Opinion Magazine
Number of visits: 9965026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તંત્રોની અને પ્રજાની બેદરકારી કોરોના કરતાં પણ વધારે ભયંકર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 November 2020

આપણાં તંત્રો મતલબી ને પ્રજા બેદરકાર છે. આ પ્રજા જીવને જોખમે પણ, બેદરકારી દાખવવામાં જરા ય શરમાતી કે અચકાતી નથી. કોરોના એકંદરે કાબૂમાં આવ્યો હતો. કેસ ઘટવા માંડ્યા હતા. તઘલખી સરકાર પર દયા આવતાં કોરોનાને જ એમ થયું કે હવે ઘટવું જોઈએ એટલે એ ઘટવા માંડ્યો, પણ પ્રજા એમ એને ઘટવા દે? તેણે કોરોનાને કહ્યું કે અમે ઘટીશું, પણ તને ઘટવા નહીં દઈએ. સરકાર બરાબર જાણતી હતી કે દિવાળી આવી રહી છે ને લોકો રસ્તે આવી ગયા હોય તો પણ, રસ્તે ઊતરી પડવાના છે, પણ તેણે ચાલવા દીધું ને ટેવ પ્રમાણે સરકારી રાગ – માસ્ક, અંતર અને સેનેટાઈઝેશનનો આલાપ્યા કર્યો. લોકોને એવું થઈ ગયું કે કોરોનાથી કૈં થવાનું નથી, એટલે દિવાળી વખતે ઠેર ઠેર રસ્તે ઠલવાઈ ગયા. સરકાર લોકો માટે કોરોનાથી સાવચેતીનું રટણ કરતી રહી ને લોકો તેના તરફ ધ્યાન આપ્યા વગર મનમાની કરતા રહ્યા. પછી કોરોના ન વકરે એવું તો કેમ બને? તેણે પણ તેની જાત બતાવવા માંડી. રોજના 1,500થી 1,600 લોકો સંક્રમિત થવા લાગ્યા ને મરણનો આંકડો રોજનો પંદર સત્તર પર પહોંચવા લાગ્યો.

સરકાર આમ તો જાગતી જ હતી, તેમાં ફરી જાગી ને રઘવાઈ થઈને નિર્ણયો લેવા લાગી. 23મીથી સ્કૂલ-કોલેજો ખૂલી જશે એવું ડંકેકી ચોટ પર 5 વાગે કહ્યું ને સાત વાગે કહ્યું કે નહીં ખૂલે. આવું શેખચલ્લી જેવુ તો થતું જ રહે છે. એકદમ શુક્રવાર, 20મી નવેમ્બરથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગશે તેવું કહ્યું ને તે ઠીક ન લાગ્યું તો શુક્રવાર રાતથી જ સોમવાર સવાર સુધીનો કરફ્યુ ઠોકી દીધો. એની સાથે જ સુરત, વડોદરા, રાજકોટની મહાનગરપાલિકાઓએ પણ ઘેટાંની ચાલે શુક્રવારથી રાત્રિ કરફ્યુનો ખેલ પાડી દીધો. આમાં શું છે કે લાંબું વિચારવાનું હોય તો પણ, તેવી શક્તિ ન હોવાથી ઉપરથી હુકમો છૂટે તેમ તેમ કારીગરો કામે લાગતાં હોય છે. બાકી આ અક્કલ તહેવારોમાં ચાલી હોત તો પ્રજાની મુશ્કેલીઓ વધી ન હોત. લોકો પર કાબૂ પહેલાં મેળવવાનો હતો તેને બદલે ઘોડા ભગાડીને તબેલાને તાળાં મારવા જેવું તંત્રોએ કર્યું.

રસીનું પણ રેઢિયાળ રીતે જ બધું ચાલી રહ્યું છે. કોઈ ચોક્કસ ને અસરકારક રસી હાથ લાગી નથી તે પહેલાં મહિનાઓથી તેના દાખલા ગણાયા કરે છે ને લોકો વારંવાર છેતરાયાની લાગણી અનુભવે છે તે ઠીક નથી. આગોતરી વ્યવસ્થા થાય તેનો વાંધો નથી, પણ આ આખા વેપલામાં કામ ઓછું ને દેખાડો વધારે છે. લગ્ન વખતે વાડી, કપડાં, કંકોતરી ને કન્યાની વ્યવસ્થા વિચારાય તે સમજી શકાય, પણ બાળક જનમ્યું જ ન હોય ને કોઈ વરઘોડો કાઢે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આ તો મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખ્યાં કરતાં હોય એવું વધારે છે.

થોડા મહિનાઓ પહેલાં સુરતના એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગેલી અને થોડાં બાળકો તેમાં ભડથું થઈ ગયેલાં તે યાદ છે? એ પછી તંત્રોમાં જે જીવ આવેલો તે પણ ખબર હશે જ. બધા ક્લાસો પર તવાઈ આવેલી ને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાની ઝુંબેશ ચાલેલી તે પણ બધાં જાણે છે. એની વિગતો હજી થોડે થોડે દિવસે છાપાંઓમાં આવતી રહે છે. હજી આવશે ને પછી બધું પેલાં મરેલાં બાળકોની રાખમાં ઢબૂરાઈ જશે. એમાં જેનું બાળક ગયું તે સિવાય ક્યાં ય કોઈ કાંગરો ખર્યો નથી. ધારો કે ફરી આગ લાગે છે તો બાળકોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હવે થઈ છે? ના. વ્યવસ્થાનું નાટક એ જ એક મોટી વ્યવસ્થા છે ને બીજો બનાવ બને તો વળી નવી તપાસનું નાટક ચાલશે ને એમ ચાલ્યા કરશે.

આવું ખાતરીથી કહેવાનું એટલે બને છે કે આગની સંખ્યાબંધ ઘટનાઓ ગુજરાતનાં શહેરોમાં બનતી આવી છે અને આપણાં નઘરોળ ને નિર્લજ્જ તંત્રો ગેંડાને શરમાવે એવી જાડી ચામડીથી નફ્ફટની જેમ કામ કરી રહ્યાં છે અથવા તો કામનો દેખાવ કરી રહ્યાં છે. તંત્રોને કોઈ ફરક પડતો નથી. ગયા ઓગસ્ટમાં અમદાવાદની કોવિદ હોસ્પિટલમાં આગ લાગેલી અને કોરોનાના આઠેક દરદીઓ એમાં મૃત્યુ પામેલા. તંત્રો જરાતરા સળવળ્યાં ને વળી ઢબૂરાઈ ગયાં. એ પછી ગઈ 28 નવેમ્બરે છાપાંઓમાં રાજકોટની એક કોવિદ હોસ્પિટલમાં આગ લાગી ને વેન્ટિલેટર પર મૂકાયેલાં પાંચ કોરોના દરદીઓ બેડ પર જ ભડથું થઈ ગયા. આ થયું એટલે તંત્રો વળી રાબેતા મુજબ જીવતાં થયાં. તપાસનું નાટક ચાલ્યું ને વળી ચાલશે. એ સાથે જ બીજા શહેરોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની તપાસનું ચક્કર પણ ચાલું થયું છે. ક્યાંક મોક ડ્રીલ પણ શરૂ થઈ છે. એમાં સમિતિની રચનાઓનું નાટક પણ ખરું. થોડાં દિવસ વળી તપાસ-તપાસની ચલકચલાણી રમાશે ને બીજી દુર્ઘટના બને ત્યાં સુધી ફરી પૂર્ણવિરામ મૂકાઈ જશે. આ બધું પાછું મરેલાંની છાતી પર ચાલે છે તે સૌથી વધુ કઠે એવું છે.

કોરોના હોય તેવા દરદીઓ હોસ્પિટલે જવા બહુ તૈયાર થતા નથી, કારણ મરી જવાનો એમને ભય લાગે છે. એમને કહી શકાય કે ચિંતા ના કરો. હોસ્પિટલે ગયા પછી કોરોનાથી જ મરાય એવું નથી, કોરોનાથી તો કદાચને બચી પણ જવાય, પણ આગમાં બળી મરાય એવી જોગવાઈ હોસ્પિટલોએ કરી છે. એટલે હોસ્પિટલો હવે રોગથી જ મારે એવું નથી, તે અકસ્માતે પણ ભોગ લે એ શક્ય છે. આ અકસ્માત ટાળી શકાયો હોત, પણ ટાળવાની દાનત જ ન હતી. અમદાવાદનો, ઓગસ્ટનો હોસ્પિટલમાં આગ લાગવાનો દાખલો સામે હતો જ, પણ તેમાંથી કૈં જ શીખવાનું ન થયું, જો બોધપાઠ લેવાયો હોત તો રાજકોટની ઘટના ટળી હોત. પણ એ ઘટના બને એટલે પણ શીખવાનું ન બને એમ બને ને ! ને આ કૈં એક બે ઘટનાઓ પૂરતું જ સીમિત છે એવું ક્યાં છે? છેલ્લા ત્રણ મહિનામાં માત્ર હોસ્પિટલમાં જ આગ લાગવાની સાત ઘટનાઓ રાજ્યમાં બની છે એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે અમદાવાદની ઘટના પરથી બોધપાઠ લેવાયો હોત તો બાકીની ઘટનાઓ નિવારી શકાઈ હોત, પણ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્રો જીવ વગર જ કામ કરે છે. એનામાં યંત્રો જેટલી સક્રિયતા પણ ઘણીવાર હોતી નથી. ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાનું કહ્યું છે તો તે વસાવી દેવાશે, પછી એનું મેઇન્ટેનન્સ એ જાણે એની જવાબદારી જ ન હોય એવી રેઢિયાળ રીતે કામ ચાલતું રહે છે. જવાબદારી કોઈ લેતું નથી, પણ જવાબદારીની ઢોળાઢોળ બધાંને જ આવડે છે. સમિતિઓની રચના થતી રહે છે ને કાળજી એટલી રખાય છે કે રિપોર્ટ બને એટલો મોડો આવે ને તથ્યોને વફાદાર ન હોય. બધી બાજુએથી ભીનું સંકેલાય એ માટેના પ્રયત્નો થતા રહે છે.

આગ લાગવાનુ કારણ નથી જડતું ત્યારે શોર્ટ સર્કિટ એ હાથવગું બહાનું છે. સતત બેદરકારી રાખવી, આર્થિક લાભ સિવાય બધું જ ગૌણ ગણવું ને સજીવ વ્યક્તિનું કોઈ જ મૂલ્ય ન આંકવું એ તંત્રોની અને પ્રજાની નિકૃષ્ટ કોટિની માનસિકતા રહી છે ને એમાં નિર્દોષ માણસોનો ભોગ લેવાતો રહે છે. માણસ સજીવ છે, પણ તે મૃતક્નો આંકડો હોય એ રીતે જ ઘણાં તેની સાથે વર્તતાં હોય છે. જેની પાસે સત્તા અને સંપત્તિ છે તે કોઈ પણ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથે છે ને જેની પાસે ઓછું છે તે વેઠવામાં જ જન્મારો પૂરો કરે એવી વ્યવસ્થા છે. મૃત્યુ પણ હવે માણસોને ડરાવતું નથી ને કોઈ જીવે કે મરે એની ચિંતા હવે તંત્રો કે લોકો ખાસ કરતા નથી. આ સંવેદનહીનતા એ આ સદીનો કોરોના કરતાં પણ ભયંકર રોગ છે ને તે વધારે ઘાતક છે. માણસ એટલે ત્રણચાર લાખ રૂપિયા આટલી જ વ્યાખ્યા માણસની બચી છે. એટલે જ તો સરકાર ગાય-કૂતરાને નાખતી હોય તેમ બે પાંચ લાખ મૃતકને આપીને છૂટી જતી હોય છે, કેમ જાણે મરનાર વ્યક્તિ એ બે પાંચ લાખ લેવા જ મરી હોય ! એટલે જ એક મરનારની બહેને કહેવું પડ્યું કે ચાર લાખ તો શું, ચાર કરોડ અપાય તો પણ મારો ભાઈ પાછો આવવાનો નથી. લાગે છે કે બધાં સરકારી મદદ મળે એટલાં પૂરતાં જ આતુર હોય છે?

એ ખરું કે સરકારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ તે જે રીતે અપાય છે એમાં મરનારનું માન જળવાતું નથી. આ બધું યાંત્રિક રીતે, વેઠ ઉતારવા થતું રહે છે તે બરાબર નથી.

એ અત્યંત દુખદ છે કે મનુષ્યની સજીવ તરીકેની કિંમત તેનાં મૃત્યુ પછી અપમાનજનક રીતે લગાવાતી હોય છે. વધારે શું કહેવું? સબ કો સન્મતિ દે ભગવાન …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 30 નવેમ્બર 2020  

Loading

— અને જેનેટ કૂકે પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો …

મોહમ્મદ સઇદ શેખ, મોહમ્મદ સઇદ શેખ|Opinion - Opinion|30 November 2020

૧૯૮૦માં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા અખબારમાં એક ૨૫ વર્ષીય અશ્વેત પત્રકાર યુવતીએ પ્રવેશ કર્યો ત્યારે સ્ટાફમાંથી ઘણાની નજર એની ઉપર પડી હતી. કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કામ કરવું એટલે ખૂબ પ્રતિષ્ઠાજનક ગણાતું. ‘ટોલેડો બ્લેડ’માં પત્રકાર તરીકે કામ કરતી જેનેટ કૂકનું સી.વી. પોસ્ટના પ્રસિદ્ધ ઍક્ઝિક્યુટિવ એડિટર બેન બ્રેડલીની નજરમાંથી પસાર થયું, તો એમણે તરત પોસ્ટમાં નોકરી માટે બોલાવી લીધી હતી.

અંદાજે નવ મહિના પછી, ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૦ના દિવસે જેનેટ કૂકે લખેલ સ્ટોરી ‘જિમ્મીસ વર્લ્ડ’ પોસ્ટના પ્રથમ પાને પ્રસિદ્ધ થઇ. હેરોઇનના બંધાણી, ૮ વર્ષીય બાળક-જિમ્મીની સ્ટોરીએ હલચલ મચાવી દીધી હતી. એક બાળકને એની માતાનો પ્રેમી ડ્રગ્સ આપતો હતો. આખા અમેરિકામાં આ વાત વાઇરલ થઈ ગઈ હતી. વૉશિંગ્ટનના મેયર, હેલ્થ-ઑફિસરો અને પોલીસ આ બાળકને શોધી એનાં માતાપિતા વિરુદ્ધ કેસ ચલાવી જેલમાં ધકેલી દેવા માંગતા હતા, પરંતુ ‘વૉશિંગ્ટનનાં પોસ્ટ’ પ્રાઇવસીના અધિકારની રૂએ બાળકનું સરનામું આપવા માગતું ન હતું. અર્થાત્‌ પોતાના પત્રકારે કરેલી સ્ટોરી માટે પોસ્ટ કૂકની પડખે ઊભું રહ્યું. આ માટે પોસ્ટની આલોચના પણ કરવામાં આવી. પત્રકારોને એની જોરદાર શૈલી અને લખાણ તથા સામાજિક અસરને  કારણે  બ્લૉકબસ્ટર સ્ટોરી લાગી રહી હતી, તો લોકોને બાળક ઉપર દયા આવી રહી હતી, બાળકને એમની જરૂરિયાત લાગી રહી હતી, તો કેટલાક સામાજિક કાર્યકર્તાઓને અશ્વેત લોકોના જીવનની કઠોર વાસ્તવિકતા લાગી રહી હતી.

૧૩ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે કૂકને પુલિત્ઝર-પુરસ્કાર આપવામાં આવ્યો. પત્રકારત્વમાં કોઈ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) વ્યક્તિએ આ પુરસ્કાર જીત્યો હોય એ ઇતિહાસની પહેલી ઘટના હતી.

પોતાના ભૂતપૂર્વ પત્રકારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો એ ગૌરવની વાત હતી એટલે ‘ધી ટોલેડો બ્લેડ’ કૂક વિષે સ્ટોરી છાપવા માંગતું હતું. પોતાના કર્મચારીઓના બાયોડેટા મુજબ એ કૂક વિષે લખવા માંગતા હતા. પરંતુ એસોસિયેટેડ પ્રેસના વાયર પર પુલિત્ઝર પુરસ્કાર – વિજેતાઓનાં જીવનચરિત્રો તપાસતા કૂકના બાયોડેટામાં વિસંગતતાઓ જણાઈ. કૂકે વાયરને આપેલ માહિતી મુજબ તેણીએ ખૂબ સારા ગ્રેડથી વસ્સાર કૉલેજમાંથી સ્નાતક કર્યું હતું અને ટોલેડો યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે બ્લેડના રેકૉર્ડ મુજબ વસ્સાર કૉલેજમાં એક વર્ષ ગાળી ટોલેડો યુનિવર્સિટીમાંથી માત્ર બેચલર ઑફ આટ્‌ર્સમાં સ્નાતક કર્યું હતું. બ્લેડના સંપાદકે વાયરને આ વાત જણાવી દીધી.

બપોર સુધીમાં વસ્સાર કૉલેજ અને ટોલેડો યુનિવર્સિટીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી. લગભગ ૧૦ કલાક સુધી પોસ્ટના સંપાદકો કૂકની પૂછપરછ કરતા રહ્યા અને બીજી બાજુ એના બે ઉપસંપાદકો જિમ્મીનું ઘર શોધતા રહ્યા.

આખરે, રાત્રે પોણા બે વાગે કૂક ભાંગી પડી અને સ્વીકાર્યું કે “જિમ્મી નામનો કોઈ છોકરો નથી, નથી એનું કોઈ કુટુંબ … મેં જ આખી કાલ્પનિક વાર્તા ઘડી નાખી હતી. હું પુરસ્કાર પાછો આપવા માગું છું.”

અપમાનિત અને લજ્જિત પોસ્ટના સંપાદકોએ પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો, જે ‘વિલેજવૉઇસ’ની ટેરેસા કાર્પેન્ટરને આપવામાં આવ્યો.

માત્ર બે દિવસ પછી કૂકે વૉશિંગ્ટન પોસ્ટમાંથી રાજીનામું આપ્યું. આ રીતે એક હોનહાર પત્રકારની કારકિર્દીનો અંત આવી ગયો.

આ ઘટના પછી અમેરિકન પત્રકારત્વમાં ઘણું બધું બદલાઈ ગયું. પોસ્ટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા. કોઈ સંદર્ભ કે સ્રોત વિના સ્ટોરી છાપવામાં વધારે ધ્યાન આપવું, એવો વણલખ્યો નિયમ કરી દીધો. માત્ર અમેરિકા જ નહિ, યુરોપનાં ઘણાં બધાં અખબારોએ પણ પોતાની પૉલિસીમાં ફેરફાર કર્યો.

જેનેટ કૂક અખબારી દુનિયા છોડી ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં વસવા ચાલી ગઈ હતી. ૧૯૯૬મા અચાનક જાહેરમાં આવી. પોસ્ટમાં પોતાના જુનિયર અને પછી પ્રેમી પત્રકાર માઇક સેજર સમક્ષ પ્રગટ થઈ દુનિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી. એમાં એની ગ્લાનિ જ ઝળકતી રહી.

જેનેટ કૂક કંઈ પહેલી પત્રકાર નહોતી, જેણે ખોટું કર્યું હતું. બીજા ઘણા બધા અમેરિકન અને યુરોપીય પત્રકારોએ આવું ખોટું કર્યું હતું, પરંતુ એમનાં નામ છાપરે ચઢ્યાં નહિ, કદાચ એટલા માટે કે તેઓ ગોરી ત્વચાવાળા હતા.

આ ઘટના જૂની હોવા છતાં ય આજના સમયમાં ઉપયુક્ત છે. આજથી ૩૮ વર્ષ પહેલાં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવાં અખબારો સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખતાં નહોતાં. જેનેટ કૂકે પોતાની ભૂલ સ્વીકારી પુરસ્કાર પાછો આપ્યો. પરંતુ આજે આપણા દેશમાં જોઈએ છીએ કે કેટલાક પત્રકારો પોતાનું અંતઃકરણ વેચી ‘પત્તર-કારિતા’ કરી રહ્યા છે. કોઈ એક રાજકીય પક્ષના હિતમાં સમાચારો તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. ગરીબી, બેકારી, બેરોજગારી, સમાજમાં વધતું વૈમનસ્ય, જેવાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. એના બદલે ક્ષુલ્લક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે. એક ફિલ્મી હીરોએ આત્મહત્યા કરી, એની પ્રેમિકા એના મોત માટે જવાબદાર છે એવું ચિત્ર મીડિયાએ લોકમાનસમાં ઠસાવી દીધું. એમાંથી વાત ડ્રગ્સ પર પહોંચી ગઈ અને કયા ફિલ્મી સિતારાઓ ડ્રગ્સના બંધાણી છે, એની ચર્ચાઓ થવા લાગી. એમાં અસલ મુદ્દો તો ભુલાવી દેવામાં આવ્યો. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો હોબાળો એટલા માટે કરવામાં આવ્યો કે એ મૂળ બિહારનો હતો, અને બિહારમાં ચૂંટણીઓ આવી રહી હતી. હવે જો કે બિહારનાં પરિણામો પણ આવી ગયાં છે અને ભા.જ.પ.ની આગેવાનીમાં એન.ડી.એ.એ બહુમતી મેળવી છે. સુશાંતે ‘કેદારનાથ’ ફિલ્મમાં મુસ્લિમનું પાત્ર ભજવ્યું, ત્યારે આ જ ભા.જ.પ.ના સમર્થકોએ એનો વિરોધ કર્યો હતો, અને જ્યારે ચૂંટણી આવી ત્યારે એ જ વિરોધીઓ સુશાંતના સમર્થનમાં આવી ગયા હતા. જ્યારે કોઈ મુદ્દો ન હોય ત્યારે કેવા મુદ્દા ઊભા કરવા એ કોઈએ ભા.જ.પ. પાસેથી શીખવું જોઈએ! અને આ મુદ્દાઓને ચગાવતા રહેવું એ આપણા મીડિયા પાસેથી કોઈ શીખે! કોઈ એક પક્ષની તરફેણ કરનાર મીડિયાને કેટલાક લોકો ‘ગોદી મીડિયા’ તરીકે યોગ્ય રીતે જ ઓળખે છે. આ ગોદી મીડિયા સમાજને માહિતી, મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાની પોતાની ફરજથી વિમુખ થઈ રહ્યો છે. પ્રશ્ન ઉદ્‌ભવે છે કે શું મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ કે કોઈ એકનો પક્ષ લેવો જોઈએ? ઘણા લોકો કહેશે કે મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ, કોઈનો પક્ષ ન લેવો. જે આજે શાસનમાં છે, કાલે ના પણ હોય અને જે આજે વિરોધપક્ષમાં છે એ શાસનમાં પણ હોઈ શકે છે. રાહત ઇન્દોરીએ કહ્યું હતું એમ ‘આજ જો સાહિબે મસનદ હૈ કલ નહિ હોંગે – કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ.’

પરંતુ કેટલાક લોકો એવું પણ કહેશે કે મીડિયાએ તો એક જ પક્ષ લેવો જોઈએ – પીડિતોનો. કેમ કે પીડિતોનું દર્દ મીડિયા નહિ જણાવે તો કોણ જણાવશે?

એક ત્રીજો વર્ગ પણ છે – અને એ મોટો વર્ગ છે – જે કહે છે કે અમે તો એનો જ પક્ષ લઈશું જે અમારી ખાતરદારી કરે – અર્થાત્‌ અમને માલમલીદો આપે.

આ નિરાશાજનક માહોલમાં રણમાં વીરડી સમાન દિલાસાની એક બાબત પણ છે. એ છે ઈમાનદારીથી પોતાનો પત્રકારત્વધર્મ નિભાવી રહેલા કેટલાક પત્રકારો અને મીડિયાહાઉસ. ભલે આંગળીના વેઢે ગણાય એટલાં જ છે આ સાચા પત્રકારો. આવા પત્રકારોથી જ પત્રકારત્વ હજી જીવી રહ્યું છે, એ જ આપણા માટે આશ્વાસનની વાત છે ! એક દીપક બળે એટલે અંધકાર પણ ધ્રૂજી ઊઠે છે અને પલાયન કરી જાય છે.

સત્યને પ્રકાશવા માટે એક સાચો પત્રકાર પણ પૂરતો છે.

૧૬મી નવેમ્બર નૅશનલ પ્રેસ ડે તરીકે ઊજવાય છે. બધા જ સાચા અને સારા પત્રકારોને દિલથી સલામ.

કન્સલ્ટિંગ અને ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર, લેખક, કટારલેખક, IGNOUમાંથી માસ કૉમ્યુનિકેશન અને જર્નાલીઝમનો કોર્સ કરેલ છે.

email : msaeed181@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 08

Loading

ચલ મન મુંબઈ નગરી—72

દીપક મહેતા|Opinion - Opinion|28 November 2020

ગુજરાતમાં અર્વાચીનતાનું અજવાળું પથરાયું મુંબઈથી, મુંબઈ થકી

અંગ્રેજો પહેલાં મુંબઈમાં આવી વસ્યા પારસીઓ

ગુજરાતી મુદ્રણની શરૂઆત થઇ મુંબઈમાં 

‘દીપે અરુણું પરભાત’ એ શબ્દો લખતી વખતે કવિ નર્મદની નજર સામે કયું ‘પરભાત’ હતું? સંભવ છે કે તેની નજર સામે પશ્ચિમ ભારતમાં – આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં – ૧૯મી સદીના આરંભથી જે અર્વાચીનતાનાં અજવાળાં પથરાવા લાગ્યાં હતાં તે હોય. અર્વાચીનતાના સૂર્યરથના આગમનની છડી પોકારનાર સારથી અરુણ નજરે પડતો હતો. અરુણ આવ્યો છે તો તેની પાછળ રાત્રીની જવનિકાનું છેદન કરનાર સૂર્યનું આગમન તો અનિવાર્ય. અર્વાચીનતાના એ સૂર્યરથના સાત અશ્વો તે કિયા? એ સાત અશ્વો હતા : ૧. મુદ્રણકળા ૨. તેને પરિણામે શક્ય બનેલાં મુદ્રિત પુસ્તકો, અખબારો, અને સામયિકો. ૩. મુદ્રિત પુસ્તકોને લીધે શક્ય બનેલ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ ૪. મુદ્રણને પરિણામે શક્ય બનેલ લેખનના માધ્યમ તરીકે ગદ્યની પ્રતિષ્ઠા ૫. આ બધાંના સાથથી શરૂ થયેલ નવજાગૃતિ માટેની ચળવળ ૬. નવા શિક્ષણને પરિણામે અંગ્રેજી સાહિત્યનાં પરિચય, પ્રેરણા અને પ્રભાવ ૭. પરદેશોના પ્રવાસ, તેને કારણે થયેલ નવી દુનિયાનો પરિચય, અને તેમાંથી મળેલ પ્રેરણા. આ બધાંને પરિણામે વીતી ગઈ છે રાત. હા, હજી મધ્યાહ્ન થયો નહોતો નવા જીવનનો, નવા સમાજનો, નવી વ્યવસ્થાનો. પણ તેનાં શુભ શકુન તો દેખાઈ રહ્યાં છે. અને એટલે જ કવિને આશા જ નહિ, શ્રદ્ધા છે કે ‘મધ્યાહ્ન શોભશે’. પણ અર્વાચીનતાનું આ અજવાળું આજના ગુજરાતમાં ફેલાયું ક્યાંથી? જવાબ જરા અગવડભર્યો છે, પણ અર્વાચીનતાનું અજવાળું આજના ગુજરાતમાં પથરાયું મુંબઈથી, મુંબઈ થકી, મુંબઈ દ્વારા.

બોમ્બે પ્રેસિડન્સી — પીળા રંગવાળો પ્રદેશ દેશી રાજ્યોનો

પણ આમ થયું કેમ કરીને? એ સમજવા માટે ૧૯મી સદીની પશ્ચિમ ભારતની રાજકીય ભૂગોળ સમજવી પડશે. પશ્ચિમ ભારતમાં મુંબઈ કરતાં પહેલાં અંગ્રેજો સુરત જઈ વસ્યા હતા. મોગલ શહેનશાહ જહાંગીરની પરવાનગીથી અંગ્રેજોએ ઠેઠ ૧૬૧૩ના જાન્યુઆરીના અરસામાં સુરતમાં પોતાની ફેક્ટરી કહેતાં ઓફિસ શરૂ કરી હતી. પણ તે વખતે અંગ્રેજોને માત્ર વેપારમાં રસ હતો. એ માટે ખપ પૂરતા જ તેઓ સ્થાનિક ગુજરાતીઓના સંપર્કમાં આવતા હતા. તેમના જીવનમાં ન તો અંગ્રેજોને કશો રસ હતો કે ન તો ત્યાંના ગુજરાતીઓને અંગ્રેજોનાં જીવન, રહેણીકરણી, ભાષા વગેરેમાં રસ હતો. પછી ધીમે ધીમે બ્રિટિશ સત્તા પશ્ચિમ ભારતમાં ફેલાવા લાગી ત્યારે વેસ્ટર્ન પ્રેસિડન્સીની સ્થાપના થઇ, જેનું વડું મથક હતું સુરત. પોર્ટુગીઝો પાસેથી દાયજામાં મળેલું મુંબઈ જ્યારે ગ્રેટ બ્રિટનના તાજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વરસના ૧૦ પાઉન્ડથી ભાડે આપ્યું ત્યારે મુંબઈનો કબજો સુરતના ગવર્નરે લીધો હતો અને કબજો લીધા પછી તે તરત સુરત પાછો ગયો હતો અને પછી ફરી તેણે ક્યારે ય મુંબઈમાં પગ મૂક્યો નહોતો. ૧૬૬૮થી ૧૬૮૭ સુધી મુંબઈ સુરતના ગવર્નરના તાબા નીચે હતું, પણ મુંબઈનો વહીવટ ડેપ્યુટી ગવર્નરો સંભાળતા. ૧૬૮૭માં પશ્ચિમ ભારતનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડાયું અને વેસ્ટર્ન પ્રેસિડન્સી બની બોમ્બે પ્રેસિડન્સી. અને તે દિવસથી સુરતનો સૂર્ય આથમવા લાગ્યો, અને મુંબઈનો ઊગતો થયો. આ જોઇને હતાશ થયેલા સુરતપુત્ર કવિ નર્મદે ગાયું :

આ તે શા તુજ હાલ સુરત, સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત! 
મુંબઈથી અંજાઈ, લોક તો વસ્યા જઈ તહીં,
અસ્ત થયો તુજ સુરજ, રાત તો પડી ગઈ અહીં.

પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો તે પહેલાં જ સુરત બાજુથી આવેલા પારસીઓ મુંબઈમાં વસવાટ કરતા અને તેનાં વેપારવણજ, કારભાર, વગેરેમાં મહત્ત્વનો ભાગ લેતા થયા હતા. છેક ૧૬૪૦માં પહેલવહેલા પારસીએ મુંબઈમાં વસવાટ કર્યો હતો. તેમનું નામ દોરાબજી નાનાભાઈ. સુરત પાસેના સુમારી ગામથી આવીને તેઓ મુંબઈમાં વસ્યા હતા. વખત જતાં તેમનું કુટુંબ પટેલ ખાનદાન તરીકે ઓળખાતું થયું. તેમના વંશજ કાવસજી પટેલે ૧૭૭૫માં ભૂલેશ્વર નજીક પોતાને ખર્ચે તળાવ બંધાવ્યું હતું જેથી એ વિસ્તારના લોકોની પીવાના પાણી અંગેની હાડમારી દૂર થઇ હતી. પહેલાં એ તળાવ કાવસજી પટેલ તળાવ તરીકે અને પછી સી.પી. ટેંક તરીકે ઓળખાતું થયું. આજે હવે એ જગ્યાએ તળાવનું નામોનિશાન નથી, છતાં લોકો એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે – મ્યુનિસિપાલિટીને ચોપડે ભલે બીજું ગમે તે નામ નોંધાયું હોય.

બહેરામજી છાપગરે બનાવેલાં પહેલવહેલાં ગુજરાતી બીબાં

મુંબઈ આવ્યા પહેલાં પણ દોરાબજી પોર્ટુગીઝ વેપારીઓ સાથે વેપાર કરતા હતા અને એટલે પોર્ટુગીઝ ભાષા જાણતા હતા. અને ગુજરાતી તો તેમની જ ભાષા. એટલે મુંબઈની રાજવટ ચલાવવામાં દોરાબજી પોર્ટુગીઝ શાસકોને એટલા તો મદદરૂપ થઇ પડેલા કે તેમણે જ્યારે મુંબઈનો ટાપુ અંગ્રેજોને સોંપ્યો ત્યારે કારભારમાં દોરાબજીની મદદ લેવા, અને તે માટે કોઈ સારા હોદ્દા પર તેમની નિમણૂંક કરવા પોર્ટુગીઝોએ અંગ્રેજ પ્રતિનિધિને ખાસ ભલામણ કરી હતી, અને તે પ્રમાણે દોરાબજી મુંબઈમાંના અંગ્રેજ શાસન સાથે પહેલેથી જ જોડાયા હતા. ૧૬૮૯માં તેઓ બેહસ્તનશીન થયા.

અર્વાચીનતાના રથનો પહેલો અશ્વ હતો ગુજરાતી મુદ્રણ. અને એની સગવડ પહેલી વાર ઊભી કરી હતી એક પારસી નબીરાએ. એવણનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝિટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે ‘મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.’ બે: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક ‘બોમ્બે કુરિયર’ પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી. અને આ બીબાં એટલે અર્વાચીનતાના પહેલા અશ્વ સમા મુદ્રણનાં પનોતાં પગલાં.

બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઇ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે જે જાહેર ખબર ‘બોમ્બે કુરિયર’માં છપાઈ તેમાં પણ હિન્દી-મરાઠીની જેમ ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં ‘બોમ્બે કુરિયર’માં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. હાથે લખાયેલાં લખાણોમાંથી પણ પછી ધીમે ધીમે શિરોરેખા દૂર થઇ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી. 

આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી.

અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયર’ની શરૂઆત ૧૭૯૦માં વિલિયમ એશબર્નર નામના અંગ્રેજે કરી હતી. ૧૭૮૯માં શરૂ થયેલ ‘બોમ્બે ગેઝેટ’ અને આ ‘બોમ્બે કુરિયર’ તે મુંબઈથી પ્રગટ થયેલાં પહેલવહેલાં અખબાર – માત્ર અંગ્રેજીનાં જ નહિ, કોઈ પણ ભાષાનાં. હવે જરા વિચાર કરો: મુંબઈની સરકારને અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાત છપાવવાની જરૂર કેમ જણાઈ હશે? અઢારમી સદીના અંત સુધીમાં મુંબઈના જીવનમાં – ખાસ કરીને ધંધા-રોજગારના ક્ષેત્રે – ગુજરાતીઓનું સ્થાન મહત્ત્વનું હોય તો જ આમ કરવાની જરૂર પડે. એ વખતે હજી કોઈ ‘દેશી’ ભાષાનું અખબાર તો હતું નહિ, એટલે સરકારે અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાતો છપાવવાનું નક્કી કર્યું હોય.

શરૂઆતમાં હતો તે શિરોરેખાનો ભાર પછીથી દૂર થયો

માનશો? અમદાવાદ જેવા અમદાવાદમાં છેક ૧૮૪૫ સુધી એક પણ છાપખાનું નહોતું! છાપખાનું નહોતું એટલે છાપેલાં પુસ્તકો નહોતાં, અખબારો નહોતાં, ચોપાનિયાં (મેગેઝીન માટે એ જમાનામાં વપરાતો શબ્દ) નહોતાં. આમ થવાનું એક કારણ એ કે છેક ૧૮૧૮માં અમદાવાદ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. એટલે ત્યાં સુધી અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ અમદાવાદને ભાગ્યે જ થયો હતો. મુંબઈથી વાતા અર્વાચીનતાના વાયરાને ગુજરાતમાં બીજો પણ એક અવરોધ ઘણા વખત સુધી નડતો રહ્યો. આજના ગુજરાતનો ઘણો મોટો હિસ્સો એ વખતે જુદાં જુદાં, નાનાં-મોટાં દેશી રજવાડાઓમાં વહેચાયેલો હતો. અને બે-ચાર અપવાદોને બાદ કરતાં ઘણાખરા દેશી રાજાઓ છાપખાનાં, પુસ્તકો, અખબારો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ વગેરેના ભલે અંદરખાનેથી, પણ વિરોધી હતા. કારણ તેમને બીક હતી કે આપણા રાજમાં આ બધું આવશે અને રૈયતને રાજવટ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરશે. ૧૮૬૭માં આખા મુંબઈ ઇલાકામાં ૧૦૮ છાપખાનાં કામ કરતાં હતાં. તેમાંથી ફક્ત ચાર જ ગુજરાતનાં દેશી રાજ્યોમાં હતાં. રાજકોટમાં એક, ભાવનગરમાં એક સરકારી અને એક ખાનગી એમ બે, અને નવાનગરમાં એક. અને તેમાંનાં ત્રણ ૧૮૬૫થી ૧૮૬૭ વચ્ચે શરૂ થયેલાં. દેશી રાજ્યોમાંનાં ખાનગી છાપખાનાં પણ રાજા કે પ્રધાનની ઇચ્છા વિરુદ્ધ કશું છાપી શકતાં નહિ. કવિ નર્મદનો ‘નર્મકોશ’ ભાવનગરના ચંદ્રોદય નામના ખાનગી પ્રેસમાં છપાતો હતો. પણ તેમાંનું કશુંક વાંચીને કે જાણીને દિવાન ગૌરીશંકર ઓઝા એટલા તો નારાજ થયા કે એ જ ઘડીએ તેમણે એ છાપવાનું અટકાવી દેવાનો હુકમ કર્યો અને અડધું છપાયેલું પુસ્તક એ પ્રેસે નર્મદને મોકલી દીધું.

ગુજરાતીમાં જાહેરાતો છાપતું ‘બોમ્બે કુરિયર’

અલબત્ત, એનો અર્થ એવો નથી કે આજના ગુજરાતમાં ૧૮૪૫ પહેલાં એકે છાપખાનું નહોતું. ગુજરાતનું પહેલવહેલું છાપખાનું શરૂ થયું ૧૮૨૧માં. લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કિનર અને રેવરન્ડ વિલિયમ ફાઈવીએ એ શરૂ કર્યું. પછીથી તે સુરત આઈરિશ મિશન પ્રેસ તરીકે ઓળખાતું થયું હતું. ‘નર્મકોશ’નું કામ ભાવનગરના છાપખાનાએ અધવચ્ચે અટકાવ્યું તે પછી તેનો બાકીનો ભાગ આ પ્રેસમાં જ છપાયો હતો. સુરતનું આ છાપખાનું ૧૩૮ વરસ સુધી ચાલીને ૧૯૫૯માં બંધ થયું હતું.

ગુજરાતીમાં છાપખાનાં આવ્યાં તે પછી આવ્યાં છાપેલાં ગુજરાતી પુસ્તક, અને તેની શરૂઆત પણ થઇ મુંબઈથી. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 નવેમ્બર 2020

Loading

...102030...2,1912,1922,1932,194...2,2002,2102,220...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved