Opinion Magazine
Number of visits: 9680578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટિશપણામાં રાચું છું

ભદ્રા વડગામા|Opinion - User Feedback|29 October 2020

વિપુલભાઈ લેખ [બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું] ખૂબ ગમ્યો. ફરીથી મારી પોતાની અસ્મિતા વિશે વિચારમાં પડી ગઈ. મને તો વળી એક વધારાની મથામણ પણ ખરી. મારી માતૃભાષા કચ્છી અને છતાં ય શૈક્ષણિક ભાષા ગુજરાતી. મારા મત પ્રમાણે આપણાં જેવાં ગુજરાતીઓ ઘણા બધા વારસાને લીધે જ આપણે જ્યાં વસ્યાં છે ત્યાં આનંદથી રહીએ છીએ. કદાચ તે દેશના સંસ્કારો સાથે એકમય નથી થઈ ગયાં, પણ એ દેશની અન્ય આતંકવાદીઓની જેમ બબૂરી હાલત નથી કરી કે નથી કદી એનું બૂરું ઈચ્છ્યું.

પેટલીકરે જે વાત પૂર્વ આફ્રિકાનાં ગુજરાતીઓ વિશે કહી હતી, એવી જ વાત કોઈ Western journalistએ ભારતીઓ વિશે કહી છે. એણે કહ્યું કે ‘હું ભારતમાં બંગાળીને મળ્યો, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરેને મળ્યો, પણ હું કોઈ ભારતીયને ન મળી શક્યો.’

વળી [શાંતિ જેવાં] એવાં પણ લોકો હોય છે જે પોતાની અસ્મિતા કોઈ પણ વારસા સાથે ન જોડતાં ‘હું છું તે જ છું’ એ રીતે ઓળખતાં હોય છે. ત્યારે હું ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, ટાન્ઝાનિયન, યુગાન્ડન, કેનિયન અને બ્રિટિશ – દરેક પ્રાંત કે દેશની અસ્મિતાના ઉચ્ચ ગુણોનાં પલ્લામાં બેસી, જ્યારે પણ મોકો મળે ત્યારે તેમની જયગાથા માણું છું અને બ્રિટિશપણામાં રાચું છું. 

સ્નેહ સહિત

ભદ્રા

Loading

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 October 2020

હૈયાને દરબાર

પાશ્ચાત્ય દેશોમાં પાનખર પૂરબહારમાં ખીલે છે. ઓક્ટોબર-નવેમ્બર એ ફોલ સીઝન. લાલ-લીલાં-પીળાં પાંદડાં અદ્ભુત સૌંદર્ય સર્જે છે. પરંતુ એ સૌંદર્ય પણ ક્ષણજીવી છે. શિયાળો બેસતાં જ પાંદડાં એક પછી એક ખરવા લાગે છે અને વૃક્ષ જાણે નિર્વસ્ત્ર, શુષ્ક અને નિર્જીવ ભાસે છે! જ્યારે પણ પાનખરનું દૃશ્ય નજરે ચડે ત્યારે કવિ અનિલ જોશીનું લાજવાબ ગીત યાદ આવ્યા વિના રહે નહીં. એ ગીત એટલે ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો.’ પહેલી વાર સાંભળ્યું ત્યારથી જ મનમાં વસી ગયું હતું. ગીતમાં ગજબની ખુમારી છે! નિર્ભયતાની વાત છે! મારી ડાળખીમાં પાંદડાં જ નથી એટલે પાનખરની મને બીક નથી. જેની પાસે સમૃદ્ધિ હોય એને ગુમાવવાની બીક હોય. અહીં તો વૃક્ષ પોતે જ કહે છે કે મારી પાસે તો કંઈ છે જ નહીં, પછી મને શાની બીક!

આ ગીતમાં સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનું સ્વરાંકન અને કંઠ હોય પછી તો પૂછવું જ શું? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. કવિના ભાવ અને સ્વભાવને સમજીને સ્વરાંકન થાય ત્યારે ભાવકના હૃદયને સ્પર્શે છે. થોડી હતાશા સાથે જ બડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત. મૂળ રેકોર્ડમાં મનહર ઉધાસે ગાયેલું આ ગીત જાહેર કાર્યક્રમોમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે વધુ પ્રચલિત થયું.

કુદરતે અમૂલ્ય એવી પાનખર મોકલી છે. વસંતનો જેમ વૈભવ હોય છે એમ પાનખરનું આગવું સૌંદર્ય છે. આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર બધો આધાર છે. ગીતમાં નિર્ભયતા અને વૃક્ષની સંવેદનાની વાત પ્રગટ થઈ છે. અધૂરપમાં મધુરપ ભરવાની વાત કવિએ ખૂબ સરસ રીતે કરી છે.

માણસની સંવેદના અને વિચારધારા જ છેવટે એ કેવો માણસ છે એ છતું કરતી હોય છે. માણસના વિચારો એ બીજું કંઈ નથી પણ એનામાં જીવતી સંવેદનાનું પ્રતિબિંબ છે. સંવેદના વરતાઈ આવે અને સંવેદનહીનતા પરખાઈ જાય. વનસ્પતિ અને વૃક્ષમાં ય આ સંવેદના જોવા મળે છે. આજનાં લીલાં પર્ણો આવતી કાલે પીળાં બનીને એક દિવસ ખરી જવાનાં છે. આપણા જીવનનું પણ આવું જ છે. સમયાંતરે માણસ પર્ણની જેમ પીળો પડતો જાય છતાં એણે વયના એ સૌંદર્યને પણ માણવાનું છે. જૂનાનો ત્યાગ અને નવાના આવિષ્કારની તૈયારી રાખવાની છે. આપણે સૌએ પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા જેવું છે.

આ ગીત વિશે અનિલ જોશીએ સરસ સ્મૃતિઓ વહેંચી. "ઘણાં વર્ષ પહેલાં મારું અતિ લોકપ્રિય ગીત, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો …’ મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ (નાથાભાઈ જોશી) હતા. મને સપનામાં ઘણી વાર પંક્તિ સૂઝે જે હું સવારે ઊઠીને તરત ટપકાવી લઉં. આ ગીતની પંક્તિ ગોંડલની અમારી અગાસીમાં સૂઝી હતી. એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો. સાંજનો સમય હતો. ભાઈ બહારની પરસાળમાં સૂતા હતા. હું એમની પાસે જઈને બેઠો. ભાઈ કહે : ‘કવિતા લખાય છેને? સંભળાવ.’ મેં ભાઈને ‘મારી કોઈ ડાળખી…’માં ગીત સંભળાવ્યું. આખું ગીત સાંભળ્યા પછી ભાઈ થોડી વાર મૌન થઇ ગયા. થોડીવારે મને કહ્યું, ‘અનિલ, હવે તું એવું ગીત લખ કે મારી સહુ ડાળખીમાં ભરપૂર પાંદડાંઓ છે છતાં મને પાનખરની બીક નથી લાગતી. આપણી પાસે કશું જ ના હોય તો પછી એની બીક શું કામ લાગે? આપણી પાસે બધો જ વૈભવ હોય છતાં એ જતો રહેવાની બીક ના લાગે એની જ મજા છે.’ એ દિવસોમાં હું યંગ હતો. મેં એવું ગીત લખવાનાં ખૂબ ફાંફાં માર્યાં પણ લખી શક્યો નહિ. ભાઈની ગેરહયાતીમાં એવું ગીત અનાયાસે લખાયું તે ભાઈને અર્પણ કર્યું હતું. એ ગીત છે :

હું તો પાંદડાંથી હર્યુંભર્યું લીલુંછમ્મ ઝાડ
મને પાનખરની બીક નથી લાગતી
પાનખર તો બે ઘડીની મહેમાન કહેવાય,
ભલે આવે ને જાય અને બેસે
જંગલમાં એક એક ઝાડવાં ઊભાં છે
જાણે બોધિવૃક્ષ હોય એમ કૈંક કહેશે
હું તો અંધારે ઊડતો આગિયો કહેવાઉં
મને સૂરજની બીક નથી લાગતી.

કવિ અનિલ જોશીએ એમનાં સ્વરબદ્ધ થયેલાં ગીતો સંદર્ભે પુરુષોત્તમભાઈ વિશે એક સ્થાને યથોચિત લખ્યું છે, "કોઈ એવોર્ડ કરતાં પણ મૂઠી ઊંચેરો સ્વરકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય છે. હું કિશોર અવસ્થામાં હતો ત્યારે એક ગુજરાતી ગીત મારા કાને પડ્યું હતું : ‘હવે સખી નહીં બોલું, નહીં બોલું રે, કદાપિ નંદ કુંવરની સંગે.’ આ ગીત લતા મંગેશકરે ગાયું હતું. સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયનું હતું. ગુજરાતે આંગળીના વેઢે ગણી શકાય એટલા સુંદર સ્વરકાર અને ગાયકો આપ્યા છે. સહુ પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠિત છે, પરંતુ પુરુષોત્તમની એક આગવી મુદ્રા છે, જે બધાથી એને અલગ તારવે છે. પુરુષોત્તમે ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો’ ગીત કમ્પોઝ કરીને ગુજરાતને ઘેલું કરી દીધું. એક વાર અમેરિકામાં હું શોપિંગ માટે કોઈ મોલમાં ફરતો હતો ત્યારે એક ગુજરાતી પરિવાર પણ મોલમાં હતો. દૂરથી મને જોતાં જ મારા તરફ આંગળી ચીંધીને મારી ઓળખ આપતાં કહ્યું, ‘જુઓ, પેલા મારી કોઈ ડાળખીવાળા ભાઈ પણ મોલમાં આવ્યા છે.’ અહીં મેં જોયું કે મારું નામ જ ગીતમાં ઓગળી ગયું છે. લોકો ગીતની પંક્તિથી જ મને ઓળખે એ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો જાદુ છે. પુરુષોત્તમ નૈસર્ગિક કલાકાર છે. એના સ્વરાંકનમાં ચતુરાઈ નથી. બેગમ અખ્તર પણ એમની કલાને સન્માન આપે. સલામત-નજાકતઅલી પણ પુરુષોત્તમના ચાહક.

એક ગીતકાર તરીકે મારી પાસે પુરુષોત્તમનાં અનેક સ્મરણો છે. ૧૯૭૪-૭૯ના સમયમાં હું નવોસવો મુંબઈ ગયો ત્યારે મારી પાસે પરંપરાથી હટીને સાવ નવાં ગીતો હતાં. કોઈ સામયિકનો તંત્રી એને પ્રસિદ્ધ કરવા તૈયાર ન થાય એવાં ગીતો હતાં, પણ પુરુષોત્તમે મારું એક ગીત કમ્પોઝ કરીને એચ.એમ.વી.માં રેકોર્ડ કર્યું હતું, ‘નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું’. આ ગીત ઉષા મંગેશકર પાસે ગવડાવ્યું હતું. ગીતના રેકોર્ડિંગ સમયે હું એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં પહોંચ્યો ત્યારે પુરુષોત્તમે મારી ઓળખ એ ગીતના સાજિંદાઓ સાથે કરાવતાં કહ્યું, ‘આ હરિપ્રસાદ ચૌરસિયા ફ્લુટ વગાડશે અને સંતૂર પર શિવકુમાર શર્મા છે.’

એ ક્ષણે મને એવું ફીલ થયું કે એક ગુજરાતી ગીતનું આનાથી મોટું સન્માન બીજું કયું હોઈ શકે? એ ગીતની રેકોર્ડ બહાર પડી ત્યારે એ સાંભળીને લાભશંકર ઠાકર જેવા આધુનિક કવિ નાચવા લાગ્યા. લાભશંકર એના જીવનના અંત સુધી મારા આ ગીત ઉપર સતત લખતા રહ્યા અને નાચતા રહ્યા. આવું બધું લખવામાં હું મારી સ્વપ્રશંસા નથી કરતો, પણ પુરુષોત્તમભાઈની પ્રતિભાનું સન્માન કરું છું. પુરુષોત્તમે એ પછી ‘અમે બરફનાં પંખી’ જેવું ગીત કાંતિ મડિયાના યુગપ્રવર્તક નાટક માટે કમ્પોઝ કરીને હંસા દવે પાસે ગવડાવ્યું અને હજારો પ્રેક્ષકોની આંખ ભીની થઈ ગઈ હતી. આ ગીત પ્રેક્ષકોના રૂમાલ અને ટિશ્યુ પેપર સુધી પહોંચી ગયું એનો હું સાક્ષી રહ્યો છું. પુરુષોત્તમ ઉપાધ્યાયની આ કમાલ છે. હંસા દવેનો સ્વરોદય પુરુષોત્તમના સ્વરાંકનમાં વધુ નીખરી ઊઠ્યો.

સજ્જતા દ્વારા ભાવ અને સંવેદનને વિકસાવવામાં વધુ રસ દાખવતા અનિલ જોશી ગીતોમાં ભાષાની તાજપ, તળપદી ભાષાનો લય ઉપરાંત, પ્રતીકાત્મક ભાષામાં અભિવ્યક્તિ, ચિત્રાત્મક દૃશ્ય કલ્પનોની શ્રેણી તેમને સહેજે એક ઉત્તમ ગીત કવિ તરીકે સ્થાપી આપે છે. અનિલ જોશી દ્વારા પ્રયોજાયેલો શબ્દ ગીતને જુદો જ લય બક્ષે છે. પ્રકૃતિ, પ્રણય, માનવ સ્વભાવ-સંવેદન જેવા કાવ્યસર્જનના શાશ્વત વિષયોને આવરી લેતા સર્જક છે. તેમનાં ગીતોમાં જોવા જઈએ તો કાવ્યકસબ દ્વારા ભાષાની શક્તિનો પરિચય આપે છે, તો કેટલાંક ગીતોમાં તળપદી ભાષાના પ્રયોજનથી ગીતના લયમાં અભિવૃદ્ધિ થતી પણ જોવા મળે છે. અનિલ જોશીનાં અનેક ગીતો ખૂબ લોકચાહના પામ્યાં છે.

એ જ રીતે પુરુષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. એમણે સ્વરકોકિલા લતા મંગેશકર અને બેગમ અખ્તર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યાં. મોહમ્મદ રફી જેવા શ્રેષ્ઠ પાર્શ્વગાયકે ‘કહું છું જવાનીને …’ ગીતના રેકોર્ડિંગ સમયે એવું કહ્યું હતું કે ‘આપ કી ઉંગલિયોં મેં જો સ્વર બસતે હૈ વો મૈં નહીં ગા સકતા.’ આવા ઉત્તમ કવિ-સ્વરકારનાં ગીત ગુજરાતી સંગીતચાહકોને અત્યંત પસંદ આવે એમાં શી નવાઈ?

સુરેશ દલાલે વર્ષો પહેલાં પુરુષોત્તમભાઈ માટે જે કહ્યું હતું તે એકદમ સાચું છે : "પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં મશાલનું અજવાળું નથી, પણ ઘીના દીવાનો ઉજાસ છે.”

ગુજરાતી ભાષા આ પ્રકારનાં સુંદર ગીતોથી અલંકૃત છે. આપણે નજીક જઈને એના સૌંદર્યને નીરખવું પડે.

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!

પંખી સહિત હવા ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે

માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનો ય ભાર!
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય પડવાને છે કેટલી વાર?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!

•   કવિ : અનિલ જોશી    •   સ્વર-સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658496

Loading

અતીતરાગ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|29 October 2020

સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યાં એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’

તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમનાં કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’

સુધાને આશ્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’

એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર – વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’

સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’

સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એક માત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’

‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’

‘શા માટે?’

‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’

વિપીનના ગયા પછી સુધાની મન:સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. પચાસ વર્ષોનો દીર્ઘ કાળખંડ વટાવી એ બાર વર્ષની કિશોરી નવવધૂના સ્વાંગમાં શ્વસુરગૃહે પહોંચી ગઈ. જો કે, આજે તો હવે પતિનો ચહેરો પણ યાદ નહોતો. હતી તો માત્ર એક સુમધુર સ્મૃતિ. વિશાળ બંગલાના એક ઓરડાની બારી પાસે બાર ને પંદર વર્ષનાં કિશોર-કિશોરી કે જે બે દિવસ પહેલાં પતિ-પત્ની બન્યાં છે, એ બંને બેઠાં છે. બારીની બહાર આંબા અને ફણસનાં વૃક્ષો ઝૂમી રહ્યાં છે. કિશોર કહે છે, ‘બધાં ભલે કહે કે, ફણસ કરતાં કેરીનો સ્વાદ વધુ સારો પણ મને તો ફણસ જ બહુ ભાવે. તને શું વધારે ભાવે?’

છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.

બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે – ‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજે ય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’

‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’

ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશું ય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’

કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.

(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)        

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1422,1432,1442,145...2,1502,1602,170...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved