Opinion Magazine
Number of visits: 9965316
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટેક્સાસની તેજસ્વી ધારા:

દેવિકા રાહુલ ધ્રુવ|Diaspora - Language|26 November 2020

ઇન્ટરનેટના માધ્યમને કારણે અને કમ્પ્યુટરમાં ગુજરાતી લિપિમાં લખવાનું સુલભ થવાને લીધે, વિશ્વભરમાં ગુજરાતી ભાષાનું લેખન અને વાંચન વ્યાપક બન્યું છે, ખરું. પરંતુ એક તરફ સરેરાશ ૬૦ ઉપરની ઉંમરના લોકો ખરી ખોટી સમજને આધારે કાચી-પાકી રચનાઓ ગોઠવીને આહ અને વાહની તાળીઓ મેળવી રહ્યાં છે, અને એનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો બીજી બાજુ  યુવાનવર્ગ પોતાના વ્યવસાય અને બાળકોનાં ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં એક-બે પેઢી પછીના, અહીં જન્મેલાં ગુજરાતી બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન કે જાણકારી કેવી રીતે મળી શકે એવો સવાલ જરૂર થાય.

અહીં બહુ સરળતાથી ફ્રેંચ,સ્પેનિશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકાય છે, બાળકો શીખે પણ છે. તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું એક સરસ કામ અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી બે સાવ નાની ગુજરાતી બાળાઓ (વય ૫ અને ૯!) દ્વારા થઈ રહ્યું છે, તે અંગે મેં વિગતવાર લેખ લખ્યો છે જે અહીં સાદર છે.

ગુજરાતી ભાષા તરફનો ભાવ, લગાવ અને આવી કાર્યનિષ્ઠા સાચે જ સરાહનીય છે.

— દેવિકા રાહુલ ધ્રુવ; હ્યુસ્ટન


હ્યુસ્ટન, ટેક્સાસની બે તેજસ્વી ધારાઃ સ્વરા અને આજ્ઞા મોણપરા:

“Gujarati Fun with Swara and Agna”ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….  “નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા; આઇ એમ આજ્ઞા.”ના  મીઠા સંવાદથી ચાલુ થતો વીડિયો અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે આજ્ઞા KGમાં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતાં ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છે. તેમના વીડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતા-પિતાની મદદ વિના પણ માત્ર વીડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતા, વાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “ક”થી લઇને “ઝ” સુધીના મૂળાક્ષરોના વીડિયો આવરી લેવાયા છે. આગળના અક્ષરો માટેના વીડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલુ જ છે. આ આખીયે વાત રસપ્રદ તો છે જ પણ ખૂબ ખૂબ મહત્ત્વની છે, પ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છે. આના અનુસંધાન માટે તેના ઘરનાં વાતાવરણ અને માતા-પિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડ’ના સંશોધક વિશાલ મોણપરા. માતા નયનાબહેન માઈક્રોબાયોલોજીનાં અનુસ્નાતક છે અને હાલ યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ક્લિનીકલ લેબોરેટરી સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

એ વાત તો સૌને વિદિત છે જ કે, ૨૦૦૪-૨૦૦૫ના સમયગાળા સુધી નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખૂબ જ પ્રચલિત હતાં. જેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા જ નોન-યુનિકોડમાં હતાં. પરંતુ તેમાં કેટલીક તકલીફો હતી. ૨૦૦૫માં હ્યુસ્ટન-સ્થિત વિશાલ મોણપરાએ “ગુજલીશ”માં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ કર્યાને માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ એ સાથે જ ગુજરાતીમાં ટાઇપ થાય એ માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું, અને ૫ જાન્યુઆરી ૨૦૦૬માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યું. ગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી, ત્યારે તેમના આ ‘પ્રમુખ ટાઇપ પેડે’ લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગ, ગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ એ આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈ પણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખવી શકાય તેવું કામ ચાલુ કર્યુ છે. તેઓ કહે છે કે, “આ કાર્યનાં બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયાં હતાં. આ સમયે સ્વરા ચાર વર્ષની હતી. તેનાં મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કો, બારાખડી અને શબ્દો વાંચતાં શીખવાડી દીધાં હતાં. આ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો.”

સ્વરા તેના વીડિયો ટ્યુટોરીઅલમાં કહે છે કે, “Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતાં જોતાં સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યું, તેમાંથી ગુજરાતી શિખવા-શિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો તેણે એક સવારે રાત્રિનાં એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો.

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી, ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા, ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતાં શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશાં ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.
વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે, “૨૦૨૦ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કૂલ અને નોકરી હોવાને કારણે પરિવારનાં સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વીડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યે આ પડકાર ઝીલી લીધો.”
સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વીડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વીડિયોમાં આવરી લેવા માટેની એનિમેશનની ટેકનિક તૈયાર કરી રાખે છે. સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે, કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વીડિયોનું રેકોર્ડીંગ થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વીડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાનાં નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વીડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વીડિયો રૅકોર્ડ થયા બાદ, વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.
ત્રણથી ચાર મિનિટના વીડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતાં બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતાં, કે બોલતાં ન આવડતું હોય તેનાં કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતાં નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વીડિયો હાલમાં ઉપલબ્ધ છે, તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય, જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઊડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વીડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી, બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાનાં માતા-પિતાની મદદ વિના પણ માત્ર વીડિયોના આધારે જ ગુજરાતી વાંચતાં અને લખતાં શીખી જાય છે.

કક્કામાં બાળકોને પા-પા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્નાં સ્વરા અને આજ્ઞાએ સેવેલાં છે. આ સ્વપ્નાંને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. છતાં અહીં જન્મેલાં ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનિશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું આ એક સરસ કામ અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનું સ્વપ્ન આ www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીનાં શિક્ષણને આવરી લેવાનું છે. તેમનાં માતાપિતા ફુલ ટાઈમ જોબ, અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે જ ખૂબ સરાહનીય છે.

અતિ નમ્ર, મીતભાષી અને માત્ર ૩૮ વર્ષના આ યુવાન વિશાલ મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
આ રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?


ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?


બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,


નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

વિશાલ, તેમનાં પત્ની અને બંને પુત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા આ પરિવારને સલામ. સ્વરા અને આજ્ઞાને અઢળક શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

નવેમ્બર 23, 2020

લેખક સંપર્કઃ  ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ vishal_monpara@yahoo.com

Loading

તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|26 November 2020

હૈયાને દરબાર –

તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?
પાછું વળી ન આવવું કેવું હતું? કેવું હતું?

ક્ષિતિજ લગી પીછો કરી પાછી વળી ખાલી નજર
એ આંખનું બુઝાવવું કેવું હતું? કેવું હતું?

ટુકડા હજાર લાખ થઈ વીખરાઈ ગઈ’તી સાંજ એક
રાતે બધું એ સાંધવું કેવું હતું? કેવું હતું?

ઢગલો બની ઘટનાસ્થળે બેસી ગયું’તું મન પછી
ઊભું કરી સમજાવવું કેવું હતું? કેવું હતું?

આખો ય ભવ જ્યાં આથમ્યો એ પીઠનું પાછું મને
ઘુવડ સમું એ તાકવું કેવું હતું? કેવું હતું?

•   કવયિત્રી : રાધિકા પટેલ    •   સંગીતકાર-ગાયક : રવિન નાયક

વડોદરાના સરસ મજાના પેન્ટહાઉસમાં સંગીતની અંગત મહેફિલ ચાલી રહી છે. ઘર છે સંગીતકાર-ગાયક રવિન નાયકનું. રવિનભાઈ એક ગઝલ છેડે છે;

તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?
પાછું વળી ન આવવું કેવું હતું? કેવું હતું?

અમદાવાદ સ્થિત કવયિત્રી રાધિકા પટેલની આ ગઝલ રંગ જમાવી રહી હતી. જીવનમાંથી કોઈ વ્યક્તિ વિદાય લે એ ઘટના જ હૃદયદ્રાવક છે. ઘણી વાર એમ પણ બને કે વિરહની વેદના દ્વારા જ પ્રેમનો અહેસાસ થાય છે. કવયિત્રી આ ગઝલમાં કહે છે કે તારું જવું એ કેવું હતું એ મને હજુ સુધી સમજાયું નથી. આખી ઘટના જ મારે માટે રહસ્યમય છે. આગળની પંક્તિઓમાં રાધિકાબહેન મન બેસી પડ્યું એમ કહે છે. પોતે ઢગલો થઈ ગઈ એમ નથી કહેતાં. સંબંધોમાં સતત સહવાસ એ જ પ્રેમની નિશાની નથી. તમને ગમતી વ્યક્તિ પછી એ મિત્ર, સખી, સંબંધી, પ્રેમિકા કે પત્ની કોઇપણ હોય તેની હાજરીમાત્રથી મન આનંદમાં રહે છે, પરંતુ કોઈ કારણસર એ વ્યક્તિ જીવનમાંથી જાય ત્યારે ખાલીપો સર્જાય છે. ગઝલનો મિજાજ જાળવીને આ રિક્તતા રવિન નાયકના સ્વરાંકનમાં સહજ નિપજી આવી છે.

રવિન નાયક ગુજરાતી સુગમ સંગીતનું જાણીતું નામ છે. સંસ્કાર નગરી વડોદરામાં એ રહે છે પણ મૂળ નવસારી બાજુના અનાવિલ. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર. સંગીત એ પેશન હોવાથી ૧૯૭૭થી ગુજરાતી સંગીત સાથે સંકળાયેલા છે. વડોદરાના ક્લાસિક ગરબાઓ શરૂ કરવાનો યશ રવિન નાયક તથા ઉત્તમ તબલાવાદક સ્વ. વિક્રમ પાટીલને જાય છે. રવિન નાયકને ગુરુ તરીકે પરેશ ભટ્ટ જેવા સંગીતકાર મળ્યા, પરંતુ એમણે શીખવાની શરૂઆત કરી એ પછી એક જ વર્ષમાં પરેશ ભટ્ટનું અવસાન થતાં રવિનભાઈએ પરેશ-સ્મૃતિને નામે દર વર્ષે એક કાર્યક્રમ કરવાનો નિર્ધાર કર્યો. ૩૮ વર્ષથી આ સિલસિલો જારી છે, જેમાં નવોદિતથી લઈને જાણીતા કલાકારો ભાગ લે છે.

રવિન નાયક કહે છે, "પરેશ ભટ્ટને સ્મૃતિમાં કાયમ રાખવા એ ઉદ્દેશ તો હતો જ, પરંતુ મૂળ ઉદ્દેશ સુંદર ગુજરાતી કાવ્યોને સ્વરબદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો હતો. પહેલાં બે-ચાર વર્ષ અમે પરેશભાઈનાં જ ગીતો ગાયાં, પરંતુ પછી થયું કે પરેશ ભટ્ટની ઇચ્છા મુજબ નવાં ગીતો સંગીતચાહકોને પીરસવાં એ જ મુખ્ય હેતુ હોઈ શકે. આરંભમાં તો મારી ભાષાકીય સજ્જતા ઓછી હતી. તમને ખબર છેને અનાવિલોની ભાષા કેવી હોય! સુગમ સંગીતમાં ભાષાશુદ્ધિનું સૌથી વધુ મહત્ત્વ છે. એ બાબતે પૂરો સભાન હોવાથી જે કોઈ સાહિત્યકારના સંપર્કમાં હું હતો એ બધા પાસે ભાષાશુદ્ધિના પાઠ ભણ્યો. સાહિત્યકારો શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, નીતિન મહેતા સાથે રહીને ભાષાપ્રેમ વિકસ્યો અને એમની પાસેથી ઘણું શીખ્યો એટલે અત્યારે હું આટલું સ્પષ્ટ અને શુદ્ધ ગાઈ શકું છું. ભાષાશુદ્ધિ ન હોય તો ભાવનો સંદર્ભ પ્રગટે જ નહીં. કવિએ કવિતા લખતી વખતે એનો પોતાનો રંગ આપી જ દીધો હોય છે. સંગીતકારે એને સૂરથી શણગારવાની હોય છે. કવિના સ્ટ્રક્ચર પર અમે સંગીતકારો આર્કિટેક્ચરનું કામ કરીએ છીએ. કેટલીક વાર એવું બને કે કવિતા નબળી હોય પણ સંગીતકાર એને સરસ રીતે શણગારે તો એ લોકપ્રિય બને છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને હું ગુરુ માનું છું. એમની પાસે હું એ શીખ્યો કે નબળું તો નહીં જ ગાવાનું, પરંતુ નબળી કવિતા ય પસંદ નહીં કરવાની. પહેલાં મેં ગરબા ક્ષેત્રે ઘણી નામના મેળવી, પરંતુ હવે સંગીત ક્ષેત્રે ઘણા પ્રયોગો કર્યા છે જેમાં ક્વોયર મ્યુઝિક જેને આપણે સમૂહગાન કહીએ છીએ, એ મને ખૂબ ગમે છે. અઘરું છે છતાં મેં કેટલાં ય ગીતો માત્ર કોરસ માટે તૈયાર કર્યાં છે. એનું આગવું સૌંદર્ય છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અપાવાનો હતો. ત્યારે મેં એમનાં બે-ત્રણ ગીતો કર્યાં હતાં. એમાંનું એક, ‘સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા, મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં…!’ મેં ત્યાં ગાયું. ત્યાર પછી સાગર તીરેની હાર્મની-મેલડીનું સંયોજન કરી લગભગ પચાસ ગાયક કલાકારોને લઈને ક્વોયર સોંગ તરીકે રજૂ કર્યું. પરેશ-સ્મૃતિ ૧૯૮૩થી કરીએ છીએ. પરેશ ભટ્ટની ૧૪ જુલાઈએ આવતી પુણ્યતિથિની આસપાસ એ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં દર્શકો માટે કોઈ ટિકિટ નથી હોતી કે નથી હોતા અમારી પાસે કોઈ સ્પોન્સરર. માત્ર સર્જનાત્મક સંગીત અને નવાં ગીતો લોકો સુધી પહોંચાડવાનો જ ઉપક્રમ. યુટ્યુબ પર ‘પરેશ સ્મૃતિ યાત્રા’ને નામે અમે કેટલાંક ગીતો-ભજનો મૂક્યાં છે. રમેશ પારેખ મને ખૂબ ગમતા કવિ છે. એમનાં ઘણાં ગીતો મેં કમ્પોઝ કર્યાં છે. એક ગીત ‘એક ફેરા હું નદીએ નાવા ગઈ …’ માત્ર બહેનો પાસે કોરસ સિંગિંગમાં ગવડાવ્યું હતું. બહેનોએ સુંદર રજૂ કર્યું હતું.

નવોદિત કવિઓની સરસ રચના સ્વરબદ્ધ કરવાનું હું એટલે પસંદ કરું કે નવાં ગીતો લોકો સુધી પહોંચે. કવિ મારી પહોંચમાં હોય તો સ્વરબદ્ધ કરતાં પહેલાં એમની સાથે ચર્ચા પણ કરી લઉં. અમદાવાદનાં રાધિકા પટેલની મેં એક-બે ગઝલો કમ્પોઝ કરી છે.

વૈશ્વિક મહામારીને લીધે માર્ચમાં લોકડાઉન શરૂ થયું એ પહેલાં જનતા કર્ફ્યુ હતો. લોકોને હજુ આખી ઘટના સમજાતી નહોતી, પરંતુ સમગ્ર વિશ્વમાં એક ખૌફ ઊભો થયો હતો. આ અજ્ઞાત ભયના સંદર્ભમાં રાધિકાએ એક ગઝલ મને મોકલી;

સમય આ વીતી જજો, દિશાઓ બધી છે અદિશ,
ધરી દો મને હાથ ઈશ, વલય આ વીતી જજો

પ્રસંગને અનુરૂપ હતી એટલે તરત કમ્પોઝ કરી દીધી. પછી ખબર પડી કે આ ગઝલ એમણે બે વર્ષ પહેલાં લખી હતી. પહેલી બે પંક્તિઓ જ વર્તમાન સ્થિતિને અનુરૂપ હતી. પછીની પંક્તિઓ કવિની અંગત અનુભૂતિનો નિચોડ હતો. મને મઝા એ આવી કે સમયને સંગીતમાં કઈ રીતે બતાવાય! સમય અવિરત છે, પ્રલંબ છે એ સંગીત દ્વારા બતાવવાનો કીમિયો મને હાથ લાગી ગયો એટલે મજા આવી, પરંતુ એમની અન્ય ગઝલ મને વધારે ગમે છે જેના શબ્દો છે ‘તારું જવું શું કહું…!’ સરસ અભિવ્યક્તિ છે. રાધિકા મૂળ ભાવનગરનાં. એમણે પણ મારી જેમ એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ સાહિત્યપ્રેમી હોવાથી નીવડેલી કવિતાઓ લખે છે.

‘તારું જવું…’ ગઝલ વિશે રાધિકા પટેલ કહે છે, "આ ગઝલમાં સ્વાભાવિકપણે વિરહભાવ વ્યક્ત થયો છે. એકાદ ઘટના ક્યારેક મન પર ઊંડા ઘા મૂકી જાય છે ત્યારે કવિને કાવ્ય કે ગઝલ સ્ફૂરે છે. આ ગઝલ લખ્યા પછી ય લાગણી અધૂરી લાગતાં મેં એના અનુસંધાનમાં બીજી એક ગઝલ ‘ગમન’ લખી તેમ જ એક અછાંદસ ‘અંતિમ ઈંટ’ લખ્યું હતું. મને ગીતો અને ગદ્યની વધારે ફાવટ છે. ગઝલમાં મીટર સાચવીને સચોટ અભિવ્યક્તિ કરવી અઘરી લાગે, પરંતુ લખાય ત્યારે છંદમાં લખાય છે.

રાધિકા પટેલ નવેક વર્ષથી લખે છે. એમની નવલકથા તથા લઘુનવલ પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. રવિન નાયકે દેશ-વિદેશમાં કાર્યક્રમો કર્યા છે તેમ જ એવોર્ડ્સ પણ મેળવેલા છે. એમના કોરસગાનમાં ક્યાંક રવીન્દ્ર સંગીતની છાંટ જોવા મળે છે.

મુંબઈના શ્રોતાઓને મહદંશે મુંબઈના કલાકારોને જ સાંભળવાની તક મળે છે, પરંતુ ગુજરાતના અનેક કલાકારો સુગમ સંગીતને પોતપોતાની આગવી રીતે રજૂ કરી રહ્યા છે. સુગમ સંગીત સંમેલનો થાય તો ઘણી નવી રચનાઓ લોકહૃદય સુધી પહોંચી શકે. હવે આ મહામારી જાય તો કલાકારોની સર્જનશક્તિ ફરીથી ખીલે અને માનવંતા શ્રોતાઓને પ્રત્યક્ષ મળવાનો અવસર આવે. ત્યાં સુધી ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતી ગીતો માણતાં રહેજો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 નવેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660106

Loading

કેન્દ્ર રાજ્ય સંબંધો : વિવાદ, સંઘર્ષ અને જંગ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 November 2020

બંધારણના અનુચ્છેદ ૧ મુજબ, ભારત દેશ રાજ્યોનો સંઘ છે. સંવિધાન નિર્માતાઓએ જે પ્રકારનું સમવાય માળખું ઘડ્યું છે, તેમાં મજબૂત કેન્દ્ર અને સ્વાયત્ત રાજ્યોની કલ્પના તો કરી છે પરંતુ કેન્દ્રાભિમુખ પૂર્વગ્રહો સાથે તેને રાજ્યોના સંઘનો જામો પહેરાવ્યો હોઈ કેન્દ્ર-રાજ્ય વચ્ચે ટકરામણો ચાલ્યા કરે છે. હવે તે વિવાદ કે સંઘર્ષ મટી જંગનું સ્વરૂપ લેશે કે શું તેવી ધાસ્તી પણ પેદા થાય છે.

બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની ધારાકીય, નાણાકીય અને વહીવટી સત્તાઓ અને જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન અંકિત થયેલું છે. સાતમી અનુસૂચિની  સંઘ યાદીના ૯૭ વિષયો પર કેન્દ્ર, રાજ્ય યાદીના ૬૬ વિષયો પર રાજ્ય અને સમવર્તી યાદીના ૪૭ વિષયો પર કેન્દ્ર અને રાજ્યો બંને કાયદા ઘડી શકે તેવી મૂળ જોગવાઈ છે. બંધારણના વિવિધ સુધારાઓથી આ યાદીમાં ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યોની મુખ્ય ફરિયાદ તેમની ધારાકીય સત્તાઓમાં કેન્દ્રના અતિક્રમણની છે. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી રાજ્ય યાદીના પાંચ વિષયોને સમવર્તી યાદીમાં મુકવામાં આવતાં રાજ્ય યાદીના ૬૬ વિષયો ઘટીને ૬૧ થયા છે અને સમવર્તી યાદીના વિષયો વધીને ૫૨ થયાં છે. આ ઉપરાંત પણ કેન્દ્રની દખલ ચાલુ રહે છે.

ગયા વરસે સંસદે મંજૂર કરેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટા ભાગના વિપક્ષી રાજ્યોની વિધાનસભાઓએ પ્રસ્તાવ પસાર કર્યા હતા. ભા.જ.પા. સમર્થિત ગણાતા પક્ષોની ઓડિશા, તમિલનાડુ , અને તેલગંણાની વિધાનસભાઓએ તો ઠીક, ભા.જ,.પા. જ્યાં સત્તામાં ભાગીદાર હતી તે બિહારની નીતિશકુમાર સરકારે પણ એન.આર.સી. પોતાના રાજ્યમાં લાગુ ન પાડવાનો ઠરાવ કર્યો હતો. કેન્દ્રના તાજેતરના ત્રણ કૃષિ કાનૂનોનો પોતે અમલ નહીં કરે તેવી સ્પષ્ટતા સાથે પંજાબ સહિત કૉન્ગ્રેસી રાજ્ય સરકારોએ કેન્દ્રના કાયદાથી અલગ કાયદા ઘડ્યા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા, સી.બી.આઈ., રાજ્ય સરકારની પૂર્વમંજૂરી વિના રાજ્યમાં તપાસ કરી શકશે નહીં તેવો નિર્ણય મહારાષ્ટ્ર, બંગાળ, કેરળ, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાન સરકારોએ કર્યો છે. તેના પર દેશની સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી છે.

બંધારણના અનુચ્છેદ ૧૩૧માં કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ વચ્ચેનો વિવાદ ઉકેલવાની સત્તા દેશની સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. તે અન્વયે કેરળ સરકારે નાગરિકતા સંશોધન કાયદાને અને છત્તીસગઢ સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એકટમાં ૨૦૧૮માં થયેલા સુધારાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યા છે. કેરળ અને છત્તીસગઢ સરકારોએ કેન્દ્રના કાયદાને પડકારવાનું જે અંતિમ પગલું લીધું છે તે કેન્દ્ર-રાજ્ય સંબંધો ભવિષ્યમાં કેવું ગંભીર સ્વરૂપ લેશે તે દર્શાવે છે.

આઝાદી પછીના બે દાયકા સુધી દેશમાં કૉન્ગ્રેસનું એકચક્રી શાસન હતું. એક પક્ષ પ્રભાવની સરકારો રાજ્યમાં અને કેન્દ્રમાં હતી. તેથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સુમેળથી શાસન ચાલતું હતું. ૧૯૬૭માં પ્રથમવાર રાજ્યોમાં બિનકૉન્ગ્રેસી સરકારો અસ્તિત્વમાં આવતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા. જો કેન્દ્રમાં ગઠબંધનની કે પાતળી બહુમતીની સરકાર હોય, તો રાજ્યો મજબૂત હોય છે. પરંતુ જો કેન્દ્રમાં ભારે બહુમતીથી ચૂંટાયેલી મજબૂત સરકાર સત્તામાં આવે છે તો રાજ્યો નબળા પડે છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં બી.જે.પી.ની સરકાર રચાઈ તે સમયે દેશના મોટા ભાગના રાજ્યોમાં પણ બી.જે.પી.ની સરકારો હતી. તેથી મજબૂત કેન્દ્ર સરકાર વિપક્ષી રાજ્ય સરકારોને કશા લેખામાં જ લેતી નહોતી. ૨૦૧૭માં કેટલાક રાજ્યોની સરકારો બી.જે.પી.એ ગુમાવતા અને વિપક્ષી સરકારો રચાતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ટકરામણો વધી છે.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોમાં જે વિવાદ કે ખટાશ જોવા મળે છે, તેના કારણોમાં વિપક્ષી રાજ્ય સરકારો પ્રત્યે કેન્દ્રનું ઓરમાયું વર્તન, બજેટ અને અન્ય નાણાં ફાળવણીમાં ભેદભાવ, રાજ્યોનો અસમાન વિકાસ, રાજ્યપાલોની કેન્દ્રના ખંડિયા રાજાઓ જેવી ભૂમિકા, નીતિ નિર્ધારણમાં અન્યાય, ,કેન્દ્રનું પક્ષીય અને પૂર્વગ્રહિત વલણ, રાજ્યના કાયદાઓને મંજૂરીમાં વિલંબ, કેન્દ્રીય તપાસ સંસ્થાઓનો રાજ્ય વિરુદ્ધ દુરુપયોગ, રાજ્ય સૂચિના વિષયો પર કેન્દ્રનું અતિક્રમણ  મુખ્ય છે.

૨૦૧૭થી એક દેશ એક કરનો કાયદો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જી.એસ.ટી.) અમલમાં આવ્યો છે. તેને કારણે રાજ્યોની વેરાની આવક ખૂબ જ ઘટી ગઈ છે. જી.એસ.ટી. કમ્પેનસેશન ટુ સ્ટેટસ એકટ ૨૦૧૭માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જી.એસ.ટી.ને કારણે રાજ્યોને કરની આવકમાં જે ખોટ જશે તે પાંચ વરસ સુધી કેન્દ્ર ભરપાઈ કરી આપશે. પહેલાં આર્થિક મંદી અને હવે કોરોના મહામારીના બહાને કેન્દ્ર સરકાર રાજ્યોને તેમાં ય ખાસ તો વિપક્ષશાસિત રાજ્યોને જી.એસ.ટી.ની ખોટ ચૂકવતી નથી. પંજાબ જેવા નાનકડા રાજ્યના પણ કેન્દ્ર પાસે ૪,૪૦૦ કરોડ લહેણા છે. આ વરસે કેન્દ્રે જી.એસ.ટી. વળતર રૂપે રાજ્યોને ૯૭,૦૦૦ કરોડ ચૂકવ્યા નથી. હવે કેન્દ્રીય નાણા મંત્રી જી.એસ.ટી. વળતરની રકમ માટે રાજ્યોને બેંકો પાસેથી લોન લેવા જણાવે છે. જે કરની આવક થાય છે તેનો ૫૮ ટકા હિસ્સો કેન્દ્રના ફાળે જાય છે અને ૪૨ ટકા હિસ્સો રાજ્યને મળે છે, પરંતુ ખર્ચમાં રાજ્યોનો હિસ્સો ૬૦ ટકા છે અને કેન્દ્રનો ૪૦ ટકા જ છે એટલે કેન્દ્ર વધુ આવક મેળવી ઓછો ખર્ચ કરવા છતાં રાજ્યને તેના હકનાં નાણાં ફાળવતું નથી. વિપક્ષ-શાસિત રાજ્યોને કેન્દ્રના બજેટમાંથી  બહુ ઓછી ફાળવણી થાય છે અને જે ફાળવણી થાય છે તે પણ ભારે વિલંબ પછી ચૂકવાય છે.

૨૦૧૪માં સત્તાનશીન થયા ત્યારે પ્રધાન મંત્રીએ કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા ‘ટીમ ઈન્ડિયા’ બનવા આહ્વાન કર્યું હતું. પરંતુ તેમના તરફથી જ તેને ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. હાલની મજબૂત કેન્દ્ર સરકાર વધુ કેન્દ્રીકૃત અને એકાધિકારવાદી સત્તા ભોગવે છે અને રાજ્યોને માથે વધુ જવાબદારી થોપી ઓછી નાણાં ફાળવણી કરે છે. કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને નાણાં ફાળવણી સીધા તેમના બેન્ક ખાતામાં કરવાનો બાહ્ય ઉદ્દેશ તો વહીવટી ખર્ચ ઘટાડવાનો અને ભ્રષ્ટાચાર મિટાવવનો ગણાવાય છે. પરંતુ વાસ્તવમાં તે રાજ્યોના અધિકાર પર તરાપ છે. એકતરફ વિપક્ષી રાજ્ય સરકારો કેન્દ્રની યોજનાઓનો અમલ કરતી નથી તેવી ફરિયાદો કરવી અને બીજી તરફ રાજ્ય સરકારોને બાજુ પર હડસેલી કેન્દ્રીય યોજનાઓને બારોબાર અમલ અને વહીવટ કરવો તે રાજ્યોને અન્યાય કરનારું અને સહકારી સંઘવાદને છેહ દેનારું પગલું છે.

જી.એસ.ટી. કાઉન્સિલમાં કેન્દ્રને ૧/૩ અને રાજ્યોને ૨/૩ વોટિંગનો અધિકાર છે.  જી.એસ.ટી. કાઉન્સિલમાં સર્વસંમતિથી લેવાતા નિર્ણયો હવે બહુમતીથી લેવાય છે. વિપક્ષની રાજ્ય સરકારોની ફરિયાદોનો વાજબી ઉકેલ લાવવાને બદલે બહુમતીથી નિર્ણયો લઈને સમવાય માળખાને નુકસાન કરાઈ રહ્યું છે. જો વિપક્ષી રાજ્ય સરકારો બહુમતીમાં હશે તો કેન્દ્ર માટે નિર્ણયો કરવામાં વધારે મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. કેન્દ્ર-રાજ્યો વચ્ચેના જે વિવાદ આર્થિક કારણોથી છે તે રાજકીય બનશે તો દેશનું ફેડરલ સ્ટ્રકચર જાળવી રાખવું અઘરું બની જશે. કેન્દ્રના કૂષિ કાનૂનોનો વિરોધ પંજાબના ખેડૂતો રેલવે ટ્રેક પર બેસીને કરી રહ્યા છે, એટલે પેસેન્જર જ નહીં ગુડ્સ ટ્રેનો પણ પંજાબ જતી નથી. તેને કારણે પંજાબમાં આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત ઊભી થઈ છે. પંજાબના મુખ્ય મંત્રીની ટ્રેનોની સલામતીની ખાતરી છતાં કેન્દ્ર સરકાર પંજાબમાં માલગાડીઓ ચાલુ કરવા ન માંગે તે યોગ્ય નથી. એજ રીતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાર્યકરોની હિંસાના કારણે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં કોલકાતાના બી.જે.પી. કાર્યાલયની સુરક્ષાની જવાબદારી સી.આર.પી.એફ.ને સોંપવાનું પગલું પણ રાજ્યની સત્તા પર અતિક્રમણ છે. આ કારણોથી સંબંધો વધુ વણસી શકે છે.

બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિથી રાજ્યનું રક્ષણ કરવાના કેન્દ્રના કર્તવ્ય અંગેની જોગવાઈ ધરાવતા બંધારણના અનુચ્છેદ ૩૫૫ અને રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જતાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાની જોગવાઈ ધરાવતા બંધારણના અનુચ્છેદ ૩૫૬નું મન માન્યું અર્થઘટન કરીને તેનો દુરુપયોગ થતો હોવાની વ્યાપક છાપ છે. ૧૯૪૭થી ૧૯૭૭ સુધીમાં રાજ્યોમાં ૪૪ વખત, ૧૯૭૭થી ૧૯૯૧ દરમિયાન ૫૯ વખત અને ૧૯૯૧થી ૨૦૧૬ દરમિયાન ૩૨ વખત રાજ્યોમાં રાષ્ટ્રપતિનું એટલે કે કેન્દ્રનું શાસન લાદવામાં આવ્યું છે. આ બાબતમાં કેન્દ્રના સઘળા રાજકીય પક્ષો એક સરખા જવાબદાર છે. સરકારિયા કમિશનની ભલામણો અને એસ.આર. બોમાઈ કેસના ચુકાદા છતાં રાજ્ય સરકારોને અસ્થિર કરવાનું અને તક મળેથી રાજ્ય સરકારને ઘરભેગી કરવાનું કેન્દ્ર સરકારનું વલણ પણ કેન્દ્ર-રાજ્ય વિવાદનું કારણ છે. ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં પક્ષપલટા અને ધારાસભ્યોના ખરીદ-વેચાણથી સત્તા મેળવવામાં આવી છે. તેને કારણે પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો બગડ્યા છે.

કેન્દ્ર રાજ્ય સંબંધોમાં શક્તિ સંતુલન માટે ભલામણો કરવા ૧૯૮૩માં રચાયેલા જસ્ટિસ રણજિતસિંહ સરકારિયાના અધ્યક્ષપણા હેઠળના પંચે ૧૯૮૮માં તેનો અહેવાલ આપ્યો હતો. સરકારિયા કમિશનની અનેક મહત્ત્વની ભ્લામણોમાંની એક ભલામણ, રાજ્યો રાજ્યો વચ્ચેના અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદાસ્પદ મુદ્દાઓના ઉકેલ માટે આંતરરાજ્ય પરિષદની રચનાની હતી. સરકારે આ ભલામણ સ્વીકારીને ૧૯૯૦થી કાયમી ધોરણે આંતર રાજ્ય પરિષદની રચના કરી છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તેની માત્ર ૧૧ જ બેઠકો મળી છે. આંતર રાજ્ય પરિષદની દસમી બેઠક ૨૦૦૬માં અને અગિયારમી બેઠક દસ વરસો પછી ૨૦૧૬માં મળી હતી. સરકારિયા કમિશનના રિપોર્ટ પછી ૨૦૦૭માં કેન્દ્ર રાજ્ય સંબંધો અંગે ભલામણો કરવા જસ્ટિસ મદન મોહન પૂંછી આયોગની રચના થઈ હતી. આયોગે તેનો અહેવાલ ૨૦૧૦માં કેન્દ્ર સરકારને આપ્યો હતો. તેના છ વરસો પછી, આંતર રાજ્ય પરિષદની ૨૦૧૬માં મળેલી બેઠકમાં, આ અહેવાલ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. પૂંછી આયોગની ભલામણોના સ્વીકાર અને અમલ અંગેની સરકારની આ વિલંબનીતિ  જ કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગે સરકાર કેટલી ગંભીર છે તે દર્શાવે છે.

કોવિડ-૧૯ મહામારીના વર્તમાન સમયમાં કેન્દ્રના સર્વસત્તાધીશ વલણે વિપક્ષી રાજ્ય સરકારો સાથેના સંબંધો વધુ વણસ્યા છે. કૉન્ગ્રેસ અધ્યક્ષાએ બોલાવેલી વિપક્ષી રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ, ‘લડના હૈ યા ડરના હૈ પહલે યે તય કરો’નો જે લલકાર સાથી મુખ્યમંત્રીઓને કર્યો હતો તેના પરથી રાજ્યોનો ગુસ્સો સમજાય છે. મહામારીને કેન્દ્રે વણજાહેર કટોકટીમાં ફેરવી દીધી છે અને રાજ્યોને સાવ ખંડિયા બનાવી મુક્યા છે. લૉક ડાઉનની ઘોષણા, સ્થળાંતરિત કામદારોનો સવાલ અને આર્થિક પેકેજ જેવા મુદ્દે રાજ્યોને વિશ્વાસમાં લીધા સિવાય નિર્ણયો થોપવામાં આવ્યા છે. કોરોના અંગેના કેન્દ્રના રોજેરોજના આદેશો રાજ્યોએ માથે ચડાવવા પડ્યા છે. ટેસ્ટિંગ, માસ્ક, કન્ટેનમેન્ટ, માઈક્રો કન્ટેનમેન્ટ, ગ્રીન, ઓરેન્જ ,રેડ ઝોન. જાહેર કરવાની પણ રાજ્યોને સત્તા નહોતી. છત્તીસગઢની કૉન્ગ્રેસી સરકારને રાજધાની રાયપુરને ઓછા પોઝિટિવ કેસો છતાં રેડ ઝોનમાંથી બહાર કઢાવવા સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે અદાલતી ખટલા ઊભા થયા, ત્યારે કેન્દ્રે અમારું કામ તો રાજ્યોને માર્ગદર્શન આપવાનું હતું આરોગ્ય તો રાજ્યનો વિષય છે તેમ કહી હાથ ખંખેરી કાઢી રાજ્યો પર જવાબદારી ઢોળી દીધી હતી. મહામારીના સમયે ટીમ ઈન્ડિયા બની કેન્દ્ર અને રાજ્યોએ કામ કરવાનું હતું, ત્યારે રાજ્યોને મહામારીને બદલે કેન્દ્રના એકાધિકાર સામે લડવાનું આવ્યું.

કેન્દ્ર રાજ્ય સંબંધો તાળા કૂંચી જેવા છે. પણ  રાજ્યો પર જવાબદારીનો બોજ નાંખી સત્તાની ચાવી કેન્દ્ર પોતાની પાસે રાખે છે. આ સ્થિતિ રહેશે તો સંવિધાન નિર્માતાઓનું રાજ્યોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા સાથેની મજબૂત કેન્દ્ર સરકાર સ્વપ્નવત્‌ હશે.

(તા.૨૫-૧૧-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,1932,1942,1952,196...2,2002,2102,220...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved