Opinion Magazine
Number of visits: 10081239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 

રમેશ સવાણી|Opinion - Opinion|10 September 2025

રમેશ સવાણી

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે ઇજારાશાહી / સત્તા / રાજદ્રોહ / ગુપ્તતા / સેન્સરશિપ / અશ્લીલતા / ધારાસભા-સંસદના વિશેષાધિકારો / કોર્ટનો તિરસ્કાર / વૈચારિક સરમુખત્યારશાહી / રુઢિચુસ્તતા / બદનક્ષી વગેરે અવરોધો છે. 

સત્તાપક્ષના નેતાઓ / કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ગમતું નથી, કેમ કે તેમનો ભ્રષ્ટાચાર / ગેરરીતિઓ ખૂલ્લી ન પડે તે માટે તે ચિંતિત હોય છે. ઉદ્યોગ ગૃહો પાસે નાણા હોવાથી વકીલો રોકી શકે છે અને કોર્ટ સમક્ષ પત્રકારો / મીડિયા સામે બદનક્ષીનો દાવો કરીને, સ્ટે મેળવીને તેમને મૂંગા કરી શકે છે. 

6 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હી રોહિણી કોર્ટના સ્પેશિયલ સિવિલ જજ અનુજકુમાર સિંહે પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા / રવિ નાયર / અબીર દાસગુપ્તા / અયસકાંત દાસ / આયુષ જોશી અને વેબસાઇટ્સ paranjoy.In / adaniwatch.org / adanifiles.com.auને અદાણી એન્ટરપ્રાઇઝ વિશે બદનક્ષીકારક સામગ્રી પ્રકાશિત નહીં કરવા હુકમ કર્યો છે. પ્રકાશિત થયેલ સામગ્રી પાંચ દિવસની અંદર સોશિયલ મીડિયા પોસ્ટમાંથી દૂર કરવા આદેશ કરેલ છે.

અદાણી એન્ટરપ્રાઇઝ એ ​​અદાણી ગ્રુપની મુખ્ય કંપની છે. અદાણી એન્ટરપ્રાઇઝે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે “પત્રકારો, કાર્યકરો અને સંગઠનોએ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને તેના હિસ્સેદારોને અબજો ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે. પત્રકારો અને કાર્યકરો ભારત વિરોધી હિતો સાથે જોડાણ કરી રહ્યા છે અને છૂપા હેતુઓ સાથે કંપનીની માળખાગત સુવિધાઓ અને ઊર્જા પ્રોજેક્ટ્સને સતત નિશાન બનાવી રહ્યા છે. તેમની દખલગીરીને કારણે વિકાસ પાછળ ધકેલાઈ ગયો છે. માનહાનિકારક કાર્યવાહીના કારણે પણ અદાણી ગૃપની બેલેન્સ શીટ્સ પર દબાણ આવ્યું હતું. ઉત્સર્જન અને ગ્રેટ બેરિયર રીફને નુકસાન અંગે સતત વિરોધને કારણે ધિરાણકર્તાઓ, વીમા કંપનીઓ અને એન્જિનિયરિંગ કંપનીઓ ડરી ગઈ હતી. અદાણી એન્ટરપ્રાઇઝની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસોને કારણે ભંડોળ એકત્ર કરવાની તેની ક્ષમતામાં વારંવાર અવરોધ આવ્યો હતો.”

કોર્ટે કહ્યું હતું કે “જો અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા માંગવામાં આવેલી રાહતોને નકારવામાં આવે તો, કંપનીને વધુ પ્રતિષ્ઠાનું નુકસાન થશે.”

અફસોસ ! કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેર હિત દેખાતું નથી ! નાણાં હોય તો તમે સરકારી અધિકારીઓ / સત્તાપક્ષના અને વિપક્ષના નેતાઓ/  કોર્ટ / એક્ટિવિસ્ટો / ધર્મગુરુઓ / ફિલ્મ-ડાયરા કલાકારોને ખરીદી શકો છો ! પત્રકારોને પણ ખરીદી શકો છો. કેટલાંક ખરીદી શકાય નહીં તેવા પત્રકારોને બદનક્ષીના હથિયાર વડે કોર્ટના સૌજન્યથી ચૂપ કરાવી શકો છો ! જો કોર્પોરેટ કંપની સાચા રસ્તે ધંધો કરતી હોય તો પત્રકારો, કાર્યકરો અને સંગઠનો કઈ રીતે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન કરી શકે? 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
09 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 September 2025

‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય, તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

15 ઓગસ્ટ, 1947એ કોલકાતામાં ઉપવાસ પર બેઠેલા ગાંધીજી અને સુહરાવર્દી

કોલકાતા જવાનું એકથી વધુ વખત બન્યું હશે. શાલેય દિવસોના કંઈક ઉપાસ્યવત પરમહંસદેવ અને વિવેકાનંદના સ્મરણવશ દક્ષિણેશ્વર ને બેલૂર મઠ જવાનું ચહીને બન્યું છે. એટલું જ ચહીને સુપ્રતિષ્ઠ કાલી મંદિર, કેમ કે ત્યાં પશુબલિ આજે પણ જારી છે, નહીં જવાનુંયે બન્યું છે. રવિ ઠાકુરના પરંપરીણ ઘરથી કોલકાતા વટી શાંતિનિકેતની યાત્રાનોયે લહાવ લીધેલ છે, તો ભવાનીપુર વિસ્તારમાં રહ્યો ને એલ્જિન રોડ પર નેતાજીના સ્થાનકે નહીં પહોંચી શક્યાનો એક વસવસો પણ છે.

પ્રકાશ ન. શાહ

પણ 2002માં મહેન્દ્ર મેઘાણી થકી સંકલિત ‘આંસુ લૂછવા જાઉં છું’ વાંચવા-સાંભળ‌વાનું બન્યું ત્યારથી ચિત્તમાં એક ફરિયાદ રહી છે કે હૈદરી મંઝિલે હૃદયકુસુમ ધરવાનું રહી ગયું છે.

‘આંસુ લૂછવા જાઉં છું’ એ મૂળે તો આપણા સમયના મહાભારતો ………. એવા ‘લાસ્ટ ફેઝ’(પ્યારેલાલ)ના ગુજરાતી અનુવાદ ‘પૂર્ણાહુતિ’(મણિભાઈ દેસાઈ)ના 2100 જેટલાં પાનાંમાંથી ગાંધીજીના જીવનના આખરી પંદર મહિનાનું બયાન છે, જ્યારે કોમી દાવાનળ ઠારવા બંગાળ, બિહાર, પંજાબમાં ગાંધીજીએ એકલવીરની જેમ આત્મબળથી ઝૂઝી વીરમૃત્યુ વહોર્યું હતું.

નોઆખલીના આતંક વચાળે અભયપૂર્વક વિચરતા ગાંધીએ ચૌમુહાની પ્રાર્થાનસભામાં કહ્યું હતું કે અહીં જે બન્યું તે ઈસ્લામના નામ પર કલંકરૂપ છે. વળી ઉમેર્યું હતું કે ‘પૂર્વ બંગાળમાં મુસલમાનો એટલી મોટી બહુમતીમાં છે કે તેમણે અહીંની હિંદુઓની નાનકડી લઘુમતીના રખેવાળ બનવું ઘટે અને તેમણે હિંદુ સ્ત્રીઓને કહેવું જોઈએ કે અમે અહીં છીએ ત્યાં સુધી તમારા પર બૂરી નજર કરવાની કોઈની પણ હામ નથી.’

જુલાઈ 1946ના ‘ડાઈરેક્ટ એક્શન’ વેળાથી હિંદુઓ પરના મુસ્લિમ આતંકના વડા જવાબદાર હસન સુહરાવર્દી અને બીજા લીગ નેતાઓ આઘાપાછા હશે ત્યારે લીગના જ એક પ્રધાન શમસુદ્દીન અહમદે ‘રાજધર્મ’ની રીતે રોકડી વાત કરી હતી : ‘પાકિસ્તાન વિ. હિન્દુસ્તાન એ સવાલનું નિરાકરણ મુસલમાનો બહુમતીમાં હોય ત્યાં હિંદુઓની અને હિંદુઓ બહુમતીમાં હોય ત્યાં મુસલમાનોની કતલ કરવાથી થવાનું નથી. કોઈ પણ સરકાર નિષ્ક્રિયપણે બાજુએ ઊભી રહીને બહુમતીને લઘુમતી પર જુલમ ગુજારવા કે તેનું નિકંદન કાઢવા દઈ શકે નહીં …’

પણ વાત તો આપણે કોલકાતાની કરતા’તા. સ્વરાજના પહેલા દસ-પંદર દિવસ તો જાણે કોઈ કોમી તનાવ હતો જ નહીં એમ દેખીતા આનંદઓચ્છવ જેવા વીત્યા ન વીત્યા, અને …

આ દિવસોમાં ગાંધીજી કોલકાતાના બેલિયાઘાટા વિસ્તારમાં જે મકાનમાં રોકાયા હતા તેનું નામ ‘હૈદરી મંઝિલ’ હતું. સાવ અવાવરું ઘર. ઢગલે ઢગલા ધૂળ ને કચરો. ચારે બાજુથી લગભગ ખુલ્લા જેવું. બારી-બારણાં હુલ્લડ વખતનાં તૂટેલાં. એક જ સંડાસ. વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડ. જવું’તું ફરી નોઆખલી, પણ પૂર્વમેયર મુહમ્મદ ઉસમાને ત્યાં શાંતિની જવાબદારી લીધી ત્યારે ગાંધીજીએ સુહરાવર્દીને કહ્યું કે મારી સાથે આવીને ફકીરની પેઠે શહેરમાં શાંતિ-સ્થાપન સારુ રહો એ શરતે રોકાઈ જાઉં …

હૈદરી મંઝિલ

હિંદુ મહાસભાના જ બીજા નેતા નિર્મલચંદ્ર ચેટરજી (એન.સી. ચેટરજી) ગાંધીજીને મળવા આવ્યા ત્યારે એમણે લગભગ કબૂલાતની રીતે કહ્યું કે હિંદુઓ તેમનાં મગજ ગુમાવી બેઠાં છે. પંદરમી ઓગસ્ટ આસપાસના દિવસોની શાંતિ તાત્પૂરતી બલકે ઉપરછલ્લી હતી. બીજી બાજુ પંજાબના સમાચારો ભારે માઠા હતા. જાહેર જીવનના લાંબા અનુભવને જોરે ગાંધીજીને લાગ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન એ પંજાબમાં શાંતિ તરફે ઉપયોગી થઈ પડશે.

‘હું પંજાબ શું મોં લઈને જઈ શકું?’ ઉપવાસ પર ઊતરતાં એમણે નિવેદનમાં કહ્યું : ‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

રહેઠાણ આગળ મૂકવામાં આવેલી પોલીસને એમણે પરત મોકલી હતી, પણ એને પાછી બોલાવવી પડી, કેમ કે બંગાળના અશાંતિની એક જવાબદાર સુહરાવર્દીને રક્ષણ સારુ એની જરૂર હતી. ડાઈરેક્ટ એક્શનથી નોઆખલીના સુહરાવર્દી કરતાં જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947ના કોલકાતા દિવસોના સુહરાવર્દી જુદા હતા, અને જૂની ભૂલોથી પશ્ચાતાપ સાથે બહાર આ‌વી રહ્યા હતા.

ત્રીજે દિવસે માહોલ જાણે કે કંઈક બદલાવા લાગ્યો હતો. એક હિંદુ-મુસ્લિમ સંયુક્ત સરઘસ બેલિયાઘાટા પહોંચ્યું ને ઉપવાસ છોડવા વિનંતી કરી. ચોથે દિવસે તો જાણે ચમત્કાર થયો. એક પછી એક નામીચા ગુંડા આ‌વતા ગયા. હથિયારો જમા કરાવતા ગયા. બીજી પાસ, અઠ્ઠોતેરના બુઝુર્ગની તબિયત ઉત્તરોત્તર કથળી રહી હતી. સૂતા, વળી બેઠા થતા, માળા ફેરવતા હતા. બંગાળના ગવર્નર રાજાજી, કાઁગ્રેસ પ્રમુખ કૃપાલાની, મુખ્ય મંત્રી પ્રફુલ્લ ઘોષ, એન. સી. ચેટરજી, સુહરાવર્દી, શરદચંદ્ર બોઝ (નેતાજીના ભાઈ) સરદાર નિરંજનસિંહે કલાકેકના પરામર્શપૂર્વક પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા.

એક સ્વયંસેવક ટુકડીએ એ પ્રાર્થના ગાઈ જે રવીન્દ્રનાથે પંદરેક વરસ પર યરવડા જેલમાં ગાંધીજીને પારણા કરાવતા ગાઈ હતી : 

જીવન જવ સુકાઈ જાય 

કરુણા વર્ષન્તા આવો;

માધુરી માત્ર છુપાઈ જાય 

ગીત–સુધા ઝરન્તા આવો.

સાતમી સપ્ટેમ્બરે રાતે એ પંજાબ માટે રવાના થયા અને એક પછી એક સાથીએ વિદાય આપી, ત્યારે છેલ્લા હતા સુહરાવર્દી … એમના અશ્રુએ અભિષિક્ત એ વિદાય!

ગમે તેમ પણ, આ લખનારને લમણે તો ‘હૈદરી મંઝિલ’નાં દર્શન બાકી તે બાકી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2025

Loading

મત પૂછ મૈં કૌન હૂં …

સોનલ પરીખ|Opinion - Opinion|9 September 2025

મહેતાબ તેરા ચહેરા એક ખ્વાબ મેં દેખા થા
એ હુસ્ન-એ-જહાં બતલા તૂ કૌન મૈં કૌન હૂં
ખ્વાબોં મેં મિલે અક્સર એક રાહ ચલે મિલકર
ફિર ભી હૈ યહી બહેતર મત પૂછ મૈં કૌન હૂં ….

હુસ્ન-ઓ-ઈશ્ક હૈ તેરે જહાં દિલ કી ધડકનેં તેરી જુબાં
આજ ઝિંદગી તુજ સે જવાં
આગાઝ હૈ કયા મેરા, અંજામ હૈ કયા મેરા
હૈ મેરા મુકદ્દર કયા, બતલા કે મૈં કૌન હૂં ….

ક્યોં ઘિરી ઘટા તૂહી બતા, ક્યોં હંસી ફિઝા તૂ હી બતા
ફૂલ ક્યોં ખીલ તૂ હી બતા
કિસ રાહ પે ચલના હૈ કિસ રાહ પે રૂકના હૈ
કિસ કામ કો કરના હૈ બતલા કે મૈં કૌન હૂં ….

ઝિંદગી કો તૂ ગીત બના દિલ કી રાહ પર ઝુમ કે ગા
ઇસ જહાં કો તૂ પ્યાર સીખા
મહેતાબ તેરા ચહેરા એક ખ્વાબ મેં દેખા થા
એ હુસ્ન-એ-જહાં બતલા તૂ કૌન મૈં કૌન હૂં ….

પિયાનોનો આવાજ સાંભળીને ગોપાલને ખ્યાલ આવી ગયો કે પ્રીતિ આવી છે. તે પોતાની સુહાગશય્યામાંથી ઊભો થઈ ઝડપથી દાદર ઊતરીને નીચે આવે છે. પ્રીતિ ભરી આંખે કહે છે, ‘આજે જાઉં છું, તને છેલ્લી વાર મળવા આવી છું.’ ‘આજે જ? જવાની આટલી ઉતાવળ શા માટે?’ ‘કેટલાક સવાલોના જવાબ હોય છે, પણ આપી નથી શકાતા, ગોપાલ. જો હું તને પૂછું કે તેં લગ્નની આટલી ઉતાવળ શા માટે કરી, તો?’ ગોપાલ ચૂપ થઈ જાય છે. પ્રીતિ કહે છે, ‘છોડ એ બધું, મને વચન આપ કે તું સંગીત નહીં છોડે. સંગીત તારું જીવન છે. બીજું ગમે તે છોડ, સંગીત ન છોડતો.’ અને એ ચાલી જાય છે. એક સ્વપ્ન પૂરું થયું હોય એમ.

ઋષિકેશ મુખર્જી

આ દૃશ્ય સાથે ફિલ્મનો એક કલાક પૂરો થાય છે, ત્યાર પછી શું થયું એ જાણવા માટે તમારે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આશિક’ જોવી પડે. ઓગસ્ટના અંતે ઋષિદાની પુણ્યતિથિ ગઈ અને સપ્ટેમ્બરના અંતે એમનો જન્મદિન આવશે. એ નિમિત્તે આપણે ‘આશિક’નું એક મસ્તમીઠું છતાં દર્દથી સરાબોર ગીત ‘મહેતાબ તેર ચહેરા’ માણીએ.

ચારેક દાયકા લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં ઋષિદાએ બેતાળીસ જેટલી ફિલ્મો બનાવી. તેમની સફળ ફિલ્મોની સૂચિમાં ‘આશિક’નું નામ દેખાય નહીં. એમણે મળેલા સત્તરેક અવોર્ડની યાદીમાં પણ ‘આશિક’ મળે નહીં. પ્રેક્ષકોએ તેને ખાસ ભાવ આપ્યો ન હતો. ઘણાં વર્ષ સુધી એ યુટ્યૂબ પર પણ મુકાઇ ન હતી. આમ છતાં ‘આશિક’ એ ઋષિદાની જ નહીં, રાજ કપૂર-પદ્મિનીની જ નહીં, ફિલ્મોના સુવર્ણયુગની પણ શ્રેષ્ઠ ફિલ્મોમાં મુકાય તેવી હતી. પ્રેમ, કલા અન જિંદગીનાં સમીકરણો જે રીતે એમાં મુકાયાં છે એ રીતે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં મુકાયાં હશે. કદાચ એ સૂક્ષ્મ અર્થ, એ ઉચ્ચ પ્રકારનું સંવેદન પ્રેક્ષકો ઝીલી ન શક્યા હોય એમ બને.

એ ફિલ્મમાં રાજ કપૂરનું એ રૂપ હતું જે રાજ કપૂરને પોતાને પણ અતિશય પસંદ હતું. એક ભલો, આખી દુનિયાને ચાહતો, ઝરણાં અને પંખીમાં જ નહીં, પવન અને મૌનમાં પણ સંગીત શોધી લેતો પોતાની મસ્તીમાં મસ્ત માણસ – પાછો આશિક એટલે કે પ્રેમી પણ ખરો. આશિક શબ્દમાં ઉમળકો છે, બેપરવાઈ છે અને દિલોજાન ચાહતના, જરા પાગલપણાના, જરા બેપરવાઈના, જરા જરા નશાના સુંદર રંગો પણ છે.

પણ આવા માણસનું દુનિયાને શું કામ? ‘આશિક’નો ગોપાલ (રાજ કપૂર) જમીનદારનો પુત્ર હોવા છતાં નકામો જ નહીં, ચક્રમ પણ ગણાય છે. ભાવિ પત્ની રેણુકા (નંદા) તેને લગભગ પૂજે છે, પણ તેનામાં રહેલા કલાકારને સમજી શકી નથી. એ કલાકારને સમજી છે રેણુકાની દૂરની બહેન પ્રીતિ (પદ્મિની). પ્રીતિ મશહૂર સ્ટેજ કલાકાર છે. ગોપાલ અને પ્રીતિને એકબીજા માટે અપરંપાર આકર્ષણ થાય છે. પણ આ આકર્ષણની અભિવ્યક્તિ થઈ શકે એમ નથી. આત્માની આ ઓળખનું કોઈ નામ નથી. જીવનમાં કોઈ સ્થાને તેને ગોઠવી શકાય તેમ નથી. અકળાયેલો ગોપાલ એથી જ પોતાની માને કહી બેસે છે, ‘લગ્નની શરણાઈઓ વહેલી વગડાવી દો, જેથી તેના અવાજમાં મારા દિલમાં ઊઠતો સૂર દબાઈ જાય.’

પણ પ્રેમનો, કલાનો એ સૂર એમ દબાય એવો નથી. ગોપાલ-પ્રીતિ સંઘર્ષ કરે છે, તરફડે છે અને જિંદગીના અર્ક સમા સત્યને મુખોમુખ થાય છે કે પ્રેમ જગતનું સૌથી ઉમદા સંવેદન છે અને કલા તેની સૌથી ઉમદા અભિવ્યક્તિ. સંગીતનો સર્વોચ્ચ ઍવોર્ડ મળવા સુધી પ્રીતિ ગોપાલને જાળવે છે, તરાશે છે અને પછી ‘જો મને ચાહતો હો તો પાછો જા.’ એવી ચિઠ્ઠી લખી એના જીવનમાંથી ચાલી જાય છે.

ગામ પાછો ગયેલો ગોપાલ શું જુએ છે? બરબાદ ઘર, અંધ માં, વિયોગિની પત્ની, પરિશ્રમરત ભાઈ અને નિર્દોષ પુત્રી. બધાં જ કહે છે કે એમનાં દુ:ખોનું કારણ ગોપાલ છે, પણ બધાં જ એને તો પણ ખૂબ ચાહતા રહ્યાં છે, તેની પ્રતીક્ષા કરતાં રહ્યાં છે. ગોપાલને, પ્રેક્ષકોને પણ સમજાય છે કે કલા અને પ્રેમ ઘણાં ઊંચાં છે, પણ જિંદગી આ બંનેથી ઊંચી છે. ‘કૈસે ગમ ઔર કૈસી ખુશિયાં કૈસે હૈ યે મેલે, પ્યાર મેં જિસ દમ આંસુ નિકલે વો આંસુ અલબેલે, આંસુ પીતે પીતે જીના અરમાં ગલે લગાયે રે’ આ પંક્તિ મૂકીને કયા રસ્તે ને કેવી રીતે જવું એ ફિલ્મસર્જકે બતાવી દીધું છે, છતાં જાણે પસંદગી પ્રેક્ષકો માટે ખુલ્લી રાખી છે.

ઋષિકેશ મુખર્જી કારકિર્દીની શરૂઆત કેમેરામેન તરીકે કરી. બિમલ રૉય પાસે એડિટિંગ અને દિગ્દર્શન શીખ્યા અને શહેરી મધ્યમવર્ગની સમસ્યાઓને વણી લેતી સુંદર, સ્વચ્છ, પ્રસન્ન ફિલ્મો આપી વ્યાવસાયિક ફિલ્મો વચ્ચે પોતાનો એક શાંત ચીલો કંડાર્યો. 1957ની ‘મુસાફિર’ એમની પહેલી ફિલ્મ. એક ઘરમાં વારાફરતી રહેવા આવતાં ત્રણ કુટુંબો નિમિત્તે ફિલ્મમાં જન્મ, લગ્ન અને મૃત્યુની વાત થઈ છે. સુચિત્રા સેન, દિલિપકુમાર, કિશોરકુમાર, ઉષાકિરણ અને નિરૂપ્ય રૉય જેવા કલાકારો છતાં ફિલ્મ ચાલી નહીં, પણ 1959માં તેમણે બનાવેલી ‘અનાડી’એ પાંચ ફિલ્મફેર જીત્યા. પછીની ‘અનુરાધા’ ઉત્તમ, પણ ફ્લોપ. ‘આશિક’ ત્યાર પછીની. એ જ વર્ષે ‘અસલી નકલી’ પણ આવી. પછીના બે દાયકામાં આવી ‘અનુપમા’, ‘આશીર્વાદ’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’, ‘આનંદ’, ‘બાવર્ચી’, ‘અભિમાન’, ‘નમકહરામ’, ‘મિલી’, ‘ચુપકે ચુપકે’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘બેમિસાલ’. ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્રને રમૂજી પાત્ર આપ્યું, ‘આનંદ’માં અમિતાભને બ્રેક આપ્યો અને ‘ગુડ્ડી’માં જયા ભાદુરીને.

‘આશિક’નાં આઠમાંથી બે ગીત ‘તુમ આજ મેરે સંગ હંસ લો’ અને ‘લો આઈ મિલન કી રાત’ હસરત જયપુરીનાં છે, બાકીનાં ‘તુમ જો હમારે મીત ન હોતે’, ‘ઓ શમા’, ‘મૈં આશિક હૂં’, ‘યે તો કહો, ‘ઝનન ઝનઝનાકે અપની પાયલ’ અને ‘મહેતાબ તેરા ચહેરા’ શૈલેન્દ્રનાં છે. ‘મહેતાબ તેરા ચહેરા’ ગીતમાં પ્રશ્નો છે, જેના જવાબો છે પણ, નથી પણ. જે નાજુક લાગણીઓ સહજ સર્જાઇ છે તેને વ્યક્ત કરવા શૈલેન્દ્રએ બેમિસાલ શબ્દો અને શૈલી યોજ્યાં છે. જિંદગીમાં પ્રેમની, કલાની, સર્જનની એવી પળો સર્જાય છે જ્યારે પોતાને પોતાની ઓળખ કરાવનારને, જિંદગીનો ખરો સ્પર્શ આપનારને પૂછવાનું મન થાય, ‘તૂ કૌન, મૈં કૌન હૂં?’ અને તેનો જવાબ આ જ હોઈ શકે, ‘મત પૂછ મૈં કૌન હૂં’ ત્યાર પછીના મૌનમાં બધા સવાલ-જવાબ ઓગળી જાય, કશુંક શરૂ ન થઈને પણ શરૂ થાય અને કશુંક પૂરું થઈને પણ પૂરું ન થાય એવું બને : પ્રેમનું, જિંદગીનું, સર્જનાત્મક ઊર્જાનું કઈં કહેવાય નહીં.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 ઑગસ્ટ 2025

Loading

...102030...257258259260...270280290...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved