Opinion Magazine
Number of visits: 9967452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીનનો ઉગ્ર બચાવ, “ડેઇલી ટેલિગ્રાફ”ના કટાક્ષયુક્ત જવાબ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 April 2020

કોરોના વાઇરસના કવરેજને લઈને ઓસ્ટ્રેલિયાના “ડેઇલી ટેલિગ્રાફ” સમાચારપત્રને, ઓસ્ટ્રેલિયામાં ચીનના કોન્સુલેટ જનરલનો ગુસ્સાવાળો એક પત્ર મળ્યો. ટેલિગ્રાફે તેના મુદ્દાસર જવાબો આપ્યા છે. વાંચવા જેવું છે :

બચાવ : તાજેતરમાં “ધ ડેઈલી ટેલિગ્રાફે” કોવિડ-19 સામે ચીનના રિસ્પોન્સને લઈને ઘણા રિપોર્ટ પ્રકાશિત કર્યા છે, જે અજ્ઞાનતા, પૂર્વગ્રહ અને અહંકારથી ભરપૂર છે.


જવાબ : ચીનમાં સરકારના દાબવાળા કોઈ સમાચારપત્રને જો આવો પત્ર મળ્યો હોત, તો તેના પત્રકારોને તેમનાં અંગો કાપીને જેલમાં નાખવામાં આવ્યા હોત.

બચાવ : વાઇરસનું મૂળ શોધવું એ વૈજ્ઞાનિક બાબત છે, જેના માટે પ્રોફેશનલ અને વિજ્ઞાન આધારિત મૂલ્યાંકન જરૂરી હોય.


જવાબ : ચોક્કસ જરૂરી હોય. 12મી માર્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનનો એક દાવો પ્રગટ થયો હતો કે "અમેરિકન આર્મી આ મહામારીનો વુહાનમાં લાવ્યું હોય તે શક્ય છે." આમાં કેટલું પ્રોફેશનાલિઝમ અને વિજ્ઞાન છે?

બચાવ : વાઇરસનું મૂળ હજુ અનિશ્ચિત છે, અને વિશ્વ આરોગ્ય સંગઠને નોવેલ કોરોના વાઇરસને 'કોવિડ-19' નામ આપ્યું છે.


જવાબ : વિશ્વ આરોગ્ય સંગઠને તો તેના ગુડવિલ એમ્બેસેડર તરીકે ઝિમ્બાબ્વેના હત્યારા રોબર્ટ મુગાબેની પણ નિમણૂક કરી છે અને 2 માર્ચે જાહેર કર્યું હતું કે કોરોના વાઇરસનું 'લાંછન' વાઇરસ કરતાં ય વધુ જોખમી છે. વિશ્વ આરોગ્ય સંગઠન મૂરખ જેવું ઘણું કરે છે.

બચાવ : એટલે વાઇરસને સતત ચીન સાથે જોડવા પાછળ અને નોવેલ કોરોના વાઇરસ 'મેડ ઇન ચાઇના' છે, તેવું કહેવા પાછળ તમારો અસલી ઉદેશ્ય શું છે?


જવાબ : અમારો ઉદેશ્ય સત્યતાનો છે. એટલે તો અમે વાઇરસને બોગ્નોર રેગીસ કે 'મેડ ઇન પનામા'ના દેશો સાથે નથી જોડતા.

બચાવ : મહામારીનો ફેલાતી રોકવા માટે વુહાનની પ્રજાએ બહુ મોટા પ્રયાસો કર્યા છે અને અંગત કુરબાની આપી છે.


જવાબ : વુહાનના ડો. લી વેનલિંગે કોરોનાના ફેલાવા સામે લોકોને જાગૃત કરવા સાચે જ બહુ પ્રયાસ કર્યો હતો. એ પછી, જાન્યુઆરીની શરૂઆતમાં મેડિકલ ઓફિસર અને પોલીસ બંનેએ તેમને બોલાવ્યા હતા, અને કાગળ પર લેખિતમાં લખાવડાવ્યું હતું કે તેની ચેતવણી બે-બુનિયાદ અને ગેરકાનૂની અફવા છે. એટલે આ પણ 'અંગત કુરબાની'માં ગણાય.

બચાવ : તેમ છતાં, લોકોનું ધ્યાન ખેંચવા અને વધુ ઇન્ટરનેટ હિટ મેળવવા તમે વુહાનને 'ઝોમ્બીલેન્ડ' અને વુહાનના સી-ફૂડ માર્કેટને 'બેટ માર્કેટ' (ચામાચીડિયા માર્કેટ) કહો છો. તમે કેટલા નીચે જશો?


જવાબ : સભ્ય સમાજમાં, એક જાણીતા સમાચારપત્રનું નામ 'બ્રેડમેન બેટ્સ એન્ડ બેટ્સ એન્ડ બેટ્સ' છે. વુહાનમાં એ નામ એક રેસ્ટોરન્ટનું છે.

બચાવ : મહામારીને અસરકારક રીતે રોકવાના ચીનના પ્રયાસમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રજાભિમુખ અભિગમ અને ચીનની સખ્ત વ્યવસ્થાની મહત્ત્વની ભૂમિકા છે.
જવાબ : 2018માં, ‘ઍમ્નિસ્ટિ ઇન્ટરનેશનલે’ કહ્યું હતું કે આખી દુનિયા કરતાં ય વધુ નાગરિકોને ચીને મૃત્યુદંડ આપ્યો હતો. અમને તમારી 'પ્રજાભિમુખ નીતિ' જરા સમજાવો અને એ પણ કહો કે એમાં કેટલી બુલેટની જરૂર પડે.

બચાવ : તથ્યોનો સ્વીકાર કરવાને બદલે, તમારા સમાચારપત્રના લેખો બેહૂદી રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી અને ચાઈનીઝ સરકારને ઝેરીલી ભાષામાં નિશાન બનાવીને બદનામ કરે છે.


જવાબ : અને તો ય અમને નથી જેલમાં નાખવામાં આવ્યા કે નથી ગોળી મારવામાં આવી! આવો ન્યાય થોડો હોય!

બચાવ : તમારી ધારણાઓ પ્રજાના કલ્યાણ માટે છે કે પછી તમને વૈચારિક પૂર્વગ્રહો છે?


જવાબ : ઘાતકી શાસનની સામે વૈચારિક પૂર્વગ્રહો હોવાનો અમે સ્વીકાર કરીએ છે. અમારા પક્ષે એ બહુ મોટી નબળાઈ છે.

બચાવ : 3 જાન્યુઆરીથી, ચીન WHO અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સમયસર અને પારદર્શક રીતે અપડેટ કરતું રહ્યું છે.


જવાબ : 11 દિવસના 'સમયસર અને પારદર્શક' અપડેટ પછી, 14 જાન્યુઆરીએ WHOએ ચીનનું આ હાસ્યાસ્પદ અપડેટ આપ્યું હતું : ચીનના પ્રાથમિક અભ્યાસમાં, નોવેલ કોરોના વાઇરસનો માણસથી માણસને ચેપ થતો હોય, તેવું માલુમ પડ્યું નથી.

બચાવ : મહામારી ઝડપથી દુનિયામાં ફેલાઈ રહી છે અને ચીન અન્ય અસરગ્રસ્ત દેશોને મદદ કરવા બનતું કરી રહ્યું છે.


જવાબ : સ્પેન, તુર્કી અને નેધરલેન્ડને મોકલવામાં આવેલી ચીનની હજારો મેડિકલ માસ્ક અને ટેસ્ટિંગ કિટ્સ નકામી નીકળી છે. ઓસ્ટ્રેલિયન સરહદી પોલીસે 800,000 નકલી માસ્ક પકડ્યા છે. તમારી મદદ માટે આભાર.

બચાવ : વાઇરસ સરહદોનું માન રાખતો નથી.


જવાબ : તો પછી ચીને કોરોનાના ફેલાવા પર વિજય ઘોષિત કરીને 28 માર્ચે તેની સરહદો કેમ બંધ કરી હતી?

બચાવ : ચીન અને WHOએ આપેલી અધિકૃત અને પ્રોફેશનલ માહિતીઓની ઉપેક્ષા કરીને તમે 'વ્યૂહાત્મક વિશ્લેષકો'ના નામે બધું ચઢાવો છો. તમને ખબર છે આ લોકો જ્યાં કામ કરે છે તે સંસ્થાઓ અમેરિકન પૈસા પર નભે છે?


જવાબ : અમેરિકાએ ગયા વર્ષે WHOને 900 મિલિયન ડોલરની સહાય કરી હતી. એમાં કઈ કહેવા જેવું લાગે છે?

બચાવ : ચીનમાં મહામારીનું તમારું તાજેતરનું કવરેજ અતિશયોક્તિપૂર્ણ, બેજવાબદાર અફવાઓથી ભરપૂર અને ખાસ્સું રાજકીય હતું
.

જવાબ : એ તો અમને જરા તોફાન સુજ્યું હતું. મહેરબાની કરીને, ડો. લી વેનલિંગ પાસે ‘બે-બુનિયાદ અને ગેરકાનૂની અફવા'નું જે સ્ટેટમેન્ટ તમે લખાવ્યું હતું, તે અમને મોકલી આપજો. અમે એના પર સાઈન કરીને પાછું મોકલી આપીશું.

અપડેટ –

ટિમ નામનો વાચક કહે છે :

આ જવાબ સાચે જ તેમને મોકલવામાં આવ્યો છે કે નહીં, તે મને જણાવજો.

(એના કરતાં વધુ ઉત્તમ કર્યું છે : શનિવારના “ડેઈલી ટેલિગ્રાફ”માં ડબલ પેઈજ 6-7 સ્પ્રેડમાં આ જવાબ છાપવામાં આવ્યો છે. )

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 10 ઍપ્રિલ 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 39

દીપક મહેતા|Opinion - Opinion|11 April 2020

ઇસ્ટરના પવિત્ર દિવસોમાં પવન પાવડીને સથવારે મુલાકાત મુંબઈનાં કેટલાંક ચર્ચની

અને પ્રાર્થના કે અમારા શહેરને જલદીથી સાજુંસારું, હસતું-રમતું, હરતું-ફરતું કરી દેજો

‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે’

કવિ મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ આજે યાદ કરવા પાછળ ખાસ કારણ છે. ઈસ્ટરના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. એટલે વિચાર આવ્યો કે મુંબઈનાં કેટલાંક ચર્ચની મુલાકાત લેવી જોઈએ. પણ અત્યારે તો લોકડાઉન ચાલે છે. ચર્ચનાં બારણાં પણ બંધ છે. પણ આપણી પાસે તો પવન પાવડી છે ને, શબ્દોની પવન પાવડી. એ આપણને ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યાં લઈ જશે, ગમે તે સમયમાં લઈ જશે. તો ચાલો, તૈયાર થઈ જાવ, વાચક મિત્ર.

‘પવન પાવડી!’

‘હુકમ માલિક.’

‘ચાલ.’

‘ક્યાં જવાનું છે?’

‘પહેલાં ચાલ માઉન્ટ પોઈસર.’

‘જેવો આપનો હુકમ, માલિક.’

માઉન્ટ પોઈસરનું ચર્ચ

તો આ છે બોરીવલી નજીક આવેલું માઉન્ટ પોઈસર, અને અહીં આવેલું છે મુંબઈનું જૂનામાં જૂનું ચર્ચ. જો કે એ વખતે આ વિસ્તાર મુંબઈનો ભાગ નહોતો. અહીં ખંભાતના સુલતાન બહાદુરશાહનું રાજ ચાલતું. પણ તેના રાજ્ય પર મોગલ બાદશાહ હુમાયુએ આક્રમણ કર્યું એટલે ખંભાતનો સુલતાન પોર્તુગીઝોની મદદ માટે દોડ્યો. પોર્તુગીઝો આવી તક જવા દે? તેમણે સેન્ટ મેથ્યુ નામના પોતાના વહાણ પર સુલતાનને વાટાઘાટ માટે બોલાવ્યો. એ વહાણ પર ૧૫૩૪ના ડિસેમ્બરની ૨૩મી તારીખે વસઈના કરાર પર સહીસિક્કા થયા. વસઈ અને તેની આસપાસનો પ્રદેશ, દમણ, મુંબઈના ટાપુઓ, વગેરે પ્રદેશ સુલતાને પોર્તુગીઝોને હવાલે કર્યો. ૧૫૪૭માં ફ્રાન્સિસ્કન પાદરી એન્ટોનિયો દ પોર્તો અહીં આવ્યા અને તેમણે જે ચર્ચની સ્થાપના કરી તે આજે અવર લેડી ઇમેક્યુલેટ કનસેપ્શન તરીકે ઓળખાય છે. પરંપરાગત માન્યતા પ્રમાણે આ ચર્ચની સ્થાપના ૧૫૪૪માં થઈ હતી. પણ ઇતિહાસકારો કહે છે કે આ પાદરી ૧૫૪૭માં જ આ વિસ્તારમાં પહેલી વાર આવ્યા હતા એટલે આ ચર્ચની સ્થાપના ૧૫૪૭ પછી જ થઈ હોવી જોઈએ. થોડાં વર્ષો પછી પોર્તુગીઝ ગવર્નરે આ ચર્ચના નિભાવ માટે અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે માઉન્ટ પોઈસર ગામ એ પાદરીને ભેટ આપ્યું.  પછી ૧૫૫૬ અને ૧૫૫૯ વચ્ચે ગોરેગાંવ અને આરંગલ એ બે ગામો એ પાદરીએ ખરીદી લીધાં. ચર્ચની બાજુમાં ‘રોયલ કોલેજ’ અને મોનાસ્ટ્રી શરૂ કરી. પણ પછી મરાઠા આક્રમણને કારણે આ ચર્ચની માઠી દશા બેઠી. તે છેક ૧૮૮૮માં વાંદરાના ભાવિકોએ ચર્ચનું મકાન નવેસરથી બંધાવ્યું. ત્યાર બાદ ૧૯૧૨ અને ૧૯૬૦માં પણ તેનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું. દર વર્ષે ૮મી ડિસેમ્બરે અહીં ‘ફીસ્ટ’ની ઉજવણી થાય છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

ખંભાતના સુલતાન અને હુમાયુના લશ્કરો વચ્ચેનું યુદ્ધ

‘ચલો પવન પાવડી આગળ વધો.’

‘હવે ક્યાં જવાનું છે, માલિક?’

‘હવે લઈ જા અમને વાંદરા.’

‘માલિક, ઇસ્ટ કે વેસ્ટ?’

‘વેસ્ટમાં આવેલ સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ.’

‘જેવો આપનો હુકમ, આકા.’

સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ

તો કદરદાન મહેરબાન વાચક! આ છે મુંબઈનું બીજા નંબરનું સૌથી જૂનું ચર્ચ. મુંબઈના ટાપુઓ પોર્તુગીઝોના હાથમાં આવ્યા તે પછી વાંદરાનો વિસ્તાર જેસુઈટ પાદરીઓને સોંપવામાં આવ્યો. બ્રધર મેનોએલ ગોમ્સ, જે ‘એપોસ્ટલ ઓફ સાલસેટ’ તરીકે ઓળખાય છે તે અહીં આવીને વસ્યા. તેઓ ‘દેશી’ લોકોની ભાષા જાણતા હતા એટલે સહેલાઈથી તેમની સાથે ભળી શકતા હતા. એ વખતની એક ધનવાન સ્ત્રીએ વાંદરામાં ચર્ચ બાંધવા માટે મોટી રકમનું દાન આપ્યું. એટલે ૧૫૭૫માં આ ચર્ચ બાંધવાનું કામ શરૂ થયું. એ વખતે આખા સાલસેટ(આજના મુંબઈ)માં એ સૌથી મોટું અને સુંદર ચર્ચ ગણાતું હતું. પણ છેલ્લાં ૪૦૦ વર્ષમાં આ ચર્ચને ઘણી આસમાની-સુલતાની જોવી પડી છે. ચર્ચનું બાંધકામ શરૂ થયું તે પછી કલકત્તાના બિશપે અને મુંબઈની સરકારે તે સામે વાંધો લીધો હતો. કારણ એ વખતે હિન્દુસ્તાનમાં નવાં ધર્મસ્થાનકો બાંધવાની તેઓ વિરુદ્ધ હતા. આના જવાબમાં જણાવાયું હતું કે બીજા ધર્મના લોકો મુંબઈમાં પોતાનાં ધર્મસ્થાનકો સરકારની પરવાનગી લીધા વગર અને કશી રોકટોક વગર બાંધી શકે છે, તો ખ્રિસ્તી ધર્મ સામે જ આવો ભેદભાવ શા માટે? ૧૬૧૮માં આવેલા મોટા વાવાઝોડામાં આ ચર્ચનું આખું છાપરું ઊડી ગયું! પછી ૧૭૩૯માં સાલસેટ ઉપર મરાઠાઓએ આક્રમણ કર્યું ત્યારે આ ચર્ચ તેમના હાથમાં ન આવે એટલા ખાતર પોર્ટુગીઝોએ જ તેને ધરાશાયી કર્યું હતું! લાકડાનો બનેલો ચર્ચનો પોર્ટિકો (આગલો ભાગ) જર્જરિત થયો હોવાથી ૧૯૬૬માં તેને તોડીને નવું બાંધકામ થયું હતું. આ ચર્ચના આંગણામાં જે મોટો ક્રોસ આવેલો છે તે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યો છે. ચર્ચના બે મિનારા પણ તોડીને નવેસરથી બાંધવામાં આવ્યા છે. આ ચર્ચમાં ‘મધર ઓફ પર્લ’ તરીકે ઓળખાતું મધર મેરીનું પૂતળું પણ એક બાજુ જોવા મળે છે. તેને અંગે એવી દંતકથા છે કે વાંદરાના માછીમારોને આ પૂતળું દરિયામાંથી મળ્યું હતું અને તેઓ એને ચર્ચમાં લઈ આવ્યા હતા. તેનું અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ ખ્રિસ્તીઓ ઉપરાંત હિંદુ, મુસ્લિમ અને પારસી લોકો પણ આ પૂતળાને પૂજે છે.

‘ચાલ, પવન પાવડી, હવે આગળ જઈએ.’

‘પણ ક્યાં, બોસ?’

‘હોર્નીમેન સર્કલ.’

‘ખબર છે, બોસ? આ જગ્યા પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતી, અને તેની પહેલાં કોટન ગ્રીન તરીકે. એ વખતે અહીં રૂનો વેપાર થતો.’

‘અરે, પવન પાવડી! તને આ બધી ખબર ક્યાંથી?’

‘કેમ, ભૂલી ગયા બોસ, હું માત્ર સ્થળમાં જ નહિ, કાળમાં પણ ભમી શકું છુ.’

સેન્ટ થોમસ કથીડ્રલ

તો વાચક રાજ્જા! આ છે સેન્ટ થોમસ કેથીડ્રલ. એની કથા જરા લાંબી છે. અગાઉ આપણે જે બે ચર્ચની મુલાકાત લીધી તે મુંબઈ પર પોર્તુગીઝોનું રાજ હતું ત્યારે બંધાયેલાં.

જ્યારે આ ચર્ચ બ્રિટિશ રાજ દરમ્યાન બંધાયું છે. જેને બ્રિટિશ મુંબઈના પિતા તરીકે ઓળખી શકાય તે ગવર્નર ગેરાલ્ડ ઓન્ગીઆરને આ ચર્ચ બાંધવાનો વિચાર આવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરો પાસેથી તેમણે ૫૦ હજાર રૂપિયાનો ફાળો ભેગો કર્યો. ૧૬૭૬માં ચર્ચના મકાનનો પાયો નખાયો. ત્રણ વરસ સુધી તો અહી બાંધકામ ચાલ્યું, પણ પછી ઠપ થઈ ગયું. તે ત્રીસ વરસ સુધી એ કામ આગળ વધ્યું જ નહિ. ત્યાર બાદ મુંબઈ સરકાર અને તેના ગવર્નરે મોટી રકમ દાનમાં આપી એટલે ૧૭૧૫ના નવેમ્બરની ૧૮મી તારીખે ફરી એક વાર પાયો નાખવાનો વિધિ થયો. ૧૭૧૮માં મકાન બંધાઈ રહ્યું અને તે વરસના ક્રિસમસના દિવસે મુંબઈના ગવર્નર ચાર્લ્સ બૂનને હાથે તેનું ઉદ્ઘાટન થયું. એ વખતે હજી મુંબઈ શહેર ફરતે ફોર્ટ કહેતાં કોટ ઊભો હતો. તેને ત્રણ દરવાજા હતા. તેમાંના એક દરવાજાથી શરૂ થતો રસ્તો સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી જતો હતો તેથી એ દરવાજો ચર્ચગેટ તરીકે ઓળખાતો. પછી જ્યારે કોલાબા સુધી જતી રેલવે લાઈન શરૂ થઈ ત્યારે કોટ વિસ્તારના એક સ્ટેશન સાથે આ ગેટને જોડતો રસ્તો બન્યો, તે ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો અને તે સ્ટેશન ચર્ચગેટ સ્ટેશન બન્યું. આઝાદી પછી ચર્ચગેટ સ્ટ્રીટનું નામ બદલીને વીર નરીમાન રોડ કરવામાં આવ્યું, પણ એ સ્ટેશનનું નામ તો આજ સુધી ચર્ચગેટ જ રહ્યું છે. આજે જ્યાં ફ્લોરા ફાઉન્ટન છે ત્યાં આ ચર્ચગેટ નામનો દરવાજો ઊભો હતો. ૧૮૬૨માં જ્યારે કિલ્લો તોડી પડાયો ત્યારે એ દરવાજો તોડીને ત્યાં ફાઉન્ટન કહેતાં ફુવારો બાંધવામાં આવ્યો. એક જમાનામાં આ સેન્ટ થોમસ કેથીડ્રલને મુંબઈનું મધ્યબિંદુ માનવામાં આવતું અને આખા શહેરમાં તેનાથી અંતર બતાવતા ૧૬ માઈલ સ્ટોન મૂકવામાં આવ્યા હતા. કાળક્રમે તે દટાઈ કે તૂટી ગયા. પણ ઘણી મહેનત પછી તેમાંથી ૧૧ માઈલ સ્ટોન ફરી શોધી કાઢવામાં આવ્યા છે.

કોટનો દરવાજો, ચર્ચ ગેટ

‘પવન પાવડી, હવે ચાલો કુલાબા.’

‘જી હજૂર. મૂળ તો આ ટાપુ પર કોળીઓની જ વસ્તી. તેના પરથી નામ પડ્યું કુલાબા કે કોલાબા. ખરું ને હજૂર?’

‘હા સાવ સાચી વાત.’

૧૯મી સદીમાં દોરાયેલો અફઘાન ચર્ચનો સ્કેચ

તો કદરદાન મહેરબાન, આ છે કોલાબામાં આવેલું અફઘાન ચર્ચ. હકીકતમાં તો આ ચર્ચ સાથે સેન્ટ જોનનું નામ જોડાયેલું છે, પણ ઓળખાય છે અફઘાન ચર્ચ તરીકે જ. કારણ પહેલા અફઘાન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં તે બંધાયું હતું. એ સૈનિકોમાંના ઘણા આ ચર્ચની આસપાસના વિસ્તારના રહેવાસી હતા. માર્યા ગયેલા બધા સૈનિકોનાં નામ ચર્ચની એક દિવાલ પર કોતરવામાં આવ્યા છે. ૧૮૪૭ના ડિસેમ્બરની ચોથી તારીખે તે વખતના ગવર્નર સર જ્યોર્જ રસેલ કલાર્કે આ ચર્ચનો પાયો નાખ્યો. ૧૮૫૮ના જાન્યુઆરીની સાતમી તારીખે મુંબઈના બીશપ જોન હાર્ડિંગે તેનું ઉદ્ઘાટન કર્યું. પણ તે વખતે કેટલુંક બાંધકામ અધૂરું રહ્યું હતું. તે પૂરું કરવા માટે સર કાવસજી જહાંગીરે સાડા સાત હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.  

‘ચાલો પવન પાવડી, પાછા બાંદોરા જઈએ.’

‘કેમ માલિક? તમારું પાકીટ-બાકિટ પડી ગયું કે શું?’

‘ના, ના, દર્શન કરવાં છે.’

‘માલિક, દર્શન કરવા તો મંદિરમાં જવાય, ચર્ચમાં નહિ.’

‘મને ખબર છે, ચાંપલા! પણ આ ચર્ચમાં માત્ર ખ્રિસ્તીઓ જ નથી જતા, હિંદુ, મુસલમાન, પારસી જેવા બીજા અનેક સંપ્રદાયના લોકો પણ જાય છે.’

‘ત્યારે એમ કહોને માલિક, કે મોત માવલીનાં દર્શને જવું છે. ચાલો.’

માઉન્ટ મેરી ઉર્ફે મોત માવલી

વાચક રાજ્જા! મુંબઈનું આ એક જૂનું અને છતાં નવું, નવું અને છતાં જૂનું ચર્ચ છે. નામ છે માઉન્ટ મેરી ચર્ચ. દરિયા કિનારે આવેલી ૮૦ મીટર ઊંચી ટેકરી પર આ ચર્ચ બંધાયેલું છે. હાલના મકાનનું બાંધકામ ઈ.સ. ૧૯૦૪માં પૂરું થયું હતું, પણ આ ચર્ચનો ઇતિહાસ ખાસ્સો જૂનો છે. પોર્તુગાલથી આવેલા જેસુઇટ પાદરીઓ મધર મેરીની લાકડાની મૂર્તિ પોતાની સાથે લેતા આવેલા અને તેને માટે આ જગ્યાએ એક ચેપલ (નાનું ચર્ચ) બાંધેલું. પણ ઈ.સ. ૧૭૦૦માં આરબ ચાંચિયાઓએ અહીં આક્રમણ કર્યું હતું. તેમણે આ મૂર્તિનો જમણો હાથ કાપી નાખ્યો હતો અને ચેપલ તોડી નાખ્યું હતું. ૧૭૬૦માં ફરી ચર્ચ બંધાયું અને તેમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. જો કે હાલના ચર્ચમાં ફરી મૂળ મૂર્તિ સ્થાપવામાં આવી છે. ઘણી ચડતી પડતી આ ચર્ચે જોઈ છે, પણ બહુ બહોળા વર્ગની શ્રદ્ધા કાયમ રહી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે જેમાં લાખો ભાવિકો ઉમટે છે. વર્ષ દરમ્યાન પણ ઘણા લોકો બાધા-આખડી રાખે છે અને તે ફળતાં મીણનાં નાનાં પૂતળાં, શરીરનાં અંગો કે એવી બીજી વસ્તુઓ ચડાવવા અહીં આવે છે. અનેક સંપ્રદાયના લોકો અહીં આવી ‘મોત માવલી’નાં દર્શન કરે છે.   

વાચક મિત્રો, આજની આપણી સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં બાળપણની એક યાદ કહી દઉં. ગિરગામ રોડ પરના એક મકાનમાં જિંદગીનાં પહેલાં ત્રીસેક વર્ષ વીત્યાં. વર્ષો સુધી એ મકાનની સામે રોજ એક ભિખારી ઊભો રહેતો. બટકો, આંધળો, આખે મોઢે શીળીના ગોબા ભરેલો. રોજ સવારે વહુ તેને મૂકી જાય અને સાંજે ઘરે લઈ જાય. આખો દિવસ ઊભો ઊભો એ ભિખારી ખૂબ ઉત્કટતાથી માત્ર એક જ વાક્ય સતત બોલ્યા કરે : ‘પોટાલા ભૂખ લાગલી, મોત માવલી દ્યા.’ આજે તેના જેટલી જ ઉત્કટતાથી પ્રાર્થના કરવાનું મન થાય છે : ‘હે મોત માવલી, અમારા શહેરને જલદીથી કોરોનામુક્ત, સાજુંસારું, હસતું-રમતું, હરતું-ફરતું કરી દેજો.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 ઍપ્રિલ 2020

Loading

રસી નિર્માણ પ્રક્રિયા : અનિશ્ચિતભરી દુનિયા!

કિરણ કાપૂરે|Opinion - Opinion|11 April 2020

કોરોનાની રસી અંગે રોજેરોજ ન્યૂઝ આવી રહ્યાં છે, પણ તેનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને વિશ્વમાં ક્યાં રસી અંગે સંશોધન થઈ રહ્યું છે, તેનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. રસી નિર્માણની પ્રક્રિયા લાંબી અને અનિશ્ચતતાભરી છે; અને તેમાં અલગ-અલગ સ્ટેજ પર રસીનું પરીક્ષણ થાય છે. આ અટપટી પ્રક્રિયામાં દાવા સાથે કોઈ વાત કરી શકતું નથી. બસ, અનુમાનથી કામ આગળ ચાલે છે અને જ્યારે રસી તમામ માપદંડ પર ખરી ઊતરે પછી તે વિશે કશું ઠોસ કહી શકાય. રસી નિર્માણનો ઇતિહાસ-વર્તમાન વિશ્વ કેવું છે અને તેમાં કેવી રીતે કામ થાય છે તે વિશે થોડું જાણીએ.

રસીનું શરીરમાં કાર્ય ભવિષ્યમાં બીમારીરૂપે આવનારાં ખતરા સામે ચેતવવાનું છે અને પ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવવાનું છે. બીમારીમાં જે વાઇરસ શરીરને પોતાની શક્તિથી જકડી લે છે, તેને રસી દ્વારા શરીરમાં ઉતારીને તે વાઇરસથી શરીરને યુઝ ટુ કરવાનો કાર્યક્રમ છે, એટલે ભવિષ્યમાં જ્યારે પણ વાઇરસનું આક્રમણ થાય ત્યારે શરીર તે વાઇરસથી પરિચય કેળવી ચૂક્યું હોય અને તેની સામે લડી શકે. મહામારીથી સુરક્ષિત રહેવા માટે રસી જેવું સરળ અને કિફાયતી વિકલ્પ બીજું એકેય નથી. રસી વિશે ઠોસ રીતે આમ કહેવાનું કારણ અત્યાર સુધી મહામારીને અટકાવવા માટે સૌથી મોટું શસ્ત્ર રસીકરણ સાબિત થયું છે.

રસીનું આ શસ્ત્ર છેલ્લી દોઢ સદીમાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાયું અને તેનાથી કરોડો લોકો સુરક્ષિત બન્યાં, પણ રસી સંશોધનનાં બીજ ક્યારે વવાયાં તે વિશે જાણવું હોય તો તેના પ્રમાણ એક હજાર વર્ષ પૂર્વે ચીનમાં મળે છે. શીતળા બીમારીમાં ચીનમાં તે વખતે રસી અપાઈ હતી તેના પુરાવા સંશોધનમાં મળ્યાં છે, પણ તેનો વ્યાપ મર્યાદિત ક્ષેત્ર પૂરતો હતો. ચીનની જેમ આફ્રિકા અને તુર્કીમાં આ ગાળા દરમિયાન રસીકરણના કાર્યક્રમ થયા છે, તેવું સાબિત થયું છે. જો કે, આ રસી કેટલી કારગર હતી અને તેનાથી લોકોને સુરક્ષા પ્રદાન થઈ હતી કે નહીં તે અંગે ઝાઝું સાહિત્ય મળતું નથી.

રસીનું કામ અટપટું, લાંબા ગાળાનું અને અનેક નિષ્ણાતોની મદદ માંગી લે તેવું છે, તેથી પછીની સાત સદી સુધી તેમાં કોઈ નોંધપાત્ર ઉલ્લેખ દેખાતો નથી. ‘ધ હિસ્ટ્રી ઓફ વેક્સિન’ નામના પેજ પર પણ તે અંગે કોઈ ઉલ્લેખ નથી. આ પેજ અમેરિકાની સૌથી જૂની મેડિકલ સોસાયટીમાંની એક ‘ધ કૉલેજ ઓફ ફિઝિશિયન્સ ઓફ ફિલેડિલ્ફિયા’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રસીમાં ક્યારે, કઈ રીતે શોધ થઈ તેનો ઇતિહાસ અહીંયા મળે છે. આ ઇતિહાસમાં સમયાંતરે વિશ્વમાં પ્રસરેલી મહામારીની વિગત છે, જેમાં શીતળા, ઓરી, પ્લેગ, ફ્લૂ, કોલેરા અને કેટલીક સ્થાનિક મહામારી પણ છે. મહદંશે યુરોપ અને અમેરિકામાં પ્રસરેલી બીમારીની વિગત અહીંયા વધુ છે. તે કાળે ભારતીય ઉપમહાદ્વિપમાં મહામારીથી ખુંવારી કેટલી થઈ તેની પ્રમાણભૂત નોંધ મળતી નથી, તે વિગતની નોંધ યુરોપિયનો ભારત આવ્યા પછીથી આરંભાઈ.

યુરોપ-અમેરિકામાં તે કાળે આ બીમારીઓનો ખોફ ખૂબ હતો અને જેમ અત્યારે કોરોનાથી સેલિબ્રિટીઝ મૃત્યુ પામ્યાના દાખલા છે, તેમ તે વખતે કેટલાંક રાજવી પરીવાર અને રાજકીય નેતાઓ બીમારીઓના શિકાર થતાં હતાં. આમાં અમેરિકાના ફાઉન્ડિગ ફાધર્સમાંના એક બેન્જામિન ફ્રેન્કલિનના ચાર વર્ષનો પુત્ર પણ હતો. આ ગાળામાં એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું કે મહામારીને ડામવા વિજ્ઞાન પાસેથી જ જવાબ મળશે. અને તેમાં બ્રેકથ્રૂ કહેવાય તેવી શોધ ઇંગ્લેન્ડના એડવર્ડ જેનર દ્વારા થઈ હતી. એડવર્ડ જેનરે શીતળા સામે શોધેલી રસીનો પહેલોવહેલો પ્રયોગ 1796માં આઠ વર્ષના જેમ્સ ફિપ્સ પર કર્યો. આજે જે રસીકરણ દ્વારા આપણે મહામારી સામે અભય બન્યાં છે, તેમાં એડવર્ડ જેનર અને જેમ્સ ફિપ્સ પાયાના નામો છે. રસીકરણને પછીનાં થોડાં જ વર્ષોમાં મળેલી સફળતાના કારણે 1805માં જાણીતા રાજા નેપોલિયનની બહેન મેરીઆના એલિસાએ પોતાના રાજ્ય લુકા(ઇટાલીનું મધ્ય ક્ષેત્ર)માં ફરજિયાત રસીકરણનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. એડવર્ડ જેનર પછી રસીકરણમાં બહોળું યોગદાન આપનારનું નામ લુઇસ પાશ્ચર છે. લુઈ પાશ્ચરના જ યોગદાનના પ્રતાપે કોલેરા અને હડકવાની રસીથી આજે પણ માનવજાતને સુરક્ષાકવચ મળી રહ્યું છે.

પછીના સમયમાં અનેક વિજ્ઞાનીઓએ રસીને લઈને પાયાનું અને નોંધપાત્ર કામ કર્યું અને બીમારીની બદલાતી પેટર્નને અનુસરીને રસીને વિકસિત કરતાં રહ્યાં. વીસમી સદીમાં રસી સંશોધનના કાર્યને અદ્વિતીય ઊંચાઇ પર લઈ જનારા અમેરિકાના મોરીસ હિલેમન હતા, જેમણે અંદાજે ચાળીસ જેટલી રસી શોધી હતી. હિપેટાઇટીઝ એ, હિપેટાઇટીઝ બી, અછબડા, મગજનો તાવ અને ન્યૂમોનિયાની રસી તેમની દેન છે. આજે દુનિયામાં વીસથી વધુ રસીઓ વ્યાપક ક્ષેત્રોમાં અપાય છે.

રસી નિર્માણની પ્રક્રિયા વર્તમાનમાં શું છે તે સ્થિતિ જાણવા અર્થે ઇતિહાસની આટલી પૃષ્ઠભૂમિ જરૂરી છે. રસીના અગાઉના કાર્યક્રમમાં આર્થિક ગણિત સંકળાયેલું નહોતું, વ્યક્તિગત-સરકારી સંસ્થાઓ દ્વારા તેની શોધ થઈ અને સામાન્ય લોકો સુધી તે પહોંચી. અત્યારે કોરોનાની રસી માટે પ્રાઇવેટ કંપનીઓ મેદાને પડી છે, પણ સામાન્ય રીતે રસીની શોધનો કાર્યક્રમ સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત સંસ્થા દ્વારા જ અમલમાં મૂકાય છે. રસી બનાવવાનું સમય અને શોધને લઈને અનિશ્ચિત હોય છે તેથી ફાર્માસ્યુટીકલ કંપની તેમાં રોકાણ કરતી નથી. રસી શોધ બાબતે નાની કંપનીઓ વધુ સાહસ કરે છે. જો કે રસીની અનિશ્ચિતતાના કારણે અત્યાર સુધી અડધાથી વધુ રસીની શોધ કરતી કંપનીઓ બંધ થઈ ચૂકી છે. રસી શોધ્યા બાદ કંપનીઓને તે બાબતને કોઈ વિશ્વાસ અપાવતું નથી કે રસી ફૂલફ્લેજ્ડ માર્કેટમાં આવી શકશે કે નહીં.

રસી નિર્માણ મોટી કંપનીઓને રોકાણ કરવા માટે યોગ્ય ક્ષેત્ર લાગ્યું નથી. આ કંપનીઓ દવાના માર્કેટમાં અબજો રૂપિયા રળી લે છે, પણ માનવહિત માટે તેઓ નફાનો અમુક હિસ્સો રોકાણ કરવા તૈયાર થતા નથી. આ કારણે કોરોનાની રસીને લઈને અત્યારે જે શોધ આરંભાઈ છે, તેમાં મોટા ભાગની કંપનીઓ પાસે મૂળભૂત સુવિધાઓ નથી. હાલમાં વિશ્વભરમાં 35 જેટલી સરકારી સંસ્થાઓ અને કંપનીઓ કોરોના રસીની શોધ કરી રહ્યાં છે. આ શોધમાં કોણ કયા સ્ટેજ સુધી પહોંચ્યું છે તે અંગે પણ જાતભાતની ખબરો આવી રહી છે. આ બધામાંથી જે ‘ન્યૂઝ’માં કશું તથ્ય મળ્યા છે તે અંગે વાત કરીએ.

‘બીબીસી’ના 2 એપ્રિલના અહેવાલ મુજબ વિશ્વ સ્વાસ્થ સંગઠન આપેલી જાણકારી પ્રમાણે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાની કંપની ઇનોવિઓ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા નિર્મિત કોરોના વેક્સિનની પ્રાણીઓ પર સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. આ વેક્સિન માનવીય પરીક્ષણમાં સફળ થશે તો તેના પર ઓસ્ટ્રિલિયાની ‘કોમનવેલ્થ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’(સી.એસ.આઈ.આર.ઓ.) આગળ કામ હાથ ધરશે. ‘સી.એસ.આઈ.આર.ઓ.’ના ડોક્ટર રોબ ગ્રેનફેલ મુજબ, “સામાન્ય રીતે આ સ્ટેજ પર પહોંચતા સુધી બે વર્ષનો સમય વીતી જાય છે, પરંતુ વિશ્વભરમાંથી મળી રહેલા સૂચનોથી અમે માત્ર બે મહિનાના ગાળામાં અહીં સુધી પહોંચી ચૂક્યા છે.”

આ પ્રમાણે જર્મનીમાં પણ રસીનું કાર્ય ઝડપથી આગળ ધપી રહ્યું છે. ‘સત્યાગ્રહ’ ન્યૂઝ પોર્ટલ પર આવેલા એક અહેવાલ મુજબ ક્યોરવૈક કંપની જર્મની સરકારના પાઉલ-એયરશિલ સંસ્થાન સાથે મળીને કોરોનાની રસી પર કામ કરી રહ્યાં છે. જો જર્મનીનું આ સંશોધન ગતિથી આગળ વધતું રહેશે તો જૂન-જુલાઈમાં તેનું માનવીય પરીક્ષણ થવા માંડશે. એ પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટીનું કોરોના વેક્સિન રિસર્ચ પ્રોગ્રામ હવે હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી ચૂક્યો છે અને તેમાં ટ્રાયલ માટે વોલ્યુન્ટરની ભરતી પણ આરંભી દીધી છે.

‘ધ હિન્દુ બિઝનેસ’ લાઈન મુજબ ચીનમાં 108 વ્યક્તિને વેક્સિન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ગ્રૂપમાં 18થી લઈને 60 વર્ષના લોકોને સમાવવામાં આવ્યા છે, અને તેમના ડોઝનું પ્રમાણ પણ અલગ-અલગ રાખીને વેક્સિન આપવામાં આવી છે. અમેરિકાના કેસેઅર પરમેનેન્ટે વોશિંગ્ટન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વિજ્ઞાનીઓ દ્વારા પ્રથમ પરીક્ષણમાં 45 વ્યક્તિઓને સાંકળવામાં આવ્યા હતા. જો કે આ રસીમાં અકલ્પનીય ઉતાવળ દેખાય છે, તેથી તેમાં સફળતા મળશે કે નહીં તેને લઈને પ્રશ્નાર્થ છે.

ભારત 2020 સુધી રસી બનાવી લેશે તેવાં કેટલાંક અખબારોના અહેવાલ છે. પરંતુ ભારતમાં રસીનું કામ થઈ રહ્યું છે તે અંગે ‘ઇન્ડિયા ટુડે’નો અહેવાલ વધુ ભરોસાપાત્ર લાગે છે. આ અહેવાલ મુજબ ભારતની ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કામ કરી રહી છે. ભારતમાં જે કંપનીઓ રસી નિર્માણમાં જોતરાયેલી છે તે હજુ ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી નથી.

રસી નિર્માણ પ્રક્રિયાના અટપટી પ્રક્રિયાની આ અલ્પ વિગત છે, પણ અહીંયા માપદંડ વિશ્વસનીયતાનો રાખવામાં આવ્યો છે.

[પ્રગટ : “ગુજરાતમિત્ર”, 08 એપ્રિલ 2020]

Loading

...102030...2,5962,5972,5982,599...2,6102,6202,630...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved