Opinion Magazine
Number of visits: 9747907
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાગ્રસ્તની અંતિમ વિદાય…!

રમણીક અગ્રાવત|Opinion - Opinion|2 November 2020

Covid Protocol

ક્યારે ય નથી વેઠી એવી અસ્થિરતામાં મુકાઈ ગયા છીએ આજકાલ. ક્યારે ય નહોતી એવી ભંગુરતાને કાંઠે આવી ચઢ્યા છીએ આજ. “…આ સંસાર સુખરૂપછે કે દુઃખરૂપ ?” એવા દ્વિધાભાવમાં સપડાયા છીએ આપણે સૌ. કોરોનાવાઇરસનો ચેપ બધાને મોત આપતો નથી. એના સકંજામાંથી ઊગરી જનારાઓ મોટી સંખ્યામાં છે, પરંતુ જેઓને કોરોનાનો મૃત્યુદંડ મળે છે, તેઓની સ્થિતિ જોઈ/સાંભળી અન્યોને જે પીડા થાય છે, તે અભૂતપૂર્વ એવી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિ મોતનો ભોગ બને તે ક્ષણ સુધી જે પીડા ભોગવતી હશે એ જ પીડા તેમનાં સ્વજનો પછીના સમયમાં ક્યાં ય સુધી ભોગવે છે. આજ સુધી આવું મોત ક્યારે ય જોયું/સાંભળ્યું નથી. ગરુડપુરાણમાં વર્ણવાયેલી નરકપીડા જાણે તાદૃશ થાય છે.

કોરોનાવાઇરસના ચેપીપણાનો ડરામણો ચહેરો માત્ર સામે આવે ત્યાં થરથરી જવાય છે. એ નહીં દેખાતો વિષાણુ ક્યારે, ક્યાંથી, કેમ ત્રાટકશે એની ભીતિ જ ફફડતાં રાખે છે. એક દૃશ્ય સામે આવેછે. આખી શેરીમાં સોપો પડી ગયો છે. ક્યાં ય ચકલું ય ફરકતું નથી. એક ઍમ્બ્યુલન્સ ઊભી છે. પાછળના દરવાજા ખુલ્લા. ડ્રાઇવર દૂર ઊભો છે. એક બાર-પંદર વરસનો કિશોર હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈ ચિત્રમાં આવે છે. પાછળ દૂર ઊતરેલા ચહેરે માબાપ. કિશોર ઍમ્બ્યુલન્સમાં બેસે કે એકાએક ક્યાંયથી આવી એક પૂરેપૂરો પ્લાસ્ટિકથી ઢંકાયેલો માણસ દરવાજા વાસે. સૂની શેરીમાં કકલાણ વેરતી વાન રવાના થાય. સન્નાટાની આ છબી કોરોનાએ પાડી છે. પરિવાર, શેરી, ગામ કે શહેરમાં કોરોનાગ્રસ્ત અસ્પૃશ્ય હોય છે. હૉસ્પિટલમાં પણ તેઓ લગભગ અસ્પૃશ્યોસમાજ હોય છે. આ અછૂતપણું આપણને સૌને એક કારમી લપડાક છે, સમજીએ તો. ઘણા સદ્‌નસીબ કોરોનાગ્રસ્તો ઉત્તમ સેવા મેળવતા હશે તે કબૂલ, પરંતુ મોટા ભાગના જો ઊગરી જતા નથી, તો ભીષણ અસ્પૃશ્યતાનો અનુભવ કરતાં કરતાં પીડાદાયક મોતને વરે છે. દેશની અને દુનિયાની અસંખ્ય હોસ્પિટલોમાં જે ઉમદા સેવાભાવથી કોરોનાગ્રસ્તોની સેવાચાકરી થાય છે, તેના પર કોઈ શંકા નથી, પરંતુ કોરોનાવાઇરસના ચેપીપણાની ધાકથી કોરોનાગ્રસ્તોની જે હાલત થાય છે, તેનો આછો ચિતાર માત્ર આ છે. ટેલિવિઝન પર રઝળતા મૃતદેહો જોયા છે. શેરીઓમાં સળગાવાતા મૃતદેહો. થોકબંધ મૃતકોને લાદીને લઈ જતાં વાહનો. અડધો પલંગ પર ને અડધો હવામાં ઝૂલતો મૃતદેહ. આ બધું નજર સામેથી ખસતું નથી.

કોરોનાગ્રસ્તના મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જનારા જાણે કમને તૈયાર થાય છે.  જેને છૂટકો જ ન હોય તે સેવક થાય ઉપલબ્ધ તે માટે. પી.પી.ઈ. કિટ પહેરીને ઘૂમતા ઓળાઓ. મૃતદેહ પર ઠલવાતું જીવાણુનાશક રસાયણ. પૉલિથીન બૅગમાં મુશ્કેટાટ વસાતો મૃતદેહ. આખરી ઘડીમાં સામે કોઈ સ્નેહી-સ્વજનના ચહેરા નહીં. પીડાની ભયંકર ક્ષણો વચ્ચે આમતેમ ઘૂમતા અજાણ્યા આકારો. ચારે તરફથી વીંઝાતો નકાર, નકાર, નકાર. શ્વાસનળીમાં ફાટફાટ મૂંઝારો. અધખૂલી રહી ગયેલી આંખો બંધ કરવાની ય કોઈને નહિ હામ કે તમા. સંબંધોમાંથી છટકીને ક્યાં ય ઊપડતાં પગલાં. કોવિડ-સ્પેશિયલ સ્મશાનગૃહ સુધીની આખરી મુસાફરી. શેરીના ચોકનો વિરામ નહીં. ગામનાં પાદરની વિદાય નહીં. ચારરસ્તાનો નહીં પોરો. રસ્તા પરની ભીડને ખસેડતી કર્કશ સાઇરન અને આગળપાછળ ઊડતો સન્નાટો.

નહીં ગંગાજળ, નહીં તુલસીપત્ર. નહીં સ્વજનની પ્રાણપોક. સંબંધોનું સાવ અવાજ વિના ખરી પડવું. કોઈ વિધિવિધાન નહીં. નહીં મુખાગ્નિ. નહીં ઘીનો અભિષેક. નહીં જવતલ. માત્ર સન્નાટો અને ઉતાવળ. પૉલિથીન બેગમાં વીંટળાયેલું ગોટમોટ શબ બનતી ઝડપે ક્યારે કરી દેવાય લપકતી આગને હવાલે એ જ એક માત્ર લક્ષ્ય. કોરોનાવિષાણુઓથી ત્રસ્ત દેહ આગની જ્વાળાઓની ભડભડતી ચુપકીદીમાં ધીરે-ધીરે શમી જાય

નિશબ્દ આકાશ…?

૭, મુક્તાનંદ સોસાયટી, પો. ઓ. નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 16

Loading

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ગરીબોને ભીખ માંગવાની અનુકૂળતા રહેશે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 November 2020

કેવડિયા ખાતે, સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન બે દિવસ મહેમાન રહ્યા અને જુદા જુદા સત્તર પ્રોજેક્ટ્સનું એમણે લોકાર્પણ કર્યું. બધી રીતે ભવ્ય આયોજનો થયાં. આમ પણ વડાપ્રધાનને ભવ્યથી  ઓછું બહુ ખપતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ભવ્ય ઉદાહરણ છે. વડાપ્રધાન પોતે કરકસર કરીને આટલે સુધી આવ્યા છે. સરદાર પોતે બીજી અનેક જિંદગીમાં ન ખર્ચે એટલો ખર્ચ માત્ર એમના સ્ટેચ્યુ માટે થયો છે. એ રીતે એ એક ભવ્ય અંજલિ છે એની ના પાડી શકાશે નહીં.

આપણે જયંતીશૂરી પ્રજા છીએ. મહાનુભાવોની જયંતી પૂરતું શૂર આપણને છૂટે છે ને પછી સૂરસૂરિયું થઈ જાય છે. સરદાર જયંતી આવે છે એટલે એકદમ એમને વડા પ્રધાન નહોતા બનવા દેવાયા એ મુદ્દો ચર્ચામાં આવે છે. આવું વર્ષે વર્ષે વિશ્લેષકોને, ચેનલોને, છાપાંઓને યાદ આવે છે. એમાં નહેરુની વિરુદ્ધ પણ વાતો વાગોળાય છે. આની ટેવ પડી ગઈ છે ને કૉન્ગ્રેસને એની સામે ઘણું કહેવાનું હોય છે. સરદાર વડા પ્રધાન હોત તો આ દેશની તાસીર જુદી જ હોત, પણ જે બન્યું જ નથી ને જે હવે બને એમ જ નથી એનું કૂટ્યા કરવાથી દેશને શું લાભ છે તે સમજાતું નથી. સરદાર કે નહેરુએ જે કૈં કર્યું એને સંભારીને આગળ શું થઈ શકે એમ છે એ જ વિચારવાનું દેશને વધુ ઉપકારક થઈ પડે એવું નહીં?

વડાપ્રધાને કેવડિયાને વૈશ્વિક નકશા પર મૂકી દીધું છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકીને વિશ્વને કેવડિયા તરફ જોવાની બારી ખોલી આપી છે. એનાથી દેશના અને વિદેશના પ્રવાસીઓ કેવડિયા સુધી આવશે અને આ સ્થળ મોટું પ્રવાસન કેન્દ્ર બનશે એવી અપેક્ષા અસ્થાને નથી. આમ થશે તો સહેલાણીઓ માટે એક નવું સ્થળ હાથવગું થશે અને તેની આસપાસ હોટેલ ઉદ્યોગ ને અન્ય ઉદ્યોગો વિકસશે, અન્ય રહેવા-જમવાના કેન્દ્રોનો વિકાસ થશે તો રોજગારીની તકો વધશે ને કોરોના કાળમાં એમ થતું હોય તો તે અંતે તો દેશ હિતનાં ખાનામાં જ જશે.

રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક જુદો જ અર્થ મળ્યો છે. સરદારને આમ તો કોઈ સ્થાપનાની જરૂર નથી, પણ પુન: સ્થાપનનો આ પ્રયોગ હોય તો પણ તે આવકાર્ય છે. વડાપ્રધાને સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું અને પોતે કેવડિયાથી સાબરમતી રિવર ફ્રન્ટ સુધી, 45 મિનિટની મુસાફરી કરી પહોંચ્યા અને ત્યાં વોટર એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ સેવા એક સાથે 19 જણને પૂરી પડાશે. આવવા-જવાની મુસાફરીનો વ્યક્તિ દીઠ ખર્ચ 3,000 રૂપિયાનો હશે એમાં પણ શરતો લાગુ થાય તો ખર્ચ વ્યક્તિ દીઠ 5,000 સુધીનો પણ થઈ શકે.

આ ઉપરાંત જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે પણ ફી નક્કી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નાનાંની ફી 90 અને મોટાની 150 રૂપિયા છે. વ્યૂઇંગ ગેલરી માટે મોટાની ફી 380 તો નાનાની 230 જ્યારે એકતા ક્રૂઝ માટે 200 રૂપિયાની ફી રખાઇ છે. બટરફલાય ગાર્ડનમાં મોટા માટે 50 અને નાના માટે 40 રૂપિયા ફી છે. કેકટસ ગાર્ડનમાં નાના માટે 40 અને મોટા માટેની ફી 60 રૂપિયા છે. રિવર રાફટિંગમાં ફી 1,000 રૂપિયા છે, એકતા નર્સરીમાં મોટા માટે 30 અને નાના માટે 20ની ફી નક્કી કરાઈ છે. એ જ ફી વિશ્વ વનમાં અને આરોગ્ય વનમાં પણ પ્રવેશ માટેની છે. ચિલ્ડ્રન પાર્કમાં મોટા માટે 200 અને નાના માટે 125 નક્કી થયા છે. ઇકો બસની ફી 300 અને 250 નક્કી કરાઈ છે.  યુનિટી ગાર્ડનની ફી હજુ નક્કી નથી ને અહીં જે ફી દર્શાવાઈ છે એમાં પણ સુધારાને અવકાશ છે.

આ બધું જોતાં બે બાળકોને લઈને પતિ-પત્ની અમદાવાદથી કેવડિયા આવવાનું નક્કી કરે તો માત્ર મુસાફરીનો અને જુદી જુદી જગ્યાની મુલાકાતનો ખર્ચ, તથા રહેવા જમવાનો ખર્ચ લગભગ 30 હજારનો થાય. મધયમવર્ગના કુટુંબ માટે આ ખર્ચ ઓછો નથી. એની સામે, સામે પક્ષે ક્યાં ય રૂપિયાની પણ રાહતની કોઈ જોગવાઈ નથી. કમસે કમ બાળકોને તમામ ફીમાંથી મુક્તિ આપી શકાય. શિક્ષણથી માંડીને રમતગમત કે આવાં પ્રવાસન સ્થળોમાં બાળકોને માટે, નાની નાની બાબતો માટે પૈસાની જે ઉઘરાણી ચાલે છે એમાં હેતુ તો માત્ર કમાવાનો જ જણાય છે. એ ખાનગી સંસ્થાઓ પૂરતું સીમિત હોય ત્યાં સુધી તો કૈંકે સમજાય, પણ સરકાર પણ એમાં કોઈ રાહત ન આપે એ ઠીક નથી. બીજા તો લૂંટે, પણ સરકારે એમાં ભાગીદારી ન કરવી જોઈએ.

આખા દેશમાં વિકાસને નામે જે ચાલે છે તે અનેક રીતે પુનર્વિચારણાને પાત્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ દાખલો  લઈએ તો કેવડિયામાં જે વિકાસ થયો છે ને હવે 17 પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકાતાં થવાનો છે તે કોનો અને કેવો વિકાસ છે તે વિચારવાનું રહે છે. એમાં વિકાસ સરકારનો દેખાય છે ને સાથે જ પ્રોજેક્ટ્સ તૈયાર કરનારનો કે તેની ફી ઉઘરાવનારનો છે. એક મધ્યમ વર્ગના કુટુંબનો દાખલો ઉપર જોયો, જેમાં અમદાવાદથી કેવડિયા આવનાર પતિપત્ની અને બે બાળકોને અંદાજે 30,000નો ખર્ચ થાય. આ સાધારણ કુટુંબને કેટલું પરવડે એ વિચારવાનું રહે. એક જ રાજ્યમાં 300 કિલોમીટરના વિસ્તારમાં આટલો ખર્ચ કરવા ગુજરાતીઓ તો કદાચને તૈયાર થાય, પણ અન્ય રાજ્યો કે દેશમાંથી પ્રવાસીઓ કેટલા આકર્ષાય તે પ્રશ્ન રહે. શરૂઆતમાં ધસારો થાય પણ ખરો, પણ આવનારા સમય સંદર્ભે આખી વાતને જોવાની રહે.

એમ લાગે છે કે આપણી વિકાસની પરિભાષામાં સાધારણ માણસોને બહુ જ ઓછું સ્થાન છે. જે વિકાસ થાય છે તે ગણ્યાગાંઠયા મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓનો જ થાય છે. કંપનીઓ વિકાસ કરે છે ને બદલામાં સાધારણ માણસો ચૂકવણું કરે છે. એટલું છે કે સાધારણ માણસને સગવડો મળે છે, પણ તેની પાસેથી જે વસૂલાય છે તે ઓછું હોય તો પણ એટલું તો લાંબાગાળાનું હોય છે કે સરવાળે તો તે લૂંટાય જ છે. વધારે ન વિચારવું હોય તો ટોલટેક્સને જ યાદ કરી લેવો.

વિકાસથી સ્થાનિકોને ઓછામાં ઓછો લાભ થાય છે ને ગરીબોને તો આમ પણ સ્થાન હોતું નથી. હા, થોડા ભિખારીઓ કૈંક પામવામાં સફળ થાય એમ બને. કેવડિયામાં આસપાસના આદિવાસીઓ આ પ્રોજેક્ટ્સથી શું અને કેટલું પામશે એની રાહ જોવાની રહે.

આમ તો કોઈ પણ મોટા પ્રોજેકટો પ્રજાના હિતમાં સક્રિય થતા દેખાય છે, પણ સરવાળે તો હેતુ વધુને વધુ કમાણીનો જ હોય છે. કમાણીનો પણ વાંધો ન હોય, પણ કોઈ રાષ્ટ્રીય સ્મારક ઊભું કરીને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કેવળ નફાકારક ધંધાની રીતે જ જોવાય તો પેલું સ્મારક પણ ધંધાનો જ ભાગ થઈને રહી જાય છે એ ભૂલવા જેવું નથી.

કોઈ રાષ્ટ્રીય સ્મારક, પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસ પામે તો મુલાકાતીઓ વધે અને તેને અનુષંગે નાના મોટા ધંધાઉદ્યોગો વિકસે તો પ્રવાસીને જ એનાથી લાભ થવાનો છે ને એની યોગ્ય ફી  લેવાય તો તેનો ય વાંધો ન હોય, પણ ઉદ્દેશ આવનારની લાચારીનો લાભ ઉઠાવવાનો જ હોય ને એવું પાછું સરકારની રહેમ નજરથી ચાલતું હોય તો પ્રશ્ન આખા ય પ્રોજેક્ટની વિશ્વસનીયતાનો ઊભો થાય.

વડા પ્રધાન ગુજરાતના છે. અહીંની ભૂમિમાં ઊછર્યા છે. અહીં મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 17 જેટલા પ્રોજેકટ ખુલ્લા મૂકે અને આખી વિધિમાં કેવળ ત્રાહિત માણસની તટસ્થતાથી બધું પાર પાડતા દેખાય ત્યારે વડા પ્રધાન હોય તો તેણે આત્મીયતાનો ભોગ આપવો જ પડે એમ ગુજરાતી પ્રજાએ સ્વીકારી લેવું પડે. કમસેકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારના ઉપયોગ માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે તમામ ફીમાં રાહત કરવી જોઈએ. સરદાર રાષ્ટ્રના હતા એ સાચું, પણ સર્વપ્રથમ તો એ ગુજરાતના હતા, તે પણ ત્યારથી, જ્યારે ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વ પણ ન હતું.

ઇચ્છીએ કે સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી પ્રજા હિતમાં કોઈ નિર્ણય લે.

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર” દૈનિક, 02 નવેમ્બર 2020   

Loading

કૌન સે બાપુ?

મેહુલ દેવકલા|Opinion - Opinion|2 November 2020

બીજી સપ્ટેમ્બરના રોજ કોલકાતા ઇન્ટરનેશનલ કલ્ટ ફિલ્મફેસ્ટિવલના આયોજકોને ઇમેલ આવે છે કે, તમારી ફિલ્મ ‘‘કૌન સે બાપુ?’ શૉર્ટફિલ્મ કૅટેગરીમાં ઑફિશિયલ સિલેક્ટ થઈ છે. અમેરિકા, યુરોપ, કોરિયા, જાપાન, તાઇવાન, આરબ અને આફ્રિકન દેશો એમ દુનિયાભરમાંથી આવેલી લગભગ પાંચસો ફિલ્મોમાંથી ચુનંદા ફિલ્મોનું ઑફિશિયલ સિલેક્શન થયું હતું. પહેલી જ ફિલ્મ અને આવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મફેસ્ટિવલમાં સિલેક્શન સુધી પહોંચે એ રોમાંચની હવા ઓસરે એ પહેલાં તો પાંચમી સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ફાઇનલમાં પહોંચવાના સમાચાર આવે છે. બે દિવસ પછી સાતમી સપ્ટેમ્બરના રોજ વિવિધ વિભાગોમાં વિજેતાફિલ્મોની યાદી જાહેર કરવામાં આવે છે. ‘કૌન સે બાપુ?’-ને આઉટસ્ટૅન્ડિંગ એચિવમેન્ટ ઍવૉર્ડ જાહેર થાય છે.

બરાબર એક વર્ષ પહેલાંની વાત કહું તો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં ફિલ્મની સમગ્ર રૂપરેખા મારા મનમાં તૈયાર હતી. ૧૫૦મી ગાંધી-જયંતીના અઠવાડિયામાં હું અને ફિલ્મના સિનેમેટોગ્રાફર જયેશ ડેલીવાલા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકેશન-સ્કાઉટિંગ કરી આવ્યા. ફિલ્મનો એક ખૂબ જ મહત્ત્વનો સીન સાબરમતી આશ્રમમાં ફિલ્માવવાનો હતો, એટલે આશ્રમપરિસરમાં વિવિધ લોકેશન્સ જોઈ લીધાં. કેટલા વાગે કયા લોકેશન પર કેવો પ્રકાશ હશે, એ મુજબ ચોક્કસ ફ્રેમનું આગોતરું આયોજન કરી લીધું હતું. બહોળા અનુભવને કારણે જયેશભાઈ એક જ મુલાકાતમાં ફિલ્મની જરૂરિયાત અને મિજાજ બરાબર સમજી લે છે. અમે લોકેશન- સ્કાઉટિંગ પૂરું કરીને સાબરમતી આશ્રમના મુખ્ય ગેટની બહાર નીકળીએ છીએ, ત્યાં જ અમને અમારી ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર મળી જાય છે. આ પાત્રની વાત તત્પૂરતી રહસ્ય રાખીને ગાંધીજી વિશેની ફિલ્મનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો હતો, એની થોડી વાત કરી લઉં.

બાળપણમાં ‘સત્યના પ્રયોગો’ વાંચી એ સમયથી લઈને છેક કૉલેજકાળ સુધી વિવિધ તબક્કે ગાંધી વંચાતા ગયા તેમ જ એક વિચાર રૂપે સતત સાથે રહ્યા. મિત્રો જોડે જ્યારે પણ ગાંધીને અનુલક્ષીને સંવાદ થાય ત્યારે, ગાંધી વિરોધી મિત્રોને પહેલાં તો ‘સત્યના પ્રયોગો’ વાંચી જવા અને ત્યાર બાદ જ ડિબેટ કરવા સૂચવતો. એટનબરોની ગાંધી અસંખ્ય વાર જોઈ હશે. શ્યામ બેનેગલ નિર્મિત ‘મેકિંગ ઑફ મહાત્મા’ પણ અંદર સુધી સ્પર્શી ગઈ હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ એક પ્રોજેક્ટ માટે ગાંધી પર બનેલી ફિલ્મો અને લોકો પર એ ફિલ્મોની અસર વિશે મારો ઇન્ટરવ્યૂ કર્યો, ત્યારે નવેસરથી એ વિષય પર વિચારવાનું બન્યું. માર્ચ ૨૦૧૯માં પોરબંદર જવાનું બન્યું. કીર્તિમંદિર અને કસ્તૂરબાના નિવાસસ્થાનની મુલાકાતો લીધીઃ કીર્તિમંદિરમાં ગાંધીજી જે ઓરડામાં જન્મ્યા હતા એ જસ ને તસ સાચવેલો છે. દૂર કાઠિયાવાડના આ ડેલામાં જન્મેલો મોહન આગળ જઈને આવનારી આખી સદી માટે દુનિયાને કેવી બદલી નાખે છે, એ વિચારમાત્રથી રોમાંચિત થઈ જવાયું. દુનિયા આખીમાં અન્યાય સામે લડનારાઓને આજે પણ ગાંધીનું જીવન બળ પૂરું પાડે છે. ત્યારે એમના પોતાના દેશમાં એમને ચાર રસ્તે ઊભેલાં પૂતળાંઓ, દિવાલો પર ટીંગાયેલી તસવીરો અને ચલણી નોટોમાં કેદ કરી દેવામાં આવ્યા છે. એમના પોતાના દેશમાં ગાંધી ભુલાતાં જાય છે. સાથેસાથે એક વિચાર એ પણ આવ્યો કે ગાંધી વિશે કેટકેટલી ફિલ્મો બની ચૂકી છે અને અઢળક સાહિત્ય પણ રચાયું છે, પરંતુ હવે ગાંધી વિશે નવું શું કહી શકાય? અને ત્યાંથી આ ફિલ્મનું બીજ રોપાય છે. ગાંધીજી વિશે ક્યારે ય ના કહેવાયેલી વાત હળવી શૈલીમાં ફિલ્મમાં કહેવામાં આવી છે.

ફિલ્મની કલ્પના થઈ એ ક્ષણેથી જ મુખ્ય ભૂમિકામાં અભિનેતા અર્ચન ત્રિવેદીને કલ્પી લીધા હતા. અગાઉ પોરબંદરના જે પ્રવાસની વાત કરી, એમાં અર્ચનભાઈ પણ જોડાયા હતા. પહેલીવાર મળવાનું બન્યું અને મળતાવેંત મિત્ર બની ગયા. પોરબંદરમાં એમની સાથે સારો એવો સમય પસાર કરવાનું બન્યું. એમનાં નાટકનાં રિહર્સલ્સ જોયાં. ક્યારેક અર્ચનભાઈ જોડે કામ કરવું છે એમ મનોમન નક્કી કર્યું, પરંતુ એ આમ અચાનક અને એ પણ છ મહિનામાં જ શક્ય બનશે, એની એ સમયે કલ્પના નહોતી.

કટ ટુ અમદાવાદ. અર્ચનભાઈ અને જયેશભાઈની તારીખો મળ્યા બાદ ઑક્ટોબરમાં શૂટિંગ શરૂ થાય છે. પહેલા દિવસના શૂટિંગની એક રસપ્રદ વાત કરું. જૂના એલિસબ્રિજ ઉપર સૂર્યોદય પહેલાંનો એક શોટ લેવાનો હતો. કલાકારો અને બીજા ટેક્‌નિશિયન્સ સમયસર પહોંચી ગયા હતા, પરંતુ મારે વહેલીસવારે વડોદરાથી ડ્રાઇવ કરીને અમદાવાદ પહોંચવાનું હતું અને ધુમ્મસના કારણે મોડું થઈ ગયું. પહેલી ફિલ્મનો પહેલો શોટ ને હું મોડો પડ્યો હતો. હૃદયના ધબકારા વધી ગયા, પરંતુ જેવો લોકેશન પર પહોંચ્યો કે એમના ચિરપરિચિત ટીખળી અંદાજમાં અર્ચનભાઈ બોલી પડ્યા, ‘મેહુલ, હવે તો તું એક સફળ દિગ્દર્શક બનવાનો જ એ વાતમાં લગીરે શંકાને સ્થાન નથી. સફળ દિગ્દર્શકો કાયમ સેટ પર મોડા આવતા હોય છે.’ ખડખડાટ હાસ્ય સાથે ટીમમાં એક અનેરી ઊર્જાનો સંચાર થઈ જાય છે. એક સદી કરતાં પણ જૂના એલિસબ્રિજ પરનો એ શોટ ધાર્યા પ્રમાણે ઓકે થઈ જાય છે.

અમદાવાદના ઘણાં ઐતિહાસિક સ્થળો પર ફિલ્મ શૂટ થઈ છે. સાબરમતી આશ્રમના શૂટિંગની વાત કરું તો ચાલુ દિવસમાં શૂટિંગ હતું અને શાળાનાં બાળકો અને બીજા મુલાકાતીઓની સારી એવી ભીડ હતી. આશ્રમના કૉમ્યુનિકેટર પ્રતિમા વોરાએ રસ લઈને શૂટિંગ દરમિયાન ખૂબ મદદ કરી. અર્ચનભાઈને લગભગ પંદર મિનિટમાં તો ચરખો કાંતતા શિખવાડી દીધું.

સંગીત આ ફિલ્મનું એક ખાસ પાસું છે. મારે ‘વૈષ્ણવજન’નું વાંસળી પર વાદ્યગાન જોઈતું હતું અને એ પણ અમારી ફિલ્મ માટે ઓરિજિનલ રેકૉર્ડ કરેલું. બજેટ ઓછું હતું એટલે સ્ટુડિયો પોસાય એમ હતો નહિ. મિત્ર જગદીશ મહેતા વ્હારે આવ્યા. એમના મિત્રો વિવેક ઝાલા અને અન્ય વાદ્યકારોએ પોળના મકાનમાં જ વહેલી સવારે શાંત વાતાવરણમાં વૈષ્ણવજન રેકૉર્ડ કર્યું અને સાંભળતાંની સાથે જ લાગ્યું કે મારે જે જોઈતું હતું એ મળી ગયું છે. તમે તમારા ઘરમાં બેઠા હો અને પડોશમાં કોઈએ વાંસળી પર વૈષ્ણવજન છેડ્યું હોય અને એના સૂર તમારા કાન સુધી પહોંચે, ત્યારે જે અનુભૂતિ થાય એ તદ્દન ‘રૉ’ સ્વરૂપ મારે જોઈતું હતું, જે મળી ગયું.

અને હવે, શરૂઆતમાં જે પાત્ર અંગે રહસ્ય રાખ્યું હતું, એની વાત. એ કલાકાર કે જે અમને સાબરમતી આશ્રમના દરવાજે મળી ગયા હતા એમનું નામ છે સંજય રાજપૂત. તેઓ રિક્ષાચાલક છે. હું શરૂઆતથી જ ઇટાલિયન નિઑ-રિયાલિઝમ અને સત્યજીત રેની ફિલ્મોથી પ્રભાવિત થયો છું. મારી પહેલી ફિલ્મમાં ગાંધીજી અને સત્યજીત રે બંનેને ટ્રિબ્યૂટ રૂપે એક ‘સામાન્ય માણસ’ને અભિનય કરાવવો હતો. અને એ કૉમનમેન મને સંજય રાજપૂતમાં જડી ગયો. અર્ચનભાઈ જેવા ખમતીધર કલાકાર સામે ખૂબ જ ઓછા ટેકમાં એમણે સારું કામ કર્યું છે. ફિલ્મનું એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન જયેભાઈના ઘરે જ બનાવેલા સ્ટુડિયોમાં કરવામાં આવ્યું.

આ વર્ષે જાન્યુઆરીમાં કોલકાતા લિટરેચર ફેસ્ટિવલમાં કાવ્યપાઠ માટે જવાનું બન્યું હતું. સત્યજીત રેની લગભગ તમામ ફિલ્મોમાં નાયકની ભૂમિકા કરનાર વિશ્વવિખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી જોડે કોલકાતામાં ગોષ્ઠિ થઈ. એમને મારી ફિલ્મ બતાવી. એમણે વખાણના બે શબ્દો કહ્યા એટલે કંઈક સારું કામ થયાનો અંદરથી રણકો વાગ્યો. એમની સાથે સાબરમતી આશ્રમ, ગાંધી અને ટાગોર વિશે પણ ઘણી વાતો થઈ. એ બધું ફરી ક્યારેક.

‘કૌન સે બાપુ?’ ભલે શૉર્ટફિલ્મ રહી, પરંતુ એના અનુભવો લખવા બેસું તો પાનાં ઓછાં પડે. અર્ચનભાઈ અને જયેશભાઈ જોડે કામ કરતાં-કરતાં જ ફિલ્મમેકિંગની ઘણી બારીકીઓ સહજતાથી શીખવા મળી, જે કદાચ કોઈ ફિલ્મ સ્કૂલમાં શીખવા ન મળે. ફિલ્મનો બીજા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ્સમાં પ્રવાસ હજુ ચાલુ છે. એટલે ઑનલાઇન આવતાં થોડા મહિના નીકળી જશે. તો મળીએ છીએ નજીકના ભવિષ્યમાં નવા વિષય અને ફિલ્મ સાથે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 12

Loading

...102030...2,1632,1642,1652,166...2,1702,1802,190...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved