Opinion Magazine
Number of visits: 10,226,790
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ સ્વરાજની કલ્પના બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજની હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|24 January 2021

૧૮૫૭ના વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવવામાં આવે છે, એ અસત્ય કથન છે. એ સમયે સ્વતંત્રતાની માગણી કોઈએ કરી નહોતી અને એવી કોઈ કલ્પના પણ નહોતી. જો એમ હોત તો બળવાખોર ભારતીય સિપાઈઓ દિલ્હી જવાની જગ્યાએ કલકત્તા ગયા હોત, જ્યાં કંપની સરકારની રાજધાની હતી. સિપાઈઓને તો એ વાતની પણ જાણ નહોતી કે જેને તેઓ શેહેનશાહ એ હિન્દ તરીકે માનતા હતા અને જેની મદદ લેવા દિલ્હી ગયા હતા એ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર કંપની સરકારના પેન્શન ઉપર જીવતો હતો અને બિચારો કંપની બહાદુરને અરજ કરતો હતો કે ખર્ચા નીકળતા નથી માટે પેન્શનની રકમ વધારી આપવામાં આવે. રાજા રામમોહન રોય બહાદુર શાહ ઝફરની અરજી લઈને લંડન ગયા હતા. સિપાઈઓની લડત તેમના પોતાના પ્રશ્ને હતી અને તેને ભારતની આઝાદી સાથે કોઈ નિસ્બત નહોતી. એ લડત પણ લશ્કરી છાવણીઓ પૂરતી ઉત્તર ભારતમાં સીમિત હતી.

દરેક પ્રજા પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ લખતી હોય છે અને એ રીતે આ ખાસ રીતે લખવામાં આવેલો ઇતિહાસ (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) છે. હકીકત તો એ છે કે આખી ૧૯મી સદીમાં કોઈએ ભારતની આઝાદીની માગણી કરી નહોતી. એવી આઝાદી જેવી આજે આપણે ભોગવીએ છીએ અને કલ્પના કરીએ છીએ. કૉન્ગ્રેસે નહોતી કરી, કૉન્ગ્રેસના કોઈ નેતાએ નહોતી કરી, મુસલમાનો, શીખો કે કોઈ બીજાએ નહોતી કરી. કૉન્ગ્રેસમાંના જહાલ નેતાઓએ નહોતી કરી અને હકીકત તો એ છે કે કોઈ ક્રાંતિકારીએ પણ નહોતી કરી. લોકમાન્ય તિલકે જ્યારે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’, ત્યારે સ્વરાજનો અર્થ આપણે જે આઝાદી ભોગવીએ છીએ અને સમજીએ છીએ એવો નહોતો થતો.

૧૮૫૭ના વિદ્રોહને પરિણામે ભારત કંપની સરકારના તાબામાંથી સીધું અંગ્રેજ સરકારના તાબામાં ગયું અને એ પછી ભારતમાં જાહેરજીવનનો પ્રારંભ થયો ત્યારથી લઈને ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો, ત્યાં સુધી આપણે જે આઝાદી ભોગવીએ છીએ એવી આઝાદીની માગણી નહોતી કરવામાં આવી. જે માગણી કરવામાં આવતી હતી એ ડોમિનિય સ્ટેટસની માગણી કરવામાં આવતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ કર્યો હોવા છતાં બીજી ગોળમેજ પરિષદમાં કૉન્ગ્રેસના પ્રતિનિધિ ગાંધીજીએ આઝાદીની માગણી નહોતી કરી. હા, ગાંધીજી બ્રિટિશ સરકારને વખતોવખત યાદ અપાવતા હતા કે તેમનું લક્ષ પૂર્ણ સ્વરાજ છે. બીજી ગોળમેજ પરિષદમાં આખી ચર્ચા એ વાતની આસપાસ ચાલી હતી કે બ્રિટિશ સરકાર ભારતની પ્રજાને કેટલા અધિકારો આપવાની છે, કેટલી સત્તા આપવાની છે અને ભારતની પ્રજા આપસમાં એને કઈ રીતે એ વહેંચવાની અને ભોગવવાની છે. આખી ચર્ચા કેટલો ભાગ મળવાનો છે અને ભોગવટાની વહેંચણીની આસપાસ ચાલી હતી. ગાંધીજી સહિત કોઈ કહેતા કોઈએ તેમાં આઝાદીની માગણી નહોતી કરી.

શા માટે? તેઓ ડરતા હતા? તેઓ ઓછા દેશપ્રેમી હતા? બુદ્ધુ હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? શા માટે ભારતના લગભગ તમામ નેતાઓ ડોમિનિયન સ્ટેટસની માગણી કરતા હતા અને ચોખ્ખી આઝાદીની માગણી નહોતા કરતા?

આનું કારણ હતું ભારતની જટિલ વાસ્તવિકતા છે. આવડો મોટો દેશ અને પચરંગી પ્રજા. આટલી વિવિધતા જગતનો કયો દેશ ધરાવે છે! વિવિધ પ્રજા વચ્ચે એકતા પણ હતી અને અંતર પણ હતું. ક્વચિત દુશ્મની પણ હતી અને અશ્રદ્ધા પણ હતી. એમાં પાછી પ્રજા ગરીબ અને અશિક્ષિત. મધ્યકાલીન સામંતશાહી યુગમાંથી સીધી ગુલામ બની હતી. પશ્ચિમની આધુનિકતાની, પ્રજાની સત્તાકીય ભાગીદારીની, આધુનિક વહીવટીતંત્રની સમજ તો ભારતની પ્રજાને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક શિક્ષણ પામેલી પેઢી અસ્તિત્વમાં આવી એ પછી થઈ હતી અને એ સમજ સાર્વત્રિક થવાને હજુ વાર હતી. આ પ્રજા આજે આપણે જેવી આઝાદી ભોગવીએ છીએ એ ભોગવવાની સ્થિતિમાં નહોતી. માટે ઉત્તરોત્તર સત્તા મળતી જાય, પ્રજા સતામાં ભાગીદારી માટે સજ્જ થતી જાય, ભારતની વિવિધ પ્રજા આપસમાં ભોગવટાની સમજૂતી કરતી જાય એ ઉત્તમ માર્ગ હતો. આ સિવાય ગરીબ, શોષિત અને આપસમાં વહેંચાયેલી પ્રજા લડીને આઝાદી મેળવી શકે એમ પણ નહોતી.

૧૯૨૯નો પૂર્ણ સ્વરાજનો ઠરાવ હોવા છતાં ૧૯૩૧માં ગોળમેજ પરિષદમાં આઝાદીની જગ્યાએ ડોમિનિયન સ્ટેટસ કે એની નજીકની સત્તાની માગણી કરવામાં આવી એનું કારણ જરૂરી પ્રજાકીય તૈયારી હતું. ભારતના લોકોને આધુનિક રાજ્ય અને વહીવટીતંત્રનો અનુભવ મળવો જોઈએ. એ પછી ૧૯૩૫માં એક કાયદો બન્યો જેના દ્વારા ૧૯૩૭માં ભારતના તમામ અંગ્રેજ પ્રાંતોમાં ચૂંટણી યોજાઈ અને સરકારો રચાઈ. સરકાર રચવા સામે કૉન્ગ્રેસમાં સમાજવાદીઓનો વિરોધ હોવા છતાં ગાંધીજીએ સરકાર રચવાની દરખાસ્તનું સ્વાગત કર્યું હતું, એનું કારણ કમશઃ સત્તામાં ભાગીદારી વધારતા જઈને સજ્જ થવાનું હતું. ૧૯૩૭-૧૯૩૯ના શાસનના અનુભવે ધ્યાનમાં આવ્યું કે ભારતની પ્રજા પુખ્ત મતદાનવાળા સાર્વત્રિક લોકતંત્ર સાથે શાસન કરી શકે એમ છે. એવું શાસન જે કેન્દ્રીય પણ હોય અને સમવાય પણ હોય.

હવે કલ્પના કરો કે ૧૮૫૭નો વિદ્રોહ ખરેખર આઝાદી માટેનો હોત, આસેતુહિમાલય એવો સાર્વત્રિક હોત અને પરાજીત અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હોત તો ભારત આજ જેવો આઝાદ દેશ હોત ખરો? પહેલી વાત તો એ કે એવું બન્યું નહોતું અને બનવાનું નહોતું એનું કારણ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પના જ ત્યારે વિકસી નહોતી એટલે વિદ્રોહ નિષ્ફળ નીવડ્યો હતો. બીજી વાત એ કે એ છતાં પણ જો ભારતને ત્યારે આઝાદી મળી હોત તો એ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પનાના અભાવમાં ટકી શકી ન હોત.

ભારતના લગભગ તમામ જવાબદાર નેતાઓ ભારતની આ વાસ્તવિકતા જાણતા હતા. માટે લોકમાન્ય તિલક જેવા જહાલોમાં જહાલ નેતાએ પણ સંપૂર્ણ આઝાદીની માગણી નહોતી કરી અને તેમણે સશસ્ત્ર ક્રાંતિને પણ પ્રોત્સાહિત નહોતી કરી. તેમને બન્ને વાતની જાણ હતી કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ વ્યવહારુ નથી અને ભારતની પ્રજા હજુ સંપૂર્ણ સ્વરાજને લાયક નથી. જહાલો જહાલ હતા પણ મર્યાદિત અર્થમાં. તેઓ સત્તામાં ભાગીદારી મેળવવા માટે ઉતાવળા હતા અને અંગ્રેજોનું નાક દબાવવામાં માનતા હતા. 

પણ કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતાં જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 જાન્યુઆરી 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—80

દીપક મહેતા|Opinion - Opinion|23 January 2021

જ્યારે મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઈટ નહોતી!

મઝગાંવનો એક બંગલો ગેસ-લાઈટની રોશનીથી ઝળાંહળાં થઈ ગયો

અરદેશર શેઠના હાથ નીચે એક સો અંગ્રેજ એન્જિનિયર કામ કરતા!

‘સાંકડી શેરી. તેની બંને બાજુ મકાનોની હાર. મકાનો જાણે એકબીજાના ખભા પર ઢળી પડ્યાં હોય એવાં. ચાંદી જેવી ચમકતી ચાંદની પહેલાં એ મકાનોનાં છાપરાં પર પડતી હતી, ત્યાંથી ઢળીને કોતરણીવાળી લાકડાની બારીઓને આરસની બનાવી દેતી હતી. ત્યાંથી લપસીને ઘરના વરંડામાં રેલાતી હતી. મકાનના ગરીબડા છાપરાને, કમાનોને, ભીંતોને, ઉબડખાબડ ફર્શને ચાંદનીનો સ્પર્શ રળિયાત કરતો હતો, અને પછી ખાડા-ખડિયાવાળા રસ્તા પર શીતળ અજવાળાના જળના ખાબોચિયાની જેમ ઠરતી હતી. દુકાનો બધી બંધ હતી, અને અંધારાનો કામળો ઓઢીને ઊંઘતી હતી. પણ કોઈક કોઈક દુકાનની બહાર આવેલા કાળા પથ્થરના ઓટલાને ચાંદની અજવાળતી હતી. આછા અજવાળામાં એક બાજુ ભાંગેલો બાંકડો, તો બીજી બાજુ બંધ બારણું, તો વળી ક્યાંક ચક્રાકાર પગથિયાં જાણે કહી રહ્યાં હતાં : અમે પણ અહીં છીએ હોં! અને રસ્તાની ધાર પર, બંને બાજુ આખું શરીર – મોઢું સુધ્ધાં – ચાદરમાં લપેટીને માણસો હારબંધ સૂતા હતા, જાણે ઈજિપ્તથી આણેલાં મમીને લાઈનબંધ ગોઠવ્યાં ન હોય! ઉનાળાના અસહ્ય બફારામાં ઘરની અંદર સૂવું મુશ્કેલ, એટલે ઘણાખરા પુરુષો આ રીતે રસ્તા પર જ સૂતા.’

ચાંદની રાતે સૂતેલું મુંબઈ

કહી શકશો, આ વર્ણન કયા ગામડાનું હશે? ના, જી. આ કોઈ ગામડાનું નહિ, મુંબઈ શહેરનું વર્ણન છે. સર ફ્રેડરિક ટ્રીવ્સ [Sir Frederick Treves] નામના વિશ્વપ્રવાસી ડોક્ટરના પુસ્તક ‘ધ અધર સાઈડ ઓફ ધ લેન્ટર્ન’માં તેમણે મુંબઈની મુલાકાત વિષે લખ્યું છે તેમાં આ વર્ણન કર્યું છે. એક વાત તરફ ધ્યાન ગયું? મુંબઈના રસ્તાનું વર્ણન છે, ચાંદનીની વાત છે, પણ ક્યાં ય સ્ટ્રીટ લાઈટનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ચાંદનીમાં નહાતી સડકનું તેમણે જે વર્ણન કર્યું છે તે સ્ટ્રીટ લાઈટ હોય તો શક્ય જ નથી. આજે તો વરસને વચલે દિવસે બે-ચાર કલાક માટે વીજળી ગુલ થઈ જાય તો હોહા થઈ જાય છે, અને તે માટે જવાબદાર કોણ એની ચર્ચા દિવસો સુધી ચાલે છે. પણ એક વખત એવો હતો કે મુંબઈ જેવા મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઈટ નહોતી! એટલે તો એ વખતે લગન હોય કે સભા, ભાષણ કે બીજો કોઈ કાર્યક્રમ હોય, એ બપોરે ત્રણ-ચાર વાગે શરૂ થઈ છ વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો. જેથી લોકો અંધારું થતાં પહેલાં ઘરે પહોંચી શકે. ૧૮૬૫ પહેલાં મુંબઈમાં અડીખમ કિલ્લો ઊભો હતો. એના ત્રણ દરવાજા – એપોલો ગેટ, ચર્ચ ગેટ અને બજાર ગેટ. અને આ ત્રણે દરવાજા રોજ સાંજે સાત વાગે બંધ થઈ જતા. સવારના સાત વાગે ખૂલે. કિલ્લામાંથી બહાર ગયા હો અને સાત પહેલાં ન પહોચ્યા, તો આખી રાત કિલ્લાની બહાર ગાળવી પડે. એ વખતે જાહેર કાર્યક્રમો, ભાષણો, સભાઓ, યોજી શકાય એવું એક જ સ્થળ, ટાઉન હોલ. પણ ત્યાંનો દરેક કાર્યક્રમ બપોરે ત્રણ-ચાર વાગ્યે શરૂ થાય અને સાડા છ પહેલાં પૂરો થાય જ. જેથી કિલ્લાની બહારથી આવેલા લોકો વખતસર જઈ શકે.

સર ફ્રેડરિક ટ્રીવ્સ અને તેમનું પુસ્તક

બીજી વાત : વીસમી સદી પહેલાં બંધાયેલાં જાહેર મકાનો જુઓ. વી.ટી. સ્ટેશન હોય કે  મ્યુનિસિપાલિટીનું મકાન હોય, રાજાબાઈ ટાવરમાં આવેલી લાયબ્રેરી હોય કે બોમ્બે હાયકોર્ટ હોય, આ બધાં મકાનોમાં બે વાત ધ્યાન ખેંચે : એક, ઘણી બધી બારીઓ, અને બે, આજના કરતાં ઘણી વધુ ઊંચી સિલિંગ કહેતાં છત. શા માટે? આ મકાનો બંધાયાં ત્યારે વીજળી નહોતી મુંબઈમાં. એટલે આ મકાનોમાં એ વખતે લાઈટ નહોતી, પંખા નહોતા, એ.સી. અને લિફ્ટની તો કલ્પના પણ નહોતી. આજે વીજળીથી ચાલતી જે અનેક સગવડો આપણે માટે સ્વાભાવિક થઈ ગઈ છે તેમાંની એક પણ એ વખતે નહોતી. એટલે કુદરતી હવા-ઉજાસ મકાનની અંદર બને તેટલાં વધુ આવે એ માટે પુષ્કળ બારીઓ. અને ગરમી ઓછી લાગે માટે ઊંચી ઊંચી સિલિંગ. આજનાં ખોખાં જેવાં મકાનો ત્યારે બાંધ્યાં હોત તો તેમાં લોકો ગૂંગળાઈ મર્યા હોત. આજે તો બારી હોય તો ય બંધ અને પડદાથી ઢાંકેલી હોય. ત્યારે પડદાને બદલે સ્ટેન્ડ ગ્લાસ વપરાતા – મકાનની શોભા વધારે અને અજવાળાને અંદર આવવા દે. અને હા, બારીઓ સામસામે હોય – ક્રોસ વેન્ટિલેશન માટે.

મુંબઈ યુનિવર્સિટી લાઈબ્રેરીનો અનેક બારીઓ વાળો રીડિંગ રૂમ

***

સાલ ૧૮૩૪. મહિનો માર્ચ. તારીખ દસ. છેલ્લા બે-ત્રણ દિવસથી મઝગાંવમાં આવેલા શેઠ અરદેશર ખરશેદજીના બંગલામાં સતત દોડધામ ચાલી રહી છે. બંગલો અને તેની આસપાસનો બગીચો શણગારાઈ રહ્યા છે. મુંબઈમાં અગાઉ કોઈએ જોઈ ન હોય તેવી વસ્તુઓ ત્યાં ગોઠવાઈ રહી છે. મુંબઈમાં વહાણ બાંધવાની પહેલ કરનાર લવજી વાડિયાના કુટુંબના નબીરા અરદેશર ખરશેદજીનો ધંધો પણ વહાણો બનાવવાનો. મઝગાંવમાં મોટા બંગલામાં રહે. દસમી તારીખની સાંજે તો કેટલા ય મહેમાનો એક પછી એક આવવા લાગ્યા. બંગલાની બહાર પાલખીઓ અને ઘોડા ગાડીની ભીડ જામી ગઈ. બધાના મોઢા પર આતુરતા હતી. અરદેશર શેઠ અને બીજા થોડા અગ્રણીઓ હાથમાં હારતોરા લઈને કંપાઉંડની બહાર ઊભા હતા. બંગલાની બહાર લોકોની એટલી તો ભીડ હતી કે ચાર ઘોડાવાળી શાહી બગીને બંગલા સુધી પહોંચતાં ઘણી મુશ્કેલી પડી. છેવટે બગી આવી પહોંચી અને તેમાંથી નામદાર ગવર્નર જોન ફિત્ઝગિબોન [John Fitzgibbon] દમામપૂર્વક ઊતર્યા. હારતોરા સ્વીકાર્યા પછી લાલ જાજમ પર ચાલીને બંગલામાં દાખલ થયા. હાજર રહેલા સૌ ઊભા થયા અને ‘ગોડ સેવ ધ ક્વીન’ ગવાયા પછી બધા બેઠા. ગવર્નર સાહેબ તેમને માટેના ખાસ સોનેરી સિંહાસન પાર બિરાજમાન થયા. અને અરદેશર શેઠ બે મિનિટ માટે અલોપ થઈ ગયા.

બે મિનિટ પછી તેમનો આખો બંગલો અને તેની આસપાસનો બગીચો ગેસ-લાઈટની રંગબેરંગી રોશનીથી ઝળાંહળાં થઈ ગયો. પણ કઈ રીતે? અરદેશર શેઠે કોલસો બાળીને તેમાંથી ગેસ બનાવવાનો એક નાનકડો પ્લાન્ટ પોતાના ઘરમાં જ નાખ્યો હતો અને તે દિવસે એ ગેસથી પોતાના બંગલાને અને બગીચાને ઝાકઝમાળ કર્યા. મુંબઈ શહેરમાં પહેલી વાર આ દિવસે ગેસના દીવાનું અજવાળું પથરાયું હતું. હાજર રહેલા સૌએ તાળીઓના ગડગડાટથી અરદેશર શેઠને અને બંગલાની રોશનીને વધાવી લીધાં. નામદાર ગવર્નરે અરદેશર શેઠને ખાસ પોશાક ભેટ આપ્યો. જતી વખતે ગવર્નરે અરદેશર શેઠને હળવેકથી પૂછ્યું : આજે અહીં જે થયું તે આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે?

પોતાના કામકાજને કારણે અરદેશર શેઠ દેશ-વિદેશમાં ફરતા રહેતા અને ત્યાં જે કાંઈ નવું જુએ તે સાથે લેતા આવતા. આ રીતે સૌથી પહેલો સીવવાનો સંચો તેઓ જ મુંબઈમાં લાવ્યા હતા. એવી જ રીતે સૌથી પહેલો કેમેરા લાવનાર પણ એવણ જ. પોતાના બંગલા નજીકના એક જાહેર બગીચામાં તેમણે પોતાને ખર્ચે ફુવારો મૂકાવ્યો હતો જેને ચલાવવા માટે તેમણે પોતે સ્ટીમ એન્જિન બનાવ્યું હતું. માત્ર ૩૩ વરસની ઉંમરે તેઓ ૧૮૪૧માં રોયલ સોસાયટી ઓફ લંડનના ફેલો બન્યા હતા. આ માન મેળવનાર તેઓ પહેલા હિન્દી હતા. તે પછી ૭૫ વરસે બીજા એક હિન્દી એસ. રામાનુજન્‌ને આ માન મળ્યું હતું.

અરદેશર ખરસેદજી

અરદેશર શેઠનો જન્મ ૧૮૦૮ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે. શરૂઆતથી જ વાડિયા કુટુંબ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે શઢવાળાં વહાણો મુંબઈમાં બાંધતું હતું. ગ્રેટ બ્રિટનમાં પણ એ વહાણો વખણાતાં હતાં. પણ પછી સ્ટીમ એન્જિનની શોધ થઈ અને ૧૮૧૨ પછી શઢવાળાં વહાણોની જગ્યાએ સ્ટીમશિપ કે સ્ટીમર આવી. થોડો વખત વાડિયા કુટુંબના ધંધામાં ઓટ આવી. ૧૮૨૨માં ચૌદ વરસની ઉંમરે અરદેશર પિતાના મદદનીશ તરીકે કંપનીમાં જોડાયા. પણ પછી તેમણે સ્ટીમ એન્જિનનો હુન્નર હાથવગો કરીને સ્ટીમરો બાંધવાનું શરૂ કર્યું અને વાડિયા કુટુંબ ફરી આગળ આવ્યું. ૧૮૩૮માં ગ્રેટ બ્રિટન જઈને ત્યાં એક વરસ રહેવા માટે તેમણે સરકારની પરવાનગી માગી. તે મળી એટલું જ નહિ, મુસાફરીના ભાડા પેટે ૬૦૦ રૂપિયા આપવાનું પણ સરકારે ઠરાવ્યું. પણ અણધારી માંદગીને કારણે એ વરસે તો તેઓ જઈ ન શક્યા. પણ બીજે વરસે ગાંઠના એક હજાર રૂપિયા ખરચીને ૧૮૩૯ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે તેઓ ગ્રેટ બ્રિટન જવા સ્ટીમરમાં રવાના થયા. અરદેશર શેઠ ચુસ્ત પારસી હતા એટલે પારસી રસોઈયા સિવાય બીજા કોઈના હાથનું રાંધેલું ખાતા નહિ. એટલે પોતાની સાથે પારસી રસોઈયાને પણ લઈ ગયેલા. પારસી રિવાજ પ્રમાણે તેઓ કાયમ માથે ટોપી પહેરવાના આગ્રહી હતા. લંડનમાં એક વાર એક પારસી યુવક મળવા આવ્યો. પણ તેણે ટોપી પહેરી નહોતી એટલે અરદેશર શેઠે તેને મળવાની ના પાડી દીધી.

સુએઝ સુધી સ્ટીમરમાં ગયા પછી બાકીનો પ્રવાસ તેમણે જમીન રસ્તે પૂરો કર્યો. લંડન પહોંચીને પહેલું કામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચેરમેન અને સેક્રેટરીની મુલાકાત લેવાનું કર્યું. ૧૮૪૦ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે રાણી વિક્ટોરિયાનાં લગ્ન થયાં ત્યારે તેમાં હાજર રહેવાનું નોતરું તેમને અપાયું હતું એટલું જ નહિ, એ જ વરસના જુલાઈની પહેલી તારીખે તેમણે રાણીની સત્તાવાર મુલાકાત લીધી હતી. એક વરસ સુધી સ્ટીમર બાંધવાનો પુષ્કળ અનુભવ મેળવ્યો. તેમણે બ્રિટન છોડ્યું તે પહેલાં જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની નિમણૂક મહિને ૬૦૦ રૂપિયાના પગારે મુંબઈની સ્ટીમર ફેક્ટરીનાof an overland journey from Bombay to England ચીફ એન્જિનિયર એન્ડ ઇન્સ્પેક્ટર ઓફ મશીનરીના હોદ્દા પર કરી. ત્યાં એક સો જેટલા અંગ્રેજ એન્જિનિયરો તેમના હાથ નીચે કામ કરતા હતા. ગ્રેટ બ્રિટનની મુસાફરી અને ત્યાંના એક વરસના વસવાટ દરમ્યાન થયેલા અનુભવોને વર્ણવતું પુસ્તક તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું જે ૧૮૪૦માં લંડનથી પ્રગટ થયું હતું. તેનું લાંબુ લચક નામ હતું : ‘ડાયરી ઓફ એન ઓવરલેન્ડ જર્ની ફ્રોમ બોમ્બે ટુ ઇંગલન્ડ એન્ડ ઓફ અ યર્સ રેસિડન્સ ઇન ગ્રેટ બ્રિટન, લંડન.’

૧૮૫૧માં તેઓ બીજી વાર ગ્રેટ બ્રિટન ગયા અને ત્યાંથી ગયા અમેરિકા. ત્યાં તેમણે લાકડાં કાપવાનાં મશીન જોયાં તે ખરીદીને મુંબઈ મોકલ્યાં. ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે અરદેશર શેઠ નોકરીમાંથી નિવૃત્ત થયા. લાંબી કારકીર્દી દરમ્યાન તેમના વ્યવસાયના કેટલાક લોકો અરદેશર શેઠના વિરોધી બન્યા હતા. વળી ગ્રેટ બ્રિટનની મુસાફરી દરમ્યાન તેમને એક બ્રિટિશ સ્ત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમનાં પારસી પત્ની આવાંબાઈ હયાત હતાં એટલે એ સ્ત્રી સાથે અરદેશર શેઠે લગ્ન કર્યાં નહોતાં, પણ એ બંનેનાં બે સંતાનોનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે તેમના સમાજે અરદેશર શેઠનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે, નિવૃત્તિ પછી તેઓ ગ્રેટ બ્રિટન જઈ રિચમંડમાં સ્થાયી થયા હતા. ૧૮૭૭ના નવેમ્બરની ૧૬મી તારીખે ત્યાં જ તેમનું અવસાન થયું. ૧૯૬૯માં તેમના માનમાં ભારત સરકારે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

૧૯૬૯માં બહાર પડેલી ટપાલ ટિકિટ

અરદેશર શેઠના બંગલાની ગેસ લાઈટની રોશની જોઈને ૧૮૩૪માં મુંબઈના ગવર્નરે પૂછેલું કે આવી રોશની આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે? એ પછી બરાબર દસ વરસે મુંબઈને પહેલી વાર સ્ટ્રીટ લાઈટ મળી. ૧૮૪૩માં કેટલાક મુખ્ય રસ્તાઓ પર દીવા મૂકાયા, પણ ગેસથી ચાલતા નહિ, કેરોસીન કહેતાં ઘાસલેટ કહેતાં રાકેલથી સળગતા દીવા. રોજ સાંજે એ દીવામાં ઘાસલેટ પૂરીને તેને સળગાવવા માટે ખાસ માણસો રાખવામાં આવ્યા. સવારે એ જ માણસો બધા દીવા એક પછી એક બુઝાવી દેતા! આજે તો લેડ લાઈટથી મુંબઈના ઘણા રસ્તા ઝળહળે છે એટલે એક જમાનામાં અહીં ઘાસલેટના દીવા હતા એ માનવું પણ મુશ્કેલ છે. શહેરને ગેસની સ્ટ્રીટ લાઈટ તો મળી છેક ૧૮૬૨માં. પણ એ અંગેની રસપ્રદ વાતો હવે પછી.

e.mail : deeepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2021

Loading

ડ્રેગનનું “કમલમ” કરવા જતાં “કમલમ”નું ડ્રેગન ન થાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2021

આપણા મંત્રીઓ આખા દેશની મંતરી રહ્યા છે ને પ્રજાને બેવકૂફ માનીને પોતાની મહાનતા સિદ્ધ કરી રહ્યા છે તે સારું નથી. દેશમાં એક સમયે ગુજરાત, મોડેલ રાજ્ય ગણાતું હતું ને તે હાલના વડા પ્રધાન અને તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સૂઝબૂઝનું, આગવા વિઝનનું પરિણામ હતું તે હવે ઇનોવેશનને મામલે નવમા નંબર સુધી પાછળ ધકેલાયું છે, તેવું નીતિ આયોગનો બે દિવસ પહેલાંનો જ રિપોર્ટ કહે છે. ગુજરાત શિક્ષણને મામલે દયા આવે એ હદે પાછળ ગયું છે ને “મંતરી”મંડળ પ્રયોગો કરવામાથી જ ઊંચું નથી આવતું. અમદાવાદનું કર્ણાવતી તો ન થયું, પણ હાલના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘેરબેઠાં જ ચીનની પથારી ફેરવી નાખી છે. તેમણે તઘલખી ફરમાન બહાર પાડ્યું છે કે હવેથી ચીની ડ્રેગન ફ્રૂટ “કમલમ્‌” તરીકે ઓળખાશે. કેવો મોટો “વિજય?!” વારી જવાનું મન થાય. છે ને કમાલ ! નવરા બેઠા જે વાળી શકાય તે વળી રહ્યું છે એવું નહીં?

કાલથી ચીનનું ગુજરાતી ભાષાંતર “કમલમ્‌” થાય તો નવાઈ નહીં ! અરે, હવેથી નામચીન ચીનને જ “કમલમ્‌” તરીકે ઓળખાવાય તો શું આશ્ચર્ય ! એ તો ઠીક, પણ ડ્રેગનને “કમલમ્‌”નું સ્ટિકર મારવા જતાં “કમલમ્‌”ને ડ્રેગનનો સિક્કો ન લાગી જાય તે જોવાનું. આવી ગમ્મત કરીને આ સજજનો કમળને જ “ક” વિહોણું કરી રહ્યાં છે એવું નથી લાગતું? હા, ડ્રેગનનો ખાતમો બોલાવવાને બદલે “કમલમ્‌”નું સ્ટિકર મારવાથી હકીકત બદલાતી નથી એ સમજી લેવાનું રહે.

વેલ, રાષ્ટ્રીય સ્તરે બે વાતો ચાલ્યા કરે છે. એક તરફ કારણ વગર ઓઈલના ભાવો વધે છે ને બીજી તરફ કરોડો કરોડોના પેકેજોની જાહેરાતો થતી રહે છે. થોડે થોડે વખતે (તા)રાજનાથ સિંહ થરથરતો  અવાજ કાઢ્યા કરે છે કે ચીન વાતો શાંતિની કરે છે, પણ તેનું વર્તન અશાંતિભર્યું છે. તસુ ભર જમીન પણ ચીનને લેવા નહીં દઈએ – જેવી ડંફાસ મંત્રીઓ મારતા રહે છે, પણ ડંફાસથી પરિણામ મળતાં નથી તે કહેવાની જરૂર નથી. વાતોનાં વડાં થાય તો પણ, “વાતોનાં વડા” પ્રધાન ન થાય તે નક્કી છે. ઈન શોર્ટ, ચીનને મામલે આંખ આડા કાન કરવાનું જોખમી છે.

એક વાત સ્પષ્ટ છે કે વિશ્વ આખામાં ચીન જેવું શઠ ને જૂઠ રાષ્ટ્ર બીજું કોઈ નથી. તેના પર માત્ર અવિશ્વાસ જ રાખી શકાય. કોરોનાને મામલે આખા વિશ્વને તેણે છેતર્યું છે. તેનો એક જ હેતુ હતો આર્થિક કટોકટી ઊભી કરીને વિશ્વને રઘવાયું કરવાનો ને મહાસત્તા તરીકે સ્થાપિત થવાનો. એમ કરવામાં તે કોઈ પણ હદે જઈ શકે ને તે ગયું જ ! અનીતિ જ ચીનની એક માત્ર નીતિ છે. તેણે આખા વિશ્વનો ભરોસો તોડ્યો છે ને તેની તેને જરા જેટલી પણ શરમ નથી. કોરોના વાયરસ ચીનની પેદાશ છે. તેણે પહેલાં રસી બનાવી ને પછી વાયરસ વહેતો મૂક્યો. આ રોગ સંપર્કથી ફેલાય છે એ વાત પણ તેણે વિશ્વથી સંતાડી. તે એટલે કે શરૂમાં વાયરસને જગત ગંભીરતાથી ન લે. ચીની ડોક્ટરો રોગની ભયંકરતાથી વાકેફ હતા, પણ તેમને એ હકીકત જાહેર ન કરવાનું દબાણ કરાયું. એ તો એક ગુપ્ત મીડિયાએ વુહાનના ડોકટરોનાં લીધેલાં નિવેદનોમાં બહાર આવ્યું કે ચીની ડોક્ટરોને કોરોનાની ભયાનકતા વિષે જૂઠું બોલવાની ફરજ પાડવામાં આવી હતી. પરિણામે વાયરસ આખા વિશ્વમાં ફેલાયો. આજે તો આખા વિશ્વમાં મરણનો આંક લાખોમાં છે. એમાં સૌથી ઓછો આંક ચીનનો છે. વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલો કોરોના ચીનને ખૂણે ખૂણે ફેલાયો નથી તે સૂચક છે.

બીજી તરફ નેપાળ કે પાકિસ્તાન જેવાં રમકડાં હાથમાં રાખીને ચીને ભારત સાથે વર્ષોથી મનમાની કરી છે. 1962માં મૈત્રી દ્રોહ કરીને તેણે ભારતને યુદ્ધમાં હરાવ્યું ને તે પછી ફરી એક વાર તેણે મૈત્રીનું નાટક કરી ભારતનું આતિથ્ય માણ્યું ને ખાધું તેનું જ ખોદ્યું. ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો તેનો રોગ કોરોના કરતાં પણ જૂનો છે. ભારતે કોઈ પણ સ્થિતિમાં ચીનને જરા પણ હળવાશથી લેવા જેવું નથી, 2020નાં છેલ્લા મહિનાઓમાં લાઇન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલનો ભંગ કરીને ચીને ઘૂસણખોરી કરી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું તો સામે ભારતે ચીની સૈનિકોનો ખાતમો બોલાવી વળતો જવાબ આપ્યો. આ ઘટના પછી એવી વાતો પણ આવી કે ચીને ઘૂસણખોરી કરી જ નથી, તો પ્રશ્ન થાય કે ઘૂસણખોરી થઈ નથી તો ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ મારી હટાવ્યા કઈ રીતે? જો ભારત સામેથી આક્રમણ કરતું નથી ને સૂત્રોના જણાવ્યા મુજબ ચીની સૈનિકો સરહદમાં ઘૂસી આવ્યા નથી તો સૈનિકોને ખદેડવાનું કયું કારણ હતું? એમાં પણ ન પડીએ, પણ આપણા સૈનિકો મરે છે તે જરા પણ ભૂલવા જેવું નથી. કમ સે કમ સરહદી મામલાઓમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ કોઈ પણ સરકાર કે વિપક્ષો ન કરે તેવી અપેક્ષા રહે. ગોપનીયતા જો રાજનીતિનો ભાગ હોય તો પણ પ્રજા ગૂંચવાયેલી ન રહે ને સરકારમાંનો તેનો વિશ્વાસ ન ઘટે એટલું તો ધ્યાને લેવાનું રહે જ છે.

એક તરફ ચીનને પાઠ ભણાવવા ચીની એપ સરકાર બંધ કરે છે ને બીજી તરફ ચીન ઉત્તર પ્રદેશનો રેલવે પ્રોજેકટ, શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપનીને આપે છે. આ ખોટું છે. એમાં બચાવ એવો આવ્યો કે એ કંપનીનું ટેન્ડર સૌથી ઓછા ભાવનું હતું. એ જાણીતી વાત છે કે ચીન સસ્તું પડે છે ને ઓછું ટકે છે, પણ ખબર હોય કે ટેન્ડર ચીની કંપનીનું છે તો એને યાદીમાં સામેલ કરાય જ નહીં ને !

courtesy : Subhani Shaik, "The Deccan Chronicle", 21 january 2021

આખો દેશ જાણે છે કે અરુણાચલ પ્રદેશ જોડે ચીને સૌથી વધુ છેડછાડ કરી છે ને સરકારોએ તેને હળવાશથી લીધી છે. આટલું ઓછું હોય તેમ 19 જાન્યુઆરીએ આઘાતજનક સમાચાર એ આવ્યા કે ચીને અરુણાચલમાં આખું ગામ વસાવી દીધું છે. સેટેલાઈટ તસવીરોમાં એ જોવા મળ્યું કે 2 ઓગસ્ટ, 2019માં ગામ ન હતું ને 1 નવેમ્બર, 2020ની તસ્વીરોમાં ગામનું નિર્માણ થઈ ચૂક્યું હતું. લગભગ 15 મહિનાના ગાળામાં ભારતમાં ચીનનું 101 ઘરોનું ગામ બની જાય ને તંત્રોને ખબર જ ન પડે એ કેવું? આ તસ્વીરો ભારતને નહીં, પણ અમેરિકી કંપની પ્લેનેટ લેબ્સને મળે છે. સેટેલાઈટ તો ભારતને ય છે, પણ ખબર અમેરિકાને પડે છે. સંઘર્ષ ભારત અને ચીન વચ્ચેનો છે, પણ ચીન, ભારતમાં ગામ વસાવે તો એની ખબર ભારતને અમેરિકી કંપની દ્વારા પડે છે. એના પરથી જ ખ્યાલ આવવો જોઈએ કે ભારતીય તંત્રો કેટલા સજાગ છે?

સરકાર છાશવારે બોલતી રહે છે કે ચીનને તસુ જમીન લેવા નહીં દઈએ, વડા પ્રધાન અને સંરક્ષણ મંત્રી સરહદી વિસ્તારોમાં ભારતીય જવાનોને રૂબરૂ થાય છે, પણ અરુણાચલમાં ગામ વસી જાય છે એની ભનક પણ પડતી નથી. એનો વળી એવો પણ બચાવ ચાલુ થઈ ગયો છે કે આ ગામ ભારતમાં થયું નથી. હવે ચીન પેકિંગમાં ગામ બનાવતું હોય તો એની ખબર સેટેલાઈટથી અમેરિકી કંપની ભારતને શું કામ આપે? એ શંકાસ્પદ હોય તો જ એની ચર્ચા હોય ને ! જો એ ચીનની સરહદમાં જ હોય તો એ ચીન જાણે, પણ એ ભારતની સરહદમાં હોય તો ભારતે જરા પણ ગાફેલ રહેવા જેવું નથી. બીજી તરફ વિદેશ મંત્રાલય ને સરકાર એ જ જૂનો રાગ આલાપે છે કે ગામ સરહદની અંદર નથી ને તસવીરોમાં એવો દાવો કરાયો છે કે ગામ વાસ્તવિક સરહદથી સાડા ચાર કિલોમીટર અંદર છે. એ જે હોય તે, પણ ચીન અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે એની નવાઈ નથી. એની પૂરી સંભાવના છે કે ગામ ભારતીય સરહદમાં બન્યું હોય અને સરકાર એવો બચાવ લેતી હોય કે ગામ અરુણાચલ પ્રદેશની બહાર છે. બચાવ ભલે થાય, પણ ગામ ખરેખર જ જો ભારતમાં બન્યું હોય તો, ભારતે પૂરી ગંભીરતાથી એને નામશેષ કરી પોતાનો વાસ્તવિક કબજો સિદ્ધ કરવો જોઈએ. એવું ન થાય કે ખોટા બચાવમાં બચવું મુશ્કેલ થઈ જાય.

ટૂંકમાં, ચીન બધી રીતે ધિકકારને પાત્ર છે ત્યારે સરકારોએ ડ્રેગન ફ્રૂટને કમળ કહેવાની બાલિશ રમતોમાં ન પડતાં કે ગામ વસી જાય ત્યારે ધાર્તરાષ્ટ્રી નજર ન રાખતાં, દેશને સુરક્ષિત રાખવાનો પ્રમાણિક, રિપીટ, પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ. ભારતે એક મહાભારત તો જોયું જ છે, બીજું જોવાનું ન થાય તેવી પ્રાર્થના કરીએ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જાન્યુઆરી 2021

Loading

...102030...2,1922,1932,1942,195...2,2002,2102,220...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved