Opinion Magazine
Number of visits: 9573402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાના ચમકારે કેટકેટલાં સત્યો પ્રગટ થયાં?

રાજમોહન ગાંધી|Opinion - Opinion|14 October 2020

લાંબા સમય પછી પણ આપણે હજી દુનિયામાંથી કોરોના વાઇરસને વિદાય આપવા પ્રાર્થના કરી રહ્યાં છીએ, ત્યારે વાઇરસની ઉત્પત્તિ જ્યાંથી થઇ ત્યાં કહેવાયેલું એક વિધાન સંભારવું રહ્યું. 30 જાન્યુઆરીએ વુહાનના 34 વર્ષીય ડૉક્ટર લિ વેનલિઆંગે (Li Wenliang) કહ્યું કે, “સ્વસ્થ સમાજમાં એક કરતાં વધારે અવાજ હોવા જોઈએ.”

તેમની આ ટિપ્પણી ૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ સિંગાપુરના ‘સ્ટ્રેઇટ્સ ટાઇમ્સે’ પ્રકાશિત કરી. તેના એક દિવસ પછી લિ વેનલિઆંગ વુહાનની એક હૉસ્પિટલના આઇ.સી.યુ.માં મૃત્યુ પામ્યા. જે વાઇરસથી તેમણે બીજાને બચાવવાનો પ્રયત્નો કર્યા, તેનાથી તે પોતે મૃત્યુ પામ્યા. લિએ પોતાની મૅડિકલ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ‘WeChat’ ગૃપમાં 30 ડિસેમ્બર, 2019એ જાણ કરી હતી કે સ્થાનિક સી ફૂડના બજારમાં જઈને આવેલાં સાત દરદીઓને હૉસ્પિટલના એક વૉર્ડમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. લિએ પોતાના મૅસેજમાં કહ્યું હતું કે તેમની સારવાર દમિયાન તેમને શ્વાસોચ્છ્વાસને લગતો રોગ જોવા મળ્યો છે. તેમના મૅસેજનો સ્ક્રીનશોટ (ફોટો) લીક થયો. ચાર દિવસ પછી વુહાન પોલીસ દ્વારા “ઑનલાઇન અફવાઓ ફેલાવવા અને સામાજિક વ્યવસ્થાનો ભંગ કરવા” બદલ લિને ધમકાવવામાં આવ્યા.

વાઇરસનો ફેલાવો થયા પછી, ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટે વુહાન પોલીસની આડકતરી રીતે ટીકા કરી હતી. સિંગાપુરનું ‘સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ’ કોર્ટને ટાંકીને લખે છે, “જો લોકોએ ‘અફવા’ને માની લઈ માસ્ક પહેરી અને સ્વચ્છતા-સાવચેતી(સેનેટાઇઝેશન)નાં વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું હોત, અને જંગલી પ્રાણીઓનાં બજારમાં જવાનું ટાળ્યું હોત તો તે લાભદાયી થયું હોત.” લિને ઠપકો આપવામાં આવ્યો, તેનાં ચાર અઠવાડિયા પછી અને લિના મૃત્યુના દસ દિવસ પહેલાં 28 જાન્યુઆરીએ આ વાત કહેવામાં આવી. લિને મૃત્યુ પછી જાહેરમાં પ્રતિષ્ઠા આપવામાં આવી અને ચીનનું રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવ્યું.

ભવિષ્યમાં લોકો તેમના સન્માનને કેટલું યાદ રાખશે તે અંગે કશું કહી શકાય નહીં, પરંતુ “એક કરતાં વધારે અવાજ”ની તેમની વાત સતત પ્રસ્તુત રહેશે. હું નથી માનતો કે લિની ટિપ્પણી મને એકલાને જ ગાંધીના વિચારો તરફ દોરી ગઈ હોય — અને એટલે પણ નહીં કે આ ટિપ્પણી જાન્યુઆરી 30એ કરવામાં આવી હતી. પરંતુ ગાંધી અને લિની વાતને સાથે મૂકીએ તો કેટલાક પ્રતિબિંબ ઊભરી આવે છે.

એક કરતાં વધારે વિચારોને – દૃષ્ટિકોણને સાંભળવાની સલાહ માત્ર ચીનને જ નહીં, દરેક સમાજ અને રાજ્ય વ્યવસ્થાને લાગુ પડે છે. દાખલા તરીકે, આપણા વડા પ્રધાન નોટબંધી અથવા દેશવ્યાપી લૉક ડાઉન જેવા દૂરગામી પગલાંની જાહેરાત કરે તે પહેલાં તેઓ પોતાની કૅબિનેટના સાથીઓનો અભ્રિપાય પણ પૂછી જ શકે છે. શું તેમ કરવું વધારે ‘સ્વસ્થ’ બાબત નથી? અને તેમાં વધુ સમજદારી પણ ખરી કે નહીં? જો, આપણી વૈવિધ્યસભર જમીનના દરેક ખૂણે વસેલાં છેવાડાના માનવીને અસર કરતી બાબત અંગે, વડા પ્રધાન આપણા રાજ્યોના મુખ્ય મંત્રીઓને પણ પૂછે તો ખરેખર તેનાથી તેમને (અને ભારતને) લાભ જ થશે. કોરોના વાઇરસ સામેની લડતમાં મુખ્ય મંત્રીઓ અને જિલ્લા અધિકારીઓની ભૂમિકા નિર્ણાયક છે તે સ્પષ્ટ થઇ ગયું છે.

લિને ત્યારે ખ્યાલ નહોતો, પરંતુ 30 જાન્યુઆરીએ તેમણે કરેલી ટિપ્પણી દૂરગામી પગલાં માટેની સંભાવનાઓનો મારગ ઉઘાડી આપે છે. ચીન અને ભારત જેવી મોટી રાજ્યવ્યવસ્થા એક અથવા બે વ્યક્તિઓ ચલાવી ન શકે. બીજી, કદાચ વધારે મહત્ત્વની વાત એ છે કે લિની સલાહ આજે તમામ ભારતીયો માટે પણ એટલી જ પ્રસ્તુત છે.

કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલ દેશવ્યાપી લૉકડાઉનને કારણે મોટા પ્રમાણમાં લાચાર લોકોના સ્થળાંતરે સમાજ તરીકેની આપણી નબળાઈઓને જાહેર કરી છે. ભારતીય સમાજની આ ક્રૂર વાસ્તવિકતા ઉઘાડી પડવા છતાં, જો આ સ્થળાંતર આપણને અસમાનતા અને ઉપલા-નીચલા સ્તરના ભેદભાવો સ્વીકારવા માટે ફરજ ન પાડે, તો તેનો અર્થ શો કરવો?

લિ વેનલિઆંગનું વિધાન અને તેનો સંદર્ભ મને યુવા ગાંધીએ એક સદી પહેલાં કરેલા પ્રયત્નોની યાદ અપાવે છે. ૧૮૯૬માં રાજકોટમાં પ્લેગના રોગચાળા સામે કામ કરતાં ૨૬ વર્ષની ઉંમરે ગાંધીએ જાણ્યું કે દલિતો પોતાનું ઘર કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના લોકો કરતાં વધારે ચોખ્ખુ રાખે છે. થોડાં વર્ષ પછી, વર્ષ ૧૯૦૪માં, તેમણે, બે સાથીઓ (મદનજિત વ્યાવહારિક અને વિલિયમ ગોડફ્રે) સાથે મળીને દક્ષિણ આફ્રિકામાં બહાદુરીપૂર્વક લડત ચલાવી હતી. તેમણે જોહનિસબર્ગની બહાર બ્રિકફિલ્ડ્સમાં ગીચ વસાહતમાં રહેતા ઘણા પ્લેગગ્રસ્ત ભારતીયોના જીવ બચાવ્યા. તેમણે ભારતીયોને અસુરક્ષિત વસાહત ખાલી કરી, નવા ટેન્ટ-હાઉસમાં સ્થળાંતરિત થવા માટે પ્રેરિત કર્યા. ગાંધીજીએ તેમને કહ્યું ‘સ્વચ્છ અને આરોગ્યપ્રદ’ રહેવાને આપણા જીવનનો ભાગ બનાવો. વધારે ભીડનો ‘સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ’ અને ‘આપણે મુક્તપણે સૂર્યપ્રકાશ અને હવામાં રહેવું જોઈએ.’

ગાંધી તે સમયે ૩૪ વર્ષના હતા. લિ વેનલિઆંગ આ ઉંમરે મૃત્યુ પામ્યા. ત્યાર પછીના વર્ષોમાં ગાંધીએ આપેલી ચેતવણીને આજે ૨૦૨૦માં જ્યારે લાખો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે ત્યારે નકારી શકાય તેમ નથી. જ્યાં સુધી આપણી સરકાર અને લોકો સાથે મળીને જીવન અને આજીવિકા અંગે સમગ્ર દેશમાં પરિવર્તન નહીં લાવવામાં આવે, ત્યાં સુધી ભારતીય સમાજ રોગગ્રસ્ત જ રહેશે. આજે દેશમાં જે પ્રકારે દોઢ અબજ ભારતીયો, ડઝન જેટલાં મેગાસિટી અને સો જેટલાં નાનાં શહેરોમાં અમાનવીય રીતે રહે છે. તે જોતાં ભવિષ્યમાં આ પ્રકારનો વાઇરસ વધુ ઝડપથી ચેપ લગાડે અથવા આગળ વધે-ફેલાય એવી ભારે સંભાવના રહે છે.

છેવટે, ભારત-ચીન સરહદે આજે અસહજ પરિસ્થિતિ ઊભી થઈ છે. મહામારી અંગે ચીનની સરકારને ઘણે અંશે જવાબદાર ઠેરવીને તેમ જ ચીનના શાસનમાં લોકશાહી વ્યવસ્થાની ઉણપ હોવા છતાં, આપણાં દિલમાં ચીનના લોકોને દોષિત ન માનીએ.

આપણા સૌ માટે ગાંધીનું એ સત્ય આજે વધુ પ્રસ્તુત બન્યું છે, જે તે સતત કહેતા રહેતા. લિ વેનલિઆંગની ટિપ્પણી પણ આપણું ધ્યાન તે તરફ જ દોરે છે : પાપ પ્રત્યે ઘૃણા (અંતર) રાખો, નહીં કે પાપી પ્રત્યે કે મનુષ્ય પ્રત્યે. તે જે કરે છે, તેમાં શક્ય છે આપણે અસહમત હોઈએ. પરંતુ તેના કારણે આપણે તે વ્યક્તિ જે જાતિ, ધર્મ અથવા સમુદાયમાંથી આવે છે, તેના પ્રત્યે તિરસ્કાર રાખી શકીએ નહીં.

સમસ્ત માનવ પરિવાર પર સમાન રીતે હુમલો કરીને કોરોના વાઇરસે એ બતાવ્યું છે કે વ્યક્તિને તેનાં ચામડીના રંગ, લોહીના પ્રકાર કે ધર્મના આધારે દોષ દેવો કેટલું મૂર્ખામીભર્યું છે. પરંતુ આપણને આપણા પૂર્વગ્રહો એટલા વહાલા હોય તો પછી આપણે આ કોવિડ-૧૯ની કટોકટી છતાં તેનાથી અળગા રહીને – નિંદ્રામાં પડ્યા રહીને અગાઉની જેમ જ પૂર્વગ્રહોથી ગ્રસ્ત અને માનવતાનાં સામાન્ય મૂલ્યોથી દૂરના દૂર રહીને જીવ્યા કરીશું.

કોરોના વાઇરસની કટોકટી દરમિયાન અને તે પહેલાં ભારતમાં રહેતા લોકો જે ‘ચીનના લોકો જેવા દેખાય’ છે — જેમ કે આસામિયા, ખાસી, મૈટી, મિઝો, નાગા, નેપાળી, તિબેટિયન અને બીજા —તેમને ભેદભાવ અને હિંસાનો ભોગ બનવું પડ્યું છે. હું આશા રાખું છું કે ભારતીયો ચીનના લોકો અને તેમના જેવા દેખાતા લોકોની વિરુદ્ધમાં ચાલી રહેલી ઝુંબેશનો જાહેરમાં અને અંગત જીવનમાં પણ વિરોધ કરશે.

કોરોના વાઇરસનો આ ભયાનક ચમકારો એક સત્યની વીજળી સમો છે, જે અત્યારે પૂર્વગ્રહોને ખુલ્લા પાડવાનું કામ કરી રહ્યો છે.

(‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત લેખનો અનુવાદ)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 09-10

Loading

માળખાંકીય સુવિધાઓ અને મનોરંજન વચ્ચેનો તફાવત સમજવા જેવો છે

કાર્તિકેય ભટ્ટ|Opinion - Opinion|14 October 2020

શું તમે કદી આનંદમેળામાં કે એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ટ્રેન હોય છે, પ્લેન હોય છે, બોટ હોય છે. નાનાં-મોટાં વિસ્મયકારક પ્રદર્શનો હોય છે. પણ આ બધું જ હોય છે માત્ર મનોરંજન માટે, ઘડી-બે ઘડીના આનંદ માટે અને ખાસ તો રૂપિયા ખર્ચીને હળવા થવા માગતા સંપન્ન કુટુંબનાં લોકો માટે !

આવા આનંદમેળા હવે ગામડાંમાં પણ થાય છે. ગામડાંમાં પણ પૈસા ખર્ચી શકે તેવા લોકો આ મનોરંજનનો લાભ લે છે. છતાં, ગામડાંનાં લોકોને એટલી ખબર તો પડે જ છે કે આ માત્ર ઘડી-બે ઘડીનું મનોરંજન છે. આ આનંદમેળા કે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડને કાયમી સેવા કે અર્થશાસ્ત્રની ભાષામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી ન શકાય! આનંદમેળાની ગાડી કાયમી અપ-ડાઉનની સુવિધા નથી આપતી! પ્લેન કે બોટીંગ એ કાયમી સગવડો નથી, ભ્રમણા છે, દેખાડો છે, બે ઘડીનું મનોરંજન છે.

ગામડાંમાં સામાન્ય માણસને સમજાય તેવી બાબતો દેશના ઉચ્ચ મધ્યમ વર્ગના ચર્ચાવીરોને કાં તો સમજાતી નથી, કાં તો તેમને સમજવી નથી. અને અર્થશાસ્ત્રના અભ્યાસીઓ હવે રહ્યા નથી, અથવા ચાલ્યા ગયા છે. બાકી કોઇક તો, ક્યાંકથી તો અવાજ ઉપાડત કે થોભો! સી પ્લેન ઉડાડવાની હમણાં કયાં જરૂર છે? માત્ર અમદાવાદથી મુંબઇ વચ્ચે આવ-જા માટે બૂલેટ ટ્રેનના રાક્ષસી મૂડીરોકાણ અને વિદેશી દેવાની શું જરૂર છે? શહેરમાં બી.આર.ટી.એસ. કે અમદાવાદ-ગાંધીનગરના માત્ર ૨૬ કિલોમીટરના અપ-ડાઉન માટે હજાર કરોડનું મૂડીરોકાણ ન કરો. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર આંતર મૂડી માળખાંની સગવડોના વિકાસ પર હોય છે.

રસ્તા-પાણી-વીજળી-સંદેશાવ્યવહાર-વાહનવ્યવહાર વિકસે પછી અર્થતંત્ર આપોઆપ વિકસે, પણ જેમ ઘટના અને પ્રક્રિયામાં ફેર છે, તેમ આખા દેશમાં ટ્રેનની સુવિધા અને માત્ર બે શહેર વચ્ચે ટ્રેનની સુવિધા ઊભી કરવી તે બે બાબતમાં ફેર છે. એમ તો મુંબઈથી પૂણે વચ્ચે ટ્રેન અંગ્રેજોએ શરૂ કરી હતી, પણ આપણે તેને આંતરમૂડી માળખું ગણી શકીએ નહીં. રેલવે આંતરમૂડી માળખાંનો હિસ્સો તો ત્યારે બની, જ્યારે તે કાશ્મીરથી આસામ સુધી મુસાફરો, ખેતઉત્પાદનો, ઔદ્યોગિક સામાન બધું જ લાવવા- લઈ જવામાં મદદરૂપ થવા લાગી. મોટાં શહેરોમાં શહેરદર્શન માટે રંગબેરંગી સુશોભિત બસો ફરે છે પણ તે વાહનવ્યવહારની સગવડ ત્યારે જ બને છે, જ્યારે સિટી બસ મજૂરો-નોકરિયાતો-વિદ્યાર્થીઓ સૌના અપ-ડાઉનને સરળ બનાવે!

અર્થશાસ્ત્ર એ અછતવાળાં સાધનોનો માણસ પોતાની અમર્યાદિત જરૂરિયાત સંતોષવા કઈ રીતે ઉપયોગ કરે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સામાન્ય જન નહીં તો, કમ સે કમ અર્થશાસ્ત્રીઓએ તો બોલવું જોઈએ કે સરકારોએ દેશનાં અછતવાળાં સાધનોનો ઉપયોગ એવા ક્ષેત્રમાં કરવો જોઈએ, જયાં લાભ વ્યાપક હોય અને સમયની રીતે લાંબા ગાળાના હોય! છેલ્લાં વર્ષોમાં ભારતમાં સરકાર દ્વારા જે મોટાં મૂડીરોકાણો હાથ ધરાયાં છે તે દેશનું અર્થતંત્ર જાણે કે એમ્યુઝમેન્ટ પાર્ક હોય તે રીતે થઇ રહ્યાં છે. માત્ર બે શહેર વચ્ચે બુલેટ ટ્રેન કે માત્ર બે શહેર વચ્ચે સી પ્લેન!

જરા ધ્યાનથી જુઓ. શહેરના ઉચ્ચ ધનિક વર્ગના લોકોને એક માનસિક સંતોષ મળે કે હા, અમે પણ સી પ્લેનમાં બેઠા! હા, અમે પણ બુલેટ ટ્રેનમાં મુંબઇ ગયા’તા. એનાથી વિશેષ કયો લાભ આ હજારો કરોડોના રોકાણમાંથી મળવાનો છે? હા, એટલું ખરું કે આટલી મોટી મૂડી તેમાં રોકાઈ જશે તો તે દવાખાનાં, સ્કૂલ, ગામડાંના રસ્તાને નહીં મળે. રીવરફ્રન્ટ, તળાવ-વિકાસ, બુલેટ ટ્રેન વગેરેના નિર્માણમાં જે લોખંડ-સિમેન્ટ વપરાશે તે અર્થતંત્રનાં ઉત્પાદક કામોમાં નહીં વપરાય! આ વિકાસ માત્ર જોઇને રાજી થવાનો છે. અનુભવીને નહીં!

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 13

Loading

સ્ત્રીઓ પરની હિંસા કેમ અટકતી નથી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 October 2020

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પરના બળાત્કારની ઘટના કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. દેશમાં દર પંદર મિનિટે બળાત્કારની એક ઘટના નોંધાતી હોવાનું દેશનું ગૃહ મંત્રાલય સત્તાવાર રીતે કબૂલે છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે છેલ્લા સત્તર વરસોમાં સ્ત્રીઓ પરના બળાત્કારના કેસો બે ગણા વધ્યા છે. બીજી તરફ બળાત્કારીઓને સજાનો દર ઘટી રહ્યો છે. ૨૦૦૬માં બળાત્કારના ગુનેગારોની સજાનો દર ૨૭ ટકા હતો તે ૨૦૧૬માં ઘટીને ૧૮.૯ ટકા થઈ ગયો હતો.

શું બળાત્કાર સહિતની મહિલાઓ પર ગુજારાતી હિંસા કાયદો અને વ્યવસ્થાનો જ સવાલ છે ? તેનો જવાબ હા પણ છે અને ના પણ છે. દિલ્હી, કઠુઆ, ઉન્નાવ, હૈદરાબાદ અને હવે હાથરસ જેવા જે મોટા સ્ત્રી હિંસાના અને સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે, તે દર્શાવે છે કે દેશમાં કાયદાનું મજબૂત શાસન છે અને તે તેમને છોડશે નહીં તેવો ગુનેગારોને ડર નથી. નિર્ભયા કાંડ અને તે પછીના જે કેટલાક બળાત્કારના બનાવો નોંધાયા છે, તેમાં મહિલા વિરોધી યૌન હિંસા અસહનીય હદે ક્રૂર રીતે પ્રગટી છે. સભ્ય સમાજ હોવાના આપણા તમામ દાવાને તેણે નકારી દીધા છે. હાથરસમાં જે જઘન્ય હિંસા આચરાઈ છે તેણે તો કોઈ પુરુષ કઈ હદે ક્રૂર બની શકે તે દર્શાવ્યું છે.

ભૂતકાળના બળાત્કાર અને યૌન હિંસાના બનાવો અને હાલના બનાવો એ વાતે પણ નોખા છે કે હવેના બનાવો સામૂહિક બળાત્કારના હોય છે, તેમાં બળાત્કાર પછી મહિલાને રહેંસી નાંખવામાં આવે છે, એટલે આ કોઈ સામાન્ય અપરાધી કે અપરાધી માનસનું કૃત્ય નહીં પણ અપરાધ સમૂહોનું કૃત્ય હોય તેવો પણ અંદેશો જાગે છે. પ્રતિષ્ઠિત અને ધર્મ, રાજ તથા અર્થસત્તા ધરાવતા લોકો યૌન હિંસા આચરવામાં મોખરે હોય છે. જાણે આખા સમાજનું અપરાધીકરણ થયું હોય તેમ આ બનાવોની પેટર્ન જોતાં લાગે છે. તેમાં પોલીસ અને તેને જેની ઓથ છે તે સરકારોની ભૂમિકા બહુ ભૂંડી છે.

જેમ હૈદરાબાદમાં તેમ હાથરસમાં પણ પોલીસ શરૂઆતમાં ફરિયાદ અને તપાસમાં વિલંબ કરતી જોવા મળી છે. સ્ત્રી હિંસાને ડામવા માટે પોલીસનું સંવેદનશીલ હોવું તે પોલીસ રિફોર્મનું પ્રથમ પગથિયું જ હજુ ભરાતું નથી. દેશ વિદેશમાં બહુ ગાજેલા ૨૦૧૨ના દિલ્હીના નિર્ભયા કાંડના દોષિતોને સજા અપાવવામાં સાત વરસ થયાં હતાં મહારાષ્ટ્રના ખેરલાંજી બળાત્કાર અને હત્યાકાંડને ચૌદ વરસ અને રાજસ્થાનના ભંવરીદેવી બળાત્કારને તો ત્રીસ વરસ થયાં છે પણ હજુ અંતિમ ન્યાય મળવાનો બાકી છે.

ભારતની સર્વોચ્ચ અદાલતમાં આશરે પચાસ હજાર, વડી અદાલતોમાં પચાસ લાખ અને દેશની અન્ય અદાલતોમાં ત્રણ કરોડ કેસો ન્યાયની આશા રાખીને ઊભા છે. સ્ત્રી વિરોધી હિંસા આચરતા અપરાધીઓને જાણે કે કાયદાથી બચવાના તમામ પ્રયાસોની ખબર છે પોલીસ તપાસ અને ન્યાયની અદાલતોમાં ત્વરિતતા અને તત્પરતાનો અભાવ છે. અદાલતોમાં લંબિત મામલાઓની સંખ્યા કરોડોની હોય, ન્યાયાધીશોના ઘણા પદ ખાલી હોય અને બળાત્કારના લાખો કેસ ન્યાયની રાહમાં અદાલતોમાં પડતર હોય તો મહિલાઓ પરની હિંસા અટકે ખરી ? બળાત્કારના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો અનુભવ પણ પણ સારો નથી. માર્ચ ૨૦૧૯માં ૫૮૧ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૫,૯૦,૦૦૦ કેસો પડતર હતા. બળાત્કારના કુલ કેસોમાં મોટો હિસ્સો ધરાવતા રાજ્યોમાં તો ફાસ્ટ કોર્ટો જ નથી.

ન્યાયની ઓછી અને પુરાવાની વધુ એવી ભારતની અદાલતોમાં દર ચારમાંથી એક જ બળાત્કારના આરોપીને સજા થાય છે અને બાકીના ત્રણ નિર્દોષ છૂટી જાય છે. ૨૦૧૮માં બળાત્કાર વિરોધી કાયદા હેઠળના કેસોમાંથી ૯૩.૨ ટકા અને પોક્સો એકટ હેઠળના કેસોમાંથી ૯૪.૩ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ થયા હતાં. પરંતુ આ બંને ગુના હેઠળ અનુક્રમે ૨૭.૩ ટકા અને ૩૧.૫ ટકા જ આરોપીઓ દોષિત ઠર્યા હતા. યૌન હિંસામાં ૯૯.૧ ટકા કિસ્સામાં તો ફરિયાદ જ થતી ન હોય ત્યારે સજાનો આટલો નીચો દર ચિંતાજનક છે.

૨૦૧૨ના નિર્ભયા કાંડ પછી રચાયેલી જસ્ટિસ વર્મા સમિતિની ભલામણોને અનુલક્ષીને કાયદામાં સુધારા કરાયા છે. મહિલા સલામતી માટે વિશેષ નિર્ભયા ફંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો મહિલા સુરક્ષાના મુદ્દે ઉદાસીન જણાય છે. નિર્ભયા કોષના પોણા ભાગનાં નાણાં વણવપરાયેલા રહ્યા છે. યુ.પી., દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાએ તેને ફાળવેલા નિર્ભયા ફંડમાંથી માત્ર સાત જ ટકાનો ખર્ચ કર્યો હતો. મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને દમણ-દીવે એક પણ રૂપિયાનું નિર્ભયા ફંડ વાપર્યું નથી. સૌથી વધુ ખર્ચ કરેલ રાજ્યો, મિઝોરમ અને ઉત્તરાખંડે પણ પચાસ ટકા રકમ જ વાપરી હતી.

મહિલાઓ પરના અત્યાચારો ખાસ કરીને યૌન હિંસા માટે સરકાર જેટલો જ સમાજ પણ જવાબદાર છે. પુરુષોની એટલે પુરુષસત્તાક સમાજની દૂષિત માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી આ બાબતમાં ઝાઝો ફેર પડવાનો નથી. ઉત્તર પ્રદેશના બદાયું બળાત્કાર કાંડ વખતે પોતાના જાતભાઈઓની તરફેણમાં બુઝુર્ગ સમાજવાદી નેતા ઓચર્યા હતા કે, ‘લડકે હૈ ભૂલ હો જાતી હૈ’. હવે આવાં વલણો અને માનસિકતા ચાલશે નહીં. યૌન હિંસા માટે સ્ત્રીઓની દિનચર્યા કે વેશભૂષાને પણ જવાબદાર ઠેરવવાની માનસિકતા છે. ગામડાંની ખેતકામદાર સ્ત્રીઓ કે ગરીબ, દલિત ,આદિવાસી સ્ત્રીઓ હિંસા અને બળાત્કારનો સૌથી વધુ ભોગ બને છે. નાની બાળકીઓ અને વૃદ્ધાઓ પર પણ બળાત્કાર થાય છે એટલે સ્ત્રીઓની આધુનિકતા અને વેશભૂષા નહીં પુરુષોની નીચ માનસિકતા  આ માટે જવાબદાર છે.

સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક તાકાત દેખાડવા કે સ્ત્રીઓ પર અને તે દ્વારા નબળા અને દબાયેલા વર્ગો પર નિયંત્રણ અને વર્ચસ્‌ સ્થાપવા બળાત્કારનું હથિયાર ઉગામવામાં આવે છે. રોજ ચાર દલિત મહિલાઓ પર બળાત્કાર થતા હોવાનું સત્તાવાર અહેવાલો જણાવતા હોય તો તેની ગંભીરતા સરકાર અને સમાજને સત્વરે સમજાવી જોઈએ. દારૂ અને નશાનું જોર પણ સ્ત્રી હિંસાનું પ્રમુખ કારણ છે. હિંસક અને અશ્લીલ ફિલ્મો અને પોર્નોગ્રાફીનો ફાળો પણ આ સમસ્યાને વકરાવે છે. મહિલાઓ પરની યૌન હિંસાને અટકાવવા વ્યાપક પ્રમાણમાં સમાજ સુધારણા થવી જોઈશે. બાળકોમાં શરૂઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતાના સંસ્કારો રોપવાની અને તેની સતત માવજત કરતા રહેવાની પણ જરૂર છે.

(તા.૧૪-૧૦-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,1292,1302,1312,132...2,1402,1502,160...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved