Opinion Magazine
Number of visits: 9680606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંયુક્ત રાષ્ટ્ર સંઘ : પોણી સદીના વળાંકે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 October 2020

પોણી સદી વટાવી રહેલી વિશ્વ સંસ્થા ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ની હયાતી પર જ ખતરો ઊભો થયાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં મળેલી યુ.નો.ની જનરલ એસેમ્બલીમાં સભ્ય દેશોએ ‘યુનો’ની પ્રાસંગિકતા પર સવાલો ઉઠાવી, તેણે નવા પડકારોને અનુરૂપ પરિવર્તનો કરવા પડશે, તેમ જે જણાવ્યું તેને કારણે આ વિશ્વ સંસ્થાની કામગીરી ચર્ચામાં આવી છે.

બીજા વિશ્વ યુદ્ધની ભયંકર વિભીષિકાથી ત્રસ્ત વિશ્વમાં ૨૪મી ઓકટોબર ૧૯૪૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વયુદ્ધના વિજેતા રાષ્ટ્રોની પહેલથી રચાયેલી આ વિશ્વ સંસ્થાનો, ‘શાશ્વત શાંતિ જ હવે સહુને ખપે છે અને એ સર્જવા વિશ્વના અમે સૌ પ્રજાજનો કટિબદ્ધ છીએ’, એવી ઘોષણા સાથે આરંભ થયો હતો. આંતરરાષ્ટ્રીય કાનૂનને સગવડભર્યા બનાવવામાં સહયોગ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકાર અને વિશ્વ શાંતિ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ ઉદ્દેશ છે. આરંભે માત્ર ૫૦ જ દેશો તેના સભ્યો હતા આજે ૧૯૩ દેશો સભ્ય છે. આ એક જ બાબત આ વિશ્વ સંસ્થાની જરૂરિયાત અને અનિવાર્યતા દર્શાવે છે.

યુ.નો.ની પંચોતેર વરસની કામગીરીનું સરવૈયુ માંડીએ તો ઘણી નિરાશા હાથ લાગે. પણ તેની મહત્ત્વની સિદ્ધિ એ છે કે દુનિયામાં નાના-મોટા યુદ્ધો, ગૃહ યુદ્ધો, હિંસા અને આતંક છતાં કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ થયું નથી. સતત યુદ્ધગ્રસ્ત રહેતા વિશ્વને ત્રીજા યુદ્ધના સકંજાથી મુક્ત રાખવું એ કામગીરી નાનીસૂની નથી. આણ્વિક યુદ્ધનો ખતરો દૂર કરી નિ:શસ્ત્રીકરણ સ્થાપવું એ યુ.નો.નું પ્રમુખ કર્તવ્ય છે, જેમાં એને ઝાઝી સફળતા મળી નથી. વધુને વધુ ભયંકર શસ્ત્રોનો ખડકલો વિશ્વમાં થતો રહ્યો છે. વિશ્વના સંરક્ષણ બજેટો વધી રહ્યા છે. શાંતિ, નિશસ્ત્રીકરણ, વિશ્વ બંધુત્વની ભાવના પ્રસરાવવામાં તે સફળ થયું નથી. તો મોટા ફલકના યુદ્ધો નિવારી પણ શકાયા છે.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા ખટપટ અને કાવાદાવાનું ધામ બની ગયું છે અને સમૃદ્ધ રાષ્ટ્રોનો તેના પર અંકુશ છે તે આલોચના સ્વીકારીને પણ કહી શકાય કે શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય જેવી બિનરાજકીય પ્રવ્રુતિઓમાં તેણે મોટી સિદ્ધિઓ મેળવી છે. ૨૦૨૦નું શાંતિનું નોબેલ યુ.નો.ની જ સંસ્થા વર્લડ ફૂડ પ્રોગ્રામને મળ્યું છે. દુનિયાને ભૂખમરામુક્ત કરવાના યુ.નો.ના પ્રયત્નમાં તેને શાંતિના નોબેલની નવાજેશ થાય, તે તેના પંચોતેરમા વરસની ઉજવણીની મોટી વધામણી છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો વચ્ચે ભારે અસમાનતા પ્રવર્તે છે. થોડા દેશો બહુ સમૃદ્ધ છે તો ઘણા દેશો અતિ ગરીબ છે. ગરીબી, બેકારી, કુદરતી અને માનવસર્જિત આફતોના સતત ભોગ બનતા ગરીબ દેશો માટે યુ.નો.ની સભ્ય ફી ભરવી તો ઠીક અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ છે. ‘સહિતો’ અને ‘રહિતો’ કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર મિટાવવું અને દરેક સભ્ય દેશોને સમાન બનાવવા તે મોટો પડકાર છે.

પંચોતેર વરસ પૂર્વેની રચનાકાળની સ્થિતિ અને પડકારો પણ હવે બદલાયા છે. જો કે તેને અનુરૂપ ફેરફારો ‘યુ.નો.’ની કામગીરી અને નિર્ણય પ્રક્રિયામાં થતા નથી તેવી વાજબી ફરિયાદ ભારત સહિતના સભ્ય દેશોએ આ વરસના વાર્ષિક અધિવેશનમાં કરી છે. ‘યુ.નો.’માં સમૃદ્ધ રાષ્ટ્રોની જોહુકમી અને સત્તાઓ કઠે એવાં છે. સલામતી સમિતિમાં એવો નિયમ છે કે તેના પાંચ કાયમી સભ્યો, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનની,  સર્વસંમતિથી જ કોઈ નિર્ણય લઈ શકાય છે. કોઈ નિર્ણય અંગે પાંચમાંથી એક પણ દેશ સંમત ન હોય તે પોતાની અસંમતિ માટે વીટો કહેતાં નિષેધાધિકારનો ઉપયોગ કરી શકે છે. આ સત્તાને લીધે આ પાંચ કાયમી દેશો જ નિર્ણયો પર હાવી રહે છે. તેમની આડોડાઈને લીધે સલામતી અને વિશ્વશાંતિનું સ્વપ્ન સાકાર થઈ શકતું નથી. છેલ્લી પોણી સદીમાં સમૃદ્ધ દેશોની વ્યાખ્યા અને સ્થિતિ બદલાઈ છે. જ્યારે માત્ર ૫૦ જ દેશો સભ્ય હતા ત્યારે પણ વીટો સત્તા પાંચ દેશોને હોય અને આજે ૧૯૩ દેશો સભ્યો છે ત્યારે પણ પાંચ જ દેશો વીટો પાવર ધરાવતા હોય તે સ્થિતિ અકળાવનારી છે. ભારતની વરસોથી માંગ રહી છે કે સલામતી સમિતિનું કાયમી સભ્યપદ તેને મળે પણ હજુ તે માંગ સ્વીકારાતી નથી.

ભારત આરંભથી જ યુ.નો.માં જોડાયેલું છે. વર્સેલ્સ-કરાર પર હસ્તાક્ષર કરીને ભારતે યુ.નો.નું સ્થાપક સભ્યપદ મેળવ્યું હતું. ૧૯૪૫ની સાનફ્રાન્સિસ્કો સભામાં ઉપસ્થિત રહી, સ્થાપક સભ્યની હેસિયતથી તેણે યુ.નો.ના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને મજબૂત લોકતંત્ર ધરાવતો ભારત દેશ ક્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદની પ્રતીક્ષા કર્યા કરશે ? એવો સવાલ પ્રધાન મંત્રીએ આ વરસની જનરલ એસેમ્બલી સમક્ષ  ઉઠાવ્યો છે.

જનરલ એસેમ્બલીમાં અમેરિકા અને ચીન વચ્ચેના મતભેદો પણ જોવા મળ્યા કોરોના મહામારીમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા પક્ષપાતી અને અકર્મણ્યતાની હોવાની પણ રાવ ઊઠી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના મહામારીને ફેલાતી રોકવામાં કે તેની સમયસર જાણ ન કરવામાં ચીનની બેદરકારીને અવગણી છે તેવી ફરિયાદ કરીને અમેરિકાએ ‘હુ’ના ફંડમાં કાપ મૂકવા સુધીના પગલાં લીધાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવે તમામ સભ્ય રાષ્ટ્રોને મહામારીના કાળમાં સ્વાર્થથી મુક્ત થવા, લોકરંજની અને રાષ્ટ્રવાદમાં મહામારીને ન ખેંચી જવાનું આહ્વાન કરતાં અનુરોધ કર્યો છે કે આગામી સો દિવસ તમામ સભ્ય દેશો આપસી મતભેદો, વિવાદો, ટકરાવો ભૂલીને કોરોના વાઈરસ અને તેને કારણે સર્જાયેલ સમસ્યાઓને ઉકેલવામાં ગાળે.

કોરોનાકાળના સંયુક્ત રાષ્ટ્ર સંઘના પંચોતેરમા વરસે વિશ્વ એક એવા વળાંકે આવીને ઊભું છે કે તેણે મહામારીને નાથવા વિશ્વસ્તરના સહિયારા અને સામટા પ્રયાસો કરવાની જરૂર છે. સરહદ અને સંસાધનોની માલિકીના વિવાદો  કરતાં માનવજાતના અસ્તિત્વને બચાવવાની આજે તાતી જરૂર છે. આપણી પાસે ‘યુ.નો.’ જેવી એક વિશ્વ સંસ્થા છે તેની આમન્યા અને આણ સ્વીકારીને મહામારીનો સહિયારો મુકાબલો કરીએ તે જ યુ.નો.ની પંચોતેરીની સાર્થક ઉજવણી ગણાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

અમોલું વન્ય જીવન

પ્રભુદાસ છગનલાલ ગાંધી|Opinion - Opinion|21 October 2020

ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પછીની ટૂંકે, તાજેતરે, મહાત્મા ગાંધીના એક પૌત્ર, ગોપાળકૃષ્ણ ગાંધીએ, અતિથિ વિશેષ તરીકે, ‘સ્થાપનાદિવસ વ્યાખ્યાન’ આપ્યું. એમણે ગામડાં ભાંગ્યાં અને શહેરો વધ્યાંની વિપરીત પરિસ્થિતિને સાંપ્રત જીવનની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. વિષદ ચર્ચા માંડતા ચોમેર હરણફાળે વધી રહેલાં શહેરીકરણની ઊંડી આલોચના ગોપાળભાઈએ કરી હતી.

ગોપાળભાઈના એક પિત્રાઈ, પ્રભુદાસ છગનલાલ ગાંધીએ, આશરે 1922 ચોપાસ આ લખાણ ‘મધુકર રાજા’ તરીકે "મધપૂડો" માટે કરેલું. એવી જ વાત, એવો જ ઈશારો. હવે તે લખાણ ‘જીવનનું પરોઢ’ નામે આપણા એક શિષ્ટ ગ્રંથમાં આમેજ છે. તે અહીં સૌજન્યભેર સાદર કરીએ. − વિ.ક.

•••••

… … બહાર ઊભા ઊભા પેલા કૂબામાં મેં નજર ફેંકી એ અશિષ્ટતા પણ મને ખૂંચી અને એ ઝૂંપડામાં જે મળે એની સાથે દોસ્તી કરવાનું મને મન થયું. અને એક ખૂણામાં સાવ નાની છાપરી નીચે મારાથી જરાક મોટી ઉંમરની છોકરીને મેં જોઈ. હું એની પાસે જઈ ઊભો રહ્યો. એ મોટી છીપરડી ઉપર મકાઈની ઢગલી મૂકીને એક ભારે વાટણિયા વડે મકાઈના દાણા વાટી રહી હતી. મકાઈ વટાતી જોઈને મને નવાઈ લાગી. છીપરડીની બાજુમાં મકાઈનો મોટો બધો ઢગલો પડ્યો હતો અને મકાઈને વાટીને ઝીણી ચટણી જેવી એ બનાવી દેતી હતી. હતી તો એ છોકરી જ, ને દેખાવે પણ મારા જેવડી નાની અને પાતળી, પણ એનું જોર જોઈને હું ચકિત થઈ ગયો. મને તો એ વાટણિયો ફેરવવો પણ અઘરો પડે એટલો ભારે એ હતો પણ એ હબસી છોકરી રમકડાની જેમ એને નચવી રહી હતી અને ઝપાટાબંધ મકાઈ વાટી રહી હતી. હું પાસે જઈને ઊભો રહ્યો તોયે એને ઊંચું જોવાની ફુરસદ ન હતી. મેં સવાલો પૂછ્યા એના જવાબ પણ એણે પોતાનું કામ જરાયે અટકાવ્યા વિના આપ્યા.

અમારા સવાલજવાબનો સાર આ હતો :

‘આ મકાઈ શા માટે પીસો છો?’

‘પુપ્પૂ બનાવવા.’

‘તે તમે ચક્કીમાં મકાઈ ન દળાવો?’

‘અહીં ચક્કી ક્યાં છે? અમે તો આમ જ કરીએ.’

‘આમાં વખત કેટલો બધો લાગે !’

‘વખત શાનો વળી ! આ વટાઈ ગઈ, જો. રોજ તાજી વાટીને કરીએ એટલે પુપ્પૂ બહુ સરસ થાય.’

એ છોકરીને મેં આમ બેચાર સવાલ પૂછ્યા એટલી વારમાં મારો બીજો સાથી પણ ત્યાં જ આવી પહોંચ્યો. એનું ધ્યાન પહેલાં અમે માથેથી ઉતારેલું પતરું થાંભલા પર સરખું ગોઠવવામાં હતું. એણે આવીને મને વધુ સમજાવ્યું કે આ લોકોને ઘંટી બંટી બનાવતાં આવડે જ નહીં. બિચારાં રોટલાયે કરી જાણે નહીં. બસ આ વાટેલી મકાઈનું પુપ્પૂ, કોળાનું બાફેલું શાક અને જ્યારે વધુ ઇચ્છા થાય ત્યારે શિકાર કરી આણેલા જાનવરનું માંસ એટલો એમનો ખોરાક. મરીમસાલા પણ આ લોકો ખાઈ ન જાણે. એટલે જ તો આપણા કરતાં વધારે જંગલી ગણાય છે ! મારો સાથી મારા કરતાં મોટો હતો અને હબસી બોલી પણ ઠીક ઠીક જાણતો હતો. એણેયે થોડીક વાતો પેલી છોકરી સાથે કરી અને ઝૂંપડું કેવડું, તમે કેટલાં વગેરે કંઈક પૂછ્યું. એ બધા સવાલજવાબ મને યાદ નથી પણ એટલું યાદ છે કે એ ઝૂંપડીએ વિસામો ખાઈને પછી આગળ વધ્યા પણ મારા નાનકડા મગજમાં એ જાતના જીવન વિશે વિચારો આવ્યા જ કર્યા.

કેટલો સાદો ખોરાક અને કેવું સરસ શરીર! આપણે ખાવાના નિયમો પાળીએ, અસ્વાદવ્રત સેવીએ અને ઘણું કરીએ છતાં આપણી રસોઈમાં કેટલી બધી પંચાત પડે! આડણી વેલણ, લોઢી, સાણસી, એમ કેટલાંયે વાનાં જોઈએ. આમને બે પથરામાં આખું રસોડું સમાઈ જાય. આપણો જીવ દાળ, શાક, કઢી ને એવી બીજી મઘમઘતી ચીજો પાછળ ભમ્યા કરે; આ લોકોને એની કશી પરવા જ નહીં.

હજુ પણ એ ઝૂલુ બાળાના સરળ જીવનની યાદ આવે છે ત્યારે મને થાય છે કે એ લોકોનું એ વન્ય જીવન ખરેખર અમોલું છે. તેઓ પશુઓનો શિકાર કરીને ખાય તથા વાંચી-લખી ન જાણે કે ધર્મની વાતો ન કરી શકે એ દૃષ્ટિએ ભલે વગર સુધરેલા ગણાય, પણ આનંદ, સંતોષ તથા પહેલું સુખ ને જાતે નર્યાની દૃષ્ટિએ તેઓ આપણા કરતાં ચડિયાતા જ લેખાય.

[‘જીવનનું પરોઢ’, આવૃત્તિ : માર્ચ 2009; પૃ. 529-531] 

Loading

નફરતના અંગાર વચ્ચે

કમલેશ ઓઝા|Opinion - Opinion|21 October 2020

નફરતના અંગાર વચ્ચે જીવ્યો છું
ને સતત આઘાત વચ્ચે જીવ્યો છું
છું હું દલિત, તેની મને ક્યાં ખબર હતી ?
ધકેલ્યો, તમે મને હાંસિયામાં ત્યારે, ખબર પડી હતી
ધૃણા, તિરસ્કાર, ને અભાવો વચ્ચે અપમાન ઘણા સહ્યાં, અમે ભાઇ
પણ હવે રાંક, ભીરુ, બાપડા રહેવાનાં નથી, અમે કદી’
સતત તૂટવું, ઓગળવું, હવે થઇ જશે ભૂતકાળ અમારો
આગ થઇ, સામે, તમારી હવે ભડકો થઇ રહીશું અમે
વેદનાના કૂવામાં ક્યાં સુધી ડુબ્યા કરીએ, ભલા
માણસ છીએ હો, બસ, હવે તો માણસ થઇ રહીશું અમે.

તા. ૧૬-૩-૨૦૧૭

e.mail : koza7024@gmail.com

Loading

...102030...2,1572,1582,1592,160...2,1702,1802,190...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved