Opinion Magazine
Number of visits: 9843269
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમયનું વિસ્મયઃ

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Literature|23 July 2025

દેવીકા ધ્રુવ

કાનામાત્ર વગરનો આ શબ્દ ‘સમય’. એમાં કેટલું બધું વિસ્મય ભર્યું પડ્યું છે?

સદીઓથી અવિરતપણે એકધારો ચાલે જ જાય છે. ન તો એને કશી તમા છે કે ન પરવા. લયબદ્ધ રીતે એ સતત ચાલે છે. જે કંઈ બદલાય છે તે કુદરતદત્ત અથવા તો માનવસર્જિત સંજોગ બદલાય છે અને છતાં નવાઈની વાત તો એ છે કે આપણે કહીએ છીએ કે, સમય બદલાયો છે. સવાલ તો એ છે કે શું, સમય બદલાય છે? આ વિશે થોડું વધુ વિચારીએ.

આમ જોઈએ તો, પહેલો મુદ્દો તો એ આવે કે, આકાર વગરનો અને અદૄશ્યરૂપે રહેલો આ સમય છે શું? આપણે એને જોઈ શકીએ છીએ? એના સ્વરૂપ કે આકાર વિશે વર્ણવી શકીએ છીએ? આ સમય શું છે? કશુંક નિયમિતપણે ગતિમાં રહે છે. આપણે એને ક્ષણ નામ આપ્યું. પછી એના માપ નક્કી કર્યા. મિનિટોનાં, કલાકોનાં, દિવસ અને મહિનાઓનાં, વર્ષો અને યુગોનાં એમ કાટલાં ખડકી દીધાં. માણસના સમયને નંબરો આપીને ઉંમર નામ આપી દીધું! અવસ્થાઓમાં આવરી લીધું, વિભાગોમાં વહેંચી નાંખ્યું. ને પછી આપણે એને એક મોટું શીર્ષક આપી દીધું ‘સમય’. સાચે જ, આ સિવાય બીજું શું કહી શકાય? કોઈની સાથે વાત થાય તો આપણે બોલી ઊઠી છીએ કે આપણે કેટલાં વર્ષે મળ્યાં? વાર્તા માંડીએ તો પણ ૪૦ વર્ષ પહેલાંની આ વાત .. કહી શરૂ કરીએ. અથવા તો “ઓહોહો .. તમને ૬૫ વર્ષ થયાં? લાગતા નથી હોં!”

આમ, જેના વિશે કશી ખબર નથી એને આપણે ‘સમય’ કહી આગળ વધ્યાં. આ સમયનું સામર્થ્ય પણ કેટલું મોટું છે? કેટલું બળવાન છે? ચૂપચાપ ચાલતો, એકધારો ચાલતો અને એકસરખી રીતે ચાલતો આ સમય કેટલું શીખવાડી જાય છે એ એક મોટામાં મોટું આશ્ચર્ય નથી શું? પોતે કશુંયે ન કહેતો કે કોઈને માટે કશું પણ ન કરતો આ સમય વળી કોઈને માટે ખરાબ બની જાય છે તો કોઈને માટે એકદમ સરસ બની જાય છે. બોલો, એ કેવું? એ સ્થિતિ પણ નક્કી તો પાછો માણસ જ કરે છે! આ તે વિડંબના છે કે વિચિત્રતા?

ખરેખર આ વિષય પર જેટલા ઊંડા ઉતરીને વિચારીશું એટલાં આશ્ચર્યો ઉઘડતાં જશે અને ઉઘડેલાં હશે તો વિસ્તરતાં જશે. મને યાદ છેઃ નાની હતી ત્યારે દાદીમા કહેતાં કે “આપણે તો ખૂબ જાહોજલાલી હતી. તારા દાદા તો શરાફી પેઢી ચલાવતા ને ઘેર તો ઘોડાગાડીઓ દોડતી. કેટલાં બધાં તો મકાનોયે હતાં. પછી તારા દાદા ગયા ને કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું.” જ્યારે જ્યારે આ સાંભળતી ત્યારે પણ સવાલ તો થતો જ કે, આ બધું કાળે કર્યું? એટલે શું? સમયે કર્યું? પણ પછી વિચારો ત્યાં જ અટકી જતા. પછી તો જેમજેમ મોટાં થતાં ગયાં તેમતેમ એ સવાલો જુદાંજુદાં રૂપે જાગતા ગયા. છેવટે જવાબ તો એ જ મળતો કે, સમય કશું નથી કરતો, એ તો માત્ર ચાલે જ છે. માણસના સંજોગો બદલાય છે અને તે પણ અલગ અલગ રીતે. કોઈના વ્યક્તિગત કારણે, કોઈના સામાજિક તો કોઈના નૈસર્ગિક કારણે અને એના ઉપરથી જ આપણે સમયને સારો કે ખરાબ કહેતાં હોઈએ છીએ.

કોલેજના વખતમાં શબ્દાર્થ-મીમાંસા ભણતી વખતે પણ આ સમય, મારી નજર સામે હંમેશાં આવીને ઊભો જ રહેતો. વિદ્વાન ભાષાશાસ્ત્રીઓએ કરેલાં અને હેમચંદ્રાચાર્યથી માંડીને અનુઆધુનિક પ્રવાહના સમર્થ સમીક્ષકોએ તારવેલાં જાતજાતનાં અર્થઘટનોની વાત અત્રે કરવી નથી; પણ એક સાદીસીધી સમજણથી વિચારીએ તો પણ લાગ્યા વગર રહેતું નથી કે સમય અદૄશ્ય અને આકારવિહીન હોવા છતાં એના કેટકેટલા સ્પર્શ છે! અનુભૂતિઓ છે!  જો ગણવા બેસીએ તો જીવનથી મરણ પર્યંતમાં એની વૈવિધ્યતા છે, સર્વોપરિતા છે. અરે, હજી વધુ વિચારીએ તો પાછલા અને પુનર્જન્મમાં પણ એ લપાઈને, છુપાઈને બેઠેલો જ છે. આમ, જીવન અને જગતના પ્રત્યેક સજીવ અને નિર્જીવ તત્ત્વમાં સમયનું સત્ત્વ છે અને સત્ય છે. શક્તિ છે અને એની ભક્તિ પણ છે. છતાં એ પોતે તો સર્વથા વિરક્ત છે. આ એક આશ્ચર્ય નથી શું?

એનાં ક્રિયાપદો પણ ઘણાં. દા.ત. સમય ચાલે છે, સમય દોડે છે, સમય ઊડે છે. એ વહે છે, સરે છે, ફરે છે. સમય મળે છે, ફળે છે અને એ જાય છે, આવે છે, નડે છે, ઘડે છે, વગેરે વગેરે .. શું શું નથી કરતો એ સવાલ છે. વળી મોટામાં મોટો, નહિ ઉકેલાતો પ્રશ્ન તો એ છે કે, સમયને ઉલટાવી શકાય છે? પાછો વાળી શકાય છે? આ સવાલ ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને  અન્ય વિજ્ઞાનીઓને પણ થાય છે જ.

આમ, સમયને વ્યાખ્યામાં બાંધવો અને સમજવો મુશ્કેલ છે. ઈટાલિયન લેખક કાર્લો રોવેલ્લીનું  એક પુસ્તક છે. The Order of Time (2018) ત્રણ ભાગોમાં વહેંચાયું છે. તેમના કહેવા મુજબ સમય એક ભ્રમ છે, ભ્રાંતિ માત્ર છે. આ વિચારનાં મૂળ તેમને, એક ફ્રેંચ ગણિતશાસ્ત્રી ઍલન કોન્સના Thermal Time Hypothesisમાંથી મળેલા છે તેમ જણાવે છે. ક્યાંક વાંચવામાં તો એમ પણ આવ્યું હતું કે, વાસ્તવિકતા અને ઘટનાઓનું એક જટિલ નેટવર્ક છે, જેના પર આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સિક્વન્સ પ્રોજેક્ટ કરીએ છીએ. આખું બ્રહ્માંડ એક નિશ્ચિત્ત નિયમોનું પાલન કરે છે, જેમાંથી સમય બહાર આવે છે. હવે આ કેટલી મોટી અજાયબી થઈ?

આ સંદર્ભે વીસમી સદીનાં ખૂબ જ મોટા કવિ ટી.એસ. ઍલિયેટની કવિતા “If Time and Space, as sages say, Are things which cannot be પણ યાદ આવી જ જાય છે. તેના અનુવાદક વિવેક ટેલરે સમજૂતી આપતાં સરસ વાત સમજાવી છે કે, “અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયનાં પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે.”કદાચ એટલે જ સમય પર દરેક ભાષાઓમાં ઘણું બધું સુવિચારો રૂપે પણ લખાયું છે. કેટલાંક ઉદાહરણો જોઈએ.

  • Time is the engine of our Universe; nothing is without it.
    Time is always right to do what is right —Martin Luther King
  • Time has the power to heal all the situations. Just give some time to time to change its time!
  • Time is a final currency- Not money. Not Power. It is Time —David Crosby.
  • મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,
    હવે સમય મારો છે ને મને સમય નથી.
  • દોસ્ત, કેટલો ચાલાક હતો તું! ગિફ્ટમાં ‘ઘડિયાળ’ તો આપી ગયો પણ ત્યાર પછી ‘સમય’ આપવાનું ભુલી ગયો!!
  •  समय पर समय देनेवाला व्यक्ति समय पर मिल जाए तो समय को अच्छा होनेमें समय नही लगता….
  • वक़्त दिखाई नहीं देता, पर बहुत कुछ दिखा देता है॥

આ સંદર્ભમાં એક હળવો શેર યાદ આવ્યો..

‘समय’ न लगाओ तय करने में, आप को करना क्या है…?
वरना ‘समय’ तय कर लेगा कि, आप का करना क्या है !!

સમાપનમાં છેલ્લે તો એ જ કહેવું છે કે સમય સુપ્રીમ છે. સમયના સામર્થ્યની વાત સહજ નથી. સમય માત્ર ઘડિયાળના ફરતા કાંટા નથી. એ વીતીને કદી પાછો વળતો નથી કે ભાવિની વીતક કદી કહેતો નથી. સમય તિથિ-વારમાં વહેંચાતો હશે પણ કોઈની મુઠ્ઠીમાં કદી બંધાતો નથી. એ આંસુથીયે રોકાતો નથી ને સ્મિતથી કદી છેતરાતો નથી.

નથી … નથી … નથી ..નો આ સમય અનન્તની વિસ્મયલીલા છે, અનાદિથી સરતી અવિરત ધારા છે. સમયને જાણવો અને જિરવવો, એ જબરદસ્ત જિગરનું કામ છે. એ તો ક્ષણક્ષણની સમજ છે, ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.
સમય ‘સૂપ્રીમ’ છે. સર્વોપરિ અને સર્વોત્તમ છે.

e.mail : ddhruva1948@yahoo.com 

Loading

ગામ ઝુરાપો

પ્રીતમ લખલાણી|Poetry|23 July 2025

ફાટફાટ પાણીથી
વહેતી નદીના સામે કાંઠે,
પીપળ તળે નેજવું કરીને
મારી રાહ જોતું
ઊભું છે
ગામનું પાદર!
શેરીની બન્ને ધારે
બારી ઉઘાડીને
ગુપચુપ વર્ષોથી
મારી પ્રતીક્ષામાં બેઠાં છે
ગાર માટીનાં ખોરડાં ….
ફળિયે
બાળ ભેરુ જેવા
વર્ષોથી લીલાં પર્ણ ખેરવતા
પીળા પડી ગયેલા લીમડા હેઠે,
મારા સ્પર્શની રાહ જોતી,
લીલું સુક્કું ભરડતી
સમયને વાગોળતી આંચળને ચાટતી
રાતડીને
વળગીને બેઠી છે
વાછડી!
સાંકળ ખખડવાની વાટમાં ….
રાતદિવસ
ચુંદડીના છેડે
અનરાઘાર આંખેથી વહેતા
આંસુ લૂછી
જર્જરિત થઈ ગયેલ
 ડેલીની
 સામે આવીને
હવે કેમ હું ચાલ્યો જાવ છું?
જાણે
કોઈ ગામમાં
ભૂલા પડેલા એક પરદેશીની જેમ!

65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ભાષાને ધર્મ કે સંપ્રદાયના વાડાથી મુક્ત રાખીએ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 July 2025

ચંદુ મહેરિયા

તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રિભાષા ફોર્મ્યુલા ઊંધા માથે પટકાઈ છે. જો રાજભાષા હિન્દીના આ હાલ હોય તો ઉર્દૂનું તો પૂછવું જ શું?

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગરપાલિકાની નવી ઈમારત પરના સાઈન બોર્ડમાં  નગરપરિષદ, પાતુર મરાઠી ઉપરાંત ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું. સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ કેટલાકને ન ગમ્યો. પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બાગડેએ આ બાબતે પહેલાં નગરપાલિકા, કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી. પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. એટલે તેમણે પાલિકાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો. ૧૯૫૬થી ચાલી આવતી મરાઠી ઉપરાંત ઉર્દૂ સાઈન બોર્ડની આ પરંપરાની વિરુદ્ધ ૨૦૨૦થી આજ સુધીમાં બે વાર બોમ્બે હાઈકોર્ટ અને બેવાર સુપ્રીમ કોર્ટમાં તેમણે દાદ માંગી. ૧૯૬૫ અને ૨૦૨૨ના મહારાષ્ટ્રના રાજભાષા સંબંધી કાયદાઓનો હવાલો આપી વર્ષાતાઈએ પાતુર નગરપાલિકાના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ ભાષા હઠાવી લેવા માંગ કરી હતી. પરંતુ અદાલતોએ તેમની માંગણીને ગેરકાયદે ઠેરવી છે. એક નગરપાલિકાની ઈમારત પરના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ દૂર કરવા છેક સુપ્રીમ સુધી લડવાની આ હિંમત ભાષાના મુદ્દે આપણે કઈ હદે આડા, ઝનૂની અને સંકીર્ણ છીએ તે તો દર્શાવે છે જ સાથે સહિષ્ણુતાની આવશ્યકતા અને ભાષાની વિવિધતાની સરાહનાની જરૂરિયાત કેટલી બધી છે તે પણ સ્પષ્ટ કરે છે. 

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સુધાંશુ ધૂલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે પિટિશનરના વકીલોની એ દલીલ સ્વીકારી નહીં કે રાજ્ય સરકારના રાજભાષા સંબંધી અધિનિયમોથી નગરપાલિકાઓનો વહીવટ મરાઠીમાં કરવાનો હોય છે એટલે સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ થઈ શકે નહીં. ન્યાયાધીશોએ મરાઠીમાં વહીવટનો મતલબ એ નથી કે અન્ય ભાષાનો સાઈન બોર્ડમાં પણ ઉપયોગ ન થઈ શકે તેમ જણાવી તેમની અપીલ નામંજૂર કરી છે. ખંડપીઠ વતી જજમેન્ટ લખતાં જસ્ટિસ ધૂલિયાએ ઉર્દૂ ભાષા અંગે કરેલી ટિપ્પણીઓ ખૂબ જ મહત્ત્વની છે અને ભાષા મુદ્દે દેશમાં ચાલતા વર્તમાન વિવાદોમાં વિચારણીય છે.

જીવનની કોઈ પણ બાબતને ધર્મનાં ચશ્મે જોવાની આપણને આદત પડી છે. એટલે ભાષાને પણ આપણે એ જ નજરે જોઈએ છીએ. અદાલતે ઉર્દૂને મુસલમાનોની, પારકી કે પરદેશી ભાષા ગણવાની ગેરસમજમાંથી બહાર આવવા અપીલ કરી છે. ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી ભારતીય ભાષા કે ઈન્ડો આર્યન ભાષા છે. તેને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં ઉદ્દભવેલી ઉર્દૂ ગંગા-જમની તહજીબ કે હિંદુસ્તાની તહજીબનું બહેતરીન ઉદાહરણ છે. ઉર્દૂ અદબ (વિનમ્રતા, સન્માન, માન-મર્યાદા) ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વસ્તીની જેમ દેશમાં ભાષાઓ પણ મિશ્ર છે અને ઉર્દૂ તો વળી હિન્દીની ભગિની ભાષા છે. બંનેની ઉત્પતિ અને વિકાસ લગભગ સાથે સાથે જ થયા છે. લિપિ ભેદ સિવાય બંનેમાં ઘણી સમાનતા છે. મુન્નવર રાણા સાચું જ કહે છે, 

લિપટ જાતા હું માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ. 

ઉર્દૂ મેં ગઝલ કહેતા હું ઔર હિંદી મુસ્કુરાતી હૈ. 

ભારતમાં પેદા થયેલી ઉર્દૂ ખરેખર ક્યાં જન્મી તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. તેનું જન્મસ્થાન વ્રજ, દિલ્હી અને દખ્ખન હોવાના દાખલા દેવાય છે. ઉર્દૂ શબ્દ તુર્કી ભાષાના ઓરદુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ છાવણી કે શાહી પડાવ થાય છે. તે ફારસી, અરબી અને તુર્કીથી પ્રભાવિત ભાષા છે. ભારતમાં ઉર્દૂ શબ્દ વપરાયો તે પહેલાંની તેની દીર્ઘ સફરમાં તે હિન્દવી, જબાન-એ હિંદ, હિન્દી, જબાન-એ-દેહલી, રેખ્તા, ગુજરી, દક્ખની, જબાન-એ ઊર્દૂ-એ-મુઅલ્લા, જબાન-એ ઉર્દૂ અને અંતે ઉર્દૂ કહેવાઈ હતી. ઉત્તર પ્રદેશના અમરોહામાં ઈ.સ. ૧૭૫૧માં જન્મેલા કવિ-શાયર ગુલામ હમદાની મુસહફીએ સૌથી પહેલા ઈ.સ. ૧૭૭૦માં ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. મોગલોના આગમન સાથે જન્મેલી અને પછી તેમના રાજ દરબારમાં સ્થાન પામેલી ઉર્દૂ આમ જનતાની બોલી છે. 

પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ દેશ આખામાં વસ્તીનો કોઈને કોઈ ભાગ ઉર્દૂનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા દેશમાં ૫.૭૭ કરોડ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એ પાંચ રાજ્યોમાં જ કુલ ઉર્દૂ બોલનારી વસ્તીના ૮૫ ટકા વસ્તી છે. જમ્મુ-કશ્મીરની તે રાજભાષા છે. તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલગંણા અને દિલ્હીમાં તેને બીજી રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. બંધારણની આઠમી અનુસૂચિમાં જે બંધારણમાન્ય ૨૨ ભાષાઓ છે તેમાં ઉર્દૂનો સમાવેશ થયેલો છે. દક્ષિણ એશિયાઈ ભાષા ઉર્દૂ ભારત અને પાકિસ્તાનમાં વધુ બોલાય છે. તે ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ખાડી દેશો, અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તે બોલાય છે. ઉર્દૂ સાહિત્ય ઘણું સમૃદ્ધ છે અને તેમાં મહાન સાહિત્યકારો જન્મ્યા છે. આ સાહિત્યકારોમાં મુસલમાનો જેટલા હિંદુઓ પણ છે. 

૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કાઁગ્રેસની કાર્યવાહીમાં હિન્દુસ્તાનીનો ઉપયોગ કરવાનો ઠરાવ થયો હતો. ભાષાના સાંપ્રદાયિકરણ અને અંગ્રેજોના હાથે ભાષાના રાજનીતિકરણને અનુભવી ચૂકેલા ગાંધીજી હિન્દી અને ઉર્દૂના મિશ્રણસમી હિંદુસ્તાનીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા માંગતા હતા. તેમાં ઉર્દૂ કે દેવનાગરી બંનેમાંથી કોઈ પણ લિપિમાં લખવાની અનુમતી હતી. તેઓ એમ પણ ઈચ્છતા હતા કે ફારસીનિષ્ઠ ઉર્દૂ અને સંસ્કૃતનિષ્ઠ હિન્દી ન હોય પણ બેઉનું સંમિશ્રણ હોય તેવી ભાષા હોવી જોઈએ. 

આજે ઉર્દૂને સંકીર્ણ દૃષ્ટિએ કે તેને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. તેના મૂળમાં ભારતના કોમી ધોરણે થયેલા ભાગલા અને પાકિસ્તાને ઉર્દૂને કૌમી જબાન (રાષ્ટ્રભાષા) બનાવી તે છે. પાકિસ્તાનની જેમ તેની રાષ્ટ્રભાષાને પણ  ભારતીયોનો એક વર્ગ દુ:શ્મન કે પરાયાની નજરે જુએ છે. ઉર્દૂ ભારતમાં જ જન્મી છે અને પાંગરી છે તે હકીકત ભૂલાવી દેવાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના શક્તિશાળી માધ્યમના રૂપમાં વિકસિત થયેલી ઉર્દૂ મિશ્રિત વારસો ધરાવતી ભાષા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ ભાષાને કોઈ ધર્મ નથી તે એક સમુદાય, પ્રદેશ અને લોકોની ભાષા છે અને પરસ્પરના આદાન-પ્રદાનનું માધ્યમ છે. ભાષા સંબંધી સંકીર્ણ અને સાંપ્રદાયિક વિવાદોમાં લોકોની સંવેદનાઓ, જૂની માન્યતાઓ અને રાજનીતિની ભૂમિકા રહેલી છે. 

સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઉર્દૂ ભાષા વિષે ટાંકેલી આ પંક્તિઓ સૌને વિચારવા પ્રેરે છે: 

ઉર્દૂ હૈ મેરા નામ

 મૈં ખુસરો કી પહેલી 

 ક્યોં મુઝ કો બનાતે હૌ

 તાજ્જુબકા નિશાના

 મૈંને ખુદ કો કભી મુસલમાન નહીં માના

 દેખા થા કભી મૈંને ભી ખુશિયોં કા જમાના

 અપને હી વતન મૈં હું 

 મગર આજ અકેલી

 ઉર્દૂ હૈ મેરા નામ 

મૈં ખુસરો કી પહેલી.

“પોતાને માત્ર હિન્દી કે ઉર્દૂ સુધી મર્યાદિત રાખવો તે બુદ્ધિમત્તા અને દેશભક્તિની ભાવના વિરુદ્ધનો ગુનો છે”, એવી ગાંધીજીની ચેતવણી પણ અનેક વિચારજાળા સાફ કરતા સુપ્રીમના ચુકાદા સાથે સંભારીએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...255256257258...270280290...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved