેન્દ્રમાં બે વાર મંત્રી, લોકસભામાં પ્રજા સમાજવાદી પક્ષના નાયબ નેતા અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ નિમાયા હતા તો પ્લાનિંગ કમિશનના નાયબ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. કટોકટી બાદ રચાયેલી જનતા પક્ષની સરકારે અશોક મહેતાના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ સમિતિની રચના કરી હતી. સમિતિએ પંચાયતી રાજના વિકેન્દ્રીકરણ અને સ્તરીકરણની સુંદર સમીક્ષા કરતો ૧૩૨ ભલામણો સાથેનો અહેવાલ સરકારને આપ્યો હતો. પણ અલ્પજીવી સરકાર તેનો સ્વીકાર કરી ન શકતાં, કર્ણાટક, આંધ્ર અને બંગાળની વિપક્ષશાસિત સરકારો સિવાયના રાજ્યોમાં તેનો અમલ થઈ શક્યો નહોતો.

આઝાદી પૂર્વે મુંબઈના મેયર રહી ચૂકેલા અશોક મહેતા મુંબઈની ચાલીઓમાં ‘મજદૂરોંકે નેતા અશોક મહેતા” તરીકે ખ્યાતિ પામેલા હતા. ૧૯૪૯માં તેમણે” હિંદ મજદૂર સભા”ની સ્થાપના કરી હતી. અશોક મહેતાએ જાહેર જીવનમાં પોતાનો અસલ મિજાજ સદા જાળવી રાખ્યો. વોરસો કરારના દેશોનાં લશ્કરી દળોએ ચેકોસ્લોવેકિયા પર આક્રમણ કર્યું અને ભારતે આ રશિયન કૃત્યને વખોડવાનો નન્નો ભણ્યો તેના વિરોધમાં એમણે કેન્દ્રની કોબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. અસંમતિનો અવાજ કોઈ ભાગ્યે જ ઉચ્ચારતું એવા એ સમયે પોતાના વિચારોને વળગી રહી સત્તાનો ત્યાગ કરનાર અશોક મહેતા ભારતીય રાજનીતિનું એક વિરલ પાત્ર હતા. બીજી પંચવર્ષીય યોજનાની ચર્ચા દરમિયાન વસ્તી નિયંત્રણનું આયોજન તેમના પ્રયત્નોથી દાખલ થઈ શક્યું હતું. આજીવન અપરિણીત અને કેન્દ્રીય મંત્રી  તરીકે રૂ. ૧નો પ્રતીક પગાર લેનાર કે પેટ્રોલિયમ મંત્રી તરીકે પેટ્રોલની કરકસર કરવા નાની અને સાદી કાર વાપરનાર તેઓ સાચા સમાજવાદી હતા.

જ્યારે વૈચારિક મતભેદો ઊભા થયા ત્યારે તેમણે પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રજા સમાજવાદી પાર્ટીના મુખપત્ર “જનતા”માં તેમણે “કમ્પલશન્સ ઓફ ધ બેકવર્ડ ઈકોનોમી એન્ડ એરિયાઝ ઓફ કોઓપરેશન” મથાળે લેખ લખી, તેમનો કૉન્ગ્રેસ પ્રત્યેનો ઝુકાવ વ્યક્ત કરી, પંડિત નહેરુ અને કૉન્ગ્રેસ સાથે જોડાવું મુનાસિબ માન્યું હતું. ૧૯૬૯માં કૉન્ગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ ઇંદિરા ગાંધીની શાસક કૉન્ગ્રેસના બદલે મોરારજી-નિજલિંગગપ્પાની સંસ્થા કૉન્ગ્રેસ સાથે રહ્યા હતા. એક જમાનાના ઇંદિરા ગાંધીના આ કેબિનેટ સાથીએ ઇંદિરા ગાંધીના એકહથ્થુ સત્તાવાદ અને કટોકટીના વિરોધની સ્પષ્ટ ભૂમિકા લઈ કટોકટીમાં જેલવાસ વેઠ્યો હતો.

૧૯૭૫-૭૬ના ઈમરજન્સી યુગમાં જ તેમનું “રિફલેકશન્સ ઓન સોસ્યાલિસ્ટ એરા” પુસ્તક પ્રગટ થયું હતું. અશોક મહેતા મેઘાવી વ્યક્તિત્વ અને અનન્ય પ્રતિભા ધરાવતા હતા. રણજિતરામ મહેતાની જન્મશતાબ્દી ટાણેના સમારંભમાં પિતાએ સ્થાપેલી “ગુજરાતી સાહિત્ય પરિષદ”ને પોતાની “મોટીબહેન” તરીકે ઓળખાવનાર અશોક મહેતા એક મોટા ગજાના લેખક હતા. તેમનાં નવ પુસ્તકો પ્રગટ થયાં છે. અચ્યુત પટવર્ધન સાથે તેમણે લખેલું “કોમ્યુનલ ટ્રાયંગલ ઈન ઇન્ડિયા” જાણીતું છે, પરંતુ તે ઉપરાંતના અર્થકારણ, સમાજકારણ, રાજકારણ પરના તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં “ડેમોક્રેટિક સોશ્યાલિઝમ”, “પોલિટિકલ માઈન્ડ ઓફ ઇન્ડિયા”, “ઇન્ડિયન શિપિંગ”, “ગ્રેટ રિબેલિયન”, “હુ ઓન્સ ઇન્ડિયા”, “પોલિટિક્સ ઓફ પ્લાન્ડ ઈકોનોમી” અને ‘સ્ટડીઝ ઈન એશિયન સોશ્યાલિઝમ’ મુખ્ય છે.

પુરાણપાત્ર “નટરાજ” અશોક મહેતાનું પ્રિય પાત્ર હતું. જેના અંગેઅંગમાં ચૈતન્ય, સ્ફૂર્તિ અને ઉત્સાહ છે એવા “નટરાજ”નો ઉલ્લેખ તેમણે અનેક વ્યાખ્યાનોમાં કર્યો હતો.  સમાજવાદના આ સાચા ભેખધારી નટરાજસમો સમાનતા અને ન્યાયને વરેલો સમાજ ઝંખતા હતા. આજના નવા અર્થનીતિના જમાનામાં જ્યારે સમાજવાદ પર સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે અશોક મહેતાનું અર્પણ અને વિચારો સ્મરણીય છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 11 ડિસેમ્બર 2019 

Loading

...102030...2,5972,5982,5992,600...2,6102,6202,630...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved