Opinion Magazine
Number of visits: 9752194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને હોપ વાચન માળા

દીપક મહેતા|Opinion - Opinion|3 December 2020

 

ભણતાં પંડિત નીપજે, લખતાં લહીઓ થાય,
ચચ્ચાર ગાઉં ચાલતાં, લાંબો પંથ કપાય.
*
એક અડપલો છોકરો, જીવો જેનું નામ,
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.
*
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો?
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?
મહા હેતવાળી દયાળી જ માં તું.
*
ભલો દૂરથિ દેખતાં દીલ ભાવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો,
દિસે કુંડનો દેવતા બીજ જેવો,
દીઠો આજ આબુ ગિરીરાજ એવો.
*
દેખ બિચારી બકરીનો પણ, કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

*

(ઉપરની પંક્તિઓમાં, અને હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.)

કવીશ્વર દલપતરામ

ઉપરની, અને તેના જેવી બીજી અનેક પંક્તિઓ એક જમાનામાં ચાર-પાંચ પેઢીના ભણેલા-ગણેલા લોકોને મોઢે રહેતી, કેટલીક કહેવત રૂપે પણ વપરાતી. આજે પણ તેનાથી પરિચિત હોય તેવાની સંખ્યા બહુ નાની નહિ હોય. આ પંક્તિઓ ઉત્તમ કાવ્યનાં ઉદાહરણ છે એમ તો કોઈ નહિ કહી શકે. છતાં મોટા લોકસમુદાય સુધી એ પહોંચી એનાં કેટલાંક કારણ છે. આપણી ચાર-પાંચ પેઢીના લોકો આ અને આવી બીજી કૃતિઓ સ્કૂલમાં ભણ્યા હતા કારણ એ તેમનાં પાઠ્ય પુસ્તકોમાં આવતી હતી. બીજું કારણ, આ કૃતિઓના ભાવ કે વિચાર અને અભિવ્યક્તિની સરળતા. ત્રીજું કારણ, તેમાં રહેલી ગેયતા. ચોથું કારણ જનસામાન્યનાં જીવન અને અનુભવ સાથેની તેની તદ્રૂપતા. આવી કૃતિઓ પાઠ્યપુસ્તકમાં છપાતી ત્યારે, સરકારી નિયમ પ્રમાણે, તેના રચનારનું નામ કૃતિ સાથે છપાતું નહિ. એટલે ઘણાંને તો એ વાતની પણ ખબર ન હોય કે આ કાવ્યોની રચના કવીશ્વર દલપતરામે (૧૮૨૦-૧૮૯૮) કરી છે. પછીથી તેમની સમગ્ર કવિતા ‘દલપત કાવ્ય’ના બે ભાગમાં પ્રગટ થઈ ત્યારે ૧૮૮૫માં પ્રગટ થયેલા તેના બીજા ભાગમાં આ કૃતિઓ ‘હોપ વાચન માળામાંની કવિતાઓ’ નામના વિભાગમાં સમાવી હતી. શરૂઆતમાં નોંધ મૂકી હતી: ‘હોપ વાચનમાળામાં આવેલી કવિતાઓ દલપતકાવ્યમાં ઉમેરવા માટે કેળવણી ખાતાના વડા મે. ડીરેક્ટર સાહેબની પરવાનગી માગવામાં આવી હતી જે તેઓ સાહેબે આપવાથી હોપ માળાની ૧૮૫૯ વાળી પહેલી જ આવૃત્તિમાંથી આ કવિતાઓ લીધી છે.’

સર થિયોડોર સી. હોપ

એટલે કે, આ કૃતિઓ હોપ વાચનમાળા માટે લખાઈ હતી. તેની પહેલી આવૃત્તિ ૧૮૫૯માં પ્રગટ થઈ હતી. તો પહેલો સવાલ એ થાય કે આ ‘હોપસાહેબ’ હતા કોણ? આપણાં ભાષા, સાહિત્ય, શિક્ષણ અંગેનાં લખાણો, પુસ્તકો, અભ્યાસો, સંદર્ભગ્રંથો ફેંદી વળો. ભાગ્યે જ કશી માહિતી મળશે. એમનું આખું નામ સર થિયોડોર સી. હોપ. ૧૮૩૧ના ડિસેમ્બરની ૯મી તારીખે ગ્રેટ બ્રિટનમાં જન્મ. ૧૯૧૫ના જુલાઈની ચોથી તારીખે ત્યાં જ અવસાન. ખાધેપીધે સુખી કુટુંબમાં જન્મ. પિતા જેમ્સ હોપ હતા ડૉક્ટર. બ્રિટનની સેન્ટ જ્યોર્જિસ હોસ્પિટલમાં કામ કરતા હતા. હૃદયરોગ વિષે સંશોધન પણ ચાલી રહ્યું હતું પણ એ પૂરું થાય તે પહેલાં તો ટી.બી.ની માંદગીથી અવસાન થયું. પિતા ડૉક્ટર, તો માતા ઍન હતી લેખિકા. સુખી કુટુંબોના એ વખતના ચાલ પ્રમાણે ઘરે શિક્ષકો રાખીને તેમની પાસે થિયોડોરને ભણાવેલા. પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજમાં ભણ્યા. ભાષાઓ શીખવાના શોખીન. બાવીસ વર્ષની ઉમ્મરે ૧૮૫૩માં તેઓ હિન્દુસ્તાન આવીને મુંબઈ સરકારમાં જોડાયા. તે વખતે તેઓ પાંચ યુરોપિયન ભાષા બોલી શકતા હતા. હિન્દુસ્તાન આવ્યા પછી બે વર્ષ થિયોડોરની નિમણૂક ગુજરાતના ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે થઈ. પછી તેમની બદલી મુંબઈ થઈ અને ગવર્નર સર જ્યોર્જ કલાર્કના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કર્યું. પછી ફરી બદલી અમદાવાદ થઈ. આ વખતે તેમણે અમદાવાદનાં શિલ્પ-સ્થાપત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ૧૮૬૫-૬૬માં લાંબી રજા લઈને તેઓ સ્વદેશ ગયા અને અમદાવાદ, બીજાપુર અને ધારવાડનાં શિલ્પ-સ્થાપત્ય વિષે ત્રણ દળદાર ગ્રંથ લખ્યા. આ ઉપરાંત તેમણે ‘સુરત, ભરૂચ, એન્ડ અધર ઓલ્ડ સિટીઝ ઓફ ગુજરાત’ નામનું પુસ્તક પણ લખ્યું છે.

રજા પરથી પાછા ફર્યા પછી આઠ વર્ષ સુધી સર હોપે સુરતના કલેક્ટર તરીકે કામ કર્યું. સુરતનો ‘હોપ પૂલ’ તે આ હોપ સાહેબના જ માનમાં બંધાયેલો. ૨૦૧૫માં જૂનો પુલ તોડી તેની બાજુમાં નવો પુલ બંધાયો છે. ૧૮૭૧માં ફરી મુંબઈ. મુંબઈની મ્યુનિસિપાલિટી ગેરવહીવટને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલી. તે અંગે તપાસ કરવા નીમાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામ કર્યું, અને થોડો વખત મ્યુનિસિપલ કમિશનરના પદ પર પણ રહ્યા. ત્યાર બાદ વાઇસરોયની ધારાસભા(લેજિસ્લેચર)માં મુંબઈ ઇલાકાના પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઈ. રેવન્યૂ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે થોડો વખત કામ કર્યુ. ૧૮૭૬માં દુષ્કાળ રાહત ખાતાના સેક્રેટરી બન્યા. ૧૮૮૦માં કેન્દ્રીય નાણાં ખાતાના સેક્રેટરી નીમાયા. ગવર્નર-જનરલની કાઉન્સિલના પબ્લિક વકર્સ મેમ્બર તરીકે તેમણે સાડા પાંચ વર્ષ કામ કર્યું. (આ હોદ્દો એટલે આજની કેન્દ્ર સરકારના પ્રધાનનો હોદ્દો.) રેલવેના તેમ જ ખેતીવાડી માટેની સિંચાઈના વિકાસમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો. હોપની કામગીરીનાં વર્ષો દરમિયાન રેલવેના પાટાની કુલ લંબાઈ આઠ હજાર માઇલથી વધીને ૧૪ હજાર માઇલ જેટલી થઈ અને સીંચાઈમાં વીસ ટકાનો વધારો થયો. ૧૮૮૨માં સરકારે તેમને સી.આઈ.ઈ.નો તથા ૧૮૮૬માં કે.સી.એમ.આઈ.નો ઇલ્કાબ આપ્યો. ૧૮૮૮માં હિન્દુસ્તાન છોડીને તેઓ સ્વદેશ પાછા ગયા. ૧૯૧૫માં અવસાન બાદ લંડનની હાઇગેટ સેમેટરી(કબ્રસ્તાન)માં તેમને દફનાવવામાં આવ્યા.

૧૮૫૪મા કંપની સરકારે સર ચાર્લ્સ વૂડનો શિક્ષણ અંગેનો ખરીતો સ્વીકાર્યો અને પહેલી વાર મુંબઈ ઈલાકાની સરકારમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (શિક્ષણ ખાતું) શરૂ થયું. ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સસ્ટ્રકશનની નિમણૂંક કરવામાં આવી. આ નવી વ્યવસ્થામાં સર થિયોડોર હોપને ઉત્તર વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નીમવામાં આવ્યા. (એ વખતે મુંબઈ ઈલાકાના ત્રણ વિભાગ હતા : ઉત્તર વિભાગ, જેમાં આજના ગુજરાતના બ્રિટિશ હકૂમત નીચેના ભાગનો સમાવેશ થતો હતો), દક્ષિણ વિભાગ (જેમાં આજના મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો) અને કોંકણ વિભાગ.

ગુજરાતી, મરાઠી, વગેરે ‘દેશી’ ભાષાઓનાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવીને પ્રગટ કરવાની પહેલ મુંબઈથી માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને કરી હતી. આ કામ માટે તેમણે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસની પસંદગી કરી હતી. તેમણે ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં છ ગુજરાતી પાઠ્ય પુસ્તકો તૈયાર કરીને છપાવ્યાં હતાં. ગુજરાતી ભાષાનાં એ પહેલવહેલાં શાલેય પાઠ્ય પુસ્તકો. પણ મુંબઈમાં તૈયાર થતાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો સામે અમદાવાદમાં પહેલેથી જ વિરોધ હતો. એ વિરોધને કારણે પાઠ્ય પુસ્તકોની ભાષા ‘સુધારવા માટે’ રણછોદાસ ઝવેરીને મુંબઈમાં રોકવામાં આવ્યા હતા. તેમણે કેટલાંક પાઠ્ય પુસ્તકોની ભાષા થોડી ‘સુધારી’ પણ ખરી. છતાં વિરોધ શમ્યો નહિ. મુંબઈમાં તૈયાર થતાં પાઠ્ય પુસ્તકો સામે બીજો વાંધો એ હતો કે તે મોંઘાં હતાં. હોપ આ વાત સાથે સહમત થતા હશે તેમ લાગે છે, કારણ દલપતરામના કહેવા પ્રમાણે ‘હોપસાહેબે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને કહ્યું કે સરકારી નિશાળોમાં ભણાવાતી ચોપડીઓ મુંબઈમાં છપાય છે તેનો ભાવ ઘણો મોંઘો હોય છે. તેથી ગરીબ લોકોને એ ચોપડીઓ ખરીદવી મુશ્કેલ પડે છે. માટે ગુજરાતના ભલા માટે એ ચોપડીઓ સસ્તે ભાવે છાપી આપવાનું કામ સોસાયટી માથે લે તો ઘણું સારું, અને એ કામ કરવા જેવું છે, કારણ પુસ્તકો તૈયાર કરવાં એ તો આ સોસાયટીનો એક ઉદ્દેશ છે.’

પણ સોસાયટીએ એ દિશામાં ઝાઝું કામ કર્યું નહિ, એટલે હોપસાહેબે પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવવાની જવાબદારી પોતાને માથે લીધી. સરકારની મંજૂરી લઈને તેમણે પોતાના તાબા હેઠળના તમામ ડેપ્યુટી ઇન્સ્પેક્ટરોને અમદાવાદમાં ભેગા કર્યા. મોહનલાલ ઝવેરી અને પ્રાણલાલ મથુરદાસને ડેપ્યુટી તરીકેનાં કામમાંથી છૂટા કરી બુક કમિટીના મેમ્બર  બનાવ્યા.  (આ મોહનલાલ ઝવેરીએ વાચન માળાનો વિગતવાર ઇતિહાસ લખી રાખ્યો હતો જે પછીથી તેમના દીકરા કૃષ્ણલાલ ઝવેરીએ ‘ગુજરાતી’ સાપ્તાહિકના ૧૯૧૦ના દિવાળી અંકમાં છપાવ્યો હતો.) ભોગીલાલ પ્રાણવલ્લભને પ્રમુખ બનાવ્યા. એ કમિટીના બીજા સભ્યો હતા મહીપતરામ નીલકંઠ, દલપતરામ ડાહ્યાભાઈ, મયારામ શંભુનાથ, પ્રાણલાલ મથુરદાસ, અને દુર્ગારામ મંછારામ મહેતા. મોહનલાલ ઝવેરી લખે છે : ‘નિશાળોમાં ચાલતી ચોપડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી તેને બદલે નવી વાચન પાઠમાળા તૈયાર કરવાનું કામ હોપ સાહેબે આરંભ્યું. કમિટીની ઓફીસ (મહાલક્ષ્મી) ટ્રેનીંગ કોલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી.’

હોપ વાચનમાળાના સભ્યો

આ કામ માટે હોપસાહેબે કવીશ્વર દલપતરામની સેવા છ મહિના માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પાસે ઉછીની માગી. તેમણે સૂચવ્યું કે તેટલો વખત દલપતરામની જગ્યાએ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બીજા કોઈને રાખી લો. દર મહિને કમિટી દલપતરામને એક સો રૂપિયાનો પગાર આપશે. પણ સોસાયટીના સેક્રેટરીએ એ વાત સ્વીકારી નહિ. પણ એવો રસ્તો સૂચવ્યો કે દલપતરામ એક દિવસ સોસાયટીનું કામ કરે અને એક દિવસ બુક કમિટીનું કામ કરે. મહિને ૧૫ દિવસનો પગાર રૂ. ૫૦ સરકાર આપે. અને બીજા પંદર દિવસનો પગાર રૂ. ૩૦ સોસાયટી આપે. કુલ ૮૦ રૂપિયાનો પગાર થાય. શરૂઆતમાં દલપતરામ કદાચ આ કામ માટે બહુ ઉત્સાહી નહિ હોય, કારણ તેમણે કહ્યું કે મારી આંખે બિલકુલ દેખાતું નથી એટલે હું શા ખપમાં આવીશ? ત્યારે હોપસાહેબે જવાબ આપ્યો કે અમારે તમારી આંખની નોકરી જોઈતી નથી, તમારી જીભની નોકરી જોઈએ છીએ. લખવા માટે કારકૂનો જોઈએ તેટલા રાખશું. પછી કમિટીનું કામ શરૂ થયું ત્યારે ‘કવિતાના પાઠ’ લખવાનું કામ દલપતરામને સોંપાયું. પણ તે માટેના વિષય નક્કી કરવાની જવાબદારી મહીપતરામ રૂપરામને સોંપાઈ. એટલે કે હોપ વાચનમાળામાં દલપતરામની જે કવિતા છે તેના વિષય મહીપતરામે ઠરાવેલા. આ ઉપરાંત બીજા કવિઓના ‘કવિતાના પાઠ’ની પસંદગી કરવાનું કામ પણ મહીપતરામને જ સોંપાયું હતું.

૧૮૫૯ના ફેબ્રુઆરી સુધીમાં વાચનમાળાના સાત ભાગ તૈયાર થઈ ગયા. તેની હસ્તપ્રતો લઈ હોપ પોતે સુરત ગયા અને કેળવણી ખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરન્ડ ગ્લાસ્ગોની મંજૂરી લઈ આવ્યા. એ જ વર્ષે સાતે ભાગની પહેલી આવૃત્તિ એક સાથે પ્રગટ થઈ. આ નવી વાચનમાળા તૈયાર કરવા પાછળનું એક મુખ્ય કારણ એવું બતાવવામાં આવેલું કે મુંબઈમાં છપાતાં પુસ્તકો બહુ મોંઘાં હોય છે. પણ આ નવી વાચનમાળાના સાતેસાત ભાગ મુંબઈનાં છાપખાનાંમાં જ છપાવવા પડ્યા. પહેલા છ ભાગ એજ્યુકેશન સોસાયટીના છાપખાનામાં અને સાતમો ભાગ થોમસ ગ્રેહામના છાપખાનામાં. કારણ એ વખતે મુવેબલ ટાઈપ વાપરતું એક પણ છાપખાનું અમદાવાદમાં નહોતું. જે થોડાં હતાં તે બધાં લિથો પ્રેસ હતાં. અને તેમાં તો કામ બહુ ધીમું થાય. આ પુસ્તકોના પૂંઠા ઉપર માત્ર ‘નવી સરકારી વાચનમાલા’ એટલું જ છાપ્યું હતું. તેને ‘હોપ વાચનમાળા’ નામ તો પાછળથી અપાયું. પણ તે કઈ આવૃત્તિથી અપાયું તે જાણી શકાયું નથી.

આપણે ત્યાં એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે વાચનમાળામાં હોપનું તો માત્ર નામ હતું. ખરી મહેનત તો દલપતરામ અને બીજા કમિટી મેમ્બરોની હતી. પણ સર થિયોડોર હોપ ભાષા-સાહિત્યના અભ્યાસી હતા. શિક્ષણના વહીવટકાર હોવા ઉપરાંત જાણકાર વિદ્વાન હતા, ભારતીય સ્થાપત્યના અભ્યાસી હતા, દેશની સરકારમાં પ્રધાન બનીને સફળ અને યાદગાર કામગીરી બજાવી શકે એવા કુશળ હતા. હોપ વાચન માળાનાં પુસ્તકો તૈયાર કરવામાં તેમનો સક્રીય સાથ હતો. પણ આજે હવે એ હોપ વાચનમાળા ભુલાઈ ગઈ છે, દલપતરામ સિવાયના કમિટી મેમ્બરો ભુલાઈ ગયા છે, અને સર થિયોડોર હોપ પણ ભુલાઈ ગયા છે. બહેરામજી મલબારીએ ગાયું હતું તેમ : ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ.

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, ડિસેમ્બર 2020

xxx xxx xxx

Loading

બિહાર ચૂંટણીમાં ડાબેરી ઉભાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 December 2020

દેશના ચૂંટણીકારણમાં ડાબેરી રાજકીય પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. સાડા ત્રણ દાયકાનું પશ્ચિમ બંગાળનું એક ચક્રી ડાબેરી શાસન ગુમાવ્યે હવે દાયકો થવા આવશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની ૪૦માંથી ૩૯ બેઠકો પર ડાબેરી ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. બંગાળનો ૨૦૧૪નો તેમનો ૩૧ ટકાનો વોટશેર ૨૦૧૯માં ૭.૫ ટકાના તળિયે પહોંચી ગયો હતો. આઝાદી પછી પહેલીવાર ૨૦૧૯માં સામ્યવાદી પક્ષોના માત્ર પાંચ જ સાંસદો લોકસભામાં ચૂંટાયા છે. ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓને ૮.૬૨ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯માં તે ઘટીને ૨.૩૩ ટકા જ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળ પછી ત્રિપુરામાં પણ તેમણે સત્તા ગુમાવી છે. હવે એક માત્ર કેરળનો ગઢ સલામત છે.

સંસદીય રાજનીતિમાં ડાબેરીઓનાં વળતાં પાણીના માહોલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજ્ય તેઓ હજુ લુપ્ત થઈ ગયા ન હોવાની ગવાહીરૂપ છે. બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં ત્રણ મુખ્ય સામ્યવાદી પક્ષોએ આર.જે.ડી. અને કૉન્ગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થઈ, સોળ બેઠકો મેળવી છે. જેમ કેરળમાં દેશની સૌ પ્રથમ બિનકૉન્ગ્રેસી સામ્યવાદી સરકાર રચાઈ હતી અને તેના મુખ્ય મંત્રી ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદ વિશે એક જમાનામાં 'નેહરુ કે બાદ નાંબુદ્રીપાદ’નું સૂત્ર પ્રચલિત થયું હતું, તેમ બિહારના કેટલાક વિસ્તારોમાં સામ્યવાદી પક્ષની દમદાર મોજુદગી હતી. બિહારનો બેગુસરાય ઈલાકો ભારતીય સામ્યવાદી પક્ષના એવા તો પ્રભુત્વ હેઠળ હતો કે તે બિહારના લેનિનગ્રાડ કે મોસ્કો તરીકે જાણીતો હતો. ૧૯૭૨માં ૩૫ બેઠકો સાથે સી.પી.આઈ. બિહાર વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટી હતી. પરંતુ મંડલ રાજનીતિ પછી જાતિકેન્દ્રી રાજકારણ બળવત્તર બનતાં, સામ્યવાદી પક્ષોનો સામાજિક આધાર ઘટતાં, બિહારમાં તેમનું રાજકીય વર્ચસ ઘટતું ગયું.

૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે સામ્યવાદી પક્ષો, સી.પી.આઈ. અને સી.પી.આઈ.(એમ.)ને એક પણ બેઠક મળી નહોતી. જ્યારે ‘માલે’ તરીકે જાણીતા ઉગ્ર ડાબેરી પક્ષ સી.પી.આઈ. (એમ.એલ.)(એલ.)ને ત્રણ બેઠકો મળી હતી. ૨૦૨૦માં આ ત્રણેય સામ્યવાદી પક્ષો લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને કૉન્ગ્રેસ સાથે ભા.જ.પ. વિરોધી મતોના વિભાજનને ખાળવા ચૂંટણી જોડાણ કરીને ૨૪૩ બેઠકોના ગૃહમાં ૨૯ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. માલેએ ૧૯, સી.પી.આઈ.એ ૬ અને સી.પી.આઈ.એમ.એ ૪ બેઠકો પર મહાગઠબંધનના ભાગરૂપે ઉમેદવારી કરી હતી. માલેનો ૧૨ અને બાકીના બે સામ્યવાદી પક્ષોનો બે-બે બેઠકો પર વિજય થયો છે. બે જૂના સામ્યવાદી પક્ષો માટે આ વિજ્ય સંજીવની કે પુનરુત્થાન જેવો છે તો ‘માલે’ માટે તે મોટી છલાંગ કે નવ ઉભાર છે.

બિહારના રાજકારણમાં ડાબેરી પક્ષોનો ચોક્કસ વિસ્તારોમાં જનાધાર છે.૧૯૬૦ના દસકના નકસલબારી આંદોલનની પેદાશ એવી ‘માલે’એ ભૂમિગત રહ્યા બાદ ૧૯૮૦થી સંસદીય રાજકારણનો માર્ગ અખત્યાર કર્યો હતો. તે પૂર્વે ઇન્ડિયન પિપલ્સ ફ્રન્ટના નામે તે ચૂંટણીમાં ઝૂકાવતી હતી. ૧૯૯૦માં બિહારમાં તેના સાત ધારાસભ્યો હતા. ૧૯૮૯માં આરામાંથી તે લોકસભા બેઠક પણ જીતી હતી. લગભગ દર વખતે તેના બે પાંચ ઉમેદવારો જીતતા હતા. પરંતુ ૨૦૨૦માં તેના ધારાસભ્યોની સંખ્યા બે આંકડા વટાવીને ૧૨ પર પહોંચી ગઈ છે. માલે માત્ર એક રાજકીય પક્ષ નથી. તે ગ્રામીણ બિહારના ગરીબોનો ચહેરો પણ છે. કોમવાદી અને લોકતાંત્રિક મૂલ્યો માટે ખતરારૂપ રાજકીય બળોનો તે વિરોધ કરે છે. ગ્રામીણ ગરીબો, ખેતકામદારો અને દલિત-આદિવાસીઓના અધિકારો માટે તે સતત સંઘર્ષશીલ છે. બિહારના જમીનદારોની ખાનગી ભૂમિસેનાઓએ કરેલા દલિત હત્યાકાંડો વખતે તે દલિતોની પડખે અડીખમ ઊભી હતી. ભૂમિહીનોને જમીનો અપાવવા તેણે સતત આંદોલનો કર્યા છે. જો કે  પોતાને ‘અહિંસક નકસલ’ ગણાવતા અને સામ્યવાદી પક્ષો પ્રત્યે કૂણી લાગણી ધરાવતા લાલુ પ્રસાદ યાદવે બિહારના રાજકારણનું જે યાદવીકરણ કે લાલુકરણ કર્યું હતું, તેણે માલે સહિતના ડાબેરી પક્ષોને પણ ઘણું નુકસાન કર્યું હતું.

‘ન શિક્ષા-રોજગાર, ન ભૂમિસુધાર, બદલો સરકાર, બદલો બિહાર’ના નારા સાથે ચૂંટણી લડેલા ડાબેરીઓ ભલે સરકાર બદલી નથી શક્યા, પણ એન.ડી.એ. ગઠબંધનને સત્તા સુધી પહોંચવું અઘરું જરૂર બનાવી દીધું.હતું. માલેના ૧૯માંથી ૧૨ ઉમેદવારો જીત્યા હતા અને ૭ બીજાક્રમે હતા. સી.પી.આઈ.ના ૬ માંથી ૨ જીત્યા હતા અને ૩ બીજાક્રમે હતા. તો સી.પી.એમ.ના ૪માંથી ૨ જીત્યા હતા અને ૧ બીજાક્રમે હતા. ભારતીય જનતા પક્ષે ૧૧૦ બેઠકો પર ઉમેદવારો ઉતારી ૭૪ બેઠકો જીતતાં તેનો સ્ટ્રાઈક રેટ  ૬૭.૩ ટકાનો હતો. તે પછીના ક્રમે ૧૯ બેઠકો પર ઉમેદવારી કરી ૧૨ બેઠકો જીતનાર માલેનો સ્ટ્રાઈક રેટ ૬૩.૧ ટકાનો હતો. આ સફળતા નોંધપાત્ર છે. માલેના ઉમેદવારોમાં એકેય કથિત ઉચ્ચ વર્ણના નહોતા. રાજ્યની અનુસૂચિત જાતિ માટેની ૩૬ અનામત બેઠકોમાંથી માલેએ પાંચ બેઠકો પર ઉમેદવારી કરી ૩ જીતી હતી જ્યારે સી.પી.આઈ.એ ૧ અનામત બેઠક પર ઉમેદવાર ઉતારીને તે બેઠક જીતી હતી. સૌથી વધુ મતે જીતેલા પાંચ ઉમેદવારોમાં માલેના બે છે તો ૧,૦૦૦ કરતાં ઓછા મતે હારનારા ૧૦ ઉમેદવારોમાં પણ બે ડાબેરી પક્ષોના છે. એ રીતે પણ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરીઓનો દેખાવ શાનદાર રહ્યો છે

ચોક્કસ રાજકીય વિચારધારાને વરેલા ડાબેરી પક્ષોના બિહારમાં ચૂંટણી જોડાણો તકવાદ તો નથી ને એવો સવાલ થવો સહજ છે. બિહારના બંને પ્રાદેશિક પક્ષો અને કૉન્ગ્રેસ સાથે ડાબેરીઓ અગાઉ ચૂંટણી સમજૂતિઓ કરી ચૂક્યા છે. ડાબેરીઓની મુખ્ય ઓળખ તો તેમની આર્થિક વિચારધારા છે ત્યારે તેમના કરતાં સાવ સામા છેડાની વિચારધારાના પક્ષો સાથેનું તેમના ચૂંટણી જોડાણને સમજવું અઘરું છે. શું ડાબેરીઓ બદલાઈ રહ્યા છે ? કે તેમણે બદલાવું જોઈએ ? તેવો પણ સવાલ કરી શકાય. અપારદર્શી અને સિદ્ધાણતહીન ગઠબંધનો કદાચ થોડી વધુ બેઠકો મેળવી આપે પણ જે રાજકીય વિચારધારાને તેઓ વરેલા છે તેનું શું ? જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ સંદીપ સૌરભ ‘માલે’ના ઉમેદવાર તરીકે આર.જે.ડી.ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે ચૂંટાયા છે. ત્યારે આર.જે.ડી.ના નેતા શહાબુદ્દીન જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ અને માલે નેતા ચન્દ્ર્ શેખર ઉર્ફે ચંદુની હત્યાના આરોપી છે તે ભૂલી શકાશે ? બિહારમાં ડાબેરીઓનો ઉભાર માત્ર બેઠક વધારો ન બની રહેતાં નવું નેતૃત્વ અને નવા લોકતાંત્રિક સમાજવાદી કાર્યક્રમોનું ટાણું પણ બનવો જોઈએ. ડાબેરી નેતાઓએ આ ચૂંટણીને જનાંદોલન બનાવ્યું હતું. હવે તેને ગંભીર વૈચારિક આયામ આપી આમ આદમીના સવાલોને વાચા આપતા સામાજિક-રાજકીય આંદોલનમાં બદલવાની  જરૂર છે.

(તા.૦૨-૧૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઋષિતુલ્ય ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

કશ્યપ મહેતા, કશ્યપ મહેતા|Opinion - Opinion|1 December 2020

ત્રિવેદીસાહેબ અમારે માટે વિષ્ણુકાકા હતા. નાનાં હતાં ત્યારે વાર-તહેવારે અચૂક એમના ઘરે જવાનું. ગમે એટલા વ્યસ્ત હોય પણ તરત જ આવકારે. નાનાને પણ એ તમેથી બોલાવતા. એમની એક ખાસિયત હતી કે એ ઉંમરમાં નાની વ્યક્તિને પણ તુંકારે બોલાવતા નહિ. એમના મોઢામાંથી તું શબ્દ ક્યારે ય સાંભળ્યો હોય એવું યાદ નથી. સેવક ભાઈઓ(પટાવાળા)ને પણ માનવાચક તમેથી જ સંબોધતા. એમનું ઘર આમ તો આદર્શ સોસાયટીમાંનો બંગલો, પરંતુ પ્રવેશો એટલે તમને આશ્રમમાં પ્રવેશતા હોય એવા વાતાવરણની અનુભૂતિ થાય. આશ્રમ જેવું શાંત, સાદગીભર્યું સ્વસ્થ વાતાવરણ. સૌ મૃદુ અવાજે જ બોલે. એક જાતની અદબ જાળવે. ત્રિવેદી સાહેબ શ્વેત ધોતી, સફેદ લાંબુ શર્ટ, લાંબી બાંઇનું, ગળાનું બટન પણ બીડેલું હોય, એમના ઉત્તરાભિમુખ પલંગ ઉપર બેઠા હોય, જમણા હાથ ઉપર એમનો હાથ પહોંચે એ રીતે ગોઠવેલું એક મેજ અને મેજ ઉપર તાજેતરમાં આવેલાં પુસ્તકોની થપ્પી. એ એમના હાથમાં અથવા પલંગ ઉપર જે વાંચતાં હોય એ પુસ્તક પડ્યું હોય. પરંતુ બધું જ એકદમ વ્યવસ્થિત.

સુરત આવતા મહાનુભાવો માટે ત્રિવેદીસાહેબનું ઘર એક તીર્થસ્થાનથી જરાયે ઊતરતું નહોતું, ઉમાશંકર, સુન્દરમ્‌, બળવંતરાય, સ્નેહરશ્મિ, યશવંતભાઈ શુક્લ, જયંત પાઠક, ઉશનસ્‌ જેવી લબ્ધ-પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એમને મળ્યા વગર જતી નહિ. કલાકો ગોષ્ઠી ચાલતી, ઉમાશંકરને ત્રિવેદી-સાહેબે યુગપુરુષ કહ્યા હતા, કહેતા, “૧૯૫૦ પછીના ગુજરાતી સાહિત્યયુગને હું ઉમાશંકરયુગ કહું છું.”

એમના અનેકાનેક વિદ્યાર્થીઓ, જેમાંનાં કેટલાંકે બીજી પેઢીના સાહિત્યકારો, લેખકો તરીકે નામના મેળવી હતી, સ્નેહીજનો, દીકરા/દીકરીનું કે નવા આવાસનું નામ શોધવા, એવા અનેક લોકો એમને ત્યાં આવતા અને આવકાર પામતા. રસ્તે પસાર થતો લારીવાળો પણ એમના દર્શને આશીર્વાદ લેવા આવી ચડતો. બેસતા વર્ષે તો એમને ત્યાં રીતસરની ભીડ જામતી અને એ તમામને નામથી બોલાવતા અને આશીર્વચન સંભળાવતા. પુસ્તકપ્રેમીઓ પણ પુષ્કળ આવતા. પોતાના લખેલ લેખ કે પુસ્તક વિષે અભિપ્રાય લેવા, માર્ગદર્શન લેવા તો વળી નવા વાંચવા લઈ જવાવાળા પણ આવતા. જે કોઈ પુસ્તક કે સામયિક કોઈને વાંચવા આપે તો એની નોંધ જાતે રાખતા એટલે એમનાં પુસ્તકો ક્યારે ય ખોવાતાં નહિ. એમને ત્યાં આવનારાઓનો એક વિવિધરંગી પ્રવાહ હતો. એમને ત્યાં જામતી મંડળીમાં અજબગજબની ચર્ચાઓ થતી. ભાર કે દેખાડા વગરનું મોકળાશભર્યું, વિદ્વત્તાસભર, ચર્ચાઓનું વાતાવરણ સર્જાતું, જેના કેન્દ્રસ્થાને ત્રિવેદીસાહેબ જ હોય એ સ્વાભાવિક છે. ઘણી વાર એકદમ અજાણ્યા માણસો પણ એમના દર્શને આવી ચડતા, સ્વપરિચય આપતા અને નમન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવતા, દક્ષિણ ગુજરાતના કુલપતિ તરીકે ડૉ, ઉપેન્દ્ર બક્ષીની વરણી થઈ. ડૉ. બક્ષીને ત્રિવેદીસાહેબ સાથે કોઈ પરિચય નહોતો, પરંતુ સુરત આવીને અચાનક એક દિવસ ત્રિવેદીસાહેબના દર્શને આવી ચડ્યા. આવી હતી વિદ્વત્તા-પાંડિત્યસભર વ્યક્ત્વિની સુવાસ ત્રિવેદીસાહેબની.

ક્યારેક રમૂજભરી ઘટનાઓ પણ બનતી, એક વાર એક અપરિચિત સજ્જન આવી ચડ્યા, પહેલા ત્રિવેદીસાહેબને નમન કર્યા, પછી આજુબાજુ દીવાલ પર લટકાવેલ તસવીરોમાંથી એક તસ્વીરની નજીક જઈ હાથ જોડ્યા. ત્રિવેદીસાહેબને નવાઈ લાગી એટલે એમણે પૂછ્યું કે ભાઈ તમે આ તસવીરને કેમ નમન કર્યાં? પેલા સજ્જને એકદમ નિર્દોષતાથી ઉત્તર આપ્યો, આપના બાપુજી છેને એટલે. ત્રિવેદીસાહેબે માંડ હાસ્ય ખાળ્યું અને કહ્યું, ભલા માણસ, આ તસવીર તો ગોવર્ધનરામ ત્રિપાઠીની છે – સરસ્વતીચંદ્રના લેખક. ત્યારે પેલા સજ્જનને થયું આ તો ભારે ભૂલ થઈ ગઈ.

ત્રિવેદીસાહેબ એટલે પ્રજ્ઞાપુરુષ, ઋષિતુલ્ય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ હરોળનું નામ. એમ.ટી.બી. કૉલેજના રળિયામણા કૅમ્પસનું શ્રેય એમને જાય છે, કૉલેજના પ્રાંગણમાં એકએક ફૂલછોડ, વૃક્ષ એમણે પસંદ કરી રોપાવેલાં. એમ.ટી.બી. કૉલેજમાં કૅમ્પસ ઉપર જ રહેતા. કૉલેજથી માંડ પાંચસો ડગલાં દૂર એમનો બંગલો, ત્રિવેદીસાહેબ કાયમ છત્રી એમની સાથે રાખતા. શ્વેત ધોતી, ઉપર શ્વેત લાંબુ ખમીસ, ઉપર લાંબો ડગલો (બંધ ગળાનો કોટ), પગમાં કાળા જોડા (સ્લીપઑન) ભૂખરા રંગનાં મોજાં પર પહેરેલા હોય, હાથમાં છત્રી અને માથે ફેંટો. એકવડિયો બાંધો પણ ખાસ્સું ઊંચું કદ એટલે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વના એ સ્વામી હતા. એમને હંમેશાં અમે તબિયતે નાજુક જોયા છે, એમના કમરાની બારી એ હંમેશા બંધ રાખતા. એમના કમરામાં ચાવીવાળું ભીંતઘડિયાળ હતું, જેમાં ટકોરાની ચાવી એ ક્યારે ય આપવા દેતા નહીં, જેથી રાત્રે એમને ખલેલ ન પહોંચે, સામાન્ય રીતે એ પોતાના કમરામાં જ રહેતા, ક્યારે ય બહાર નીકળ્યા હોય એવું ધ્યાન નથી, એમનાં પત્ની શાંતાબહેન બિમાર પડ્યાં ત્યારે એમને નડિયાદ વૈદને બતાવવા જવાનું થયું, ત્યારે હું એમને મોટરરસ્તે લઈ ગયેલો, એના સિવાય મને એઓ ઘરની બહાર નીકળ્યા હોય એવું ધ્યાન નથી.

પ્રકૃતિપ્રેમી ત્રિવેદીસાહેબ એમના બંગલેથી નીકળે ત્યારે દરેક વૃક્ષને નિહાળે, જાણે પ્રકૃતિ સાથે વાર્તાલાપ ના કરતા હોય, કૉલેજ પહોંચતા એમને વીસપચ્ચીસ મિનિટ થાય. માળીને સૂચના આપતા જાય. કૅમ્પસના એકએક વૃક્ષની એમને ઓળખ. દરેક વૃક્ષ પર એમણે નામની તખતી લગાવડાવેલી. વિનોબા ભાવે સુરત આવ્યા ત્યારે ત્રિવેદીસાહેબે એમના હસ્તે કૅમ્પસ પર બોરસલીનું વૃક્ષારોપણ કરાવડાવેલું. ત્રિવેદીસાહેબ પક્ષીઓને અવાજ પરથી ઓળખી શકતા, પક્ષીઓની ઋતુચર્યાની અત્યંત બારીક ખાસિયતો વિષે એમની પાસે અખૂટ માહિતી હતી, વિદ્વત્તા એમની રગેરગમાં હતી, આમ છતાં એવું કહેતા કે હું સાહિત્યકાર હોઉં કે ન હોઉં પણ હું અધ્યાપક છું જ અને મને અધ્યાપક હોવાનું સતત ગૌરવ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આરંભ ટાણે ઉમાશંકર જાતે ત્રિવેદીસાહેબને અધ્યક્ષપદ માટે સમજાવવા આવેલા, પરંતુ ત્રિવેદીસાહેબે સવિનય અસ્વીકાર કર્યો. એમ.ટી.બી. કોલેજનું સદ્‌ભાગ્ય કે ત્રિવેદીસાહેબ જેવી અનેક વિભૂતિઓએ. એમ.ટી.બી.ને જ પોતાની કર્મભૂમિ બનાવી જીવનના અંતિમ શ્વાસ સુધી. એમ.ટી.બી.ની ગૌરવગાથાનાં સુવર્ણપૃષ્ઠો આવી વિરલ વ્યક્તિઓનાં નામથી આભૂષિત છે, ત્રિવેદીસાહેબે જીવનના છેલ્લા દાયકા દરમિયાન ભાષા વિશેની સમાજની ઉદાસીનતા, ટી.વી.નું આક્રમણ, ઘટતાં જતાં સામાજિક મૂલ્યો, બદલાતી રહેણીકરણી, પીડાદાયી લાગતી છતાં પોતાનાં બાળકો, પૌત્રીઓને ટકોર્યાં હશે પણ સખતાઈ નથી કરી.

અમારા કુટુંબ સાથે અત્યંત ગાઢ સંબંધ, મારા પિતાશ્રી(કુંજવિહારી મહેતા)ને ત્રિવેદીસાહેબ  પુત્ર સમાન જ ગણતા, અવારનવાર મારા પિતાશ્રીને પુસ્તકો ભેટ મોકલતા, પુસ્તકના ફ્લાયલીફ ઉપર એમના હસ્તાક્ષરોમાં કંઈક લખ્યું હોય. આવાં અનેક પુસ્તકો અમારી મહામૂલી મૂડી છે. ત્રિવેદીસાહેબે પોતાની નિવૃત્તિને દિવસે એક પુસ્તક મોકલ્યું હતું, જેમાં એમના હસ્તાક્ષરોમાં એમણે આ કાવ્યપંક્તિ લખી હતીઃ

“હવે મારી નજર સુભગ ભૂતકાળે ઠરે,
ભવિષ્ય નહિ સ્પષ્ટ, ડગ ધરતા દ્વિધા શી નડે?”

મારા પિતાશ્રી એમ.ટી.બી. કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા એ દિવસે જે પુસ્તક ભેટ મોકલ્યું હતું એ પુસ્તક પર લખ્યું હતું, “આજના આ સોહામણા ટાણે, શુભેચ્છાસહ ..”

મૃત્યુની અગમજાણ એમને એકાદ મહિના પહેલાં થઈ ગયેલી. દસમી નવેમ્બરે એમનું અવસાન થયું તેના એકાદ મહિના પહેલાં તેમણે એમની ડાયરીમાં નોંધ લખી હતી, “મૃત્યુનો દિન પવિત્ર છે, કશો ય શોક કરવો નહિ, ક્રિયાકર્મ પણ કરાવવાં નહિ,”

ભાષાવિદ્દ, મૂર્ધન્ય સાહિત્યકાર, બહુમુખી પ્રતિભાસંપન્ન, સહૃદયી, સાચા અર્થમાં પંડિત, અને સંતપુરુષે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સુરતને કર્મભૂમિ બનાવીને અહીં જ વસ્યાં એ સુરતનું સદ્‌ભાગ્ય છે, પરંતુ આવી વિદ્વત્તા અને પાંડિત્યસભર વ્યક્તિની કદર કરવાનું આપણે ચૂક્યા છીએ. વાસ્તવિકતા તો એ છે કે આપણે ઇતિહાસ, ઐતિહાસિક ઇમારતો ખંડેર બનાવી દીધાં પછી શોધવા નીકળીએ છીએ, પરંતુ દંતકથારૂપ વ્યક્તિ વિશેષોની અવગણના કરતા આવ્યા  છીએ. સમસ્ત ગુજરાતમાં ત્રિવેદીસાહેબ જેવી વ્યક્તિઓ જૂજ પાકે છે, જે-તે સમયમાં આવાં પ્રસારણ માધ્યમોના અભાવે એમની પ્રતિષ્ઠા છેવાડા સુધી પહોંચી નહિ એ વિડંબના છે, આજની પેઢીની એ જવાબદારી બને છે કે આવી દંતકથારૂપ વ્યક્તિઓની જીવનકથાનો વારસો આવનારી પેઢી સુધી સુપરત કરે તો જ ઇતિહાસ સાહિત્યકારો લખશે, નહિ તો હવે પછીની પેઢી રાજકારણીઓએ લખેલા ઇતિહાસ ભણશે અને એ સમયે સાચુંખોટું ભેદ તારવવાનું શક્તિસામર્થ્ય એમની પાસે નહિ હોય.

સ્મરણોની કેડીએ આંગળી પકડી એક પછી એક પ્રસંગો, સ્મરણપટ પર ઊપસતા જાય છે, અને સન્મુખ છે પૂજ્યશ્રીનો મરકતો, ગૌરવર્ણો તેજસ્વી ચહેરો, એમના નિવાસસ્થાન “મૈત્રી” સામેથી પસાર થતાં ચિત્ત, ત્રણચાર દાયકા રિવાઇન્ડ થઈ જાય છે અને વાસ્તવિકતાનાં શૂળ ભોંકાય છે પરંતુ   સ્મરણો એ જ મોટી મૂડી એમ માની મનને મનાવવું રહ્યું.

સત્યગરવો, રમણીયતાનો ઉપાસક, પ્રકૃતિપ્રેમી, નિઃસ્પૃહતા જેમના આચાર અને વિચારમાં વસતી, ગુજરાતી સાહિત્યના વાંગ્મય અવતાર સમો એમનો પુરુષાર્થ ચિરંજીવ છે અને સાચા સાહિત્ય ઉપાસકોમાં એ અજસ્ર ધબકતો રહેશે, આ મહાપુરુષને એમની પુણ્યતિથિએ ભાવસભર શ્રદ્ધાંજલિ! ……

(દસમી નવેમ્બરે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિદાયને ૩૦ વર્ષ થયાં)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 09-10

Loading

...102030...2,1382,1392,1402,141...2,1502,1602,170...

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved