Opinion Magazine
Number of visits: 9747685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સવર્કરની સંગાથેઃ મહોરાં ઉતારતા અનુભવો

ખેવના દેસાઈ|Opinion - Opinion|14 November 2020

સૌપ્રથમ તો પ્રામાણિકપણે એક કબૂલાત કરવી પડે. હું ‘નિરીક્ષક’ની જૂની વાચક નથી. અલબત્ત, આ બાબત ગુજરાતી જાણતી એક સમાજશાસ્ત્રની વિદ્યાર્થિની માટે અજ્ઞાનથી વધુ કશું જ ન કહેવાય. કોરોનાકાળમાં ડિજિટલ સ્વરૂપે અવતર્યા પછી જ ‘નિરીક્ષક’ સાથે ઘરોબો બંધાયો છે અને આ પરિચય એક ધરપત લઈને આવ્યો છે કે ગુજરાતી ભાષામાં પણ સમાજનો અરીસો દેખાડે એવું કશુંક નિર્ભીક રીતે છપાય છે. વર્ષોથી સાતત્યપૂર્ણ રીતે છપાયું છે. સૂચિમાં આવરી લીધેલા લેખકોનાં નામ તેમના ‘નામ’ને લીધે નહીં, પણ કામ અને અભ્યાસપૂર્ણ અભિપ્રાયને કારણે છે, એ ‘નિરીક્ષક’નો પાયાનો નિયમ રહ્યો છે. આખા ય લૉકડાઉનકાળમાં ગુજરાતી અને ઇતર ભાષામાંથી અનુવાદિત થયેલ લેખ-કાવ્યો ન્યૂઝ કે વ્યૂઝ નથી પણ reflected realityના reviews છે એ પ્રતિદિન સાબિત થતું ગયું. જે સર્વવિદિત નથી, સર્વસ્વીકૃત નથી પણ તળની હકીકત છે એવી વિચારપ્રેરક વાંચનસામગ્રીનું સરનામું એટલે ‘નિરીક્ષક.’

અને જેમ ‘નિરીક્ષક’ ફક્ત ધૂળધોયાનું નહીં પણ મગજ પર બાઝેલી દંભની ધૂળ ખંખેરવાનું કામ કરે છે, એવું જ કામ કર્યું છે ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. ગૌરાંગ જાનીએ. એમણે સમાજે જેને અયોગ્ય, અનૈતિક કે અસ્વીકૃત વ્યવસાય અથવા તો બદી ગણ્યો એવા વેશ્યાવ્યવસાયના આંતરિક વિશ્વને ઉજાગર કર્યું છે. આજથી લગભગ બે-અઢી  દાયકા પહેલાં જ્યોતિસંઘ સાથેના પ્રોજેક્ટની શરૂઆત તો AIDS prevention માટે કરી હતી. પણ એ સફરમાં ગૌરાંગભાઈને થયેલા અવિસ્મરણીય, ક્યાંક હૃદયસ્પર્શી, ક્યાંક હૃદયવેધક અનુભવોનું ભાથું એમણે પહેલા ફેસબુક પર વહેંચ્યું. ’નિરીક્ષક’ની પારખુ નજરે એની નોંધ લીધી અને ૧લી સપ્ટેમ્બરથી એક શ્રેણીબદ્ધ ઉપક્રમ સાથે ‘સેક્સવર્કરની સંગાથે’ આપણને જોડી આપ્યા. સમયાંતરે થયેલ અનુભવોમાં ક્યાંક આશા, તો ક્યાંક અરેરાટી, ક્યાંક એક આખા વર્ગને હાંસિયામાં ધકેલી દીધાનો આક્રોશ, તો કયાંક નિષ્ઠાપૂર્વક થયેલ કાર્યનો સંતોષ છલકાતો હતો. અને એ બધા જ અનુભવ જાણે આપણા સમાજનાં અજ્ઞાન, આભડછેટ, દંભ, અપ્રામાણિકતા અને સંકુચિત માનસનાં મહોરાં એક પછી એક ઉતારતા હોય એવું લાગતું.

The sociology of other, from below, of marginalised વિશે ગુજરાતીમાં ચર્ચાઓ ઘણી થાય છે, પણ નક્કર કામ ઓછું. આવું ભગીરથ અને કપરું કાર્ય, એ પ્રત્યેની નિષ્ઠા અને એ અનુભવ પ્રામાણિકપણે વહેંચવાની જહેમતને તો સલામ આપવી ઘટે જ, પણ સત્તા કે સત્તાધારી વિરોધી જ નહીં, સત્ય તરફી અને સમાજલક્ષી લખાણને આ રીતે વધાવવા અને વહેંચવા માટે ‘નિરીક્ષક’ને અભિનંદન. સામાજિક નિસબત ધરાવતા લખાણનો હેતુ ફક્ત માહિતી પીરસવાનો નહીં, પણ ક્રાંતિનાં બીજ રોપવાનો કે દૃષ્ટિકોણ બદલવાનો હોય છે. ‘સેક્સવર્કરની સંગાથે’ વાચકને ફક્ત ‘food for thought’ જ ન પીરસીને અભિગમ બદલવાનો પ્રયાસ બની રહે એ આશા તો ખરી જ. સાથે ગુજરાતીમાં જ્વલ્લે જ મળતું આવું લખાણ પુસ્તક રૂપે પણ પ્રગટ થાય એવી શુભેચ્છાઓ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 16

Loading

બોલ વાલમના ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 November 2020

દસમી નવેમ્બરે સવારે ઊઠ્યો ત્યારે રામ અમલમાં જરીક વધુ જ રાતોમાતો હતોઃ હમણાં બિહાર વિધાનસભાનાં પરિણામો આવવા લાગશે અને સઘળા ઍગ્ઝિટ પોલ મુજબ એક સોજ્જો વિકલ્પ ઊભરશે. શિયાળુ સવાર એટલે મનમાં કાવ્યપંક્તિ પણ રમતી હતી કે ‘ઇફ વિન્ટર કમ્સ, કૅન સ્પ્રિંગ બી ફાર બિહાઇન્ડ’ – એક વાર શિયાળુ સમીર અનુભવાય પછી વાસંતી વાયરા ઓછા કંઈ દૂર હોવાના હતા …

અને આ કાવ્યપંક્તિને વિશ્વના અમેરિકી છેડેથી અનુમોદના પણ હતી સ્તો. ટ્રમ્પ ગયા ને બાઈડન આવ્યા એ કંઈ નાની વાત તો નહોતી. તો હવે અહીં બિહારમાં પણ એવું કાં નવ બને? એક કાળે એન.ડી.એ. વર્તુળોમાં વૈકલ્પિક વડાપ્રધાન લેખે ઊંચકાયેલા નીતિશને હિસ્સે, પછી, ગઢ પટણા સંભાળવાનો આવ્યો-અને આગળ ચાલતાં દિલ્હીના નમો સત્તાપ્રતિષ્ઠાન સાથે જુનિયર જેવા સિનિયર સાથી બની રહેવાની એમની નિયતિ રહી. બી.એસ.પી. કહેતાં બીજલી-સડક-પાની એવી વાસ્તવિક સમસ્યાઓને અગ્રતાનું રાજકારણ ને શાસનકારણ એમણે ખીલવ્યું ત્યારે ખીલવ્યું પણ છેવટ જતાં ભા.જ.પ.ના ભડકાઉ રાજકારણ સાથે નિમાણે મોઢે એમણે નભાવી લેવાનું રહ્યું-અને પ્રચારદોરમાં છેલ્લે છેલ્લે તો આ મારી છેલ્લી ચૂંટણી છે એવી દયાની અરજ પણ આગલી કામગીરીના ઉજાસમાં એમણે ગુજારી.

બિહારમાં કર્પુરી ઠાકુરથી શરૂ થઈ લાલુ યાદવના અમલમાં સામાજિક ન્યાયની રાજનીતિએ ઠીક કામ આપ્યું અને એનાં સારાં પરિણામો પણ ભ્રષ્ટાચારની ફરિયાદ વચ્ચે અને છતાં જોવા મળ્યાં. ગુજરાતપ્રવેશ સાથે નમોએ મંડલમંદિર યુક્તિનું જે રાજકારણ ખેલી જાણ્યું એમાં હિંદુત્વ ખયાલમાં સામાજિક ન્યાયની દિશા પકડવાની અનિવાર્યતાનો સ્વીકાર હતો તે અહીં સાંભરે છે. ૨૦૧૨ની ગુજરાત ફતેહની હૅટ્રિક સાથે નમોએ મંડલમંદિર યુક્તતાને એક નવો મરોડ આપ્યો, અને નવયુવા મધ્યમવર્ગને (એની એસ્પિરેશન્સને) વિશેષ અપીલ કરી. ૨૦૧૪માં દિલ્હી પહોંચતાં એમનું હિંદુત્વ વિકાસના વરખમાં લપેટાઈ ખપાઉ માલ બની ચૂક્યું હતું-અને પ્રચારના ઉજાસમાં (વાસ્તવિકતા પર અંધારપટ સાથે) ‘ગુજરાત મૉડેલ’ દિલ્હીના રાજકીય મીનાબજારમાં હૉટ કેક પેઠે ખપવા લાગ્યું હતું તે આપણે આ વરસોમાં જોયું છે.

બિહારમાં, એન.ડી.એ.ના વૈકલ્પિક વડા પ્રધાન હોઈ શકતા નીતિશના અમલમાં બી.એસ.પી. ફૉર્મ્યુલાની ઠીક માવજત છતાં નવયુવા મધ્યમવર્ગ માટે કશુંક ખૂટતું હતું. એમના ને નમોના જોડાણમાં પણ એનો જવાબ કદાચ નહોતો. ચિત્રમાં તેજસ્વીનું આવવું એ આ જવાબનું આવવું હતું : સામાજિક ન્યાયની રાજનીતિને (એની સાથે ગંઠાયેલ કે ગૂંથાયેલ નાતજાતની રાજનીતિને) એણે, રોજગારના સવાલ સાથે સાંકળી આર્થિક ન્યાયનો મુદ્દો આગળ કર્યો. સેક્યુલર સંભાવનાઓનું એનું રાજકારણ દેશજનતાએ જરૂર સમજવા જેવું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે આંતરરાષ્ટ્રીય સ્તરના અર્થવેત્તાઓની પરીક્ષામાંથી પસાર થઈ ન્યૂનતમ આય કહેતાં ‘ન્યાય’નું જે મૉડેલ આગળ કર્યું હતું તે પણ આ સંદર્ભમાં સંભારવાજોગ છે. ૨૦૧૨માં નરેન્દ્ર મોદીએ જે વાનું આગળ કર્યું હતું- ‘એસ્પિરેશનલ મિડલ ક્લાસ’નું-એની આ બીજે છેડેથી થયેલી પરિણતિ હતી. નમો-નીતિશ યુતિ સામે એણે દેખીતી હાર છતાં ઠીક કાઠું કાઢી બતાવ્યું એમ કહેવું તેમાં માત્ર અને માત્ર વાસ્તવકથન છે.

આ ધોરણે, છેલ્લાં દસપંદર વરસના પટ પર વિચારીએ ત્યારે, સમજાય છે કે ભાવનાભડકાઉ રાજકારણ-છૂટ લઈને કહીએ તો કથિત રાષ્ટ્રવાદનું કે કથિત સામાજિક ન્યાયનું રાજકારણ-ક્યારેક સહજમૃત્યુ પામે છે, સિવાય કે નક્કર આર્થિક સામાજિક કાર્યક્રમના ધરાતલ પર તમે કોઈક વિચાર અને વ્યવહારની ભૂમિકા વિકસાવો. આ રીતે જોઈએ તો રામઅમલમાં રાતામાતા જેવી જે સવાર મંગળવારે હતી, તેને સારુ ભોંયપછાડ કલ્પવાની કોઈ જરૂર કદાચ નથી ને નહોતી. હિંદુત્વ અગર નકરી નાતજાત કે પછી મંડલમંદિર યુક્તતાથી કંઈક હટીને, કંઈક ઊંચે ઊઠીને આર્થિક ન્યાયની માનવીય રાજનીતિ તરફ લઈ જઈ શકતા એક ઉપાડ તરીકે, નમો-નીતિશ યુતિ સામેના એક પ્રભાવક પડકાર તરીકે આ ચૂંટણીપરિણામનું ચોક્કસ જ મહત્ત્વ છે.

આરંભે મેં કહ્યું કે શિયાળુ, સંચારની વાંસોવાંસ વાસંતી વાયરાનો એક આશાવાદ હતો, અને તે અમેરિકાની બાઈડન-હેરિસ ફતેહને કારણે. અમેરિકામાં નિર્ણાયક બહુમતી સાથે ટ્રમ્પની રવાનગી અબ્રાહમ લિંકનથી માંડી બરાક ઓબામા સુધીની રાજકીય-રાષ્ટ્રીય યાત્રાને જેબ આપતી બીના છે. અલબત્ત, ટ્રમ્પની અણઘડ નીતિઓ, ઘમંડી કાર્યશૈલી ને ઉદ્દંડ વિચારરીતિ સાથે કોવિડ-૧૯ જેવી મહામારીએ મળીને અમેરિકાને જે ગર્તામાં નાંખ્યું છે, એમાંથી એને બહાર આણતાં બાઈડન અને હેરિસને નવનેજાં પાણી ઊતરવાનાં છે. પણ આ ક્ષણે તો એ વાતે રાજીપો કે એક લાંબા ક્રમ પછી પહેલી જ વાર કોઈ પ્રમુખને બીજી ટર્મ નથી મળી એ જરૂર સૌ સારાં વાનાંની આશા બંધાવે છે.

જોવાસમજવાનું એ છે કે ટ્રમ્પ ગયા પણ ટ્રમ્પવાદનો જે એરુ અમેરિકી રાજકારણ અને સમાજકારણને આભડ્યો. એથી વ્યાપેલું વિષ હજુ કેડો મેલવાનું નથી. ‘નેશન ફર્સ્ટ’ની લપેટમાં કેવળ શ્વેત સુપ્રીમસીનું આ રાજકારણ હતું-અને આપણે ત્યાંની ખાસ પ્રકારની રાષ્ટ્રવાદી રાજનીતિ સાથે પિતરાઈનો તો શું પણ લગભગ સહોદર પ્રકારનો એનો નાતો છે. (થોડાં વરસ પર ચૂંટણીપ્રચારમાં રાજનાથ સિંહ કહેતા સંભળાયા હતા કે ટ્રમ્પ કહે છે કે અમે ચૂંટાઈશું તો અમેરિકામાં નમો નીતિને અનુસરીશું.)

અમેરિકા પ્રમુખ કૅનેડીના યાદગાર શબ્દોમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. બેઉ બાજુ ગોરાં ખ્રિસ્તીદળો સામસામાં હોય અને એક દળ લિંકનના નેતૃત્વમાં અશ્વેત સમૂહની તરફેણમાં લડતું હોય એમાં રહેલું કાવ્યતત્ત્વ મહાભારતના કૌરવપાંડવ સંગ્રામને પણ એક અર્થમાં ટપી જાય એવું છે. ગોરા અને અશ્વેત માતા-પિતાનાં સંતાન ઓબામા પછી એમના ઉપપ્રમુખ સાથી બાઈડનના પ્રમુખપદમાં ઉપપ્રમુખ તરીકે બરોબરીનો હિસ્સો જેમનો રહ્યો છે તે કમલા હૅરિસ અશ્વેત જ નથી; એશિયન છે અને ભારતીય મૂળનાં માતા તો જમૈકન પિતાનું સંતાન છે. નવી ને ન્યાયી દુનિયાની આ જે વર્ણનિરપેક્ષ જદ્દોજહદ અહિંસક પ્રક્રિયા મારફતે વૉશિંગ્ટનની રાજનીતિમાં શીર્ષસ્થાને પ્રતિષ્ઠ થઈ રહી છે, એમાં શિયાળુ સમીરની પૂંઠે વાસંતી વાયરાનો યુગસંકેત છે.

ભડકાઉ રાજનીતિથી હટીને અને ઊંચે ઊઠીને ન્યાયી દુનિયા વાસ્તે ખેલાવી જોઈતી રાજનીતિના નાનામોટા અવાજો દુનિયાને ખૂણેખૂણેથી કંઈક મંદ, ક્વચિત મોટે સાદે સાંભળાઈ રહ્યા છે, ત્યારે ચિત્તનો કબજો મણિલાલ દેસાઈની પેલી નાયિકાના એ ઉદ્‌ગારો લઈ લે છે કે ઉંબરે ઊભી સાંભળું બોલ વાલમના …

નવેમ્બર ૧૧, ૨૦૨૦                                             

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 01-02

Loading

શુભ દિપાવલી

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|13 November 2020

આ દિવાળી આપણ
દીવડા ના પેટવીએ
સૌને સૌનું ભાગ મળ્યું
આ અંધારું સહિયારું
છાનુંમાનું લઈ સોડમાં
પોતાનું કરી લઈએ
લીંપી ને દીવાલો કાળી
ઘેરી ઘેરી ને સુંવાળી
ઘરના આંગણ કરવી ના
આપણ આ ફેરી રંગોળી
ઠંડા ચૂલા 
કડાઈ કોરી
પેટના ઊંડા ખાડા ઉપર
ઢાંકી રાતની ચાદર કાળી
આંખ મીંચીને વહેલાં આજે
લઈ સપનું ગણગણતું સૂઈએ
લાહ્ય ઘણી છે અંદર ઊંડે
છે વિસ્ફોટો નાના મોટા
ઊડી હવામાં અધ્ધર
રચી ભાતભાતની ભાત
પછી નહિ સેવેલાં સપનાં ફૂટે
તેજ લીસોટા ગોળગોળ
આંખોની કીકીએ ચિતર્યાં
ભોંય ચકરડી જેમ ફરીને
અડધીપડધી આશા ફૂટે
ફ્ટફટફટફ્ટફટફટફટ …….
ભારોભાર ભરી
ઠેઠ અંદરના ઓરડેથી લઈને
લાંબીલચ એક વેદનાની લૂમ ફૂટે
અંદર કંઈ ના અજવાળે
ના બહાર કંઈ પ્રજવાળે
એવી આતશબાજી લઈને
શું દિવાળી કરીએ?

e.mail : pratishtha74@gmail.com

Loading

...102030...2,1512,1522,1532,154...2,1602,1702,180...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved