Opinion Magazine
Number of visits: 10081065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 September 2025

રાજ ગોસ્વામી

પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે એવું કોઈ કહે તો જરા ય નવાઈ ન લાગે, કારણ કે પુસ્તક વાંચવાનો પ્રાથમિક ઉદેશ્ય નવું જાણવાનો છે અને સદીઓથી માણસો એટલા માટે જ પુસ્તકો વાંચતા આવ્યા છે. પણ કોઈ એવું કહે કે પુસ્તકો વાંચવાથી આવરદા વધે છે તો? નવાઈ તો લાગે કારણ કે આવરદાનો સંબંધ શરીર સાથે છે અને ઉંમર ઘટવા-વધવાનું કારણ શારીરિક તંદુરસ્તી છે. એમાં વાંચવાની ટેવ કેવી રીતે બંધ બેસે? પરંતુ આધુનિક વિજ્ઞાનનો દાવો છે કે જે લોકો પુસ્તકો વાંચે છે તેઓ, જે  નથી વાંચતા તેની સરખામણીમાં લાંબું જીવે છે. 

‘સોશિયલ સાયન્સ એન્ડ મેડિસિન’ નામના એક એકેડેમિક જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ રસપ્રદ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકોએ 50 વર્ષથી મોટી ઉંમરના 3,600 લોકો પર 12 વર્ષ સુધી અભ્યાસ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની જીવનરેખા પર પુસ્તકો વાંચવાના શોખનો કોઈ પ્રભાવ પડે છે કે નહીં. 

તેમને જે જાણવા મળ્યું તે અસાધારણ છે : જે લોકો નથી વાંચતા તેના કરતાં વાંચવાવાળા લોકો 2 વર્ષ વધુ જીવે છે. તેમની ઉંમર શું છે, તંદુરસ્તી કેવી છે, સમૃદ્ધ કેટલા છે વગેરે તફાવતોમાં પણ આ તારણ સમાનરૂપે સૌને લાગુ પડતું હતું.

આ લોકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા : જે લોકો સપ્તાહમાં 3.5 કલાક કે તેથી વધુ વાંચતા હતા, જે લોકો 3.5 કલાક સુધી જ વાંચતા હતા અને બીજા લોકો જે બિલકુલ વાંચતા નહોતા. અભ્યાસ દરમિયાન, 33 ટકા બિન-વાચકોનાં મૃત્યુ થયાં, જ્યારે પ્રતિ સપ્તાહ 3.5 કલાકથી વધુ સમય માટે પુસ્તક વાંચવાવાળા 27 ટકા વાચકોનાં મૃત્યુ થયાં. મતલબ કે પુસ્તકો નહીં વાંચતા લોકોની સરખામણીમાં પુસ્તકો વાંચવાવાળાની મરવાની સંભાવના 20 ટકા ઓછી હતી. 

સંશોધકોએ એ પણ નોંધ્યું હતું કે આ ‘ફાયદો’ પુસ્તકોના વાચકોને હતો, સમાચારપત્રો કે સામયિકોના વાચકોને નહીં! તેનું મુખ્ય કારણ એ છે કે લાંબા વાંચન, અને ખાસ કરીને નવલકથાઓના વાંચનથી, વાર્તા અને વાર્તાનાં પાત્રો સાથે માણસો તાદ્ત્મ્ય અનુભવે છે અને તેનાથી તેમની સંજ્ઞાત્મક (કોગ્નિટિવ) ક્ષમતામાં વધારો થાય છે. 

ઉપરછલ્લા અને ઊંડા વાંચનની અસર અલગ હોય છે. વાંચન બે પ્રકારનું હોય; ‘નિર્દોષ વાંચન’ અને સહેતુક વાંચન.’ નિર્દોષ વાંચન એટલે માત્ર મનોરંજન માટે વાંચવું, સમય પસાર કરવા વાંચવું, જેમાં કોઈ પ્રકારનો વૈચારિક પરિશ્રમ ન હોય, જેમાં લેખકે જે લખ્યું હોય તેની ભીતર જઈને સમજવાનો પ્રયાસ ન હોય. નિર્દોષ વાંચનમાં આપણે સંપૂર્ણપણે વાચક જ હોઈએ છીએ. તેમાં આપણે ‘જાણીએ’ છીએ. જેમ કે સમાચારોમાં જાણવાનું હોય છે, સમજવાનું નહીં’

સહેતુક વાંચન એટલે જે લખ્યું છે તેનું શું અર્થઘટન થાય, લેખકે કેવી રીતે લખ્યું છે, ક્યા ભાવને વ્યક્ત કર્યો છે, કેમ આ જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, વાક્યની રચના કેવી છે, તેનો આગળ-પાછળનો સંદર્ભ શું છે, અગાઉનાં લખાણમાં આ જ વાત કેવી રીતે લખી હતી જેવી જિજ્ઞાસા સાથે કશું વાંચવુ તે. જેમ કે પુસ્તકોમાં સમજવાનું હોય છે.

નિર્દોષ વાંચનમાં આપણે સતહ પર છબછબિયાં કરીને આનંદ લઈએ છીએ. સહેતુક વાંચનમાં ગહેરાઈમાં જઈને ડૂબકી મારીએ છીએ. નિર્દોષ વાંચનમાં આપણે માત્ર વાંચીએ છીએ. સહેતુક વાંચનમાં આપણે વિચારીએ પણ છીએ. આપણા મગજ પર આની અસર ઊંડી હોય છે.

તે સિવાય પણ કારણો છે. પુસ્તક વાંચનથી તનાવ ઓછો થાય છે, મગજમાં સેલ્સની કનેક્ટિવિટી વધે છે અને ઊંઘમાં સુધારો થાય છે. પુસ્તક વાંચતી વખતે આપણું ધ્યાન શબ્દો અને પ્રસંગોમાં વહેંચાઇ જાય છે, જેનાથી તનાવ ઘટે છે, યાદદાસ્ત બહેતર થાય છે અને ઉદાસીથી બચવામાં પણ રાહત મળે છે. 

વાંચવા જેવી એકાગ્રતા માંગે તેવી પ્રવૃત્તિમાં આપણું મગજ કેટલું સ્વસ્થ રીતે ફંક્શન કરે છે તે મહત્ત્વનું હોય છે. આપણી ઓવરઓલ તંદુરસ્તી અને મનદુરસ્તી કેવી છે તેની મગજના ફંક્શનની ગુણવત્તા પર મોટી અસર પડે છે. કમનસીબે, આપણે મન કે મગજને જોઈ, અનુભવી શકતા નથી એટલે મોટાભાગે આપણે તેની પ્રક્રિયાથી પણ સચેત નથી હોતા. દાખલા તરીકે, નિયમિત એક્સરસાઇઝના કારણે બ્રેઇન પાવર વધે છે તે મારો જાત અનુભવ છે.

આપણે કેવો આહાર લઈએ છીએ, શરીરને કેટલું ચુસ્ત રાખીએ છીએ, ગુણવત્તાવાળી ઊંઘ કેટલી લઈએ છીએ, કેટલા સ્ટ્રેસ-ફ્રી રહીએ છીએ તેની અસર આપણી સ્મૃતિ શક્તિ પર પડે છે. તે ઉપરાંત, વાંચનમાં આપણે કેટલા મશગૂલ થઈએ છીએ, મતલબ કે તે આપણાને કેટલું ગમે છે, તેના પર પણ યાદ રહી જવાનો આધાર છે. દાખલા તરીકે, એવાં અસંખ્ય પુસ્તકો છે જે મેં વાંચ્યાં હોય પણ એમાંથી કશું જ યાદ ન હોય, કારણ કે એ પુસ્તકમાં હું મગ્ન થઈ શક્યો નહોતો.

શરીર માટે વ્યાયામ અને મગજ માટે વાચન, બંને સરખાં છે. તમે જો 2 વર્ષ સુધી રોજ ૫ કલાક વાંચો, તો તમારું મગજ સંપૂર્ણપણે ‘નવું’ થઇ જાય. વાંચવું એ સંગીતનું ઓર્કેસ્ટ્રા ચલાવવા જેવું કામ છે. એમાં મગજના નાના-મોટા અનેક હિસ્સાઓ સક્રિય થાય છે. અમુક લોકોને સંગીત વિશે વાંચતી વખતે સૂર સંભળાવવા લાગે અથવા ફૂલ વિશે વાંચીને સુગંધ આવવા લાગે, તેનું કારણ મગજનાં વિભિન્ન ફંક્શન વાચનની પ્રક્રિયામાં જોડાઈને ચુસ્ત થાય છે એટલે. માટે જ વાચન આદતની ક્રિયા છે. જેને  વાંચવાની ટેવ ના પડી હોય, તેવા લોકોનાં મગજ લાંબુ વાંચીને થાકી જાય અથવા ટર્ન ઓફ થઇ જાય. આ વ્યાયામ કરવા જેવું છે.

લખવાની જેમ વાંચન પણ જટિલ કળા છે. વાંચે તો દરેક લોકો છે, પણ શું વાંચીએ છીએ તે મહત્ત્વનું છે. શબ્દો વાંચવા આસાન છે. કસોટી શબ્દોને સમજવાની છે. એક જ પુસ્તક હોય, પણ ચાર વ્યક્તિ તેને જુદી-જુદી રીતે વાંચે અથવા સમજે, કારણ કે દરેકનું મગજ વાંચતી વખતે જુદી-જુદી રીતે સક્રિય હોય છે. લોકો મુખ્યત્વે ચાર પ્રકારે વાંચતા હોય છે :

1. પ્રાથમિક વાંચન : પુસ્તકમાં શું વિગતો છે તે. ઘણા લોકોને પુસ્તક અક્ષરશઃ યાદ હોય અને પોપટની જેમ બધુ બોલી જાય.

2. અવલોકનાત્મક વાંચન : પુસ્તક શું કહેવા માગે છે તે. દરેક પુસ્તક પાછળ લેખકનો એક મુખ્ય હેતુ હોય છે. તેને પકડવો તે અવલોકનાત્મક વાંચન.

3. વિશ્લેષણાત્મક વાંચન : પુસ્તકનું અર્થઘટન શું છે તે. પુસ્તકની જટિલ વાતોને છૂટી પાડીને તેને સરળ રીતે બોધગમ્ય બનાવવી તે વિશ્લેષણાત્મક વાંચન.

4. ચિંતનાત્મક વાંચન : મારા જીવન માટે તેમાં શું છે તે. પુસ્તકમાં માનવીય જીવનની અમુક સચ્ચાઈ હોય છે. તમે ખુદને બહેતર બનાવવા માટે થઈને પુસ્તકમાંથી જીવનલક્ષી ચિંતનને અલગ તારવો તે ફિલોસોફિકલ વાંચન.

ટૂંકમાં, વાંચો, ખૂબ વાંચો. જ્ઞાન તો મળશે જ, મગજ પણ સશક્ત થશે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 September 2025

રાજકીય, સામાજિક અને સુરક્ષાના પ્રશ્નો આ પહાડી વિસ્તારમાં વધુ ઊંચા જશે તો પાતળી હવામાં સરકારને માટે પણ શ્વાસ લેવાનું મુશ્કેલ બનશે

ચિરંતના ભટ્ટ

લેહમાં ગયા સપ્તાહે વિરોધ પ્રદર્શન કરનારા ચાર જણનાં મૃત્યુ અને ડઝનેકને ઇજાઓ થવાથી લદ્દાખનો ઉકળતો અસંતોષ મોટા સંકટમાં ફેરવાઈ ગયો છે. વર્ષો સુધી, 2019માં જમ્મુ અને કાશ્મીરથી અલગ થયા બાદ હિમાલયની આ સરહદને કેન્દ્રીય શાસનની સફળતા કિસ્સા તરીકે દર્શાવવામાં આવતી હતી. તેના બદલે, હવે તે ભારતની રાજકીય સંવેદનશીલતા, ફેડરલ સંતુલન અને વ્યૂહાત્મક દૂરંદેશીની કસોટી બની ગયું છે. લેહમાં જે બન્યું તે ફક્ત કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી — તે ભારતના સૌથી સંવેદનશીલ સરહદી પ્રદેશોમાંના એકમાં ઓળખ, સ્વાયત્તતા અને ગૌરવ વિશે ઊંડી ચિંતાઓની અભિવ્યક્તિ છે.

2019માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ કરવામાં આવ્યું ત્યારે લેહમાં ઉજવણી થઈ હતી. ઘણા લોકો માટે, દિલ્હી સાથે સીધો સંપર્ક સંસાધનો, માન્યતા અને લાંબા સમયથી આ પ્રદેશ પર ધ્યાન અપાવું જોઇએની ચાહ હતી તે પૂરી થવાનો સંકેત હતો. પરંતુ તેમાં એક વિરોધાભાસ હતો : દિલ્હી અથવા પુડ્ડુચેરી જેવા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોથી વિપરીત, લદ્દાખ વિધાનસભા વિના રહી ગયું. છ વર્ષ પછી, આજે એ વિરોધાભાસ એકાંતનો સ્રોત બની ગયો છે.

એક સમયે સશક્તિકરણની આશા રાખનારા લદ્દાખીઓ વધુ પડતા અમલદારીશાહીના નિયંત્રણ, સ્થાનિક અવાજોના પાંખા પડવા અંગે અને તેમની જમીન અને ભવિષ્ય વિશેના નિર્ણયો દૂર બેઠેલા લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે તેવી સતત વધી રહેલી લાગણીની વાત કરી રહ્યા છે. તેમની માંગણીઓ સ્પષ્ટ રાજકીય પેકેજમાં વિકસિત થઈ છે: પૂર્ણ રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ અથવા જમીન અને નોકરીઓ માટે સમાન રક્ષણ, અને સ્થાનિક સંસ્થાઓને સત્તાનું અર્થપૂર્ણ વિભાજન. આ નાના વહીવટી ફેરફારો નથી પરંતુ ગૌરવ અને અસ્તિત્વ માટેની અંતર્ગત ઇચ્છાને પ્રતિબિંબિત કરનારી બાબતો છે. લેહમાં બૌદ્ધ અને કારગિલમાં શિયા મુસ્લિમો બંનેના પોતપોતાના ડર છે. બન્નેને વસ્તી વિષયક ભેળસેળ, સાંસ્કૃતિક ધોવાણ અને પોતાની જીવનશૈલીને ટકાવી રાખતા નાજુક વાતાવરણ પર નિયંત્રણ ગુમાવવાના ભય મુખ્ય છે.

સપ્ટેમ્બરના ઘાતક સંઘર્ષમાં ફેરવાયેલાં ભૂખ હડતાળ અને જૂથ વિરોધ અચાનક ઉપજેલા નહોતા. તે વર્ષોની વણઉકેલાયેલી ચિંતાઓ, અટકેલી વાટાઘાટો અને વિશ્વસનીય રાજકીય રોડમેપના અભાવની પેદાશ હતાં. કાર્યકર્તાઓ અને સમુદાયિક નેતાઓ સાથેની લગભગ દરેક વાતચીતમાં એક જ સૂર હતો : સમિતિઓ બનાવવામાં આવે છે, મીટિંગ્સ થાય છે, પરંતુ સમયમર્યાદા અને મૂર્ત પ્રતિબદ્ધતાઓને ક્યારે ય પાળવામાં નથી આવતી. પ્રજાસત્તાકના હાંસિયામાં રહેતા ગૌરવશાળી લોકો માટે, આવી અસ્પષ્ટતા અસહ્ય છે.

લેહની દુર્ઘટના લદ્દાખની માંગણીઓની અવગણના કરવાની વ્યૂહાત્મક અને રાજકીય કિંમતો પણ દર્શાવે છે. ભૌગોલિક રાજકીય દૃષ્ટિએ, લદ્દાખ કોઈ સામાન્ય પ્રદેશ નથી. અહીં જ 2020માં ભારતનો ચીન સાથે ગલવાનમાં સંઘર્ષ થયો હતો, અને તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ખેલાયેલો એ ખેલ નાનીસૂની બાબત ન જ ગણી શકાય. લેહમાં નાગરિક અશાંતિ ફક્ત એક આંતરિક પડકાર નથી – તે સુરક્ષા સ્થાપનાને વિચલિત કરવાનું અને ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સરહદને નબળી પાડવાનું જોખમ ધરાવે છે. સ્થાનિક લોકો હંમેશાં સેનાનું કુદરતી ગુપ્તચર નેટવર્ક રહ્યા છે, જે દુર્ગમ પ્રદેશમાં સૈનિકોનું માર્ગદર્શન કરે છે. જો અલગતા વધશે, તો અવિશ્વાસ પણ વધશે, જે સુરક્ષા અને વિકાસ બંનેને નબળી પાડશે. 

રાજકીય રીતે, ભા.જ.પા. પોતાના વિરોધાભાસનો સામનો કરી રહી છે. કલમ 370ને રદ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યા પછી ભા.જ.પા. ખુશ હતી. આ બન્ને પગલાંને 2019માં ભા.જ.પા.ની બહાદુર સિદ્ધિઓ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. હવે, આ જ નિર્ણય પર સવાલ ઊઠી રહ્યા છે. આ પરિસ્થિતિ સરકાર માટે બે ધારી તલવાર જેવી છે. જો સરકાર, લદાખ માટે રાજ્યનો દરજ્જો અથવા વિશેષ સંરક્ષણ સ્વીકારે છે, તો મૂળ ગોઠવણ ખામીયુક્ત હતી એવું સ્વીકારાયું તેમ મનાશે. જો તે પ્રતિકાર કરે છે, તો તે તેના સરહદી નાગરિકોના બલિદાન અને લાગણોની તેમને પડી નથી, તેમના પ્રત્યે ઉદાસીન છે એમ દેખાશે તેનું જોખમ વહોરે છે. વિરોધ પક્ષોએ પહેલેથી જ આ ક્ષણનો લાભ ઉઠાવ્યો છે. અત્યારે ત્યાં ફેલાયેલી અશાંતિને વિરોધ પક્ષોએ ભા.જ.પા.ના “તૂટેલા વચનો”નો પુરાવો ગણાવ્યો છે. ચૂંટણી પહેલાના વાતાવરણમાં, આ ભા.જ.પ.ના સૌથી મજબૂત પ્રતીકાત્મક સુધારાને નબળા પાડે છે.

સામાજિક પરિમાણ ઓછું મહત્ત્વનું નથી. વિરોધની મોટાભાગની ઊર્જા લદ્દાખના જેન-Z યુવાનો તરફથી આવી છે. આ પેઢી એ છે જે પોતાના વડીલોથી વિપરીત, ધૈર્ય અને સંવાદમાં માનતા હતા, યુવાન લદ્દાખીઓ ડિજિટલ-નેટિવ, વૈશ્વિક રીતે જાગૃત અને અધીરા છે. તેઓ જલદી ભેગાં થાય છે, ગતિશીલ છે અને તેમનામાં ઓછી સહનશીલતા છે, અને તેમની અભિવ્યક્તિની પદ્ધતિઓ ધારદાર છે — ઓનલાઈન લાઈવ-સ્ટ્રીમ થતી ભૂખ હડતાળથી માંડીને લેહ અને કારગિલમાં સંકલિત વિરોધ સુધી બધું જ તેમની ઊર્જા અને આવડતના પુરાવા છે. આ પેઢીગત બદલાવનો અર્થ એ છે કે પરંપરાગત રાજનીતિ હવે પૂરતી નથી; લાંબી અસ્પષ્ટતા એવી પેઢીને કટ્ટરપંથી બનાવવાનું જોખમ ખડું કરે છે કારણ કે તે પેઢીને લાગે છે કે પોતાની સાથે દગો થયો છે. 

લેહમાં જે બન્યું તે શાસનની ગહેરી શૂન્યતાનું પ્રતિબિંબિ છે. ભીડ વ્યવસ્થાપનના નબળા સંચાલનને કારણે અને લોકોએ વાતચીતના વચનમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું હોવાને કારણે શાંતિપૂર્ણ વિરોધ હિંસામાં પરિણમ્યો. ટીયર ગેસ, લાઠીચાર્જ અને અટકાયતોએ રાજકીય નિષ્ક્રિયતા છોડેલી ખાલી જગ્યા ભરી દીધી. પરંતુ કોઈ પ્રદેશ, ખાસ કરીને સંવેદનશીલ સરહદ, માત્ર પોલીસિંગ દ્વારા સંચાલિત થઈ શકે નહીં.

આગળનો રસ્તો સહાનુભૂતિ અને સ્પષ્ટતા પર આધારિત રાજનીતિની માંગ કરે છે. પહેલાં તો સરકારે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મૃત્યુની પારદર્શક તપાસનો આદેશ આપવો જોઈએ. ત્યાર પછી સરકારે રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિ સંરક્ષણ અને હિલ કાઉન્સિલ્સ માટે મજબૂત સત્તાઓને સંબોધિત કરતો સમય-બદ્ધ રાજકીય રોડમેપ રજૂ કરવો જોઈએ. સ્પષ્ટતા તબક્કાવાર મળે તો પણ એ કાયમ ચાલતી રહેતી સમિતિઓની રચના કરતાં વધારે સારું ફળ આપનારી સાબિત થાય. ત્રીજું, સરકારે મજબૂત જમીન અને પર્યાવરણની સ્થાપના કરીને લદ્દાખની અનન્ય ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને સ્વીકારવી જોઈએ.

અને છેવટે, તેણે લેહ અને કારગિલ બંને સાથે સરખું જોડાણ રાખવું જોઇએ, સમાન સંપર્ક જાળવવો જોઇએ અને એ બાબતની ચોકસાઈ રાખવી જોઇએ સ્વાયત્તતાને એક સમુદાયને બીજા સમુદાય કરતાં વધુ મહત્ત્વ આપવામાં ન આવે.

લદ્દાખમાં કટોકટી મૂળ તો માન્યતા અને ઓળખ વિશે છે. ત્યાંના લોકોને સવાલ એ છે કે ભારતની સૌથી વધુ ઊંચાઈએ જીવતા અને તેની સૌથી વિશ્વાસઘાત સરહદોનું રક્ષણ કરનાર નાગરિક હોવાને નાતે શું તેમને સાંભળવામાં આવે છે? તે લોકોની – ખાસ કરીને સરકારની- નજરે ચઢે છે ખરા કે પછી તે હાંસિયામાં ધકેલાયેલા છે? તેઓ મૂળે ઇચ્છે છે કે તેમનું મૂલ્ય થાય. આખરે તેઓ પણ આપણા દેશનો જ હિસ્સો છે, તેમના મતની અને તેમના ઝૂકાવની પણ સરકારને જરૂર તો પડવાની જ છે, પોતાનો કૉલર ઊંચો રાખવામાં નાગરિકોનું નુકસાન વેઠવાનું કોઇપણ સત્તાને પોસાય તેમ નથી હોતું.

બાય ધી વેઃ 

જો દિલ્હી સહાનુભૂતિથી સાંભળે અને નિર્ણાયક રીતે કાર્ય કરે, તો લદ્દાખ ફરીથી ગૌરવનું રક્ષક બની શકે છે. જો નહીં, તો આ સરહદ લાંબા સમય સુધી અશાંતિના ચક્રવ્યૂહમાં ભેરવાયેલી રહેશે તેવો ભય છે – આ લક્ઝરી કે આ સ્થિતિ ભારતને પરડવડી શકે એમ નથી કારણ કે અંદરની ઝાળની સીધી અસર ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી પહોંચતા વાર નહીં લાગે.  “પ્રશ્ન એ નથી કે લદ્દાખીઓને રાજ્યનો દરજ્જો કે છઠ્ઠી અનુસૂચિ ક્યારે મળશે — પ્રશ્ન એ છે કે શું ભારતની સૌથી ઊંચી સરહદે રહેલા અને તેની રક્ષા કરનારા નાગરિકોની અવાજને દિલ્હી સાંભળવા તૈયાર છે? સરકાર આ અવાજને માન્યતા આપશે કે તેને હાંસિયામાં ધકેલી દેશે — એનો જવાબ લદ્દાખના ભવિષ્ય સાથે સાથે ભારતના ફેડરલ લોકશાહી પર વિશ્વાસ નક્કી કરશે.”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2025

Loading

ગાંધી અને રાષ્ટૃીય સ્વયંસેવક સંઘનો મેળ બેસે તેમ નથી !

રમેશ ઓઝા|Opinion - Opinion|28 September 2025

રમેશ ઓઝા

કમાલનો યોગાનુયોગ છે. બીજી ઓકટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને આ વરસે બીજી ઓક્ટોબરે જ દશેરા છે અને ૧૯૨૫ની સાલમાં દશેરાને દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુરમાં સ્થાપના થઈ હતી. સંઘ સો વરસનો થયો અને ગાંધીજી ૧૫૬ વરસના. 

ગાંધીજીનું દર્શન અને સંઘના દર્શન વચ્ચે જમીન આસમાનનું અંતર છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. મિયાં અને મહાદેવનો મેળ ન બેસે એમ જે કહેવાય છે એમ સંઘ અને ગાંધીનો મેળ ન બેસે અને એ એક હકીકત છે. વખતે મિયાં અને મહાદેવનો મેળ બેસે પણ ખરો, પણ આ બેનો મેળ તો ન જ બેસે. બન્નેની ફિલસૂફીમાં અંતર છે, માર્ગમાં અંતર છે, અભિગમમાં અંતર છે, સાધનમાં અંતર છે અને કૂળમાં પણ અંતર છે. ગાંધીનું ફૂળ સ્વેદેશી છે (વેદ, ઉપનિષદ, શ્રમણ-બ્રાહ્મણ પરંપરા, સંતો અને સૂફીઓ વગેરે) અને સંઘનું વિદેશી. (ઓળખ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ પશ્ચિમની કલ્પના છે.) 

જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે, એટલે કે ૧૯૨૫માં, દેશ ગાંધીજીની મુઠ્ઠીમાં આવી ગયો હતો અને ગાંધીજીની મુઠ્ઠીમાંથી દેશને (હિંદુઓને) છોડાવવા માટે જ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સુધી ગાંધી અને તેનું દર્શન હિંદુઓને પ્રભાવિત કરે છે ત્યાં સુધી હિંદુઓની સર્વોપરિતા સ્થાપિત કરવી શક્ય નથી એ તેમને સમજાઈ ગયું હતું. હિંદુઓને ગાંધીજીની મુઠ્ઠીમાંથી છોડાવવા જોઈએ. ત્રણ હિંદુ નેતા હતા જેમની છબી હિંદુ હોવાની અને હિંદુઓ માટે બોલતા હોવાની હતી. એક લોકમાન્ય તિલક જેમનું ૧૯૨૦માં અવસાન થયું. બીજા લાલા લાજપત રાય જેમનું ૧૯૨૮માં અવસાન થયું. ત્રીજા મદનમોહન માલવિયા. તેઓ ૧૯૪૬ સુધી હયાત હતા, પરંતુ તેમની છબી હિદુ મવાળની હતી અને તેમની ગાંધીભક્તિ અપાર હતી. ટૂંકમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારે તેઓ ઈચ્છતા હતા એ રીતે આગ્રહપૂર્વક હિંદુની વાત કરનાર કોઈ રાષ્ટ્રીય નેતા નહોતો. એટલે તો લાલા લાજપત રાયના આવસાન પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને તેમના રાજકીય માર્ગદર્શક ડૉ. બી.એસ. મુંજે અરવિંદ ઘોષને યોગમાર્ગ છોડીને પાછા રાજકારણમાં પ્રવેશવા અને હિંદુઓનું નેતૃત્વ કરવા વિનંતી લઈને ખાસ પોંડીચેરી ગયા હતા. મહર્ષિ અરવિંદે ના પાડી દીધી હતી. (જો કે કેટલાક લોકોના મતે મહર્ષિ અરવિંદે રાજકારણમાં પાછા ફરવા કેટલોક સમય વિચાર કર્યો હતો.)

અહીં એક પ્રસંગ યાદ આવે છે જે ડૉ. હેડગેવારના મરાઠી ચરિત્રકાર એન.એચ. પાલકરે નોંધ્યો છે અને તેનું પ્રકાશન સંઘનું છે. આ પ્રસંગ સંઘને ઓળખવામાં ઉપયોગી છે. ધીકતી દાકતરી પ્રેક્ટીસ ધરાવતા ડૉ મુંજેએ પોંડીચેરી જવા પોતાના માટે ફર્સ્ટક્લાસની ટિકિટ લીધી હતી અને ડૉ. હેડગેવાર માટે થર્ડકલાસની ટિકિટ ખરીદી હતી. પ્રત્યેક મોટાં સ્ટેશને ડૉ. હેડગેવાર ખબરઅંતર પૂછવા અને ચાપાણી નાસ્તો અને ભોજન કરાવવા ફર્સ્ટક્લાસના ડબ્બામાં ડૉ મુંજે પાસે જતા હતા. એક સ્ટેશને બન્ને જમીને ટિફીન સમેટે એ પહેલા ટ્રેન રવાના થઈ ગઈ અને ડૉ હેડગેવાર પાછા પોતાના વર્ગના ડબ્બામાં નહીં જઈ શક્યા. એવામાં અંગ્રેજ ટિકિટચેકર આવ્યો અને ડૉ. હેડગેવારને ફર્સ્ટક્લાસમાં પ્રવાસ કરવા માટે દંડ કર્યો. ડૉ. મુંજેએ ગુસ્સે થઈને ઉગ્ર અવાજમાં દલીલો કરવા માંડી. ડૉ. મુંજે મોટી અને ફેલાયેલી દાઢી રાખતા અને કાળી ટોપી પહેરતા અને દેખાવમાં કાંઈક મુસ્લિમ જેવા લાગતા. (બાય ધ વે મોટાભાગના હિંદુઓએ સફેદ ગાંધીટોપી અપનાવી લીધી હતી, પણ હિન્દુત્વવાદીઓ ગાંધીને દરેક રીતે નકારતા હતા, એટલે તેઓ કાળી ટોપી પહેરતા હતા. આજે પણ પહેરે છે.) પેલા ટિકિટચેકરને લાગ્યું કે ડૉ. મુંજે મુસ્લિમ છે એટલે તેમણે તાડૂકીને કહ્યું કે એ મુલ્લે અપની ઔકાત મેં રહ કે બાત કર, ઇધર અંગ્રેજોં કા રાજ હૈ મુસ્લિમ કા નહીં. ડૉ. મુંજેને મુલ્લો સમજીને અંગ્રેજે તતડાવ્યો એ જોઇને બન્ને રાજીનારેડ થઈ ગયા હતા અને એ અંગ્રેજ સાથે આદરપૂર્વક વાત કરવા લાગ્યા હતા. મુસલમાનનું બુરું ઇચ્છનાર અને કરનાર કે તેને હલકી નજરે જોનાર ગમે તે હોય એ ચાલે પછી ભલે આપણને ગુલામ કરનાર અને તોછડાઈપૂર્વક વાત કરનાર અંગ્રેજ હોય. ગાંધીજીની દુ:શ્મની ગૈર યુરોપિયન વિશ્વદેશોને ગુલામ બનાવનાર અને ત્યાંની પ્રજાનું આર્થિક સાંસ્કૃતિક એમ સાર્વત્રિક શોષણ કરનાર સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ સામે હતી જ્યારે આ લોકોની દુ:શ્મની કેવળ મુસલમાન સામેની હતી. 

ખૈર, ગાંધીજીને નેસ્તનાબૂદ કરવાનો, તેમને અપ્રાસંગિક બનાવવાનો, તેમને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનો સંઘને પૂરો અધિકાર છે. સંઘને પોતાનું દર્શન અને દૃષ્ટિકોણ માંડવાનો, તેને લોકો પહોંચાડવાનો અને લોકોને તેને અનુકૂળ બનાવવાનો પણ અધિકાર છે. સંઘ સો વરસથી આ કરે પણ છે. પણ આજે યોગાનુયોગ બન્નેની જયંતી એક જ દિવસે આવી રહી છે અને એ પણ સો વરસના પ્રયાસના ઇતિહાસ સાથે ત્યારે સવાલ થાય છે કે સંઘ એ કરી શક્યો છે? સંઘના સ્વયંસેવકોએ અને નેતાઓએ આ વિષે વિચારવું જોઈએ. શું ગાંધીજી અપ્રાસંગિક બની ગયા છે? અને જો નથી બનતા તો તેમની પાસે એવી કઈ ચીજ છે જેમાં ચિરંતનતા છે. હત્યા, ચારિત્ર્યહત્યા અને અપપ્રચાર પછી પણ એ માણસ દૃષ્ટિપલટ પરથી ખસતો નથી તો એવું એમાં શું છે? તેમની મહાનતાને સ્થાપિત કરવા, તેને પ્રચાર દ્વારા લોકો સુધી પહોંચાડવા, ટકાવી રાખવા કોઈ સરકારી કે ગૈર સરકારી પ્રયાસ કરવામાં નથી આવતો (હકીકતમાં સરકારી અને ગૈર સરકારી પ્રયાસ તેને મીટાવવા માટે થઈ રહ્યો છે) અને છતાં એ માણસ અદૃશ્ય થતો નથી. એ પોતાની તાકાત પર જીવે છે અને કેટલાક લોકોને સતાવે છે. કઈ છે એ તાકાત? 

આ તો ગાંધીજીની પ્રાસંગિકતાની વાત થઈ. એક નજર સંઘની સો વરસની યાત્રા પર કરીએ. શું આર.એસ.એસ. સો વરસના સંગઠિત પ્રયાસ પછી બહુમતી હિંદુઓ સુધી પોતાની ફિલસૂફી અને દૃષ્ટિકોણ પહોંચાડવામાં અને બહુમતી હિંદુઓને તેને અનુકૂળ કરવામાં સફળ થયો છે? પ્રામાણિકતાપૂર્વક સંઘે આ વિષે ચિંતન કરવું જોઈએ. એક બાજુ નોંધારો એકલોઅટૂલો માણસ અને બીજી બાજુ સત્તા અને સંસાધનોની પ્રચંડ તાકાત સાથેના પ્રયાસ. પ્રયાસ પણ પાછો થોડોઘણો નહીં, સો વરસનો. શું બહુમતી હિંદુઓએ હિન્દુત્વ અને હિંદુરાષ્ટ્રનો સ્વીકાર કરી લીધો છે? સો વરસ પછી બેલેન્સશીટ તપાસવી જોઈએ. 

સત્ય શું છે? સત્ય એ છે ગાંધીજીએ ૧૯૧૫માં ભારતમાં પગ મુક્યો અને માત્ર બે વરસમાં બહુમતી હિંદુઓને (અને બહુમતી અન્ય કોમોને પણ) જીતી લીધા હતા. હા, માત્ર બે વરસમાં અને એ પણ માત્ર પોતાની તાકાત દ્વારા. આ બાજુ સંઘે સત્તાનો ઉપયોગ કરીને હિન્દુત્વનો અને હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારાઓને “મેનેજ” કરવા પડે છે. કોણ વિરોધ કરે છે? બહુમતી હિંદુઓ. ગાંધીજીની ભારતીય રાષ્ટ્રની કલ્પના લોકોએ સ્વીકારી લીધી હતી. એ સ્વયંભૂ સ્વીકાર હતો. જ્યાં સ્વયંભૂ સ્વીકાર હોય ત્યાં વિરોધને “મેનેજ” કરવાની જરૂર નથી પડતી. આ બાજુ હિન્દુત્વવાદીઓની સ્થિતિ જુઓ. બહુમતી હિંદુઓનો વિરોધ એટલો પ્રચંડ છે કે તેમણે તેને રોકવા અને દબાવવા મીડિયાને, સોશ્યલ મીડિયાને, સંસદને, ન્યાયતંત્રને, ચૂંટણીપંચને, વિરોધ પક્ષોને, મુખર વિચારકોને, યુનિવર્સીટીઓના છાત્રોને, એન.જી.ઓ.ને, પ્રગતિશીલ સંગઠનોને, “મેનેજ” કરવા પડે છે. ગાંધીજીની, સર્વોદયવાળાઓની અને અન્ય સેક્યુલર લોકોની સંસ્થાઓ પર કબજો કરવો પડે છે. જો બહુમતી હિંદુઓએ હિન્દુત્વનો સ્વયંભૂ સ્વીકાર કર્યો હોત તો વિરોધીઓને “મેનેજ” કરવા ન પડ્યા હોત અને હકથી હિંદુરાષ્ટ્રને આકાર આપવામાં આવતો હોત. જે થનગનાટ અને આત્મવિશ્વાસ જવાહરલાલ નેહરુમાં જોવા મળતો હોત એ નરેન્દ્ર મોદીમાં જોવા મળત. સતત વિરોધને “મેનેજ” કરવામાં ઉર્જા ન ખર્ચાતી હોત અને એ પણ અનૈતિક રીતે. 

આ સંઘની નિષ્ફળતા નથી? સો વરસ પછી પણ બહુમતી હિંદુઓ સુધી પહોંચી શક્યા નથી અને પોતાના કરી શક્યા નથી. શું કર્યું સો વરસ? શું ખૂટે છે? એવું નથી લાગતું કે સો વરસના અનુભવ પછી હવે વિચાર કરતા અને પ્રશ્ન પૂછતા શીખવું જોઈએ? એક માણસની ભારતીય રાષ્ટ્રની કલ્પના બે વરસમાં સ્વીકાર્ય બને અને એક સદી પછી પણ એ કાયમ રહે અને હિન્દુત્વવાદીઓને કવરાવતી રહે અને બીજી તરફ એક સંસ્થા સો વરસ પછી પણ હિંદુરાષ્ટ્રની કલ્પના બહુમતી હિંદુઓ સુધી પહોંચાડી ન શકે એને નિષ્ફળતા કહેવાય કે બીજું કાંઈ? વિરોધ અને વિરોધીઓને “મેનેજ” કરીને કેટલોક વખત ટકી શકાય, પણ કાયમ માટે ટકવું હોય તો બહુમતી પ્રજાનો સ્વીકાર જોઈએ. શાશ્વતી સ્વીકારમાં છે. 

અહી એક બીજો સવાલ પણ ઉપસ્થિત થાય છે. સેવાના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, રચનાત્મક કામના ક્ષેત્રમાં, પર્યાવરણસંરક્ષણના ક્ષેત્રમાં, ઉર્જા, ખેતી વગેરેના પ્રયોગના ક્ષેત્રમાં એવી કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ છે જે હિન્દુત્વવાદી હોય અને સંઘે આપી હોય? કોઈ મૌલિક વિદ્વાન કે પ્રયોગવીર? હિંદુ હોવા માટે તેઓ ગર્વ ધરાવે છે તો સ્વાભાવિક અપેક્ષા રહે કે હિંદુદર્શન, હિંદુ પરંપરા, હિંદુ ધર્મશાસ્ત્ર, હિંદુ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા વગેરે ક્ષેત્રોમાં તો તેમનું યોગદાન હશે જ હશે. તપાસ કરી જુઓ, અથવા કોઈ સંઘના નેતાને પૂછી જુઓ કે આ આપણા ભાવતા ક્ષેત્રમાં સંઘે કોઈ મૌલિક વિદ્વાન આપ્યો છે. એ છોડો, શાંતિનિકેતન, કલાક્ષેત્ર, ગુજરાત વિદ્યાપીઠ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, લોકભારતી (સણોસરા), સસ્તું સાહિત્ય જેવી કોઈ સંસ્થા છે જે સંઘે સ્થાપી હોય અને તેનું અનોખું યોગદાન હોય? તેઓ બીજાઓએ સ્થાપેલી સંસ્થાઓને કબજે કરે છે, પોતાની કોઈ સંસ્થા વિકસાવી નથી શક્યા. ન વિચારક, ન  વિદ્વાન, ન પ્રયોગવીર કે ન સંસ્થા. 

કારણ? કારણ કે વીરડીમાં સમુદ્રનું પાણી ન સમાય. બહુમતી પ્રજા સુધી પહોંચવું હોય અને તેને પોતાનાં કરવા હોય તો લઘુતાગ્રંથિ છોડીને ડર્યા વિના સમુદ્રમાં તરતા આવડવું જોઈએ. રવીન્દ્રનાથ, ઉમાશંકર, પ્રેમચંદ સમુદ્રમાં જન્મે, વીરડીમાં નહીં. 

તો પછી સંઘની સો વરસની યાત્રા વિષે શું કહીશું? 

જવાબ છે શોકાંતિકા. “મેનેજ” કરી કરીને કેટલો વખત કરશો? શાશ્વતને ઓળખો અને અપનાવો.    

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2025

Loading

...102030...238239240241...250260270...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved