Opinion Magazine
Number of visits: 9574365
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશિયલ મીડિયા પર વિવિધ ચેલેન્જના બહાને તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો

જીતેશ ત્રાપસિયા|Opinion - Opinion|26 September 2020

ફેસબુક પર હાલમાં અલગ અલગ ચેલેન્જ ચાલી રહી છે, જેમાં લોકો પોતાના જુદા જુદા ફોટોઝ હેશટેગ સાથે શેર કરે છે. જેમાંની અમુક ચેલેન્જમાં પોતાના પરિવાર સભ્યો સાથેના ફોટોઝ, પર્સનલ ફોટોઝ, સહિતના વિવિધ  ફોટોઝ શેર કરે છે. જો તમે સોશિયલ મીડિયા પર ચેલેન્જના બહાને તમારા પર્સનલ ફોટોઝ શેર કર્યા છે, તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. સોશિયલ મીડિયા પર નવી નવી ચેલેન્જ એક્સેપટ કરવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. સાયબર ક્રાઈમથી આપણે સાવધાન રહેવું જોઈએ. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. 

આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્ત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા કે અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વીડિયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાયબર બુલિંગ, Fake News કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમ જ તે પ્રકારની માહિતી, ફોટા કે વીડિયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવું પણ ગંભીર ગુનો બને છે.

‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સૂત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખૂબ સમજદારીપૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાથી થતાં નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનીટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.    

Twitter: @jiteshtrapasiya

e.mail : jiteshtrapasiya1@gmail.com

Loading

વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?

પ્રવકતા : વિનોબા|Opinion - Opinion|25 September 2020

ગૂજરાત વિધાપીઠની સ્થાપના કઈ રીતે થઈ એનો હું સાક્ષી છું. આરંભમાં ત્યાં થોડું ઘણું ભણાવવાનું કામ પણ મેં કર્યું છે. એ વખતે હું સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને રોજ અહીં ભણાવવા આવતો હતો. આવતી વખતે ચાલતો આવતો હતો, પરંતુ પાછા જતી વખતે દોડતો જતો હતો. ૪૫ મિનિટનો એક વર્ગ હું લેતો હતો.

સાબરમતી આશ્રમમાં પણ ગીતા વિષેના મારા વર્ગ ચાલતા હતા. એ વર્ગ સવારે ચાલતા અને એમાં ૫-૪ વિધાર્થી રહેતા. બપોરે ત્રણ વાગે બીજો એક વર્ગ લેતો અને સાંજે પ્રાર્થનામાં પણ બોલતો હતો. બપોરના ગીતાના વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓને દોડીને આવવું પડતું હતું, એવી સમયની ખેંચ રહેતી હતી. આમ, આરંભમાં કંઈક કસાયેલું જીવન હતું. હવે સંસ્થા ધીરે ધીરે વિકસિત થઈ રહી છે, સાથોસાથ એમાં કંઈક સુવિધાઓ પણ વધી રહી છે.

ઉત્તમ ખોરાક મળવો જોઈએ

વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખોરાક મળવો જોઈએ, કેમ કે વિધાર્થીઓનું શરીર વિકસતું રહેતું હોય છે. એમના ખોરાકમાં કાંઈ કમી નહીં રહેવી જોઈએ. વિધાર્થીઓને એવી બધી સુવિધાઓ મળવી જ જોઈએ. જો કે સુવિધાવાળા જીવનની આદતો જીવનમાં કાયમી થઈ જાય તો, અધિક પુરુષાર્થ નહીં કરી શકે અને ગામડાંમાં રહીને કામ નહીં કરી શકે. ગામડાંમાં શહેરો જેવી સુવિધાઓ ના હોય.

વ્યાસ ભગવાને તો “મહાભારત’માં લખી દીધું છે, “सुखार्थिन: कुतो विद्या, विधार्थिन: कुतो सुखम् ” યાને સુખાર્થીઓને વિદ્યા ક્યાં અને વિદ્યાર્થીઓને સુખ ક્યાં ? આમ, સુખાર્થી અને વિદ્યાર્થી, એવા બે ભાગ સમાજના થઈ ગયા. યદ્યપિ વિધ્યાર્થીઓને આત્માનંદ, વિદ્યાનન્દ, ગુરુસેવા અને એવાં બીજાં ઘણાં સુખ હોય છે. પરંતુ સુખનો પ્રચલિત અર્થ છે : સુવિધાઓ મળવી. એ સુવિધાઓ એમને મળી શકતી નથી; અને જો તેઓ શારીરિક સુખ ચાહે છે, તો એમને વિધા મળી શકતી નથી.

શરીર સશક્ત કરવું જોઈએ

મારું શરીર તો પહેલેથી નબળું જ હતું. જો મેં શરીરને ક્યું ના હોત; ઠંડી, ગરમી, વરસાદ આંધી વગેરે સહન કરવાની શક્તિ કેળવી ના હોત, તો આ ભૂદાન-યાત્રામાં ટકી શક્યો ન હોત. સાત-આઠ વર્ષથી આ યાત્રા ચાલી રહી છે અને કોણ જાણે ક્યાં સુધી ચાલશે ! કયારેક ક્યારેક તો જ્યાં વધુમાં વધુ વરસાદ પડે છે, ત્યાં પણ સતત ચાલતો રહ્યો. જેમ કે કેરળમાં ૧૭૫ ઈંચ વરસાદ થાય છે. ચાર વર્ષ પહેલાં જ્યાં સૌથી વધુ ઠંડી પડી છે, ત્યાં યાત્રા ચાલી. ગરમીમાં બાંદદા અને નાલગુંડા જેવા જિલ્લાઓમાં જ્યાં ૧૧૮-૧૧૯ ડિગ્રી તાપમાન હોય છે, ત્યાં યાત્રા ચાલી.

જાણીબૂઝીને એ રીતે યાત્રાનું આયોજન થતું નથી. પણ એવું કરવું પડે છે. તેમ છતાં શરીર સાથ આપી રહ્યું છે, કેમે એવા જીવનની બાળપણથી આદત પાડી છે. એ અત્યારે કામ આવી રહી છે. માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં શરીર મજબૂત બને એમ હું ઇચ્છું છું. સારો ખોરાક મળે તો શરીર મજબૂત બને. કસાયેલું જીવન જ મધુર જીવન છે. જીવનમાં માધુર્ય કાયમ ટકી રહે એવું જીવન ઘડવું જોઈએ. જો કે વચ્ચે વચ્ચે ઉપવાસ પણ કરતા રહેવું જોઈએ. માટે આપણા પૂર્વજોએ વચ્ચે વચ્ચે ઉપવાસની યોજના પણ ઘડી રાખી હતી.

અભ્યાસમાં તન્મયતા રહેવી જોઈએ

પ્રકૃતિ આપણી મિત્ર છે. ખૂબ વરસાદ વરસે, તો આપણો મિત્ર મળવા આવ્યો છે એમ સમજવું. ગરમીમાં માટી તપે અને પછી એના પર વરસાદ પડે, તો સારો પાક થાય. એ રીતે આપણું શરીર પણ માટી છે, એને સૂર્યનારાયણનો સ્પર્શ થવો જોઈએ. પ્રકૃતિનાં આ તત્ત્વો આપણાં મિત્ર છે અને મિત્રૂપમાં જ એમનું સ્વગાત આપણે કરવું જોઈએ. વિધાભ્યાસ વખતે એવી તન્મયતા હોવી જોઈએ કે શું ખાઈ રહ્યા છીએ એની જીભને ખબર પણ ના પડે.

મારી બા રસોઈ કરતી વખતે ભજનો ગાયા કરતી  હતી. ઘણાં ભજન એને યાદ હતાં. રસોઈ કરતી જાય અને સ્તોત્ર-પાઠ કરતી જાય. એમાં ક્યારેક મીઠું નાખ્યું કે નહીં એ ભૂલી જાય. કોઈ વખત બે વાર મીઠું નંખાઈ જાય. વધારે મીઠું ખાવાની એને આદત પણ હતી. સૌથી પહેલાં ખાઈને હું કૉલેજ ચાલ્યો જાઉં. રસોઈમાં મીઠું વધારે છે કે ઓછું એ તો મારા ધ્યાનમાં આવતું પણ નહીં. મારા પિતા જમવા બેસે ત્યારે કહે કે, અરે ! આમાં તો મીઠું વધારે છે. રસોઈ પહેલાં ચાખી લેવાનું બા માટે શક્ય નહોતું. કેમ કે એ ભગવાનને ધરાવતી હતી. હું કૉલેજથી આવું ત્યારે મને કહેતી, ““અલ્યા વિન્યા, મીઠું વધારે પડ્યું હતું, પરંતુ તેં તો મને કહ્યું પણ નહીં.” હું કહું, “મને એનો ખ્યાલ જ નહોતો રહ્યો.”

કહેવાનો મુદ્દો એ છે કે અભ્યાસમાં આવી તન્મયતા રહેવી જોઈએ. વિદ્યાર્થીને અસ્વાદ રૂપમાં નહીં, પણ આવી તન્મયતા સહેજે સાધ્ય થવી જોઈએ. આ તન્મયતાની કસોટી છે. અસ્વાદવ્રત અને કસાયેલું જીવન વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. આ રીતે તમે શરીર – મનને કેળવશો તો મને આશા છે કે જે સેવા માટે તમે તૈયાર થઈ રહ્યા છો, એ સેવા તમે જરૂર કરી શકશો.

(અમદાવાદ, ૨૧-૧૨-૧૯૫૮ : ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વચ્ચે. હિંદી પરથી અનુવાદ – અમૃત મોદી)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020

Loading

બે જનેતા

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|25 September 2020

આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં.

પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર આજે નાનકડું ટોળું જમા થઈ ગયું હતું. કહેવત છે ને કે ‘તમાશાને તેડું ન હોય!’ એ મુજબ સૌને મફતમાં તમાશો જોવા મળતો હતો એટલે મજા આવતી હતી. લોકો અંદરોઅંદર વાતો કરતા હતા, “આ બે બાઈડિયું ઘડીવાર પે’લા તો હસી હસીને, તાળી દઈ દઈને વાતું કરતી’તી ને ઘડીકમાં હું થઈ ગ્યું?’

‘હા, જો ને, એકબીજીને ગાળું દઈ દઈને બાઝે (ઝઘડે) છે ને ભેગાભેગી રડતી ય જાય છે.’

થોડી વારમાં લાકડી હલાવતો હવાલદાર આવીને દમ મારવા લાગ્યો, “એ ય, ઈધર મારામારી નૈ કરનેકા. મેરેકુ બોલો, શું થ્યા હૈ?’

“સાયેબ, આને મારો છોરો જોવે છે. મારે કંઈ વધારાનો સે તે એને આલી દઉં?” પોતાની છાતીએ વળગાડેલા મરિયલ જેવા લાગતા, કાળામશ છોકરા પર ભીંસ વધારતાં એક સ્ત્રીએ કહ્યું.

“આ ખોટ્ટાડી સે, હોં સાયેબ! છોરો એનો નથ. ઈ તો મારો સે. કટલી ય માનતા માની તારે રાંદલ માએ માંડ માંડ આલ્યો સે. મરી જઈસ પણ એને નૈ આલું.” બીજી સ્ત્રીએ રડતાં રડતાં કહ્યું.

આ બેઉમાં સાચું કોણ એ હવાલદારને સમજાયું નહીં. હવે તો હાથોહાથની મારામારી પર આવી ગયેલી સ્ત્રીઓને પોતાની લાકડીથી છૂટી પાડતાં એણે કડકાઈથી પૂછ્યું, “આ કેતી હૈ કે છોરા મેરા હૈ, તુ કેતી હૈ કે મેરા હૈ. ચાલો, સચ બોલો, કૌન ઈસકી મા હૈ?”

બેમાંથી ઉંમરમાં નાની દેખાતી સ્ત્રીની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. એણે હિબકાં ભરતાં કહ્યું, “ખોટું બોલું તો મને રાંદલ મા પૂછે. ભીખલો મારો જ સે. આ રૂપલી ઈને લઈને આગગાડીમાં બેહીને ભાગી જવાની સે. સાયેબ, છોરા વના હું મરી જઈસ. ઈને રોકો સાયેબ, તમારે પગે પડું.”

હવે રૂપલી કંઈક ઢીલી પડી હતી. એણે ધીમા અવાજે વાત માંડી, “ભીખલાને આ મંગીએ જલમ આપ્યો ઈ વાત હાવ હાચી, સાયેબ, પણ પૂછો એને જ કે, સાત સાત મૈનાથી દૂધ કોણે પાયું? ઈ જલમ્યો પછી મંગીની છાતીમાં હમૂળગું દૂધ જ નો’તું આવતું. માના દૂધ વના ભીખલો મરી જ જવાનો હતો. ઈ વખતે મારે ય ચંદૂડો ધાવણો હતો. મંગી મારી પડોસણ. એક દી’ ઈ રોતી રોતી મારી પાંહે આવીને મને કે’ આ છોરાને હવે તું જ જિવાડ.”

હવે મંગી વાંકી વળીને રૂપલીના પગમાં પડીને કહેવા લાગી, “તારા ચંદૂડાના ભાગમાંથી કાઢીને તેં ભીખલાને દૂધ પાયું ઈ તારો પાડ ઉં નૈ ભૂલું ને મને યાદ સે કે ઈ ટાણે મેં કીધેલું કે ઈને જિવાડે તો ભીખલો તારો દીકરો, પણ આમ મારી નજર હામે તું ઈને લૈને આગગાડીમાં જાતી રે’ તો ઉ તો છતે દીકરે વાંઝણી જ થઈ જાઉં ને?” આ બધી અફડા-તફડીમાં રૂપલી છોકરાને લઈને ભાગી ને ઊભી રહેલી ટ્રેનના ડબ્બામાં ચઢી ગઈ.

મંગી જોર જોરથી છાતી ફૂટીને રડવા ને હવાલદારને વિનંતી કરવા લાગી, “સાયેબ, ઈ લોકો તો વણઝારા સે. ઈનો આખો કબીલો ફિરોજપુર જતો રયો સે. એનો વર પોતાની હંગાથે ચંદૂડાને ય લઈ ગ્યો સે. એની પાંહે તો બધાય સે ને ઉં તો હાવ એકલી સું. મારા ભીખલા વના મારું કોઈ નથ સાયેબ …” હવે હવાલદારને મંગીની દયા આવી. ટ્રેન શરૂ થવાને થોડીક જ વાર હતી. ડબ્બાના દરવાજા પાસે ઊભેલી રૂપલીને એણે કડક અવાજે કહ્યું, “ચાલ, આપી દે, આપી દે. જો છોકરાની મા હૈ ઉસકો છોકરા વાપસ દે દે.”

હવાલદારના હુકમ પાસે પોતાનું કંઈ નહીં ચાલે એ સમજીને રૂપલી હવે ભીખલાને માથે ને મોઢે હાથ ફેરવતી અને બચ્ચીઓ ભરતી રડવા લાગી, “પૂછો સાયેબ, પૂછો ઈને કે કોણ સે છોરાનો બાપ? ઈને ખબર હોય તો ઈ બોલસે ને? ઈ તો નીત નવા મરદો પાછળ ભાગતી ફરે છે.” રૂપલીએ છેલ્લો દાવ અજમાવી જોયો.

“જો ભી હો પણ લડકેકી મા વો હૈ. બચ્ચા દે દે.” હવાલદારે છોકરાને પરાણે ખેંચીને મંગીના હાથમાં આપી દીધો. ક્યારનો સૂઈ રહેલો ભીખલો આંખ ખૂલતાંની સાથે દૂધ માટે વલખાં મારતાં ચીસો પાડીને રડવા લાગ્યો. મંગી મૂંઝાઈ ગઈ કે એને છાનો શી રીતે રાખવો? એક હાથે ટ્રેનનો સળિયો પકડીને બીજો હાથ લાંબો કરીને રૂપલી રડતી જતી હતી ને બોલતી જતી હતી, “મારી નાખજે ઈને. ઈ મરી જસે ત્યારે તને નિરાંત થસે. હવારથી બચાડાના પેટમાં દૂધનું ટીપું ય નથ ગ્યું. ઈ બચાડો જીવ રડે નૈ તો સું કરે?”

મંગી ગભરાઈને ભીખલાના મોંમાં શીંગ-ચણાના દાણા મૂકવાનો પ્રયત્ન કરવા લાગી. ગાડી ઊપડવાની સીટી વાગી ગઈ હતી ને રૂપલીએ આ જોયું. ધડામ કરતી ચાલુ થઈ ગયેલી ટ્રેનમાંથી કૂદીને એ પ્લેટફોર્મ પર આવી ગઈ.

“મારી નાખીસ મારા છોરાને હરામજાદી, આ સું ખવડાવે છ? અક્કલનો છાંટો સે કે નૈ તારામાં?” દોડીને મંગી પાસે જઈને એણે ભીખલાને ખેંચી લીધો. થોડીવારમાં પ્લેટફોર્મ પર પૂર્વવત્‌ શાંતિ ફેલાઈ ગઈ.

ફરી પાછા રોન પર નીકળેલા હવાલદારને નવાઈ લાગી કે એકમેકને ગાળો દેતી ને રડતી પેલી બંને બાયડીઓ ગઈ ક્યાં? એણે ધ્યાનથી જોયું તો નજીકના ઝાડને છાંયે બેઠેલી રૂપલી સાડલાનો છેડો ઊંચો કરીને. ભીખલાને ધવડાવતી હતી અને મંગી ધીમું ધીમું હસતી છોરાને માથે હાથ ફેરવતી હતી.

(ભીષ્મ સહાનીની હિંદી વાર્તાને આધારે)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1642,1652,1662,167...2,1702,1802,190...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved