કોરોના વાઇરસના કવરેજને લઈને ઓસ્ટ્રેલિયાના “ડેઇલી ટેલિગ્રાફ” સમાચારપત્રને, ઓસ્ટ્રેલિયામાં ચીનના કોન્સુલેટ જનરલનો ગુસ્સાવાળો એક પત્ર મળ્યો. ટેલિગ્રાફે તેના મુદ્દાસર જવાબો આપ્યા છે. વાંચવા જેવું છે :
બચાવ : તાજેતરમાં “ધ ડેઈલી ટેલિગ્રાફે” કોવિડ-19 સામે ચીનના રિસ્પોન્સને લઈને ઘણા રિપોર્ટ પ્રકાશિત કર્યા છે, જે અજ્ઞાનતા, પૂર્વગ્રહ અને અહંકારથી ભરપૂર છે.
જવાબ : ચીનમાં સરકારના દાબવાળા કોઈ સમાચારપત્રને જો આવો પત્ર મળ્યો હોત, તો તેના પત્રકારોને તેમનાં અંગો કાપીને જેલમાં નાખવામાં આવ્યા હોત.
બચાવ : વાઇરસનું મૂળ શોધવું એ વૈજ્ઞાનિક બાબત છે, જેના માટે પ્રોફેશનલ અને વિજ્ઞાન આધારિત મૂલ્યાંકન જરૂરી હોય.
જવાબ : ચોક્કસ જરૂરી હોય. 12મી માર્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનનો એક દાવો પ્રગટ થયો હતો કે "અમેરિકન આર્મી આ મહામારીનો વુહાનમાં લાવ્યું હોય તે શક્ય છે." આમાં કેટલું પ્રોફેશનાલિઝમ અને વિજ્ઞાન છે?
બચાવ : વાઇરસનું મૂળ હજુ અનિશ્ચિત છે, અને વિશ્વ આરોગ્ય સંગઠને નોવેલ કોરોના વાઇરસને 'કોવિડ-19' નામ આપ્યું છે.
જવાબ : વિશ્વ આરોગ્ય સંગઠને તો તેના ગુડવિલ એમ્બેસેડર તરીકે ઝિમ્બાબ્વેના હત્યારા રોબર્ટ મુગાબેની પણ નિમણૂક કરી છે અને 2 માર્ચે જાહેર કર્યું હતું કે કોરોના વાઇરસનું 'લાંછન' વાઇરસ કરતાં ય વધુ જોખમી છે. વિશ્વ આરોગ્ય સંગઠન મૂરખ જેવું ઘણું કરે છે.
બચાવ : એટલે વાઇરસને સતત ચીન સાથે જોડવા પાછળ અને નોવેલ કોરોના વાઇરસ 'મેડ ઇન ચાઇના' છે, તેવું કહેવા પાછળ તમારો અસલી ઉદેશ્ય શું છે?
જવાબ : અમારો ઉદેશ્ય સત્યતાનો છે. એટલે તો અમે વાઇરસને બોગ્નોર રેગીસ કે 'મેડ ઇન પનામા'ના દેશો સાથે નથી જોડતા.
બચાવ : મહામારીનો ફેલાતી રોકવા માટે વુહાનની પ્રજાએ બહુ મોટા પ્રયાસો કર્યા છે અને અંગત કુરબાની આપી છે.
જવાબ : વુહાનના ડો. લી વેનલિંગે કોરોનાના ફેલાવા સામે લોકોને જાગૃત કરવા સાચે જ બહુ પ્રયાસ કર્યો હતો. એ પછી, જાન્યુઆરીની શરૂઆતમાં મેડિકલ ઓફિસર અને પોલીસ બંનેએ તેમને બોલાવ્યા હતા, અને કાગળ પર લેખિતમાં લખાવડાવ્યું હતું કે તેની ચેતવણી બે-બુનિયાદ અને ગેરકાનૂની અફવા છે. એટલે આ પણ 'અંગત કુરબાની'માં ગણાય.
બચાવ : તેમ છતાં, લોકોનું ધ્યાન ખેંચવા અને વધુ ઇન્ટરનેટ હિટ મેળવવા તમે વુહાનને 'ઝોમ્બીલેન્ડ' અને વુહાનના સી-ફૂડ માર્કેટને 'બેટ માર્કેટ' (ચામાચીડિયા માર્કેટ) કહો છો. તમે કેટલા નીચે જશો?
જવાબ : સભ્ય સમાજમાં, એક જાણીતા સમાચારપત્રનું નામ 'બ્રેડમેન બેટ્સ એન્ડ બેટ્સ એન્ડ બેટ્સ' છે. વુહાનમાં એ નામ એક રેસ્ટોરન્ટનું છે.
બચાવ : મહામારીને અસરકારક રીતે રોકવાના ચીનના પ્રયાસમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રજાભિમુખ અભિગમ અને ચીનની સખ્ત વ્યવસ્થાની મહત્ત્વની ભૂમિકા છે. જવાબ : 2018માં, ‘ઍમ્નિસ્ટિ ઇન્ટરનેશનલે’ કહ્યું હતું કે આખી દુનિયા કરતાં ય વધુ નાગરિકોને ચીને મૃત્યુદંડ આપ્યો હતો. અમને તમારી 'પ્રજાભિમુખ નીતિ' જરા સમજાવો અને એ પણ કહો કે એમાં કેટલી બુલેટની જરૂર પડે.
બચાવ : તથ્યોનો સ્વીકાર કરવાને બદલે, તમારા સમાચારપત્રના લેખો બેહૂદી રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી અને ચાઈનીઝ સરકારને ઝેરીલી ભાષામાં નિશાન બનાવીને બદનામ કરે છે.
જવાબ : અને તો ય અમને નથી જેલમાં નાખવામાં આવ્યા કે નથી ગોળી મારવામાં આવી! આવો ન્યાય થોડો હોય!
બચાવ : તમારી ધારણાઓ પ્રજાના કલ્યાણ માટે છે કે પછી તમને વૈચારિક પૂર્વગ્રહો છે?
જવાબ : ઘાતકી શાસનની સામે વૈચારિક પૂર્વગ્રહો હોવાનો અમે સ્વીકાર કરીએ છે. અમારા પક્ષે એ બહુ મોટી નબળાઈ છે.
બચાવ : 3 જાન્યુઆરીથી, ચીન WHO અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સમયસર અને પારદર્શક રીતે અપડેટ કરતું રહ્યું છે.
જવાબ : 11 દિવસના 'સમયસર અને પારદર્શક' અપડેટ પછી, 14 જાન્યુઆરીએ WHOએ ચીનનું આ હાસ્યાસ્પદ અપડેટ આપ્યું હતું : ચીનના પ્રાથમિક અભ્યાસમાં, નોવેલ કોરોના વાઇરસનો માણસથી માણસને ચેપ થતો હોય, તેવું માલુમ પડ્યું નથી.
બચાવ : મહામારી ઝડપથી દુનિયામાં ફેલાઈ રહી છે અને ચીન અન્ય અસરગ્રસ્ત દેશોને મદદ કરવા બનતું કરી રહ્યું છે.
જવાબ : સ્પેન, તુર્કી અને નેધરલેન્ડને મોકલવામાં આવેલી ચીનની હજારો મેડિકલ માસ્ક અને ટેસ્ટિંગ કિટ્સ નકામી નીકળી છે. ઓસ્ટ્રેલિયન સરહદી પોલીસે 800,000 નકલી માસ્ક પકડ્યા છે. તમારી મદદ માટે આભાર.
બચાવ : વાઇરસ સરહદોનું માન રાખતો નથી.
જવાબ : તો પછી ચીને કોરોનાના ફેલાવા પર વિજય ઘોષિત કરીને 28 માર્ચે તેની સરહદો કેમ બંધ કરી હતી?
બચાવ : ચીન અને WHOએ આપેલી અધિકૃત અને પ્રોફેશનલ માહિતીઓની ઉપેક્ષા કરીને તમે 'વ્યૂહાત્મક વિશ્લેષકો'ના નામે બધું ચઢાવો છો. તમને ખબર છે આ લોકો જ્યાં કામ કરે છે તે સંસ્થાઓ અમેરિકન પૈસા પર નભે છે?
જવાબ : અમેરિકાએ ગયા વર્ષે WHOને 900 મિલિયન ડોલરની સહાય કરી હતી. એમાં કઈ કહેવા જેવું લાગે છે?
બચાવ : ચીનમાં મહામારીનું તમારું તાજેતરનું કવરેજ અતિશયોક્તિપૂર્ણ, બેજવાબદાર અફવાઓથી ભરપૂર અને ખાસ્સું રાજકીય હતું .
જવાબ : એ તો અમને જરા તોફાન સુજ્યું હતું. મહેરબાની કરીને, ડો. લી વેનલિંગ પાસે ‘બે-બુનિયાદ અને ગેરકાનૂની અફવા'નું જે સ્ટેટમેન્ટ તમે લખાવ્યું હતું, તે અમને મોકલી આપજો. અમે એના પર સાઈન કરીને પાછું મોકલી આપીશું.
અપડેટ –
ટિમ નામનો વાચક કહે છે :
આ જવાબ સાચે જ તેમને મોકલવામાં આવ્યો છે કે નહીં, તે મને જણાવજો.
(એના કરતાં વધુ ઉત્તમ કર્યું છે : શનિવારના “ડેઈલી ટેલિગ્રાફ”માં ડબલ પેઈજ 6-7 સ્પ્રેડમાં આ જવાબ છાપવામાં આવ્યો છે. )
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 10 ઍપ્રિલ 2020