Opinion Magazine
Number of visits: 10,226,910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીનો દાંડી પીટનારો

મહાવીર ત્યાગી|Opinion - Opinion|12 December 2020

પહેલા વિશ્વયુદ્ધમાં ફૌજી નોકરીમાં મને ઈરાન મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી બલુચીસ્તાન આવ્યો અને 1920માં અમે દેશ ભેગા થયા કે તરત જ હું ગાંધીજીને મળવા સીધો અલ્હાબાદ પહોંચ્યો. ત્યારે ખાદીનાં કપડાં સીવડાવી લેવા જેટલો પણ હું થોભ્યો નહોતો. છાપામાં ગાંધીજીની અપીલ વાંચી હતી એટલે નોકરીનું રાજીનામું આપીને જ આવ્યો હતો. આનંદભવનમાં પંડિત મોતીલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને મૌલાના મહમદઅલી–શૌકતઅલી અંદરઅંદર ચર્ચા કરી રહ્યા હતા; છતાં મને એમની સમીપ જવાની રજા મળી ગઈ. ત્યાં બેસવા માટે ખુરશી આપી એટલે તરત જ મહાત્માજી આગળ મારો બધો વૃત્તાંત કહી નાખ્યો. છેવટે પ્રાર્થના કરી : ‘મને કાંઈ કામ બતાવો.’

ગાંધીજી હસીને બોલ્યા : ‘જે કામ બતાવું તે કરશો?’

મેં કહ્યું : ‘જરૂર કરીશ.’ એટલે ગાંધીજીએ જણાવ્યું : ‘જાવ, એક નગારું ખરીદી દાંડી પીટજો.’

મેં નમસ્કાર કર્યા અને પાછો આવ્યો. મનમાં વિચાર્યું કે કામ તો સહેલું છે! એમાં કંઈ બુદ્ધિની ખાસ જરૂર પણ નથી. ફક્ત એક નગારું ખરીદી લાવવાની વાર છે – પછી દાંડી પીટી દઈશ. શેની દાંડી પીટીશ તેનો વિચાર કરતો હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા પછી ગાંધીજીની આજ્ઞા મુજબ ખરેખર દાંડી પીટવા માંડી. ત્યારથી તે આજ દિન સુધી મારું કામ કૉંગ્રેસની દાંડી પીટવાનું રહ્યું છે. હવે તો મને પણ સમજાય છે કે જે કામ મને સોંપવામાં આવ્યું હતું તે કામ ભારે જવાબદારીવાળું અને સારું હતું. એ કામ કરતાં કરતાં જ તો હું નેતા બની ગયો છું.

પહેલાંના જમાનામાં મહેતર લોકો દાંડી પીટવાનું કામ કરતા હતા. એટલે જ્યારે એ કામ મેં ચાલુ ર્ક્યું ત્યારે એ કામને મહત્ત્વ મળી ગયું. જ્યાં ચાર રસ્તા મળ્યા કે એક મૂડો મુકતો ને એના પર હું ઊભો થઈ જતો. કાં તો ઢોલ બજાવતો; કાં તો બ્યુગલ ફૂંકતો ને કાં તો ઘંટ વગાડતો. એનાથી ભીડ થઈ જતી. પછી મહાત્મા ગાંધીજીની આજ્ઞાઓનો પ્રચાર શરૂ કરતો. ભીડ વધવા માંડી, ત્યારે પતરાનું ભૂંગળું લઈ આવ્યો; કેમ કે એની મદદથી અવાજ દૂર સુધી પહોંચતો. થોડા જ દિવસોમાં મારા શહેરના લોકો મને ઓળખી ગયા. બજારના લોકો તો ચહેરા પરથી ઓળખી શકતા; પરંતુ દૂર છાપરાં અને અગાસીઓ પર બેસીને સાંભળતી બહેનો તો મારા માથાની ટાલ પરથી મને ઓળખતી થઈ. કોઈ પણ આગેવાન માટે આટલી વાત ઘણી મોટી હતી કે ચારે તરફથી લોકો એને ઓળખી લે. મારી આગેવાનીની શરૂઆત દાંડી પીટવાથી થઈ.

●♦●

જવાહરલાલનું ધોતિયું

સન 1921માં ખાદી મળે; પણ 30 ઈંચના પનાની. ઉત્તર પ્રદેશની સ્ત્રીઓને જાડું સૂતર કાંતવાની ટેવ હતી. અમે બધા ઘૂંટણ સુધીનું ધોતિયું પહેરીને ચલાવતા. નાહ્યા પછી તેને નીચોવવા માટે પણ કોઈ સાથીને મદદમાં બોલાવવો પડતો. અથવા એક તરફનો છેડો પગ નીચે દબાવી, પાંચ ઈંચનું આ જાડું દોરડું આમળવું પડતું.

એ દિવસોની વાત છે. ગાંધીજીએ જ્યારે કૉંગ્રેસના એક કરોડ સભાસદ નોંધવાનો અને ‘તિલક સ્વરાજ ફંડ’માં એક કરોડ રૂપિયા એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. એ વર્ષે અમારી પ્રાંતિક સમિતિના મંત્રી હતા : સ્વ. કપિલદેવ માલવિય, ગૌરીશંકર મિશ્ર, જીયારામ સક્સેના અને જવાહરલાલ નેહરુ.

એ દિવસોમાં બીજનૌર જિલ્લામાં મારું કાર્યક્ષેત્ર હતું. અમારા બધામાં વધારેમાં વધારે ફૅશનેબલ તરીકે જવાહરલાલને ગણવામાં આવતા. એ જ્યારે બીજનૌરમાં ફરવા આવ્યા, ત્યારે એમણે જે ધોતિયું પહેરેલું હતું તે દોઢ પનાનું હતું. 30 ઈંચ પનાના થાનમાં, પંદરથી અઢાર ઈંચનો એક બીજો પટ જોડેલો હતો. એથી એમનું ધોતિયું નીચે ઝૂલે એવું બન્યું હતું અને છેક ઘૂંટીની નીચે સુધી પહોંચતું હતું. ત્યારે પાંચ વારનું પહેરવાનો સામાન્ય રિવાજ હતો, ચાર વારનું ધોતિયું ચાલુ થયું નહોતું. જવાહરલાલ પણ પાંચ વારનું ધોતિયું પહેરતા અને બંગાળીઓની માફક સામે પાટલીની કલ્લી ઝૂલતી રાખવાને બદલે, એના વડે ભેટ બાંધી દેતા. એમનું જોઈ અમે પણ દોઢ પટનાં ધોતિયાં સીવડાવી લીધાં. મને બરાબર યાદ છે કે લોકો કૉંગ્રેસના સભાસદ થતાં ઘણા ગભરાતા હતા. પચાસ ઘર ફરીએ ત્યારે માંડ ચાર–પાંચ સભાસદો નોંધી શકાતા. સવારથી સાંજ સુધી ફરતા રહેતા અને ચાર–પાંચ જણાને પણ નોંધી શકતા, તો અમે ધન્ય બની જતા. શહેરમાં જેટલા સભાસદ થાય તેમનાં નામ અમને મોઢે રહેતાં.

જવાહરલાલ નેહરુના આવવાથી અમારી હિંમત વધી ગઈ. એ અમારી સાથે કૉંગ્રેસના સભાસદ નોંધવા નીકળી પડ્યા. એક દુકાને ફાળો ઉઘરાવા એમણે એમનું પહેરણ સામે ધરી દીધું – જાણે ભિક્ષા માગતા હોયને! એની એવી તો અસર થઈ કે, અમે ગાંડા જેવા થઈ ગયા. અમે બધા દિવસ અને રાત, રાત અને દિવસ કામ કરતા હતા. ત્યારે મોટરોનો રિવાજ નહોતો. ઘણું કરીને પગે ચાલીને જ અમે ફરતા. આપણા વડા પ્રધાન નેહરુને અમારી સગી આંખે સાધારણ ચંપલ પહેરીને રાયબરેલી, પ્રતાપગઢ, વગેરે ક્ષેત્રોનાં ગામેગામ અને જંગલ કે ઝાડીઓમાં પગે ચાલીને જતા જોયા છે. કેવો જુસ્સો હતો, કેવો ઉમંગ હતો કેવો ઉત્સાહ હતો! વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં એમનું ભાવિ મૂઠીમાં લઈ ઊલટભેર કૉંગ્રેસની આગેવાની નીચે સ્વાતંત્ર્યના આંદોલનમાં ભાગ લેવા આવતાં હતાં.

એ આંદોલનના પ્રતાપે જ આજે આપણો દેશ સ્વતંત્ર થયો છે. મારું એ કહેવું છે કે, જ્યારે પણ કોઈ સાર્વજનિક આંદોલન શરૂ કરવું હોય ત્યારે એને માટે નાનામાં નાનું કામ કરવામાં અપમાન ના સમજવું જોઈએ. જઈને જુઓ દુનિયાભરમાં, ફાવે તો ઇતિહાસોમાં જોઈ લો. આ સંસારમાં જેટલાં પણ મહત્ત્વનાં આંદોલનો ચાલ્યાં છે; પછી એ ગૌતમ બુદ્ધે ચલાવ્યું હોય કે ઈસુ ખ્રિસ્તે કે મહંમદ પયગંબરે કે પછી રાજકારણમાં પડેલા નેતાઓએ ચલાવ્યું હોય; એ બધાં આંદોલનો ભિક્ષુઓની મારફતે ચાલ્યાં, ત્યાગના બળ ઉપર ચાલ્યાં છે, ભૂખે પેટે અને પગે ચાલીને થયાં છે. મોટરો, હૉટેલો અને ‘મટનચૉપ’ મારફતે પણ પ્રચાર તો થઈ શકે છે; પરંતુ એ પ્રચાર સાર્વજનિક બની શકતો નથી. અને એમાંથી સમૂહ–આંદોલન સંભવતું પણ નથી. મારો અનુભવ છે કે દાંડી પીટવા જેવાં નાનાં કામમાંથી એક વ્યક્તિ ઊંચું પદ મેળવી શકે છે – શરત એટલી કે એ એમાં રત થઈ જવો જોઈએ.

આજે તો હું ભારતનો રક્ષા–સંગઠન મંત્રી છું. એમ છતાં બેચાર દિવસ પહેલાં જ દહેરાદૂનમાં ઢોલ બજાવીને જગ્યાએ જગ્યાએ જાહેરાત કરતો ફર્યો છું કે, ‘આપણા નગરમાં જવાહરલાલ નેહરુ પધારે છે. સહુ ભાઈ–બહેનોએ પુષ્પમાળા લઈ સડકોની બન્ને બાજુએ ઊભા રહી એમનું સ્વાગત કરવું જોઈએ – એમનાં દર્શન કરવાં જોઈએ. એમની મોટર હું ધીરેધીરે ચલાવરાવીશ, જેથી આપ લોકો પેટ ભરીને એમનાં દર્શન કરી શકો.’ દાંડી પીટવાનો પોર્ટફોલિયો તો મને મહાત્મા ગાંધીજીએ સોંપ્યો છે અને મિનિસ્ટ્રી જવાહરલાલની આપેલી છે. જો આ બે વચ્ચે ક્યારે ય પણ ઝઘડો થશે તો જવાહરલાલનો પોર્ટફોલિયો છોડી શકાશે; ગાંધીજીએ આપેલો નહીં છૂટે.

•••••••••••

લેખકના ‘નગારખાનામાં તતૂડીનો અવાજ’ (પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ – 2, પ્રથમ આવૃત્તિ : 1962, ત્રીજી આવૃત્તિ : 2001, પાન :152, મૂલ્ય : રૂપિયા : 20, પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર : પુસ્તકના પાન 68 ઉપરથી સાભાર.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ત્રીજું – અંકઃ 144 – March 09, 2008

આ પોસ્ટ વૉટ્સઍપ વાટે ફેર મોકલાઈ : 2020-08-28

@@@

Loading

‘મારી ખીર શરૂ કરાવી દે’

મહાવીર ત્યાગી|Opinion - Opinion|12 December 2020

સને 1938માં દહેરાદૂન જિલ્લાની જમીનોની સરકાર તરફથી તપાસ શરૂ થઈ હતી. પહેલાં મેં આવો બંદોબસ્ત થતો જોયો ન હતો. એટલે મારે માટે એ વાત નવી હતી. એમાં આખા જિલ્લાની જમીનનાં માપ લેવાય. પછી દરેક ગામના ખેડૂતો અને જમીનદારો ઉપર નોટિસ નીકળે. એમાં જણાવવામાં આવે છે કે, તમારા ખાતામાં અમુક અમુક નંબરો છે. એ જમીન ‘મૌરૂસી’ (વારસાગત) છે કે ‘શિકમી’ (સાંથે), ‘સૂફી’ (ચોમાસુ) છે કે ‘પીત’ની, એ જમીન ઉપર મહેસૂલ કેટલું છે અને કેટલા દિવસથી તમારો કબજો છે તે જણાવો. બધાં જ ગામના ખેડૂતોએ વહિવટી ખાતાની કચેરીએ પહોંચી બધી વાતની સચ્ચાઈની ખાતરી કરાવી સહી – અંગૂઠા કરવા પડતા.

ઓચિન્તો મને વિચાર આવ્યો કે લાંચરૂશ્વત અટકાવવી હોય અને સાથે ખેડૂતોને ય મદદ કરવી હોય તો આથી વધારે સારો અવસર જિન્દગીભર ફરી નથી મળવાનો. થઈ રહ્યું. મેં ઘોષણા કરી દીધી કે, ગામેગામના ખેડૂતો પગે ચાલતા સરઘસ કાઢીને દહેરાદૂન આવે અને મારા ‘રૈનબસેરા’ (મારા ઘરનું નામઃ ‘રાતવાસો’)માં મુકામ કરે. ખાવાપીવાની સગવડ પણ ત્યાં હશે અને કાયદાકાનૂનની સલાહ પણ ત્યાં મફત મળશે. પછી તો શું? દિવસમાં કેટલાં ય સરઘસો ગીતો ગાતાં અને ‘જય’ પોકારતાં ‘રેનબસેરા’માં આવવાં લાગ્યાં. ગાંધીજીની જય દસ વાર બોલે તો મારી પણ બે વાર બોલે! રોજ બસોત્રણસો માણસ આવે, વિશ્રામ કરે અને રાતે સૌ ફરિયાદ સંભળાવે. બીજા દિવસના સવારે દસ વાગતાં સુધીમાં તમામ અરજીઓ તૈયાર થઈ જતી. પછી એ કાફલો સરઘસના રૂપમાં મારી સાથે કચેરીએ પહોંચતો. હું અને કોન્ગ્રેસના મારા સાથીદારો આખો દિવસ કચેરીમાં ચોંટી રહેતા. ત્રીજો પહોર થાય એટલે લંગર (રસોડું) ખોલવામાં આવતું. બધા માણસો દાળ–ભાત, ચટણી અને છોલ્યા વગરનાં બટાકા–ટામેટાંનું શાક ખાઈને પાછા ચાલ્યા જતા.

જનસેવાનાં કામમાં મને એક વિચિત્ર અનુભવ થયો છે. જો કોઈ વ્યક્તિ તન્મય થઈને સેવાકાર્યમાં લાગી જાય અને પોતાને લુંટાઈ જવા દે તો લોકો એને લુંટાવા દેતા નથી. એના પર લટ્ટુ થઈ જાય છે. માત્ર આઠ દિવસ મારા દાળ–ચોખા ખાધા પછી ખેડૂતોમાં એવી હવા ફેલાઈ ગઈ કે જે આવે તે તેની સાથે લોટ, દાળ કે ચોખાની પોટલી બાંધતો આવે. કોઈ કોઈ વાર તો ગુણની ગુણ ભરીને લેતા આવે. શી વાત! સીધું ભરપૂર મળી રહેતું. એમાંથી એકલું ખાવાનું જ નહીં; પેલા મુનશીઓનો પગાર અને વકીલોની ફી પણ નીકળી જતાં. આ કામ છ મહિના સુધી રોજ ચાલ્યું.

જ્યારે કોઈને કામ ઘણું રહેતું હોય ને એ સમયે એની પત્ની (નામ : શર્મદા) મરી જાય ત્યારે એણે, સતત રમૂજ કરતા રહેવાની પોતાની ભૂખ પણ, એણે પોતે ઉપાડેલા કામ કરતાં કરતાં જ સંતોષવી પડે છે. જ્યારે કોઈ ખેડૂત પોતાની વાત કહેવા મારી સામે ઊભો રહેતો ત્યારે હું એને કહેતો, ‘પહેલાં નક્કી કરો કે તમારું કામ થઈ જાય, ત્યારે મને થાળી ભરીને ખીર ખવડાવશો?’ આખી સભા હસી ઊઠતી. એ જવાબ આપે, ‘ખીર તમનેયે ખરી ને તમારા કૂતરાને ય ખરી.’ જો કોઈ ખીરની વાત ભૂલી જાય તો હું એને ધમકાવતો –‘તમારી વાત તો કહેતા જાઓ છો, ને મારી વાત તો ભૂલી જવાની, એમ ને? માળા, કંજૂસ!’ બધા લોકો એકબીજા તરફ આંખ મારતા ને હસતા. આ રીતે મારી પાસે કંઈ નહીં તોયે હજાર ખીરની થાળીઓનાં વચન પડેલાં છે. આખી જિન્દગી સુધી ખાઉં તો ય ખૂટે તેમ નથી. અને હવે તો રાજકીય વારસાનો રિવાજ પડ્યો છે એટલે મારા પછી મારા છોકરાંને ખીર ખાવાનો હક રહેવાનો. આ ખીરવાળા મારા સાથી ખેડૂતો જ મને મત આપીને પાર્લામેન્ટમાં મોકલે છે.

જમીનોનું કામ પૂરું થયું એટલે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો આવ્યો, એમાં જેલની સજા થઈ. એકાદ વરસ પછી છુટ્યો કે પાછો જેલમાં ગયો. આ અમારો છેલ્લો જેલવાસ હતો. બે વરસ પછી પાછો ફર્યો ત્યારે ‘રેન બસેરા’માં ભાડૂતો રહેતા હતા. માત્ર મોટરનું ગૅરેજ અને ઘાસ ભરવાની ઓરડી ખાલી હતી. આવડું મોટું ઘર અને હું તો એકલો! સામાન ઘાસમાં મુકાવી હું આમથી તેમ ફરવા લાગ્યો. મન જ્યારે વર્તમાનને ભૂલીને ભૂતકાળના કોઈ પ્રસંગમાં અથવા ભવિષ્યનાં કોઈ સ્વપ્ન કે કલ્પનામાં ડૂબી જાય છે, ત્યારે આ શરીર પણ મનની આજ્ઞા લીધા વગર શાસનમુક્ત થઈને જૂના સ્વભાવ ને ટેવ અનુસાર કામ કરવા માંડે છે.

સામે કાંટાળા તારની વાડ હતી. તેમાં થઈને હું પેલી પાર પહોંચ્યો. અંદર ફૂલવાડી બનાવી હતી. એક બાજું જંગલી ગુલાબનું ઝૂંડ હતું ત્યાં પહોંચ્યો. એના પર નાનાં નાનાં ગુલાબો ભરચક ખીલ્યાં હતાં. ફૂલોની વેરાયેલી પાંખડીઓ એમની અનાથ અવસ્થા જણાવતી હતી. એમાંથી એક ફૂલ તોડીને મેં સુઘ્યું તો શર્મદાના અંબોડાની મહેક આવી ગઈ. જ્યારે શર્મદા યુ.પી. ઍસેમ્બલીની મૅમ્બર હતી ત્યારે તેણે આ ગુલાબની કલમ ગવર્નરની મડમ પાસથી આણી હતી. કહેવાય છે કે એ ગુલાબને વિલાયતના કોઈ પ્રદર્શનમાં ઈનામ મળ્યું હતું. અસલમાં આ શર્મદાએ વાવેલો છોડ હતો. એ વધ્યો તેમ તેમ અમે પતિપત્ની એની નવી કૂંપળો, પાંદડાં અને કળીઓ જોયા કરતાં હતાં. શર્મદા એનાં ફૂલો પોતાના અંબોડામાં નાખતી હતી. મારા પગને આ તરફ આવવાની ટેવ પડેલી તે અહીં લઈ આવ્યા. એક ફૂલ સુંઘતાં જ એવું લાગ્યું કે આ ફૂલમાં કોઈનો આત્મા વસેલો છે. અને એકદમ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. હું લાગલો જ ઉર્દૂનો શેર બોલી ગયો. એનો અર્થ મારા સિવાય બીજો કોઈ સમજી શકવાનો નથી.

અપને ચમનમેં ઘુમતા હું, મિસ્લે અજનબી,
હૈ શાખો-શજર સબ વહીં; પર આશયાં નહીં.

દુનિયામાં ધીરજ પણ એક એવી ચીજ છે, જેનો સહારો લઈને સંસારમાં જેમને દુઃખ પડ્યાં હોય તે બધાં એમનાં દુખી દિલને દિલાસો આપે છે. આમ તો આંસુઓથી જીવની જ્વાળા હોલવાતી નથી; છતાંયે જરાક ઠંડક તો મળે છે. એ વખતે જે જે વાતોથી બીજાનું દિલ દુભવ્યું હોય તે તે યાદ આવે છે. પણ પંખી ઊડી ગયા પછી પશ્ચાત્તાપ કર્યો તોયે શું! મરેલાં પાછાં આવી શકે એ સંભવિત હોત તો દુનિયાનો રંગ જ જુદો હોત.

પત્નીવાળાઓને મારી સલાહ છે કે : જે કરવું હોય તે કરે; પણ રાતે પત્ની દૂધનો પ્યાલો આપે તો એને પથ્થર પર પછાડશો નહીં. એમ ન કહેશો કે તેં નથી પીધું તો હું પણ નહીં પીઉં. જો વળી પત્ની મરી ગઈ તો એના દિલનો ડાઘ પેલા પ્યાલા પર મૂકતી જશે. એ પ્યાલાને પછી નથી ફેંકી દેવાતો કે નથી એમાં દૂધ પીવાતું મારા બધા જ પ્યાલાંઓ ઉપર એવી મહોબતના ડાઘ છે.

હું બહારની ઓરડીમાં રહેવા લાગ્યો. એમાં સૂવા માટે એક ખાટલો, એમાં જ મારી ઑફિસનું ટેબલ, એમાં જ રેડિયો અને એમાં જ ચાનાં વાસણ. અહીં જ કલેક્ટર ને કમિશ્નર ને ગ્રામનિવાસીઓ આવતા હતા અને ખાટલા પર બેસી વાતો કરતા.

એક દિવસ દેહરાદૂનથી વીસેક ગાઉ દૂર ઢકરાની ગામના બે મુસલમાનો મારી ઓરડી તરફ આવતા હતા. સામે ચક પડ્યો હતો તે જોઈને અટકી ગયા. મેં અંદરથી એમને ઓળખી લીધા અને મોટેથી કહ્યું, ‘‘આવો મખમુલ્લા, અંદર ચાલ્યા આવો.’’ એમણે એકબીજા તરફ જોયું ને જરી વારમાં મખમુલ્લાની આંખમાંથી આંસુની ધારા ઢળતી ઢળતી દાઢીમાંથી ચુવા લાગી. મને થયું કે એમને ઘરે કશીક દુઃખદ ઘટના ઘટી હોવી જોઈએ. જેમને કોઈ કષ્ટ આવી પડતું તે મારે ઘરે આવી મન હળવું કરી લેતા. મખમુલ્લાને રોતા જોઈ ચકનો પડદો ઊઠાવી હું બહાર આવ્યો અને એમના ખભે હાથ મૂકી મેં પ્રેમથી પૂછ્યું, ‘કહો શી વાત છે? ઘરે બધા ખુશીમઝામાં છે?’ આંસુ લૂછી એણે જરા હસીને કહ્યું, ‘કોઈ ખાસ વાત નથી. તેં મારું નામ લઈને મને બોલાવ્યો તેથી મને રડવું આવી ગયું.’ અંદર આવી મખમુલ્લા અને તેના ભાઈ બન્ને પગ સાફ કરી ખાટલા ઉપર બેઠા. હું સામે ખુરસી ઉપર બેઠો હતો. મેજ ઉપર વીસ કે પચીસ રૂપિયા મૂકી મખમુલ્લાએ કહ્યું, ‘જેલમાંથી છૂટીને તું આવ્યો છે, કોણ જાણે તારી પાસે ખાવાનું ય હશે કે નહીં.’ જમીનની આકારણી થઈ તે દિવસોમાં ખેડૂતો વિવિધ પ્રકારની ચીજો મને ભેટ આપતા હતા. એક વખત ગામના એક માણસે નશો કરેલો, તેની ગંધ મને આઘેથી આવતી હતી. એણે ભરી સભામાં કાચા દારૂનો શીશો મારા હાથમાં ઠસાવી દીધો અને કહ્યું, ‘ગાંધી માર્કાની છે. થોડી થોડી પીજે.’ મેં મખમુલ્લાના રૂપિયા રાખી લીધા અને પૂછ્યું, ‘ઘરે બધા મઝામાં છે?’ એણે કહ્યું, ‘ખુદાની મહેર છે. બધા મોજ કરે છે અને તને દુઆ દે છે. આકારણી થઈ ત્યારે તેં મહેસૂલ ઓછું કરાવી આપ્યું હતું. તું તો જેલમાં જતો રહ્યો. એ પછી પરવર દિગારની એવી બરકત થઈ કે બસ પૂછો જ નહીં. એક તરફ જર્મન લોકોની લડાઈ શરૂ થઈ અને બાસમતીના ભાવ પિસ્તાળીસ રૂપિયા સુધી ચડી ગયા. મજૂરોએ મજૂરીનો રોજનો સવા રૂપિયો કરી દીધો. બસ, મેં, મારા છોકરા, છોકરાની વહુઓ અને છોકરીઓના જમાઈઓ એ બધાંને કામમાં જોડી દીધાં. ખેતરોમાં બાસમતી ચોખા રોપી દીધા. એક જ ફસલમાં મારું કરજ પણ ઊતરી ગયું અને બે ભેંસ પણ ખરીદી લાવ્યો. બેચાર દિવસ તો બળી ખાધી. પછી જ્યારે દૂધ ફાટવાનું બંધ થયું ત્યારે છોકરાની વહુએ ખીર બનાવી. થાળીમાંથી બે કોળિયા ખાધા હશે ને અચાનક મને તું સાંભર્યો. યા અલ્લા ! જેણે ખીર ખવરાવી તે તો જેલમાં પડ્યો છે અને તું ખીર ખાય છે? બસ, ત્રીજો કોળિયો મોંમાં ના પેઠો. તે દી’ની ઘડી ને આજનો દી’ – ત્રણ વરસ થઈ ગયાં. તારા ખેદમાં મારે ઘેર ખીર નથી બની. હવે તું ચાલ, મારી ખીર શરૂ કરાવી દે.’

મખમુલ્લાની વાત યાદ કરીને મને આજે પણ એમ લાગે છે કે જનસેવાનું આથી ઊંચું પ્રમાણપત્ર મને આજ સુધી મળ્યું નથી ને હવે પછી મળશે પણ નહીં. ખરો ‘ગાંધી માર્કો’ તો આ હતો. એના નશાના અમે બંધાણી હતા. હવે તો મોસમ બદલાઈ ગઈ છે. સેવા અને શાસન બન્ને નશા એક સાથે નથી કરી શકાતા. જો સેવા મુખ્ય હોય તો શાસન પણ સારી રીતે  ચાલે; પણ જ્યારે શાસન ઊંચે અને સેવા નીચે – એવું થઈ જાય છે ત્યારે દેશની સલામતી નથી. આ ચોપડી છપાય તે પહેલાં મારા મિત્ર મખમુલ્લાનો ફોટો લેવા હું ઢકરાની ગયો હતો. પણ તેમનો તો દેહાંત થઈ ગયો હતો. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

•••••••••

અને છેલ્લે …

પં. મોતીલાલ નેહરુને પોતાને હાથે શાકભાજી બનાવવાનો ને કડક ચા તૈયાર કરવાનો ભારે શોખ હતો. સને 1921ની વાત છે. લખનૌ જેલની દિવાની બૅરેકમાં અમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમનાં શાકભાજી હું સુધારી આપતો હતો. એક વાર એમણે બટાકાની સૂકી ભાજી બનાવી હતી. હું કોઈ બીજી બૅરેકમાં ગપ્પાં હાંકવા ચાલ્યો ગયો હતો. પાછા આવીને મેં પૂછ્યું, ‘ભાજી ઠંડી પડી ગઈ છે, ભાઈજી, તમે કેમ ખાધી નહીં?’ એમણે કહ્યું, ‘કેવા ઉમંગથી બનાવ્યું છે! પણ તું જતો રહ્યો તડાકા હાંકવા. હું શું એકલો એકલો ખાઉં?’ સુખની ખરી મઝા તો સહિયારી રીતે માણવામાં છે. આ જ નિયમ દુઃખને પણ લાગુ પડે છે. હસવા માટે કોઈ સાથીદારની જરૂર પડે છે; તેમ રડવાનું પણ પોતાના ગણાય એવા માણસોની વચમાં હોય તો જ ફાવે.

આજકાલ સંસાર વ્યાપારપ્રિય થતો જાય છે. આથી પ્રેમ પણ એક ધંધાદારી વસ્તુ બની ગઈ છે. બધું જોઈ વિચારીને જ પ્રેમ કરવામાં આવે છે; અને ઘીમાં લોકો જેમ ડાલ્ડા ભેળવે છે તેમ પ્રેમમાં ખુશામત ભેળવે છે. પોતે તો કોઈના પર પ્રેમ કરતા નથી; છતાં બીજા એમના પર આશક થઈ જાય એમ ઈચ્છે છે.

‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તિકાની લેખકે લખેલી ‘પ્રસ્તાવના’ના અંશો ..

લખાયા તારીખ 31-12-1962; ‘રૈનબસેરા’ – દેહરાદુન

લેખકના ‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તક (પ્રકાશક–‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’, ભદ્ર, અમદાવાદ–380 001 ચોથી આવૃત્તિ – 2001 પૃષ્ઠસંખ્યા –1 32 મૂલ્ય – રૂપિયા વીસ)ના પાન ક્રમાંક 62થી 71 પરથી–થોડું ટૂંકાવીને સાભાર.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પાંચમું – અંકઃ 181 –December 20, 2009

Loading

દેશનું સુકાન ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 December 2020

વિચિત્ર લાગે એવું છે, પણ ઘણાં અનિષ્ટોનું મૂળ ચૂંટણી છે. હવે લોકશાહીમાં તો ચૂંટણી અનિવાર્ય ગણાય, ત્યાં અનિષ્ટ કેવી રીતે એ પ્રશ્ન થાય. ચૂંટણી પોતે અનિવાર્ય, પણ એને નામે જે ચાલે છે એમાં સાધનશુદ્ધિના પ્રશ્નો છે. દરેક પક્ષ પાસે પોતાનું ભંડોળ છે, દરેક ઉમેદવાર પોતાની આવક ઉમેદવારી કરતી વખતે જણાવે છે, ચૂંટણી કમિશનરની નિમણૂક થાય છે, આચારસંહિતા લાગુ થાય છે, છતાં ચૂંટણી શુદ્ધ અને સાત્ત્વિક રીતે થતી નથી તે હકીકત છે. ચૂંટણી પ્રચારમાં, એક પક્ષમાંથી બીજા પક્ષમાં ખેંચવા માટે જે રીતે કરોડો રૂપિયા ખર્ચાય છે, એક ઉમેદવાર એકથી વધુ જગ્યા પરથી ચૂંટણી લડી પેટા ચૂંટણીની જે તકો ઊભી કરે છે ને એવી તો એટલી કરામતોમાં કરોડો ખર્ચાય છે કે એ કોઈ સાધારણ પક્ષ કે સભ્યના હાથની વાત જ ન રહે, છતાં એક યા બીજાં કામો માટે રાજકીય તત્ત્વોને અબજો રૂપિયા આવી જ મળે છે. કોઈ સત્તાધીશને નાણાંની ખોટ ક્યારે ય પડી નથી. ક્યાંથી આવે છે આ પૈસા? કોણ આપે છે? કઈ શરતે આપે છે? બદલામાં શું આશા રાખે છે આવા મદદનીશો?

બીજી બધી રીતે મદદ આવે જ છે, પણ મોટાં ફંડ રાજકારણીઓ માટે ઉદ્યોગપતિઓ ફાળવે છે. એ મદદ ન મળે તો દેશની ચૂંટણી સસ્તી થઈ જાય. સૌથી વધુ સંપત્તિ ઉદ્યોગપતિઓ ધરાવે છે ને એ લોકો સત્તાધીશોને કામમાં આવીને પોતાનું કામ યુક્તિથી કઢાવતા હોય છે. ગુજરાતમાં તેલિયા રાજાઓ એ રીતે “રાજા” થયા હતા, પણ એને બચ્ચું કહેવડાવે એવા વિરાટ ઉદ્યોગપતિઓ અત્યારે દેશમાં છે ને એમના જોરે રાજકારણીઓ કૂદે છે. અત્યારે ઉદ્યોગપતિઓ અનેક ક્ષેત્રોમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. આ વર્ચસ્વ રાજકારણીઓને લીધે શક્ય બને છે. મોંઘવારી ઘણે અંશે આ ઉદ્યોગપતિઓને આભારી છે. અનેક કોન્ટ્રાક્ટો મેળવીને, ચીજ વસ્તુઓના ભાવો વધારતા જઈને ઉદ્યોગપતિઓ મનમાની કરતા આવ્યા છે. આવી તકો ખરેખર તો રાજકીય સત્તાધીશો પૂરી પાડે છે. એ પૂરી પાડે જ, કારણ એમના જીવ પર તો ચૂંટણી જેવા મોટા કાર્યક્રમો પાર પડતા હોય છે.

શોપિંગ મોલ્સનો જમાનો ઉદ્યોગપતિઓ દ્વારા આ દેશમાં આવ્યો. એમાં સસ્તું તો બહુ ન થયું, પણ એણે નાના વેપારીઓને ખતમ કરવાનું કામ તો કર્યું જ ! શોપિંગ મોલ્સમાં અનાજ ને શાકભાજીઓ આવી ને તેણે સીધું ખેડૂતો પાસેથી મેળવવાનું શરૂ કર્યું. એનો લાભ થોડા વખત પૂરતો ગ્રાહકોને થયો, પછી એને ય વાસી અને મોંઘું જ મળવા માંડયું. એમાં તકલીફો ઉત્પાદકોને થઈ. કોર્પોરેટ્સે ઉત્પાદકો પાસેથી સસ્તામાં પડાવીને ગ્રાહકોને મોંઘું વેચવાનું ને મોટો નફો રળવાનું શરૂ કર્યું. એમાં જ્યાં વચેટિયાઓ હતા એમણે વધારે શોષણ મૂળ ઉત્પાદકોનું કર્યું, પણ નફો તો ઉદ્યોગપતિઓએ કર્યો જ !

આ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ વધારવા જ કદાચ સરકારે ગયા સપ્ટેમ્બરમાં ત્રણ કૃષિ કાનૂનો અમલમાં મૂક્યા હોવાનું ખેડૂતોનું માનવું છે, ને એ જ મુદ્દે ખેડૂતો દિલ્હી પહોંચીને સરકારનો પંદરેક દિવસથી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ ભારત બંધનું એલાન આઠમી ડિસેમ્બરે આપ્યું, પણ એની જોઈએ એવી અસર ન પડી. છ, છ મીટિંગો થવા છતાં નવમી તારીખની મીટિંગમાં પણ સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું નથી. ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવાની ધમકી આપી છે, તો સરકારે પણ કાયદાઓ નાબૂદ નહીં જ થાય એવો હુંકાર ભર્યો છે. સરકારે સાતેક મુદ્દે સુધારાઓ કરવાની ખાતરી આપી છે, પણ ખેડૂતોને એટલાથી સંતોષ નથી. તેમણે તો આ કાયદાઓ જ રદ્દ કરવાની માંગણી ચાલુ રાખી છે. આમાં થશે એવું કે સરકાર મચક નહીં આપે. તે ખેડૂતોને થકવશે ને છેલ્લે વાત સમાધાન પર આવીને અટકશે.

સરકાર ગાઈ વગાડીને કહે છે કે ત્રણે કાયદાઓ ખેડૂતોનું હિત વિચારીને કરવામાં આવ્યા છે. માની લઈએ કે સરકાર સાચી છે. એને એટલું જ પૂછવાનું થાય કે જેને માટે કાયદા કરવામાં આવ્યા એમને વિશ્વાસમાં લેવામાં કયું અહિત થતું હતું? જો આ કાયદા શુદ્ધ બુદ્ધિથી જ ઘડવામાં આવ્યા હતા તો તેને સંસદમાં ને રાજ્યસભામાં ચર્ચા વગર પસાર કરાવી દેવાની ઉતાવળ કેમ આવી? કયાં દબાણ હેઠળ સરકારે આ ઉતાવળ કરી?

ખેડૂતોને મુખ્ય ભય બે છે. એક તો એ કે સરકાર મંડી – એ.પી.એમ.સી. ખતમ કરીને કોર્પોરેટ્સનું વર્ચસ્વ વધારી રહી છે ને બીજો ભય કોન્ટ્રાક્ટ ખેતીના કાયદામાં પોતે માલિક મટીને મજૂર થઈ રહે એ છે. સરકાર કહે છે કે મંડી ખતમ નહીં થાય. ખેડૂત મંડીમાં કે ખુલ્લાં બજારમાં જ્યાં પણ ખેતીનું ઉત્પન્ન વેચવા માંગે છે ત્યાં તે વેચી શકશે. સરકાર કહે છે કે ખેડૂત કોઈ પણ રાજ્યમાં પોતાની પેદાશ વેચી શકશે. આ બકવાસ છે. ખેડૂતો નજીકના વિસ્તારમાં પેદાશ વેચતા જ ખપી જતો હોય ત્યાં આસામવાળો અમદાવાદ ઉત્પન્ન વેચવા લાંબો થવાનો હતો ? આ વાત વ્યવહારુ નથી.

એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા રકમ વધારે મળતી હતી, પણ તે રોકડમાં મળતી ન હતી. જ્યારે બહાર વેચવામાં ભાવ ઓછા મળતા હતા, પણ રોકડ હાથમાં આવતી હતી. એને કારણે નાનો ખેડૂત તો બહાર વેચીને જ રોકડી કરી ખોટ ખાઈ લેતો હતો. એક વાત સ્પષ્ટ છે કે એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા હતા ને ભાવોનું રક્ષણ થતું હતું, એ શક્યતા બહાર ઉત્પન્ન વેચવા જતાં રહેતી ન હતી, એટલે બહાર તો વધારે ભાવ મળે એ શક્યતા નહિવત હતી. આ સ્થિતિમાં બહાર ઉત્પન્ન વેચવાનું ખેડૂતને રોકડ મળવા સિવાય કયું આકર્ષણ રહે એ સમજાતું નથી. એ ખરું કે મંડીમાં પણ ખેડૂતનું તો શોષણ જ થતું હતું ને જે ભાવ પડે એટલામાં ખેડૂતે મન મારીને રહેવાનુ હતું. એ શોષણ બહાર વેચવામાં ન હતું, પણ અહીં તેને ઓછો ભાવ મળે એ શક્યતા વધારે હતી. ખરેખર તો સરકારે મંડીની વ્યવસ્થા ને નીતિરીતિમાં સુધાર કરવાની જરૂર છે. સરકાર એટલું તો કરી જ શકે કે મંડીના ભાવ કરતાં ઓછી કિંમતે, બહાર, ખેડૂતનું ઉત્પન્ન નહીં જ ખરીદી શકાય. એટલું થશે તો પણ બહાર ખેડૂતોનું શોષણ થતું અટકશે.

સરકારે ખરી સગવડ તો સંગ્રહખોરીને ઉત્તેજન આપવાની કરી છે. સંગ્રહખોરીની કોઈ મર્યાદા ન હોવાને લીધે કોર્પોરેટ્સ બહારથી ગમે તે ભાવે ઉત્પન્ન ખરીદે ને કૃત્રિમ અછત ઊભી કરી, પછી મોંઘાભાવે એ જ વસ્તુ વેચીને વધુ નફો કરી શકે. આ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આમ થાય તો ખેડૂતને તો નુકસાન છે જ, પણ મોંઘા ભાવે વસ્તુ ખરીદવી પડતી હોવાને કારણે ગ્રાહકને પણ છે.

એ તપાસ કરવા જેવી છે કે સ્ટોરેજ ને શીતાગારો માટેની જમીન કોણે ખરીદી છે ને તેનો કયા હેતુ માટે ઉપયોગ થાય છે? કોર્પોરેટ્સ આ જ કામ કરે છે. તે સસ્તા ભાવે અનાજ ખરીદે છે ને અમર્યાદ સંગ્રહખોરી દ્વારા મોંઘા ભાવે વસ્તુ બજારોમાં મૂકે છે. એક ઉદ્યોગપતિએ દેશના જુદા જુદા ગામોમાં હજાર હજાર એકરમાં ફેલાયેલ નવેક હજાર સ્ટોરેજ ઊભા કરવાનું પ્લાનિંગ કર્યું છે ને એવા તો બીજા પણ હશે. આ બધું પહેલાં થાય છે ને કૃષિ કાનૂન પછી આવે છે. આ સ્ટોરેજ દાંડિયારાસ રમવા તો પ્લાન ન જ થાય ને ખૂબી જુઓ કે આ વ્યવસ્થાનો સરકાર પણ ખુશી ખુશી હાથો બને છે. તે બને જ, કારણ તેણે આ લોકોને પૈસે ભ્રષ્ટ કારભારો ચાલુ રાખીને સત્તામાં રહેવાનું છે. આમાં કોઈ એક પક્ષ કે સરકારને દોષ દેવાથી ચાલે એમ નથી, કારણ, તક મળી ત્યારે કોઈ જ આમાંથી બાકાત રહ્યું નથી. સીધી વાત તો એ છે કે ખેડૂતોને નામે કાયદા થયા છે ને એટલી કાળજી રખાઈ છે કે લાભ ઉદ્યોગપતિઓને થાય. ઉદ્યોગપતિઓ ફંડ આપે છે તે કૈં દયાદાન કે દક્ષિણામાં આપતા નથી. એ પણ વખત આવ્યે પોતાની શરતે, અનેકગણું વસૂલીને ધંધો કરે જ છે ને એ હકીકત છે કે સરકારને ખટાવનાર કોઈ ઉદ્યોગપતિએ આજ સુધી માથે હાથ દેવાનો વારો આવ્યો નથી.

માથે હાથ દેવા તો જનતા જનાર્દન છે જ ને !

ખરેખર તો વાત ખેડૂતોને સરકાર વચ્ચેની છે. એમાં વિપક્ષો ખેડૂતોને પક્ષે ઊભા રહી જાય છે ને તેમનું ભલું કરવાને નામે પોતાનો પ્રચાર પણ ચાલુ કરી દે છે. વિપક્ષમાં એટલી તાકાત જ નથી કે તે પોતાનું પણ ભલું કરી શકે. એટલી તાકાત હોત તો એ સરકારમાં હોત ! નબળા વિપક્ષોને કારણે આંદોલન નિષ્ફળ જાય તેનો અર્થ સરકાર એવો કરે છે કે જનતા ખેડૂતની સાથે નથી. આ બરાબર નથી. જનતા વિપક્ષની સાથે નથી એનો અર્થ એવો ન થાય કે તે ખેડૂતની સાથે પણ નથી. જો આંદોલન રાજકીય પક્ષોનો હાથો ન હોય તો જનતા ખેડૂતની સાથે મોડી વહેલી પણ જોડાઈ શકે અને ત્યારે સરકારની મુશ્કેલીઓ વધે એમ બને. અત્યારે સરકાર એમ માનીને ચાલે છે કે ખેડૂતોનું આંદોલન એક બે રાજ્યોના ખેડૂતનું જ આંદોલન છે. એવું નથી. આમાં થોડા ખેડૂતોનો જ વિરોધ છે એવું નથી. મોંઘવારી ને સંગ્રહખોરી સામાન્ય માણસને પણ પીડે છે એ અર્થમાં એ સામાન્ય જનતાનો પ્રશ્ન પણ છે જ ! સરકાર સામાન્ય માણસ સંદર્ભે પણ ખેડૂતોના વિરોધને જુએ ને ખેડૂતો પણ રાજકીય પક્ષોના હાથા બન્યા વગર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની રીતે સરકાર સાથે વાટાઘાટ કરે એ જરૂરી છે. કોઈ પણ પક્ષે કોઈ પણ સમસ્યાને અહમ્‌નો પ્રશ્ન બનાવવાનો આ સમય નથી. આ દેશ કોરોનાને કારણે ઘણા જીવ ખોઈ ચૂક્યો છે એ સ્થિતિમાં એ જરા ય ઇચ્છનીય નથી કે ખેડૂત આંદોલન સંપત્તિ કે મનુષ્યોનો ભોગ લે-

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 11 ડિસેમ્બર 2020

Loading

...102030...2,2332,2342,2352,236...2,2402,2502,260...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved